Samvedana books and stories free download online pdf in Gujarati

સંવેદના

** સંવેદના **

અરવલ્લીના પર્વતોની હારમાળા વચ્ચે લીલીછમ વનરાજીથી ઘેરાયેલ સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પોશીના વિસ્તારના એક અંતરીયાળ ગામમાં ભાનુ પટેલ અને તેની પત્ની પ્રવિણા પટેલ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. પાંચ વર્ષની નોકરી પૂરી કરી પુરા પગારમાં આવતાં ઘરેથી અપ ડાઉન કરવા માટે તેમણે એક કાર ખરીદી હતી. આ યુગલ આદિવાસી બાળકોના અભ્યાસમાં ખૂબ રૂચી લેતું હતું અને આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ ચિંતાતુર પણ રહેતું હતું. આગામી સપ્તાહે તેમની શાળામાં સરકારશ્રી દ્વારા આયોજિત ગુણોત્સવનો કાર્યક્રમ હોવાથી તેમની શાળાના વિદ્યાર્થીઓને વિશેષ તૈયારી કરાવવા માટે આ યુગલ શાળામાં રોજ મોડે સુધી રોકાતુ હતું.
ચોમાસાના દિવસો હતા. વરસાદ ગોરંભાએલો હતો. કાળા ડિબાંગ વાદળો વરસાદના આગમનની છડી પોકારવા આકાશમાં એકઠા થયા હતા તેથી જયારે તેઓ શાળાએથી નીકળ્યા ત્યારે સુર્યાસ્ત થયેલ ન હોવા છતાં અંધારા જેવું લાગતું હતું. પોશીનાના પાદરને ચીરી ગાડી હાઈવે પર પહોંચતાં ભાનુએ ગાડીની ઝડપ વધારી. એક કિલો મીટર જેટલું અંતર કાપ્યા બાદ પ્રવિણાની નજર રોડની બાજુમાં તાજા કંકોડા વેચવા માટે ઉભેલી એક દસ-બાર વર્ષની આદિવાસી બાળા પર પડી. આજે રાતના વાળુ માટે ઘરમાં કોઈ શાકભાજી ન હોવાથી તાજા કંકોડા ખરીદવાની ઈચ્છાએ પ્રવિણાએ ભાનુને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો.
ગાડીમાંથી ઉતરી ગરીબ આદિવાસી બાળા પાસે જઈ પ્રવિણાએ પૂછ્યું, “ કંકોડા કેમ આપ્યા, બેબી ?”
“ ૮૦ રૂપિયે કિલો,બેન.” બાળાએ ઉત્તર આપ્યો.

સ્ત્રી સહજ સ્વભાવ અનુસાર પ્રવિણાએ ભાવ બાબતે થોડીક રકઝક કરી. તેની રકઝક જોઈ ભાનુ ગાડીમાંથી બહાર આવ્યો અને પ્રવિણાને ઝડપથી ખરીદી પતાવવા કહ્યું. હજુ પ્રવિણા ભાવ બાબતે રકઝક કરતી હતી. તેને કંકોડા ૫૦ રૂપિયે કિલો ખરીદવા હતા જયારે પેલી બાળા ૭૫ રૂપિયે કિલોથી ઓછા ભાવે વેચવા તૈયાર ન હતી. પ્રવિણાનો ખૂબ આગ્રહ જોઈ પેલી ગરીબ આદિવાસી બાળાએ પોતાની પાસેની ચૂંથાઈ ગયેલી પ્લાસ્ટિકની કોથળીમાં રહેલા પૈસા ગણ્યા અને આંગળીનાં વેઢા પર હિસાબ માંડી બોલી,
“ ચાલો એમ કરો બેન, મને ૬૦ રૂપિયા આપીદો અને આ બધા કંકોડા લઇ જાઓ. તેનાથી એક રૂપીયો પણ ઓછો નહી લઉં. “
કંકોડા એક કિલો કરતાં થોડાક વધારે હતા. પ્રવિણા હજુ રકઝક કરવાના મૂડમાં હતી. તે આગળ બોલે તે પહેલાં ભાનુએ પેલી બાળાને કહ્યું,
“ બેટા, ૬૦ રૂપિયાથી ઓછા કેમ નહી ચાલે ?” પછી રમૂજમાં આગળ બોલ્યો “કેમ તને નફો ઓછો પડે છે ?”
પેલી આદિવાસી બાળાના ચહેરા પર થોડો વિષાદ ફેલાયો. તે થોડીક ગમગીન થઈ ભાનુંને ઉદ્દેશીને બોલી,. “ના સાહેબ, નફાની વાત નથી પરંતુ મારી મા બે દિવસથી બિમાર છે. બિમારીના કારણે તે પથારીમાંથી ઉભી થઇ દવાખાને જઈ શકે તેમ નથી એટલે મારે દાકતર સાહેબને મારા ઘરે વિઝીટે લઇ જવા પડશે. દાકતર સાહેબ આમ તો ભલા છે પણ વિઝીટે આવે તો મારે તેમને દવા અને વિઝીટ ફીના મળી કુલ ૧૫૦ રૂપિયા આપવા પડશે. હાલ મારી પાસે ફક્ત ૯૦ રૂપિયા જ છે. મારી માની દવા માટે મારે બીજા ૬૦ રૂપિયાની જરૂર છે.” આટલું બોલતાં તે બાળાની આંખો ભરાઈ આવી.
ભાનુને તેના બાળપણનો એક પ્રસંગ યાદ આવી ગયો. એક વાર તેના પિતા ખૂબ માંદા પડ્યા હતા. ગામમાં તે વખતે કોઈ વાહનો ભાડે મળતા ન હતા તેથી રાત્રે તેમને નજીકના શહેરમાં દવાખાને લઇ જઈ સારવાર કરાવી શકાય તેમ ન હોવાથી તે સાઈકલ પર જઈ શહેરના એક નામાંકિત ડૉકટરને મળ્યો હતો અને પોતાના ઘરે વિઝીટે આવી પોતાના પિતાની સારવાર કરવા વિનંતિ કરી હતી. તેમણે વિઝીટ ફીના રૂ. ૫૦૦/- વધારાના માંગ્યા હતા. તેની પાસે ત્યારે તેટલી રકમની જોગવાઈ ન હોવાથી તે ઉદાસ હૃદયે ઘરે પાછો ફર્યો હતો અને બીજા દિવસે પૈસાની જોગવાઈ કરી તેના પિતાની સારવાર કરાવી હતી.
ભાનુને તે પ્રસંગ યાદ આવતાં તેનું હૈયું સંવેદનાથી ભરાઈ ગયું. તેણે તે આદિવાસી બાળાના માથે હાથ ફેરવી પોતાની પાકીટમાંથી રૂ. ૫૦૦ની નોટ કાઢીને આપી. તે બાળાએ તે રકમ લેવાની આનાકાની કરી પરંતુ ભાનુએ “આ પૈસા તારી માતાની દવા માટે આપુ છું.. બેટા !” કહી તેના હાથમાં પ્રેમથી રૂ. ૫૦૦ની નોટ મૂકી તે યુગલ રવાના થયું.

***