ek ajanabi mulakat bhag 1 books and stories free download online pdf in Gujarati

એક અજનબી મુલાકાત ભાગ ૧

"""""રિશ્તા બનાને કે લિયે દિલ કભી મુલાકાતે નહિ ગીનતા,
મેરી ઉસસે ભી કરીબી હે, જીસે કભી મુલાકાત નહિ હુઈ."""""

જીવનમાં ઘટતી અનેક અવિસ્મરણીય ઘટનાઓ પછી મનમાં એક ખાલીપો અનુભવાય છે. એ વાત રજૂ કરતા પહેલા ઉપરના બે વાક્યો કહાનીનો સંપૂર્ણ મર્મ રજૂ કરવામાં કદાચ ઉપયોગી નીવડશે.

પુના તરફ જતી એ ટ્રેન પર્વતોને અને સુરંગો ચીરતી જઈ રહી હતી. મુંબઈ પુણે એક્સપ્રેસ બપોરના સમયે ખીચોખીચ ભરેલી હતી. આ એ ટ્રેન હતી કે જ્યાં લોકો વિન્ડો સીટ પર બેસવા માંગતા હતા. બારીમાંથી દેખાતો નઝારો નિહાળવા બધા ઉત્સુક હતા. ટનલ માંથી નીકળતી ટ્રેન, ક્યારેક પહાડોને ચીરતી તો ક્યારેક સીધી ચાલી જતી અને ઊંચા ઊંચા પહોડોના દર્શન કરાવતી. ટ્રેનના ડબ્બા પાટા પરના ધર્ષણ ને કારણે એક સુરમઈ સંગીત ઉત્પન્ન કરતા હતા. ઠંડી હવાની લહેરો અંદર આવી રહી હતી, અને બધાના ચહેરા પરનો આખા દિવસનો થાક લઈ અને એક નિર્મળ સ્મિત આપી રહી હતી.

ટ્રેનના એક ડબ્બામાં વિન્ડો સીટ 36 પર બેઠેલો વિકાસ પણ આ વાતાવરણ માણી રહ્યો હતો. આ પહાડો ન જાણે કેટલીય વાતો અને મુશ્કેલીઓ સાથે લઈ જઈ રહ્યા હતા. બારીમાંથી દેખાતા પહાડો, ઝરણાં, હવે ધીરે ધીરે પાછળ જઈ રહ્યા હતા. વિકાસનો એક હાથ બારી ઉપર ટેકવેલો હતો અને બીજા હાથમાં મોબાઈલ ફોન હતો. મોબાઈલમાં તે થોડી થોડી વારે એક નંબર ડાયલ કરતો હતો. સ્ક્રીન પર calling swaragini.... નું નામ દેખાતું. આ નામ જોઈ ને એમના ચેહરા પર ગુસ્સો છવાય જતો અને ધિક્કાર નો ભાવ આવી જતો, પણ સામે છેડે રીંગ વાગે એ પહેલા તો ફોન કાપી નાખતો. કંઇક તો હતું જે કહેવા માંગતો હતો પણ ક્યાંક તો એમની હિંમત સાથ નહોતી આપતી અથવા તો પરિસ્થિતિ.

વિકાસની ઉંમર લગભગ પાંત્રીસ વર્ષની હશે. દેખાવમાં તો તંદુરસ્ત લાગતો વિકાસ આંખોમાં ઉદાસી લઈને બેઠો હતો. પુણે માં રહેવા વાળો વિકાસ મુંબઈની કોઈ સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતો હતો. દરરોજની મુસાફરી કરવામાં બહુ સમય લાગતો હતો, કેટલીક વખત મિત્રોએ કહ્યું પણ ખરું કે તું મુંબઈમાં શિફ્ટ થઈ જા અને અઠવાડિયામાં એક વાર પુણે જઈ આવવું. પણ દર વખત તે માં ની દેખભાળ કરવાનું બહાનું બનાવી અને વાતને ટાળી દેતો. પણ હકીકત તો એ હતી કે એ જાણીજોઈને પોતાની જાતને કંઇ ને કંઇ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવા માંગતો હતો. એ ઈચ્છતો હતો કે ખુદને આ તમામ બાબતોથી ઘેરી લે તો સ્વરાગિનિ વિશે વિચારવાનો સમય જ ન મળે.

એમની નજર સામેની સીટ પર બેઠેલા નવપરિણીત યુગલ પર હતી. ચમકદાર શર્ટ અને બ્લેક પાટલૂન પહરેલ યુવાન અને હાથ પર મહેંદી અને નવી બંગડી અને સલવાર ખમીસ પહેરી બેઠેલ યુવતી એકબીજાને બધાંની નજર બચાવીને છેડી રહ્યા હતા. આ પ્રેમનો નવો રંગ વિકાસના જીવનમાં અવ્યોજ ક્યાં હતો.!!
નજર બચાવીને યુગલને જોવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હજુ તો થોડો સમય ગયો હશે ત્યાં વિકાસને કોઈકનો જોરજોરથી બોલવાનો અવાજ આવ્યો. પાછળ વળીને જોયું તો ટિકિટ માસ્ટર એક છોકરીને જોરજોરથી કંઈ કહી રહ્યો હતો. તે છોકરીએ બેઉ હાથ વડે એમનો ચેહરો છુપાવી રાખ્યો હતો. એ મોટે મોટેથી રડી રહી હતી.

