Mother's bitter throat books and stories free download online pdf in Gujarati

માઁ નો કડવો ઘૂંટ



બાળક ગમે તેવું હોય પણ માઁ માટે તે તેનાં જીવથી પણ વધુ વ્હાલું હોય છે. પોતાના સુખોને ભુલી તે પોતાના સંતાનોના સુખનું જ વિચારતી હોય છે. પોતાના સપનાંને હૃદયની તિજોરીમાં સંતાડી પોતાના બાળકોના સપના પુરા કરવા રાત-દિવસ જાગતી હોય છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, પારસી કે પછી અન્ય કોઈ પણ ધર્મની માઁ હોય બાળકો માટેનો તેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. એટલે જ કહેવાયું છે "માઁ તે માઁ બીજા બધાં વગડાના વા".

માઁ શબ્દને વ્યાખ્યાયીત કરવો ઘણો‌ જ મુશ્કેલ છે પણ હા... કહી શકાય 'વિશાળ હૃદય, કરૂણા, પ્રેમથી છલકાતી, નિરંતર ત્યાગ, સમર્પણ, સેવા અને સહનશીલતાથી ભરપૂર, વાત્સલ્યની વીરડી એટલે માઁ '

આવી જ એક અમદાવાદ શહેરમાં રહેતી માઁ અરુણાબેન શાહ અને દીકરી નિકિતાની વાત છે. એક દિવસ સમાજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે વેશભૂષા કાર્યક્રમનું આયોજન થવાનું હતું.બધા માતા-પિતા પોતાના ટબૂળાઓને પોલીસ, ડોક્ટર, ટીચર તો વળી કોઈક વકીલ આમ અલગ અલગ વેશભૂષા ધારણ કરવાના વિચારો સાથે કાર્યક્રમમાં પોતાના બાળકોના નામો નોંધાવતા હતાં ત્યારે અરુણાબેને પણ પોતાની દીકરી નિકિતાનું નામ વેશભૂષાનાં કાર્યક્રમમાં નોંધાવ્યું. નિકિતાને આ વાતની જાણ થતા કુતૂહલવશ અને હરખાઈને દોડતી તેની માઁ પાસે ગઈ અને પૂછ્યું માઁ તે મારું નામ ક્યાં વેશધારણ માટે લખાવ્યું? હું ક્યો વેશધારણ કરીશ? પોતાની માતાનો એ જવાબ સાંભળી નિકિતા તો થોડા સમય માટે અવાચક બની ગઈ અને પછી બોલી ભિખારી... ભિખારી... ના, માઁ હું ભિખારી નહીં બનું... સારા ઘરની છોકરીઓ ભિખારી શા માટે બને? વળી બધાં મારા પર હસશે, મારી ખીલ્લી ઉડાડશે એ અલગથી... આવા ઘણાં દલીલોભર્યા શબ્દો સાથે અરુણાબેન સમક્ષ રડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો પણ દીકરીની જીદ્ આગળ માઁ ટસ ની મસ ન જ થઈ અને અંતે નિકિતાને આ વાત વ્યાજબી ન લાગી છતાં પોતાની માતાની વાત સ્વીકારી ભિખારી વેશધારણ કરવા રાજી થઈ ગઈ.

દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યાં અને આવી ગયો કાર્યક્રમનો દિવસ.. અરુણાબેને ઘસાયેલા યુનિફોર્મ ને ફાડી તેનાં પર બ્લેક રીબીનના બેલ્ટના થીગડા લગાવી ભિખારી ડ્રેસ તૈયાર કર્યો અને નિકિતાના હાથમાં કટોરો આપતા કહ્યું, બેટા સ્ટેજ પર જઈ તારે બધા પાસે ભીખ માંગવાની છે. એક પછી એક બધા બાળકો સ્ટેજ પર જઈ ધારણ કરેલાં વેશ મુજબ પોતાનો અભિનય બતાવવા લાગ્યા. હવે આવ્યો નિકિતાનો વારો... અરુણાબેને નિકિતાને સ્ટેજ પર મોકલી. સમાજના સેક્રેટરી પદને શોભાવતા નિકિતાના પપ્પા સ્ટેજ પર ભિખારીનો વેશ ધારણ કરેલ પોતાની દિકરીની હાલત જોઈ ન શક્યા અને સ્ટેજ મૂકી આઘા-પાછા થઈ ગયાં પણ આ તો ભિખારીનો વેશધારણ એટલે ભીખ માંગવી જ પડે... નિકિતાએ બધાં પાસે જઈ ભીખ માંગવાનું શરૂ કર્યું. તેના કાકાએ ગજવામાં જેટલાં સિક્કા હતા બધા આપી દીધા આમ સ્ટેજ પર ભિખારી બની નિકિતાએ પોતાનો અભિનય પૂર્ણ કર્યો અને તેને ભીખ સ્વરૂપે 37 રૂપિયા 25 પૈસા મળ્યા ત્યારે નિકિતાને સમજાતું નહોતું કે કોઇ માઁ પોતાની દીકરીને ભિખારી કેમ બનાવી શકે? ભિખારીના વેશધારણ કરવાનું કહેવાથી દીકરી ને દુઃખ લાગ્યું હશે એવો વિચાર શું માઁને નહીં આવ્યો હોય? સમાજમાં ખરાબ નહીં લાગ્યું હોય? આવા અનેક પ્રશ્નોના જવાબ તેની સમજ બહાર હતાં.

કોઈ પણ દબાવમાં આવ્યાં વિના કે કોઈ પણ લાગણીને પરે અરુણાબેને એવો નિર્ણય કેમ લિધો હતો એ વાત નિકિતાને ઘણા વર્ષો પછી સમજાઈ. ભિખારી વેશધારણ કરી સ્ટેજ પર ગઈ તે દિવસથી નિકિતા કોઈ પણ કેમેરો, સ્ટેજ કે કોઈપણ વ્યક્તિ સામે વાત રજુ કરતાં અટકાતી નથી. એ ભિખારીના વેશધારણે તેનામાં આત્મવિશ્વાસ છલકાવી આપ્યો. આજે નિકિતા આત્મવિશ્વાસ અને સચોટ વાંચા સાથે પત્રકારિતા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી ચૂકી છે અને એક સારી વક્તા તરીકે પોતાની છબી બનવા પાછળનો શ્રેય પોતાની માતાને આપે છે. આજે 28 વર્ષ પછી પણ નિકિતાને કાકા એ આપેલાં 37 રૂપિયા 25 પૈસાના સિક્કા યાદ છે અને તે ભાવુક થઈ જાય છે સાથે તે પોતાની માતાને સાચી દોસ્ત સમજી એક આદર્શ તરીકે ગણાવે છે.

આમ, માઁ એ પીવડાવેલ કડવો ઘૂંટ પણ ભવિષ્યમાં તેનાં સંતાનો માટે અમૃત સમાન સાબિત થાય છે. પોતાના બાળકોના ભવિષ્ય બનાવવા પાછળની મુખ્યભૂમિકા માઁ ની હોય છે. આ અમદાવાદી માઁ એ પોતાની દીકરીને સમાજ સામે ભિખારીના વેશભૂષા ધારણ કરાવી જીંદગીભરની અમૂલ્ય એવી આત્મવિશ્વાસની ભેટ આપી દિધી. ખરેખર આવી જનેતાને ધન્ય છે.


શબ્દ સંકલન - શિખા પટેલ
મેઈલ - sp800145@gmail.com