Samantar - 20 books and stories free download online pdf in Gujarati

સમાંતર - ભાગ - ૨૦

સમાંતર ભાગ - ૨૦

આગળના ભાગમાં આપણે જોયું કે ભૂતકાળની સફરે નીકળેલા ઝલક અને નૈનેશ એ દિવસની સફરે પહોંચે છે જ્યારે એમની મૈત્રી ઔપચારિકથી આગળ વધીને એકબીજાને સાથ આપવા સુધી પહોંચી ગઈ. વાતવાતમાં નૈનેશ એના અને નમ્રતાની જિંદગીમાં આવી ગયેલા એકધારાપણાની મૂંઝવણ ઝલક આગળ રજૂ કરે છે તો ઝલક એના ભૂતકાળની વાત કહે છે, જેમાં એના અધૂરા સપના અને મલ્હાર દવેની વાત ચાલતી હોય છે અને નૈનેશને વાત છોડીને ઘરે જવા નીકળવું પડે છે. હવે આગળ...

*****

ઘરે પહોંચીને નૈનેશ મહેમાનો જોડે વ્યસ્ત થઈ જાય છે. એને નમ્રતાની આંખોમાં આશ્ચર્ય વંચાય છે પણ એને અને નમ્રતાને મોડી રાત સુધી વાત કરવાની કોઈ તક જ નથી મળતી. રાતે લગભગ અગિયાર વાગે મહેમાનથી પરવારીને બંનેને પોતાના રૂમમાં એકાંત મળે છે. આખા દિવસની દોડાદોડીથી થાકીને નૈનેશ બેડ પર આડો પડ્યો હોય છે અને નમ્રતા આવીને એના છાતી પર માથું મૂકે છે. એની આંગળીઓ નૈનેશના ટી શર્ટના ખુલ્લાં બટનમાંથી એની છાતી પરના વાળમાં ફરતી હતી. થોડી પળો એમ જ રહ્યા પછી એ થોડી ઉંચી થઈ અને નૈનેશની આંખોમાં જોઈને બોલી, "આજે ઘણા વખતે તેં તારું કઇંક અલગ ખાવાનું બનાવવાનું કહ્યું.!"

નમ્રતાને થાકેલી જોઈને નૈનેશને પસ્તાવો થયો કે એણે આજે નહોતું કહેવા જેવું. થોડા અફસોસ ના ભાવ સાથે એ બોલ્યો, "મારે સમજવું જોઈતું હતું કે આજે મહેમાન છે તો તને ઘણું કામ પહોંચશે અને એમાં મારી અલગ ડિમાન્ડ. સોરી નમુ તું થાકી ગઈ હોઈશને ઘણી.!?"

નૈનેશ હજી બોલવાનું પુરું કરે એ પહેલા નમ્રતાના હોઠ એના હોઠ પર બીડાઈ ગયા હતા. એક દિર્ઘ ચુંબન પછી નમ્રતા બોલી, "મને ગમ્યું નૈનેશ.! યાદ છે મને, આપણા લગન થયા પછી લગભગ રોજ જમવામાં તારી અલગ જ ફરમાઈશ હોતી. પણ આપણી દીકરી અનન્યાના જન્મ પછી લાંબો સમય નરમ ગરમ રહેતી મારી તબિયતના લીધે તેં બધું ભાવતું કરી લીધું."

છેલ્લા શબ્દો બોલતા બોલતા નમ્રતાની આંખમાં ભીનાશ તરવરી. એ જોઈને નૈનેશે એનું માથું વહાલથી પોતાની છાતી પર મૂક્યું અને એના વાળમાં હાથ ફેરવતા ખોટા રોષ સાથે બોલ્યો, "એ પછી લાડ કરવા અનન્યા આવી ગઈ હતીને.! જિદ્દી, તોફાની અને એકદમ મીઠડી અનન્યાને સાચવવામાં તું તો મને ભૂલી જ ગઈ.!"

"આટલો મોટો થયો પણ હજી નાટક નથી જતું તારું.!" નૈનેશની છાતીમાં મુક્કો મારતા નમ્રતા બોલી અને પછી એનામાં સમાઈ ગઈ.

