Sodh ek Rahshaymay safar sapanathi sachhaini - 7 books and stories free download online pdf in Gujarati

શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 7

રશ્મિ અને અનીતા ડોક્ટરની ઓફિસથી નીકળે છે. અને ઘર તરફ એમની ગાડીમાં જવા લાગે છે, જેમ જેમ ગાડી ચાલી રહી હતી, તેની સાથે સાથે રશ્મિના મગજમાં પણ વિચારો ચાલી રહ્યા હતા.આજે રશ્મિને લાગતું હતું તેનો પણ કોઈ ભૂતકાળ છે, તે અંદર થી ખૂબ જ ખુશ હતી. કે એ કદાચ એના માતા-પિતા વિશે જાણી શકશે.તેને એ જાણકારી કઇ રીતે મળશે એ તો પોતે પણ જાણતી નથી. અનીતાની સામે જુએ છે, અનીતા પણ ગાડીના કાચની બહાર આવતા જતા લોકો પર નજર રાખીને બેસી હતી.રશ્મિ તેને કહે છે,

" અનીતા આપણે આજે કાંકરિયા ફરવા જવું છે."

અનીતા એકદમ અચરજથી રશ્મિ ની સામે જોવે છે, એ તેના ચહેરા પર એક ખુશી જોઈ રહી હતી.

"અનીતા એકદમ ખુશ થઇ જાય છે, ઘણા સમય પછી રશ્મિ આટલી ખુશ દેખાઇ રહી હતી, તે ડ્રાઇવરને કાંકરિયા તરફ લઇ જવા માટે આદેશ આપે છે.રસ્તામાં તેને મમ્મીને ફોન કરીને કહી દે છે કે તેઓ ડોક્ટરને મળીને નીકળ્યા છે, અને આજે આવતા મોડું થશે. તેઓ કાંકરીયા ફરીને ઘરે આવસે. બંને જણા આજે ખુશીથી આખું કાંકરીયા ફરે છે અને જમીને ઘરે પહોંચે છે.

ઘરે રસિકભાઈ અને વિદ્યાબેન તેમની રાહ જોતા તેમના આલિશાન ઘરના ડ્રોઇંગ રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા. ઘરે આવીને અનીતા તેના પપ્પા ને ડૉક્ટર સાથે થયેલી બધી જ વાત વિગતે જણાવે છે.

"આ તો ઘણા જ સારા સમાચાર કહેવાય સમીર પણ તમને આમાં મદદ કરવા તૈયાર થયો છે"

રસિકભાઈ આખી વાત સાંભળીને અનીતા ને કહે છે. "હા પપ્પા એટલે હવે લગભગ રોજ અમે તેમને મળવા જઈશું, એમણે કીધું હતું કે આની શરૂઆત ક્યાંથી કરવી તેના વિશે તે કંઈક વિચારશે.

" વિદ્યાબેન બધા માટે દૂધ લઇને આવે છે અને દૂધ પીને અનીતા અને રશ્મિ પોતાના રૂમમાં ચાલ્યા જાય છે"

રૂમમાં આવીને રશ્મિ ફ્રેશ થવા માટે બાથરૂમમાં જાય છે તે જ્યારે બહાર આવે છે, ત્યાંરે અનીતા પલંગ ઉપર બેઠી બેઠી કંઈક વિચારી રહી હતી.

" કયા વિચારમાં ખોવાઈ ગઇ અનીતા?"

