lithium - 1 books and stories free download online pdf in Gujarati

લિથિયમ - 1

લિથિયમ

પ્રકરણ ૧: ડબલ મર્ડર....

"લોહીથી ખરડાયેલી લાગણીઓ ક્યાંક છુપાઇ છે,
અરીસામાં એક અપરાધીની છબી દેખાઈ છે..! "

શિયાળાની લોહી થીજવી નાખે એવી ઠંડીની રાત,
અને રાતનો 2:30 વાગ્યાનો સમય.
એસજી હાઈવે પર આવેલી એક હોસ્પિટલની સામેની બાજુના સર્વિસ રોડ પર એક કાર ઊભી રહે છે.
છ ફૂટનો એક માણસ, દેખાવે શ્યામ વર્ણનો, સફેદ રંગનો શર્ટ અને બ્લેક ડેનીમ જીન્સમાં સજ્જ, ખિસ્સામાંથી ફોન કાઢતા કારનો દરવાજો ખોલીને નીચે ઉતરે છે.
ઠંડીથી બચવા મજૂરોએ કરેલા તાપણા પર તેનું ધ્યાન પડે છે.

પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢીને તે પોતાના મોઢામાં મૂકે છે, તાપણામાં થી સળગતું લાકડું લઈને તે સિગારેટ સળગાવે છે અને એ લાકડાની અગ્નિમાં તેનો આંશિક ચહેરો દેખાય છે.
ચહેરા પર કોઈકના ગુમાવવાનો અફસોસ છે,
આંખોમાં ગુસ્સો છે કોઈકને પોતાનાથી દૂર જતાં ના અટકાવી શકવાનો.

અચાનક સિગારેટનો ઊંડો કશ લઇ હોસ્પિટલ તરફ જોઈને તે બોલે છે,
"બસ અડધો જ કલાક.......!
અડધા કલાકમાં તારુ પોસ્ટમોર્ટમ થઈ જશે અને પછી તારું શરીર પણ અમને છોડીને હંમેશા માટે ચાલ્યું જશે,
અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગે છે...!!
ત્યાં બેઠેલા મજૂરો એકીટશે આ માણસને જોઈ રહે છે.

અડધો કલાક પછી,
રાત્રે ૩ વાગે:
એસજી હાઈવે પરની હોસ્પિટલ,
ટ્રોમા સેન્ટર.

108 માંથી એક બેભાન સ્ત્રીને સ્ટ્રેચરમાં લાવવામાં આવી રહી છે,
દેખાવમાં 26 વર્ષની એક યુવાન સ્ત્રી, વિશાળ વૈભવના દર્શન કરાવે તેવુ તેનું કપાળ, કાજળથી આચ્છાદિત પણ મિંચાયેલી તેની એ આંખો, હોઠ પર બેભાન અવસ્થામાં પણ છલકાતો એવો હોઠનો મરોડ, અને પહેરેલું એ મરૂન કલરનું ગાઉન.

ગળામાં મંગળસૂત્ર અને કપાળમાં પુરાયેલો એ સેથો તેની પરિણીત હોવાની સાક્ષી પુરતું છે.

તેની સાથે તેનો હસબન્ડ એ સ્ત્રીનો હાથ પકડીને સ્ટ્રેચર ની સાથે દોડી રહ્યો હોય છે,
વાળ વિખરાયેલા, પરસેવાથી રેબઝેબ બેબાકળો બની એક જ વાક્ય વારે વારે બોલી રહ્યો છે,

"પ્લીઝ ડોક્ટર,
ડુ સમથિંગ...
મારી વાઈફે સ્યુસાઇડ અટેમ્પટ કર્યું છે.."

તરત જ તે સ્ત્રીને આઈ.સી.યુ. માં શીફ્ટ કરીને ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે.

"પલ્સ - નોટ પાલ્પેબલ,
Spo2 - નોટ ડિટેક્ટેડ,
પ્યુપીલ્સ- નોટ રિએક્ટર
સી.પી.આર. ના કરવામાં આવેલા મહત્તમ પ્રયાસ પછી માહેશ્વરી ને 'ડેડ' ડિકલેર કરવામાં આવે છે.