"અરે એવી તો કેવી રીતે તમે ટિકિટ વગર યાત્રા કરો છો, તમે
નિયમ તોડ્યો છે. અરે મારે પણ ઉપર જવાબ આપવો પડે છે, તમારે ફાઈન તો ભરવોજ પડશે."

પાછળની સીટ પરથી કોઈકે પૂછ્યું "શું થયું ભાઈ?"

તો વળતો જવાબ આવ્યો " મેડમે ટિકિટ લીધી નથી અને ફાઈન પણ ભરવો નથી મફતમાં મુસાફરી કરવી છે."

છોકરીએ પોતાનો હાથ હટાવી જોવાનો પ્રયત્ન કર્યો, તો એમની કથાઈ રંગની આંખો વિકાસને દેખાય. બહુજ સુંદર અને સારા ઘરની લાગતી હતી. તે રોયે જતી હતી અને ટી ટી કહી રહ્યો હતો કે કાં તો એમને ફાઈન ભરવો પડશે કાં તો આગળના સ્ટેશન પર ઊતરી જવું પડશે. આજુબાજુ બેઠેલા બધા લોકો એમને જોઈ રહ્યા હતા આ બધું તો એમના માટે સારો એવો ટાઇમપાસ હતો.

વિકાસ વિચારી રહ્યો હતો કે શું કારણ રહ્યું હશે કે છોકરી ટિકિટ અને પૈસા વગર જ ટ્રેનમાં બેસી ગઈ હશે. જરૂર કોઈ મજબૂરી હશે કે પછી કોઈ ઇમરજન્સી.

વિકાસ વિચારતો વિચારતો જોવા લાગ્યો. ટી ટી એવું કહીને જતો રહ્યો કે એ થોડીવાર પછી આવશે અને કાં એ ફાઈન ભરો દે અથવા તો નેકસ્ટ સ્ટેશન પર ઊતરી જાય. વિકાસ એ ચેહરાને તાકીને જોઈ રહ્યો હતો. એમનો ચેહરો રોઈ રોઈને ફિક્કો પડી ગયો હતો, એ કથાઇ આંખોની આજુબાજુ કાજલ રેળાઈ ગયું હતું. એ હીબકા ભરી રહી હતી. વિકાસ એટલો નાજુક દિલ પણ ન હતો કે કોઈના આંસુથી વિચલિત થઈ જાય પણ આજે ન જાણે કેમ એમને બેચેની લાગી રહી હતી. એમની આંખોમાંથી ટપકતા આંસુ સાથે તો વિકાસનો જૂનો સંબંધ હતો, ન જાણે કેટલીય જિંદગીની મુશ્કેલી વેઠી હતી જ્યાં આંસુ એ આંખનું નસીબ બની ગયું હતું. વિકાસનું મન હજુ પણ વિચારોમાં હતું કે ન જાણે કેમ તે આ છોકરીની મદદ કરવા માંગતો હતો. એમને પોતાનું બેગ ખોલ્યું એક કાગળ કાઢ્યો અને કંઇક લખ્યું અને એમાં થોડા પૈસા લપેટીને નજીકથી નીકળતા એક ચા વાળાને આપીને કંઇક સમજાવ્યું અને ફરી પોતાની સીટ પર બેસી ગયો.

"આ લો" કહીને ચા વાળાએ કાગળનો રોલ છોકરીના હાથમાં મૂકી અને આગળ જતો રહ્યો.

છોકરીએ સુજેલી આંખોથી જોયું અને હેરાનીથી એ કાગળને ધીરે ધીરે ખોલ્યો તો લખ્યું હતું.

" તમે જિંદગીની કઈ મુશ્કેલ ઘડી માંથી પસાર થઈ રહ્યા છો, એ તો નથી જાણતો પણ હા અત્યારે તો કમસેકમ તમારી મદદ કરી જ શકું છું. જાણું છું કે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી આ રીતે પૈસા લેવા તમને સારું ન લાગે પણ લઈ લો માણસ જ માણસને કામ આવે છે, મારો મોબાઈલ નંબર લખું છું કારણ કે આ પૈસા તમે તમારી મરજીથી જ્યારે પણ ચાહો ત્યારે મને પરત આપી શકો."
- એક અજનબી દોસ્ત.

