Ajanya manaso - 1 books and stories free download online pdf in Gujarati

અજાણ્યા માણસો (ભાગ - ૧)

અજાણ્યા માણસો

આજે હસ્તી બહું ખુશ છે. એનું કારણ છે એનાં ઘરે આવનાર મહેમાન - એની મિત્ર પંક્તિ. હસ્તી અને પંક્તિ આજે ૧૧ વર્ષે મળવાનાં હતાં આમ તો, બંનેની મિત્રતા બહું જૂની ના કહેવાય, પણ એકબીજાને ખૂબ સારી રીતે સમજતાં. બંન્નેની મુલાકાત અને મિત્રતા લગભગ પંદરેક વર્ષ પહેલાં થઈ હતી. બંને એક જ સ્કૂલમાં નોકરી કરતાં હતાં. હસ્તી પહેલાંથી જ ત્યાં ભણાવતી હતી અને પંક્તિ એકાદ વર્ષ પછી ત્યાં આવી. હસમુખ અને ચુલબુલી પંક્તિએ ટૂંક સમયમાં જ બધાનાં દિલ જીતી લીધા અને હસ્તી સાથે તો એક અનોખો નાતો જ બંધાઈ ગયો.

હસ્તી: (ખુશ થઈને) અરે.... આવ..આવ... પંક્તિ... કેમ છે?
પંક્તિ: (હસ્તીને ભેટતા) એકદમ મજામાં.. તમે બોલો... કેમ છો? ક્યાં છો? મને જરાય યાદ નથી કરતાંને..
હસ્તી: અરે.. બાપ રે.. આટલાં બધાં સવાલો એક સાથે... પહેલાં આરામથી બેસ તો ખરી, પાણી પી. પછી વાત કરીએ ને.
પંક્તિ: શું કરું? સવાલો કરવા જ પડે ને.. તમે ક્યાં સામેથી ફોન કરીને કંઈ કહો છો?
હસ્તી: આજે બધા જ સવાલોના જવાબ આપીશ પણ પહેલાં તું એ કહે કે ચા પીશે કે કોકમ શરબત. અને હા... નાસ્તામાં શું લઈશ?
પંક્તિ: ચા તો સવારે જ પીધી અને તમારા ભાઈએ ટ્રેનમાં ફરી ચા ભજીયાનો નાસ્તો ધરાર કરાવી દીધો, શરબત જ આવવા દો. એમ પણ તમે તો ચા પીતા નથી તો મારા એક માટે નઈ મૂકો.
હસ્તી: વાહ.... અમરભાઈ હજુપણ તારું ધ્યાન રાખે છે. સરસ...
પંક્તિ: ઓ ભાઈના બેન... ધ્યાન બ્યાન કંઈ નહીં એ તો એમણે ખાવું હોય એટલે મને ખવડાવે છે. બાકી તળેલું અને બહારનું હું એમને ખાવા દઉં?
હસ્તી: શું તું પણ... અમરભાઈ કંઈ એવાં નથી.
પંક્તિ: આ બોલ્યા ભાઈના બેન.... હસ્તી હું એમને બરાબર ઓળખું છું અને તમે મારા મિત્ર પહેલાં છો. આપણી મિત્રતા દસ વર્ષ જૂની છે અને તમે ભાઈ-બહેન માત્ર સાત વર્ષ પહેલાં બન્યા છો એટલે એમનો પક્ષ લેવાનો રહેવા દો.
હસ્તી: સારું... સારું... હું તારી મિત્ર પહેલાં છું બસ...
પંક્તિ: હા... આ યાદ રાખવાનું છે હંમેશા તમારે.
(હસ્તી શરબત લઈ આવી. બંને વ્યવસ્થિત ગોઠવેલા ગાદલા પર ગોઠવાયા)
હસ્તી: હા બાબા હા... યાદ રાખીશ...
પંક્તિ, તું હજી પણ મને તમે જ કહીશ, તું નહીં કહે?
પંક્તિ: ના... એક તો તમે મારાથી મોટા છો. બીજું તમારું જ્ઞાન અને સમજદારી પર મને બહુ માન છે એટલે ભલે આપણે બહુ સારા મિત્રો રહ્યા, હું તમને "તમે" કહીને જ સંબોધિત કરીશ.
હસ્તી: (હસીને) ઠીક છે.
પંક્તિ: (ઘરમાં નજર કરીને) ઘરે કોઈ નથી, બધાં બહાર ગયા છે?
હસ્તી: (શરબતનો ઘૂંટડો લેતાં) ના... કોઈ નથી. હું જ છું.
પંક્તિ: હસ્તી, તમે કંઈક છૂપાવો છો ને મારાથી.
હસ્તી: કંઈક નહિ, ઘણું બધું છુપાવ્યું છે મેં તારાથી.
પંક્તિ: મને શક હતો જ કે તમે કંઈક છૂપાવો છો અથવા કહી નથી શકતા... તમે ફોન પર ઘણી વાતો ટાળતા, ટૂંકમાં વાત પતાવવાનો પ્રયત્ન કરતા અને ઘણી વાર ફોન પણ ના ઉપાડતા.
હસ્તી: પણ આજે કંઈ નઈ છૂપાવુ, બધું જ કહી દઈશ.
પંક્તિ: (હસ્તીના ખભે હાથ મૂકીને) કહી દો આજે બધું, ખોલી નાંખો હૈયું.
હસ્તી: પહેલાં આ ગ્લાસ અંદર મૂકી આવું.
પંક્તિ: હજી પણ વિચારવું પડશે કહેવા માટે?
હસ્તી: ના... આજે કહેવાનું જ છે.

હસ્તી ગ્લાસ મૂકવાં રસોડામાં ગઈ અને પંક્તિએ મનમાં ગાંઠ વાળી કે આજે તો હસ્તીના મનમાંથી સારું નરસું જે પણ હોય એ બહાર કાઢવું જ છે.

______________________

શું હશે હસ્તીના મનમાં? શું અંતર્મુખી હસ્તી મન ખોલી શકશે?

(ક્રમશઃ)