"રશ્મિ તે એક વસ્તુનું ધ્યાન દોર્યું, આપણું નૈનીતાલથી અહીંયા આવવું, અહીં આવીને મંદિરમાં કૃષ્ણદેવ મહારાજનું મળવું, તેમના દ્વારા તારા સપના વિશે ધ્યાન દોર્યું કે તેમાં કોઇ ઈશારો કોઈ સંકેત છુપાયેલો છે, તેના પછી ડોક્ટર સમીરનું મળવું તેમનું પણ લગભગ એવું જ માનવું. આ બધી ઘટના જાણે ઍક પછી ઍક કોઇ માળાના મોતીની જેમ તારા જીવનમાં ચાલતી હોય તેવુ લાગે છે. આના પાછળ જરુર કોઇ સંકેત હશે, આપણે સાચા રસ્તે ચાલી રહયા છીએ તેવું લાગે છે, હવે મને વિશ્વાસ છે કે તને જલદી સારું થઈ જશે અને તને આવતા ભયાનક સપના પણ બંધ થઈ જશે"

"હું" રશ્મિ એક ધીમો પ્રતિસાદ આપે છે.

"ચલ તુ આરામ કર, હું ફ્રેશ થઈને આવું પછી સૂઈ જઈએ, જોઈએ ડોક્ટર સમીર કાલે આનો શું રસ્તો શોધે છે? અને અનીતા બાથરૂમ તરફ ચાલી જાય છે"

◆◆◆

જ્યારે રશ્મિ ની આંખ ખુલે છે ત્યાંરે તેને નવાઇ લાગે છે, આજે એ પેલા ગંધાતા રૂમમાં ન હતી જ્યાં એની મમ્મીનું ખૂન થયું હતું પણ રાત્રે અનીતાની જોડે જે પલંગ ઉપર સુઈ ગઈ હતી, એ જ પલંગ ઉપર હતી. તેને ઘણા દિવસ પછી આવી સપના વગરની ઉંઘ આવી હતી. તે રાત્રે ક્યારે સુઇ ગઇ અને સવાર ક્યાં પડી એ જ એને ખબર પડી ન હતી. તેને તેના હિન્દીના મેડમે કહેલી કહેવત યાદ આવી જાય છે "ઘોડે બેચ કર સોના" એ કહેવત નો પુરેપુરો મતલબ અનુભવ સાથે ખબર પડી જાય છે.રશ્મિ અનીતાને ઉઠાડે છે અને બન્ને જણા તૈયાર થઈને બપોર સુધીનો સમય ઘરમાં મમ્મીની સાથે જ વિતાવે છે.

◆◆◆

લિફ્ટમાં બોલતી કોમ્પ્યુટર સ્ત્રીનો અવાજ સાથે જ બારમાં માળની લીફ્ટનો દરવાજો ખૂલતાની સાથે અનીતા અને રશ્મિ ડોક્ટર સમીરની ઓફિસ તરફ આગળ વધે છે.

ડોક્ટરની ઓફિસનો દરવાજો ખોલતાં જ સમીર તેમને આવકારે છે આજે તે પણ જાણે તેમની રાહ જોઇને બેઠા હોય તેવું લાગતું હતું.

" આવો રશ્મિ અનીતા બેસો"

ખુરશી પર બેસતા જ અનીતા પૂછે છે,

"કઈ રસ્તો મળ્યો સાહેબ? આપણે આપણી સફરની શરૂઆત ક્યાંથી કરવી પડશે?"

" હા અનીતા, મેં ગઈકાલે તમારા ગયા પછી મારા સિનિયર ડોક્ટર સાથે રશ્મિના કેશ વિશેની ચર્ચા વિચારણા કરીને આગળ શું કરવું તેની એક રૂપરેખા તૈયાર કરી છે, ચર્ચા વિચારણા ચાલુ કરતા પહેલા ગરમાગરમ કોફી પી લઈએ પછી મગજ દોડાવવા નું ચાલુ કરીએ" અને તે જાતે જ ઊભા થઈને ત્રણેય માટે કોફી લાવીને ટેબલ પર મૂકે છે.

