mrutyunu madhyantar - 4 books and stories free download online pdf in Gujarati

મૃત્યુનું મધ્યાંતર - 4

પ્રકરણ- ચોથું/૪

બે દિવસ બાદ સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ ઘરનું બધું જ નિત્યક્રમ આટોપીને ઈશિતાએ કોલ લગાવ્યો આદિત્યને.પણ કોલ રીસીવ ન થયો. ફરી પ્રયત્ન કર્યો, ફરી એ જ પરિણામ. એટલે ઈશિતાએ મેસેજ છોડી દીધો. એ પછી તેના કામે વળગી ગઈ. છતાં ચિત આદિત્યના કોલની પ્રતિક્ષામાં જ હતું. આશરે કલાક પછી પણ આદિત્યનો કોલ ન આવતાં ઈશિતાને નવાઈ લાગી. આવું પહેલાં કયારેય બન્યું નહતું. એટલે નંબર રીડાયલ કર્યો. કોલ રીસીવ થયો.

‘હેલ્લો.. ઈશિતા એક અરજન્ટ મીટીંગમાં છું. કામ પતાવીને કોલ કરું.’ આટલું બોલીને આદિત્યએ કોલ કટ કર્યો.

આટલી વાતમાં ઈશિતાને નવાઈ એ વાતની લાગી કે આદિત્યના ટોનમાં ઘણો ફર્ક મહેસુસ થયો. એક દમ દબાયેલો અને અવાજ લાગ્યો. એ પછી ઈશિતાના દિમાગમાં જાત જાતના તર્ક-વિતર્ક આવવાં લાગ્યા.

ડ્રોઈંગરૂમમાં શાક સમારતા ઈશિતાની મમ્મી સાવિત્રીબેને બાજુમાં સોફા પર બેસીને ન્યુઝ પેપર વાંચતા ઈશિતાના પપ્પા બાબુરાવને હાથ ઝાલીને ઈશારો કર્યો એટલે બાબુરાવ બોલ્યા,

‘દીકરા ઈશિતા જરા અહીં આવજે તો.’
તેના રૂમમાંથી જવાબ આપતાં ઈશિતા બોલી.

‘બે મીનીટમાં આવું પપ્પા.’

સાવિત્રીબેન, બાબુરાવને ઈશારાથી કંઇક સમજાવી રહ્યા હતાં, ત્યાં જ ઈશિતા આવીને સાવિત્રીબેનની બાજુમાં આવીને બેસતાં બોલી,
‘જી પપ્પા બોલો, શું કહો છો ?”

‘બે દિવસથી ક્યાં આટલી બીઝી થઇ ગઈ છે કે તારા રૂમમાંથી બહાર જ નથી નીકળતી.’
‘પપ્પા ટ્રાન્સલેટીંગ જોબ વર્કની એક બીગ ડીલ સાઈન કરી છે. એટલું બધું કામ છે કે
કમ સે કમ ડેઈલી આઠ થી દસ કલાક કામ કરીશ તો પણ બે વર્ષ તો લાગશે જ એમ સમજી લો.’

‘ઓહહ.. હો આ ચમત્કાર કયારે થયો ?’

‘જસ્ટ, બે દિવસ પહેલાં જ, તમને બન્નેને આ ખુશખબરી આપવાં માટે એટલે રાહ જોઈ રહી હતી કે, એક વીકમાં ફાઈનલ ટચ આપીને ટ્રાયલ કોપી પબ્લિશરને આપી દઉં એટલે એગ્રીમેન્ટ એમાઉન્ટના ટોકન પેટે મને ૫૦,૦૦૦ની રકમનો ફર્સ્ટ ચેક મને મળી જાય એ પછી તમને સરપ્રાઈઝ આપવી હતી.’

ઈશિતાની વાત સાંભળીને સાવિત્રીબેન અને બાબુરાવ બન્ને આનંદ સાથેના આશ્ચર્ય ભાવ સાથે એકબીજાની સામું જોઇને હરખાતાં હોવાનો ડોળ કરતાં રહ્યા.

