LOVE ની ભવાઈ
પાર્ટ-7
LOVE ની ભવાઈ માં અત્યાર સુધી……..
વાર્તાનો નાયક એટલે કે અભિનવ આચાર્ય મુંબઈ જવા માટે નીકળે છે. અમદાવાદ ઍરપોર્ટ પર તે અવંતિકા અત્તરવાલાને જુએ છે. એ જ અવંતિકા કે જેના માટે સ્કૂલમાં અભિનવ ને કદાચ પ્રેમ હતો. મુંબઇ એરપોર્ટ પરથી ઉતરીને બન્ને પોતપોતાના ઘરે પહોંચે છે. પોતપોતાના ઘરે પહોંચ્યા પછી બંનેને ખ્યાલ આવે છે કે બંનેના બેગ બદલાઈ ગયા છે. અભિનવની બેગમાંથી અવંતિકા ને અભિનવની એક ડાયરી મળે છે. અભિનવ અને અવંતિકા બેગ ની અદલા બદલી કરવા માટે કોફી હાઉસમાં મળે છે, પરંતુ અભિનવ ની ડાયરી અવંતિકાની રૂમમેટ રાજશ્રી પાસે જ રહી જાય છે. અને ત્યાંથી જ શરૂ થાય છે લવ ની ભવાઈ માં ખરેખર ની ભવાઈ. રાજશ્રી અભિનવની ડાયરી માં લખાયેલી કવિતાઓ, શાયરીઓ, ગઝલો વાંચી ને અભિનવ ઉપર મોહિત થતી જાય છે. પછી ફેસબુક ની રિક્વેસ્ટ થી શરૂ થયેલા સંબંધો ક્યારે એકબીજા માટે જિંદગીનો અંતરંગ ભાગ બની જાય છે તેની બંનેમાંથી કોઈને ખબર રહેતી નથી. રાજશ્રી દીવસે ને દીવસે અભિનવ માં ડૂબતી જતી હતી. જ્યારે પણ તે અભીનવને મળવાની વાત કરતી ત્યારે અભિનવ સિફતતાપૂર્વક વાત ને ઉડાવી દેતો હતો. પરંતુ નિયતિને આ મંજૂર નહોતું. એકવાર અભિનવ અને તેના ઓફિસના લોકો તથા રાજશ્રી અને તેના કોલેજના ફ્રેન્ડ્સ માથેરાન ફરવા જાય છે. અભિનવ અને રાજશ્રી બંને આ વાતથી અજાણ છે. પરંતુ થાય છે એવું કે માથેરાન માં ફરતા ફરતા રાજશ્રી ડૂબવાલાગે છે અને અભિનવ કોણ છે એ જાણ્યા વગર જ રાજશ્રી ને બચાવે છે. રાજશ્રી ને શંકા જાય છે કે તેને અભિનવે જ બચાવી છે, પરંતુ તેનો મોબાઈલ પાણીમાં પડી જવાથી બંધ થઈ ગયો હોય છે. રાજશ્રી જ્યારે ભાનમાં આવે છે ત્યારે તેને એટલી ખબર પડે છે કે જેણે તેને બચાવી તેના જમણા હાથ પર “A” નું ટેટું ચિતરાવેલું હતું.
હવે જોઈએ લવની ભવાઈ માં આગળ ની કહાની…..