માહેશ્વરી એટલે ભારતના બિઝનેસ ટાયકૂન ગણાતા અબજોપતિ રાજન ઑબરોયની પત્ની.
માહેશ્વરી પોતાના છેલ્લાં શ્વાસ લઈ ચુકી હતી,
થોડાક સમય બાદ પોલીસની જીપે ઘટનાસ્થળે પહોંચે છે.

માહેશ્વરીના સ્યુસાઇડના સમાચાર વાયુવેગે મીડિયાના માધ્યમથી બધે ફેલાઈ ચુક્યા હોય છે.

ઇન્સ્પેક્ટર જાડેજા અને હેડ કોન્સ્ટેબલ નાથુ પોલીસની જીપમાંથી ઉતરે છે.

"સાહેબ ઘણું મિડિયા ઓય આયું છ..! "
નાથુએ તેના સાબરકાંઠા ના લહેજા સાથે આતુરતાથી કહ્યું..

"ઈ તો આવે જ ને નાથિયા, કેસ ઘણો મોટો છે. "
ઈન્સપેકટર જાડેજા એ એક નજર નાખીને કહ્યું.

હોસ્પિટલમાં દાખલ થવાની સાથે જ જાડેજાના ફોનમાં રીંગ વાગી,
ફોન ઉપાડતા સામે છેડે કમિશનરનો અવાજ સંભળાયો,

"જાડેજા કેસ બહુ હાઈપ્રોફાઈલ છે,
તપાસ માં ક્યાંય કચાશ ન રહી જાય એનું ધ્યાન રાખજો..!"

"ચોક્કસ સર..!"
જાડેજાએ ટૂંકમાં જવાબ આપ્યો.

ફોન મૂકતાની સાથે જાડેજાના કાનમાં એક ગીતના શબ્દો અથડાયા,
"બાત પૂરાની હે,
એક કહાની હે,
અબ સોચું તુમ્હે યાદ નહીં હે,
અબ સોચું નહીં ભૂલે, વો સાવન કે ઝૂલે,
રૂત આયે રૂત જાયે દેકર જૂઠા એક દિલાસા,
ફિર ભી મેરા મન પ્યાસા...! "

જાડેજા એ જોયું તો એક વ્યક્તિ દુ:ખી અવાજે આ ગીત ગાઈ રહ્યો હતો. આંખો પર પહેરેલા ચશ્મા પર પરસેવાના લીધે પડેલા ધબ્બા દેખાતા હતા, પણ જાડેજાને એ ધબ્બા ની પાછળ રહેલી આંખોમાંથી વહેતાં આંસુ દેખાયા.
એ વ્યક્તિ બીજુ કોઈ નિશાની પણ માહેશ્વરી નો પતિ રાજન ઑબરોય હતો..

"હેલો મિસ્ટર રાજન,
માયસેલ્ફ ઇન્સ્પેક્ટર ભૈરવસિંહ જાડેજા.
તમારી વાઈફના સ્યુસાઇડ ના કેસની ઇન્કવાયરી મારે જ કરવાની છે.."
ગીતને અટકાવી ઈન્સપેકટર જાડેજા બોલ્યા.

રાજને ફક્ત હકારમાં માથું હલાવ્યું..

"આઈ એમ સોરી ફોર યોર લોસ્ટ મિસ્ટર રાજન.,
પણ મારા તમામ સવાલોના જવાબ તો તમારે આપવા જ પડશે..!"
જાડેજાએ વાત શરૂ કરતા કહ્યું.

"શું પૂછવા માંગો છો તમે..?"
રાજને એક જ વાક્યમાં જવાબ આપ્યો.

"અમને અમારી પ્રાથમિક તપાસમાં સ્યુસાઇડ નોટ મળી છે, તમારા અને માહેશ્વરી ના બેડ રૂમમાંથી.
હેન્ડરાઇટિંગ એક્સપર્ટની મદદથી અમે વેરીફીકેશન કરાવી જ લઈશું કે આ નોટમાં રહેલા હેન્ડરાઈટીંગ તમારી વાઈફના છે કે નહીં?
સમજાતી એક જ વાત નથી કે આ સ્યુસાઈડ કરવાનું કારણ શું..?"
જાડેજાએ એમની સ્ટાઈલમાં સવાલ કર્યો..

