surilo samvad books and stories free download online pdf in Gujarati

સુરીલો સંવાદ


"રમત માંડ તું શબ્દોની,
લાગણીની કુકરી હું લઈને ઊભી છું."

"શબ્દોની રમત માંડુ છું,
લાગણીની ચોપાટ માંડુ છું."

"હમણાં રાહ જોવાની છોડી દીધી હતી
કોઈ પોતાનામાં વ્યસ્ત હતા તો કોઈ મસ્તીમાં મસ્ત"

"એક વાર બોલાવો તો ખરા,
દોડી ને આવું...."

"હવે મેં વાયદો આપવા નું છોડી દીધું ..
આશા પણ જવાબ માંગે છે.....પ્રતીક્ષા નો.."

"આશા તો પારકાની હોય;
પોતાના હોય ને ત્યાં વિશ્વાસે બધું હોય છે.....
પછી જવાબ ના આપવો પડે પ્રતિક્ષા ને."

"પ્રતીક્ષા તો એ જ કરે જેને આશા હોય,
વાયદો પણ એ જ તોડે જેને કોઈ કારણ હોઈ.."

"વાયદો તોડવાનું કારણ પણ એનું જોરદાર હતું..
એને જોવું હતું કે સહનશીલતા કેટલી છે?"

"સહનશીલતાની તો વાત જ જવા દો,
તમે મારી સહનશીલતા સહન નહિ કરી શકો.
સસ્નેહ પાળી છે મે.."

"મૌનના શબ્દો વધુ સમજ્યા છે મેં ..
શબ્દ વાંચવામાં થોડું કાચું સરવૈયુ છે."

"શબ્દોની રમત તો લોકો કરે,
આપણે તો એને પ્રેમ કરીએ,
ને પ્રેમ કરો એ ક્યાં આઘા હોય?"

"શબ્દો નહિ લાગણીઓ લખું છું,
પણ પ્રેમને સમજાવવા મૌન રહુ છું."

"મૌનને સમજવા કોઈ પોતાનું જોઈએ..
લોકો ઘણીવાર શાયરી સમજી ઈર્શાદ જ કરે છે."

"દિલમાં વસીને લાગણીનાં વ્યસની બનાવી ગયા.
રોજ ક્યાંથી લાવીશ!આટલી કીમતી છે એ.."

"એતો કયારેય ના ખૂટે એટલી રાખી છે.
તમે જ એની નીવ નાખી છે."

"એ હાસ્ય પણ એવું હતું કે ......
જેમાં ના તો ઈઝહાર દેખાયો ના તો ઇનકાર."

"વાત તો ત્યાંજ અટકેલી...
હું ત્યાંજ અટકું ઇજહાર સમજીને,
કેમ ચાલતી પકડું ઇન્કાર સમજી ને"

"શાયરીમાં નામ એમનું ન હતું પણ,
ઈઝહાર એનો જ હતો,
અને
ઇન્તેઝાર પણ એમની વાહ!નો જ હતો."

"વાહ!તો એ બોલ્યા મારી લેખની પર,
મૂંગું હસ્યાં પણ ખરા....
પણ શા માટે ?એ આજ સુધી સમજાણું નથી."

"કેદ તો થવું છે એમની વાતોમાં એવું કે...
વાત એ કરે પણ,શબ્દો મારા નીકળે.."

"નીંવની મજબૂતી પર ભરોસો રાખી ચડ્યા છીએ,
હવે અમે પડીએ નહિ એની જવાબદારી તમારી."

" નીંવ તો અમે નાખી દીધી.. , ચણતર પણ થઈ ગયું ..
એને પછી એ કેદ લાગી તો હું શું કરુ?"

"નયનોની ભાષા સમજી શકે એટલા તો સમજદાર હતા, ખબર નહિ આજે બોલેલા શબ્દો પણ કેમ ના સમજાયા."

" ન બોલવાની આદત છે.છતાં,
નયનોમાં બઘું આર-પાર દેખાય એવું કે
સમજી શકો."

