AME BANKWALA - 16 books and stories free download online pdf in Gujarati

અમે બેંક વાળા - 16. જુના ભગવાન નવા વાઘા

16. "જુના ભગવાન નવા વાઘા"

"અલારસામાં, 2014માં જ્યાં હું ગયા વર્ષે મેનેજર હતો, દૈનિક વેતન પટાવાળા અજિતની મદદથી ગ્રામજનો માટે નવા રૂપે કાર્ડ્સ સક્રિય કરવામાં આવ્યાં હતાં. ગામલોકોને કાર્ડ ઇન્સર્ટ કરતાં ભય લાગતો હતો. એવી પણ શંકા હતી કે કેટલાક લોકો આ રેકોર્ડ જોઈ લેશે અને તેમની બચત સાફ કરી નાખશે. તેઓ એટીએમ મશીનનો ઉપયોગ કરવામાં ડરતા હતા. અજિતે તેમને કાર્ડ સ્લોટમાં દાખલ કરવા, પીન દાખલ કરવા અને પૈસા ઉપાડવાની રીત બતાવવામાં મદદ કરી. ઇલેક્ટ્રોનિક મશીનનો ડર દૂર કરવા બદલ તેઓએ તેમનો આભાર માન્યો.


હવે, મણિનગર ખાતે, 2015 જૂન. હું સિનિયર મેનેજર. હું નિયમિતપણે મારી શાખા સાથે જોડાયેલા નવી ઉદ્ઘાટન કરેલ ઇ-લોબીની મુલાકાત લેતો હતો, પ્રિન્ટિંગ માટે પાસબુક કેમ મુકાય તે બતાવવું , ક્લીયરિંગ માટે ચેક કેવી રીતે દાખલ કરી રિસીટ લેવાય છે, ફોલ્ટ માટે ફોન દ્વારા ઇ ચેનલ મેઈન્ટનર્સનો સંપર્ક, વળેલી કે ઊંઘી નોટ ડિપોઝીટ મશીનમાં ન મૂકવા જેવા નિર્દેશ રૂબરૂ ઉભી આપતો હતો. રોકડ સ્વીકારનારની મુશ્કેલીઓની નોંધ લઈ તેમને મારી સામે ડિપોઝીટ કરાવતો હતો..

આ એવાં નવા કાર્યો છે જે તેઓ ઇ-લોબીમાં પોતાની મેળે કરી શકે છે પરંતુ તેનો ઉપયોગ કરવામાટે તેમની અનિચ્છા છે.

કેટલાક આ મારી મદદ બદલ મારો આભાર માને છે. તો અહીં હું બીજો અજિત છું! ત્યાં જે પીયૂન કરતો તે અહીં હું સિનિયર મેનેજર!

લોકો શરૂમાં ડરે છે પરંતુ લોકોને તે ગમ્યું હોય તેવું લાગે છે. ઇ લોબીનાં કાર્યો સમજાવવા અને પ્રદર્શિત કરવાની મારી રીત. ચેકબુકની વિનંતી કરવા માટે અથવા ચેક ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરવા માટે કે ટોલફ્રી નંબરનો ઉપયોગ કરવામાં અચકાટ દૂર કરવા સુધી. તેમનાં મનમાંથી નિષ્ફળતાનો ભય અથવા નવી ટેકનીકનો ડર મેં દૂર કરાવ્યો!

કેટલાક ગ્રાહકો શાખામાં કેશિયર સાથે ઝઘડા કરે છે જ્યારે તેઓ નમ્રતાપૂર્વક કહે છે કે ઇ લોબી પર જાઓ અને રોકડ જમા કરો.

લાગે છે કે તેમનેઆ નવી સીસ્ટીમ અપનાવવામાં સમય જશે, પરંતુ હું અહીં ગમે તે પોસ્ટ પર હોઉં, ગ્રાહકોની સુવિધા માટે આ વ્યવસ્થા છે તે તેમને સમજાવી ઉપયોગ કરતા કરવામાં આ ફરજની મજા માણું છું. લોકોને નવી સીસ્ટીમ ફાવી જાય પછી ઉપયોગ વધશે જ.

