Samantar - 14 books and stories free download online pdf in Gujarati

સમાંતર - ભાગ - ૧૪

સમાંતર ભાગ - ૧૪

આગળના ભાગમાં આપણે જોયું કે જાણીતા ફેસબુક પેજ પર કાયમ કૉમેન્ટ કરતા નૈનેશની સળંગ બે દિવસ કૉમેન્ટ ના દેખાતા ઝલકને થોડું આશ્ચર્ય થાય છે અને થોડી જિજ્ઞાસા અને થોડું કોઈ ના કળી શકાય એવા ભાવથી પ્રેરાઈને એ નૈનેશને મેસેન્જર્ માં મેસેજ કરે છે. એમની એ ચેટમાં નૈનેશ દ્વારા સહજ રીતે એને ફેસબુક ફ્રેન્ડ બનાવવાના કારણ પૂછવા પર કરાયેલા પ્રશ્નમાં ઝલકના મનમાં ચાલતા વિચારોને આપણે જાણ્યા, હવે આગળ...

*****

આગલા દિવસે ફેસબુક મિત્રતા ઉપર કરેલા લાંબા મનોમંથન પછી બીજા દિવસે સવારથી જ ઝલક થોડી હળવી લાગતી હતી. એને વિશ્વાસ હતો પોતાના પર કે એને ક્યારેય આવી વાતોથી કોઈ મુસીબત નહીં આવે. કારણ કે, એ જાણતી હતી પોતાના સ્વભાવને અને પોતાની મર્યાદાને.. પછી થોડા દિવસ નૈનેશની વ્યસ્તતા અને ઝલકના સંકોચના લીધે બંને વચ્ચે આમ તો માત્ર good morning મેસેજ અને બે કે ત્રણ વાર "કેમ છો" જેવા ઔપચારિક મેસેજની જ આપ લે થઈ.

"સમય વહી રહ્યો હતો એની એવીજ મોજમાં,
મિત્રતા જાણે આગળ વધી જશે નવી ખોજમાં."

આશરે દસેક દિવસ પછી એજ બપોરના સમયે નૈનેશનો મેસેન્જરમાં મેસેજ આવ્યો..

"तुम इतना जो मुस्कुरा रहे हो,
क्या गम है जिसको छुपा रहे हो?"

આ પંક્તિ વાંચીને ઝલકના મનમાં ઝડપથી કોઈક આવીને જતું રહે છે. એક બે પળ એ બેચેન થઈ જાય છે એની યાદથી અને પછી તરત જ સ્વસ્થતા ધારણ કરતા લખે છે, "એક સંવેદનશીલ વિષય પર બનેલી મૂવીની સંવેદનશીલ ગઝલ.."

નૈનેશ : અર્થ... ટાઈમલેસ મૂવી... દરેક પાત્ર જાણે કિરદાર જીવતો હોય એવો અભિનય. આજની તારીખે પણ ઘણાંના જીવનમાં આવા વણઉકેલ્યા પ્રશ્નો આવતા હશે, પણ એ મૂવીમાં જે રીતે શબાના આઝમીવાળું પાત્ર એના પતિની બેવફાઈ અને ડિવોર્સ લીધા પછી એની જિંદગીનો નવો જ અર્થ શોધે છે ને છેલ્લે કોઈ પુરુષના સહારા વગર એકલા રહવાનું નક્કી કરે છે એ બહુ હિંમતનું કામ છે.

ઝલક : હા, મારું એક મનગમતું મૂવી. વારંવાર જોવું ગમે એવું... મોટા ભાગના પાત્ર એમની જગ્યાએ સાચા જ લાગે પણ મારા મનમાં ઘણીવાર પ્રશ્ન આવી જાય કે આપણે જિંદગી આપણા મન પ્રમાણે જીવીએ છીએ કે પરિસ્થિતિ પ્રમાણે...

નૈનેશ : સમય અને પરિસ્થિતિ પ્રમાણે વહેણ જે બાજુ લઈ જાય એ બાજુ...

ઝલક : હા, આપણામાંથી મોટા ભાગના...

નૈનેશ : તો તમને ગઝલ જોડે ફિલોસોફીનો પણ શોખ છે એમ ને.!?

