Hostel Boyz - 8 books and stories free download online pdf in Gujarati

Hostel Boyz - 8

પ્રસંગ 7 : હોસ્ટેલની ભાખરી

આમ તો, દરેક હોસ્ટેલમાં જમવાનું હોય તેવું જ અમારી હોસ્ટેલમાં જમવાનું મળતું હતું પરંતુ અમારા ગ્રુપમાં મોટેભાગે ખાઉધરા હતા અને રાતોના રાજા હતા. હોસ્ટેલમાં રાતના જમણવાર પછી જે ભાખરીઓ વધતી તે એક મોટા તપેલામાં રાખતા અને રસોડાને બહારથી તાળું મારી દેતા. અમે દરરોજ રાત્રે મોડે સુધી જાગતા એટલે રાત્રે અમને બધાને ખૂબ જ ભૂખ લાગતી અને દરરોજ બહારનો નાસ્તો કરવો અમને પોસાય તેમ ન હતો તેથી અમે લોકો રાત્રે રસોડામાં ત્રાટકતા અને ઘુસણખોરી કરતા. રસોડામાં મુખ્ય દ્વાર પર તાળું લાગેલું હોવાથી અમે રસોડાની બારી પાસે પહોંચી જતા. રસોડાની બારીમાં સળિયા હોવાથી રસોડામાં જવા માટે કોઈ પાતળા માણસની જરૂર હતી. અમારી હોસ્ટેલમાં મોરબીનો એક પાતળો છોકરો હતો. તેને અમે બારીના સળિયામાંથી અંદર મોકલી દેતા. તે રસોડામાથી બધી વસ્તુઓ લઈ અમને આપતો પછી તેને પાછો અંદરથી બહાર કાઢીને અમે બધા અમારા રૂમમાં નાસ્તો કરવા બેસતા. અમે નાસ્તામાં ભાખરી પર પ્રયોગ કરીને નવી નવી ડીશો બનાવતા હતા. ક્યારેક ભાખરી પર તેલ, મરચું-મીઠું તો ક્યારેક ભાખરી પર ઘી, ગોળ, ખાંડ લગાડીને નાસ્તાની જયાફત ઉડાવતા. તે સમયે બધી વસ્તુઓ ખાવામાં અનેરો આનંદ આવતો. ખરેખર તો, ભાખરી અમારી સાથી બની ગઈ હતી. અમે લોકો ક્યારેક બહારથી ચા પાર્સલ કરીને લઈ આવતા અને ચા સાથે ભાખરીની જયાફત ઉડાવતા હતા.

રસોડામાં તપેલામાં રાખેલ ભાખરીઓ સવારે કોઈને નાસ્તામાં લેવી હોય તો તે લઈ શકે પરંતુ તે ભાખરી સવારે કડક થઇ જતી. તો પણ અમારા હોસ્ટેલવાળા તે ભાખરીઓ ખાઈ જતા કારણ કે સવારમાં તેમને એટલી ભૂખ લાગી હોય કે કડક ભાખરીઓ પણ ચાલી જાય. અમારા ગ્રુપમાં પ્રિયવદન અને ભાવલો સૌથી વહેલા ઊઠવાવાળા હતા. અમે લોકો મોડે સુધી સુતા રહેતા એટલે પ્રિયવદન અમને વાત કરતો કે સવારે અમે જ્યારે રાતની ભાખરી ખાઇએ ત્યારે બે જણાને સામસામે ખેચીને તોડવી પડે તેટલી ભાખરી કડક થઈ ગઈ હોય છે. છતાં પણ પ્રિયવદન 5-5 ભાખરી ખાઈ જતો તેના માટે તેને અભિનંદન આપવા પડે.