‘તે તો દીકરા બહુ મોટો ઠેકડો માર્યો હો.’ સાવિત્રીબેન બોલ્યા.
‘પણ, દીકરા આવડું મોટું કામ તને મળ્યું કઈ રીતે ? કોઈના રેફરન્સથી ?” બાબુરાવ એ પૂછ્યું.

‘પાર્શ્વનાથ પબ્લિકેશનના ઓનર હર્ષદભાઈએ સોશિયલ મીડિયા સર્ચ કરતાં મારો સંપર્ક મળ્યો. ખુબ સરળ અને સીધા માણસ છે.’
સાવિત્રીબેનએ ઈશારમાં કહ્યું.’

‘પણ, તમને શું કામ હતું ઈશિતાનું હવે એ તો કહો ?’

‘અરે, હા જો યાદ આવ્યું, ઈશિતા અજીત કેમ છે ? છેલ્લાં આઠ દસ દિવસથી તે
અજીતના કોઈ સમાચાર અમને આપ્યા નથી. ઓલ ઈઝ વેલ ?’

અચનાક અજીતનો ઉલ્લેખ થતાં એક ક્ષણ માટે સ્હેજ ઝંખવાયા પછી તરતજ ઉત્તર આપતાં ઈશિતા બોલી,

‘અરે, હાં પપ્પા, જો હું તમને કહેતા જ ભૂલી ગઈ કે....’

‘અજીતએ લગ્ન કરી લીધા છે એ વાતની તમને જાણ કરતાં ભૂલી ગઈ એમ ?

ઈશિતાની વાત કાપતાં બાબુરાવએ, ઈશ્વરે સજાવેલા સંજોગના સેટ પર જાણવા છતાં સૌ એકબીજાથી અજાણ્યા બનવાની એક્ટિંગથી કંટાળીને ઘટસ્ફોટ સાથે એક ઝાટકે પડદો પાડી દીધો.

આટલાં શબ્દો સાંભળતા તો ઈશિતાના પગ તળેથી ધરા ખસકી ગઈ. મમ્મી પપ્પા પર શું વીતશે ? એ ડરથી પરાણે દાબી રાખેલા દર્દનો બાંધ તૂટી પડ્યો. બાબુરાવ અને સાવિત્રીબેનની ભરાઈ આવેલી આંખો જોઇને આદિત્યના ભરોસે કરી રાખેલા મક્કમ અને મજબુત મનનો મહેલ તાસના પત્તાની માફક ફસકીને ઢળી તેમ એક હળવી ચીસ સાથે ઈશિતા

‘પપ્પાઆઆઆઆ.......’ કહીને બાબુરાવની છાતીએ વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી.

‘બેટા, આમ જો મારી સામું..’ સાવિત્રીબેન આટલું બોલ્યાં ત્યાં ઈશિતાએ તેનું માથું તેમના ખોળામાં મૂકી દીધું.
થોડીવાર બંનેએ ઈશિતાને રડવા દીધી.

પછી બાબુરાવ બોલ્યાં,

‘દીકરા, કોઈ અસંસ્કારીની ઉઘાડી નાગાઈ અને નફ્ફટાઈ માટે તું સ્વયંને અપરાધી સમજી, મનોમન દુઃખી થઈને શા માટે અને કઈ ભૂલની સજા તારી જાતને આપી રહી છે ? તને કઈ વાત પરથી એવું લાગ્યું કે અમે તને નહીં સમજી શકીએ ? બસ, આપણે સૌ સંજોગના શિકાર છીએ. આ આખીએ ઘટનામાં તારો લેશમાત્ર પણ વાંક નથી. અને જો કે જે થયું એ સારું જ થયું, લગ્ન પછી આ પરિસ્થિતિ ઊભી થઇ હોત તો ? અને દુનિયાની કઈ એવી વ્યક્તિ છે જેનાથી ભૂલ નથી થઇ. ?
સાવિત્રી બેને પાણીનો ગ્લાસ આપતાં, પાણી પીધા પછી ઈશિતાએ પૂછ્યું.

