teacher - 28 books and stories free download online pdf in Gujarati

ટીચર સ્ટુડન્ટ્સ ની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 28

સપ્ટેમ્બર મહિનો આવી ગયો હતો. આપણે સૌ જાણીએ જ છીએ કે સ્વયં શિક્ષક દિવસ આ આ સપ્ટેમ્બર મહિનામાં જ ઉજવવામાં આવે છે. 5 સપ્ટેમ્બરે દર વર્ષે આપણે સૌ શાળામાં સ્વયં શિક્ષક દિવસ ઉજવીએ છીએ. આજ ની વ્યાખ્યા થોડી ઉલટી છે, આ દિવસ વિદ્યાર્થીઓ કરતાં શિક્ષકોને વધારે વહાલો લાગે છે. રોજ લેક્ચર લેતી વખતે ત્રાસ આપતા વિદ્યાર્થીઓને હેરાન કરવાનો આજે આ દિવસે શ્રેષ્ઠ મોકો શિક્ષકો પાસે હોય છે.

ઘણી શાળાઓમાં આ દિવસે શિક્ષકો વિદ્યાર્થી બનીને બેસે છે. પોતાની અત્યાર સુધી ની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરી લે છે, આ દિવસે શિક્ષકો શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન કરે છે અને દર વખતે આપણે આ એક દિવસ શિક્ષકો માટે ગજબનું માન જાગે છે.

સારો શિક્ષક એ વિદ્યાર્થીની ઓળખ છે. મિત્રો, આપણી પ્રાથમિક શાળાના શિક્ષકો હજુ આપણને યાદ હશે, એમના દ્વારા આપવામાં આવેલા સંસ્કારો ખજાનાની જેમ સાચવીને રાખ્યા હશે, તેઓએ કહેલી વાતો અને તેઓએ કરેલી વાર્તાઓ આપણે ઘણી વખત આપણી જ આંખો સામે રમતી દેખાય છે.

અહીં શાળામાં પણ બધા વિદ્યાર્થીઓ શિક્ષક દિવસ માટે કંઈક શિક્ષકોને સરપ્રાઈઝ આપવાનું આયોજન કરી રહ્યા હતા. કોઈ વ્યક્તિ જ્યારે શિક્ષક તરીકે ઉભો હોય ત્યારે તેને બે વાતોથી સૌથી વધારે હરખ થાય છે, પ્રથમ એ કે પોતાના વિદ્યાર્થીની સારી પ્રગતિ થાય અને બીજું વિદ્યાર્થી દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય ભેટ. આ ભેટ ભૌતિક સ્વરૂપે જ હોય એવું જરૂરી નથી. આ ભેટ સ્વરૂપે પ્રેમ, લાગણી, હૂંફ કે અપાવેલ ગર્વ આ બધું પણ હોઈ શકે છે. આખી દુનિયામાં પિતા અને શિક્ષક આ બે જ એવા વ્યક્તિ છે કે તેઓ આપણને પોતાનાથી પણ આગળ જોવા તૈયાર છે. બાકી આજના જમાનાની તો કહેવત બની ગઈ છે "ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત મારાથી કરે."

આપણે આ કહાની તરફ આગળ વધીએ....
3 તારીખે શનિવાર હતો, ભૂમિ મેડમના લેક્ચરમાં પટાવાળા કાનજી ભાઈ આવ્યા અને સાથે એક સૂચના લાવ્યા હતા. આ સૂચના તારીખ પાંચ સપ્ટેમ્બર માટે હતી. "સવિનય સાથ જણાવવાનું કે, શાળામાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ સ્વયં શિક્ષક દિવસ નું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભાગ લઈ શકે છે. તેમાં વિદ્યાર્થીઓ શિક્ષક, આચાર્ય, ક્લર્ક અને પટ્ટાવાળા બની શકે છે. તેથી ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ વિરેન સરનો સંપર્ક કરવો, આભાર." આવી નોટિસ ભૂમિ મેડમે સંભળાવી.

