Love Revenge - 36 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ - 36



લવ રિવેન્જ

પ્રકરણ-36

કોલેજનું બીજું વર્ષ…..



“બસ..બસ....અહિયાં....! આ ગેટ આગળ....!” કાર ડ્રાઈવ કરી રહેલાં આરવને લાવણ્યાએ પોતાની સોસાયટી આગળ કાર થોભાવાં માટે કહ્યું.

સાઈડ લાઈટ બતાવી આરવે તેની BMW લાવણ્યાની સોસાયટીનાં નાકે ઊભી રાખી.

“તો....! સાચે કોફી નઈ પીવો તમે મારી જોડે...!?” નાનાં બાળકો જેવું મોઢું બનાવી લાવણ્યા સામે જોઈ પૂછ્યું.

“હાં...હાં...હાં....!” આરવનો ક્યૂટ ફેસ જોઈને લાવણ્યાથી હસાઈ ગયું.

“નાં...! નઈ પીવું...! અત્યારે તો નઈજ...!” એટલું કહીને લાવણ્યા કારનો દરવાજો ખોલીને નીચે ઉતરી.

“બાય....!” આરવે કહ્યું “કાલે કોલેજ આવશો તો મળશોને....!?”

“કોલેજ તો આવીશ....! પણ તને મલીશ કે નઈ....! અમ્મ....!” લાવણ્યા પોતાની આદત મુજબ ઘમંડથી બોલી “એ નક્કી નઈ....! હોં....!”

કઈં પણ બોલ્યાં વગર પોતાની હથેળી હલાવી અદાથી ટાટા કરી પાછું ફરીને લાવણ્યા પોતાની સોસાયટીનાં ગેટ તરફ ચાલવાં લાગી.

“ગૂડ નાઈટ....!” લાવણ્યાને સંભળાય એ રીતે આરવ ઊંચા સ્વરમાં બોલ્યો.

“પાગલ....!” પાછું વળીને જોયાં વિના કે આરવને કઈંપણ જવાબ આપ્યાં વગર લાવણ્યા મલકાતી-મલકાતી સોસાયટીનાં ગેટમાંથી અંદર આવી ગઈ.

ધીમી રાહે હજીપણ વરસાદનાં છાંટાં ચાલુજ હતાં. સોસાયટીમાં RCC રોડ હોવાં છતાં રોડમાં પગનાં જૂતાં ડૂબે એટલું પાણી ભરાયેલું હતું. RCC રોડની આજુબાજુ બનેલી પેવમેંન્ટ ઉપર ચાલતી-ચાલતી લાવણ્યા પોતાનાં ઘર તરફ જવાં લાગી. સોસાયટીમાં એન્ટર થતાંજ કોર્નર ઉપરનું સૌથી પહેલું ઘર નેહાનું હતું.

સાંજનાં લગભગ સાડાં છ થયાં હતાં. લાવણ્યાની નજર અમસ્તીજ નેહાનાં ઘર ઉપર પડી. ઉપરનાં માળે બાલ્કનીમાં ઊભાં-ઊભાં નેહા તેનાં કપડાં સૂકવી રહી હતી. તેણીનાં ખુલ્લાં લાંબા વાળ ભીનાં હોય એવું લાવણ્યાને લાગ્યું. કપડાં સૂકવી રહેલી નેહા ઉપર અછડતી નજર નાંખીને લાવણ્યા પોતાનાં ઘર તરફ આગળ ચાલી.

“લાવણ્યા....!” બાલ્કનીમાં ઊભેલી નેહાએ લાવણ્યાને બૂમ પાડી.

નેહાની બૂમ સાંભળી લાવણ્યા અટકી અને તેણી તરફ જોયું.

“કેમ પલળી ગઈ...!?” નેહાએ સ્મિત કરતાં-કરતાં પૂછ્યું.

“મને મન થઈ ગયું....! પલળવાનું....!” લાવણ્યાએ તેની આદત મુજબજ અવળો જવાબ આપ્યો અને નેહા કઈં વધુ પૂછે એ પહેલાંજ ચાલતી પકડી.

“પંચાત કરે છે...! હુંહ...!” નેહાનાં સામાન્ય સવાલથી અકળાયેલી લાવણ્યાએ પોતાનાં ઘર તરફ જતાં-જતાં મોઢું બગાડ્યું અને ઘમંડથી પોતાનાં ભીનાં વાળ ઝાટક્યાં.

----

“લાવણ્યા......! લાવણ્યા....!” કોલેજના બિલ્ડીંગ તરફ જઈ રહેલી લાવણ્યાને પાર્કિંગ તરફથી કોઈએ બૂમ પાડીને બોલાવી.

“આરવ....!” લાવણ્યાએ એ તરફ જોયું.

પાર્કિંગ બાજુથી કોલજના બિલ્ડીંગ તરફ જતી પેવમેંન્ટ ઉપર ઉતાવળા પગલે આરવ આવી રહ્યો હતો. ચાઈનીઝ કોલરવાળો મરૂન શર્ટ, સ્કાય બ્લ્યુ જીન્સ, તેણે પોતાની પીઠ ઉપર તેનું ગિટાર લટકાવેલું હતું.

