Morale - Self-reliance books and stories free download online pdf in Gujarati

મનોબળ - આત્મબળ

આ વાર્તા એક પ્રાચીનકાળ ના મહાન રાજા ના સમય ની છે. એ રાજા ખૂબ જ પ્રતાપી હતો. તે એના રાજ્ય માં દરેક પ્રજાજનો ને પોતાના જ કુટુંબ ના સભ્ય તરીકે જ ગણતો. એના રાજ્ય માં પ્રજા ખૂબ જ સુખે થી રહેતા હતા.
પરંતુ એને એના ઘડપણ ના દિવસો આ રાજાશાહી છોડી ને એના રાજ્ય થી દૂર એક જંગલ માં વિતાવવા નક્કી કર્યું. એ એની પત્ની ને લઈ ને વિશાળ વન ની સફરે નીકળી પડ્યો. નદીઓ, પહાડો ને વૃક્ષો ના સાનિધ્યમાં તેઓ રહેવા લાગ્યા. આ રાજા ને કોઈ સંતાન હતું નહીં. તેથી એ જંગલ થી નજીક ના ગામ ના બાળકો ને ખૂબ જ લાડ કરતા. તે એમના કામકાજ સિવાય નો સમય આ બાળકો સાથે જ પસાર કરતાં. બાળકો ને ય આ રાજા સાથે ખૂબ જ ફાવી ગયું હતું. રાજા આ બાળકો ને રોજ કંઈ ને કંઈ વાર્તા સંભળાવતા ને એના પરથી જીવન બોધ આપતાં. નાના નાના બાળકો ને આવી વાર્તાઓ સાંભળવા માં ગેલ પડવા લાગી.
ધીરે- ધીરે એમના વચ્ચે નો સંબંધ ગાઢ થવા લાગ્યો, હવે તો આ બાળકો રાજા ના રહેઠાણ સ્થળ સુધી આવવા લાગ્યા ને ત્યાં જ કલાકો સુધી વાતો સાંભળવા લાગ્યા. રાજા ની પત્ની ય બધા જ બાળકો ને ખૂબ જ પ્રેમ થી જમાડતી, સાચવતી.
એક દિવસ ની વાત છે, રાજા એના રહેઠાણ ની આસપાસ નું ઘાસ દૂર કરતા હતા, ત્યાં બાળકો આવી પહોંચ્યા. એમના હાથ માં ધનુષ બાણ હતું. ને દોડતા આવી ને રાજા ની પાસે ઊભા રહી ગયા. રાજા સમજી ગયો કે નક્કી આ બધા ને કોઈ પ્રશ્ન હશે, એટલે તરત જ બોલી ઊઠ્યો; બોલો આજે શું પ્રશ્ન છે તમારો???..... એક બાળક બોલ્યો, આ બાણ કેટલી દૂર સુધી પહોંચી શકે?, બીજો બાળક એની મશ્કરી કરતો બોલ્યો; હું તો આને હાથ થી પકડી ને આ જંગલ ને પેલે પાર મોકલી શકું છું. ત્યારે પહેલો બાળક બોલ્યો, મિત્ર અહીં માત્ર દૂરી જ નહીં લક્ષ્યાંક ની પણ વાત છે. લક્ષ્ય ને કેટલા દૂર થી ભેદી શકાય?, પ્રશ્ન એ છે.
ક્યારનો મૌન ઊભેલો રાજા હવે એનો ઉત્તર આપે છે: ધનુષ્ય બાણ કેટલે દૂર જશે, એનો આધાર ધનુષ્ય નહીં પણ એને ચલાવનાર મનુષ્ય પર છે. અર્થાત કોઈ પણ શસ્ત્ર એટલું જ ઉપયોગી છે જેટલું મનુષ્ય નું મનોબળ છે, ને કોઈ પણ શાસ્ત્ર એટલું જ ઉપયોગી છે જેટલું મનુષ્ય નું આત્મબળ છે. બાળકો રાજા ના જવાબ થી વધારે ગૂંચવાયા. એમને તો આ શબ્દો જ પહેલી વાર સાંભળ્યા હતાં. રાજા એ બધા બાળકો ના મુખ પર થી વાંચી લીધું હતું કે આમને કંઈ નથી સમજાયું, એટલે સરળતાથી સમજવા એક ઉદાહરણ આપે છે:
"એક જંગલ માં ઘણા વૃક્ષો હતા, જંગલ ના વાતાવરણ માં તે ખૂબ જ ઘટાદાર ને પરિપક્વ હતા. પરંતુ એકવાર આ જંગલ માં વાવાઝોડા સાથે ખૂબ જ વરસાદ પડ્યો ને જંગલ ની સમૃદ્ધિ ને નુકસાન થયું.
ઘણા ખરા વૃક્ષો એમાં જોરદાર પવન ને કારણે જળ મૂળ થી જ ઊખડી ગયાં, પરંતુ અમુક એવા પણ વૃક્ષો હતા જેના પાંદડાં અને પુષ્પો જ ઊખડી પડ્યા હતાં એના થડ સારી એવી પરિસ્થિતિ માં હતાં. સમય પસાર થયો ને ફરી થી વાતાવરણ ખુશનુમા બની ગયું. એ વાવાઝોડા માં જે વૃક્ષો પડી ગયા હતા એ આસપાસ ના લોકો ઈંધણ માટે લઈ ગયાં. જ્યારે જે વૃક્ષો ના થડ અડીખમ રહ્યાં, ધરતી સાથે જોડાયેલાં રહ્યાં એને વખત જતાં ફરી ફળ, ફુલ આવવા લાગ્યા એ ફરી ખીલી ઊઠ્યા ને આવતા જતા પથિકો ને છાંયા આપવા લાગ્યા. આ એ વૃક્ષ નું મનોબળ છે જે એને આટલી વિકટ પરિસ્થિતિ માં પણ હરાવી ના શક્યું. મનુષ્ય પણ આ વૃક્ષો ની જેમ જ છે. આ વૃક્ષો જ સમગ્ર મનુષ્યજાત ને શીખ આપે છે કે જે મનુષ્ય આ વૃક્ષો ની જેમ એમના ધર્મ નો ત્યાગ કરતા નથી એ જ મુશ્કેલ પરિસ્થિતિ ને માત આપી વિજય બને છે.
હવે વાત આત્મબળ ની તો, આ વાવાઝોડા બાદ રોગચાળો ફેલાયો ને આખા જંગલ માં જીવજંતુ ને કીટકો પ્રસરી ગયાં. આમાં કેટલાય વૃક્ષો કોહવાઈ ગયાં ને કેટલાય સૂકાઈ ગયાં. અને કેટલાય એવા વૃક્ષો હતા, જે સારી એવી પરિસ્થિતિ માં હતાં. એમને જીવજંતુઓ રૂપી વિપદા ને માત આપી હતી. આ એમનું આત્મબળ જ હતું જેના થકી એમને આવી વિકટ પરિસ્થિતિ નો સામનો કર્યો હતો. મનુષ્ય માં ય આવું જ છે, જ્યારે મનુષ્ય ના હ્રદય માં જીવજંતુ ને કિટક રૂપી પાપ જન્મે ત્યારે એને એના અંદર ના આત્મબળ થી જ જીતી શકાય છે.
આમ, કોઈ પણ મનુષ્ય ને તેની બહાર ની મુશ્કેલીઓ થી તેનું મનોબળ જીત આપે છે, જ્યારે અંદરુની મુશ્કેલીઓ થી તેનું આત્મબળ હિંમત અપાવે છે. આમ, આત્મબળ ને મનોબળ એકબીજા થી અલગ હોવાની સાથે એકબીજા ના પૂરક બની મનુષ્ય ના જીવનનૌકા તારે છે."

રાજા ની આ વાત સાંભળી દરેકે દરેક બાળક ના મુખ પર પ્રસન્નતા અને સંતોષ ના ચિહ્નો તરી આવ્યા જે જોઈ રાજા એ અનુમાન લગાવી દીધું કે બધા ને એની વાત બરોબર સમજાય છે. બાળકો એ પણ પછી જણાવ્યું એને રાજા ની વાત સાચી છે ને એમને એમનો ઉત્તર મળી ગયો. બધા બાળકો પોતાના ઘર તરફ રવાના થયા ને રાજા એની પત્ની ને મદદ કરવા ગયો.

આ વાર્તા પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવાની સાથે એમના માથી કંઈ ને કંઈ શિખતા રહેવાની શિખ આપે છે.

તમે આ વાર્તા પરથી શું બોધ મેળવ્યો એ જરૂર જણાવજો.......