સફરનામા
________
જીવવા માટે જીંદગીની હર પળ મળે..
એ માટે..
ભલે ચિંતાની આગમાં મારી રુહ બળે..
જીંદગીની સફર ભલે ગમે તે બાજુ ઢળે..
પણ હે જીંદગી તારા પથમાં થાકી જાઉં તો.!
તારી સફરમાં પણ મને એક હમસફર મળે..
**********************************
સાંજ ઢળી રહી હતી. સૂર્યનારાયણ પણ ધરતી પરથી આજના દિવસનું પોતાનું અસ્તિત્વ ભૂંસીને પશ્ચિમમાં ડૂબકી લગાવવાની તૈયારી કરી રહ્યા હતા. આકાશમાં પ્રસરેલી રાતાશ પ્રતીત કરાવી રહી હતી કે સૂર્ય આજે પોતાનો સમગ્ર ગુસ્સો ઠાલવીને આથમી રહ્યો હતો.
ધરતી પર વસવાટ કરતા જીવોનું તો શું હતું. બસ બધા પોત પોતાની જીંદગીમાં વ્યસ્ત હતા. માનવો પોત પોતાના કામમાં..
પંખીઓ પોતાના બચ્ચાઓને મળવાની ઉતાવમાં માળા તરફ જઈ રહ્યા હતા. જીંદગી બધાની વ્યસ્ત જ હતી.
શહેરના છેવાડે આવેલા એક એક કચરાના ઢગલા ઉપર એક બાળક બેઠો બેઠો પશ્ચિમમાં ડૂબી રહેલા સૂર્યને એકી નજરે નિહાળી રહ્યો હતો.
ચીમળાઈ ગયેલું બાળપણ , ભૂખ અને મુશ્કેલીઓનો સામનો કરીને ત્રસ્ત બનેલો એનો ચહેરો , પાંચેક વર્ષનો થયો ત્યારથી જ માતા પિતા ખોઈ ચુકેલો આ બાળક આજે સાત આઠ વર્ષનો થઈ ગયો હતો. એ બસ આખોદિવસ આમથી તેમ ભટકતો રહેતો. કોઈ ખાવાનું આપે તો ખાઈ લેતો. ક્યારેક ખાવાનું ના મળે તો કચરાના ઢગલામાંથી પણ બટકું રોટલી શોધી પેટમાં ઉઠી રહેલી જઠરાગ્નિને શાંત કરી લેતો.
શહેરના છેવાડે એક પુરાણું દેવળ હતું. વરસાદની ઋતુમાં એ દેવળ આ બાળક માટે આશ્રયસ્થાન બની રહેતું. ઉનાળામાં તો એ ગમે ત્યાં પડ્યો રહેતો. શિયાળામાં દેવળની બાજુમાં આવેલા સ્મશાનમાં ગલૂડિયાંઓ સાથે દોસ્તી કરીને સ્મશાનની રાખમાં પોતાના શરીરને ઠંડી સામે હૂંફ આપતો.
આજે એ મૂક બનીને આ સૂર્યને નિહાળી રહ્યો હતો એના મનમાં અનેક નવા વિચારો જન્મી રહ્યા હતા. નાની ઉંમર હતી છતાં કડવા અનુભવોના કારણે એની સમજદારી ખુબ જ વિકસી ગઈ હતી. એ કચરાના ઢગલા ઉપરથી ઉભો થયો અને દેવળ તરફ ચાલ્યો. એ દેવળમાં આ બાળક સિવાય કોઈ આવતું નહોતું. એટલે આ બાળક એ દેવળને પોતાનું ઘર સમજીને આ દેવળમાં ક્યાંકથી મળેલી કે કોઈકે એને આપેલી વસ્તુઓ સાચવી રાખતો.
એણે દેવળમાં આવીને સાચવી રાખેલા કપડાં પહેર્યા. જોકે કપડાં થોડાંક જુના હતા પણ આ બાળક માટે તો એ નવા જ હતા.એણે એ કપડાં પહેર્યા થોડીક બીજી વસ્તુઓનું પોટલું બાંધ્યું અને પછી એ શહેરથી બહાર જતા રસ્તા ઉપર ચાલવા લાગ્યો.
શહેરની બહાર નદીનો સૂકો પટ પથરાયેલો હતો. ચોમાસાની ઋતુમાં આ નદીમાં પાણી આવતું. બાકી શિયાળા અને ઉનાળા દરમિયાન આ નદી સૂકો પટ બની જતી. બાળક નદીના સૂકા પટમાં ચાલવા લાગ્યો. શિયાળા શરૂઆત હતી એટલે ઠંડી આ બાળકના ગાત્રો ધ્રુજાવી રહી હતી પણ આ બાળક પણ કોઈ અડગ મનનો મુસાફિર હોય એવી રીતે આ નદીના સૂકા પટમાં આગળ વધ્યે જતો હતો.
સાંજ હવે રાતમાં પરિણમી ચુકી હતી. ચંદ્રની ચાંદનીનો આછો ઉજાસ ધરતી પર રેલાઈ રહ્યો હતો. લગભગ અડધી રાત સુધી ચાલ્યો ત્યારે આ બાળક નદીનો પટ પાર કરીને કોઈક ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ્યો. ચાલી ચાલીને થાકથી લોથપોથ થઈ ગયો હતો એટલે એણે એક મકાનના ઓટલા પાસે લંબાવ્યું અને ઘસઘસાટ ઊંઘી ગયો.
સવારે એને કોઈકે ઢંઢોળ્યો ત્યારે એ ઉઠ્યો. એણે આજુબાજુ જોયું તો એક બુઢ્ઢો માણસ એની સામે વહાલભરી નજરે જોઈ રહ્યો હતો. એ બાળક પણ એ બુઢ્ઢા આદમી સામે જોઈને થોડુંક હસ્યો પછી ઓટલા ઉપર પડેલું પોતાનું પોટલું લઈને ઉભો થયો.
"કોણ છે બેટા તું..? અને અહીંયા ક્યાંથી આવ્યો..? મેં તને પહેલા ક્યારેય આ વિસ્તારમાં તો જોયો નથી..! વૃદ્વ માણસે બાળકને વહાલથી પૂછ્યું.
બાળકને કંઈ સમજાયું નહીં એટલે એ ડરભરી નજરે એ વૃદ્વ ચહેરા સામે તાકી રહ્યો.
"બેટા તારા માતા-પિતા કોણ છે..? પેલા વૃદ્ધે નજીક આવીને બાળકના ખભા ઉપર વ્હાલથી હાથ મૂકતા કહ્યું.
"નથી..' બાળક માંડ આટલું જ બોલી શક્યો અને પછી રડી પડ્યો.
"અરે.. બેટા રડીશ નહીં ચાલ મારી સાથે..' વૃદ્ધે એ બાળકનો હાથ પકડીને કહ્યું અને પછી બન્ને ચાલવા લાગ્યા.
વૃદ્વ એ બાળકને લઈને ગામના છેવાડે આવેલા એક નાનકડા મકાનમાં પ્રવેશ્યો.
(ક્રમશ)