Love Blood - 30 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-30

લવ બ્લડ
પ્રકરણ-30

જમીને પછી તરત જ નુપુરે મંમીની સામે જોયું અને થોડીવાર જોતી જ રહી. માએ પૂછ્યું આમ મારી સામેને સામે શું જોયાં કરે છે ?
નુપુરે કહ્યું "સાચુ કહું માં... હું ભલે મોટી થઇ કોલેજમાં આવી ગઇ પણ તારી આ પ્રોઢવસ્થામાં પણ તું એટલી સુંદર લાગે છે તો એ સમયકાળમાં કેટલી સુંદર લાગતી હોઇશ. પછી કોઇ કાબૂજ કેવી રીતે કરે ? એમ કહીને હસવા લાગી.
જ્યોતીકા ઘોષે કહ્યું "દીકરા એ સમયની બધી યાદો ઘણી મધૂરી અને ઘણી કડવી પણ છે મારી નાદાનીયત, ભોળપણ કે મારું રૂપ મને નડેલું સાચું કહું તો મને એનો અહમ પણ હતો હું ખૂબ ગરીબ ઘરની છોકરી પણ મારું રૂપ નાનપણથી મોટી થઇ એમ નીખરતું જતું હતું. મારાં માંબાપને મારુ રૂપ શ્રાપરૂપ લાગવા માંડેલું... આપણી અહીંની આદીવાસી જંગલી લોકો ના કોઇ કાયદાના સમજણ, દીકરા ના કોઇ સંયમ ના દયા.. છોડ એ તરફ નથી જવું મારે...
નુપુરે કહ્યું "કેમ માં કહોને તમને એવી શું અગવડ પડી તમારું કોઈ ધ્યાન નહોતું આપતું ? તમારાં.. એટલે કે મારાં નાના નાની થી તમને કોઇ અન્યાય થયેલો કોઇ ખોટ વર્તાઇ હતી ?
જ્યોતીકા ઘોષે કહ્યું "એવું નહીં દીકરા આપણું એકજ કુટુંબ એવું હતું કે થોડે ઉજળીયાત ભણેલું થોડી સમજદારી અને સંસ્કાર.. બાકી ગામ - જંગલનાં બધાં જ લોકો ખોરડાં જંગલીયતથી ભરેલાં. અમારાં એ સમયમાં.. આમ તો કોઇ યુગ નથી વીતી ગયાં માંડ વીસ-પચીસ વર્ષ પહેલી વાત.. સ્ત્રીઓનું સન્માન નહી કોઇ માનવાચક ઉદગાર નહીં સ્ત્રી એક ખરીદી કરી શકાય એવી વસ્તુ... એક એવું સાધન કે જે મનોરંજન અને વૈતરા કરવા સર્જાયેલું હોય.
જેની પાસે પૈસા એ ગમે તે સ્ત્રીને પરણે-ખરીદી લે ના-નાત જાત-સંસ્કાર - ભણતર કંઇ નહીં ગમે તેવો રાક્ષસ જેવો કુબડો કે ગંદો પૈસાનાં જોરે ગમે તેને પરણી લાવે. જંગલીયત અને સ્ત્રીઓ પરત્વે ત્રાસ એટલો કે બધાં ખૂબ મારે, કામ કરાવે વાસના ભૂખ્યા પુરુષો જ્યારે ત્યારે એમની વાસના સંતોષે ના સમય કાળના ભૂખ-તરસ જુએ. અમાનવીય જીવન જીવતાં બધાં જ એક ઘરમાં નહીં આવી સ્થિતિ દરેક ઘર ઘરમાં હતી જંગલમાં લાકડા કાપવા જવાનાં-કંદમૂળ લેવાં દેવા જવાનાં પાણી ભરવાનાં ઘરકામ, રસોઇકામ, બધુ જ કરવાનું ના થાક જોવાય ના સમય ગમે તે પુરુષ પોતાનાં પુરુષની ગેરહાજરીમાં જોર ઝુક્મ કરીને બળાત્કાર કરી જાય.. સામે જોરાવર હોય કંઇ બોલાય નહીં ગુલામ જેવી દશા.
નુપુરે કહ્યું "માં આવું કેવું ? સાવ જંગલી પણું ? તમે કેવી રીતે જીવ્યાં ? આખુ જીવન કેમનું તમે ? તમારી સાથે કંઇ ? પાપા કેવી રીતે મળ્યાં ?