જ્યારે રાજશ્રી ભાનમાં આવી ત્યારે સાંજ થઈ ચૂકી હતી. રાજશ્રી અને તેના ફ્રેન્ડ્સ સાંજ સુધીમાં ઘરે પહોંચવાનું કહીને નીકળેલા એટલે ખોટો સમય વેડફ્યા વગર તેઓ મુંબઈ પાછા આવવા માટે નીકળી ગયા. પુરા રસ્તામાં રાજશ્રી ને એક જ વિચાર આવતો હતો કે- શ્રુતિના કહ્યા મુજબ તેને ડૂબતી બચાવનારના હાથ પર “A” નીચે “ LOVE” લખીને ટેટુ બનાવેલું હતું અને અભિનવ એ પણ પોતાની ડાયરીમાં પોતે જેને પસંદ કરતો હતો તેને “A” કહીને જ સંબોધી હતી. તો શું તે અભિનવ જ હતો? પછી તરત જ વિચાર આવતો કે- ના…ના… અભિનવ ન હોય. તે આટલે દૂર માથેરાનના જંગલમાં ક્યાંથી આવે…?? રાજશ્રી ને અત્યારે ચેન નહોતું પડી રહ્યું. થોડી થોડી વારે તે મોબાઈલ ચાલુ કરવાની વ્યર્થ કોશિષ કરતી હતી. જેમ તેમ કરીને રાજશ્રી મુંબઈ પહોંચી. રૂમ પર આવીને પહેલું કામ તેણે લેપટોપ ચાલુ કરવાનું કર્યું અને ફેસબુક પર અભિનવ ને મેસેજ કર્યો – “Hiii…!!!” પછી જોયું તો તે બે દિવસથી ઓનલાઇન જ નહોતો થયો. રાજશ્રીથી નિ:સાસો નંખાઈ ગયો. તેને થતું હતું કે- કાશ… તેને અભિનવ ના ઘરનું એડ્રેસ ખબર હોત….!! કાશ….જંગલમાં ફરતી વખતે જ્યારે શ્રુતિએ સોંગ સાંભળવા મોબાઈલ માંગ્યો ત્યારે આપી દીધો હોત…!!! તેને અત્યારે પોતાના પાણીમાં પડવા પર ગુસ્સો પણ આવતો હતો અને બીજી તરફ અંદરથી આનંદ પણ થતો હતો.
ક્યારેક કોઈ ચીજ આપણા પર એ હદે હાવી થઈ જાય છે કે ક્યારેક એ વસ્તુ આપણી આસપાસ હોવા છતાં પણ દેખાતી નથી. રાજશ્રી સાથે પણ અત્યારે એ જ થઈ રહ્યું હતું. રાજશ્રી એ અભિનવની આખી ડાયરી વાંચી હતી, જેમાંથી જોઈને જ અવંતિકા એ બેગ બદલવા અભિનવ નો કોન્ટેક્ટ કરેલો. પણ રાજશ્રી ને તો ફક્ત અભિનવની ડાયરીની સ્ટોરી જ યાદ હતી. આ સમયે તેને યાદ ન આવ્યું કે તેની પાસે જે ડાયરી છે તેમાં જ અભિનવ નો કોન્ટેક્ટ નંબર છે.
આ તરફ અભિનવ માથેરાનથી આવ્યા પછી આરામ કરતાં કરતાં કાલે સાંજ થી અત્યાર સુધીની ઘટનાઓ વિશે વિચારતો હતો, ત્યાં જ મોબાઈલ વાઇબ્રેટ થવાથી વિચારોનો તંતુ તૂટ્યો. તેણે જોયું તો તેના બોસનો કોલ હતો. અભિનવ ને એક પ્રોજેક્ટ માટે આવતીકાલે અમદાવાદ જવા નીકળવાનું હતું. પછી આખા દિવસ ના થાક અને સવારે સમયસર નીકળી શકાય તે માટે તે વહેલાં જ સુઈ ગયો. અભિનવ સુઈ ગયો હોવાથી રાજશ્રીના ફેસબુક મેસેજનો જવાબ ન આપી શક્યો. બીજી તરફ આજે થયેલી ઘટના એ રાજશ્રીની ઊંઘ ઉડાવી દીધી હતી. ગઈકાલે રાત્રે ટ્રુથ એન્ડ ડેર રમતી વખતે પોતે અભિનવ ને પ્રેમ કરે છે કે નહીં તે વિશે અસમંજસમાં હતી, પણ હવે તેનું હૃદય જોર જોરથી ધડકી ને અભિનવનું નામ કહી રહ્યું હતું. તેને થતું હતું કે- કાશ..તેને જેણે બચાવી તે અભિનવ જ હોય…!! સવારે ઊઠીને પહેલું કામ તે કોઈ પણ ભોગે અભિનવ નો કોન્ટેક્ટ કરવાનું કરશે એવું નક્કી કર્યું. પછી અભિનવ સાથે અત્યાર સુધી થયેલી વાતો યાદ કરતા કરતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર જ ન રહી. બીજી બાજુ અવંતિકા અભિનવ અને રાજશ્રીના સંબંધથી તદ્દન બેખબર હતી. તે તો પોતાના મેડિકલના અભ્યાસ અને રિસર્ચમાં લાગેલી હતી.
