Aashanu kiran books and stories free download online pdf in Gujarati

આશાનું કિરણ



મારા આ ઘરના પ્રાંગણમાં બેઠો હતો અને વિચારતો હતો કે આ કુદરતે કેવો વેશ ધારણ કર્યો છે. હા ખરેખર…તમને જાણીને પણ આશ્ચર્ય થશે. એક તરફ આ ઠંડો ફૂંકાતો પવન ક્યાંક એના વસંતની યાદ કરાવતો હતો અને આ બીજી તરફ કાળા ઘમ્મર વાદળો એવા ટોળે વળ્યાં હતા ને કે હમણાં જ આ મેઘો ધરા પર મન મૂકીને તૂટી પડશે. આ રમણીય થયેલ વાતાવરણ વર્ષાની યાદ અપાવતું હતું અને આ કાળા વાદળોની પાછળ રહેલા પેલાં સૂરજદાદા પોતાના સોનેરી કિરણોરૂપી તેજ પ્રસરાવી આ ધરાને ક્યાંક પ્રકાશિત કરી રહ્યા હતા. છે ને આ કુદરત પણ થોડું નટખટ !! એ પણ હવે આ દુનિયાની જેમ બહુરૂપી બનવા લાગ્યું છે. ક્યાંક એક તરફ વસંતનો પોષ-મહા નો ફૂંકાતો ઠંડો પવન અને બીજી બાજુ માથે ટોળે વળીને આવેલા અષાઢ-શ્રાવણ ના કાળાં ઘમ્મર વાદળો વર્ષાની પરંપરાગતને નિભાવી રહ્યા હતાં.

આ બહુરૂપ ધારણ કરેલા કુદરતના રમણીય અને આહ્લાદક વાતાવરણમાં હું ખોવાયેલો હતો અને અચાનક જ મને ત્યાં એક ધ્વનિ મારા કાને સંભળાઈ… “ઘુર…ઘુર… ઘુર… “ અને ત્યારે આટલા અવાજથી આ કુદરતને માણવામાં મંત્રમુગ્ધ થયેલ હું અટક્યો.મારું ધ્યાન પેલા અચાનક સંભળાયેલા અવાજ તરફ દોરાયું અને ત્યાં જોયું તો શું!!! “નિઃસ્વાર્થ પ્રેમ.. “ એટલે કે એક પક્ષી પોતાના બચ્ચાંને ઉડાન ભરતા શીખવાડી રહ્યું હતું. મેં ક્યારેય વિચાર્યું જ ન હતું કે આ નિઃસ્વાર્થ પ્રેમનું નજરાણું મારી સમક્ષ પ્રગટ થશે.પણ કહેવાય છે ને કે તમે ક્યારેય વિચાર્યું જ ના હોય તેવું કરવા માટે કુદરત હરહંમેશ તત્પર જ હોય છે. બસ… બસ… થંભી જાઓ અહીં. આવી ગયા આપણે આપણા મૂળ મુદ્દા પર. “આશાનું કિરણ “.જે અચાનક જ જન્મે છે.

આ આશાનાં કિરણની વાત કરતા પહેલાં આ ‘આશા’ શું છે તેની થોડી ચર્ચા કરીએ.

“આશા એટલે શું? “

‘આશા એટલે સ્વપ્નોની ટેકરીઓથી વાસ્તવિકતાની ખીણ સુધીની સફર’.

‘આશા એટલે અંધારપટ માર્ગ પર ચાલવા માટેનું પહેલું ડગલું’.

‘આશા એટલે પરિણામ ભોગવવાની સાથે જ પોતાની જાતને દુઃખી અને નિર્દોષ સાબિત કરવાની અને દોષ આ દુનિયા અને કુદરતને અર્પણ કરવાનો’.