"ઈનકાર એમનો એવો હતો જાણે,
ભૂલ અમારી હતી પણ,
ને તોયે આંખોની વાતતો કંઈક અલગ જ હતી."

"હજીયે ખૂટે છે કંઈક એમાં,
નહિ તો શબ્દોમાં અલગતા ના હોય.
બોલ્યા વિના સમજતાં એ આજ
મારા બોલવા પર મૌન થઈ ગયા."

"ઉતાવળમાં એ ભૂલી ગયા મને;
હવે કેમ યાદ કરાવું હુ ખુદ ને!?"

"બોલનારા મૌન થઈ જાય ત્યારે,
સમજવું કે તમે જીતી ગયા.
અને
બોલાવનાર મૌન થઈ જાય ત્યારે,
સમજવું તમે હારી ગયા."

"મૌન એ સમજવા તૈયાર બેઠાતા,
કદાચ ઉતાવળ મેં કરી શબ્દો બોલીને.."

"વિશ્વાસ અને પ્રેમની હોળી લઈ,
દરિયે ઉતર્યા હતા.
એક મોજું આવ્યું ને બંનેને ડુબાડી ગયું."

"ભુલાઈ શકુ એવી શકશીયત હું નથી
યાદ ખુદને જ દેવડાવી પડે એટલી..
હું ખુદને ભુલાઈ નથી."

"લાગણી વહેશે સાદા વિશ્વાસની,પ્રેમની,
જરૂર જેને પડે
હાહુત છે ડૂબકી લગાવી લો.."

"એ હોડી તો આજ પણ તરે છે.
કદાચ,
મારી પકડ કાચી પડી એને પકડવામાં..."

"એકબીજાનાં લાગણી પ્રવાહમાં રહેશુ,
જવાબદારીની કોઈ જરૂર જ નહિ રહે."

"ભુલાય ક્યાંથી એ મીઠી યાદો ને વાતો,
લાગણીની ચાસણી જો હાથે ભેળવી હતી."

"એ ચાસણી ભેળવતા એમને જે શીખવેલું,
જે કહેતા...
યાદો તમારી તમારા કરતા પણ વધુ મીઠી છે."

"સપનાઓ એ રોજ જોવે છે,
પછી ફરિયાદ કરે છે!
કેમ ઊંધ નો'તી આવી તારી યાદમાં?"

"લાગણીની કિંમત લગાડવા બેઠા છે..
યાદોના ભાવથી,
કિંમત કોની કરું પહેલા?
હવે એ ગડમથલ છે."

કદી નહિ ભુલાય આ થોડો સંબંધ છે ખાલી,
લાગણીની ભરપૂર મીઠાશ સીંચી છે...

"યાદો સાથે જીવાતું નથી,
એમાં પણ લાગણી હોવી જોઈએ.
સપના એકલા જોવાતા નથી,
એમાં પણ ઊંઘ હોવી જોઈએ."

"યાદ તો એમને પણ હતી હું,
પણ ,
હવે યાદ કરવાની હિંમત ના હતી."

"જે યાદ પહેલેથી હોય એને યાદ ના કરાય,
દિલમાં હોય એને તડીપાર ના કરાય."

"દરવાજા બંધ કરી શકાય તેવી જ કેદ પસંદ કરી છે.
જયાં આવ્યા પછી જવાનો કોઈને અધિકાર નથી."

"અધિકાર છે પૂરો તું જતાવવા નું શરૂ તો કર,
હાલ ના પૂછું તો સામેથી કોઈ વાત તો કર!.."

"વાતો કરતા કરતા એ યાદો બનાવી ગયા,
કુમળી કળીને એ ફૂલની જેમ ખીલવી ગયા."

"હજી સુગંઘી અત્તર બનાવાની ચાહ છે.
ભલે થોડું પીસાવું પડે.."

"પીસીને એ અતર બનાવે ને
પછી એ પોતે લગાડે તો,
એ અત્તર બનવું છે મારે."

"અત્તરની સુગંધ થઈ મહેકાવીશ હું સહુ ને,
હોઠોની એ લાલી થઈ હાસ્ય બનીશ ચેહરે."

