"સંવેદના" આ શબ્દ સાંભળતાં જ કેટકેટલાં વિચારો, ભાવનાઓ અને લાગણીઓ આપણી સમક્ષ તરવરી ઉઠે નઈ?
આપણને કૂતરું કરડે એટલે અનાયાસે જ બે ત્રણ ગાળ તો મુખકમલ થી સરી જ પડે. અને એજ કૂતરું ક્યારેક ભસીને આપણાં ઘરમાં ઘૂસતાં ચોરને ભગાવે એટલે એના આચ્છા આના આપણે જ કરીએ. આ કેવી પ્રકૃતિ છે માનવજાત ની નઈ?
ના આ પ્રકૃતિ નઈ આ માણસની સંવેદનાનો એક હિસ્સો છે.
સંવેદના શિથિલ બિલકુલ નથી. એને તો જડ હોય કે ચેતન બન્ને વસ્તુ સાથે સમાન પ્રેમ છે.
ગરમ ચા જો પગ પર પડે તો આપણું શાસ્ત્રીય સંગીત આપોઆપ શરૂ થઈ જાય. તેજ રીતે જો બારણાં ના મિજાગરામાં હાથ આવી જાય પછી બે મિનિટ તો આપણી બડબડ ચાલુ રહે જ.
બાળક રડતું હોય પછી એ આપણું હોય કે બીજાનું આપણાં દિલમાં એના માટે થોડી તો લાગણી આવશે જ કે લાવ એને ચૂપ કરાવું. આ છે સંવેદના.
બાળક ખોટાં કામ કરતો હોય અને મા ઢપકો ના આપે એ તે કાંઈ બને? લાગણી હોય ત્યાં મીઠાં જઘડા પણ હોય સાહેબ.
ક્યાંક દેખાઈ જાય છે તો ક્યાંક કેટલીય શોધો જડતી જ નથી એ જ છે સંવેદના.
અમુક છોકરીઓને વાત વાતમાં રડવાની બહું ટેવ હોય. એને જોતાં દરેક વ્યક્તિ એકજ શબ્દ ઉચ્ચારે. છોકરી ખૂબજ "સંવેદનશીલ" છે. અરે ધૂળ? સાહેબ રડવાની આદત છે એને. ત્યાં સંવેદના નઈ ગાંડપણનું નામ આપવું યોગ્ય જણાય.
અમુક છોકરાઓને ઘરમાં વડીલ સાથે બે ઘડી વાત કરતાં બિલકુલ ન આવડે. સમજી જ ના શકે કે સાલું વાત શું કરવી? તોય મહેનત કરી જ્યાં ત્યાં ૩-૪ સવાલ પૂછે ને ૨-૪ ના જવાબ પણ આપી દે. ક્યારેક તોછડાઈ ભરેલાં જવાબ આપે તો ક્યારેક નાહતી વખતે શાવરના પાણીમાં પોતાની ભીંજાયેલી આંખો છુપાવી પોતાનું મન હળવું કરી લે. અરે ઢંગથી માફી પણ માંગતાં ન આવડે પણ એનો મતલબ એમ નઈ કે ભાઈ તો વંઠેલા છે પથ્થર છે. અલા એક ઘટના પરથી કોઈ પૂર્વગ્રહ બાંધવો એતો કેટલી વિચિત્ર વાત કહેવાય.
માટીના ઢગની જેમ ક્યાંક વિખરાયેલી પડી હોય જિંદગી અને અચાનક કોઈ આવે અને એમાં સુંદર મજાનું ઘર કોતરે. આહાહાહા... કેટલું આલ્હાદક લાગે ને? આમ તો આપણને વરસાદ ખૂબ ગમે નઈ? પણ વરસાદ પોતાની કરામત દેખાડે અને એ સુંદર મજાનું માટીનું ઘર તહેસનહેસ થઈ જાય એ આપણને કેટલું માઠું લાગે!
જિંદગીનું એવું જ હોય છે સાહેબ. સુખમાં આપણે એવા મદહોશ થઈ જઈએ કે જાણે આ સુખ પળભરનું છે એ પણ વીસરી જઈએ. અને જેવું દુઃખ આવે એવી ભાતભાતની પોક મૂકવાનું શરૂ. અલા ભાઈ તો, સુખમાં આટલો છકી ગયો ત્યારે આજે આ પરિસ્થતિ સર્જાઈ ને? આપણી ખરી લાગણીઓ દુઃખમાં જ સામે આવે હો. દુઃખ પડતાં જ જૂના સંબંધો યાદ આવે. વડીલોનાં આશીર્વાદ, મંદિર જવું, કુટેવ છોડવી એ બધું થોડાં સમયનો મહેમાન. પાછા જ્યાં હતાં ત્યાં ના ત્યાં જ.
કોઈની રાહ જોવામાં એક સંવેદના છે.
કોઈના વિરહમાં એક સંવેદના છે.
કોઈને પામવામાં એક સંવેદના છે.
એમ જ કોઈને ગુમાવામાં, ભૂલી જવામાં દરેક જગ્યાએ અને દરેક નાની મોટી વાતોમાં સંવેદના તો છે જ.
સંવેદના તો દરેકને હોય જ છે. બસ ફરક એટલો કે કોઈ વ્યક્ત કરી બતાવે તો કોઈ આખી જીંદગી મૌન રહીને બતાવે.
ક્યાંક પ્રેમિકાની લાલીમાં છલકાય તો ક્યાંક માંના વ્હાલમાં.
કોઈની આંખમાં દેખાય તો કોઈની વાતોમાં.
દ્રષ્ટિ જોઈને જોવા વાળાની આંખમાં બાકી સંવેદના તો બધે જ છે.
સંવેદનાની રમઝટ માણવી ખરેખર એક લાહવો છે.