sangheshni bhatthi - 8 books and stories free download online pdf in Gujarati

સંઘર્ષની ભઠ્ઠી ભાગ - ૮

સંઘર્ષની ભઠ્ઠી ભાગ-૮

માં-દીકરી વચ્ચે આટલી વાત પૂર્ણ થઇ ત્યાં તો ઘર નો મુખ્ય દરવાજો આવી ચુક્યો હતો. ઘરમાં પ્રવેશતા પહેલા માતા નિર્મળાબહેને પોતાની દીકરી સોનીનો હાથ પોતાના હાથ માં લઈને સોની પાસે એક વચન માંગ્યું કે, દીકરી સોની આજે તારે મને તારી જન્મ દેનારી જનેતાને સાક્ષી રાખીને એક વચન આપવાનું છે કે, તારે ખુબ જ ભણીગણીને આ દુનિયાને કંઈક કરી બતાવવાનું છે. તારે તારી જન્મદાત્રીની કૂખને દીપાવવાની છે, તારે એક સ્ત્રી શક્તિને ઉજાગર કરવાની છે, તારે તે વેઠેલા કષ્ટોને સુખદ પરિસ્થિતિમાં પલટાવવાના છે, તારે એક અબળા જીવને સબળા બનાવવાનો છે, તારે મારા સપનાઓને પાંખો આપવાની છે. એક વચનમાં પણ માતા નિર્મળાબહેને અનેક વચનો સોની પાસે માંગી લીધા. નિર્મળાબહેનની એક સગ્ગી જનેતાની માફકની આટલી બધી લાગણીની લહેરો જોઈને સોનીની આંખો ભરાઈ આવી અને તે પોતાની તારણહાર એવી પાલકમાતા ને વળગી જ રહી. નિર્મળાબહેનની આંખો પણ આંસુથી છલકાઈ આવી.

માં-દીકરી થોડા સ્વસ્થ થયા એટલે સોનીએ માતા નિર્મળાબહેનનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું કે, હા માં.., હું જરૂર ભણીશ અને ભણીગણીને મારુ ભાગ્ય પલટાવીશ.., નારી શક્તિને બળવાન બનાવીશ.., તારા સપનાઓની હું જાતે પાંખ બનીને તને મુક્ત ગગનમાં ઉડાન કરાવીશ.., અને મને જન્મ આપનારી દૈવીનો હું દિપક બનીશ...!! આટલા બધા વચનો નિર્મળાબહેન સમક્ષ એક સાથે ઠાલવીને સોનીએ પોતાની જાત સાથે એક મજબૂત ગાંઠ વળી લીધી. સાથે સાથે માતા નિર્મળાબહેન પણ સોનીના આ સફળતાનાં યજ્ઞમાં પોતાની જાતની આહુતિ આપવા માટે કટિબદ્ધ થયા.

બીજા દિવસે નિર્મળાબહેન સોની માટે અભ્યાસ ને લગતા તમામ પુસ્તકો તથા બધી જ સ્ટશનરી પણ લાવ્યા. શિક્ષણ ની તમામ સામગ્રી નિર્મળાબહેને સોની માટે ઘરમાં હાજર કરી દીધી હતી. શાળાના યુનિફોર્મની પણ એક સાથે બે જોડી વસાવી લેવામાં આવી. અભ્યાસી તમામ સામગ્રી હવે ઘરમાં હાજર જ હતી. ધોરણ દશની પુસ્તકીય સામગ્રી જોઈને સોની તો વિચારમાં જ પડી ગઈ કે આટલું બધું હું ક્યારે ભણી લઈશ..? પણ વળતી જ ક્ષણે તરત જ એને મનમાં એક સકારાત્મક વિચાર ની સ્ફુર્ણા થઇ જતી હતી કે, મારે તો ઘણા બધાના સપનાઓને અવકાશ આપવાનો છે. આવો વિચાર તે વારેવારે મનમાં કરીને પોતાની નિર્બળ જાતને એક અનેરૂ બળ પૂરું પાડી દેતી હતી.