પ્રસંગ 8 : કન્વીનર જયંતિ બાપાએ અમને પકડ્યા

આમ તો, અમારા હોસ્ટેલના કન્વીનર જયંતિ બાપા દયાળુ અને માયાળુ સ્વભાવના હતા પરંતુ ક્યારેક તે હોસ્ટેલના મોનિટરને સાથે રાખીને અચાનક ગમે ત્યારે હોસ્ટેલના રૂમોમાં છાપો મારતા એટલે કે તપાસ કરતા. જયંતીબાપા અમારી હોસ્ટેલના લોકોની બે પ્રકારે તલાશી લેતા. જયંતીબાપા ક્યારેક મોટા હોલમાં હોસ્ટેલમાં બધા લોકોને ભેગા કરતા અને બધા લોકોની તલાશી લેતા, તો ક્યારેક અચાનક કોઈના રૂમમાં ત્રાટકતા અને રૂમના લોકોની અને સામાનની તલાશી લેતા. તપાસમાં જેના રૂમમાં ગુટખા, માવા, તમાકુ, બીડી, સિગારેટ મળે તો પહેલી વખત તેમને warning આપતા, બીજી વખત હોસ્ટેલનુ કામ કરાવતા અને ત્રીજી વખત હોસ્ટેલમાંથી કાઢી મૂકતા હતા. પરંતુ જ્યારે તે કોઈના રૂમની તલાશી લેતા ત્યારે બીજા રૂમના લોકો સાવચેત થઈ જતા અને ફાકી, માવા, ગુટકા, સિગારેટ વગેરે રૂમની બહાર ફેંકી દેતા અથવા બીજી જગ્યાએ સંતાડી દેતા પરંતુ જેન્તીબાપા બહુ હોશીયાર હતા તે એક સમયે એક અથવા બે જ રૂમની તલાશી લેતા પછી અઠવાડિયા પછી પાછા બીજા રૂમની તલાશી લેતા. અમને માવા, ગુટકા ખાવાની આદત હતી એટલે હોસ્ટેલના રૂમમાં એવી સિક્રેટ જગ્યાએ માવા અને ગુટકા રાખતા કે કોઈને ખબર ન પડે પરંતુ ક્યારેક અમારા પેન્ટના ખિસ્સામાંથી પણ ગુટખા મળતી. એક બે વખત તો અમને પકડ્યા અને warning આપીને છોડી દીધા હતા. જ્યારે મોટા હોલમાં તલાશી લેવાની થાય ત્યારે એકીસાથે હોસ્ટેલના બધા લોકોને કોઈના કોઈ બહાને મોટા હોલમાં બોલાવી લેતા પછી એકીસાથે બધાની તલાશી લેતા. જયંતીબાપા તલાશી લેવા માટે એવા લોકોને પસંદ કરતા જે નિર્વ્યસની હોય અને પક્ષપાત વગરના હોય તેથી મોટા ભાગના વ્યસની લોકો પકડાઈ જ જતા. એક વખત હોલમાં બધાને બોલાવીને બધા લોકોના ખિસ્સા તપાસ્યા તેમાં હું પકડાઈ ગયો પરંતુ સારી બાબત એ બની કે મારી સાથે એક બીજો છોકરો પણ પકડાઈ ગયો. જયંતિ બાપાએ પેલાના રિમાન્ડ લીધા. જયંતિ બાપા તેને પહેલા તો ખૂબ જ ખીજાયાં પછી તેના ઘરે ફોન કરવાની વાત જણાવીને તેને ખૂબ જ બિવરાવ્યો. જયંતિ બાપાની વાત સાંભળી ને તે છોકરો ખૂબ જ ડરી ગયો અને જયંતિ બાપાને પગે પડી અને તેમને આજીજી કરવા માંડ્યો. તેને આવું કરતો જોઈને મને પણ લાગ્યું કે આજે મારો હોસ્ટેલમાં છેલ્લો દિવસ છે પરંતુ જયંતિ બાપાને તેની આજીજી સાંભળીને તેના પર દયા આવી અને તેને કસમ ખવડાવીને છોડી મૂકયો ત્યાં સુધીમાં ઘણું બધું નાટક પૂરું થઈ ગયું હતું. મારો વારો આવ્યો એટલે મને પણ કસમ ખવડાવીને તરત જવા દીધો. ત્યારબાદ અમે લોકો મોટેભાગે બહાર જઈને જ માવો અને ગુટખા ખાતા હતા અને ક્યારેક સિગારેટ પણ પીતા હતા. (જોકે હાલમાં, અમે સિગારેટ પીતા નથી અને ગુટકા પણ ખાતા નથી. હા, માવો ખાઈએ છીએ, એટલો અમારામાં સુધારો આવ્યો છે.)

હોસ્ટેલના લોકોને નિર્વ્યસની રાખવા માટે જેન્તી બાપાએ કરેલા પ્રયત્નો અદભૂત હતા પરંતુ તેના આ પ્રયત્નો મહદ અંશે નિષ્ફળ જ જતા કારણ કે તેની બીકને લીધે વ્યસન એક બે દિવસ પૂરતું છૂટી જતું અને ફરીથી શરૂ થઈ જતું પરંતુ જયંતીબાપા પોતાના નિર્ણય પર અડગ હતા.

ક્રમશ: