Pranay pariksha - 3 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરીક્ષા - 3

પ્રકરણ 3
જેશીંગે સવલીને પૂછ્યું નાથાની દવા ક્યાં લીધી? સવલી એ કહ્યું મોટા ડોકટર પાસે લઈ જવાના રૂપિયા એની પાસે હતા નઈ, એટલે ગામથી ચારેક કિલોમીટર દૂર એક વૈદ પાસે નાથા ને લઈ જતી હતી.
ઉદા વૈદ ની દવા રામપુર અને આજુબાજુના ગામમાં વખાણાતી, આખો દિવસ જંગલમાં ફરીને મૂળિયા અને ઓસડીયા લાવતો, રાત્રે પથ્થર ના ખલ માં પથ્થર વડે લસોટીને ભૂકો કરી, દારૂ ના ખાલી શિશાઓમાં ભરી રાખતો, ઉદા ડોસા પાસે અનેક રોગના ઈલાજ માટે વિવિધ પ્રકારની ઔષધીઓ ના શિશા ભરેલા રહેતા. ડોસાને એક દીકરી હતી એનું નામ તેજુ, તેજુ અને એની માં બંને ઉદા ડોસાને મૂળિયા લસોટવામાં મદદ કરે. અને આ વૈદવિદ્યાથી ડોસા નું ગાડુ ગબડે.
ગંભીરમાં ગંભીર રોગ હોય એનેય જડમૂળથી રોગ દૂર કરી દર્દીને સાજો કર્યાના દાખલા ડોસાના મોઢે સાંભળવા મળતા.
બીજા દિવસે જેશીંગ વૈદ્ય ને મળવા ગયો.
"રામ રામ ! ઉદા કાકા, હું કરો સૉ"
"તેજુ જો બારણે કુણ આયુ?"
"હા! બાપુ જોવું," કહેતી તેજુ બહાર આવી.
"ઉદા કાકા ને મળવું હતું, ખાસ કામ છે."
'અંદર આવો!' તેજુ જેશીંગ ને ઓરડીમાં લઈ ગઈ.
સોડા બટલીના કાચ જેવા જાડા કાચના ચશ્મા પહેરી પથ્થર ના ખલમાં મૂળિયા લસોટતા ઉદા કાકાએ એક આછી નજર નાખી.
'કુણ ભાઈ? ઓળશ્યો ની મેં તને.'
'કાકા હું જેશીંગ, મારા ભાઈબંધ નાથાનો ઈલાજ તમે કરો છો, એને હેનું દરદ સ એ જાણવું છે.'
જેશીંગે સીધી મુદ્દાની વાત કરી.
'ભાઈ અહીંયા તો ઘણા લોકો દવા લઈ જાય છે, તું ચીયા નાથાની વાત કરીસી મને હું ખબર?'
'સવલીના ઘરવાળા નાથાની વાત કરૂ છું, તમારે ત્યાંથી દવા લેવા વાળા ઘણાં અહે પણ બધાનું નામ નાથો નઈ હોય.'
સવલીનું નામ સાંભળતા ઉદો વૈદ્ય ચોકયો, પણ એણે ચેહરના હાવભાવ કળાવા દીધા નહીં.
"હા એ વાત ખરી ! બેહ ભાઈ"
"નાથા ને સુ રોગ થયો છે? એનું શરીર કેમ નંખાઈ ગયું છે?"
"અરે ભાઈ બધા ઈલાજ કરી જોયા, પણ નાડ પકડાતી નથી, ખરું કહું તો આ પહેલો કેસ એવો છે, કે આટલું બધું પીડાય છે પણ નથી સાજો થતો કે નથી..." બાકીના શબ્દો ઉદા ડોસા ગળી ગયા પણ જેશીંગ સમજી ગયો.
ઉદા વૈદ્ય પાસેથી ખાસ માહિતી મળશે એવું લાગ્યું નહીં એટલે જેશીંગ ઘરે આવ્યો. નાથાની આવી દશા તેનાથી જોવાતી નોહતી.
જેશીંગ નાથાના ઘરે પડહાર માં ખાટલો ઢાળી આડો પડ્યો હતો, અત્યારે એને ઉદાવૈદ્યનું વૈદુ, એના ઓસડીયા, નાથાની બીમારી કે સવલીની લાચારી, આ વિશે કોઈ વિચારો આવતા નોહતા, એને ઉદાવૈદ્યની છોકરી તેજુ વારે વારે યાદ આવી રહી હતી. એને ઓળખતો નોહતો છતાંય એના માટેના વિચારો જેશીંગને વ્યાકુળ બનાવી રહ્યા હતા. જ્યારે તેજુએ એને ઘરમાં આવવા કહ્યું એ વખતે તેજુનો ચેહરો એક ક્ષણ માટે કેવો તે એકીટસે જોઈ રહ્યો હતો? ઘડીક બંનેની દ્રષ્ટિ એક થઈ અને તે નજર બદલી અને ઉદા વૈદ્ય પાસે ગયો, વાતો ઉદા વૈદ્ય સાથે કરતો પણ ધ્યાન એનું તેજુ પર હતું, અને એ વાત તેજુથી પણ અજાણી નોહતી.
ઉદા વૈદ્ય સાથે વાત ચાલતી વેળા તેજુ પણ જેશીંગ ની સામે જોઈ લેતી, અને જેશીંગ પણ તેજુ સામે જોયા કરતો.
ખાટલામાં પડખા બદલતા બદલતા જેશીંગ તેજુના ખ્યાલોમાં ક્યાં ખોવાઈ ગયો અને ક્યારે એની આંખ મીંચાઈ એને ખબર પણ ના રહી. રાત્રે એક બે વાર નાથાને બરાબર વીત્યું, નાથો કણસતો રહ્યો, સવલીએ એને બેઠો કરી વાહો પસવાર્યો, પણ જેશીંગ ને જગાડ્યો નહીં, સવલીએ જોયું કે જેશીંગ નાથાની ચિંતામાં કેટલાય દિવસોથી ઉંઘ પણ પુરી લેતો નથી, આજે શાંતિથી ઊંઘતા જેશાને જગાડવુ મુનાસીબ ન માન્યું.
સવારે વહેલા જાગીને તૈયાર થઈ જેશીંગ શહેરમાં જવા તૈયાર થયો, તે હવે નાથાનો ઈલાજ શહેરમાં કરાવવા માંગતો હતો, એટલે એના ઓળખીતા લોકો સાથે ચર્ચા કરી, શહેરના દવાખાના અને એની સગવડ અને ખરચ ની માહિતી કાઢવા એને શહેર જવું જરૂરી હતું. એણે સવલીને કહ્યું "આજનો દિવસ ઉદાડોસા ની દવા પીવડાવ પછી નાથાને શહેરમાં લઈ જઈએ, હું બધું નક્કી કરીને જલદી પાછો આવીશ."