તે છોકરી પોતાનું માથું ઊંચું કરીને આજુબાજુ જોયું પણ વિકાસે ફરી એમની સામે ક્યારેય ન જોયું. તે નહોતો ઈચ્છતો કે, એ છોકરીને ખબર પડી જાય કે મદદ કોણે કરી છે...? જેથી એમને શરમ ન અનુભવવી પડે અને તે પૈસા લઈ લે. અને બન્યું પણ એવું જ એમને પૈસા લઈ લીધા અને કેટલાય સમય સુધી તે આસપાસ બેઠેલ વ્યક્તિઓ સામે જોતી રહી. તે એ મદદગાર ને શોધવાનો પ્રયત્ન કરતી હતી જેમણે એમની મદદ કરી હતી.

વિકાસ મોડો આવ્યો ઘરે તો ટેબલ પર ડિશ તૈયાર હતી. જમવાનું પતાવી અને પોતાના રૂમમાં જતો રહ્યો. વિકાસને આ સમય બહુ જ ખટકતો હતો ઓફિસથી ઘરે આવવું અને આ રીતે એકાંતમાં સમય પસાર કરવો એ વિકાસને માટે બહુ જ ખરાબ સમય હતો. જ્યારે વિકાસ જમવા બેસતો ત્યારે ચમચી અને પ્લેટના અવાજની જગ્યા એમની ખામોશી લઈ લેતી. વિકાસ જ્યારે પથારીમાં સૂતો ત્યારે સામેની દિવાલ ઘડિયાળના સેકન્ડના કાંટા ની ટીક ટીક એમના જીવનનો શોર બની જતી. થોડા સમય માટે એમ જ પથારીમાં પડ્યા રહીને ઓશિકાની નજીક રાખેલો ફોન ઉઠાવ્યો અને ફરી એ નંબર ડાયલ કર્યો. સ્ક્રીન પર નામ ઉભરી આવ્યું........ calling swgarini......

ત્રણ ચાર સેકન્ડ ફોનની સ્ક્રીન જોતો રહ્યો પણ જેવી રીંગ વાગવાની થઈ તરત જ ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.

આમ જ વિકાસ ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસના ચક્કરો દરરોજ કાપતો રહ્યો. એમ જ એકાદ અઠવાડિયું ગયું હશે. એક સાંજે વિકાસ ઓફિસથી ઘરે જતા લોનાવાલાની ખૂબસૂરત જગ્યાઓ જોઈ રહ્યો હતો. જેટલી જગ્યા વિકાસને ખૂબસૂરત લાગી રહી હતી એટલી બીજા પેસેન્જરોને નહોતી લાગી. કારણકે સ્વરાગિનિ સાથે વિતાવેલ એક એક ક્ષણની આજે આ જગ્યાઓ યાદ અપાવતી હતી. આ એ જ લોનાવાલા હતું કે જ્યારે વિકાસ સ્વરાગિનિ સાથે હનીમૂન ઉપર પહેલીવાર ફરવા આવ્યો હતો. આ એ જ સાઇડ શો હતો કે જ્યાં વિકાસ અને સ્વરાગિનિ માથા ઉપર મોટી ટોપી પહેરી અને તસવીર ખેંચી હતી, અને એ તસવીર હજુ સુધી બેડરૂમની દિવાલ ઉપર વિકાસની જૂની યાદો તાજા કરતી હતી. સ્વરાગિનિ સાથે વિતાવેલ એક એક પલ વિકાસની નજર સમક્ષ થી પસાર થઈ રહી હતી. નદી કિનારે બેસીને વિકાસ અને સ્વરાગિનિ પોતાના પગ પાણીમાં રાખી વિકાસે સ્વરાગીની નો એક હાથ પોતાના હાથમાં લઇ અને આંગળી વડે એમની હથેળીમાં કશુંક લખી અને કહ્યું હતું.

"થેન્ક્યુ ફોર કમ ઇન માય લાઇફ."

તો હસી અને સ્વરાગીનીએ પોતાનું માથું વિકાસના ખભા ઉપર ટેકવી દીધું. રાજસ્થાનના એક કિલ્લા પર જ્યારે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો ત્યારે સ્વરાગીની એ છત્રી ખોલવાની નાકામ કોશિશ કરતા કહ્યું હતું..

"કેવી છે આ છત્રી, ખુંલી જ નથી રહી, લાગે છે આજે આપણે ભીંજાવું પડશે.."

અને એ સમયે બંને મન મૂકીને ભીંજાયા હતા. પણ એ સમયે વિકાસ ને ખબર હતી કે છત્રી ખરાબ નથી પણ સ્વરાગિનિ આજે વિકાસની સાથે ભિંજાવા માંગે છે. આ બધી યાદો તેમના હૃદય માં કંડારાયેલી હતી. છૂટાછેડા થયા એનું દોઢ વર્ષ થઈ ચૂક્યું હતું પણ દરરોજ આ જગ્યા ઉપરથી નીકળતા બધું જ યાદ આવી જતું હતું. જેવું આજે આવી રહ્યું હતું. એ વિચારોમાં ડૂબેલો હતો ત્યાં જ તેમના ફોનની રીંગ વાગી.

Share

NEW REALESED