સવારે ઉઠતાવેંત જ રાજશ્રી એ લેપટોપ ચાલુ કરીને ફેસબુક ચેક કર્યું, પરંતુ અભિનવ હજુ પણ ઓફલાઈન જ હતો. એમ પણ રાજશ્રીને તો વેકેશન હતું. અવંતિકાની કોલેજ ચાલુ હોવાથી તે કોલેજ ગઈ હતી. રાજશ્રી તો અભિનવ સાથે વાત કરવાના ઇરાદાથી વહેલી ઉઠી ગઈ હતી. એમ કહીએ કે સૂતી જ નહોતી તો પણ ચાલે. એને જલદીથી જલદી એ જાણવું હતું કે-ગઈ કાલે અભિનવ ક્યાં હતો. પણ સવારે પણ અભિનવ ઓફલાઈન હોવાથી તેની ઇચ્છા પર પાણી ફરી વળ્યું હતું. પછી અભિનવ સાથે નહીં તો કંઈ નહીં અભિનવ ની ડાયરી સાથે તો સમય પસાર કરી શકાય એમ વિચારીને તેણે ફરીથી અભિનવની ડાયરી વાંચવા માટે હાથમાં લીધી. જેવું તેણે પ્રથમ પેજ જોયું કે તેની આંખોમાં એક અલગ પ્રકારની ચમક આવી ગઈ… તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું… ખુશીને મારે તેનાથી એક ચીસ નીકળી ગઈ અને તે ઉછળી પડી. ડાયરી ના પ્રથમ પેજ પર અભિનવ નો કોન્ટેક નંબર હતો. તે તરત જ ફ્લેટ થી નીકળી અને મોબાઇલ શોપ પર જઈ ને ઉભી રહી. નવો મોબાઈલ ચાલુ કરીને તરત જ અભિનવ ને કોલ કર્યો. બરાબર આ સમયે અભિનવ ફ્લાઈટમાં હોવાથી તેનો મોબાઈલ બંધ હતો. રાજશ્રી ઘણી કોશિશ કરી પણ દરેક વખતે તેને એક જ અવાજ સાંભળવા મળતો- “ The mobile you are trying is either switched off or out of coverage. Please try after sometime.” અંતે થાકીને રાજશ્રી એ કોલ કરવાનો વિચાર પડતો મૂકીને અભિનવની ડાયરીમાં લખાયેલા આર્ટિકલ્સ, ગઝલો અને કવિતાઓમાં વાંચવામાં ધ્યાન પરોવ્યું.
રાજશ્રી ડાયરી વાંચી જતી હતી ત્યાં એને એક વાક્ય દેખાયું- “ Mother’s day doesn’t mean put your mom in your DP, but it means put your mom in your heart forever…!!!” આટલું વાંચતા જ રાજશ્રી ને યાદ આવ્યું કે- બે દિવસથી મમ્મી ને કોલ કર્યો જ નથી અને પોતાનો મોબાઈલ પણ બંધ હતો. મમ્મી ચિંતા કરતી હશે એમ વિચારીને તરત જ તેના મમ્મી ને કોલ લગાવ્યો. પછી મમ્મીના આગ્રહ અને વેકેશનના કારણે આવતી કાલે અમદાવાદ જવાનું નક્કી કર્યું.
અમદાવાદમાં અભિનવ પોતાના પ્રોજેક્ટ પાછળ વ્યસ્ત હતો. તો રાજશ્રી મમ્મી-પપ્પા અને તેના ભાઇ સાથે વેકેશન એન્જોય કરી રહી હતી. આ દરમિયાન રાજશ્રી એ બે ત્રણ વખત અભિનવ નો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરી પરંતુ દરેક વખતે અભિનવ નો ફોન સ્વીચડ્ ઓફ જ આવતો. પ્રોજેક્ટ દરમિયાન અભિનવ ને એક વસ્તુ ની જરૂર પડે છે. અભિનવ અમદાવાદમાં રખડી રખડીને થાકે છે પણ તેને એ વસ્તુ મળતી નથી. એના વગર તેના પ્રોજેક્ટનું કામ અટકી પડે છે. આખા દિવસની રખડપટ્ટી પછી ઘરે આવીને અભિનવે ફ્રેશ થવા ફેસબુક ખોલ્યું તો રાજ શ્રી ઓનલાઇન હતી અને તેના પાંચ છ મેસેજ આવેલા હતા.