"તમે મને જે ગીત ગાતા રોક્યો ને સર,
એ મારી માહેશ્વરીનુ ફેવરિટ સોન્ગ હતું.
રાજેશ ખન્નાની ઘણી મોટી ફેન..
આજકાલના ફાસ્ટ સોન્ગ પણ તેને ગમતાં,
જેટલું તેનુ વેરિએશન ગીતોમાં હતુ તેટલું જ તેના સ્વભાવમાં હતું,
માહેશ્વરી બાય પોલર ડિસઓર્ડર(BPD) થી પિડીત હતી. એ ખુશ થાય ત્યારે ખુશી ની હદ ના હોય અને દુઃખી હોય ત્યારે દુઃખ ની ચરમસીમા વટાવી જાય. કેટલાય સમયથી તેની ટ્રીટમેન્ટ ચાલુ હહતી,
કંટાળી ગઈ હતી મારી મહેશ્વરી તેની આ બીમારીથી.
ગઈકાલે સવારે જ મને કહેતી હતી કે રાજન મને ક્યાંક ફરવા લઈ જા, એવી જગ્યાએ લઈ જા કે જ્યાં નિરવ શાંતિ હોય..
અને આજે રાત્રે તેણે લિથિયમનો ઓવરડોઝ લઈ હંમેશા માટે શાંતિ લઈ લીધી...... "

રાજનની આંખોમાં આંસુ અને ગળામાં ડૂમો બાઝી ગયા..

"આ લિથિયમ વળી શું છે..?"
જાડેજાએ ત્યાં ઉભેલા ડૉક્ટરને પૂછ્યું.

"બાય પોલર ડીસીઝ" ની ટ્રીટમેન્ટમાં મૂડને સ્ટેબલ કરવા માટે આ નામની દવા વપરાય છે..!"
પાછળથી ડોક્ટર નો અવાજ આવ્યો,

"અને પી.એમ. રિપોર્ટ કાલે આવી જશે એટલે બધો જ ખ્યાલ આવી જશે કે મૃત્યુનું કારણ શું છે..! "
જાડેજા એ રાજનની સામે જોઈને કહ્યું.

રાજનની ઉભો થયો, જાડેજાની જોડે જઈ,
તેમની આંખોમાં આંખો પરોવીને બોલ્યો,

"તમારી તમામ ફોર્માલિટી પૂરી થઈ ગઈ હોય તો હું મારી પત્નીને અંતિમવિધિ માટે ઘરે લઈ જઈ શકું..?"

"યસ મિસ્ટર ઑબરોય,
યુ કેન..! "
જાડેજા એ જવાબ આપ્યો..

જાડેજા અને નાથુ તો ક્યાંય સુધી રાજનને જતાં જોઈ રહ્યા ,

ઘટનાના થોડા સમય બાદ,
હોસ્પિટલની બહાર આવેલી ચા ની ટપરી પર,

"સાહેબ આ હાઈપ્રોફાઈલ મોણસોના બૈરા જ ચમ વડી આપઘાત કરતા હશે..?"
ચા ની ચૂસકી લેતાં લેતાં નાથુએ જાડેજાને સવાલ કર્યો.

ઇન્સ્પેક્ટર જાડેજાએ મૂછો પર તાવ દેતા કહ્યું,
"કારણ કે નાખ્યા તેમાંના મોટા ભાગના કેસ તો સ્યુસાઇડ હોતા જ નથી મર્ડરને સ્યુસાઇડ નું રૂપ આપવામાં આવે છે.
આ કેસમાં પણ મને આવી જ કંઈક ગંધ આવે છે,
પણ પુરાવા વગર જો આ લાટ સાહેબ નો કોલર પકડવા જઈશું તો કમિશનર સાહેબ આપણા જ કપડાં ઉતારી નાખશે..!"
જાડેજા અને નાખવું બંને હસવા લાગ્યા..

