Gamdani Prem Kahaani - 8 books and stories free download online pdf in Gujarati

ગામડાની પ્રેમ કહાની - 8

ગામડાની પ્રેમકહાની


સુમન, મનન અને આરવ જૂનાગઢ ડીનર માટે ગયાં હતાં. સુમન આરવને ભાઈ માનતી, એ વાતની જાણ મનનને થતાં તેણે આરવ અને સુમન વિશે જે વિચાર્યું, એ વાતે પછતાવો થયો.


ભાગ-૮


ડીનર પતાવી ત્રણેય ઘરે આવવા નીકળ્યા. આરવ સુમનને કંઈક પૂછવા માંગતો હતો. પણ પૂછતાં તેને ખચકાટ થતો હતો. આરવ સુમન અને મનનની બધી હરકતો નોટિસ કરી રહ્યો હતો. મનનનુ વારંવાર સુમન સામે જોવું, સુમનનુ હળવું સ્મિત કરવું, બંનેની નજરો મળવી, નજરોથી જ વાતો કરવી, આ બધું આરવ જાણી ગયો હતો. બસ હવે વાર હતી તો સુમનના મોંઢે પોતે મનન વિશે શું વિચારે છે, એ જાણવાની!!

રાણપુર પહોંચતા જ મનન તેની ઘરે જતો રહ્યો. હવે આરવ માટે સુમન સાથે વાત કરવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો હતો. મનનને જોતાં જ આરવના મનમાં એક વિચાર સ્ફુર્યો હતો. જે તેને પોતાનાં કાર્યમાં બહું કામ આવે એમ હતો.

આરવ સુમન સાથે વાત કરવાનું વિચારી જ રહ્યો હતો. ત્યાં જ સુમનને કોઈકનો કોલ આવી ગયો. સુમન તેની સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. ઘર આવી ગયું. પણ આરવને વાત કરવાનો મોકો જ ના મળ્યો. ઘરે આવતાં જ સુમન પોતાનાં રૂમમાં જતી રહી. ઘરે આવતાં સુધીમાં બાર વાગી ગયાં હતાં. હવે આરવ માટે સુમન સાથે વાત કરવી શક્ય નહોતી.

ધનજીભાઈની તો ઉંઘ જ ઉડી ગઈ હતી. આરવના આવ્યાંને પૂરો એક દિવસ વિતી ગયો હતો. છતાંય હજું સુધી આરવે કોઈ પગલું ભર્યું નહોતું. કે જેમાં ધનજીભાઈ સુમન પ્રત્યે નિશ્વિત થઈ શકે.

સુશિલાબેન આરવ સાથે વાત કરવાનાં બહાનાં શોધી રહ્યાં હતાં. પણ તેમને એ વાતની ખબર નહોતી, કે પોતાનાં જ દિકરા સાથે વાત કરવા બહાનાં નાં શોધવાનાં હોય. કોઈ પણ કાર્ય કરતી વખતે એકવાર પણ વિચાર નાં કરનારાં સુશિલાબેનને આજે પોતાનાં જ દિકરા સાથે વાત કરવા વિચારવું પડતું હતું. એનાંથી મોટાં દુઃખની વાત કોઈ હોઈ જ નાં શકે. સુશિલાબેન બારી પાસે ઉભાં ઉભાં વિચારોમાં ખોવાયેલાં હતાં. એ સમયે તેમને રસોડામાંથી કંઈક સળવળાટ સંભળાયો. સુશિલાબેન તરત જ રસોડાં તરફ ગયાં. સામે જે દ્રશ્ય હતું, એ જોતાં તેમની આંખો ભીની થઈ ગઈ. આરવ સુશિધાબેનના હાથે બનાવેલ હલવો ખાતો હતો. ખાતાં ખાતાં તેનાં ચહેરા પર ગજબની ખુશી છલકાતી હતી. સુશિલાબેન એ બધું જોઈને જ ખુશ થયાં, પણ આરવ સાથે વાત કરવાની હિંમત નાં કરી શક્યાં.

દેવરાજભાઈએ ઘણો સમય વિચાર કર્યા પછી રાણપુર જવાનો નિર્ણય કરી લીધો હતો. વર્ષો પછી પોતે સુશિલાબેનનો સામનો કરવા તૈયાર થયાં હતાં. પોતે બધી વાતથી બેખબર હતાં. રાણપુર જઈને પોતે શું કરશે?? એ તેમણે વિચાર્યું નહોતું. પણ આરવના ગયાં પછી તેમણે એક મિનિટ પણ નિરાંતનો શ્વાસ લીધો નહોતો. વારેવારે આરવ સાથે શું થતું હશે?? એ વિચાર કરવા કરતાં રાણપુર જઈને તેની સાથે રહેવું જ યોગ્ય લાગતાં, દેવરાજભાઈએ રાણપુર જવાની બધી તૈયારી કરી લીધી.

