Wolf Dairies - 5 books and stories free download online pdf in Gujarati

વુલ્ફ ડાયરીઝ - 5

“તેને ભાન આવે તો તરત જ મને જણાવજો.” શ્લોક અને રોમીને કહીને ક્રિસ પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો.

તે છોકરીને પલંગ પર સુવડાવી હતી. બાજુના ટેબલ પર શ્લોક તેની પાસે બેઠો હતો. અને સહેજ દુર આવેલા સોફા પર રોમી સુતો હતો.

શ્લોકનું ધ્યાન એ છોકરી પર જ હતું. તેણે લીલા રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તેના કાળા વાળ કમર સુધીના હશે. તેનો ચહેરો બહુ જ સુંદર હતો. તેની આંખો મોટી હતી. અને નાક એકદમ લાંબુ અને પાતળું. તેનું શરીર પણ સપ્રમાણ હતું. તેનો વાન બિલકુલ ઉજળો હતો.

અચાનક જ તેણે પોતાનો હાથ હલાવ્યો.

“રોમી... જલ્દી આવ.” શ્લોકએ સુતા રોમીને ઉઠાડ્યો.

“હા. શું થયું?” થાકના લીધે સુઈ ગયેલા રોમીએ ઉઠતા કહ્યું.

“તેને ભાન આવી રહી છે. જલ્દી સરને બોલાવી લાવ.” શ્લોકએ હુકમ કર્યો.

“હા” કહીને રોમી ક્રિસના રૂમ તરફ વળ્યો.

“મારું માથું.” તેણે ધીમેથી આંખો ખોલી અને માથા પર હાથ મુક્યો.

“ધીમેથી..” શ્લોકએ તેના ખભાને સહારો આપતા કહ્યું.

“હું... અહી...” અચાનક જ તેની આંખો સામે કોઈ દ્રશ્ય આવી ગયું હોય તેમ તે ગભરાઈ ગઈ.

“નહિ.. મારી સાથે રહે.. મને ડર લાગે છે.” કહેતા તેણે શ્લોકનો હાથ મજબુતીથી પકડ્યો. અને રડવા લાગી.

“હું અહી જ છું. તારી સાથે. ડરીશ નહિ.” તેની પાસે પલંગ પર બેસતા શ્લોકએ કહ્યું.

“મને એકલી ના મુકીશ.” તે શ્લોકને વળગીને રડવા લાગી.

“હા.” શ્લોક તેના માથા પર હાથ ફેરવીને તેને ચુપ કરાવા લાગ્યો. અને પછી તેને પાણી આપ્યું.

“એ આવે છે.” અચાનક જ રૂમમાં પ્રવેશતા રોમીએ કહ્યું. રોમીના આવતા તે બંને અલગ થયાં.

“કેવું છે હવે?” રૂમમાં પ્રવેશતા ડોક્ટર ક્રિસએ કહ્યું.

“અંકલ ક્રિસ.” અચાનક જ આશ્ચર્ય પામતા તે છોકરીએ કહ્યું.

“શ્લોક, રોમી મારે તેની સાથે વાત કરવી છે. અમને બે મિનીટ આપશો?” તેમણે ધીમેથી કહ્યું.

શ્લોક અને રોમી બંને બહાર નીકળી ગયા.

“તેમને એવી તો શું વાત કરવી હશે?” બહાર ઉભા રહેલા રોમીએ કહ્યું.

“તે કદાચ આ છોકરીને સમજાવતા હશે કે તે કોઈ લીગલ એક્શન ના લે. નહિ તો આપણે તેને જે મોટો પાટો આપ્યો છે તે જોઇને તો કોઈને પણ ગુસ્સો આવી શકે. અને તે બહુ ડરી પણ ગઈ છે. એટલે તેને સમજાવતા હશે.” શ્લોકએ પોતાના વિચાર જણાવ્યા.

“સેમ, તું અહી શું કરી રહી છે બેટા?” ક્રિસએ તેની પાસે બેસીને કહ્યું.

“હું... અમે બધા સાથે હતા..” યાદ કરતા સેમએ કહ્યું.

