Doctor books and stories free download online pdf in Gujarati

ડોક્ટર

ચિંતન ચલ ભણવા બેસી જા બહુ રમી લીધુ, ડોક્ટર બનવું છે ને ? બૂમપાડતા સાધના બેન બોલ્યા.
દર્શન ભાઈ અને સાધના બેન નું એકમાત્ર સંતાન ચિંતન ભણવામાં અવ્વલ તો પણ સાધના બેન આદત મુજબ એને ટોકી લેતા.
સ્કૂલ ટાઈમ થી ચિંતન ક્લાસ માં હંમેશ પહેલા નંબરે આવતો બોર્ડ ની એક્ઝામ માં પણ પંચાણું ટકા લાવી કોલેજ માં સાયન્સ લીધુ અને એમાં પણ દર વર્ષે ટોપર રહેતો.
દર્શન ભાઈ નું કુટુંબ મધ્યમ વર્ગીય પણ એની અસર ક્યારેય ચિંતન ના ભણતર પર આવવા ન્હોતી દીધી, ચિંતન જે માંગે એ હાજર જ હોય. અને હંમેશ કહેતા બસ તું ડોક્ટર બની જા પછી અમને નિરાંત.
કોલેજ ના એડમિશન વખતે પંચાણું ટકા હોવા છતાંય સાયન્સ ની સીટ માટે સારું એવુ ડોનેશન આપવું પડ્યુ તોપણ દર્શન ભાઈ પોતાના ખર્ચાઓ પર કાપ મુકી, વ્યાજે પૈસા લઈ શહેર ની પ્રતિષ્ઠિત કોલેજ માં એડમિશન કરાવ્યું.
એક વખત સાધના બેને કીધું મારું મંગળસૂત્ર તુટી ગયુ છે નવું કરાવવું પડશે, દર્શન ભાઈ ના બુટ તૂટવા આવ્યા હતા એ લેવાના હતા પણ ચૂપ રહી બોલ્યા ઠીક છે આ વખતનો પગાર આવે એટલે કરાવી લઈએ.
દસ તારીખે પગાર આવ્યો એટલે દર્શન ભાઈ એ ખર્ચાઓ નો હિસાબ કરી બાકી વધતા પૈસા સાધના બેન ને મંગળસૂત્ર બનાવવા આપ્યા, સાધના બેન બીજા દિવસે જ્વેલર્સ પાસે જઈ આવીશ એમ વિચારી પૈસા કબાટ માં મૂકી દીધા.
બીજા દિવસે સવારે દર્શન ટીફીન લઈ ઓફિસ જવા અને ચિંતન નાસ્તો કરી કોલેજ જવા નિકળ્યો એટલે સાધના બેને વિચાર્યુ જ્વેલર્સ પાસે જઈ મંગળસૂત્ર લઈ આવું અને કબાટ માંથી પૈસા કાઢવા ગયા એટલા માં તો ચિંતન દોડતો દોડતો પાછો આવ્યો અને બોલ્યો મમ્મી હું ભૂલી ગયો આવતીકાલે અમારી પ્રેક્ટિકલ છે એના માટે અમુક સાધન લઈ જવાના છે તો એ લેવા માટે પૈસા જોઈએ છે.
સાધના બેને કબાટ માંથી મંગલસૂત્ર માટે કાઢેલા પૈસા ચિંતન ના હાથ માં મુકી દીધા અને બોલ્યા આ લે બેટા આ તારા માટે જ રાખ્યા છે, પૈસા લઈ ચિંતન ફટાફટ કોલેજ ગયો. બચાવેલ પૈસા માંથી ન તો બુટ આવ્યા કે મંગળસૂત્ર, બસ ડોક્ટર બને એની ઈચ્છા માં એ પૈસા હોમાઈ ગયા.
મમ્મી પપ્પા ની ડોક્ટર બનાવવા ની ખ્વાહિશ અને ચિંતન ની મહેનત રંગ લાવી ફાઇનલ એક્ઝામ માં પણ ચિંતને અવ્વલ આવી બધાનાં સપના પુરા કર્યા અને ડોક્ટર બની ગયો.
દર્શન ભાઈ અને સાધના બેન તો હવે તો બસ જલશા કરવાના એ વિચારે ફૂલ્યા ન સમાય.
હવે ક્લિનિક માટે જગ્યા શોધવાની હતી આજુબાજુ તપાસ કરી પણ બજેટ માં કંઈ બેસતુ ન્હોતુ. બધી બચત ચિંતન ના ભણવામાં વપરાઈ ગઈ હતી એટલે એકાદ વર્ષ ક્લિનિક ભાડે લઈ કામ ચલાવવાનું નક્કી કર્યુ.
ચિંતન ની મહેનત,હોશિયારી અને સારા સ્વભાવ થી થોડાજ વખતમાં એની ક્લિનિક ધમધોકાર ચાલવા માંડી અને જગ્યા નાની પડવા લાગી.
હવે ચિંતન ની મહત્વકાંક્ષા વધતી જતી હતી એ પુરી કરવા લોન લઈ મોટી જગ્યા લીધી અને એમાં હોસ્પિટલ ચાલૂ કરી એના લીધે હવે ચિંતન ને સમય ની ખેંચ પડવા માંડી.
આખો દિવસ બસ હોસ્પિટલ માંજ રહેતો ઘરે પણ ફક્ત રાતે જ આવતો અને વહેલી સવાર ના નીકળી જતો.
દર્શન ભાઈ એને સમજાવતા કમાવવા માટે આખી જીંદગી પડી છે થોડો સમય અમારા માટે પણ કાઢ અને તું પણ તારી રીતે લાઈફ એન્જોય કર. પણ ચિંતન પર તો કામનું ભૂત સવાર હતું.
કહેતો પપ્પા મારો એક એક કલાક કિંમતી છે એને ફાલતુ સમય મા ન ખર્ચી દેવાય.
મમ્મી પપ્પા સાથે સમય વિતાવવો એને ફાલતુ સમય કહી ચિંતને સાધના બેન અને દર્શન ભાઈ ને છોકરાને ભણાવી ગણાવી ડોક્ટર બનાવી એની સાથે આરામથી જીંદગી પસાર કરવાના સપના સેવ્યા હતા એ ચુર-ચુર થતા લાગ્યા.
સમય વહેતો જતો હતો દિવસે ને દિવસે ચિંતન એના કામ માં વધુ ને વધુ વ્યસ્ત થવા લાગ્યો, ઘણીવાર તો રાતના પણ ઘરે ન આવતો.
એક દિવસ ચિંતન રાતે ઘરે આવ્યો દર્શન ભાઈ બોલ્યા બેટા આવતીકાલે તારી મમ્મી નો જન્મદિવસ છે એટલે મારી ઈચ્છા છે કે કાલે તું ઘરેજ અમારી સાથે રહે. સાંભળી ચિંતન બોલ્યો પપ્પા એ શક્ય નથી આવતીકાલે શહેર ના એક મોટા બિઝનેસ મેન ની સવાર થી સાંજ આખા દિવસ ની એપોઈન્ટમેન્ટ છે એમા રજા એટલે લાખ રુપિયા નું નુકશાન થાય, એક કામ કરો મમ્મીને લઈ તમે એક મુવી જોઈ પછી હોટેલ માં ડિનર કરી આવો ખર્ચા ની ચીંતા ન કરતા તમને કેટલા પૈસા જોઈએ કહી દેજો બોલી બેગમાંથી ગુલાબી કલર ની નોટો નો બંડલ કાઢી પપ્પા ના હાથમાં મૂકી દીધી.
દર્શન ભાઈ કાંઈ ન બોલ્યા અને ભીની આંખે ચુપચાપ પોતાના બેડરૂમ માં ચાલ્યા ગયા.
રોજેરોજ ની એપોઈન્ટમેન્ટ ને લીધે હવે ચિંતન ધીરેધીરે ઘરથી દૂર થતો જતો હતો, એની કેરિયર સીવાય જાણે બધુ નકામું હતું.
આમજ ચારેક મહિના બાદ દર્શન ભાઈ નો જન્મદિવસ આવતો હતો એના એક દિવસ પહેલા આદતવસ ચિંતન ને વીનવણી કરી આવતીકાલે મારો જન્મદિવસ છે તો રજા લઈ ઘરે રહે. સાંભળી ચિંતન અકળાઈ ગયો અને બોલ્યો પપ્પા તમને સમજ નથી પડતી હું રજા લઈ શકું એમ નથી અને આવતીકાલે દુબઈ થી NRI મિસ્ટર ત્રિવેદી આવવાના છે. તાજ હોટેલ માં મારી આખા દિવસ ની એપોઈન્ટમેન્ટ છે બોલી તે દિવસ ની જેમ નોટો નો બંડલ પપ્પા ના હાથમાં મુકી દઈ પોતાની ફરજ પુરી કરી. દર્શન ભાઈ પણ માનસિક રીતે આ વર્તન માટે તૈયાર હતા તે દિવસ ની જેમ રડ્યા નહીં નોટોનું બંડલ લઈ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા.