"અરે, આ બેગ પેક કરીને તમારે ક્યાં જવું છે??"

"રાણપુર!!"

"શું વાત કરો છો?? હું તમને એકલાં નહીં જવાં દવ. આપણે બંને સાથે જાશું. હું પણ‌ મારો સામાન પેક કરી લઉં."

"નહીં... તું ક્યાંય નહીં આવે. ત્યાં સુશિલા તને કાંઈ આડાં અવળું કહે, એ મારાથી સહન નહીં થાય."

"આરવ ત્યાં છે. તમે પણ ત્યાં જાવ છો. તો હું એકલી અહીં નહીં રહું. સુશિલા કાંઈ કહેશે તો હું સહન કરી લઈશ."

"ઠીક છે ત્યારે!! કરો‌ સામાન પેક!! બંને સાથે જ જાશું."

દેવરાજભાઈ ની હાં મળતાં જ મનિષાબેન પોતાનો સામાન પેક કરવા લાગ્યાં. પણ મનમાં એક સવાલ જરૂર ઉઠ્યો હતો. આરવ!! એક જ છત નીચે બે માઁ ની વચ્ચે આરવ બધું કેવી રીતે સંભાળશે. ઈતિહાસ પોતાને દોહરાવી રહ્યો હતો. કાનુડાને પણ દેવકી અને યશોદા બે માતાઓ હતી. એક જન્મ આપનારી, બીજી પાલનપોષણ કરનારી.. મનિષાબેનના ગયાં પછી આરવ સાથે પણ એવી જ પરિસ્થિતિનું નિર્માણ થવાનું હતું. બસ ફરક એટલો પાડવાનો હતો, કે મનિષાબેને તો યશોદા મૈયાની બધી ફરજ નિભાવી હતી. પણ સુશિલાબેન દેવકીજીની જેમ મજબૂર નહોતાં. છતાંય તેમણે આરવને પોતાનાથી દૂર કરી દીધો હતો.

મનિષાબેન પોતાનું બેગ પેક કરીને બેડ પર આડાં પડ્યાં. દેવરાજભાઈ તો હજું પણ જાગતાં જ હતાં. આરવને મળ્યાં વગર તેમને ચેન પડે એમ નહોતું. મનિષાબેન પણ થોડાં ચિંતિત હતાં. પણ દેવરાજભાઈને વધું ચિંતા નાં થાય, એટલે પોતે સુવાનો ડોળ કરવાં લાગ્યાં. અડધી રાત એમ જ પસાર થઈ ગઈ. ચિંતા અને વિચારોનાં વાદળમાં રાતની ઠંડક પ્રસરતાં એક વાગ્યે બંને દંપતીની આંખ મળી ગઈ. દેવરાજભાઈ સોફા પર જ ઊંઘી ગયાં.

વહેલી સવારે સુરજનો કુમણો તડકો રૂમની અંદર પડતાં જ મનિષાબેન ઉઠ્યાં. ઉઠીને સામે જોયું, તો દેવરાજભાઈ સોફા પર જ સૂતાં હતાં. તેમને ભર નિદ્રામાં જોઈને, મનિષાબેન નાહીને પોતાનાં પૂજાપાઠમા લાગી ગયાં. સવારનાં આઠ વાગતાં પૂજા પૂરી કરી, નાસ્તો બનાવીને મનિષાબેન દેવરાજભાઈને જગાડવા ગયાં.

મનિષાબેન તેમને જગાડે એ પહેલાં જ દેવરાજભાઈ જાગીને, નાહીને, હાથમાં બેગ લઈને ઉભાં હતાં.

"આ શું?? તમારે નાસ્તો નથી કરવો??"

"નાં, હવે બધું રાણપુર જઈને જ કરીશું."

"મેં બધું તૈયાર રાખ્યું છે, પહેલાં નાસ્તો કરી લો. પછી તરત જ આપણે નીકળીશુ."

દેવરાજભાઈ મનિષાબેનની કોઈ વાત ટાળી નાં શકતાં. તેમનાં એકવાર કહેવાથી જ દેવરાજભાઈ બેગ મૂકીને નાસ્તો કરવા બેઠાં. આમ તો મનિષાબેન દેવરાજભાઈને રાણપુર જવાથી પણ‌ રોકી શકતાં હતાં. પણ તેમને ખુદને આરવ ત્યાં ગયો, એ વાત પરેશાન કરતી હતી. તો તેમણે દેવરાજભાઈને નાં રોકીને, પોતે તેમની સાથે જ જવાનો નિર્ણય કરી લીધો.

નાસ્તો કરીને બંને દંપતી રાણપુર જવા નીકળી ગયાં. આ વાતથી અજાણ એવો આરવ, સુમન અને સુમનનો પરિવાર પોતાનાં કામોમાં વ્યસ્ત હતો. સુમન રોજની ટેવ મુજબ હોસ્પિટલ જવાં નીકળી ગઈ. આરવ પોતાની કસરત કરતો હતો.

