MENTAL TORTURE - 2 books and stories free download online pdf in Gujarati

માનસિક ત્રાસ ભાગ-૨

માનસિક ત્રાસ ભાગ-૨

આગળના અંકમાં સીતાના ગુસ્સાના કારણે મનનને જે શારિરીક ખોડખાપણ થઇ તેની ચર્ચા કરી. હવે આગળ...

સીતા મનનની મોટી બહેન હતી એટલે માતા-પિતાના સંસ્કાર હેઠળ તે સીતાને દરેક વખતે માન-સન્માન આપતો. પરંતુ સીતા તો તૂંડ મિજાજી હતી. એને સારૂ લાગે તો મનન સાથે સારી રીતે વાત કરે અને ગુસ્સો આવે અને મૂડ સારો ન હોય તો મારપીટ પણ કરી લેતી. નાનપણમાં સીતા અને મનન એક જ સ્કુલમાં ભણતા હતા. જ્યારે મનન ધોરણ-૧ માં હતો ત્યારે સીતાએ ધોરણ-૬ માં હોવું જોઇતું હતું પરંતુ એ તે બે વખત એક જ ધોરણમાં નાપાસ થઇ હોવાથી હજુ ધોરણ-૪ માં જ હતી. હવે માતા-પિતાએ મનન અને સીતા બંનેના ભણતરમાં ધ્યાન આપવાનું હતું. મનનના જન્મથી સીતાને મળતો માતા-પિતાનો સમય વહેંચાઇ ગયો. અને ધીરેધીરે મનન તેની બુધ્ધિમતાના કારણે તેના અભ્યાસમાં અવ્વલ નંબર સાથે આગળ વધતો રહ્યો. ત્રણ વર્ષ બાદ સીતાએ એક વર્ષ એવું જોવું પડ્યુ કે જે વર્ષમાં સીતા અને મનન બંને એક જ ધોરણમાં એક જ ક્લાસમાં સાથે ભણતા હતા. સીતાને આ બાબત જરાય ગમતી ન હતી. પરંતુ મનને ક્યારેય પોતાના ભણતરનો રોફ સીતા સામે જતાવવાની કોશિશો નાનપણથી ક્યારેય કરી નથી. અને તે બાબતે મનન ક્યારેય સીતાની મજાક પણ ઉડાવતો ન હતો.

ધીમે-ધીમે મનન સીતાથી ભણવામાં આગળ નીકળી ગયો. તથા એક જ કક્ષામાં વારંવાર નાપાસ થવાથી સીતાની હિંમત ભાંગી પડી. અને માતા-પિતા પણ દુઃખી થઇ ગયા. સ્કુલના સંચાલકો તો સારા સ્વભાવના હતા અને સીતાની માનસિક પરિસ્થિતિથી વાકેફ થઇ ગયેલ એટલે તેના પર દયા રાખી તેને ક્યારેય સ્કુલ માંથી કાયમ માટે રજા આપેલ નહી. સીતાના ક્લાસમાં ઉંમરમાં એ સૌથી મોટી અને છતાં તેનાથી નાની ઉંમરના બાળકો તેની સાથે ભણી ભણીને આગળ નિકળી રહ્યા હતા. જે જોઇને માતા-પિતા પણ ભાંગી પડ્યા અને સીતાને ઘરેથી જ ભણાવવાનું અને શિક્ષા આપવાનું નક્કી કર્યું. અને માતા-પિતાના આ નિર્ણયમાં મનને સાથ આપ્યો. મનન તો તેની બહેનને ખુબ જ પ્રેમ કરતો હતો એટલે તેના માનસિક વિકાસ અને ભણવામાં મદદ કરવા માંગતો હતો. પરંતુ સીતાએ મનનને તેનાથી આગળ નીકળતો જોયો અને અનુભવ્યો હતો એટલે મનમાંને મનમાં સીતાને મનન પ્રત્યે દ્વેષભાવ થઇ રહ્યો હતો. જે મનન ક્યારેક સીતાના તેની સાથેના વર્તનમાં જોઇ શકતો હતો અને માતા-પિતાને જાણ પણ કરતો પરંતું માતા-પિતાએ મનન નાનો છે અને તેને શું બહુ ખબર પડવાની...! તેવું માની લઇને સીતાનું આ વર્તન ધ્યાનમાં લીધું નહી. મનને માતા-પિતાના સીતાને ઘરેથી ભણાવવા માટેના પ્રયત્નોમાં પૂરતો સાથ આપેલો. માતા જ્યારે સીતાને ઘરે ભણાવતા અને મનન તે સમયે ઘરમાં હાજર હોય તો સીતાને ખરાબ લાગતું અને તે કોઇ કારણોસર ભણવા બેસતી નહી. જેનો તાગ મનને મેળવી લેતા જ્યારે માતા સીતાને ભણાવવા બેઠા હોય ત્યારે મનન જાણીજોઇને કોઇક વસ્તુ બજારમાંથી લાવવાના બહાને ઘરની બહાર જતો અને એકાદ કલાક પછી પરત ફરતો. આમ, સીતાનાં વિકાસ માટે મનને તેને આડકતરી રીતે પૂરતો સપોર્ટ કરેલ છે.