"જો અનીતા, આપણે પહેલા રશ્મિના કેસ વિશે જોઈએ તો એમાં મુખ્ય બાબત એ છે કે તેના પ્રિયજનના ખૂન થવા. આ વાત તેના સપનાના જીવન અને વાસ્તવિક જીવન બંનેમાં એકસરખી છે, જ્યારથી તેના મેડમનું ખૂન થયું ત્યાંરથી તેણે સપના આવવાના ચાલુ થયા. પહેલા તમારા મેડમનું ખુન થઈ ગયું, પછી સપના માં તેની મમ્મી નું ખૂન થઈ ગયું. તો હાલ પૂરતું આપણે એમ માનીને ચાલીએ કે રશ્મિના મમ્મીનું ખૂન થયું જ છે. હવે જો ખૂન થયુંજ હોય તો એક શક્યતા એ પણ છે કે પોલીસ ઈન્કવાયરી પણ થઇ જ હશે. એટલે જો આપણે પોલીસખાતામાં તપાસ કરાવીએ તો કદાચ આપણને ખબર પડે કે આવું કોઈ ખૂન થયું હતું કે નહીં"

અનીતા અને રશ્મિ ધ્યાનથી ડોક્ટરની વાત સાંભળી રહ્યા હતા.

" હવે પહેલો પ્રશ્ન એ થાય કે તપાસ ક્યાંથી શરૂ કરવી?, મારો મતલબ કયા શહેરમાંથી કરાવવી, તો આનો જવાબ પણ આપણને રશ્મિના સપનામાંથી જ મળે છે, તે કદાચ અમદાવાદમાં રહેતી હતી, હવે એક પગલુ આગળ ચાલીએ, આપણે અમદાવાદ પોલીસખાતામાં તપાસ કરાવીએ પણ આટલા મોટા શહેરમાં આટલા વર્ષોમાં કેટલાય ખૂનના કેસ આવ્યા હોવા જોઈએ, તો કયા વર્ષમાં તપાસ કરાવવી એ કેવી રીતે ખબર પડે?, આ પ્રશ્ન માટે મને એવું લાગે છે કે આપણે આજથી અગિયાર વર્ષ પહેલાં તપાસ કરાવવી જોઇએ"

" ઍ કયા આધાર ઉપરથી નક્કી કર્યું?"

"કારણકે, રશ્મિએ જ્યારે પહેલું સપનું જોયું હતું એમા એ, એક પાંચ વર્ષની છોકરી લાગતી હતી, અને બીજું કે તેને જ્યારે પાંચ વર્ષ પહેલાંનું કંઈ યાદ નથી, એટલે મારા મત મુજબ લગભગ એ જ્યારે પાંચ વર્ષની થઇ ત્યાંરે જ કોઈ ઘટના બનેલી હોવી જોઈએ"

" ઓકે સાહેબ, પણ એક પ્રશ્ન તો હજી પણ ખરો ને, કે આપણે પોલીસ પાસે કયા આધારે તપાસ કરાવીએ, એ લોકો કઈ એમ જ તો આપણને માહિતી નહીં આપે"

" એની ચિંતા તું ના કરીશ. મારા એક મિત્ર છે જે કાંકરીયા પોલીસ સ્ટેશનમાં જ છે, તેમની પાસે ઘણી વખત એવા કેશ આવતા હોય છે, જેમાં એમને મારી સલાહની જરૂર પડતી હોય છે, તે મને ઓળખે છે. એ ખૂબ જ સારા વ્યક્તિ છે, તે જરૂર આપણને મદદ કરશે"

"હું એક કામ કરું છું, એમને ફોન કરીને પૂછી લઉં છું. એમની પાસે સમય હોય તો આપણે એમને મળી લઈએ"

ડોક્ટર,તેમના ટેબલ પર પડેલા ફોન ઉપરથી કાંકરિયા પોલીસ સ્ટેશનનો નંબર ડાયલ કરે છે, થોડીવાર રીંગ વાગ્યા પછી સામેથી અવાજ આવે છે,

" હેલો, કાંકરીયા પોલીસ સ્ટેશન?"

" મારે ઈન્સ્પેક્ટર સુરેશ મહેતા નું કામ છે, તે મળશે?"

" હા હા ચાલુ રાખો" થોડીવાર ફોન પર અવાજ આવતો બંધ થઈ જાય છે, પછી એક પરિચિત અવાજ સંભળાય છે.

