shodh ek rahshymay safar sapanathi sachchaini - 3 books and stories free download online pdf in Gujarati

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 3

અનીતા બાથરૂમની બહાર આવે છે ત્યાંરે રશ્મિ ત્યાંં ઊભેલી હોતી નથી, તે આમ તેમ જોવે છે ત્યાંંજ રશ્મિ સામેથી સંતોષ સરની ઓફિસ બાજુથી આવતી દેખાય છે.

“અરે રશ્મિ, તું ક્યાં ચાલી ગઈ હતી?, સંતોષ સરનું કઈ કામ હતું?”

“ના, હું તો તેમની ઓફિસની બહાર ઊભી હતી, ઇન્સ્પેક્ટર, સંતોષ સરને માહિતી આપી રહ્યા હતા એ સાંભળતી હતી. “

“તું આમ અધીરી થઈશ નહીં, પોલીસ તેનું કામ કરી રહી છે”

“હા હું એજ સાંભળવા ગઈ હતી કે પોલિસ શું કામ કરી રહી છે, ઇન્સ્પેક્ટર ગુપ્તા ખૂબ જ હોશિયાર લાગે છે એમણે પ્રાથમિક તપાસ માં જ ઘણું બધુ જાણી લીધું છે. “

“ચાલ, હવે હોસ્ટેલ કેન્ટીન માં જઈએ, મને બહુ જ ભૂખ લાગી છે. ત્યાંં જઈને જમીને રૂમ માં જઈને મને બધુ કહેજે શું વાત થઈ?, એમ પણ આજે સ્કૂલ માં અડધો દિવસ છે એટલે આપણને ખૂબ સમય મળી રહેશે.

***

અનીતા અને રશ્મિ કેન્ટીનમાં જમીને એમના રૂમમાં કપડાં બદલીને ફ્રેશ થઈ ને પલંગ પર આરામ કરે છે.

“હા હવે મને કહે તું શું શાંભળીને આવી?”

“રશ્મિ અનીતાને તેણે ઇન્સ્પેક્ટર અને સર સાથે જે વાતો થઈ હતી તે કહે છે.”

રશ્મિની વાત સાંભળી અનીતા કહે છે, “હા યાર તારી વાત પરથી તો લાગે છે કે ઇન્સ્પેક્ટર ગુપ્તા જલ્દી ખૂનીને પકડી લેશે. “ચાલ હવે થોડીવાર આરામ કરી લઈએ.

“રશ્મિ ફરી વખત એ જ “માતૃસદન”નામના ઘરમાં હતી. એજ સોફા, એજ ટીવી, એજ બાકીનું ઘરનું રાચરચીલું બધુ એમનું એમ જ હતું, બસ આ વખતે તેને પહેલાની જેમ બધુ ધૂંધળું નહોતું દેખાતું. તે સ્પષ્ટ જોઈ શકતી હતી. તેની જોડે બેઠેલી સ્ત્રી તેને પ્રેમથી રમાડતી અને ખવડાવતી હતી. આજે તે પહેલી વખત તેનો ચેહરો જુવે છે, તેના ચહેરા પર પોતાના માટે અપાર પ્રેમ દેખાય છે. તેણે ગુલાબી સલવાર પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સોહામણી લાગી રહી હતી. તેના વાળ પણ રશ્મિની જેમ કોકડું વળી જતાં હતા. રશ્મિ ખૂબ જ ખૂશ દેખાતી હતી. ટીવી પર કોઈ કાર્ટૂન ચેનલ ચાલુ હતી, તે જોઈ ને તે ખિલખિલાટ હસી રહી હતી. એટલામાં જોરથી ઘરનો મુખ્ય દરવાજો ખખડાવવાનો અવાજ આવે છે. એ સાંભળી રશ્મિ એકદમ ચૂપ થઈ જાય છે. તે તેની સામે સોફા પર બેસેલી સ્ત્રી સામે જુવે છે, તેના ચહેરા પર પણ ગુસ્સાની એક લહેર આવી જાય છે, અને તે અકળાઇને કંટાળીને દરવાજો ખોલવા ઊભી થાય છે. જેવો તે દરવાજો ખોલે છે, બહાર ઊભેલી વ્યક્તિને જોઈને એકદમ ગુસ્સે થઈ જાય છે. બંને જણા કઈ જઘડતા હોય તેવું લાગે છે.

