Meeranu morpankh - 5 books and stories free download online pdf in Gujarati

મીરાંનું મોરપંખ - ૫

આગળ જોયું એ મુજબ મીરાંનો પરિવાર હોળીનો ઉત્સવ ઉજવવા ગુજરાતી સમાજમાં પહોંચે છે. હર વખતની જેમ‌ આ વખતે પણ ત્યાં અલગ અલગ હરિફાઈ હોય છે. ગાયકીમાં તો મીરાંએ અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.. હવે આગળ...

કેશવ અને એની ટોળીએ સંગીતખુરશીની હરિફાઈ યોજી. એક પછી એક રમતમાંથી બહાર થતા ગયા એમ એમ બધાને રમતમાં રસ વધતો ગયો. અંતે મોહિત (મીરાંનો ભાઈ) અને કેશવ જ વધ્યા. રસાકસીને અંતે બેય સ્પર્ધકોમાંથી કેશવ જીતે છે. આખા આયોજનના છેલ્લા સમયે મીરાં અને કેશવને ઈનામ આપવામાં આવે છે. બેય અજાણ્યા જ હતા અત્યાર સુધી...હવે બેયની આંખો મળે છે અને મનોમન લાગણીઓ થનગનાટ કરે છે.

બધા જ ઘરે આવે છે. કુમુદ તો બધાના મોઢે મીરાંની ગાયકીના વખાણ સાંભળે છે. એને મીરાં જીતી એની ખુશી નથી. કેશવ (ક્રિશ) જીત્યો એની ખુશી હતી. એ તો મોટા રાગડે બોલે છે મીરાંને કે " મીરાં એ ફુટડો યુવાન તને જીતવાની લાહ્યમાં જ રમ્યો હશે બાકી ભારે શરમાળ છે."
મીરાં પણ મનમાં જ મલકાઈ. એને પણ ક્યાંક મનનાં અંદરના ખૂણે ક્રિશ ગમી જ ગયો હતો.

આ બાજુ ક્રિશ વિશે જાણીએ તો એકદમ સામાન્ય પરિવારનો અતિ આજ્ઞાંકિત પુત્ર હતો. એના માટે એના પપ્પા એટલે સર્વેશ્વર.. એનો હુકમ એટલે એનો સીધો જ અમલ. અહીં બંદૂકની ગોળી ફૂટે કે સીધો હૈયે ઝીલી લેવા તૈયાર એવો આ ક્રિશ...રોજ રાતે એ એના પપ્પા સાથે ખાલી દસ મિનિટ જ વાત કરતો. એ વાતચીતમાં પણ આખા દિવસની દિનચર્યા, કેટલા વાપર્યા,કેટલા કમાયા અને કેટલા ઉડાડયા આ સિવાય નવી કોઈ વાત જ નહીં. કિતાબી કીડા જેવા માણસો તો હોય પણ 'હિસાબી હીરા' જેવા એના પપ્પા હિટલરનો સગા બીજા ભાઈ જ હશે.

દિવસે - દિવસે મીરાં નવી નવી રસોઈ બનાવતા શીખી
ગઈ છે. એ અને કુમુદ ઘરે હોય ત્યારે રસોઈઘર એટલે એક સંશોધન કેન્દ્ર સમજી જાતજાતના પકવાન શિખતા. જો એ વાનગી સુધરી તો એ કુમુદની વહાલી ભત્રીજી અને જો ભૂલથી બગડી તો એ અણઘડ અને અણઆવડતવાળી નકામી છોકરી. નિત નવા અખતરાં અને નિત નવી નવી વાનગીઓમાં હવે મીરાંની ફાવટ વધી ગઈ હતી. કુદરતે આમ પણ એ આંગળીઓમાં સ્વાદનો રસ વધારે ભર્યો હશે એટલે જ મીરાંના હાથની રસોઈ એટલે પ્રભુનો પ્રસાદ..

લગભગ છ મહિના થયા હશે અચાનક રાહુલભાઈને ભાવનગર જવાનું થાય છે. ફ્લાઈટને સમયસર પકડવા એ વહેલા ઊઠીને એરપોર્ટ માટે નીકળે છે. આ જ સમયે ક્રિશને પણ ભારત જવાનું થાય છે. મીરાં એના પપ્પાને મૂકવા જાય છે. મીરાં એના પપ્પાનો જીવ હતી પણ પોતાના નિર્ણય એ ખુદ લેતી અને એના ધાર્યા કામ જાતે જ પાર પાડતી. એ જ્યારે કાર પાર્ક કરી રહી હોય છે એ દરમિયાન જ ક્રિશ અને રાહુલભાઈને વાત કરતા જુએ છે. રાહુલભાઈને હવાઈ મુસાફરીમાં થોડી તકલીફ થતી હતીએટલે મીરાંએ ક્રિશને ભાર દઈને કહ્યું કે "મારા પપ્પાને ટેક ઓફ સમયે તકલીફ થાય છે. હ્રદયના ધબકારા નિયંત્રિત નથી રહેતા. તમે સાથે છો તો થોડું ધ્યાન રાખજો..."આમ કહી એ બે હાથ જોડે છે ક્રિશ સામે. ક્રિશ પણ એક દોસ્તની જેમ મીરાંને નિષ્ફિકર રહેવા જણાવે છે. રાહુલભાઈને પણ મીરાંનું ક્રિશ સાથેનું વર્તન અજુગતું નથી લાગતું.

મીરાં રાહુલભાઈને એરપોર્ટ છોડી ઘરે આવી જાય છે. મીરાં એની સખી હેતાને મળવા જવાની હોય છે. બન્ને વચ્ચે ઘણી વાતો થાય છે. એ વાતમાં ક્રિશનો ઉલ્લેખ પણ હોય છે. મીરાં પોતાના મનમાં ક્રિશને એક સમજદાર જીવનસાથી માટે યોગ્ય માને છે. એ વિચારે છે કે હું જાતે જ પપ્પાને આ વાત કરીશ જો એને મંજૂર નહીં હોય તો પછી કુદરત તો છે જ. બે દિવસ થઈ ગયા છે. રાહુલભાઈનો કોઈ ફોન આવ્યો નથી. બધાએ એવું વિચાર્યું કે એ કામમાં વ્યસ્ત હશે અથવા ભૂલી ગયા હશે. બધાએ બે દિવસ ફોનની ટ્રાય કરી પણ હવે બધાની ચિંતા વધી. એમની ફ્લાઈટ મુંબઈમાં જ લેન્ડિંગ થવાનું હતું. મોહિતે ભાવનગર એમના સંબંધીને ફોન કર્યો પણ એ લોકોએ કહ્યું , "હજી રાહુલભાઈ તો અમદાવાદ પણ નહોતા પહોંચ્યા." હવે બધાની ચિંતા વધતી જતી હતી. મીરાંને આ વાતની જાણ ન હતી. એને પણ એકાદ બે વાર પ્રયાસ કર્યો પણ એણે વિચાર્યું કે ઘરમાંથી કોઈ એકને તો પપ્પાએ ફોન કરી જ દીધો હશે.

શું થયું હશે રાહુલભાઈને ? શું જે થયું હશે એમાં ક્રિશનો ક્યાંય વાંક હશે કે પછી તમે ને હું જે વિચારીએ છીએ એનાથી જ કંઈક અલગ થયું ‌હશે એ જાણવા વાંચતા રહો
'મીરાંનું મોરપંખ'

------------ ( ક્રમશઃ) -------------

લેખક : શિતલ માલાણી
૨/૧૧/૨૦૨૦