તો બીજી તરફ એ દિવસે પણ ઝલક અને રાજના અબોલા યથાવત્ જ રહ્યા. રાજે વાત કરવાનું વિચાર્યું પણ આગલા દિવસના ઉજાગરાના લીધે થાકેલી ઝલક ઊંઘી દિશામાં પડખું ફરીને તરત જ ઊંઘી ગઈ પછી રાજે પણ એને ડિસ્ટર્બ કર્યા વિના ઊંઘવા દેવાનું જ યોગ્ય માન્યું.

સવારે ઉઠીને ઝલક યંત્રવત્ કામ કરતી રહી. રાજે એને કંઈ ને કંઈ બહાને વાત કરાવવાનો પ્રયત્ન કર્યો પણ એકદમ ટૂંકા જવાબ આપીને ઝલક પાછી મૌન થઈ જતી. બેંકમાંથી પણ રાજના બે ત્રણ વાર ફોન આવી ગયા પણ ઝલકનું મન હજી પણ ઉદાસ હતું. કામ પતાવીને એ આડી પડી અને પોણા બે વાગ્યાની આસપાસ નૈનેશનો મેસેજ આવ્યો, "It works.!"

ઝલકને ખ્યાલ ના આવ્યો કે નૈનેશ શું કહેવા માંગે છે એટલે એણે રિપ્લાયમાં ખાલી પ્રશ્નાર્થ ચિન્હ મોકલ્યું.

નૈનેશ : તમે કહ્યું હતુંને ફરિયાદ કે માંગણી કરો તો જ સંબંધ જીવંત લાગે અને મેં કાલે મારા માટે અલગ ખાવાનું બનાવવાનું કહ્યું તો નમ્રતાને એ ગમ્યું. મેં તો ફક્ત એની ચિંતા અને પ્રેમના કારણે અલગ ફરમાઈશ કરવાની બંધ કરી હતી પણ કાલે એની વાત પરથી લાગ્યું કે એ એને miss કરતી હતી. કાલે ઘણા વખત પછી ફરી મને મારી જૂની નમુ મળી.

ઝલક : ઓહો.. એટલે આજે દોસ્તે ખુશીમાં વહેલો મેસેજ કરી દીધો એમને.!

નૈનેશ : હા, સવારની રાહ જોતો હતો કે ક્યારે બે વાગે અને તમારી જોડે આ ખુશી શેર કરું. પણ ના રહેવાયું એટલે ફટાફટ જમી લીધું અને તમને મેસેજ કર્યો.

ઝલક : સરસ.. હવે ધ્યાન રાખજો. આવી નાની નાની વાતો ઘણી વાર લાંબા ટૂંકા ગાળાની અસર કરી જતી હોય છે સંબંધમાં.

નૈનેશ : તમે છો ને હવે, એટલે મારે ધ્યાન રાખવાની ચિંતા જ ના રહી.! એ છોડો હવે તમે બોલો તમે કેમ છો.? કાલે થોડા ડિસ્ટર્બ હતાને.!

ઝલક : હા, હજી પણ છું. કાલે આપણી વાત અધૂરી રહી ગઈને, જો તમને સમય હોય તો આજે પૂરી કરું.?

નૈનેશ : હા, જો તમે એ વાત મારી જોડે શેર કરવાનું નક્કી કરી જ લીધું હોય તો હું અહીંયા જ છું.

ઝલક : એતો કાલે જ નક્કી કરી દીધું હતું કે એ વાત શેર કરવા તમે જ યોગ્ય વ્યક્તિ છો. અને આમ પણ આટલા વર્ષો એની ઉપર જામેલી ધૂળ તમે જ ખંખેરી છે.

નૈનેશ : મેં.!? (આશ્ચર્ય સાથે પૂછે છે.)

ઝલક : હા, તમે.!! યાદ છે એ ગઝલનો શેર જે તમે ફેસબુક પરની પોસ્ટમાં મારી કૉમેન્ટના રિપ્લાયમાં લખ્યો હતો.?

નૈનેશ તરત એ શેર લખે છે.

"ऐ नए दोस्त मैं समझूँगा तुझे भी अपना,
पहले माज़ी का कोई ज़ख़्म तो भर जाने दे।"

"હા આજ શેર. આજ શેર કહ્યો હતો મલ્હારે મને ત્યારે..." ઝલક વાક્ય અધૂરું છોડે છે.