‘પણ આ વાતની જાણ તમને...’

પરમદિવસે અજીતના પપ્પા, મનોહરનો કોલ આવ્યો હતો કે અજીતના મમ્મી ઉષાબેન કંઇક અગત્યની વાત કરવાં માંગે છે તો આપ બન્ને ઘરે આવી જાઓ’
અગત્યની વાત અને ઘરે બોલાવે છે ? હું ને તારી મમ્મી બન્ને ટેન્શનમાં આવી ગયા કે એવી તે કઈ વાત હશે ? ફટાફટ અમે બન્ને ત્યાં પહોચ્યાં. એ સમયે આદિત્ય પણ ત્યાં હાજર હતો.’

‘આદિત્ય, ત્યાં હતો. ?
સ્હેજ આંખો પહોળી કરતાં અતિ આશ્ચર્ય સાથે ઈશિતાએ પૂછ્યું.

‘જી, હાં, આદિત્ય. અને પછી વાત કરતાં જાણ થઇ કે.. આદિત્યના કહેવાથી જ અમને બંનેને બોલાવમાં આવ્યા હતા.’

‘શું વાત કરો છો પપ્પા ? આદિત્યના કહેવાથી ? આઈ કાન્ટ બીલીવ ધીઝ.’

‘જી, તને વાત કરી એના બીજા જ દિવસે આદિત્ય સ્વેચ્છાએથી તેમના ઘરે ગયો હતો. હજુ આદિત્ય કશું પૂછે કે બોલે એ પહેલાં તો મનોહર અને ઉષાબેન બન્ને ચોધાર આંસુએ રડવાં લાગ્યા હતા. પછી આદિત્યએ પૂછ્યું કે અજીતની આ શરમજનક હરકતમાં ઈશિતા કે તેના પરિવારનો શું વાંક ? અજીતની આ કોઈપણ સંજોગોમાં માફ ન કરી શકાય એવી ભૂંડી ભૂલથી આ ઘડીએ ઇશિતાના પરિવાર પર આવી પડેલી આ અણધારી આફતમાંથી તેમને ઉગારવાની સપૂર્ણ જવાબદારી તમારા શિરે છે.’

અમો બન્ને જેવાં અંદર દાખલ થયાં ત્યાં જ ઉષાબેન તારી મમ્મીને વળગીને રડવા લાગ્યા. હું હજુ કશું સમજુ એ પહેલાં તો મનોહર મારા પગે પડવા લાગ્યા. પછી આદિત્યએ માંડ માંડ બન્નેને શાંત પાડ્યા. પાણી પીવડાવ્યું અને મનોહરે રડતાં રડતાં ત્રુટક ત્રુટક શબ્દોમાં વાત કરતાં ગયા અને તારી મમ્મી પણ રડતી રહી.
અમને બંનેને હાથ જોડીને ખુબ કાલાવાલા કરીને છેક સુધી માફી માંગતા રહ્યા.
તેમની હાલત જોઇને મારું તો હ્રદય દ્રવી ઉઠ્યું કે આવા દેવતાના જેવા દંપતીને ત્યાં આ દાનવ એ ક્યાં જન્મ લીધો ? એ બન્ને એ તો કહ્યું કે અમે તો આજથી અજીતના નામનું નાહી નાખ્યું છે.’

અંતે છુટ્ટા પડતી વખતે સૌના મનમાં એક જ સવાલ હતો કે.. ઈશિતાને આ વાતની જાણ કોણ અને કંઇ રીતે કરે ? ઈશિતા આ આઘાત કેમ કરીને સહન કરશે ? મનોહર બોલ્યા,

‘અમે બન્ને ક્યાં મોઢે ઈશિતાની માફી માંગીશું ?’