હા ખરેખર એવું જ છે ને… !
તમે તમારું કર્મ કર્યા વિના જાતે જ તમારા મનમાં આશા બાંધી અને સ્વયં વિચાર કરી લીધો કે તમને આ સફળતાના માર્ગમાં પ્રયાણ કરશો. હજું તો આ સફળતા માંડીએ પૂર્વે જ આપણે આ સફળતાના સ્વપ્નોની ટેકરીઓ પર પહોંચી જઇએ છીએ અને પછી આ નટખટ કુદરત તો આપણને ખબર જ છે ને. ક્યાં આપણું ધાર્યું કામ થવા દે છે.

“શું હતું આ? “

“જાતે જ આ અંધારપટ માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો હતો ને એમાં આ દુનિયા અને કુદરતનો શું વાંક? “

પણ…પણ… આપણે તો રહ્યા મનુષ્ય… ક્યાં પોતાનો ગુનો સ્વિકાર કરીએ… !કંઈ પણ હોય આપણે આપણી જાતને નિર્દોષ જ સાબિત કરવી છે ને. વાસ્તવિકતાનો સ્વિકાર નથી કરી શકતા. બસ દોષનો ટોપલો દુનિયા અને કુદરતના માથે ઢોળવો છે. નથી કર્મ કરવું અને આશા, અપેક્ષાઓની ઇમારતો ચણવી છે. પણ હા વાસ્તવિકતા એ છે કે તે લાંબો સમય ટકતી નથી.

મુશ્કેલી તો મોટી છે પણ… ,

“હવે આ વાસ્તવિકતાની ખીણોમાંથી ફરી બેઠાં કંઈ રીતે થવું? “

“દુનિયા અને કુદરતને દોષ આપવાને બદલે પોતાની ભૂલ સ્વિકારી કરી અને તેને કઇ રીતે સુધારવી? “

આ સમસ્યાનું નિરાકરણ એટલે “આશાનું કિરણ “.

પણ હા વાત ટૂંકી, સમજણની અને મુદ્દાસરની છે.

જેમ આ રાત્રીના અંધારામાં આપણી આંખો ઘેરાય છે અને બીજા દિવસે સૂરજદાદા પોતાના સોનેરી કિરણોરૂપી તેજને આ ધરા પર પહોંચાડે છે તે એક આશાનું કિરણ લઈને આવે છે અર્થાત્ આ ઘેરાય જતી આંખોને આ સોનેરી કિરણરૂપી તેજની કોઈ અપેક્ષા જ હોતી નથી અને રોજ સવારે આ આશાનું કિરણ જન્મે છે. એમ જ આપણે આપણા કર્મોને કોઈ જ આશા કે અપેક્ષા વિના કરીએ તો આ કુદરત ચોક્કસપણે આપણી સફળતાને આશાનાં કિરણ સ્વરૂપે જન્મ આપશે. જેના તમે લાયક છો. ઘણી વખત આપણે પોતે પણ આ બાબત અનુભવી હશે કે આપણે કોઇ કામ કોઈ આશા, અપેક્ષા વિના કર્યું હોય ત્યારે તેની અણધારી સફળતા પ્રાપ્ત થાય છે. જે આપણા સ્વપ્નોની ટેકરીઓને વાસ્તવિકતામાં પરિણમે છે... સાચું ને...!

“આશાનું કિરણ એટલે શું? “

‘આશાનું કિરણ એટલે ભવિષ્યની ચિંતા કર્યા વિના વર્તમાનને માણવાનો લ્હાવો.’

અસ્તુ...

લિ. પટેલ પ્રિન્સ

આપણા જીવનમાં આપણે સ્વયં ઊભી કરેલી સમસ્યાના નિરાકરણના હેતુથી.

મળીએ કોઈ અવનવા મુદ્દા અને અવનવી વાતો સાથે... પણ હા આપણી શરત તો એજ છે... મુદ્દો તમારો અને વાત મારી...

તમારા મુદ્દાને મારા સુધી પહોંચાડવા માટે સંપર્ક કરો.

Instagram ID :@_prince126

Whatapp No :7043014445(Patel Prince)