નૈનેશના મનમાં પ્રશ્ન થાય છે પણ એ બને ત્યાં સુધી ઝલકને એની રીતે જ કહેવા દેવાનું નક્કી કરે છે.

ઝલક : મલ્હાર કલ્ચરલ ડિપાર્ટમેન્ટનો સેક્રેટરી હતો એટલે કોઈને કોઈ કારણથી એનું અમારા ક્લાસમાં આવવા જવાનું રહેતું. કોલેજ ચાલુ થઈ અને થોડા જ સમયમાં ફ્રેશર માટે એક ઇવેન્ટ રાખવામાં આવી હતી અને એમાં મલ્હારે બળજબરીથી મારું નામ કાવ્ય પઠનમાં એડ કરી દીધું હતું. આમ એકદમ સાલસ સ્વભાવનો હતો એ, પણ એની ધાક જોરદાર હતી અને હું હજી નવી નવી એટલે ડરના લીધે ભાગ લેવો પડ્યો. નક્કી કરેલા દિવસે મારું કાવ્ય લઈને હું ઓડીટોરિયમમાં ગઈ. અમૃતા પ્રીતમનું ખૂબ સુંદર કાવ્ય હતું એ..

मैं तुझे फिर मिलूँगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं
शायद तेरे कल्पनाओं
की प्रेरणा बन
तेरे केनवास पर उतरुँगी
या तेरे केनवास पर
एक रहस्यमयी लकीर बन
ख़ामोश तुझे देखती रहूँगी
मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं

या सूरज की लौ बन कर
तेरे रंगो में घुलती रहूँगी
या रंगो की बाँहों में बैठ कर
तेरे केनवास पर बिछ जाऊँगी

पता नहीं कहाँ किस तरह
पर तुझे ज़रुर मिलूँगी

या फिर एक चश्मा बनी
जैसे झरने से पानी उड़ता है
मैं पानी की बूंदें
तेरे बदन पर मलूँगी
और एक शीतल अहसास बन कर
तेरे सीने से लगूँगी

मैं और तो कुछ नहीं जानती
पर इतना जानती हूँ
कि वक्त जो भी करेगा
यह जनम मेरे साथ चलेगा
यह जिस्म ख़त्म होता है
तो सब कुछ ख़त्म हो जाता है
पर यादों के धागे
कायनात के लम्हें की तरह होते हैं

मैं उन लम्हों को चुनूँगी
उन धागों को समेट लूंगी

मैं तुझे फिर मिलूँगी
कहाँ कैसे पता नहीं,
मैं तुझे फिर मिलूँगी!!

દરેક સ્પર્ધકોએ વારાફરતી પ્રેક્ટિસ માટે સ્ટેજ પર જઈને પર્ફોર્મ કરવાનું હતું. જ્યાં ત્યાં મેં મારું કાવ્ય પઠન પૂરું કર્યું ને મલ્હાર એકદમ મારી જોડે આવી ગયો. એની ભાવવાહી આંખોમાં એક અલગ ઉદાસી દેખાઈ રહી હતી. જાણે એ કાવ્યનો ભાવ એને સ્પર્શી ગયો હતો. પછી તો એક અઠવાડિયું રોજ પ્રેક્ટિસ માટે મળવાનું થતું એને અને એ સમય દરમિયાન એણે મને ઘણી હિંમત આપી અને નીજી ધ્યાન આપીને કાવ્ય પઠન માટે તૈયાર કરી.

ખૂબ સરસ રહ્યો મારો એ સ્ટેજનો પહેલો અનુભવ. આખું ઓડીટોરિયમમાં તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું અને આ બધું મલ્હારને આભારી હતું. એણે કાવ્ય પઠનમાં કયા શબ્દ ઉપર ભાર આપવો અને ક્યાં વિરામ લેવો એ બધાની મને સમજ આપી અને એટલે જ એ કાવ્ય પઠન ધારી અસર ઉપજાવી શક્યું. કોલેજનું પહેલું સત્ર પતે ત્યાં સુધીમાં તો પછી તો મલ્હાર મારો મિત્ર પણ બની ગયો હતો. મારો પહેલો અને કદાચ છેલ્લો પુરુષ મિત્ર...