આ નોટિસ આવતા જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાઈ ગયો. બધા લોકો શિક્ષક દિવસમાં શું બનવું, એની ચર્ચા કરી રહ્યા હતા. કોઈ પ્રિંસિપલ બનવા ઇચ્છતું હતું તો કોઈ શિક્ષક, આ વખતેની બેચ થોડી વધારે જ આળસુ કહી શકાય એટલે પટાવાળાની જગ્યા કદાચ ખાલી રહેશે એવું લાગી રહ્યું હતું.

"અક્ષર, તારે કયો વિષય લેવો છે?" ધારા અક્ષરની બેન્ચ પર હાથ વડે ખખડાવતા કહ્યું.

"હું સામાજિક વિજ્ઞાન પસંદ કરીશ. અને તું?"

"ગણિત."

"હે ભગવાન! ફરી વખત ધારા દેવીનું ગણિત સમજવું પડશે." કિશને વચ્ચે ડપકુ મુકતા કહ્યું.

"મારું ગણિત સારું જ છે હો. તારે મારો લેક્ચર ના ભરવો હોય તો ના ભરતો. રહેજે ક્લાસની બહાર."

"અરે રે.. આ ધારા મેડમ તો રિસાઈ ગયા. યાર, હું તો જસ્ટ મસ્તી કરતો હતો."

"આ દેવાંશી કયો વિષય લેશે અક્ષર?"

"મને શું ખબર, કાલે આવે ને ત્યારે એને જ પૂછજો."

"પણ કાલે તો રવિવાર છે."

"હા, તો આજે ફોન કરીને પૂછી લેજો હો."

"જોયું ધારા જોયું... દેવાંશીનું નામ લેતા જ આનું વર્તન બદલાઈ ગયું."

"હા યાર, એ તો બદલાય જ ને. ભાભીનું નામ લો તો ભાઈના મોઢે ચાસણી આવે હો."

"હા હા હા હા"

અક્ષર, કિશન અને ધારા આ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ અક્ષરના માથા પર એક ચોક વાગ્યો. ભૂમિ મેડમે ફેંકેલા ચોકથી અક્ષરે બૂમ પાડી અને ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો.

"તમારે જે ચર્ચા કરવી હોય એ બ્રેકમાં કરજો. અત્યારે ભણવામાં ધ્યાન આપો."

"સોરી મેમ, હવે આવું નહીં થાય."

બધા લોકો બોર્ડ સામે જોવા માંડ્યાં થોડી જ વારમાં બ્રેક પડી. શાળાના મેદાનમાં વડલાના ઝાડની નીચે વિદ્યાર્થીઓની સભા ભરવામાં આવી. આ સભામાં શિક્ષક દિવસ નિમિત્તે કોણ ભાગ લેશે અને ક્યું પાત્ર લેશે તેની ચર્ચા કરવામાં આવી રહી હતી. આ ચર્ચાના આયોજક અમિત અને નયન હતા.

"આપણામાંથી કોણ કયો વિષય લેવાનું છે? વહેલા તે પહેલા નક્કી કરો."

"હું દર વખતની જેમ આ વખતે પણ ગણિત જ લઈશ હો." ધારાએ પોતાનો હાથ ઊંચો કરતા કહ્યું.

"ઓ.કે. તો ગણિત માટે ધારા ફાઇનલ."

"સામાજિક વિજ્ઞાન મને ચાલશે." અક્ષર ધીમે થી પોતાનો હાથ ઊંચો કરતાં બોલ્યો.

"ઓ.કે. તો સામાજિક વિજ્ઞાન માટે અક્ષર ફાઇનલ."

તમારામાંથી કોઈ વિજ્ઞાન નહીં લઇ શકે. એટલે વિજ્ઞાન વિષય હું પોતે જ લઈશ. કોઈને વાંધો છે? હોય તો પણ રાખો." અમિતે કોલર ટાઇટ કરી કહ્યું.