એટલે અભિનવે રાજશ્રીને સંભળાવવાના ઈરાદાથી મેસેજ કર્યો- “ તે દિવસે તો બહુ ડંફાસો મારતી હતી ને કે મારું અમદાવાદ આમ ને….મારું અમદાવાદ તેમ…જોઈ લીધું તારું અમદાવાદ…..!!!”
રાજશ્રી નો રિપ્લાય આવ્યો - “ કેમ આજે વડોદરાના રાજકુંવર અમદાવાદ પર આટલા મહેરબાન થયા છે..??? શેહઝાદ-એ-આઝમ શું થયું એ કહો તો અમને ખબર પડે…!!"
પછી અભિનવે એના પ્રોજેક્ટ માટે જે વસ્તુ જોઈતી હતી એ કહ્યું અને એની પાછળ એણે કેટલું હેરાન થવું પડ્યું એ પણ કહ્યું. એના જવાબમાં રાજશ્રી એ હસવાવાળા ઈમોજી મોકલ્યા. આ જોઈને અભિનવ ને ગુસ્સો આવ્યો અને તે ઓફલાઈન થઈ ગયો. થોડી વાર પછી રાજશ્રી નો કોલ આવ્યો.
"પ્રિન્સ… આપતો નારાજ હો ગયે…આપ કો મનાને કે લિયે અહેમદાબાદ કી પ્રિન્સેસ ને આપકો કુછ ભેજા હૈ. કૃપા કરકે દેખ લીજીયે.” આ વાક્ય બોલતી વખતે રાજશ્રી ને પોતે ખરેખર અભિનવની પ્રિન્સેસ હોય એવો વિચાર આવતો હતો. પછી આવીને હું કઈ બોલે એ પહેલા રાજશ્રી એ ફોન કાપી નાખ્યો. રાજશ્રી ને અભિનવ ને માથેરાન વાળી ઘટના વિષે પૂછવું હતું, પરંતુ અભિનવની સ્થિતિ અને એનો ગુસ્સો જોઈને એણે કાંઈ ન પૂછ્યું.
અભિનવે કોલ પત્યાં પછી જોયું તો તેને જે વસ્તુની પોતાના પ્રોજેક્ટ માટે જરૂર હતી એનો ફોટો હતો અને નીચે લખ્યું હતું- “ બધી વસ્તુઓ મહેલોમાં જ ન મળે. ક્યારેક અમારા જેવા ગરીબ ના ઝૂંપડામાં પણ નજર કરાય.” ફોટો જોઈને અભિનવ ને વિશ્વાસ જ નહોતો થતો કે પોતે જે વસ્તુ માટે અડધુ અમદાવાદ રખડી ચૂક્યો હતો એ વસ્તુને રાજશ્રી એ પાંચ મિનિટમાં તેની સામે લાવીને મૂકી દીધી હતી.
હવે અભિનવ નો વારો હતો. આટલી મોટી મદદ કરી તો અભિનવને થયું કે રાજશ્રી માટે કંઈક તો કરવું જ જોઈએ.
એટલે તરત જ અભિ નવે રાજશ્રી ને મેસેજ કર્યો- “ રાજકુમારી… આપકે તોહફે સે શેહઝાદ- એ- હિંદ બહોત પ્રસન્ન હુએ. તો આપ કી ખિદમત મે હમારી ઓર સે એક છોટીસી દાવત કા ઇન્તજામ કિયા જાયેગા. અગર આપકા ચાંદ સા ચહેરા દાવત મે આયેગા તો હમે રોશની કી વ્યવસ્થા નહીં કરની પડેગી.”