"કાલે આવવા દો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ..
ખબર પડી જશે કે આ કેસ કેટલી કરવટ બદલે છે..!"
જાડેજા બોલ્યા

બીજા દિવસે,
સવારે 10 વાગ્યે,

પી.એમ. રિપોર્ટ ટેબલ પર પડ્યો હોય છે,
જાડેજા ની આંખો તે આખો રિપોર્ટ વાંચી ચમકે છે.
નાથુ આ ચમકારાને ઓળખી ગયો.

"સાહેબ કંઈક મોટું જાણવા મળ્યું લાગે છે??"
નાથુથી બોલાઈ ગયું

"વાત એટલી મોટી છે કે હવે તો રાજનને પર્સનલી જ મળવું પડશે અને એે પણ વોરંટ વગર જઈશ તો પણ એ કંઈ બોલી જ નહીં શકે..!"
જાડેજા ના અવાજમાં રણકાર હતો.

થોડીક વારમાં તેઓ રાજનની ઑફિસમાં પહોંચ્યા,

"તમારા બોસને મળવું છે,
હશે ટાઈમ..? "
ઈન્સપેકટર જાડેજા એ રાજનની સેક્રેટરી ને પૂછ્યું.

"આવો ને સર, પ્લીઝ.. "
ઑફિસમાંથી બહાર નીકળી રાજન બોલ્યો.

"ચા લેશો કે કૉફી? "
રાજને બંનેને આવકારતા કહ્યું.

"તમે આલ્કોહોલ થોડું ઓછુ લેશો તો સારું નહીં રે?
આ આંખો તમારા વ્યસનની સાક્ષી પૂરે છે."
જાડેજા એ કહ્યું..

"અને વાત છે કંઈક લેવાની તો હું થોડુંક લિથિયયમ
લઈશ..! "
જાડેજા એ હસતા હસતા કહ્યું.

"મતલબ..?"
રાજને પૂછ્યું.

"લિથિયમ મળ્યું છે તમારી વાઇફની બોડીમાંથી વધારે માત્રામાં,
પણ એ હવે તેમણે જાતે લીધું કે કોઈએ એમને આપ્યું બસ એ જ કન્ફોર્મ કરવાનું છે..!
પણ,
શંકા ફક્ત એટલા માટે થાય છે કે મહેશ્વરી મેડમ બે મહિનાથી પ્રેગનેન્ટ હતા.
એક નવો જીવ આ દુનિયામાં આવવાનો હતો, એ ખુશીમાં લોકો પેંડા વહેંચે,
આપઘાત તો કોઈ ના જ કરે...!"
જાડેજા એ ઘટસ્ફોટ કર્યો.

રાજનના પગના તળિયે થી જમીન સરકી ગઇ,
"માહેશ્વરી પ્રેગ્નેટ હતી..??"
રાજને આઘાતની ભાવથી પૂછયું.

જાડેજાના આશ્ચર્યમાં વધારે ઉમેરો થયો, તેમણે પૂછયું,
"કેમ તમને નહોતી ખબર..?"

"ઇન્સ્પેક્ટર મને માહેશ્વરી આ વિશે કોઈ જ માહિતી આપી નથી..!"
રાજન બોલ્યો.

"કદાચ નવ મહિના પછ સરપ્રાઈઝ આલવાની હશે તમોન..! "
નાથિયાથી રહેવાયું નહીં ને તે બોલી પડ્યો.

ઇન્સ્પેક્ટર જાડેજાએ ત્રાંસી આંખે નાથિયા ની સામે જોઈને ચુપ રહેવા નો ઈશારો કર્યો..

"તમે ચિંતા માં કરો મિસ્ટર રાજન,
હવે તો આ સ્યુસાઇડ નહીં હોય તો ડબલ મર્ડર નો ચાર્જ લાગશે આ કેસમાં.
એક તમારી વાઈફની હત્યા અને બીજો એમના ગર્ભમાં ઉછરતા બાળકની હત્યાનો..!
ગુનેગાર જે પણ હોય તેને હું છોડીશ નહીં. "

આટલું કહી જાડેજા અને નાથુ ત્યાંથી નીકળી જાય છે...

ક્રમશઃ
ડૉ. હેરત ઉદાવત.