Avkashiy samayyatra - 3 books and stories free download online pdf in Gujarati

અવકાશીય સમયયાત્રા ભાગ 3

ભાગ-3

બધા હોસ્ટેલે પાછા આવે છે અને અશોકકાકા થતા મયુરભાઈના મુખ પર એક નિરાશા હતી,જેનું કારણ ફક્ત સૂર્ય,રાધે અને નીલ જ જાણતાં હતા કે તેમને ત્યાં કઈ પ્રાપ્ત નહોતું થયું,મયુરભાઈ તો હોસ્ટેલના ગેટથી થી જ ચાલતો થયો.તેની મક્કમ ચાલમાં આજે ઉદાસી વર્તાતી હતી,કદાચ જિંદગી પુરી થયાનો અહેસાસ તેને થયો,તેને ખબર હતી કે અશોકભાઈ ને હવે તે નહીં માનવી શકે આ વખતે પણ તેને પાણી આવી ગયું હતું અને છેલ્લી વખતની શરતે તે તૈયાર થયા હતા અને આ વખતે પણ તેમને કાઈ હાથ ન લાગ્યું તેનો પારાવાર દુઃખ મયુરના ચહેરા પર હતું.તેને એ નહોતું સમજાતું કે એવું કંઈ રીતે બની શકે કે ત્યાં કંઈ ન મળે તેને તે સ્પેસશીપને તેની સગી આંખે ઉતરતા જોઈ હતી.પછી અચાનક તેના મનમાં એક લાઈટ થઈ અને આખો ચમકી તેને એક ફેંસલો કર્યો. કદાચ તેના લીધે તેની જિંદગી જડમૂળથી ઉખડીને ફેંકાઈ જવાની હતી કદાચ જો તેને એવી ખબર હોત તો એવો ફેંસલો કોઈ દિવસ ન કરત, પણ અત્યારે તો તેના પર અમલ કરવાનું તે વિચારી રહ્યો હતો.

આ તરફ અશોકકાકા હવે બધું ભુલીને પોતાની સાદી જિંદગી જીવવાનું નક્કી કરે છે પણ તેની જિંદગીમાં પણ એક વાવાઝોડું આવવાનું હતું તે કદાચ તેને પણ ખબર નહોતી અને તેનું કારણ હતો મયુર…!!!

આ તરફ સૂર્ય,રાધે અને નીલ જમીને પોતાની રૂમમાં હોસ્ટેલ શાંત થાય તેની રાહ જોઈ રહ્યા હતા.

**********************

દોલતરામ પોતાની બ્રાન્ડેડ ખુરશી પર બેસીને સિગારેટ ફૂંકી રહ્યો હતો અને તેના બન્ને પગ સામેના ટેબલ પર હતા. ભાવવિહીન ચહેરો, થોડું વિચિત્ર નાક, મોટી મોટી આખો,કપાળ સહેજ મોટું,બુટી વગરના કાન,છ ફૂટ થી વધુ હાઈટ,એક કાળું સૂટ તેને પહેર્યું હતું અને એકદમ કસાયેલું શરીર,કોઈ બાજ જેવી નજર,કોઈ સમજદાર વ્યક્તિ તેની સાથે મુકાબલો કરતા એક નહીં પણ દસ વખત વિચારે. તેની બાજુ માં બીજા બે ત્રણ વ્યક્તિ બેઠા હતા તે બધાયે સફેદ પણ સાદું સૂટ પહેર્યું હતું અને જોવાથી તે આ દોલતરામના ચેલા લાગી રહ્યા હતા.

દોલતરામ એક ક્રીમનલ હતો,બે નંબરના એવા ધંધા કે જેમાં પુષ્કળ રૂપિયા હોય તેમાં દોલતરામ ની સંડોવણી ન હોય એવુ ન બને,દુનિયા સામે એક બિઝનેસ મેન થઈને રહેતા દોલતરામે પોતાની એક બે નંબરની દુનિયાનો રાજા હતો.ઘણા મોટા માણસો સાથે ગાઢ મૈત્રી રાખતો,જેથી કોઈ કામ અટકે નહીં.