મેસેજ વાંચીને રાજશ્રી ખડખડાટ હસી પડી. પછી રાજશ્રી એ બે-ત્રણ સેડ ફીલીંગવાળા ઇમોજી મોકલી ને લખ્યું- “ ક્ષમા ચાહતે હૈ યુવરાજ… આપકો રોશની કી વ્યવસ્થા ખુદ હી કરની પડેગી, ક્યોંકિ દો દિન બાદ ચાંદ કી સહેલી કી શાદી હૈ તો ચાંદ કલ સુબહ હિ કહી ઔર રોશની ફૈલાને ને કે લિયે નિકલ રહા હૈ…”
વાતવાતમાં અભિનવ ને ખબર પડી કે રાજશ્રી કાલે વડોદરા જઇ રહી છે. રાજશ્રી એ અભિનવ ને જણાવ્યું કે તેના ભાઈની જોબ અભિનવ જે બાજુ રોકાયો છે તે એરિયામાં જ છે.તો તે અભિનવ ને તેની વસ્તુ આપી દેશે. અભિનવે ત્યારે તો રાજશ્રીની હામાં હા પુરાવી. કોલ પત્યાં પછી અભિનવે વિચાર્યું કે તેના પ્રોજેક્ટ માં જે મુશ્કેલી હતી તે દૂર થઈ ગઈ છે. આવતીકાલે તેને મુંબઈ જવા નીકળવાનું જ છે તો જો તે અમદાવાદના બદલે વડોદરાથી ફ્લાઇટ લે અને વડોદરા સુધી તે રાજશ્રી સાથે જાય તો તેના એક સાથે બે કામ થઈ શકે. એક રાજ શ્રી પાસેથી પોતાની વસ્તુ પણ લઇ શકાશે અને એ બહાને રાજશ્રી ને મળી પણ લેવાશે. ત્યારે અભિનવ ને ક્યાં ખબર હતી કે આ એક મુલાકાત તેના જીવનમાં ઘણી ઊથલપાથલ મચાવવાની હતી.
અભિનવ એ તેના પ્લાન વિશે જણાવવા રાજશ્રી ને કોલ લગાવ્યો. રાજશ્રી કોલ રિસીવ કરતા જ બોલી- “તને જ કોલ કરતી હતી...”
અભિનવ એ પૂછ્યું- “ કેમ…??”
તો રાજશ્રી એ જવાબ આપ્યો કે- “ પહેલા તે કોલ કર્યો છે તો તું જ બોલ શું કામ છે..??”
પછી અભિનવે તેના પ્લાનિંગ વિશે કહ્યું. એ સાંભળીને થોડીવાર તો રાજશ્રી ને વિશ્વાસ જ ન થયો કે જેની પાસે તે આજ સુધી એક ફોટો માંગી માંગી ને થાકી હતી. કેટકેટલી વાર મળવા માટે મનામણા કરી ચૂકી હતી.. વિનંતી કરી ચૂકી હતી એ માણસ આજે સામેથી મળવા માટે નહીં પણ એનો હમસફર બનવા માટે કહી રહ્યો હતો. રાજશ્રી તો અભીનાવને માથેરાન વાળી ઘટના વિશે પૂછવા જ કોલ લગાવતી હતી, પરંતુ અભીનવની વાત સાંભળ્યા પછી તેને થયું કે જો તે અભિનવ નહીં હોય તો, તેમની આવનારી મુલાકાત પર અસર પડશે. એમ વિચારીને અભિનવ ને પૂછવાનો વિચાર માંડી વાળ્યો. તેણે વિચાર્યું કે આવતી કાલે અભિનવ સફરનો હમસફર બનવાનો જ છે તો ત્યારે જ ખબર પડી જશે. જ્યારે અભિનવે પૂછયું કે- “ તું કેમ કોલ લગાવવાની હતી..??” ત્યારે રાજશ્રી આડીઅવળી વાતો કરીને વાત ને ટાળી દીધી. પછી આવતી કાલે મળવાનું કહીને કોલ પૂરો થયો.