બધા ખડખડાટ હસી પડ્યા આ રીતે શિક્ષક દિવસના વિષયો નક્કી કરવામાં આવ્યા, ડેકોરેશનની બધી જ જવાબદારીઓ કાજલ અને નયને ઉપાડી હતી. ટીચર્સ ડેના દિવસે કેક લાવવાનું કાર્ય કિશન કરવાનો હતો. બધા જ નક્કી કરેલા ગિફ્ટ લાવવા માટે ઓમ અને દીપની પસંદગી થઈ હતી. બધા જ શિક્ષકો માટે ગીત ગાવાનો મનગમતું કાર્ય મનાલીને સોંપવામાં આવ્યું હતું. આમ ધીરે ધીરે અાયોજન થઈ રહ્યું હતું. બધા જ કાર્યોનું આ રીતે વિભાજન કરવાથી બધું જ કામ સરળતાથી થઈ શકે છે. વિદ્યાર્થીઓએ સમજદારીપૂર્વક બધું જ કામ વહેંચી લીધું હતું. એ દિવસ પૂરો થયો તેમજ રવિવારની સવાર પણ શોપિંગમાં જતી રહી.

સોમવારે બધા લોકો શાળાએ ટીચર્સ ડેની તૈયારી કરવા માટે વહેલા પહોંચી ગયા હતા. શાળાએ વહેલા પહોંચીને બધાએ ડેકોરેશન કર્યું અને આખો ક્લાસ નવી સજેલી દુલ્હનની જેમ લાગી રહ્યો હતો. મનાલીએ પણ પોતાનું સોંગ તૈયાર કર્યું હતું. કેક પણ આવી ચૂકી હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી હતી. શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ લેક્ચર લીધા ત્યાર બાદ કેક કટિંગ સેરેમની યોજવામાં આવી. બધા જ ટીચર્સ માટે મનાળીએ તૈયાર કરેલું સોંગ તેણીએ એ હોલમાં પરફોર્મ કર્યું. મનાલીની સાથે બીજુ પર્ફોર્મર એટલે કે તેનું સમ્રાટ પણ તેની સાથે હતું. નયને એક કાર્ડ તૈયાર કર્યું હતું, જે કાર્ડ પર પણ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. આ કાર્ડના પાના પર સ્ટિકી નોટ લગાડવામાં આવી હતી. દરેકની નીચે શિક્ષકો માટે એક વાક્ય લખવામાં આવ્યું હતું. આ બંને ભેટ અને ટીચર્સ ડે'ની યાદગાર ઉજવણી ખરેખર યાદગાર બની રહી હતી બધા શિક્ષકો ખૂબ જ ખુશ હતા.

આ દિવસ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે યાદગાર રહી ગયો હતો.

મિત્રો, શિક્ષક એક દરિયો છે, જે રીતે દરિયો નદીઓને પાણી પૂરું પાડે છે, શિક્ષક પણ વિદ્યાર્થીઓને હંમેશા જ્ઞાન પૂરું પાડે છે. શિક્ષકો વિદ્યાર્થીઓ માં સંસ્કારોનું સિંચન પણ કરે છે, વિદ્યાર્થીઓની તકલીફો સમજીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, ટુંકમાં કહીએ તો વિદ્યાર્થીઓ માટે શિક્ષક પોતાની જાત ઘસી નાખે છે. પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે. કદાચ આપણી શાળામાં પણ શિક્ષક દિવસ આ જ રીતે ઉજવાતા હશે. ક્લાસને દુલ્હનની જેમ ડેકોરેશન કરી, કેક કટિંગ સાથે સેલિબ્રેશન કરી, ટીચર્સ ને ભેટ આપીને આપણે આપણા દિવસ યાદગાર બનાવીએ છીએ.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે એમની યાદમાં આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ. શિક્ષક દિવસ એટલે શિક્ષકોનો ઉત્સાહ વધારવાનો દિવસ, તેઓની સરસ મજાની કામગીરી બદલ તેઓને બિરદાવવાનો દિવસ, એમની કદર કરવાનો દિવસ. હા, પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે શિક્ષકોની કદર કરવા માટે માત્ર એક જ દિવસ નથી. આપણે હંમેશા શિક્ષકો પ્રત્યે સરખું જ માન અને આદર રાખવું જોઇએ.

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી આંતરિક શક્તિને વિકસિત કરે છે.

દિવસો વિતતા હતા. હવે ફરી કોઈ નવો જ નિયમ બનવાનો હતો.

આગળ જાણવા માટે વાંચતા રહો....