એટલે છેવટે આદિત્ય બોલ્યો.

‘હવે એ ચિંતા તમે ન કરો..કેમ કે ઓલરેડી ઈશિતાને આ વાતની જાણ થઇ ચુકી છે.’

આટલાં શબ્દો સાંભળતા વેત અમે ચારેય સ્તબ્ધ થઈને સ્થિર થઇ ગયા. સૌના મોઢાં ઉઘાડા રહી ગયા. આંખો નીતરતી રહી. તારી મમ્મીને માંડ માંડ સંભાળી પણ મારી છાતી ગજ ગજ ફૂલી ગઈ દીકરા. અજીતનો વેર જેવો ઝેરનો ઘૂંટડો તું એકલી પી ગઈ ? આવડી મોટી થઇ ગઈ હેં દીકરા ?

આટલું બોલતાં તો બાબુરાવની પણ અશ્રુધારાની સરવાણી ફૂટી પડતાં ઈશિતાને ગળે વળગાળી લીધી,
‘પણ પપ્પા આ વાત આદિત્યએ મને કેમ ન કરી ? આજે મેં તેને બે કોલ પણ કર્યા, પણ વ્યસ્ત છે એવો જવાબ આપીને મારી કશી વાત સાંભળ્યા વિના જ મને ટાળી દીધી. હવે આવવા દે તેનો કોલ, ક્લાસ લઈને જ રહીશ.’
ઈશિતાના માથા પર હાથ ફેરવતાં સાવિત્રીબેન બોલ્યા,

‘હવે જે થયું એ કોઈ ગંભીર અકસ્માત માંથી ઉગરી ગયા એવો સકારત્મક વિચાર કરીને બધું ભૂલી જજે. આમાં પણ કોઈ ઈશ્વરનો શુભ સંકેત હશે.’

એ પછી છેક સાંજે પાંચ વાગ્યે આદિત્યનો ઈશિતા પર કોલ આવ્યો,
કોલ ઉઠાવતાં સ્હેજ ગુસ્સાના ટોનમાં ઈશિતા બોલી
‘બોલ.’

‘સોરી આજે સવારથી જ પપ્પાની સાથે હતો અને વર્કલોડ પણ વધારે હતું તો ઠીકથી વાત નથી કરી શક્યો બોલ.’

‘બે દીવસથી તું ક્યાં ગાયબ છે ? અને આ તારો અવાજ કેમ આટલો ધીમો થઇ ગયો છે ? આર યુ ઓ.કે ?'

‘અરે હા હન્ડ્રેડ પરસેન્ટ. મને શું થવાનું હતું ? તું બોલ, કેમ યાદ કર્યો ?’

‘આ શું છે આદિ ? તે જ મને ના પડી હતી મમ્મી, પપ્પાને વાત કરવાની અને તું ખુદ જાતે જ...’

અધવચ્ચેથી જ ઈશિતાની વાત કાપતાં આદિત્ય બોલ્યો..

‘ઈશિતા.. ઈશિતા... પહેલાં તું શાંતિથી મારી વાત સાંભળ. તને વાત કરી, તે રાત્રે મેં ખુબ વિચાર કર્યો કે...અજીતની આ રહસ્યકથા જેવી લાઈફમાં આવેલાં અણધાર્યા ટ્વિસ્ટમાં તેમના પેરેન્ટ્સની પડદા પાછળ કોઈ ભૂમિકા તો નથી ને ? એટલે હું તો સાવ અજાણ્યો થઈને અજીતના ઘરે જઈને માત્ર એટલું જ પૂછ્યું કે છેલ્લાં દસેક દીવસથી અજીતનો કોઈ સંપર્ક નથી તો...