"ઓ, હેલો... હું પણ પુરુષ જ છું હો અને તમે મને દોસ્ત કહ્યો છે તો મલ્હાર છેલ્લો કઈ રીતે હોઈ શકે.! નૈનેશે તરત જ મજાક કરી...

"હા, હવે... છેલ્લો નહીં બસ.. ખાલી પહેલો પુરુષ મિત્ર." ઝલકે પણ હળવાશથી લખ્યુ પણ એના મનમાં તરત જ રાજ આવી ગયો અને એને થયું કે કાશ રાજ એનો મિત્ર છે એ ભ્રમ ના તૂટ્યો હોત તો.

"હા.. એમ.. હવે આગળ વધો તમારી વાતમાં." ઝલકના મનમાં ચાલતી ગડમથલથી અજાણ નૈનેશે લખ્યું...

"અમે લગભગ કોલેજ સમયમાં જ વધુ મળતા, ફ્રી લેક્ચર હોય ત્યારે કે પછી બ્રેકમાં અને વધુમાં વધુ તો કોલેજ છૂટ્યા પછી એકાદ બે કલાક ક્યાંક સમય વિતાવીએ એજ અને એ પણ બીજા મિત્રોની સાથે. ગ્રુપમાં બીજા છોકરાઓ પણ હતા પણ હું એમની જોડે ભાગ્યેજ બોલતી. જ્યારે મલ્હારની વાત અલગ હતી, એ મને ગમે તેમ કરીને કોઈ પણ વાત કે ચર્ચામાં ઢસડી જ જતો. ધીમે ધીમે અમને ખ્યાલ આવ્યો કે અમારા શોખ અને વિચારો એકબીજાને ઘણા મળતા આવે છે અને પછી તો એવું બનતું કે બધાની સાથે જ હોવા છતાં અમે કોઈ અલગ જ દુનિયામાં રહેતા, પછી એ ગઝલની હોય, કાવ્યની હોય કે સાહિત્યની દુનિયા હોય... પણ ઘણી વાર મલ્હાર કોઈ વિચારોમાં હોય એવું લાગતું મને. હું એને પૂછતી પણ એ હંમેશા હસીને ટાળી જતો." નમ્રતા અસ્ખલિત લખે જતી હતી પણ એને અચાનક કંઇક વિચાર આવ્યો ને એણે વાત અટકાવીને મેસેજ કર્યો, "તમે કંટાળતા તો નથી ને.!? સમય પણ ઘણો વિતી ગયો, એવું હોય તો આપણે કાલે વાત કરીશું હવે."

નૈનેશ : ના, ના... આજે મારે આમ પણ કંઈ ખાસ કામ નથી, તમે વાત ચાલુ રાખો.

ઝલક : પાક્કું ને.!?

નૈનેશ : હા, બાકી હું સામેથી જ કહી દઉં. તો પછી આગળ... (નૈનેશ વાક્ય અધૂરું છોડી દે છે.)

ઝલક : મલ્હારના સાનિધ્યમાં મારા સપનાને એક ઉડાન મળી હતી. ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે મારે મારા સપનાને મારા મનમાં ઊગે એવા જ ડામી દેવા ના હતાં. જોકે સાવ એવું નહતું કે હું કંઈ કહું તો પપ્પા એકદમ જ નકારી દે પણ હું સૌથી મોટું સંતાન હતી અને મારે સમજવાનું હતું, નાનપણથી જ... પપ્પા જાણી જતા ઘણીવાર મારા મનની વાત અને એક અફસોસ દેખાઈ જતો મને એમની આંખોમાં અને જોડેજોડે લાચારી પણ... બિલકુલ એવીજ જે મારા લગ્નની વાત વખતે દેખાઈ હતી. કદાચ મારા ભણતર છૂટવાનું દુઃખ મારા કરતા એમને વધુ હતું."

ઝલકના ગાળામાં સોસ પડવા લાગ્યો. આટલું લખતા એ રીતસર નીચોવાઈ ગઈ હતી. એના સપના તૂટવાની પીડા આજે સપાટીએ આવી ગઈ હતી અને એ જાણે બધો જ ભાર હળવો કરવા ઇચ્છતી હતી. એ સાઇડ ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ લેવા ફરી અને જોયું તો સાડા ચાર વાગી ગયા હતાં. એણે ફટાફટ મનના વિચાર ખંખેરી નાખ્યા અને નૈનેશને મેસેજ કર્યો, "મારે હવે રસોડામાં જવું પડશે. મોડું થઈ ગયું, સાડા ચાર વાગી ગયા... ચાનો સમય અને પછી તરત રસોઈ. તમારો પણ ઘણો સમય લઈ લીધો આજે. આભાર તમારો મને શાંતિથી સાંભળવા માટે.!" (એકદમ મલ્હારની જેમ જ એના મનમાં વિચાર આવી જાય છે.)

