teacher - 16 in Gujarati Fiction Stories by Davda Kishan books and stories PDF | ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 16

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 16

છેલ્લા ક્લાસરૂમમાં દેવાંશી સાથે એક વ્યક્તિ હતું. બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું, ખૂબ જ જોરથી અવાજ આવી રહ્યો હતો. છેલ્લા ક્લાસરૂમ પાસે બધા જ વિદ્યાર્થીઓ એકત્ર થયા, બારણું બંધ હતું તેથી બધા જોર જોરથી ખખડાવવા લાગ્યા. દેવાંશી એ બારણું ખોલ્યું અને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

દેવાંશી સાથેનું એ વ્યક્તિ એટલે બીજું કોઈ જ નહીં પરંતુ ભૂમિ મેડમ જ હતા.

આજનું આ દ્રશ્ય જોઇને એવું લાગી રહ્યું હતું કે કોઈ અકલ્પનીય ઘટના ઘટવાની હતી. થોડીવારમાં સ્ટાફના તમામ શિક્ષકો પણ છેલ્લા ક્લાસ પાસે આવી પહોંચ્યા. તમામ શિક્ષકો આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા. દેવાંશી જોર જોરથી રડી રહી હતી, ભૂમિ મેડમની આંખોમાંથી પણ આંસુઓ સરી રહ્યા હતા .
દેવાંશી અને ભૂમિ મેડમ સામે પ્રશ્નો ની લાંબી હારમાળા મૂકવામાં આવી. એવું લાગી રહ્યું હતું જાણે વર્ષો જૂનો રાઝ આજે ખુલવાનો હતો. બધાના પ્રશ્નોથી અકળાઈને અંતે દેવાંશી જોરથી ચિલ્લાવી ઉઠી. વર્ષો જૂની ભડાશ આજે બહાર આવી. કિશન, ધારા અને અક્ષરને તો ખબર જ હતી, પણ દેવાંશી નું રહસ્ય હવે આખી સ્કૂલને ખબર પાડવાનું હતું.

એક ઊંડો શ્વાસ લઈ પોતાના આંસુઓને હાથ વડે લૂછતાં દેવાંશી બેન્ચ પર બેઠી.

"તમારે લોકોને જાણવું છે ને કે મારું જીવન કેમ આવું છે! હું દર વખતે ભૂમિ મેડમને લેક્ચરમાં ક્લાસની બહાર કેમ જતી રહું છું, અને હું વાતે વાતે શાને ચિડાવ છું, તો સાંભળો."

"આ વાત આજકાલની નથી પણ આજથી છ વર્ષ પહેલા જ હું મનથી હારી ચૂકેલી. આ તમારા ભૂમિ મેડમ એટલે બીજું કોઈ નહીં પણ મારા મમ્મી. હા આ એ જ વ્યક્તિ છે જેને મને જન્મ આપ્યો છે, પણ છ વર્ષ પહેલા અચાનક જ મારા મમ્મી મને છોડીને જતા રહ્યા. ત્યારથી હું સાવ એકલી થઈ ગઈ. મારી સાથે મારા કાકા જ રહેતા, મેં કાકાને કેટલી વખત પૂછ્યું મારા મમ્મી વિશે, પણ એ દર વખતે મારી વાત ટાળી દેતા. વિરહની પીડા તો મને પણ ખૂબ જ હતી, પણ શું કરું, હું તો રહી સાવ નાનકડી છોકરી. એક એવી છોકરી કે જેના પપ્પા ક્યાં છે એ તો એને ખબર જ નથી, અને મમ્મી ની શોધમાં છ વર્ષ તડપેલી. મારા જીવનના ઘણા સવાલોના જવાબો મારે શોધવા હતા."

"ઘણા લોકો કહે છે કે ભગવાન હોય છે અને મેં તો એમ પણ સાંભળ્યું છે કે ભગવાન બધે પહોંચી ન શકતા હોય એટલે એણે મમ્મીનું સર્જન કર્યું છે. પણ મારા ભગવાન જ મારાથી છ વર્ષથી દૂર થઈ ગયા, બસ... કારણ શું છે એ તો હજુ મને ખબર જ નથી. અહીંયા આવી છું ને તો એ પણ એ જ જવાબ શોધવા આવી છું. શા માટે અને શું કામ તેણે આવું કર્યું મારી સાથે? કદાચ હું એમને બોજ લાગી રહી હતી. એક નાનકડી છોકરી કે જેને પોતાના મમ્મીની કે પપ્પાની કશી ખબર જ નથી. એ બિચારી શું કરી લેવાની? એ ક્યાં જાય? કોને શોધે? મમ્મી જ્યારે ઘર છોડીને ગયા ને ત્યારે કાકાએ મને કહ્યું, બેટા હમણાં આવી જશે પણ એ હમણાં ક્યારેય આવ્યું જ નહીં. સાડા પાંચ વર્ષ સુધી મેં હમણાં ની રાહ જોઈ, પણ આ હમણાં આવ્યો જ નહીં. કાકાને પણ બિઝનેસ, એટલે એ પણ આખો દી તો મારી પાસે ના જ રહે. મારા મમ્મી ક્યાં છે એ મારા કાકા ને ખબર હતી, તો પણ એને મને ના જ કહ્યું." દેવાંશીએ ફરી પોતાની આંખોથી ગંગા જમના વહેવડવતા કહ્યું.