" હેલો, ઇન્સ્પેકટર સુરેશ મહેતા બોલુ છું, કોણ બોલે છે?"

" મહેતાજી, હું ડોક્ટર સમીર બોલું છું"

" બોલો ડોક્ટર સાહેબ કેમ છો?"

" મહેતાજી બસ મજામાં. મારે તમારું એક કામ પડ્યું છે, એટલે યાદ કરવા પડ્યા, તમને હાલ સમય હોય તો મારે મળવા આવવું હતું"

" આવોને ડોક્ટર સાહેબ, તમારા માટે સમય નહી હોય તો પણ કાઢી લઈશું, તમે પણ અમારા માટે સમય આપો જ છો ને, તો કોઈ દિવસ અમને પણ સેવાનો મોકો મળે, આવો તો હું સ્ટેશન પર જ છું"

" થેન્ક્યુ મહેતાજી, હું થોડીવારમાં જ આવું છું" ડોક્ટર સમીર ફોન મુકી દે છે.

" મહેતાજી, અત્યાંરે હાલ સ્ટેશન પર જ છે આપણે તેમને મળી લઈએ, ડોક્ટર સમીર અનીતા અને રશ્મિને કહે છે,

"એક કામ કરો તમે લિફ્ટણે કોલ આપો ત્યાંં સુધી હું મારી સેક્રેટરીને કામ બતાવી ને આવું છું. અને અનીતા અને રશ્મિ ત્યાંંથી બહાર નીકળે છે.

◆◆◆

થોડી જ વારમાં ડોક્ટરની ગાડી કાંકરિયા પોલીસ સ્ટેશન તરફ નીકળે છે, રસ્તામાં તેઓ અનીતા અને રશ્મિને મહેતાજીને પોતાની કેવી મદદની જરૂર પડે છે, કેવા કેવા ગુનેગાર મળે છે, એની વાતો કરે છે, થોડી જ વારમાં તેમની ગાડી કાકરીયા પોલીસ સ્ટેશનના ગેટમાં આવીને ઊભી રહે છે. અનીતા અને રશ્મિ ડોક્ટર સમીરની પાછળ આગળ વધે છે. અનીતા અને રશ્મિ થોડીવાર સુધી પોલીસ સ્ટેશનને જોઇ રહે છે, આની પહેલા ક્યારેય તેઓ પોલીસ-સ્ટેશન આવ્યા નહોતા, તેમણે પોલીસ સ્ટેશન ખાલી પિક્ચર માં જ જોયું હતું, પણ કાંકરિયા પોલીસ સ્ટેશન તેમની પિક્ચર ની કલ્પના થી તદ્દન અલગ હતું. પોલીસ સ્ટેશનમાં ડાબી બાજુએ પાર્કિંગની આગળ બે ત્રણ રૂમ હતી, જેમાં સરકારી ઑફિસમાં હોય તેવા ટેબલ ખુરશી પર બેસીને લોકો કામ કરી રહ્યા હતા. તેમાંના ઘણાં લોકોએ પોલીસ યુનિફોર્મ માં હતા તો ઘણા સાદા કપડામાં હતા. પોલીસ સ્ટેશનની જમણી બાજુ થોડી મોટી દેખાય તેવી એક ઓફીસ હતી. બરાબર તેની બાજુમાં લોખંડના સળિયા વાળી કોટડી દેખાતી હતી, જે ખાલી હતી.ડોક્ટર સમીર જમણી બાજુ દેખાતી ઓફિસની અંદર જાય છે ઓફિસમાં ઘૂસતાં જ એક ઘેરો અવાજ અનીતા અને રશ્મિને સંભળાય છે તે ઈન્સ્પેક્ટર મહેતા નો જ અવાજ હતો. તે ડોક્ટરને આવકારી રહ્યાં હતા. મહેતાજી પોલીસ યુનિફોર્મમાં એક રુઆબદાર પોલીસ અધિકારી લાગી રહ્યા હતા. રશ્મિ તો એક ક્ષણ માટે થોડી ગભરાઈ પણ જાય છે. અનીતા અને રશ્મિ ડોક્ટરના કહેવાથી તેમની બાજુમાં મૂકેલી ખુરશી ઉપર બેસે છે, મહેતાજી અને ડોક્ટર જૂની વાતો કરવામાં થોડા વ્યસ્ત થઈ જાય છે, તે દરમિયાન રશ્મિ અને અનીતા ઓફિસનું નિરીક્ષણ કરવામાં લાગી જાય છે. થોડીવાર રહીને સમીર સાહેબની ઓળખાણ કરાવે છે"