નૈનેશ : એમાં શું આભાર.!! તમે પણ મને રસ્તો બતાવ્યોને મારી જિંદગી માટે, મેં માન્યો કંઈ તમારો આભાર.? ના ને.!? દોસ્ત કહ્યા છે તમને, બીજા કોઈ કામમાં આવી શકું કે ના આવી શકું પણ તમને સાંભળી તો શકું જ છું.

"હું આજથી તમને bff કહીશ. બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર." ઝલકે લખ્યું..

નૈનેશ : ના એ હમણાં શક્ય નહીં બને... દોસ્ત જ બરાબર છે.

ઝલક : કેમ હમણાં શક્ય નહીં બને.!? (એકદમ આશ્ચર્ય સાથે ઝલકે પૂછ્યું...)

નૈનેશ : તમારે મોડું થાય છે ને.!? સાડા ચાર થઈ ગયા. પછી વાત કરીશું આ વિષય પર.

ઝલક ખાલી "હમમ્ ..." લખીને રસોડામાં જઈને કામે વળગે છે તો નૈનેશ પણ ટેબલ પર હમણાં જ પ્યુને મૂકેલી કોફી પીને ફ્રેશ થઈને એનું કામ ચાલુ કરે છે.

એ રાતે જ્યારે બધું કામ પતાવીને ઝલક રૂમમાં પ્રવેશે છે ત્યારે રાજ વાત કરવાના મક્કમ ઇરાદા સાથે એની રાહ જોઈને જ બેઠો હોય છે.

"ઝલક મારી બાજુ ફરને અને મારી જોડે વાત કર પ્લીઝ. મારે કંઇક કહેવું છે." ઝલકને ઊંઘી ફરીને સૂતા જોઈને રાજ બોલે છે.

"હજી પણ કંઈ કહેવાનું બાકી રહી ગયું છે.!?" ઝલક વ્યંગમાં બોલે છે.

"હા... બાકી છે હજી પણ. આજે તો કહેવું જ છે." રાજ બોલ્યો...

"હા, બોલ... સાંભળું છું." ઝલકે એમ જ પડ્યા પડ્યા જવાબ આપ્યો.

"ના, એમ નહીં.! મારી સામે જો પછી જ કહીશ." ઝલક ના ખભે હાથ મૂકતા રાજ બોલ્યો...

"શું ફેર પડે છે.!? મારે તો સાંભળવાનું જ છે ને.!" ઝલક હજી પણ રાજ સામે જોઇને વાત કરવા તૈયાર નહતી.

"મને ફેર પડે છે. સહન નથી થતું તારું મૌન. એક વાર શાંતિથી સાંભળી લે પ્લીઝ." આજીજીના સ્વરમાં રાજ બોલ્યો...

ઝલક ઊભી થાય છે અને રાજની બાજુ ફરીને બેસે છે. રાજ એનો હાથ પોતાના હાથમાં લે છે અને કહે છે, "પાર્ટીના એ બનાવ પછી બીજા દિવસે બેંકમાં મેં કામિનીને સખત શબ્દોમાં ખખડાવી હતી. એને પણ પછી એની ભૂલનો એહસાસ થયો હતો."