25.7.2015"


મારી પોતાની જૂન 15માં અંગ્રેજીમાં મુકેલી ફેસબુક પોસ્ટનો અનુવાદ. આજે નવું લાગે પણ માત્ર પાંચ વર્ષ પહેલાં ઇ-લોબી નવી આવતાં આ સ્થિતિ હતી. આજે કોઈ બ્રાન્ચમાં પાસબુક ભરાવવા ઉભતું નથી. પૈસા કે ચેક મશીન હોય તો બ્રાન્ચમાં ભરવાને બદલે મશીનમાં જ ભરે છે. કોમ્પ્યુટર વગરની દુનિયાની કલ્પના જ નથી આવતી. તો એ આવ્યું ત્યારે લોકોને અને બેંકરોને શું થયેલું? તેની વાત.

નવી ટેકનોલોજી કોઈ પણ ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે અને એમાં બેન્કિંગ પણ અપવાદ નથી. જેમણે આ 'અમે બેંકવાળા' સીરીઝ શરુથી વાંચી હશે તેમને પ્રકરણ 2 અને 5 માં હથેથી પાસબુક ભરવાની વાતો લખેલી તે યાદ હશે.

તો આવું થયું. ચાલો તો આજે આ એટીએમ અને ઇ-લોબી તથા એનાયે 25 વર્ષ પહેલાં બ્રાન્ચ કોમ્પ્યુટરાઈઝેશનની વાતો ટૂંકમાં માણીએ.


1993 સપ્ટેમ્બર. રાજકોટ મેળાની મઝાઓ માણી કામધંધે વળગેલું. હું અમદાવાદ મારી બેંકના ટ્રેનિંગ સેન્ટરમાં ઇન્સ્ટ્રક્ટર. મને લેટર અને સૂચના આપવામાં આવી કે આ સોમવારે રાજકોટ ટાગોરમાર્ગ બ્રાન્ચમાં બિઝનેસ અવર્સ (તે વખતે બપોરે 3) બાદ બેંકનાં કોમ્પ્યુટરાઈઝડ ઓપરેશનનો ડેમો આપવાનો છે. હું સ્વાભાવિક રીતે સવારની સાતેક વાગ્યાની બસમાં રાજકોટ ગયો. ઉતર્યો ને જોયું તો ત્રણ ચાર કોમ્પ્યુટરો સાથેનાં ખોખાં પાછળથી ઉતર્યાં. એક યુવાન બસના ક્લીનરને કહી એ રિક્ષામાં મુકાવતા હતા. ખોખાં પર ખાસ જાતનો O વાંચ્યો. એ યુવાનનાં શર્ટ પર પણ. ઓહ, આ કોમ્પ્યુટર્સનો સર્વિસ કોન્ટ્રેક્ટ ધરાવતી ઓનવોર્ડ ટેકનોલોજી કંપની. મેં સામેથી એ યુવાન સાથે હાથ મિલાવી ઓળખાણ કાઢી. તેઓ યજ્ઞેશ પટેલ નામે એન્જીનીયર હતા. બપોરે ટાગોરમાર્ગ મળવાનું પ્રોમિસ આપી છુટા પડ્યા.