બીજા દિવસે અભિનવ રાજશ્રી પહેલાં જ રેલવે સ્ટેશન પહોંચી ગયો. ટ્રેનને આવવાને હજુ વીસેક મિનિટની વાર હતી. રાજશ્રી આવે ત્યાં સુધી સમય પસાર કરવા માટે અભિનવે મોબાઇલમાં જ ન્યુઝ વાંચવાનું ચાલુ કર્યું. થોડીવાર પછી અભિનાવને લાગ્યું કે કોઈ તેની બાજુમાં ઊભું ઊભું જોઈ રહ્યું છે. અભિનવ એ મોબાઈલ તરફ જ ધ્યાન રાખીને ત્રાંસી આંખે એ તરફ જોયું તો, કોઈ છોકરી સ્કાય બ્લુ રંગનાં સલવાર-કમીઝ પહેરેલી હતી. કાનમાં એવા જ રંગના ઝૂમખાં,, કપાળમાં નાનકડી પણ તરત ધ્યાનમાંઆવી જાય એવી બિંદી, આછી લિપસ્ટિક, મોં પર થોડી સ્માઇલ અને ચહેરા પર કંઈક પૂછવા માંગતી હોય એવા હાવભાવ સાથે અભિનવ ને જોતા ઊભી હતી. અભિનવે મોબાઈલમાંથી ધ્યાન હટાવ્યું અને એ તરફ જોયું. બન્નેની નજરમાં મળી અને એકસાથે જ બોલી ઊઠ્યા- “અભિનવ..???” “રાજશ્રી…???” અને પછી બંને હસી પડ્યા. રાજશ્રીએ અભિનવને તેના પ્રોજેક્ટ માટેની વસ્તુ આપી. એટલી વારમાં ટ્રેનની વ્હીસલ સંભળાઇ.
ટ્રેન આવતા બંને સામ સામેની સીટ પર ગોઠવાયાં. પછી કેવું લાગ્યું અમદાવાદ..?? આટલા દિવસ શું કર્યું…?? એવી આડીઅવળી વાતો ચાલી. રાજશ્રી માથેરાનવાળી ઘટના વિશે પૂછવા માટે વાતચીત કરીને આધાર બનાવતી હતી. તેને ડર હતો કે- જો તેને બચાવનાર નહીં ને કોઈ બીજું હશે તો…?? શું આની અસર અભિનવ અને તેની વચ્ચેની દોસ્તી માં આવશે…? અત્યારે તો પોતાને બચાવનાર અભિનવ જ હતો એમ માનીને ખુશ થાય છે પણ જો એમ નહીં હોય તો…??? ઘણીવાર મનોમંથન કર્યા પછી રાજશ્રી હિંમત એકઠી કરીને અભિનવ ને પૂછવા જ જતી હતી ત્યાં તેનું ધ્યાન અભિનવ નાં હાથ ના કાંડા પર પડ્યું. પણ ત્યાં તો શ્રુતિએ એ જેવું કહેલું તેવું કોઈ ટેટુ ન હતું. એટલે રાજશ્રી એ વાત કહેવાનું ટાળી દીધું. વાતોમાં ને વાતોમાં ક્યારે વડોદરા આવી ગયું તે ખબર જ ન રહી. પછી ફરીથી મળવાનું કહીને બંને છુટા પડ્યા. અભિનવ ની ફ્લાઈટ રાતની હતી એટલે ત્યાં સુધીમાં એ બધા ફ્રેંડસ ને મળી લેવા માંગતો હતો. રાજશ્રી સ્ટેશનેથી તેની ફ્રેન્ડના ઘરે જવા નીકળી ગઈ.
એક પછી એક જેટલા ફ્રેન્ડ્સ વડોદરામાં હતા તે બધા ને અભિનવે કોલ કરીને કોલેજ પર મળવા માટે બોલાવી લીધા. કોલેજ પર બધાએ ખૂબ મસ્તી કરી, જૂની યાદોને તાજી કરી. એક-બે પ્રોફેસરો કે જે અભિનવ ના સમયથી ત્યાં હતા તેમને મળ્યા. પછી રાત થતાં બધા એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા. જમ્યા પછી એક પછી એક લોકો ફરી મળવાનો વાયદો કરીને નીકળતાં ગયા. અભિનવ એ પણ એરપોર્ટ તરફ પ્રયાણ કર્યું. અભિનવ સમય કરતા વહેલો એરપોર્ટ પર પહોંચી ગયો હતો. ફલાઈટના ટૅક્-ઑફ ને હજુ સમય હતો. થોડી વાર આમતેમ સમય પસાર કર્યા પછી કંઈ ન સૂઝતાં અંતે તેણે રાજશ્રી ને કોલ લગાવ્યો. પણ આ સમયે રાજશ્રીની ફ્રેન્ડ ના હાથમાં મહેંદી મુકાઈ રહી હતી. રાજશ્રી અને બીજી ફ્રેન્ડસ બાજુમાં ટોળું વળીને બેઠી હતી અને હસી મજાક કરી રહી હતી. એટલામાં રાજશ્રીના ફોનની રિંગ વાગી એટલે તે થોડીવાર આવવાનું કહીને અભિનવ જોડે વાત કરવા ચાલી ગઈ.