અત્યારે તેની સામે બે લોકો બેઠા હતા, તે તેમની સામે થોડી વાર જોઈ રહયો,અને પછી તેને તેમાંથી એક સાથે વાત કરવા લાગ્યો બીજો તો કોઈ ભોટની જેમ બેઠો હતો અને પછી પેલા વ્યક્તિએ તેને કંઈક કહ્યું તેનો જવાબ સાંભળી દોલતરામ એકદમ આગબબુલા થઈ ગયો,અને સામે ટેબલ પર પડેલી એક દારૂની બોટલને પેલા બન્ને પર ફેંકી,તે બન્નેના ભાગ્ય સારા રહ્યા કે તે સમયસર નમી ગયા અને તેથી બોટલ તે રૂમની દીવાલ સાથે અથડાઈ,અને એનો અવાજ એ સાઉન્ડ પ્રુફ કમરામાં સંભળાયો,પેલા બન્નેના હૃદય કોઈ ધમણની જેમ ચાલી રહ્યા હતા અને તેમને ખબર પણ નહોતી કે તે અહીંથી સહીસલામત નીકળશે કે નહીં!!

પછી દોલતરામેં પોતાના ગુસ્સા પર કાબુ મેળવ્યો, અને એ કંઈક વિચારમાં સરી પડ્યો સાથે જ રૂમમાં સ્મશાનવત શાંતિ પ્રસરી ગઈ અને બધા હવે દોલતરામ શુ કરે છે તેની રાહમાં બેઠા રહ્યા. અડધી ઘડીના અંતે તે વિચારોમાંથી બહાર આવ્યો અને તેને સામે બેસેલા બે વ્યક્તિને વરાફરતી કંઈક કહ્યું. એ સાંભળી તે બન્ને ને રાહત તો થઈ પણ ચહેરા પર કંઈક વિચિત્ર ભાવ આવી ગયા. પણ પછી તે બન્ને ત્યાંથી નીકળી ગયા

**************

રાતનો સમય હતો,શિયાળો નજીક આવતો હોવાથી વાતાવરણમાં ઠંડી પ્રસરી રહી હતી અને પક્ષીઓ પોતાના માળામાં સંતાઈ ગયા હતા,અત્યારે સૂર્ય,રાધે અને નીલ જંગલ તરફ જતા રસ્તે આગળ વધી રહ્યા હતા. તે થોડી વાર પહેલા જ હોસ્ટેલની દીવાલ કૂદીને બહાર આવ્યા હતા,જોકે આ તેમના માટે પહેલીવાર નહોતું ઘણી વાર હોસ્ટેલમાં જમવાનું બરોબર ન હોય તો બહાર નાસ્તો કરવા જવું પડતું,જોકે આ તો ઘણી હોસ્ટેલની કહાની છે. ત્રણેય એ સુમસામ રસ્તા પર આગળ વધી રહ્યા હતા,અડધી રાત્રી વીતી ગઈ હતી,ક્યાંક દૂર કુતરાના ભાસવાનો અવાજ પણ વિચિત્ર લાગી રહ્યો હતો અને તેની સાથે જ ઘણા નિશાચર પક્ષીઓનો અવાજ આવી રહ્યો હતો જે દિવસે ઘણો દુર્લભ હતો.ત્રણેયને અંદરથી થોડો ડર લાગી રહ્યો હતો પણ એક રોમાંચ પણ અનુભવી રહ્યા હતા.જંગલ તરફ જવાનો રસ્તો શરૂ થયો ત્યાંથી એકદમ સ્મશાનવત શાંતિ હતી

તેઓ હવે એ જંગલના ગેટથી થોડે દુર ઉભા હતા,આ એક અભ્યારણ્ય હોવાથી અહીં થોડી સુરક્ષા હોય એ સ્વાભાવિક હતું.સૂર્યએ આજુ બાજુ જોયું તેને એક સિક્યોરિટી ગાર્ડ સિવાય ત્યાં કોઈ પણ નજરે નહોતું ચડતું,તે પણ ગાઢ નિદ્રામાં સુઈ રહ્યો હતો અને લાગી રહ્યું હતું કે તે સવાર પહેલાતો નહીં જ જાગે.સૂર્યએ રાધે અને નીલ તરફ જોયું અને કહ્યું

“ચાલો આ ગેટ કૂદીને અંદર જવું પડશે”

“અરે!સૂર્ય આ ગેટ કૂદીને?!!” નીલે સઆશ્ચર્ય કહ્યું.