હું લોજમાં જમીને એ બ્રાન્ચ ગયો. ઉપરને માળ આ ખોખાં પહોંચી ગયેલાં. મેં આંટાફેરા માર્યા. બે વાગ્યા. ઓચિંતો શ્રી પટેલનો ફોન આવ્યો કે તેઓ લેઈટ થઈ શકે. સ્ટાફને ડેમો આપવા સમયસર ઇન્સ્ટોલેશન કરવું જરૂરી હતું. આમ તો ઓનવોર્ડ ટેકનોલોજીવાળા જ તે કરતા. મને સૂઝ્યું તે કટર લઈ ખોખાંઓ પરની સેલોટેપ કાપી એ મોનિટર્સ અને સીપીયુ બહાર તો કાઢ્યાં. મેનેજર કહે 'જોજો હોં ભાઈ, કાંઈ આડું પડશે તો બેયને જવાબ દેવો પડશે.' મને મેં કોર્સ કર્યો હોઈ અમુક ખ્યાલ હતો જ. મેં શ્રી.પટેલને ફોન લગાવ્યો. તેમણે જેની આગળ નાનું બુચ જેવું હોય ને ગ્રે કલરનો વાયર હોય તે પાવર કેબલ અને જેને છેડે બ્રશ જેવું દેખાતું હોય તે ડેટા કેબલ એમ કહ્યું. મને કહે છેડે જુઓ તો અંગેજી D જેવો આકાર લાગશે. એ ડી કનેક્ટર કહેવાય. ડેટા કેબલમાં હોય. એક પણ પિન વળે નહીં તેમ જોર કર્યા વગર નાખો. પાવર કેબલનો ત્રણ પિન વાળો સ્લોટ ભરાવો ઇલેક્ટ્રિક પ્લગમાં." કર્યું. પ્લગ જતો હતો ત્યાં ઢીલું વાયરિંગ. બ્રાન્ચનો પીયૂન ડિસમિસ લઈને આવ્યો ને એ ટાઈટ કર્યું. શ્રી.પટેલ કહે હવે મેઈન લાઈનનો વાયર યુપીએસમાં ભરાયો છે કે નહીં તે જુઓ. યુપીએસની સ્વિચ નીચે કરો. હં. લાઈટ આવી? કોમ્પ્યુટરની સ્વિચ ઓન કરો." અને એમ ત્રણ કોમ્પ્યુટર ઓન કર્યાં. તરત એ જ રીતે MS-DOS, એ વખતની કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ. (આજે વિન્ડો છે તેવી. ) ઇન્સ્ટેલ કરી. એ પછી boot.exe નામનો પ્રોગ્રામ ધરાવતી ફ્લોપી નાખી કોમ્પ્યુટરમાં પ્રાણ ફૂંકયા. પછી નાખ્યો બેંકનો ALPM માટેનો એ ઓનવર્ડ કંપનીનો સોફ્ટવેર. સેટઅપની ફ્લોપી ત્યારે સવાપાંચ ઇંચની અત્યારે સેવની સાઈનમાં જોઈએ છીએ તેવી આવતો. એ નાખી અને 'પ્રેસ ટુ કંટીન્યુ' આવતું ગયું એમ કરતો ગયો. સ્ક્રીન પર મેન્યુ આવી ગયું. ઇન્સ્ટોલ. મેં એકલા એકલા તાળી પાડી મને વધાવ્યો.

ત્રણમાં પાંચે શ્રી.પટેલ આવ્યા. "સોરી. જ્યાં ઓલરેડી કોમ્પ્યુટર્સ છે તે બ્રાન્ચમાં પ્રોબ્લેમ હતો તે ચાલુ ઓપરેશને સોલ્વ કરવો પડે એમ હતો. ચાલો હું સેટઅપ કરી આપું." મેં એક કોમ્પ્યુટર ચાલુ કરી બતાવ્યું. તેઓ તો ખુશ. "વી આર રેડી ફોર ડેમો".

ત્રણને પાંચે ઓચિંતા રિજિયોનાલ મેનેજર બ્રાન્ચમાં આવ્યા. કહે મારે ડેમો જોવું છે. શરૂ તો બેંકનો ઇન્સ્ટ્રક્ટર જ કરે ને! કોમ્પ્યુટરથી કોઈની નોકરી નહીં જાય (જે એ વખતે લોકોને ભય હતો), કામમાં એક્યુરસી રહેશે, અમુક મેન્યુઅલ કામો પળવારમાં થશે ને કાયમી રેકોર્ડ પણ રહેશે તે કહ્યું. બેકઅપ શું છે તે સમજાવ્યું.

પછીનું શ્રી. પટેલે સેવિંગ્સના પેકેજનું ડેમો કર્યું.