જ્યારે તે વાત પૂરી કરીને પાછી આવી ત્યારે તેની ફ્રેન્ડ મહેક કે જેના લગ્ન હતા તેણે પૂછ્યું કે- “ ક્યાં ગઈ હતી..?
”
જવાબમાં રાજશ્રી એ કીધું કે- “એક ફ્રેન્ડ નો કોલ હતો એટલે વાત કરવા ગઈ હતી.” આટલું બોલતા જ તેના ચહેરા પર જે લાલાશ ઉભરી આવી તે કોઈનાથી છુપી ના રહી.
એટલે તરત જ બીજી ફ્રેન્ડ એ પૂછ્યું- “ ફ્રેન્ડ કે બોયફ્રેન્ડ…?”
એટલે રાજશ્રી એ શરમાતાં શરમાતાં કહ્યું-“ અત્યારે તો ફ્રેન્ડ છે પણ હું એને પ્રપોઝ કરવાનું વિચારું છું.” આટલું કહેતા જ ત્યાં બેઠેલા બધાં એ ચિચિયારીઓ પાડી.
એટલે તરત જ રાજશ્રી એ બધાને શાંત પાળતા કહ્યું-“શાંતિ રાખો… મને ફિલિંગ્સ છે પણ અભિ ને છે કે નહીં એ મને ખબર નથી. મારું મન પ્રપોઝ કરવાની ના પાડે છે કેમકે કદાચ જો એને ફિલિંગ્સ નહિ હોય તો અમારી આટલી સારી દોસ્તી તૂટી જશે, પણ દિલ એમ કહે છે કે જે થવું હોય તે થાય એકવાર તો પૂછી જ લે. એટલે હવે આર યા પાર… હા..તો સાથીદાર, નહીં તો દિલ સે બહાર…!!!” રાજશ્રી એક શ્વાસે આટલું બોલી ગઈ.
આ વખતે ચિચિયારીઓ સાથે તાળીઓ પણ પડી. એક ફ્રેન્ડ એ પૂછી જ લીધું- “ ઓ…. મેડમ… તમે ક્યારથી કવિતાઓ કરવા લાગ્યા….? હવે તમારા જીવનની કવિતા જે લખવાના છે તે કવિ નો ફોટો તો બતાવો…!!” પછી રાજશ્રી એ આજે ટ્રેનમાં છાનાંમાનાં પાડી લીધેલો અભિનવ નો ફોટો દરેકને બતાવ્યો. વારાફરતી જોતા જોતા જ્યારે મહેક સામે એ ફોટો આવ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા. તે સ્તબ્ધ થઈ ગઈ. તેની ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને તેની આંખમાંથી આંસુ સારી પડ્યાં. અચાનક મહેકને રડતી જોઈને બધાને નવાઈ લાગી. બધી ફ્રેન્ડ્સ તેના રડવાનું કારણ પૂછતી હતી પરંતુ મહેકથી કંઈ બોલી ન શકાયું. બધી ફ્રેન્ડ્સને થયું કે કદાચ હવે સાસરે જવાનું છે એ યાદ આવતા રડતી હશે એટલે બધા એને સાંત્વના આપવા લાગ્યા.
આ સમયે કોઈ ને ક્યાં ખબર હતી કે મહેકના રડવાનું સાચુ કારણ શું હતું..?? જો રાજશ્રી ને માથેરાનમાં બચાવવાવાળો અભિનવ જ હતો તો તેના હાથ પર ના ટેટુ નું શું રહસ્ય હતું….??? શું થશે જ્યારે રાજશ્રી અભિનવ ને પ્રપોઝ કરશે…?? બધા જ જવાબ મળશે લવની ભવાઈ ના આવતા ભાગમાં. તો વાંચતા રહો લવની ભવાઈ અને આપના પ્રતિભાવ મોકલી આપો.
Whatsapp: 9426602396
Email: hirenmoghariya1411@gmail.com