એ ઝલકની સૂની થઈ ગયેલી આંખોમાં જોઈને પળવાર અચકાય છે અને ફરી બોલવાનું ચાલુ કરે છે. "ઝલક હું માનું છું મારી ભૂલ હતી કે મેં તને બધી વાતથી અજાણ રાખી. એનું કારણ થોડો મારો સ્વભાવ, થોડો ડર કે તારું રીએકશન શું હશે અને સૌથી વધુ કામિનીની આવી હાલત માટેનો મારો અપરાધભાવ જ છે. બાકી સાચે બીજું કંઈ જ નથી અમારી વચ્ચે. એ જ્યારે ટ્રાન્સફર થઈને અમદાવાદ અમારી બ્રાન્ચમાં આવી ત્યારે એ એકદમ ડીપ્રેસ હતી. પહેલાની એકદમ જીવંત કામિની હવે એકદમ ચીડ ચીડ થઈ ગઈ હતી. પંદર જ દિવસમાં તો બેન્કનો બધો સ્ટાફ એનાથી કંટાળી ગયો હતો ને એટલે એક દિવસ મેં એની જોડે વાત કરીને બધું જાણવાનું નક્કી કર્યું. પહેલા તો મારી જોડે એનું વર્તન એકદમ રુક્ષ હતું. પછી ધીમે ધીમે એને વિશ્વાસમાં લઈને જ્યારે મેં જાણ્યું કે આપણા સગપણથી એનું દિલ તૂટી ગયું હતું અને એમાં જ એણે અવિચારી પગલું લઈને બધાની ના હોવા છતાં પણ લગન કરી લીધા ત્યારે મને આઘાત લાગી ગયો. અહીંયા અમદાવાદમાં એના એવા કોઈ મિત્ર નહતા જે એને સમજીને સાથ આપી શકે તો મને થયું એને આવી હાલતમાં મેં જ નાખી છે તો હું જ એને એમાંથી બહાર નીકાળીશ અને એને હું અમારી બેન્કના એક કસ્ટમર જે શહેરના ખૂબ જ જાણીતા સાયક્રાયટીસ છે એમની જોડે લઈ ગયો. એની દીકરી રીના પણ આવી હતી અમારી જોડે અને પછી તો હું ખાલી એક જ વાર એની જોડે ગયો હતો બાકી રીના જ જતી હતી કાયમ. હા વચ્ચે બે ત્રણ વાર મને પણ બોલાવ્યો હતો સાઇક્રાયટીસે કારણ કે હું એનો મિત્ર હતો અને એની ચાહત પણ."

અને રાજ અટકે છે. એની ઝલકના હાથ પરની પકડ થોડી વધુ મજબૂત થાય છે. ઝલક આશંકાથી એની સામે જોવે છે અને રાજના મોઢા પર રહેલો ક્ષોભ જોઈને એનું હૃદય બેસી જાય છે. એ બહાવરી બનીને રાજની આંખોમાં જોવે છે અને એની આંખોમાં રહેલા તાપને રાજ સહી ના શકતો હોય એમ તરત નજર ઢાળી દે છે. ઝલકના હાથ પર રહેલા એના હાથની પક્કડ એટલી મજબૂત થાય છે કે ઝલકને રીતસરનું ત્યાં દર્દ થવા લાગે છે. રાજની બીજા હાથની મુઠ્ઠી વળી જાય છે, અને બોલવામાં તકલીફ થતી હોય એવા અવાજે કહે છે, "ડૉકટરના કહેવાથી અમે બંનેએ એકલા બે વાર જોડે ડિનર પણ કર્યું. પણ વિશ્વાસ કર ઝલક મિત્રતા સિવાય અમારી વચ્ચે બીજો કોઈ સંબંધ નથી. બધું જ મેં એને મદદ કરવાની ભાવનાથી કર્યું બાકી મારા જીવનમાં એકમાત્ર તું જ છે અને રહેશે.!"

અત્યાર સુધી શાંત ચિત્તે સાંભળી રહેલી ઝલકથી ડીનરની વાતથી ડૂસકું મુકાઈ જાય છે. રાજ એને પાણી આપીને શાંત કરવાના પ્રયત્ન કરે છે પણ ઝલકની આંખો અવિરત વહેતી હોય છે. રાજ એનું માથું ઓશિકા પર મૂકીને એના વાળમાં ધીરે ધીરે હાથ ફેરવીને એને શાંત પ્રયત્ન કરે છે અને રડી રડીને થાકેલી ઝલક આખરે ઊંઘી જાય છે.

*****

એવી કઈ વાત હતી જે મલ્હાર હંમેશા હસીને ટાળી જતો.?
નૈનેશે ઝલકને bff કહેતા કેમ રોકી.?
રાજ અને ઝલકના જીવનમાં આગળ શું બન્યું હશે.?
આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

*****

વાર્તા વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી..🙏🏼

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