"એ સૂતા હતા સપનાં જોવા,
અમે જાગતા હતા એમને જોવા."

"તમે એમ જાગતા રહ્યા એટલે જ,
સપનામાં મળાયું નહીં.
મારી સાથે તમેય સુઈ જાઓ સપનામાં મળવું છે.."

"એ અધિકારીને હું એટલો અધિકાર આપું છું.
કેદ માં મને પુરી છે તો,
રોજ પ્રેમનું જમણ આપવું પડશે."

"તમે મળ્યા એ દિવસે સપનું સામે દેખાયું,
અને તમે કહો છો કે ફરી સૂઈ જઈએ?"

"સપના પુરા કરવા જાગવું પડે છે,
છતાં, ઊંઘ એ પણ અણમોલ હોય છે."

"આવા શબ્દો તમારા મુખે ..?
તમે તો ઊંઘને હથિયાર બતાવનાર
ક્યાંથી આવી મૈત્રી કરી?"

"સુવાની તો કોઈ દૂર દૂર સુધી ચાહ નથી.
જો તમે આમ જ શબ્દોથી મનને મનાવ્યા કરો."

"મનાવવા તો હું ખુબ રાજી છું,
દરવાજે ટકોર પડે છે તેથી,
થોડા વાયદે અટકું છું."

"સપના પુરા થયા પછી જોવાની મજા અલગ હોય છે,
ને એને માણવાની મજા પણ અલગ જ હોય છે."

"આ વાતોને કોઈ પૂર્ણવિરામ તો નથી પણ,
આજે અલ્પવિરામ આપું છુ.
સપના જોઈ પુરા કરવા,
નિંદરની ગોદમાં હવે છલાંગ મારું છું."

"સૂવાની ચાહ પણ એટલે કે,નવા સપના જોઈ શકું.
મળવાની ચાહ પણ એટલે કે..,
તમને ફરી આંખમાં ભરી શકું."

"ના હવે નીંદરના દેશ હજી ખુલ્લાં જોયા છે,
કેમ કરી સપના ઉઘાડશે એ ખુલ્લી આંખે."

"કાશ કોઈ દરવાજે ઉંબર ના હોત,
આપણા વચ્ચે આ અંતર પણ ના હોત."

"તમારી લાગણીને છોડીને કોઈ ક્ષણ અટકાવવી..!
મારાથી ના બનત ,
સારું થયું તમે જ એને કિનારાે આપી દીધો."

"કિનારાના પણ કેવા નસીબ!
પાણી આવે છે ને થોડું થોડું સાથે લઈ જાય છે."

"અચાનક ધ્યાન ગયું ઘડિયાળ માં તો....!
સમય ક્યાં ગયો તો એ ખબર જ ના પડી,
શું શબ્દોની તાકાત!"

"ખબર ક્યાંથી પડે?
એ કાંટા ફરે ને,
અહીંયા ફૂલો ઝરે."

"રાહી થયાં તો રાહ નીરખવી પડે
વ્યસ્ત હોય તમને મસ્તીમાં બોળી
મસ્ત હોય ખુશીયો મારામાં ધોળી
પાછા રાહે બોલાવવા પડે."

"આપની આવી વાતોથી લાગે છે આંખો ઘેરાઈ છે,
લાગણી નહિ માત્ર શબ્દો ખૂટ્યા છે."

"શબ્દો નથી ખૂટ્યા,
નથી ખૂટી લાગણી .
હવે સમય બોલાવે,
એક સફર છે ત્યાં સુધી..."

"લાગણી એટલે જેને
કોઈ બંધન હોતું નથી
પરંતુ..
માણસ જ્યાં ખુદ
બંધાઈ જાય છે...."

"બંધન અને મુકિત ખાલી શરીરી,
આત્માને કોઈ અલગતા હોતી નથી.
તેથી નયન જુએ સપનાઓ ક્ષણિક,
બાકી મનથી કોઈ અલગતા હોતી નથી."

- ડૉ.સરિતા (માનસ)