"તે કાંઈ વિચાર્યું?? એક રાત વીતી ગઈ છે." એક એક પળનો હિસાબ રાખનારા ધનજીભાઈને આરવ ક્યારે કોઈ પગલુ ભરશે, એ વાતની જ ઉતાવળ હતી.

"મેં કહ્યું ને, કે બધું થઈ જાશે. તમે ચિંતા નાં કરો." આરવ જાણે બધું વિચારીને બેઠો હોય, એટલાં આત્મવિશ્વાસ સાથે બોલ્યો. આરવના આ આત્મવિશ્વાસ સામે જ ધનજીભાઈ ક્યારેય કાંઈ બોલી નાં શકતાં.

આરવના રૂમ પર એક હળવી નજર કરીને ધનજીભાઈ નીચે જતાં રહ્યાં. આરવ સ્માઈલ કરતો કરતો તેમની પાછળ ગયો. સુશિલાબેન પોતાનાં કામમાં વ્યસ્ત હતાં. આરવને જોતાં જ એ વેજીટેબલ સેન્ડવિચ લઈને ડાઇનિંગ ટેબલ પર મૂકી ગયાં.

"આજ સાવ આવો નાસ્તો મળશે?? થેપલાં નહીં મળે??"

આરવના મોઢે થેપલાનુ નામ સાંભળી સુશિલાબેન હસતાં હસતાં રસોડાં તરફ ગયાં. ફટાફટ થેપલાનો લોટ બાંધી આરવ માટે ગરમગરમ થેપલા બનાવીને‌ લાવ્યાં. આરવ થેપલાં ખાઈને કાર લઈને જતો રહ્યો. સુશિલાબેનનો તો હરખ સમાતો નહોતો. આગલી રાતે હલવો અને આજ થેપલાં ખાઈને સંતોષ મેળવતાં આરવનો ચહેરો તેમને અપાર ખુશીઓ આપી રહ્યો હતો.

"સુમન, મારે તને એક વાત કહેવી છે."

"હાં, બોલ ને!!"

મનન મક્કમ નિર્ધાર કરીને આવ્યો હતો. આજ સુમનને પોતાનાં દિલની વાત કહી જ દેશે. છતાંય સુમનને સામે જોતાં જ તેનાં બધાં શબ્દો વિખેરાઈ ગયાં. શું બોલવું, કેવી રીતે બોલવું,બધી સમજણ હવામાં ઉડી ગઈ. સુમન પોતાની વાત જેટલી સહજતાથી બધાની સામે રાખતી. સામે મનન એટલો જ ગુંચવાઈ જતો.

"શું યાર, કામ...કામ...કામ... ક્યારેક તો ક્યાંક ફરો, એન્જોય કરો." મનન ફરી પોતાનાં શબ્દો ગોઠવે, ને સુમનને કહે એ પહેલાં જ આરવ હોસ્પિટલમાં આવી પહોંચ્યો.

"કાલે જ તો ડીનર પર ગયાં હતાં. મારે તારી જેમ‌ બિઝનેસ નથી. હોસ્પિટલમાં રોજ દર્દી હોય. તો રોજ કામ‌ કરવું જ પડે."

"કાલ તો રવિવાર છે. રવિવારે તો હોસ્પિટલ પણ બંધ રહે. તો કાલ સાપુતારા જઈએ??"

"નાં.."

"મારે કાંઈ સાંભળવું નથી. બસ જવું છે, એ નક્કી છે. મનન તારે પણ અમારી સાથે આવવાનું છે." આરવ મનન સામે એક સ્માઈલ કરીને, સાપુતારા જવાનું ફરમાન જાહેર કરી જતો‌ રહ્યો.

સુમનને એક દર્દી આવતાં એ તેમાં વ્યસ્ત થઈ ગઈ. મનન સુમનની ઓફિસમાં જ અડગ ઉભો રહી ગયો. આ બધું જાણે તેની આદત બની ગઈ હતી. અત્યાર સુધી સુમનને કાંઈ કહી નાં શકતો. હવે હિંમત કરીને કહેવા જાય, તો‌ કોઈને કોઈ અડચણ આવી જતી. પણ મનને હિંમત તો ક્યારેય હારી જ નહોતી. ગરીબાઈમાં જીવન જીવવા છતાં ડોક્ટર બનીને ઘરનો‌ અડધો બોઝ હવે તેણે‌ પોતાની માથે લઈ લીધો હતો. નાનપણથી જ અનેક મુસીબતોનો સામનો કરી મોટો થયો હોય, તેની સામે આવી નાની મુસીબત તો કાંઈ નહોતી.

સુમનના ગયાં પછી ફરી એક દ્રઢ નિશ્ચય સાથે મનન પોતાનાં કામે વળગ્યો.


(ક્રમશઃ)