ઝલક : ના હવે.! એવું કશું નથી... આતો ક્યારેક મન ચગડોળમાં બેસવાની પણ મઝા લઈ આવે. (પાછળ સ્માઈલી મૂકતા ઝલકે લખ્યું.)

નૈનેશ : અચ્છા.! એવું છે.!? ચલો ઉતરો હવે ચગડોળ પરથી અને નીકળો સવાલોના મેળામાંથી.

ઝલક : હા હા હા... good sense of humour... કેમ છો વ્યસ્ત માણસ.?

નૈનેશ : માણસ.!? કેવું સરસ નામ છે મારુ, નૈનેશ.! મને એજ કહો અને પ્લીઝ પાછળ જી કે ભાઈ એવો કોઈ ટેગ ના લગાવતા. એક વધુ પડતી ઉંમરનો એહસાસ કરાવે અને બીજું મોસાળાની ચિંતા એટલે ખાલી નૈનેશ અને હું પણ તમને ઝલક જ કહીશ. આમ પણ તમે મારાથી કંઈ બહુ મોટા નથી, ખાલી બે જ વર્ષનો ફેર છે.

ઝલક : હું એમ તમને નામથી નહીં બોલાવી શકું. મને થોડું અલગ લાગે... (ઝલક જાણે એકદમ બોલકા નૈનેશની વાતના પ્રવાહમાં ભળતી ગઈ...)

નૈનેશ : તો શું કરીશું.!? ચલો જ્યાં સુધી તમારો સંકોચ ના જાય ત્યાં સુધી એમનેમ ચલાવે રાખો બીજું શું.!

ઝલક જવાબમાં ખાલી સ્માઈલી મૂકે છે.

નૈનેશ : પણ પૂછો તો ખરા કે, મેં એકદમ આ અર્થ મૂવીની ગઝલની પંક્તિ કેમ મોકલી તમને...

ઝલક : અરે હા, મને પણ વિચાર આવ્યો કે એકદમ કેમ આ મોકલી હશે. પછી હું બીજા વિચારોમાં ખોવાઈ ગઈ અને પૂછવાનું રહી ગયું ને ત્યાં તો મૂવીની એક સુંદર ચર્ચા ચાલુ થઈ ગઈ.

નૈનેશ : હા, અને ફિલોસોફીની પણ...( એક સ્માઈલી મૂકતા નૈનેશે લખ્યું, જેની સામે ઝલકે પણ એક સ્માઈલી મોકલ્યો.)

નૈનેશ : હમણાં જમીને મેં એફબી ખોલ્યું તો સીધા એ ફોટા દેખાયા જેમાં તમને કોઈએ ટેગ કર્યા છે. ગઈ કાલ રાતના જ છે, કોઈ પાર્ટીના... અને એમાં એક ફોટામાં તમારું ખંજન મઢેલું રહસ્યમયી સ્મિત મને આ પંક્તિ કહી ગયું.

ઝલક : હમમ્... (આટલું લખીને ઝલક ઓફ લાઈન થઈ જાય છે અને નૈનેશ પણ આવો રિપ્લાય આવવાથી આગળ મેસેજ કરવાનું ટાળે છે.)

"શું કહું શું ના કહું એ નથી આજ સમજાઈ રહ્યું,
એ જ વિસામણમાં મન ખાલીપો બતાવી રહ્યું."

અને ગઈ કાલ રાતની વાત યાદ આવતા ઝલકની આંખોમાં ઝળઝળીયા આવી જાય છે. એને થોડી ઈચ્છા ઓછી હતી એ પાર્ટીમાં જવાની. એવું નહતું કે એને પાર્ટીમાં જવું ગમતું નહતું કે પછી રાજના બેંક સર્કલમાં ભળવું નહતું ગમતું પણ હમણાં સાત મહિનાથી ટ્રાન્સફર લઈને આવેલી કામિની મહેતાને એની જોડે ખબર નહીં શું વાંધો હતો કે કાયમ એને નીચા દેખાડવાનો જ પ્રયત્ન કરતી. આમ તો ઉંમરમાં એના જેટલી જ હતી કામિની એટલે બંને એકબીજાને તું કારે જ બોલાવતાં. શરૂશરૂમાં સીધી દેખાતી કામિની એને કાયમ કંઈ ને કંઈ સંભળાવવાના મૂડમાં જ રહેતી. કામિનીને ઝલક જોડે શું વાંધો હતો એ ઝલક હજી સુધી સમજી નહતી શકી.