મનન ધોરણ-૧૦માં આવ્યો. ધોરણ-૧૦ એટલે ગુજરાત બોર્ડનું વર્ષ આ વર્ષમાં તો ખુબ જ મહેનત કરવી પડે અને વાંચવાને સમય પણ વધુ આપવો પડે. અને વાંચવા માટે ઘરમાં પુરતી શાંતિવાળું વાતાવરણ જોઇએ. પરંતું સીતાને તો મનન સાથે દ્વેષભાવ હતો તથા અધૂરામાં પૂરૂ મનન ધોરણ-૧૦માં હોઇ માતા-પિતા તેના અભ્યાસ, ખાવા-પીવા, સુવા વિગેરેમાં ખુબ જ કાળજી રાખી તેને વધુ પડતું ધ્યાન અને સાર-સંભાળ લેવા લાગ્યા. એટલે સીતાને મનન પ્રત્યે જે દ્વેષભાવ હતો તે હવે ધીરેધીરે નફરતમાં પરિણમી રહ્યો હતો. જે મનન જોઇ શકતો હતો પરંતું માતા-પિતા જોઇ અને સમજી શકતા ન હતા.

મનન જ્યારે ઘરમાં રહીને વાંચતો ત્યારે ક્યારેક સીતા જોર-જોરથી અવાજો કરીને તેને પરેશાન કરતી, તો ક્યારેક તેના પુસ્તકો સંતાડા દેતી, તો ક્યારેક તેના પુસ્તકોના પેઇજો ફાડી નાંખતી. સીતાના આવા વર્તનની ફરિયાદ જો મનન માતા-પિતાને કરે તો માતા-પિતા સીતા પર ગુસ્સો કરે અને સીતા જોર-જોરથી રડીને ઘરનું વાતાવરણ બગાડે એટલે મનન ઘરમાં વાંછી ન શકે, એટલે મનન સીતાના આવા વર્તનની ફરિયાદ માતા-પિતાને કરતો નહી. જ્યારે સીતા લિમીટ ક્રોસ કરીને મનનને પરેશાન કરે ત્યારે મનન રડી પડતો અને ત્યારે માતા-પિતાને સીતાના વર્તનની જાણ કરતો. મોટા ભાગે તો મનન સીતા સાથે પ્રેમથી વાત કરીને તથા તેને વિનંતીઓ કરીને મનાવી લેતો અને સીતાને સમજાવતો કે તેને વાંચવા માટે શાંતિભર્યું વાતાવરણ આપે. સીતા ક્યારેક સમજી જતી અને મનનના કહ્યાથી જ મનનને વાંચવા દેતી.

સીતા લાગણીશીલ પણ હતી એટલે જો મનન કે માતા રડી પડે તો સીતાને પણ તેમના આંસુઓ જોઇને રડવું આવી જતું અને ત્યારે તેને તેની ભુલ સમજાતી અને માતા-પિતા તથા મનનની માફી માંગતી.

સીતા ભણી ન શકી એટલે માતા-પિતાએ તેને ભક્તિભાવ તરફ વાળાવાનો પ્રયાસ કર્યો. આમ પણ સીતા પહેલેથી જ ભગવાનમાં શ્રધ્ધા રાખતી હતી તથા ઘરમાં રોજ સવારે ભગવાનની નિયમિત પૂજા થતી અને માતા-પિતા રોજ સવારે મંદિરે ભગવાનને જળ ચઢાવવા જતા જેથી સીતા રોજ તેમની સાથે જતી. આમ, ધીરે-ધીરે સીતા ભગવાનની ભક્તિભાવ તરફ વળી. સીતાને દિવસનાં ૨૪ કલાક પસાર કરવા માટેની પ્રવૃત્તિઓ રૂપ એક માર્ગ મળ્યો. એટલે એ સવારે અને સાંજે રોજ ભજનો, ભગવાનની વાર્તાઓ, કથાઓ વાંચતી અને મંત્રો-જાપ લખતી અને બાકીના સમયમાં માતાને ઘરના કામ-કાજમાં મદદરૂપ થતી. જ્યારે મનન ઘરમાં વાંચવા બેસતો ત્યારે સીતા પણ તેની સાથે ભગવાનની કથા-વાર્તાઓનું પુસ્તક લઇને બેસતી અને વાંચતી. આમ, મનનનાં વાંચવાના સમય દરમ્યાન સીતા વ્યસ્ત રહેવા લાગી જેથી મનનને ઘરમાં અભ્યાસ કરવા માટે થોડી શાંતિ મળી. દિવસો વિતતા ગયા. મહિનાઓ વિત્યા. મનને ધોરણ-૧૦ની પરિક્ષા આપી. પરિણામ આવ્યું અને સારા માર્કસ્ સાથે પાસ પણ થયો. મનન અને સીતાની વધુ વાતો સાથે ફરી મળીશું આવતા અંકે...