lithium - 3 books and stories free download online pdf in Gujarati

લિથિયમ - ૩ : વજ્રાઘાત

લિથિયમ
પ્રકરણ ૩ : "વજ્રાઘાત"

"..............સી.સી.ટી.વી.ફૂટેજ ચેક કરતા ખ્યાલ આવ્યો કે માહેશ્વરીની સાથે તે દિવસે રાજન ન હતો પણ બીજો કોઈ વ્યક્તિ હતો..

એને જોતાં જ રાજન મોટેથી બોલ્યો,
"આ તો મારો બિઝનેસ પાર્ટનર છે મલ્હાર....!
પણ તે માહેશ્વરી સાથે શું કરવા આવ્યો હતો આ ક્લિનિકમાં...?"

"હવે એનો જવાબ તો મલ્હાર જ આપી શક્શે..!"
ઇન્સ્પેક્ટર જાડેજા ધીરે રહીને બોલ્યા.

થોડા કલાકોમાં મલ્હારને ઇન્સ્પેક્ટર જાડેજાની સામે હાજર કરવામાં આવ્યો.

"અફેર કરવા માટે પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનરની પત્ની જ તને મળી હતી લ્યા..?"
જાડેજાએ તીખા સવાલો શરૂ કર્યા.

"મન ફાવે એમ ના બોલો ઇન્સ્પેક્ટર, પુરાવા વગર આવા આરોપ લગાવવામાં તમને શરમ આવી જોઇએ...!"
મલ્હારે પણ સામે જવાબ આપ્યો.

"બેટા હું શરમ છોડીશ તો તું વાત કરવાને પણ લાયક નહીં રહે,
શું કરવા ગયો તો ડોક્ટર સીમા ને ત્યાં માહેશ્વરીની સાથે?
તારા અને મહેશ્વરીના વ્યભિચાર (અફેર)નો જે પુરાવો ઉભો થયો હતો તેનું અબોર્શન કરાવા માટે જ ને..?"
જાડેજાએ કડકાઈથી પૂછયું.

"પ્લીઝ ઇન્સ્પેક્ટર,
માહેશ્વરી મારી ફ્રેન્ડ હતી.
તેના હસબન્ડ રાજનની દારૂ પીવાની આદતથી ત્રાસી ગઈ હતી,
અને તેને બાયપોલર ડિસઓર્ડર થવાનું એક કારણ રાજનની આ આદત જ હતી.
માહેશ્વરી ના દરેક કામમાં હું તેની સાથે જ જતો.
તે દિવસે પણ મને પહેલી વાર જ ખબર પડી કે મહેશ્વરી પ્રેગનેન્ટ છે.
મે મહેશ્વરી ને સમજાવ્યું હતું અબોર્શન ના કરવા માટે, ત્યારે તે માની પણ ગઈ હતી કે તે અબોર્શન નહીં કરાવે પણ બે દિવસમાં તેના સ્યુસાઈડના ન્યુઝ મળ્યા.
અને જ્યારે માહેશ્વરીએ સ્યુસાઇડ કર્યું ત્યારે હું મારી પત્નીના સાથે ઘરે જ હતો.
સમાચાર મળતાની સાથે જ હોસ્પિટલ તરફ આવવા નીકળ્યો, પણ મારી હિંમત જ ન હતી માહેશ્વરીને તેની અંતિમ દશામાં જોઈ શકવાની.
આખી રાત એ એસજી હાઈવે પરની હોસ્પિટલના સામેના સર્વિસ રોડ પર જ હું ઉભો રહ્યો હતો.
ત્યાં રાત્રે તાપણું કરતા મજૂરો જોડે તમે તપાસ કરાવી શકો છો.
મારો કોઈ વાંક નથી સર.
માહેશ્વરી ફક્ત મારી ફ્રેન્ડ હતી. મારું કોઈ જ તેની સાથે અફેર ન હતું...!"
એટલું કહીને મલ્હાર રડવા લાગે છે.

"મલ્હાર,
આ રડવાનું બંધ કરો અને પાણી પી લો.
તમે જોઈ શકો છો, પણ જ્યારે જરૂર પડે ત્યારે તપાસમાં સહકાર આપવા તમારે આવવું પડશે..!"
જાડેજા એ મલ્હારને જવાનો ઈશારો કર્યો.

"સાહેબ,
આ કોકડું તો ગૂંચવાયે જાય છ. આ રાજન કો તો આ મલ્હાર્યો, બે મોથી કોઈ એક આપણ ન ગોથે ચડાઈ રહ્યું છ...! "
નાથુ એ માથું ખંજવાળતા કહ્યું

"પણ એમને ખબર નથી કે આપણે એમના બાપ છીએ,
ક્યાં સુધી વાતો બનાવશે?
હાલો, વારો કાઢો બધાનો.
સૌથી પહેલા ઓલાની ઘરવાળી ને બોલાવો..!"
જાડેજા એ નાથુ ને હુકમ કર્યો.