બીજી ક્ષણે રશ્મિ ની આંખ ખૂલી જાય છે. પણ આજે તે પહેલાની જેમ ગભરાયેલી ન હતી, આજે તે એક પ્રેમ ની લાગણી અનુભવી રહી હતી. જાણે તેના સત્તર વર્ષના જીવનમાં પહેલી વખત પ્રેમ કર્યો હોય. કોઈ પોતાનું હોય તેવી લાગણી અનુભવી રહી હતી. ઘડિયાળમાં સાંજના પાંચ થવા આવ્યા હતા, તે ઊભી થઈ ને બાથરૂમ તરફ જતાં એક નજર અનીતા પર નાખે છે, તે હજી આરામ થી સૂતેલી હતી. અનીતાનો ભોળો અને માસૂમ ચેહરો જોઈને તેને ખુશી થાય છે, અને ભગવાનનો આભાર માંને છે કે, તેને આટલી સારી મિત્ર મળી છે. તેને હિન્દીના મેડમે ભણાવેલી એક કવિતા યાદ આવે છે, જેનો સાર એવો હતો કે આપણે જન્મ સાથે જ બધા સંબંધ લઈ ને જ આવીએ છીએ, માતા-પિતા, કાકા-કાકી, મામા-મામી, વગેરે વગેરે પણ મિત્ર એક એવો સંબંધ છે, જે માણસ જન્મ સાથે લઈને નથી આવતો પણ, પોતે બનાવે છે. મિત્ર જ એક એવો સંબંધ છે જે, તમે તમારી જાતે પસંદ કરી શકો છો, બાકીના સંબંધ તો આપમેળે જ સાથે આવે છે. મિત્ર સાથેનો સંબંધ એક અનાથ ને પણ પૂરા પરિવારનું સુખ આપી શકે છે.આમ વિચારતા વિચારતા તે બાથરૂમમાં ફ્રેશ થઈ ને બહાર આવે છે, અને બાલ્કનીમાં આવીને ઊભી રહે છે. પછી અચાનક કઈ વિચાર આવતા તે પોતાની ડ્રૉઇંગ બૂક લઈ ને આવે છે, અને તેને જે સપનામાં જોયો હતો તે સ્ત્રીના ચહેરાનું ચિત્ર બનાવવા લાગે છે. રશ્મિ ચિત્ર બનાવવામાં એટલી મસગુલ થઈ ગઈ હતી કે અનીતા ક્યારે તેની બાજુમાં આવી ને ઊભી રહે છે તેનું પણ તેને ભાન રહેતું નથી.

“અરે વાહ રશ્મિ, આટલી સુંદર સ્ત્રી કોણ છે?”

“અનીતા આજે પણ મે એક સપનું જોયું, પણ તે પહેલા જેવુ ડરામણું ન હતું, મે સપનામાં જે સ્ત્રી નો ચહેરો જોયો હતો એનું જ આ ચિત્ર છે.

“તે કેટલી સુંદર લાગે છે, અને મને આવું લાગે છે કે તું મોટી થઈને આવી જ દેખાઈશ એનો ચહેરો લગભગ તારા જેવો જ આવે છે.”

“હા, ખૂબ જ સુંદર અને પ્રેમાળ પણ છે.”

“તારું ચિત્ર દોરવાનું કામ પતી ગયું હોય તો ચાલ નીચે થોડું ફરતા આવીએ”

તેઓ પૂરી સાંજ નીચે મિત્રો સાથે ફરે છે અને રાતનુ ભોજન પતાવી ને જ ઉપર આવે છે. રૂમમાં આવી ને થોડીવાર વાતો કરી પછી સુવા માટે જાય છે.

રશ્મિના મગજમાં હજી બપોરે જોયેલો ચેહરો જ ફર્યા કરતો હતો અને તે મનમાં ને મનમાં જોતાં જોતાં ક્યારે આંખ મળી જાય છે તેની તેને ખબર પણ પડતી નથી.

