Smart chintu ane smart phone - 4 books and stories free download online pdf in Gujarati

સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૪. ચીંટુનો શાણપણભર્યો રવિવાર

ચીંટુનો શાણપણભર્યો રવિવાર


રવિવારની રજા હતી. મમ્મીનો હેંગ થયેલો ફોન પણ હવે ઠીકઠાક હતો. પપ્પા પણ આજે ઘરે હતા. સવારે વહેલા ઉઠવાની કોઈએ ઉતાવળ નો'તી કરી - ચીંટુ સિવાય.

પથારીમાં જાગ્યાની સાથેજ મમ્મીની બાજુમાં પડેલો ફોન લઈ લીધો. મમ્મીની આંખ ખુલી ગઈ. " ફોન મૂકી દે અને ચૂપચાપ સુઈ જા. તારા પપ્પાની ઊંઘ ઊડી જશે. નહીંતો બીજી રૂમ માં જા." બીજો વિકલ્પ ચીંટુએ સ્વીકારી લીધો. કલાક સુધી કોઈ અડચણ જ નહીં. પપ્પા જાગી ન જાય એવા ભાવથી ગેઇમ રમવામાં ધ્યાન આપ્યું. મોબાઈલમાં પૂરેપૂરો ધ્યાનસ્થ થઈ ગયો હોય તેમ બીજી રૂમમાં જઈને રમવા લાગ્યો.

કલાક પછી મમ્મી જાગી ગઈ ને પછી પપ્પા પણ. ચા નાસ્તાની મમ્મી- પપ્પાએ પાડેલી બે-ચાર બૂમ અવગણવી થોડી ભારે પડી ગઈ. પપ્પાનો ગુસ્સો વહોરી લેવો પડ્યો. " આજે આખો દિવસ ફોન હાથમાં નથી લેવાનો..! ચાલ, ચુપચાપ નાસ્તો કરી લે" પણ, ભાઈ મોં વાંકુ કરીને પપ્પાની સામે તો બેઠા, રોટલીનાં નાનાં-નાનાં ટુકડા અને ભૂકો કરતી આંગળીઓ ડીશની ધાર પર ફરતી રહી. "મમ્મી એક જ સહારો હવે તો..!" એનાં ચહેરા પર એકદમ સ્પષ્ટ હતું. પોતાનું બાળક ભૂખ્યું રહે એ કંઈ મમ્મીથી સહન થાય? મમ્મીએ થોડીવાર તો પોતાનું કામ ચાલુ રાખ્યું. પણ માનું હૃદય છે; પીગળ્યા વગર રહે જ કર્મ? એ પણ ઠીક છે! ઘરનાં કામની ચિંતાય હોય ને!

" એને મોબાઈલ આપો.., પછી જુઓ, મારો દીકરો ફટાફટ ખાઈ લેશે..એક હાથમાં મોબાઈલ હશે તો જ એ કઇંક ખાશે, નહીંતો વળી ભૂખ્યો રહેશે ને કૂરકુરેમાં દિવસ કાઢશે. !" મમ્મીની કોઠાસૂઝ માટે ચીંટુને ખૂબ આનંદ થતો હતો. વાતય સાચી છે કે જાતજાતના પડીકાનાં નાસ્તા ખાવા કરતા મોબાઈલ હાથમાં રાખી મમ્મીએ બનાવેલી રોટલી ખાવી શું ખોટી? આવો વિચાર એ નિર્દોષ દેખતાં બાળકનાં મનમાં અવશ્ય આવ્યો જ હશે.

"આ એની ઉંમર નથી ફોનથી રમવાની. અને જમતી વખતે તો મોબાઇલની ટેવ જ ખોટી પાડી છે..અને એ પાછું......!" પપ્પાને ઘણું કહેવું હતું, પણ પપ્પાને કોઈનો ફોન આવી ગયો એટલે રવિવારના દિવસની શરૂઆત થોડી સુખરૂપ થઈ ગઈ. આમતો સવારે ઉઠીને એક કલાક મોબાઈલમાં સમય પસાર કર્યા પછી પણ તેને સંતોષ હોય એવું કોઈને ન લાગે! મોબાઈલ હાથમાં આવતાની સાથે જ આલ્ફાબેટનાં, ક્રાફ્ટસના ને વળી પેઇન્ટિંગના ત્રણ-ચાર વિડિઓ જોવાની સાથોસાથ એક રોટલી તો પુરી કરી જ દીધી.

મમ્મીને કહેવુંતું "જોયું..? ચીંટુએ આખી એક રોટી પુરી કરી..", પણ; પપ્પાનો નાસ્તો ને ફોન બેઉ ચાલુ હતા એટલે કંઈ કહેવાયું નહીં.

ચીંટુનાં ચહેરા પર ખુશી એ હતી કે પપ્પાની ફોન પરની વાતો લાંબી ચાલી એટલે રવિવારની સવાર અને નાસ્તો બેઉ જોખમમાંથી ઉગરી ગયા. ચીંટુનેય કદાચ કોઈને નડતરરૂપ થવા કરતા ફોનમાં મંડયું રહેવામાં શાણપણ હોય છે એવું સૂઝ્યું હશે તેથી ફોન લઈ ધીમે ધીમે એ અંદરની રૂમ તરફ સરકી ગયો.

ચીંટુના પપ્પનો ફોન ચાલતો રહ્યો. રવિવાર હતો. બીજા કોઈ ખાસ કામ તો હિય નહીં. મિત્રો, સગા-વ્હાલઓને એમ ત્રણ-ચાર જગ્યાએ ફોન પર વાતો ચાલતી રહી. એકાદ કલાક એમાં જ નીકળી ગયો હશે..

ફોન પરની વાતો પતિ એટલે ચીંટુભાઈ અમૂનક અંશે તો સજાગ થઈ ગયા હતા. "હવે પપ્પા ફ્રી પડ્યા! ગમે ત્યારે હાથમાંથી મોબાઈલ ચાલ્યો જાય!" આવા ભાવ સાથે મોબાઈલમાં ભાતભાતનાં રંગો માટેનાં વીડિઓ માં મન પરોવી રાખ્યું.., થોડી ઘણી બેચેની અને ડર સાથે! પણ, એ બધી ચિંતા પણ એક ઝાટકે ખરી પડી. હવે એના મનનો બોઝ જાણે ઓછો થવા લાગ્યો, જ્યારે તેણે તેનાં મમ્મીને પપ્પા સાથે વાત કરતાં સાંભળ્યા..

"ફોનની વાતો પુરી થઈ કે મોબાઈલમાં ગેઈમ ચાલુ કરી બેસી ગયા! જો હવે મારા ચીંટુ પર ગુસ્સો કર્યો છે તો..!"

"એ તો થોડી જ વાર...! આ નવી ગેઇમ -" પપ્પાની વાત પૂરી સાંભળવામાં મમ્મીને કોઈ રસ ન હોય તેમ તે ગયા રસોડામાં..

ને, અંદરની રૂમમાં ચીંટુને કંઈક આનંદ થતો હોય તેમ ફોનનું વોલ્યુમ પણ થોડું વધી ગયું.

.....