બીજા દિવસે સવારે ડો. ચિંતન તૈયાર થઈ હોસ્પિટલ જવા નિકળ્યા, સાધના બેન અને દર્શન ભાઈ તરસી આંખે એને જતો જોઈ રહ્યા.
થોડીવાર પછી દર્શન ભાઈ સાધના બેન ને લઈ પોતાનો જન્મદિવસ મનાવવા બહાર નીકળી ગયા.
હોસ્પિટલ માં રાઉન્ડ મારી ડો. ચિંતન તાજ હોટેલ માં NRI મિસ્ટર ત્રિવેદી ની એપોઈન્ટમેન્ટ એટેન્ડ કરવા નીકળ્યા.
તાજ હોટેલ પહોંચી રિસેપ્શન પર પોતાની ઓળખાણ આપી મિસ્ટર ત્રિવેદી ની પુછપરછ કરી, કાઉન્ટર પરની મહિલા રિસેપ્શનીશસ્ટે ત્રિવેદી ને કોલ લગાડી વેરીફિકેશન કરી ડો. ચિંતન ને પરવાનગી આપી કીધું મિસ્ટર ત્રિવેદી પંદરમા ફ્લોર પર રૂમ નં ૧૫૦૧ માં છે.
રૂમ પર પહોંચી ડો. ચિંતને દરવાજે ટકોરા માર્યા, અંદરથી અવાજ આવ્યો કમ ઈન.
હળવેથી દરવાજા ને ધક્કો મારી ડો.ચિંતન રૂમ ની અંદર દાખલ થયા સામેજ કાચમાંથી અરબી સમુદ્ર ઘુઘવાટ કરતો દેખાયો, ટીપોય પર કેક પડી હતી પણ રૂમ માં કોઈ હાજર નહોતું, ડો. ચિંતન અવઢવમાં હતા એટલામાં અંદરથી અવાજ આવ્યો ડોક્ટર સાહેબ બેસો અને મોંઘા સુટ માં સજ્જ, આંખે ગોગલ્સ, માથાપર હેટ પહેરી મિસ્ટર ત્રિવેદી બહાર આવ્યા અને અંદર ની રૂમ તરફ જોઈ બોલ્યા ડાર્લિંગ બહાર આવ
જો ડોક્ટર સાહેબ આવી ગયા છે.
ડો. ચિંતન ધારી ધારી ને મિસ્ટર ત્રિવેદી ને જોવા લાગ્યા એના પગ નીચેથી ધરતી સરકતી લાગી અને મોઢામાંથી રાડ નીકળી ગઈ પપ્પા તમે ?
એટલા માં તો સાધના બેન અંદર થી બહાર આવ્યા અને દર્શન ભાઈ ની બાજુમાં ઊભા રહ્યા, આંખો પરથી ગોગલ્સ ઉતારતા દર્શન ત્રિવેદી બોલ્યા હા બેટા હું આમ તો તારી પાસે અમારા માટે ટાઈમ નથી પણ આજે તારા આખા દિવસ ની ફી ચૂકવી ને તને અહિંયા બોલાવ્યો છે એટલે તું આખો દિવસ અમારી સાથે રહેવા બંધાયેલો છે.
જો તે અમારા માટે થોડો સમય કાઢ્યો હોત તો અમને આ કરવાની જરૂર ન પડત પણ પૈસા સીવાય તારી પાસે વાત ન્હોતી એટલે તારી એપોઈન્ટમેન્ટ ફીક્સ કરી મારો જન્મદિવસ તારી સાથે ઊજવવાની આઇડિયા કરી તારા પૈસે તને જ અહિંયા બોલાવ્યો.
સાધના બેન બોલ્યા બેટા અમે અમારા શોખ પુરા કરવાને બદલે તને ભણાવી ડોક્ટર બનાવ્યો કે પાછળની જીંદગી આરામ થી તારી સાથે વિતાવી શકાય પણ અમારી એ ઈચ્છા તો તારા મહત્વકાંક્ષી સ્વભાવ માં તણાઈ ગઈ. અને તને મળવા અમારે આવા નાટક કરવા પડ્યા.
સાંભળી ડો. ચિંતન ની આંખોમા આંસુ આવી ગયા અને પપ્પાને ભેટી પડી માફી માંગી પોતાની ભૂલ કબૂલ કરી અને હવે પોતાના મમ્મી પપ્પા માટે જરૂર સમય કાઢસે એમ પ્રોમીસ કર્યુ.
સાધના બેન અને દર્શન ભાઈ ના આંખોમા પણ આંસુ આવી ગયા પણ એ આંસુ ખુશીના હતા.
બધાએ કેક કાપી જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને સાથે ઘરે ગયા.

~ અતુલ ગાલા, કાંદીવલી, મુંબઈ