ફ્લોપીઓ કેમ સાચવવી, 'ઓડિટ ટ્રેઇલ' ને એવું એ વખતે જ relavant સમજાવી હું નીકળ્યો.

"મેં રિસ્ક લીધું. જો કાંઈ ઊંધું પડ્યું હોત તો હું, તમે, મેનેજર બધા મુશ્કેલીમાં મુકાત." મેં કહ્યું.

"મેં એવોઇડેબલ રિસ્ક લીધું. અમદાવાદથી એન્જીનીયર શિવા ગાંધીએ કહ્યું કે અંજારીયાભાઈએ … કોર્સ કર્યો છે. સો લેટ હીમ ડુ." તમે ઇન્સ્ટોલ કરવાનું, જે તમારી ડ્યુટીમાં નહોતું તે માથે લીધું અને મેં કરવા દીધું. ન દીધું હોત તો આ ડેમો કેન્સલ કરવો પડત. અને રિજિયોનલ મેનેજર તો ઓચિંતા આવ્યા. કેન્સલ થાત તો અમારી કંપનીને પણ મુશ્કેલી થાત. યુ હેવ સેવ્ડ ટાઈમ એન્ડ સેવ્ડ ધ ડે."

તેઓ ફસાયેલા તે બ્રાન્ચમાં કોઈએ ડેઇલી બેકઅપની જગ્યાએ મંથલી બેકઅપ રિસ્ટોર કરી નાખેલો. મહિનાની પહેલી તારીખનો ડેટા આવી ગયો ને એ દિવસ સુધીનાં બધાં ટ્રાન્ઝેકશન્સ, ચેકબુક વગેરે ધોવાઈ ગયેલાં. બ્રાન્ચમાં અકારણ રાડ મચી ગયેલી.

CBS ના જમાનામાં આ બધું સમજાય તો પણ કોઈ માને નહીં.

યજ્ઞેશ પટેલ મને લીમડાચોક ટ્રાવેલની બસમાં મૂકી આવ્યા અને ખાસ નાસ્તો કરાવ્યો. અમે સારા મિત્રો બની રહેલા.

**

ફરી 2014.

એક ખરા બપોરે એક અસ્તવ્યસ્ત કપડાં સાથે દાઢી વધેલો માણસ એક થેલો લઈ મારી એ રૂરલ બ્રાન્ચમાં આવ્યો. "મને અહીં એટીએમના ગાર્ડ તરીકે મુક્યો છે. અહીં જ રહેવાનું છે."

એટીએમનું ઉભું ડબલું આગલે દિવસે આવેલું. એની સેપરેટ કેબિન નહીં. બ્રાન્ચના જ એક ખૂણામાં ઉભું કરી દેવાયેલું. બ્રાન્ચનું શટર પડે એટલે એટીએમ પણ અંદર. આમ તો સાંજે સાત પહેલાં શટર નહોતા પાડતા. એને સમજાવ્યું કે અહીં નાઈટગાર્ડ જેવું નથી અને એટીએમ બ્રાન્ચની અંદર છે એટલે એની નથી જરૂર કે નથી અમને ઓર્ડર. એની કંપની કહે રાખો ને રાખો. તાત્કાલિક રિજિયોનલ ઓફિસ વાત કરી એને રવાના કર્યો.