“અરે!સાવ નાનો ગેટ તો છે આ પણ નહીં કૂદી શકે?” રાધે એ કહ્યું

“અરે!એમ નહીં પણ આ અભ્યારણ્યમાં આમ ઘૂસવું એ એક અપરાધ છે અને જો પકડાશું તો સજા પણ થશે” નીલે થોડો ધીમા અવાજે કહ્યું

“અરે કઈ નહીં થાય નીલ તું ચાલ તો ખરા” સૂર્યએ કહ્યું

તેમ છતાં નીલનું મન નહોતું માની રહ્યું પણ હવે પાછું જવું તેને ઠીક ન લાગ્યું એટલે તેને પણ સૂર્ય અને રાધે પાછળ પગ ઉપાડ્યા,જો કે આ એક પક્ષી અભ્યારણ હતું એટલે એવા કોઈ જંગલી પ્રાણીઓની તેમને બીક નહોતી.

તે ત્રણેય ગેટની ખૂબ સમીપ ઉભા હતા અને એ ત્રણેયે ગેટ પર ચડવાનુ શરૂ કર્યું ત્યાં પાછળથી એક અવાજ આવ્યો “ઉભા રહો!!”

બધાએ એક આશ્ચર્ય અને ડર સાથે પાછળ જોયું,અને બધાના આશ્ચર્ય વચ્ચે પેલો સિક્યોરિટી ગાર્ડ જાગી ગયો હતો.પેલા ત્રણેયની હાલતતો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી.પણ સુર્યએ પોતાનો બચાવ કરવા કઈક કહેવા ગયો ત્યાં પે’લા સિક્યોરિટીએ તેને હાથના ઈશારા દ્વારા બોલવાની ના પાડી અને પછી સ્વયં આગળ આવ્યો અને ગેટ પર લગાવેલું તાળું ખોલ્યું અને દરવાજો ખોલીને કહ્યું “જાવ”

આવું તો કોઈએ વિચાર્યું પણ નહોતું,એટલે સૂર્ય કંઈક કહેવા જતો હતો ત્યાં પેલા સિક્યોરિટી એ ફરી કહ્યું “જવું હોય તો જલ્દી કરો નહીંતર હું ગેટ બંધ કરી દવ” હવે ત્રણેયની હાલત અજીબ થઈ રહી હતી તે વિચારી રહ્યા હતા કે આ કેમ સામેથી અમને અંદર જવાનું કહે છે પણ હવે એટલો વિચારવાનો કે પૂછવાનો સમય નહોતો કેમ કે ચાર વાગ્યા પહેલા પાછું હોસ્ટેલ પહોંચવાનું હતું,એટલે સૂર્ય અને રાધેએ અંદર તરફ ડગ મંડ્યા પણ નીલ હજી વિચારી રહ્યો હતો કે અંદર જવું કે નહીં,પણ રાધે એ તેને ખેંચ્યો એટલે તે અંદર તરફ ચાલતો થયો.

તે થોડા અંદર ગયા એટલે સિક્યોરિટીએ ગેટ ફરી બંધ કર્યો અને ગેટની અંદર ઝાડીઓમાં કોઈકને થમસપ કરીને પોતાની નાની ઓફિસમાં જતો રહ્યો,અને તૂટેલ ખાટલા પર સુઈ ગયો જેમ એ થોડીવાર પહેલા આ ત્રણેયની જ રાહ જોઇને બેઠો હોય!!

*************

તે ત્રણેયના ગયાના અડધો કલાક પછી,એક વ્યક્તી ત્યાં આવ્યો,તેને પોતાના ચહેરા પર મુખવટુ બાંધેલું હતું અને તેને બાજુ નજર કરી અને પછી ગેટ કૂદીને અંદર ચાલતો થયો.

ક્રમશ: (દર રવિવારે…..)

તમારો પ્રતિભાવ મને 7434039539 પર આપો.અથવા કોમેન્ટ કરો અને રેટિંગ આપવાનું ન ભૂલતા