◆◆◆

રશ્મિ ફરી વખત એજ “માતૃસદન” નામના ઘરમાં હતી, પણ આ વખતે, તે પહેલાની જેમ નાની પાંચ વર્ષની ન હતી, પણ અત્યાંરે જેવી દેખાય છે તેવીજ હતી. અને તે તેની સાથે દર વખતે જે સ્ત્રી હોય છે તેને મમ્મી કહી ને બૂમો પાડતી હતી. તે બંને આખા ઘરમાં દોડી રહ્યા હતા, ઘડીકમાં તેઓ દોડતા દોડતા ઉપરના માળે જતાં તો, ઘડીકમાં નીચેના બેડરૂમની બહાર આવતા દેખાતા અને જેવા તેઓ રસોડા તરફ દોડે છે તેવો જ પાછળથી કાન ફાડી નાખે તેવો ગોળી ચલાવવાનો અવાજ આવે છે, અને તરત જ તે તેની પીઠ ઉપર ભીનાસ અનુભવે છે, જેવી તે પાછળ ફરીને જોવા જાય છે, તે પહેલા તો તેની મમ્મી તેના ઉપર ફસડાઈ પડે છે, તેની મમ્મીને જાણે પાછળ થી કોઈએ ધક્કો માર્યો હોય તેમ તે રશ્મિ ઉપર પડે છે, રશ્મિ તેની નીચે દબાઈ જાય છે. જેવી તે પાછળ ફરીને ગોળી ચલાવનારને જોવાનો પ્રયત્ન કરે છે,પણ તેના આશ્ચર્યનો પાર નથી રહેતો, કેમ કે ત્યાંં કોઈ જ દેખાતું ન હતું. ત્યાંં તેના અને મમ્મી સિવાય કોઈ જ હતું નહી, તેને નવાઈ લાગે છે જો કોઈ પાછળ છે નહીં તો ગોળી કોને ચલાવી, તે મમ્મીને તેની બાજુમાં લોહીથી લથપથ હાલતમાં જોવે છે, અને તે એકદમ ગભરાઈ જાય છે અને તે જોરથી મમ્મીના નામની ચીસ પાડે છે. તેના ચીસ પાડવાથી અનીતા એકદમ જબકીને જાગી જાય છે, અને તે રશ્મિ સામે જોવે છે. રશ્મિ પલંગ પર બેઠેલી હતી. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને તે મમ્મી મમ્મી આવું બબડી રહી હતી. તે તરત જ ઊભી થઈને તેની જોડે જાય છે. જોડે આવીને તેણે જોયું તો રશ્મિનો ચહેરો પરસેવાથી રેબજેબ થઈ ગયો હતો,

“રશ્મિ શું થયું? તે રશ્મિ ને ખભા પકડીને હલાવે છે.

“તે અનીતાની સામે થોડીવાર સુધી જોઈ રહે છે, પછી થોડી કળ વળતાં રોવા લાગે છે, તે રોતા રોતા અનીતાને કહે છે કે “તે મારી મમ્મી છે”

“અનીતાને કઈ સમજણ નથી પડતી “કોણ તારી મમ્મી છે?”

“એજ જેને બપોરે મે સપનામાં જોઈ હતી. જેનું મે સાંજે ચિત્ર બનાવ્યું હતું. જે સપનામાં મારી સાથે હતી, મને રમાડતી હતી એજ મારી મમ્મી છે."

“પણ રશ્મિ એવું કઈ રીતે બને તે કોઈ દિવસ તારી મમ્મીને જોઈ નથી તે કેવી લાગે છે, એ પણ તને ખબર નથી, તો તને કેવી રીતે ખબર પડી કે એ જ તારી મમ્મી છે”

“મે આજે ફરી સપનું જોયું એમાં એજ સ્ત્રી હતી, હું તેને મમ્મી કહી ને બૂમો પાડતી હતી, અને અમે આખા ઘરમાં દોડી રહ્યા હતા અને તેણે મમ્મીને ગોળી મારી દીધી."

“કોને ગોળી મારી?, તે જોયો એને?, તું ઓળખે છે એને?”

“ખબર નથી પણ ત્યાંં કોઈ હતું જ નહીં”

"કોઈ હતું નહીં મતલબ!, તો ગોળી કોને ચલાવી?"

"મને કઈ જ ખબર નથી?"

“ઓકે, ઓકે, તું શાંત થઈ જા, ચાલ હવે સૂઈ જા એ એક સપનું હતું, સપનું હવે પૂરું થઈ ગયું છે."

“હા, મને પણ ખબર છે એ એક સપનું હતું, પણ તે એટલું વાસ્તવિક હતું કે હું ત્યાંં જ હાજર હોવ તેવું લાગી રહ્યું હતું”

પછી અનીતા રશ્મિને તેની સાથે જ સુવડાવી દે છે.