રાત્રે બંને માં-દીકરી સમયસર સુવા માટે પથારીમાં પડતાની સાથે જ નિર્મળાબહેનતો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા પરંતુ સોનીને કેમેય કરી ઊંઘ આવતી જ ન હતી. કારણકે તે પોતાના ખરડાયેલા અતીતમાં ડૂબકી લગાવવા લાગી હતી. તેની નજર સમક્ષ પોતાની નવી માતાનો અસહ્ય ત્રાસ, પોતાનો નાનકડો એવો સાવકો ભઇલો, પિતા દશરથની શું હાલત હશે..? એ મને શોધવા માટે ક્યાં ક્યાં ભટકતા હશે..?? પોતાના પિતાના મિત્ર એવા પવનકાકા શું કરતા હશે..? તેને મારા પિતા દશરથને મારા વિશે શું જવાબો આપ્યો હશે..? મારા વિશે કેવા પ્રતિભાવો આપ્યા હશે..? આવા અનેક વિચારોના સાગરમાં તેનું મન ઘૂમરી લેવા લાગ્યું. પોતાનો સારો નરસો અતીત સાંભળ્યો એટલે તરત જ સોની ને પોતાના પિતા દશરથ સાવ નજર સમક્ષ તરી આવ્યા. તેની આંખોમાંથી બોર જેવડા આંસુઓ ટપકવા લાગ્યા. તેનું એક આંસુ નીચે પથારીમાં સુતેલા નિર્મળાબહેનના કપાળ પર પડ્યું. આથી તેની ઊંઘ ઊડી ગઈ. તેણે પથારીમાંથી ઊભા થઈને જોયું તો સોનીની આંખોમાંથી શ્રાવણનાં સરોડા વહેતા હતા. તરત જ નિર્મળાબહેને રૂમની લાઈટ ચાલુ કરીને સોનીને પોતાની છાતી સરખી ચાપીને બોલ્યા કે, શું થયું બેટા..? જલ્દી કહે શું થયું...? તરત જ સોનીએ પોતાની માતા નિર્મળાબહેનને જણાવ્યું કે, કંઈ નથી થયું માં..., એ તો જરા ભુંસાયેલો મારો પોતાનો ભૂતકાળ યાદ આવ્યો એટલે આંખ ભરાઈ આવી.

નિર્મળાબહેન તરત જ સમજી ગયા કે, જરૂર આ છોકરી ને એના પિતાની યાદ આવતી હશે..! પરંતુ વળતી જ ક્ષણે તેણે બાજી સંભાળી લીઘી અને સોનીને કહ્યું, કે જો દીકરી તારે કંઈક મેળવવું છે તો પછી કંઈક તો ગુમાવવું પડશે. તારે તારા સપનાઓને પૂર્ણ કરવા માટે તારે તારું ભવિષ્ય ખોજવું પડશે. ભૂતકાળને ઢંઢોળવાથી તો સપનાઓ પૂર્ણ તો શું પણ એક ડગલું પણ આગળ વધી શકતા નથી. એ વાતને તારે તારા પલળે બાંધીને રાખવાની છે. તું તો ખુબ જ હિંમતવાન છે. તારે આમ રડવાનું નથી પણ તારા પર વીતેલી વેદનાઓને તારે હવે રડાવવાની છે. તારે કંઈક બનીને આ દુનિયામાં ઉથલ પુથલ મચાવવાની છે. એ તને યાદ તો છે ને..? નિર્મળાબહેન જેવી માતા મળી હોય પછી સોનીને હવે શાની ચિંતા..!! મુરઝાઈ ગયેલી સોનીને નિર્મળાબહેને થોડું ખાતર, પાણી આપીને ફરીથી ખીલવી દીધી. થોડું મોટિવેશન આપીને ડિસ્ચાર્જ થયેલી સોનીને માતા નિર્મળાબહેને ફરીથી ચાર્જિંગ કરી દીધી. ત્યાર પછી સોનીને મીઠી-મધુર ઊંઘ આવી ગઈ.

વળતા દિવસનું પ્રભાત થયું. નવી સવાર કંઈક નવો સંદેશો લઈને આવતી હોય છે. એમ જાણે કે હવે સોની પણ કંઈક નવી જીંદગી જીવવા માટે નવી જિંદગી માણવા માટે પથારીમાંથી ઊભી થઈને અરીસા સામે ગઈ. હવે તે પોતાના સ્વભાવથી, મનથી, અને દિમાગથી પુરી રીતે પરિપક્વ થઇ ગઈ હતી. તે પોતાના નિર્ણયો જાતે જ લેવા માટે હવે સક્ષમ હતી. અરીસામા તેને પોતાનો સોહામણો ચહેરો જોઈને એક વિચાર આવ્યો કે, શું હું આટલી બધી દેખાવડી છું..? શું હું આટલી બધી રૂપાળી છું..? શું મારામાં આટલો બધો નિખાર આવી ગયો છે...? તે મનોમન એજ વિચારતી રહી કે દુઃખમાં ડૂબેલા મારા જીવનમાં મેં ક્યારેય પણ મારી સુંદરતા ને નીરખીને જોઈ નથી. એ પોતાનો ચહેરો ધારી ધારીને જોવા લાગી. આજે તેમણે ભગવાનનો પહેલી વખત આભાર માન્યો કે, હે ઈશ્વર તે મને એક સાથે કેટલું બધું આપી દીધુ. મને એક સારી માતા આપીને તે મારો જોમ અને જુસ્સો વધારી દીધો છે. ઉપરથી આટલી બધી સુંદરતા પણ મને બક્ષીશ તરીકે તે આપી છે. તે મને અપેક્ષા કરતા ઘણું વધારે આપી દીધું છે.