જ્યોતિકા ઘોષે કહ્યું "નાનપણથી મારી સુંદરતાની ચર્ચા હતી. મારી માં મને ઘરની બહાર જ નહોતી નીકળવા દેતી એને મારીજ ચિંતા સતાવતી મારો બાપ દારૂ ખૂબ પીતો પણ મારાંથી આઘો રહેતો. મારી માંએ એવી વાત ફેલાવી દીધી હતી કે મારાંમાં જંગલની દેવીનો આત્મા છે એટલે મારાથી આઘાં રહેતાં.
મારી માં મને દર રવિવારે જંગલમાં સાથે લઇ જતી અને મને જાત કેવી રીતે સાચવવી એ સમજાવ્યા કરતી.
હું જેમ જેમ મોટી થતી ગઇ એમ મારાંમાં જાણે સમજની જગ્યાએ નાદાનીયત વધતી ગઇ મને મારાં રૂપનું અહમ થવા માંડેલુ. વસ્તીની બધીજ છોકરીઓમાં હું નાજીક-નમણી અને ખૂબ સુંદર હતી. હું મારાં જ રૂપરંગ જોઇને શરમાતી એને જોયા કરતી ફુલી નહોતી સમાતી તું મારી દીકરી છે તને વધારે શું કહું ? મારાંથી એક દિવસ ભૂલ થઇ ગઇ.
વરસાદની ઋતુ હતી બાપ મારો દારૂપીને ખાટલે પડેલો માં ને બે ત્રણ દિવસથી સખ્ત તાવ હતો એનાંમાં ઉઠવાની શક્તિ નહોતી કામ કરવાનું મારાં માથે આવ્યું માં માટે વનસ્પતિનો ઉકાળો બનાવવાનો હતો બાપા જેટલી જડીબુટ્ટી લાવેલાં એટલી પુરી થવા આવી હતી બીજી જડીબુટ્ટી જંગલથી લાવવાની હતી પણ માંએ મને બહાર નીકળવાની સ્પષ્ટ ના પાડી હતી.
સાંજ પડી ગઇ હતી માં ને તાવ વધતો જતો હતો શરીર લ્હાય જેવું ગરમ થયું હતું એ લવારી કરી રહી હતી મે બાપુને ઢંઢોળ્યા ખૂબ પણ નશામાં ચક્ચૂર પડેલાં એમને બોલવાનું કે કોઇ જ સૂધબુધ નહોતી.
હું ગભરાઇ માં પાસે બેઠી એનું માથું દબાવ્યું એણે કીધું એવાં ઉપચાર કર્યા પણ ફેર નહોતો પડતો. આપણે વસ્તીમાં એક ઘર અહીં બીજી કયાંય દૂર એમ છૂટાછવાયા ઘર અને વરસાદતો કહે મારું કામ એટલો જોરથી મુશળધાર વરસાદ પડે કે આપણાં નળીયાનાં ઘર પણ જાણે જોખમવાળાં થયાં જ્યાં ત્યાં પાણી ભરાયેલાં ત્યારે શું કરવું સમજ નહોતી પડતી લાકડાં બધાં ભીંજાઇ ગયાં હતાં દેવતા સળગાવીને માં ને શેક આપતી હતી ભીનાં કપડાં પણ મૂકવી હતી લીલા લાકડાંથી ધૂમાડો ખૂબ થતો હતો એ કાળી રાત્ર ખૂબ જ ભયંકર હતી મને હજી યાદ છે.
નુપુર ગભરાઇ ગઇ એ માંની બરોબર બાજુમાં આવીને એને સ્પર્શ કરી બેસી ગઇ એનો હાથ પકડી લીધો એનાં શરીરમાં ભયની લહેર પ્રસરી ગઇ એણે કહ્યું "માં આ શું ? આટલી તકલીફ ? પછી શું થયું ?
જ્યોતિકા માં એ કહ્યું "દીકરા માં - બેભાન થઇ ગઇ હતી મને શું કરવું સમજાતું નહોતું હવે આટલી અંઘારી વરસાદી રાત્રે ક્યાં જાઉ ? કોની મદદ માંગુ ? હું ઇશ્વરને આપણાં વન દેવતાને પ્રાર્થના કરી રહી હતી. દીકરા આખી રાત હું આમ જ માં પાસે બેસી રહેલી.. ક્યારેક માં હૂં હૂં કરીને એનું દર્દ બતાવે ક્યારેક સાવ શાંત થઇ જાય મને થયું માં ને કંઇ થઇ ગયું તો હું શું કરીશ ? બાપ મારો દારૂડીયો હતો માં જ ઘરનો બધો વ્યવહાર સાચવતી મારી રક્ષા કરતી.