“જેકનો જન્મદિવસ હતો. અમે બધાએ ટ્રેડીશનલ કપડા પહેરવાની થીમ રાખી હતી. મમ્મી પાપા બધા જ અંકલ આન્ટી ત્યાં હતા. અચાનક જ એક ધમાકો થયો. અને હું દુર જઈને દીવાલ સાથે અથડાઈ. મેં ધીમેથી મારી આંખો ખોલી. અમુક લોકો હતા ત્યાં જેમણે કાળા કપડા પહેર્યા હતા. તેમના ચહેરા પણ માસ્કથી ઢંકાયેલા હતા. તેમના કોઈના ચહેરા દેખાતા નહોતા. તેમાંથી એક એ મને પકડીને ઉંચી કરી. જેક મારી સામે હતો. તેમાંથી એક એ તેને જોરથી લાત મારી. તેને કોઈ વળતો હુમલો કર્યો નહિ. પણ તેમાંથી એક એ મને થપ્પડ મારી. હું જમીન પર ઢળી ગઈ. તે વ્યક્તિએ મને ફરી ઉભી કરી... અને પછી જેક.. મેં જે જોયું છે તેના પર મારી આંખો વિશ્વાસ નથી કરી શકતી.

જેક જેને હું એટલા વર્ષોથી જાણું છું ઓળખું છું તે વ્યક્તિ એક વુલ્ફમાં ફેરવાઈ ગયો. એક મોટા ભેડીયામાં.. અચાનક જ જાણે યુધ્ધ શરુ થઇ ગયું હોય તેમ એક લોકો લડવા લાગ્યા.

“સેમ ભાગ.” મમ્મીએ મને બુમ પાડી.

હું ભાગવા લાગી. અને તે લોકો મારી પાછળ જ દોડી રહ્યા હતા.

“આ તરફ જલ્દી..” મને એક ગુલાબી પ્રકાશ દેખાયો... જે મમ્મીના હાથમાંથી નીકળી રહ્યો હતો.

હું તેમાં કુદી પડી. અને અચાનક જ મારી સામે એક કાર આવી ગઈ અને હું બેહોશ થઇ ગઈ.

“આ બધું શું હતું? પ્લીસ મને કંઇક તો જણાવો.” સેમ રડવા લાગી.

“સેમ, તું નબળી વ્યક્તિ નથી. તારે ડરવાની પણ કોઈ જરૂર નથી. હું છું તારી સાથે.” ક્રિસએ તેના માથા પર હાથ ફેરવી તેને શાંત પાડી.

“જેક.. મને જેક પાસે જવું છે. એ ઠીક તો..” સેમ કહેવા ગઈ.

“તે ઠીક છે. તેને કઈ નથી થયું. પણ સેમ તારે હકીકત જાણવી પડશે. તું આમ નબળી બનીને ક્યાં સુધી જીવીશ? પોતાને એ લાયક બનાવ જેથી તું દરેક મુસીબતનો સામનો કરી શકે.” ઉભા થતા ક્રિસએ કહ્યું.

“મારે કોની સાથે લડવાનું છે? અને કેમ? તે લોકો મારી પાછળ કેમ પડ્યા હતા? મારા પર આ પહેલા પણ કોઈકએ હમલો કર્યો છે. કોણ કરે છે આ બધું?” સેમએ પૂછ્યું.

“એ જાણવામાં હજુ ઘણો સમય છે. સમય આવ્યે તું બધું જાતે જ જાણી જઈશ. ત્યાં સુધી રાહ જો. અને તૈયાર રહે. તેનો સામનો કરવા માટે.” ક્રિસએ કહ્યું.

કઈ ના સમજાતા સેમ ચુપ રહી.

“તે જે પણ જોયું તેને હમણાં પુરતું ભૂલી જા. તારા ઘરે બધા સુરક્ષિત છે. પણ તારું અહી રહેવું જરૂરી છે. તારું સુરક્ષિત રહેવું જરૂરી છે. અને તું અહી સુરક્ષિત છે. મેં જેક સાથે પણ વાત કરી છે. જેવું બધું સરખું થશે તે તને લેવા માટે આવશે. ત્યાં સુધી તું અહી જ રહીશ. અને ત્યાંના કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરીશ નહિ.” ક્રિસએ હુકમ કરતા કહ્યું.

“પણ હું અહી કરીશ શું?” સેમએ પૂછ્યું.

“શીખીશ... મજબુત બનતા. તું અહી મારી પાસેથી ટ્રેઈનીંગ લઈશ.” પાછળ ફરીને ક્રિસએ કહ્યું.