હજુ મારું વાક્ય પૂરું થાય એ પહેલાં તો તેમના પેરેન્ટ્સનું રુદન શરુ થઇ ગયું. બન્ને ખુબ જ શર્મિંદા હતા. પછી મેં વિચાર્યું કે આ જ યોગ્ય સમય છે તારા મમ્મી,પપ્પાને સમજાવી, સમગ્ર ઘટનાથી વાકેફ કરીને સમંત કરવાનો. એટલ મેં સમય ગુમાવ્યા વગર તરત જ તારા મમ્મી, પપ્પાને ત્યાં બોલાવી લીધા હતા.’

‘હાં..આદિ પપ્પાએ મને બધી જ વાત કરી. આદિ, અજીતે બેશરમ થઈને જે કરી બતાવ્યું તેના વિચાર માત્રથી હું થથરી ઉઠું છું. આદિ,મને મારી જાત પર એક જ વાતનું આશ્ચર્ય થાય છે કે, મેં એ વ્યક્તિમાં મારા નિર્દોષ અને નિસ્વાર્થ પ્રેમનો અંશ જોયો ?

અજીતની અર્થહીન વાતનો છેદ ઉડાડવા આદિત્યએ પૂછ્યું.

‘પણ, તને શું કામ હતું એ તો કહે ?’
‘આદિ, મેં તને કહ્યું હતું કે તને સમય મળે ત્યારે મને આવડું મોટું કામ મળ્યું છે તો આપણે મહાદેવની મહેરબાની માનવા મંદિરે જવાનું છે.’
સ્હેજ વિચાર્યા પછી આદિત્ય બોલ્યો,
‘સોરી, ઈશિતા આજે તો પોસિબલ નથી, અને કદાચને...’
‘કેમ શું થયું ? કેમ અટકી ગયો.. કદાચને.. આગળ બોલ.’
‘હું આજે રાત્રે નીકળું છું, પુના અને નાશિક. એકાદ મહિનાની ટુર માટે. પપ્પાની તબિયત થોડી ઠીક નથી તો બીઝનેસ રીલેટેડ મીટીંગ્સ અને ડીલ માટે મારે જ જવું પડે તેમ છે. તો....’
‘પણ આમ અચનાક.. તો હવે તું મુંબઈ કયારે આવીશ ?
નવાઈ સાથે ઈશિતાએ પૂછ્યું.
‘એકાદ મહિનો તો ખરો જ. કેમ કે એક નવા પ્રોજેક્ટ પર કામ શરુ કરવાનું છે. અને પપ્પાને થોડો આરામ આપવો પણ જરૂરી છે એટલે અલ્મોસ્ટ બધું કામ મારે જ હેન્ડલ કરવું પડશે.’

‘ઠીક છે. બટ કોન્ટેક્ટમાં રહેજે. બાય.’
‘બાય.’ કહીને આદિત્યએ કોલ કટ કર્યો.
રાઈટીંગ ટેબલ પર ફોન મુકીને ઈશિતા તેના રૂમમાં આવીને બેડ પર આડી પડી અને તેના વિચારો ઉભાં થયા. પહેલી વાર આદિત્યની વાત ઈશિતાના ગળે ઉતરતી નહતી. ઈશિતાને યાદ નથી કે જ્યારથી આદિત્યના પરિચયમાં આવી ત્યારથી આજ દિન સુધી કોઈપણ પરિસ્થિતિમાં, કોઈપણ સંજોગોમાં આદિત્યએ તેની પાસે ઈશિતા માટે સમય નથી એવું કહ્યું હોય. અડધી રાત્રે પણ ઈશિતા કહે એટલે દોડતો આવી જાય ખરો. પણ.. આજે..? કોઈ તાળો મેળવવા, વિચારોની ભરચ્ચક ભીડમાં આમથી તેમ ક્યાંય સુધી ભાટકતી રહી.

પછીના દિવસોમાં ઈશિતા તેના કામે વળગી ગઈ.