"ઘરવાળી?? એ તો ચમની બોલાવું?
બાપુ એ તો મરી જઈ ને...!"
નાથિયા એ બાફ્યું

" અલ્યા, બુદ્ધિના હજામ,
મલ્હાર ની બાયડી ને બોલાવ..
એના પછી રાજન ને બોલાવ અને રાજનના બંગલામાં કામ કરતા ચોકીદારને અને ઘરઘાટીને પણ બોલાવી લે..
ઘરઘાટી અને ચોકીદારને માલિકના અફેર ની બધી જ માહિતી હોય..!"
અકળાયેલા ઈન્સપેક્ટર જાડેજા એ કહ્યું.

રાજન સૌથી પહેલા સ્ટેટમેન્ટ આપવા આવ્યો.
મલ્હારે કીધેલી બધી જ વાત જાડેજાએ રાજનને જણાવી.

"મલ્હારના માહેશ્વરી સાથે આડા સંબંધો હોઈ જ ના શકે.
એક મિત્ર પહેલા એ મારા ભાઈ જેવો હતો અને માહેશ્વરી નો તે સાચો મિત્ર હતો.
મલ્હારની વાત સાચી છે,
દારૂના નશાના લીધે મેં ક્યારેય મહેશ્વરીને સમય જ ના આપ્યો અને નાછૂટકે તેણે આ પગલું ભર્યું.
મેં તો માહેશ્વરીની સાથે મારા આવનારા અંશને પણ ખોઈ નાખ્યો..! "
રાજને દુઃખ સાથે જવાબ આપ્યો.

"તમે જઈ શકો છો રાજન..! "
જાડેજા બરાબરના અકળાયા હતા.
બધા દૂધથી ધોયેલા હોય એમ ડોળ કરતાં હોય એવું તેમને લાગ્યું.

ત્યારબાદ મલ્હારની પત્ની કવિતાને તપાસ માટે બોલાવવામાં આવી.

જાડેજાએ સીધો સવાલ કર્યો,

"અમને અમારી તપાસના એવું લાગે છે કે તમારા પતિના મિસ્ટર રાજનની પત્ની માહેશ્વરી સાથે લગ્ન બહેતર સંબંધો હતા.
તમારું શું માનવું છે..?"

"હા, સર હતા જ.
તમારી સામે જૂઠું નહીં બોલુ,
કેટલીય વાર મલ્હાર અને માહેશ્વરીને રંગે હાથે કામાગ્નિમાં ડૂબેલા મેં જોયેલા છે.
અરે હું શું,
રાજનના ચોકીદાર અને ઘરઘાટીને પણ પૂછી જુઓ, મલ્હાર અને માહેશ્વરી ની કામક્રીડા તેમણે પણ નિહાળી જ છે."
કવિતા એ ઘટસ્ફોટ કરતાં કહ્યું.
જાડેજાને આટલા સચોટ જવાબની અપેક્ષા જ ન હતી.

ઘરઘાટી અને ચોકીદારના સ્ટેટમેન્ટ પણ કવિતાના સ્ટેટમેન્ટ સાથે જ મળ્યા હતા..

જાડેજા એ તાગ લગાવતા કહ્યું,
"૨ શક્યતાઓ છે નાથુ,
મલ્હારના માહેશ્વરી સાથેના આ સંબંધો બહાર ન આવે એટલા માટે મલ્હારે જ પ્લાન કર્યો હશે અા લિથિયમની ગોળીઓ માહેશ્વરીને વધારે માત્રામાં ખવડાવીને કેસને સ્યૂસાઈડનુ રૂપ આપવાનો
અથવા તો આ સ્યૂસાઈડ માહેશ્વરી એ જ કર્યું હશે, કારણ કે જો તેના અને મલ્હારના સંબંધો બહાર આવે તો ઑબરૉય ઇન્ડસ્ટ્રી માટે કલંક સાબિત થાય."

"હાચી વાત છે સાહેબ..! "
નાથુ એ હકારમાં માથું હલાવ્યું.

"તો નાથુ, માથું હલાવ્યા કરતાં જલદી મલ્હારને કસ્ટડીમાં લો,
સાચું કેમ કઢાવવું એની બધી રીતો મને આવડે છે.! "
જાડેજાએ હુકમ કર્યો.

નાથુ હુકમ બજાવવા તરત નીકળ્યો ત્યાં જાડેજાના ફોનની ઘંટડી વાગી,

"સર, હું મલ્હાર બોલું છું,
મને મહેશ્વરીના મ્રુત્યુ વિશે ચોક્કસ પુરાવા મળ્યા છે. મારે તમને હાલ ને હાલ મળવું છે,
જલ્દી મળવા આવો.....!"
આટલું બોલતા બોલતા માં તો ફોન કટ થઈ જાય છે..

જાડેજા ઝડપથી નાથુને ફોન કરે છે,
"નાથ્યા,
એક નંબર તને મોકલું છું.
જલ્દી તપાસ કરાવ કે ફોનનું લોકેશન ક્યાં છે..!"

થોડીકવાર પછી,
નાથ્યો ભાગતા ભાગતા આવે છે,
"સાહેબ ગજબ થઈ જ્યું
મલ્હારની કારનો એક્સિડન્ટ થ્યો અન મલ્હાર ત્યો ને ત્યોં જ દેવલોક પામ્યો....!"

જાડેજાને ૪૪૦ વોટનો જાણે ઝટકો લાગ્યો.
જેના પર શંકા હતી તેનું જ આવુ મ્રુત્યુ...??? "

ક્રમશઃ
ડૉ. હેરત ઉદાવત.