કંપની સોફ્ટવેર ચાલુ કરી ગઈ. તે વખતે સાગમટે ખુલતાં નવા જનધન ખાતાઓ સાથે ઝીરો બેલેન્સ હોય તો પણ રુ પે કાર્ડ આપવું પડતું. પહેલાં તો કોઈ લેવા જ ન આવે. ઉપરના અધિકારીઓ મને ધમકાવે (એનું વિવરણ વિગતે ઉતરવું રહેવા દઉં.). એટલે મારે નજીકનાં ગામોમાં જઈ એડ્રેસ ગોતીગોતી લોકોને લે નહીં તો પરાણે એના નામનાં આવેલાં કાર્ડ આપવાં પડ્યાં. કવર ઉપર ખાલી નામ ને ટૂંકું સરનામું. ખાતા નંબર તો અંદર બેંકના લેટરમાં હોય. એમાં સરખાં નામ ને સરખાં એડ્રેસમાં કદાચ જાણી જોઈ એક બાઈએ બીજીનું કાર્ડ લઈ લીધું. એના જે જમા થયેલા એ પિન બતાવી ડેમો આપતા આગળ કહ્યું તે અજિત, પીયૂનને કહી કાર્ડ કેમ વાપરવું તે સમજી લઈ ને ઉપાડી ગઈ. જે કોણ સાચું એ આજે પણ ખબર નથી, બીજી બાઈ ઝગડો કરતી રોતી કૂટતી આવી ને મારે મારા ખિસ્સાના બેક હજાર એને આપી દેવા પડેલા. ચાર્જ છોડતી વખતે જ બરાબર.

કોઈ કાર્ડ લઈ જાય તો બેંકમાં આવે નહીં. જનધન ખાતાધારકોને કાર્ડ વાપરતા કરવા વળી વગર કોઈ એલાવન્સએ અજિત ગામમાં ફર્યો ને લોકોને બોલાવી લાવ્યો. લોકો સામે કાર્ડ ઇન્સર્ટ કરી પિન નાખતાં ને બેલેન્સ જોતાં શીખવ્યું. એ બધું પીક અવર્સમાં થતું એટલે ટાગોરમાર્ગની વાત કરી તેવો હું પ્રોએક્ટિવ બની શકેલો નહીં.

પછી તો લોકોએ સારો એવો ઉપયોગ કરવા માંડેલો.


ફરી એ પોસ્ટ મુજબ મણિનગર, 2015.

"નવરીના બેસો છો. અમને ત્યાં ભરવા મોકલી તમે શું મંજીરા વગાડશો? ઊંઘી જશો?" કોઈ 'માનવંતા' ગ્રાહકે કેશિયરને કહ્યું. કેશિયરે સમજાવ્યું કે આ ઈ-લોબી ગ્રાહકોની સગવડ માટે છે. અમે ઊંઘવાના નથી. "માય જાય સગવડ. ...નાઓ. ન જોઈએ તો યે માથે મારો છો" - 'માનનીય' ગ્રાહકશ્રી સરસ્વતી ઉચ્ચારી રહ્યા હતા. મેં બધાં કામ પડતાં મૂક્યાં. ફાયર ફાઇટિંગ સિનિયર મેનેજર તરીકે મેં જાતે વહોરી લીધેલો મારો ધંધો હતો. મેં કેશ પાસે જઈ તેમને ખભે હાથ મૂકી કહ્યું 'તમને ત્યાં લાઈન નહીં નડે. ચાલો. હું બતાવું.'

તે કેશિયરને કહે "લખીને આપો કે ત્યાં પૈસા ભરવા જવું." કેશિયરે બોર્ડ બતાવ્યું - '20,000 સુધીની કેશ મશીનમાં ભરવી.'

તે ખિજાયો. "ફેંકી દો તમારાં મશીન. મારે ન વાપરવું હોય તો?" તેણે લાઈનમાં ઉભેલા બીજાઓને ઉશ્કેર્યા-" ભાઈઓ, કલી મશીનમાં ભરવા જશો નહીં. જોઈએ આ સાહેબ કેમ કેશ નથી લેવરાવતા."

વાત વટે ચડી. મેં બન્ને પક્ષે સમજાવ્યું. એ ગ્રાહકને જરા જરૂરી કડકાઇથી. તે ફરી સરસ્વતી ઉચ્ચારતો મારી સાથે ઇ-લોબીમાં આવ્યો. એની પાછળ કુતુહલ સાથે બીજાઓ. એને બે વખત એકાઉન્ટ નંબર નાખવાનો પણ કંટાળો આવતો હતો. બહુ ધીરજથી સમજાવ્યું. પછી એ જાતે ત્યાં જઈ પૈસા ભરતો. એનું જોઈ બીજા પણ ભરવા લાગ્યા. જરૂર પડે તેને હું કે કોઈ પીયૂન ગાઈડ કરતા.