“તમે કેમ આટલાં .....! ઓહ તેરી....!” આરવ આગળ બોલે એ પહેલાં તેનાં પગમાં પેવમેંન્ટનો નીકળીને સહેજ ઊંચો થઈ ગયેલો એક પથ્થર આવી ગયો.

ઉતાવળા પગલે આવી રહ્યો હોવાને લીધે આરવને જોરથી પથ્થર વાગ્યો અને બૂમ પાડીને આરવ તરતજ પેવમેન્ટની પાળી ઉપર બેસી ગયો.

“ઓહ બાપરે....! આહ....! મમ્મી....!”

“આમ શું નાનાં બાળકની જેમ “મમ્મી...મમ્મી....”ની બૂમો પાડે છે...!” આરવની જોડે આવીને લાવણ્યા જાણે એને ધમકાવતી હોય એમ બોલી.

જોકે પીડાને લીધે નાનાં બાળક જેવો થઈ ગયેલો આરવનો ચેહરો જોઈને લાવણ્યા માંડ પોતાનું હસવું દબાવી રહી હતી.

“પથ્થર એટલો જોરથી પણ નહોતો વાગ્યો....!” લાવણ્યા બોલી.

“શું જોરથી નોતો વાગ્યો....!” આરવ એવુંજ મોઢું બનાવીને બોલ્યો અને પોતાનાં પગમાં પહેરેલું ચપ્પલ કાઢીને લાવણ્યાને પગનો અંગુઠો બતાવાં લાગ્યો “જોવો...જોવો...! અડધો નખ ઉખડી ગ્યો....! જોવો...!”

“હાં....હાં...હાં.....!” બોલાતી વખતે સાવ બાળક જેવો થઈ ગયેલો આરવનો ચેહરો જોઈને લાવણ્યાથી છેવટે હસાઈ ગયું.

“તારે સ્કૂલ જવું જોઈએ....! બાલમંદિરમાં....! તું અહિયાં શું લેવાં આવે છે....!?” લાવણ્યા આરવની ઉડાવતાં બોલી અને પાછી હસવાં લાગી.

“તમારાં માટે....!” આરવ બોલ્યો.

“હેં....! શું...!?”

“મઝાક કરું છું અવે....!” આરવે તેનાં હોંઠ દબાવીને હસવું રોકી રાખતાં કહ્યું અને પોતાનો એક હાથ લાવણ્યા સામે લંબાવ્યો.

લાવણ્યાએ તેનો હાથ પકડીને ખેંચ્યો અને આરવ ઊભો થયો.

“તું મારી જોડે ફ્લર્ટ કરે છે એમ...!?” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ બોલી.

“નાં....નાં...! એવું કઈં નઈ....! ઓહો....!” આરવે ફરીવાર તેનું મોઢું બગાડ્યું અને તેનાં પગ તરફ જોયું “હજી દુખે છે...!”

“તું બવ પોચો છે....રૂ જેવો....!” લાવણ્યા આરવનાં ક્યૂટ ચેહરા સામે જોઈને સ્મિત કરતાં બોલી કોલેજની બિલ્ડીંગ તરફ ચાલવા લાગી “અને ડરપોક પણ....!”

“ડરપોક....!? હું ક્યાં કોઈનાંથી ડરું છું...!?” આરવ પણ તેણી જોડે-જોડે ચાલવા લાગ્યો.

“તો પછી મેં તને આંખો મોટી કરીને કીધું કે તું મારી જોડે ફ્લર્ટ કેમ કરે છે....તો કેમ ડરી ગ્યો...!?”

“ઓહ...એ....! એમ કો’ને....! છોકરીઓથી કોણ નાં બિવે....! મારાં પપ્પાય મારી મમ્મીથી બિવે છે....!”

“હાં....હાં......હાં.....! ઓહ...!” લાવણ્યા હસી પડી.

બંને હવે કોલેજનાં કોરિડોરમાં આવી ગયાં. લેકચર શરૂ થવાની તૈયારીમાં હોવાથી કોરિડોરમાં સ્ટુડન્ટ્સની સારી એવી આવન-જાવન હતી.

“તો....! આજેતો કોફી પીવા આવશોને....!?” આરવે પહેલાંની જેમજ બાળકની જેવુ મોઢું બનાવીને પૂછ્યું.

“હી..હી....! તું તો કેવી રીતે પૂછે છે....! ચક્કીબેન...ચક્કીબેન....મારી સાથે રમવા આવશો કે નઈ.....! આવશો કે નઈ...!” લાવણ્યા આરવની ખેંચવાં લાગી.

“નાં...નાં....રમવાં નઈ....! કોફી પીવા....!” આરવ જાણે દલીલ કરતો હોય બોલ્યો.

“હાં...હાં..હાં....! aww….! તારે ખરેખર બાલમંદિરમાં હોવું જોઈતું’તું....!” લાવણ્યા બોલી અને કોરિડોરનાં ખૂણે અટકી.