"મહેતાજી આ મારી પેશન્ટ રશ્મિ છે, અને આ તેની મિત્ર અનીતા છે. બન્ને નૈનિતાલ બોર્ડીંગ સ્કૂલમાં સાથે જ ભણે છે. તમે તો જાણો જ છો અમારી સાઈકોલોજિસ્ટ ની લાઈનમાં કેવા કેવા અજીબ પ્રકારના કેશ આવે છે, આ રશ્મિનો કેસ પણ કંઈક એવો જ છે. ડોક્ટર સમીર મહેતા સાહેબને પૂરી વાત સમજાવે છે. તે દરમિયાન મહેતાજી બહુ ધ્યાનથી ડોક્ટરની વાત સાંભળી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે તે રશ્મિ અને અનીતા ની સામે પણ જોઈ લેતા હતા ડોક્ટરની વાત સાંભળી મહેતાજી ઊંડા વિચારમાં ખોવાઈ જાય છે, જાણે કોઈ વાત તેમના મગજના કોઈ ખૂણામાં હોય પણ યાદ આવતી ન હોય તેમ થોડીવાર સુધી રશ્મિ સામે જોઈ રહ્યા છે"

"શું લાગે છે મહેતાજી તમે આમાં અમને મદદ કરી શકો છો? જો તમે તમારા અગિયાર વર્ષ પહેલાંના રેકોર્ડ જોશો તો એમાં કોઈ આવી સ્ત્રીનું ખૂન થયું હોય અથવા તમે ક્યાંય માતૃસદન ના ઘર વિશે સાંભળ્યું હોય એ તો ખબર પડશે?"

મહેતાજીનું ધ્યાન હજી પણ રશ્મિ પર જ હતું તે ધ્યાન થી નિરીક્ષણ કરી રહ્યા હતા ડોક્ટર સમીરના બોલાવવાથી તેમનું ધ્યાન તૂટે છે,

" હા ડોક્ટર સાહેબ, તમને મદદ ન કરીએ એવું બને ખરું!" પણ ડોક્ટર સાહેબ આ થોડું સમય લાગે તેવું કામ છે, કારણ કે તમને ખાલી અમદાવાદ શહેર એટલું જ ખબર છે કોઈ નિશ્ચિત એરીયા ખબર નથી, તે ખબર હોય તો, હું હાલ જ ત્યાંંના પોલીસ સ્ટેશનને વાત કરી માહિતી કઢાવી શકું. તમે એક કામ કરો મને એક બે દિવસનો સમય આપો હું આ કામમાં થોડી તપાસ કરાવીને તમને જણાવું છું

" ઠીક છે મહેતાજી, તમને કંઈ જાણકારી મળે તો ફોન કરજો, હવે અમે રજા લઈએ"

ડોક્ટર, રશ્મિ અને અનીતાને લઈને સ્ટેશનની બહાર નિકળે છે.

પણ ઇન્સ્પેક્ટર મહેતાનું ધ્યાન હજી પણ રશ્મિ પર જ હતું, કોણ જાણે એમને ઊંડે ઊંડે એવું લાગ્યા કરતું હતું કે તેમણે રશ્મિને ક્યાંક જોઈ છે થોડીવાર વિચાર્યા પછી હવાલદારને બોલાવે છે, અને તેને કામ બતાવીને રવાના કરે છે.