સવાર થવા માંડી થોડું અજવાળુ થયુ અને હું માં પાસેથી ઉઠી. આખી રાત માં ને મારાં ખોળામાં માથુ રાખી સૂવાડી રાખેલી મારું અંગ અંગ કળતર થતું હતું મને પણ તાવ આવશે કે કેમ ? એવો ભય હતો. માં એ બળતામાં ઘી રેડ્યુ મને કહે આ મને તાવ કાળો તાવ છે દીકરા તું સવાર પડે જડીબુટ્ટી લઇ આવજે. તારી અને મારી બંન્નેની દવા કરવી પડશે. નહીંતર.... પછી એની ચઢેલી ઉધરસે બાકીનાં વાક્ય એનાં ગળામાં જ રહી ગયાં.
સવાર પડતાં થોડું અજવાળું થયું અને હું માં ને કહીને નીકળી બધે પાણી ભરાયેલાં હતાં હજી ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ હતો. આપણી વસ્તીમાં છેડે એક બાવા રહેતાં હતાં એ જડીબુટ્ટી રાખતાં અને બધાની સારવાર કરતાં.. એમનાં વિષે જુદી જુદી વાતો થતી. કહેવાનાં બાબા પણ જુવાનજોધ માણસ બાબા થઇને જડીબુટ્ટી ચરસ -ગાંજો જંગલની બધી જ વનસ્પતિ -લાકડા -ચંદન બધુ જ વેચતો એનાં ત્યાં એકલે પંડે જવુ એ જોખમ હતું પણ છૂટકો નહોતો નહીંતર ઘરમાં બે લાશ પડત.
હું ઘીમી ચાલે બીતી બીતી માંનો સાડલો માથે ઓઢીને નીકળી એટલાં સાપ ફરે વીંછી ફરે બધાથી બચતી છેક વસ્તીનાં છેડે પહોચી ત્યાં કોઇ ઝૂંપડાંમાંથી અવાજ પણ આવ્યો કોણ છે આટલાં વરસાદમાં સાપ વીંછી વચ્ચેથી મરવા નીકળ્યુ છે ? પણ હું કાંઇ બોલી નહીં.
ત્યાં બાબાને ત્યાં પહોચી મેં સાંકળ ખખડાવી પણ કોઇ એ ખોલ્યુ નહીં.. મેં બારણું ખોલવા પ્રયત્ન કર્યો સ્હેજ ધક્કો માર્યો ને ખૂલી ગયું તો એ બાબા જમીનપર ચતોપાટ પડીને ઘસઘસાટ ઊંઘતો હતો. એનાં ચૂલામાં દેવતા સળગતો હતો અને કોઇ વાસણ ચૂલે ચઢાવેલુ હતું મેં એનાં ઘરમાં નિરિક્ષણ કર્યુ તો નાળીએરનાં પાન અને ખજૂરીનાં પાન બાંધીને એમાં બધી વનસ્પતિઓનાં ઢગલાં પડેલાં. કેટલીય જડીબુટ્ટી વાટેલી ભરેલી હતી માટીનાં જુદા જુદા વાસણો ભરેલાં હતાં.
એ સૂતો હતો એની બાજુમાં હૂક્કો પડેલો હમણાંજ પીને સૂતો હોય એવું લાગતું હતું કારણ કે હુક્કો હજી ગરમ અને એમાંથી ધુમાડો નીકળતો હતો.
ત્યાંજ મેં એના ઘરમાં મોટો નાગ જોયો જે એ બાબાનાં માથા નજીક આવી રહેલો એનાં મોઢામાં કોઇ જાનવર હતું અને મારાથી મોટી ચીસ નંખાઇ ગઇ.
મારી ચીસ સાંભળીને એ જાગી ગયો અને એકદમ મારી સામે જોયુ થોડીવાર મારી સામે જોયું મને પૂંછ્યુ તું કોણ છે ? અહીં કેમ આવી છે ? અને આટલી મોટી ચીસ કેમ પાડી ?
મેં જવાબમાં માત્ર આંગળીનાં ઇશારે નાગ બતાવ્યો તો એ જોરજોરથી હસવા માંડ્યો એતો અહીંજ રહે છે ગભરાવાની જરૂર નથી જતો રહેશે. પણ તું કોણ છે ? કેમ આવી છે ?
મેં ભીનો સાડલો આધો લીધો અને એની નજર.....
વધુ આવતા અંકે --- પ્રકરણ-31