Jivan Aek Sangharsh - 2 books and stories free download online pdf in Gujarati

જીવન - એક સંઘર્ષ... - 2

" જીવન- એક સંઘર્ષ..." પ્રકરણ-2

આપણે ગયા પ્રકરણમાં જોયું કે મનોહરભાઇના મિત્ર વિપુલભાઈએ નિરાલી માટે એક ખૂબજ પૈસાવાળા ઘરનો દિકરો બતાવ્યો હતો...હવે આગળ....

છોકરાવાળા મનોહરભાઇના ઘરે નિરાલીને જોવા માટે આવ્યા તેમને નિરાલી થોડી શ્યામ હોવાને લીધે ન ગમી અને તેને બદલે આશ્કા ખૂબજ રૂપાળી હતી તેથી ગમી ગઈ. તેમણે મનોહરભાઇના મિત્ર વિપુલભાઈ જોડે ચોખ્ખું કહેવડાવ્યું કે, " અમારા સમીર સાથે નાની દીકરી આશ્કાનું સગપણ કરવું હોય તો અમે તૈયાર છીએ. "

રમાબેને મનોહરભાઇને સમજાવ્યા કે, " આટલા બધા રૂપિયાવાળા ઘરનું માંગું જતું કરવા જેવું નથી. અને છોકરો એકનોએક છે, તેની એક બેન લંડનમાં સેટલ છે, છોકરાની પણ ફાઇલ મૂકેલી છે. આપણી આશ્કા થોડાક જ સમયમાં લંડન પહોંચી જશે અને તેનું જીવન સુખમય જશે. બંનેમાંથી જે દીકરીનું પહેલા મળે તેનું નક્કી કરવામાં કંઇ વાંધો નથી. "

મનહરભાઇને પણ રમાબેનની વાત વ્યાજબી લાગી. આશ્કાનું સમીર સાથે સગપણ નક્કી કરી દેવામાં આવ્યું. હવે છોકરાવાળાને લગ્નની ખૂબ ઉતાવળ હતી એટલે આશ્કાની થર્ડ ઇયરની એક્ઝામ પૂરી થઇ પછી તરત જ બંનેના ધામ-ધૂમથી લગ્ન પણ લેવાઇ ગયા.

આશ્કાનું સાસરું પોતાના પિયરથી ઘણું દૂર હતું.
મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બરસી નામના ગામમાં
તેનું સાસરું હતું. ગામથી થોડે દૂર આશ્કાનું ઘર હતું, જબરજસ્ત વિશાળ એરિયામાં તેનો બંગલો બનાવેલો હતો. ગામવાળા જોડે તે લોકોને કોઈ સંપર્ક જ ન હતો. બંગલાની ફરતે ચારેય બાજુ ઊંચી ઊંચી દિવાલો ચણેલી હતી. લોખંડનો એક જબરજસ્ત મોટો ગેટ હતો. જે દિવસમાં બે કે ત્રણ જ વાર ખૂલતો...ઘરના કેમ્પસમાં સાત ગાડીઓ પાર્ક કરેલી રહેતી..પણ ક્યાંય બહાર જવાનું થતું નહિ. ઘરમાં નોકર પણ હતો પણ આશ્કાને નોકર સાથે વાત કરવાની પણ છૂટ ન હતી. આશ્કાને અહીં પરણીને આવ્યે એક મહિનો થઇ ગયો હતો પણ તેણે બંગલાના ગેટની બહાર પગ પણ મૂક્યો ન હતો કે ગેટની બહાર શું છે તેની પણ તેને ખબર ન હતી.

આશ્કાના સાસરે ગયા પછી થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ પછી તેને પોતાના સાસરપક્ષની બધી હકીકત ખબર પડી કે ખૂબજ પૈસાવાળાને ઘરે તે પરણીને આવી હતી પણ પોતાના પર્સનલ જીવનનું સુખ તે ખોઇ બેઠી હતી.

કદાચ ક્યાંક જવાનું થાય તો આશ્કાના સાસુ તેની સાથે હોય, ડ્રાઈવર ગાડી ચલાવી લે અને ગાડીના કાચ બંધ રાખીને જ જવાનું અને એજ પરિસ્થિતિમાં પાછું આવવાનું. તેના સાસુનો સ્વભાવ ખૂબજ ખરાબ, પતિ સમીર સાથે તો તેને ક્યાંય ઘરની બહાર નીકળવાનું જ નહીં. સમીર પોતાની મમ્મી ભગવતીબેનને પૂછ્યા વગર પાણી પણ પી શકે નહીં એટલી બધી તેમની સમીર ઉપર ધાક, ભગવતીબેન " બેસ " કહે તો સમીરને બેસી જવું પડે અને " ઉભો થા " કહે તો સમીરને ઉભા થઇ જવું પડે. ભગવતીબેન એક બૂમ પાડે અને સમીર ફફડી જતો.

આશ્કાના પપ્પાનો ફોન બે-ત્રણ દિવસે એક વાર આવતો પણ એ વખતે મોબાઇલ ફોન તો હતા જ નહિ એટલે લેન્ડલાઈન ફોનમાંથી વાત કરવી પડે અને ડ્રોઇંગરૂમમાં બધાની હાજરીમાં જ વાત કરવી પડે એટલે મમ્મી-પપ્પા કે બહેન નિરાલીને કંઇ વાત કરી શકે નહિ.

થોડા સમય પછી આશ્કાની તબિયત બગડી તેને વોમિટ અને ચક્કર એવું આવવા લાગ્યું. ભગવતીબેન તેને ડૉક્ટર પાસે લઇ ગયા તો ડૉક્ટરે જણાવ્યું કે, " સી ઇઝ પ્રેગનન્ટ. " એટલે ભગવતીબેન ભડક્યા અને સમીરને ચડાવ્યો કે આ તારું બાળક છે જ નહિ.

આશ્કાની તબિયત વધારે ને વધારે બગડતી ગઈ. પ્રેગનન્ટ હોવા છતાં આખો દિવસ તેને ઢોરની જેમ કામ કર્યા કરવું પડતું. અત્યાર સુધી તો તેણે બધું જ સહન કર્યું પણ હવે પ્રેગ્નન્સી પિરિયડમાં તેનાથી આ બધું સહન થતું નહિ અને કહેવું પણ કોને...?? હવે સમીરને પણ તેની સાથે વાત કરવાની છૂટ ન હતી. ભગવતીબેન સમીરને આશ્કાની સાથે હવે સૂઇ જવા પણ દેતા નહિ. હવે આશ્કાની તબિયત ખૂબ લથડી ગઇ હતી.

ભગવતીબેને સમીરને કહ્યું કે, " આશ્કાને તેના પપ્પાને ત્યાં મૂકીને આવ. " એટલે સમીર આશ્કાને તેના પપ્પાને ત્યાં મૂકીને ચાલ્યો ગયો...
આશ્કા પોતાના મમ્મી-પપ્પાને પોતાની પરિસ્થિતિની જાણ કરે છે કે નહિ....વાંચો આગળના પ્રકરણમાં....