અઠવાડિયા પછી.. સાત દીવસમાં આદિત્ય સાથે માત્ર બે જ વખત ઔપચારિક વાતચીત થઇ હશે. અચનાક બદલાઈ ગયેલા આદિત્યના બિહેવિયરથી ઈશિતા તેના કામમાં પણ એકાગ્રતા અને સભાનતા નહતી કેળવી શકતી.

દિવસો જતા જતા અધીરાઈ અને અકળામણ નું સ્થાન શંકાએ લીધું. આદિત્યમાં ઇશિતાની વિચારશક્તિ બહારના આવેલાં પરિવર્તનથી કયારેક બન્ને વચ્ચેની ફોન પરની ટૂંકી વાર્તાલાપમાં પણ ગુસ્સો અગ્રસ્થાને રહેતો. અંતે ઈશિતા ફોન મૂકીને રડી લેતી.

આજે એક મહિના પછી પણ આદિત્યને મળવાના કોઈ અણસાર દેખાતા નહતા.
આજે ઈશિતા આદિત્યને લઈને અત્યંત વ્યાકુળ અને ગુસ્સામાં પણ હતી. હવે તેની શંકા દ્રઢ થવા લાગી કે કંઇક એવી વાત છે જે આદિત્ય મારાથી છુપાવી રહ્યો છે ?
હવે ઈશિતાની આતુરતાનો અંત આવી ગયો હતો. અચનાક તેના દિમાગમાં વિચાર સુજ્યો કે આદિત્યની બહેન શ્રુતિને કોલ કરું, શાયદ તેની પાસેથી કંઇક જાણકારી મળે.

તરત જ કોલ ડાયલ કર્યો. શ્રુતિને.
‘હેલ્લો..’
‘હેલ્લો.. શ્રુતિ. ઈશિતા.. ઈશિતા દિક્ષિત. ઓળખાણ પડી.?
‘મુંબઈમાં બે જ દિક્ષિત ફેમસ છે એક માધુરી અને બીજી તું. તને સાંભળીને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું, બોલ કેમ છો ?
‘ઓહ્હ.. બસ હું અને મારું જોબ વર્ક. બોલ તું કેમ છે ?
‘બસ, માસ્ટર્સ કપ્મ્લિટ કર્યું હવે પી.એચ.ડી.ની પ્રીપેરેશન કરું છું, બાકી એઝ રૂટીન. બોલ કેમ યાદ કરી ?

‘અરે યાર આદિત્ય તો આજકાલ સેલીબ્રીટી થઇ ગયો છે કે શું ? ઓલવેય્ઝ બીઝી. બીઝી..એન્ડ બીઝી. ક્યાં છે ક્યાં એ આજકાલ ? મુંબઈ કયારે આવવાનો છે ?

થોડીવાર ચુપ રહીને શ્રુતિ બોલી,
‘ઈશિતા, હું તને બે મીનીટમાં કોલ બેક કરું છું.’
‘જી ઠીક છે’
થોડીવાર પછી શ્રુતિનો કોલ આવ્યો.

‘હાં, હવે બોલ શું પૂછતી હતી તું ?

‘એમ કે આદિત્ય મુંબઈ કયારે આવવાનો છે ? આજે એક મહિનો થઇ ગયો આઉટ ઓફ મુબઈ ગયો તેને. અને કોલ કરું છું તો કોલ પર પણ વ્યવસ્થિત રીપ્લાઈ નથી આપતો એટલે મને એમ થયું કે....’

‘આદિત્ય કયાંય નથી ગયો. અહીં મુંબઈમાં જ છે એક મહિનાથી. અને ઘરે જ છે.એ સદંતર જુત્ઠું બોલે છે તારી આગળ.’ શ્રુતિએ બદલાયેલા સ્વરમાં જવાબ આપ્યો.

-વધુ આવતાં અંકે

© વિજય રાવલ

'મૃત્યુનું મધ્યાંતર ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.

Vijayraval1011@yahoo.com
9825364484