સોનીની જિંદગીનો એ પહેલો દિવસ એવો ઉગ્યો હતો કે, સોની પોતાની જિંદગીથી ખુબ જ ખુશ હતી. આજે તેણે પહેલી વખત અરીસામાં જોઈને પોતાની જાત સાથે ઘણીબધી એવી વાતો કરી કે જેનાથી તે પોતે પણ આજ સુધી અજાણ હતી. એક સમયે પોતાની જાતનો ત્યાગ કરનારી સોની આજે દીર્ઘ આયુષ્ય ભોગવવા માંગે છે. એના મનમાં નવી ચેતનાનો જ જાણે કે સંચાર થયો હોય તેમ તે ઉર્જાવાન બનતી જતી હતી. તે જિંદગીને પોતાની હથેળીમાં લઈને ચૂમવા લાગી હતી. તેનું અંતરમન આજે જાણે કે અનેરો ઉત્સાહ આપતું હોય તેમ તે નાચવા લાગી હતી. પોતાના હાથથી પોતાના વાળ વિખેરવા લાગી હતી. પોતાની આંગળીઓ ચૂમી રહી હતી. એને મન તો જાણે કે એને ત્રણેય લોકનું રાજ મળી ગયું હોય એમ તે ઊછળકૂદ કરવા લાગી હતી. અરીસામાં જોઈને તેને પોતાના ચહેરા સમક્ષ એક પ્રતિજ્ઞા કરી કે, હું મારી આ કાયા રૂપી કાચી માટીને પાકી કરીને જ જંપીશ. નિર્મળાબહેન સોનીની આ બધી અસામાન્ય હરકતો જોઈ રહ્યા હતા. તેણે તો તરત જ સોની સમક્ષ ઉપસ્થિત થઈને કહ્યું કે, દીકરી.., આ બધું તે શું માંડ્યું છે..?? ચાલ જલ્દી કર હવે શાળાએ જવામાં મોડું થાય છે. સોની તો માતા નિર્મળાબહેનનો હાથ પોતાના હાથ સાથે ભીડીને ફેરફુદરડી ફરવા લાગી. માતા નિર્મળાબહેન સાથે તે નાચવા-કૂદવા લાગી. ત્યારે નિર્મળાબહેને કહ્યું કે, છોકરી..., તું ગાંડી થઇ છે કે શું...?? ત્યારે સોની હંસી હંસી ને કહેવા લાગી કે, હા.., માં... હું ગાંડી થઇ ગઈ છું...!! મારે આ જિંદગીની જંગ જીતવી છે એટલે મારા આ ઉત્સાહભર્યા થનગનાટને હું જંપવા નહીં દઉં. સોનીની જિંદગી પ્રત્યેની આટલી ચાહત જોઈને નિર્મળાબહેન તો રાજીના રેડ થઇ ગયા. માં-દીકરી એક બીજાને ભેટીને એકમેકનો ઉલ્લાસ વધારવા લાગ્યા.

સમય થયો એટલે સોની અને નિર્મળાબહેન શાળાએ જવા ઘેરથી નીકળ્યા. નિર્મળાબહેન સોનીને રસ્તામાં શાળાના નીતિ નિયમો સમજાવતા જતા હતા. થોડીવાર થઇ ત્યાં એ લોકો શાળાએ પહોંચી ગયા. નિર્મળાબહેન સોનીને આજે શાળામાં પહેલો દિવસ હોવાથી એના વર્ગખંડ સુધી વળાવવા માટે ગયા. સોનીએ વર્ગખંડમાં પગ મુક્યો કે, એની આંખોમાં એક અનેરી ચમક આવી ગઈ. વર્ગખંડની પ્રથમ બેંચ પર એક જાણીતો ચહેરો હતો. તેને જોઈને સોનીના હોઠ તો ખુશીના માર્યા બીડાતા જ ન હતા.

ક્રમશ....

ભાવેશ લાખાણી..