"હવે ધીરે ધીરે મારી આશાઓ ખૂટી રહી હતી. મારાથી વધારે સહન થતું નહોતું, હું એક એવું પગલું લેવાનું વિચારતી હતી કે જેની કલ્પના માત્રથી પણ મને ડર લાગતો હતો. મનમાં નક્કી કર્યું હતું કે હવે વહેલી સવારના પહોરમાં અમારા જ એપાર્ટમેન્ટના ટેરેસ પર જઈશ અને કૂદકો મારીને મારો જીવ આપીશ. ઊંચાઈથી મને ખૂબ જ ડર લાગતો હતો, પણ કદાચ આ સાડા પાંચ વર્ષના વિરહની પીડા કરતાં તો એ ડર મને સાવ ફિક્કો લાગ્યો. રોજ રોજ તડપી તડપીને મરવા કરતાં તો એક જ વાર સહેલાઈથી મરવું મને વધુ સરળ લાગ્યું. પણ એ જ રાત્રે હું વિચારોમાં ખોવાયેલી હતી અને વોટ્સેપ પર મારી એક ફ્રેન્ડે મને બીજા દિવસે મળવા બોલાવી. મેં સવારને બદલે સાંજે આત્મ હત્યા કરવાનું વિચાર્યું.
હું તેણીને મળવા ગયેલ. એ દિવસ મારી ફ્રેન્ડ ના ફોન પર એક ફોટો આવ્યો, એ ફોટામાં એક જાણીતો ચહેરો દેખાયો. એ ચહેરો એટલે તમારી સામે ઉભેલી વ્યક્તિ તમારા ભૂમિ મેડમનો. મારી ફ્રેન્ડની કઝિન લાસ્ટ યર આ જ સ્કૂલમાં ભણતી હતી. એના ક્લાસના ગ્રુપ ફોટો માં ત્રણ સ્ટાફ મેમ્બર્સના ચહેરા દેખાયા. જેમાંનો એક ચહેરો એટલે મને છ વર્ષ પહેલા છોડીને જનાર વ્યક્તિ. મને હજુ પણ યાદ છે જ્યારે ઘરના ટેલિફોન પર એક કોલ આવ્યો, અને એ કોલ પર શું વાત થઈ એ તો મને ખબર નથી. એ કોલ થી મમ્મીના હાવભાવ એકદમ બદલાઈ ગયા હતા. હું નાની હતી પણ ચહેરાના ભાવ સમજી શકતી હતી. આ ફોટો જોયા પછી મેં થોડી તપાસ કરાવી ત્યારે મને ખબર પડી કે આ મેડમ તો અહીંયા જોબ કરે છે. કદાચ મને એ વાતનું દુઃખ ઓછું છે કે તે મને છોડીને જતા રહ્યા. પણ હૃદય પર ઘા તો ત્યારે વાગ્યો જ્યારે આ છ વર્ષમાં એક વાર પણ એણે એની દીકરી યાદ જ ના આવી. એક પણ ફોન ના આવ્યો, કોઈ જ ટપાલ ના આવી. મારા પપ્પાએ તો પોતાનું દેહ સોંપ્યું હતું દેશ માટે. તે આર્મીમાં હતા. જ્યારે ઘરે આવતા ત્યારે દર વખતે કહેતા, તમે મારી રાહ ના જોતા, પાછો આવું કે નહીં, એ મને ખબર નથી. પણ એમને કોણ સમજાવે કે એમના આ શબ્દોથી મને કેટલો ઘા વાગ્યો હશે."

"મારી લાઈફ તો છ વર્ષ પહેલાં જ બરબાદ થઈ ગઈ હતી. બસ હવે તો હું મારા પ્રશ્નોના જવાબની જ તલાશમાં હતી. છ વર્ષ પહેલાં મારાથી દૂર થયેલ એ વ્યક્તિને હું પાછી મેળવી લઈશ, એ વિચાર સાથે જ આ સ્કૂલમાં એડમિશન લીધું. આ સ્કૂલમાં એડમિશન લેવા માટે ચાર દિવસ તો હું ભૂખી રહી છું. કાકાની જીદ હતી કે અહીં તો એડમિશન નહીં જ લેવા દઉં, અને મારી જીદ હતી કે અહીંયા એડમિશન લઈને જ રહીશ. અંતે મારી જીદ સામે કાકાએ હાર માનવી જ પડી. મારા મનના ઘણા પ્રશ્નો પોતાના જવાબ મેળવવા માટે મને દિવસ-રાત દર્દ આપી રહ્યા છે. છ વર્ષથી મારી ઉંઘ તો મને અલવિદા કહીને જતી રહી છે. તમારા ભગવાન પણ હવે તો મારી સામે નથી જોતાં. મારી આશાઓનો અંત આવ્યો ત્યારથી જ મારા રૂમમાં રહેલ મૂર્તિઓ, ફોટાઓ બધું જ કાઢી નાંખ્યું."

"મારા રૂમમાં હું, આ વિરહની વેદના અને મારું ક્યૂબ, હું તો થોડી ખુશ થઇ હતી કે હવે મને મારા મમ્મી ઓળખી લેશે અને મને ફરીથી એ મળી જશે, પણ અહીંયા તો મારી સામે જોયું પણ નહીં આ વ્યક્તિએ. પ્રથમ દિવસે જ લોબીમાં મને આવતાં જોઈને જ પોતાનો રસ્તો બદલાવી નાંખ્યો, ત્રણ ચાર વખત મને ખીજાઈને એનાથી દૂર રહેવા કહ્યું. આજે પણ એ જ બાબતે ઝગડી રહી હતી હું."

"આ બધું કરવા પાછળનું કારણ શું હતું, મમ્મી? ઓહ સોરી મેડમ" દેવાંશી આટલું પૂછીને જમીન પર પડી.

શું હશે કારણ?

ભૂમી મેડમનો જવાબ શું હશે?

આગળ જાણવા માટે વાંચતા રહો....

*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com

Rate & Review

r patel

r patel 3 years ago

I

Yash Patel

Yash Patel Matrubharti Verified 3 years ago

Ankit Chaudhary શિવ
Share