એક વખત એક માજી બેબાકળાં બની દોડતાં બ્રાન્ચમાં આવ્યાં. "અરે મેનેજર ક્યાં છે? અરે કોઈ સાંભળે છે, મારા ડોશીના પૈસા ફસાઈ ગયા.." હું તરત ઉભો થઇ એમની પાસે ગયો. તેઓ મને ઈ-લોબીમાં લઈ ગયાં. તેમણે દસની નોટો નાખેલી જે પાછી આવેલી. મશીન 50 થી ઓછા ચલણની નોટ નથી લેતું. નોટો ઊંઘીચત્તી નાખેલી. તેમનું કામ સોલ્વ કરી આપેલું. તેઓ મારી જ્ઞાતિનાં અને ખૂબ શિક્ષિત સન્નારી હતાં. ઓળખાણ થયા બાદ આજે પણ સંપર્કમાં છે. પૈસા ન જતાં અને બહાર નહીં આવે એમ લાગતાં તેઓ ગભરાઈ ગયેલાં.

એક ખૂબ સન્માનનીય ડોક્ટર મારી પાસે અંદર આવ્યા. પાસબુક પ્રીન્ટર પાસે લાઈન થઈ ગયેલી અને હો હા ચાલતી હતી.તેમનો વારો આવે તેમ ન હતું. હું ગયો. કોઈએ પાસબુક પેજ સાથે પૈસા ભર્યાની કાઉન્ટરફોઈલો જવા દીધેલી. એ વળી સ્ટેપલર મારેલી. એ સ્ટેપલર પીનનો છેડો પ્રિન્ટર રિબનમાં ભરાઈ ગયેલો. મને અને યુવાન અધિકારી મિથિલેશને ઢાંકણું ઊંચું કરી રિબન કાઢતાં આવડી ગયેલું. શીખવું પડેલું. મેં એ સેટરાઈટ કરી નવી રિબન મંગાવી. એમાં ખાસ રિબન જોઈએ. સામાન્ય પ્રિન્ટર કરતાં આ નાની હોય. એ આવી અને બે કલાક પછી પાસબુકો ભરાવા લાગી. ડોક્ટર સાહેબની મેં ભરી લઈ રાખી મૂકી. તેઓ થેન્ક્સ કહી લઈ ગયા.

એક વખત સાંજે ડે એન્ડ ચાલતો હતો ત્યાં

એક નિવૃત્ત સાહેબ આવી ચડ્યા. તેઓ પણ મારી જેમ નિવૃત્ત ચીફ મેનેજર હતા. ખૂબ મોટી બ્રાન્ચના. એમને ચેક ભરવો હતો. સિક્કો પણ મરાવવો હતો. અત્યારે સિક્કો તાળામાં હતો. હું તેમની સાથે ઇ લોબીમાં ગયો અને ચેક ડિપોઝીટ કરતાં બતાવ્યું. ખાતા નંબર નાખ્યા બાદ ખરાઈ કરીને માઈકર ફિલ્ડ આપણી તરફ રહે તેમ ઇન્સર્ટ કરાવ્યો. ચેકની ઇમેજ પ્રિન્ટ થઈ તેમના હાથમાં આવી. 'ઓત્તતારી! આ તો ફોરેનમાં છે એવું સાંભળેલું એ આપણે ત્યાં!" કહેતાં આશ્ચર્યથી તેમની જીભ બહાર નીકળી ગઈ. મેં કહ્યું કે આ જ સમયે સર્વિસ બ્રાન્ચમાં તેમનો ચેક પ્રોસેસમાં જતો રહ્યો- ઇમેજના બેઇઝ પર.

"લે, કર વાત. હોય નહીં. આ તો ભગવાન એ ના એ, નવી રીતે પૂજા કરવાની. જાણે જુના ભગવાન ને નવા વાધા."

-સુનીલ અંજારીયા