રાત્રે મોડા સુધી જાગવાથી રશ્મિ જ્યારે સવારે ઉઠતી ત્યાંરે તેનું માથું એકદમ ભારે થઈ જતું. આમને આમ સતત એક અઠવાડીયા સુધી ચાલુ રહ્યું. ધીમે ધીમે રશ્મિની તબિયત વધારે ખરાબ થતી જાય છે, તે જ્યારે પણ સૂતી ત્યાંરે એના એજ સપના આવતા અને તે ગભરાઈ ને ઊભી થઈ જતી. તેને સ્કૂલ જવાનું પણ બંધ થઈ ગયું હતું. તે આખો દિવસ હોસ્ટેલ પર જ રહેતી, હવે તેને ઊંઘની પણ બીક લાગવા લાગી હતી. તે જ્યારે સૂતી ત્યાંરે એજ લોહીથી ખરડાયેલી તેને કદી ના મળી હોય તે મા દેખાતી. તે આખો દિવસ ચા પીને ઊંઘને પોતાનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતી. વધારે પડતી ચા પીવાથી તેને એસિડિટીની પણ તકલીફ થવા લાગી હતી. ઊંઘ ઓછી થઈ જવાના કારણે તેને આંખો નીચે કાળા કુંડાળાં પણ થઈ ગાય હતા.

◆◆◆

અનીતા રશ્મિની આ હાલત જોઈ શકી નહીં, એટલે તેણે તેના પિતાને ફોન કરીને બધી વાત કરી.

“તું ગભરાઈશ નહીં આપણે એને આપણાં ઘરે લઈ આવીએ, મારા એક મિત્ર છે જે સાયક્યાટ્રીસ્ટ ડોક્ટર છે, આપણે એમને બતાવીશુ તે રશ્મિને જરૂર ઠીક કરી દેશે. હું તમને ત્યાંં લેવા આવીશ."

“ઠીક છે પપ્પા, હું સરની સાથે વાત કરીને રજા લઈ રાખું છું."

ફોન મૂકીને તે સીધી સંતોષ સરની ઓફિસ તરફ જાય છે.

“સર મે આઈ કમ ઈન?"

“અનીતા, પ્લીઝ કમ”

“સર મારે રશ્મિ વિષે તમારી સાથે વાત કરવી છે”

“અરે હા, હું પણ તને રશ્મિ વિષે જ પૂછવાનો હતો, તે હમણાંથી કેમ સ્કૂલ નથી આવતી?”

“સર હું પણ એજ વાત કરવા આવી હતી, તેની તબિયત આજકાલ ઠીક નથી રહતી, જ્યારથી તેણે મેડમના ખૂન વિષે સંભાળ્યું છે ત્યાંરથી તેને અજીબ અજીબ સપના આવે છે, અનીતા છેલ્લા અઠવાડિયામાં રશ્મિ સાથે જે બન્યું તેના વિષે વિગતે માહિતી આપે છે.”

“મારાથી એની આવી હાલત જોવાતી નથી, એટલે મે પપ્પાને વાત કરી છે, તેમના કોઈ મિત્ર સાયક્યાટ્રીસ્ટ ડોક્ટર છે, તે તેમની પાસે રશ્મિને ઈલાજ માટે લઈ જવાનું કહેતા હતા. એટલે તે અમને લેવા માટે આવવાના છે."

“રશ્મિની હાલત આટલી બધી ખરાબ છે, તારે મને પહેલા કહેવું જોઇએ ને, તે સારું કર્યું તારા પિતાને વાત કરી છે તે, તું એક કામ કર વહેલામાં વહેલી તકે તું એને તારા ઘરે લઈ જા, થોડી હવા ફેર થશે તો તેને પણ સારું લાગશે. અહિયાં મેડમની યાદોના લીધે તેને આવા સપના આવતા હશે. હું તમારા માટે જવાની વ્યવસ્થા કરું છું."

“સર એની જરૂર નહીં પડે, પપ્પાએ બધી વ્યવસ્થા કરી છે, તે અમને લેવા આવવાના જ છે. એ આવશે એટલે તમને મળવા આવશે જ.”

એના બે દિવસ પછી અનીતાના પિતા તેમને લેવા આવે છે, ત્યાંં સુધી અનીતા રશ્મિને એક મિનિટ માટે પણ એકલી મૂકતી નથી. રશ્મિને જ્યારે સપના આવતા ત્યાંરે તે એના વિષે ચિત્રો બનાવતી અને અનીતાને બધી વાત કરતી.

રસિકભાઈ અનીતાને લઈને સંતોષ સર ને મળીને, બધી કાગળિયાની કામગીરી પતાવીને બંનેને લઈને અમદાવાદ આવી પહોંચે છે.

***