“તું એક નબળી વ્યક્તિ છે. તારુ પોતાનું કોઈ અસ્તિત્વ નથી.” સેમના કાનમાં જૂનો એક અવાજ ગુંજતા તેણે હકારમાં માથું હલાવ્યું.

“અને એક વાત યાદ રાખજે. તું અહી ઇન્ડિયામાં છે. તો તું અહીના લોકોની જેમ જ રહીશ. તારું નામ સિયા છે. અને તું મારી એક મિત્રની દીકરી છું. તું અહી કોમ્પ્યુટરનો કોર્સ કરવા આવી છું. અને અહી જ અમારી સાથે રહીશ. આપણી ટ્રેઈનીંગની વાત તું કોઈને પણ જણાવીશ નહિ. તારો પગ ઠીક થઇ જશે પછી આપણે કામ ચાલુ કરશું. હવે આરામ કર.” ક્રિસએ દરવાજા તરફ જતા કહ્યું.

“ક્રિસ...” સિયાએ કહ્યું.

“હા.” તે પાછળ ફર્યો.

“તમને મળીને ખુશી થઇ. તમે બિલકુલ એવા જ છો જેવા મેં પ્રિયા આન્ટીની વાતોમાં સાંભળ્યું છે.” સિયાએ ખુશ થતા કહ્યું.

માથું હલાવી ક્રિસ બહાર નીકળી ગયો.

તેનું મન ફરીથી જૂની કડવી યાદોથી જકડાઈ ગયું, જેને તે વર્ષો પહેલા છોડી આવ્યો હતો.

“તે ઠીક છે. જાઓ મળી લો.” બહાર ઉભેલા શ્લોક અને રોમી સામે જોઇને ક્રિસએ કહ્યું.

“હાઈ.. કેવું છે હવે?” રૂમમાં આવતા શ્લોકએ પૂછ્યું.

“સારું.” સિયાએ જવાબ આપ્યો.

“સોરી યાર. કાર હું ચલાવતો હતો. મારા લીધે તને વાગી ગયું. સોરી. પ્લીસ મને માફ કરી દે.” કાન પકડતા રોમીએ કહ્યું.

“વાંધો નહી. મારી પણ ભૂલ હતી, હું જોયા વગર ચાલી રહી હતી.” સિયાએ ધીમા અવાજે કહ્યું.

“હું શ્લોક છું. અને આ રોમી. અમે ડોક્ટર છીએ. ફ્રેન્ડસ?” હાથ લંબાવતા શ્લોકએ કહ્યું. તેના આકર્ષક ચહેરા પરની મુસ્કાન જોઇને સિયાએ પણ હાથ લંબાવ્યો.

“સિયા. કોમ્પ્યુટરમાં હમણાં જ એડમીશન લીધું છે.” તેણે જવાબ આપ્યો.

“અરે વાહ. તારી કોલેજ અમારી હોસ્પિટલની બિલકુલ નજીક છે. આપણે સાથે જઈશું. તારો પગ સરખો થઇ જાય પછી.” હસતા શ્લોકએ કહ્યું.

“અરે નહિ.” અચાનક જ ફોનમાં મેસેજ વાંચતા રોમીએ કહ્યું.

“શું થયું?” શ્લોકએ પૂછ્યું.

“કાલથી જ આપણી ડ્યુટી શરુ થાય છે. મારી મોર્નિંગ છે. તારે ઇવનિંગ છે. હું જાઉં હવે. શ્લોક તું સિયાને સાથ આપ. ધ્યાન રાખજે સિયા.” રોમીએ કહ્યું.

“હા.” શ્લોક અને સિયા બંનેએ સાથે કહ્યું.

“આ પણ અત્યારે જ થવાનું હતું. મારે થોડાં દિવસ હવે ધ્યાન રાખવું પડશે. બને તેટલું સિયા અને શ્લોકથી દુર રહેવું પડશે.” કહીને રોમી પોતાના રૂમ તરફ વળ્યો.

****

● રોમી શ્લોક અને સિયાથી શું છુપાવી રહ્યો હતો?

● ક્રિસ કઈ રીતે જેકને ઓળખતો હતો?

● પ્રિયા કોણ છે?

● ક્રિસ ભૂતકાળની કઈ વાતથી દુઃખી થયો હતો?

● સિયા પર પહેલા કોણે હમલો કર્યો હતો?



ક્રમશઃ