કાલે રાતે પણ કંઇક એવું જ બન્યું. બેંકના એક ઓફિસરની દીકરીનો પહેલો બર્થ ડે હતો જેમાં એણે આખા સ્ટાફને સજોડે નિમંત્રણ આપ્યું હતું. રાજ આ વાત ઝલકને પહેલા કહેવાનું ભૂલી ગયો હતો અને જ્યારે એને યાદ આવ્યું ત્યારે સાંજના લગભગ પાંચ વાગવા આવ્યા હતા.

યાદ આવતા રાજે તરત જ ઝલકને બેંકમાંથી ફોન કર્યો અને સાત વાગે પાર્ટીમાં જવાનું છે એ બાબતે જાણ કરી. પહેલા તો ઝલકે ના જ પાડી કારણ કે સાડા પાંચની આસપાસ એના સાસુની ત્રણ ચાર બહેનપણી ઘરે આવવાની હતી અને એ બપોરની એમના માટે ગરમ નાસ્તાની તૈયારીમાં લાગી હતી. આમ તો બધું તૈયાર જ હતું, પણ એ બધા આવે પછી એમની સરભરા કર્યા પછી જ એ તૈયાર થઈ શકે. એણે રાજને આમ છેલ્લા સમયે કહેવા માટે ટોક્યો અને ઘરની પરિસ્થિતિ સમજાવીને પાર્ટી માટે અનિચ્છા દર્શાવી. એ સાંભળીને રાજ થોડો ગુસ્સે થઈ ગયો અને બંને વચ્ચે ફોનમાં થોડું બોલવાનું થયું.

ઝલકના સાસુ અનાયાસે જ આ વાત સાંભળી ગયા અને એમણે ઝલકને મહેમાનની ચિંતા કર્યા વિના તૈયાર થવાનું કહ્યું. તોય ઝલક સાડા છ વાગ્યા સુધી રસોડાના કામમાં જ વ્યસ્ત રહી અને પછી રૂમમાં તૈયાર થવા ગઈ. એણે કબાટમાંથી મરૂન કલરનો કોણીથી થોડે નીચે સુધી જાય એટલી સ્લીવનો બ્લાઉઝ અને ઓફ વ્હાઈટ કલરની પાતળી ગોલ્ડન બોર્ડર વાળી એક સિમ્પલ પણ સુંદર કોટન સાડી કાઢી જે રાજે એને ગિફ્ટ આપી હતી.

એટલામાં તો રાજ આવીને તૈયાર થવા લાગ્યો. સાડી અને એને મેચિંગ મોતીની ડાયમંડ વાળી બુટ્ટી પહેરીને તૈયાર થાય સુધીમાં તો સાત વાગવા આવ્યા હતા ને રાજ એને ઉતાવળ કરાવી રહ્યો હતો. માથામાં ઢીલો અંબોડો, કપાળે એક મોટો ગોળ મરૂન ચાંદલો, હોઠ પર મેચિંગ લિપસ્ટિક અને પરફ્યુમ લગાવીને એ જ્યારે કારમાં જઈને બેઠી ત્યારે એને જોતાં જ રાજનો બધો ગુસ્સો ઓગળી ગયો. રાજે આંખોથી જ ઝલકની પ્રશંસા કરી અને બંને અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં જવા માટે નીકળ્યા.

"પ્રેમમાં એના ત્યારે એવી તો ઓગળી હતી,
ક્ષણવારમાં જ બધી ફરિયાદ દૂર થઈ હતી."

*****

ગઝલની આ પંક્તિ વાંચીને ઝલકને કોણ યાદ આવી ગયું હશે.!?
પાર્ટીમાં એવું તો શું બન્યું હશે કે યાદ કરતા ઝલકની આંખમાં ઝળઝળીયા આવી ગયા.?
પોતાના સ્વભાવને સારી રીતે જાણતી ઝલક આખરે નૈનેશ જોડે કેવી રીતે ભળી જાય છે.?
એ બધા સવાલના જવાબ જાણવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.


Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