“તો આવશો....!? કોફી પીવા....!?” આરવે એજરીતે પૂછ્યું અને આંખો મોટી કરી હોંઠ દબાવીને લાવણ્યાનાં જવાબની રાહ જોઈ રહ્યો.

લાવણ્યા આરવનાં માસૂમ ચેહરા સામે બે ઘડી જોઈ રહી. તે પોતાની પીઠ ઉપર ભરવેલા ગિટારનો પટ્ટો રમાડી રહ્યો હતો.

“વિચારીશ....!” લાવણ્યા એટલું બોલી અને ક્લાસરૂમ તરફ જતાં કોરિડોરમાં જમણીબાજુ વળી ગઈ.

“કેમ આજે કેન્ટીનમાં નઈ જાવ...!?” આરવે સહેજ ઊંચાં સ્વરમાં જઈ રહેલી લાવણ્યાને પૂછ્યું.

આરવને કઈં પણ જવાબ આપ્યાં વિના લાવણ્યા બે-ત્રણ રૂમ પછી આવતાં તેનાં ક્લાસરૂમમાં વળી ગઈ.

------
એકાદ મહિના પછી....!

“આરવ....! તું કોફીની પાછળ કેમ પડી ગ્યો છે....!” કોરિડોરમાં ચાલી રહેલી લાવણ્યા સહેજ અકળાઈને આરવને કહી રહી હતી “મેં તને કીધુંતુંને...! કે હું વિચારીશ....!”

છેલ્લાં લગભગ એક મહિનાથી આરવ લાવણ્યાને પોતાની સાથે કોફી પીવા આવાનું પૂછતો હતો. લાવણ્યા દર વખતે “હું વિચારીશ” કહીને વાત ટાળી દેતી હતી.

“પણ આટલાં બધાં દિવસથી વિચારોજ છો...!?” આરવ નાનાં બાળકની જેમ ફરિયાદ કરતો હોય એમ બોલ્યો.

“તને કીધું’તુંને....! બવ બધાં બોયઝ લાઇનમાં છે....! મારી જોડે કોફી પીવા માટે...!” લાવણ્યા ઘમંડભર્યું સ્મિત કરીને બોલી.

“પણ હું...!”

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” આરવ કઈં આગળ બોલવાજ જતો હતો ત્યાંજ તેનાં મોબાઈલમાં રિંગ વાગી.

પોતાનાં પોકેટમાંથી અડધો ફોન બહાર કાઢીને આરવે મોબાઈલમાં નંબર જોયો.

“હાં ભાઈ બોલ....!” ફોન ઉપાડીને આરવે કહ્યું.

આરવને મોબાઈલ ઉપર વાત કરતો જોઈને લાવણ્યા ક્લાસરૂમ તરફ જવા લાગી.

“અરે...! ક્યાં જાવ છો....!?” જઈ રહેલી લાવણ્યાને આરવે ટોકતાં કહ્યું.

“તો તું વાત કરે ત્યાં સુધી હું ઊભી રઉ એમ...!?” લાવણ્યા સહેજ ચિડાઈને બોલી “અને એમ પણ રેસ્ટરૂમ જવું છે....! તારે ત્યાં પણ આવવું છે મારી જોડે...!”

“નાં...નાં...સોરી....! હોં....! તમે જાવ...!” આરવે કહ્યું અને પોતાનો ફોન કાને માંડી પાછો ફરી ચાલવા લાગ્યો.

કોરિડોરમાં વળી જઈને લાવણ્યા રેસ્ટરૂમ તરફ જવાં લાગી.

“લાવણ્યા....!” રેસ્ટરૂમ તરફ જઈ રહેલી લાવણ્યાને પાછળથી પ્રેમે બોલાવી “મારે એકાઉન્ટસનાં નોટ્સ...!”

પ્રેમ લાવણ્યાની જોડે આવતાં બોલ્યો.

“મારે રેસ્ટરૂમ જવું છે....! લાવણ્યા મોઢું બગાડીને બોલી અને ચાલવાં લાગી.

“હાં..સારું....! હું પછી વાત કરું....!” પ્રેમે જઈ રહેલી લાવણ્યાને કહ્યું.

-----

“લાવણ્યા……!” રેસ્ટરૂમથી કોલેજની કેન્ટીન તરફ જઈ રહેલી લાવણ્યાને કોરિડોરમાંજ પાછળથી ફરીવાર કોઇકે બોલાવી.

“ઉફ્ફ...! જ્યારે જોવો ત્યારે કોઈકતો ટોકેજ છે....!” લાવણ્યા અકળાઈ અને મોટેથી બોલતાં-બોલતાં પાછી ફરી “શું છે....!?”

“ઓહ....! વિવાન તું ...!?” વિવાનને જોતાંજ લાવણ્યા સ્મિત કરીને ધીમેથી બોલી.

“હાં...! હું જ છું...!” વિવાન કોઈપણ જાતનાં હાવભાવ વિના બોલ્યો.

“સોરી....! મને લાગ્યું કે....! ઓલો ડફોળ છે....! અમારાં ગ્રૂપનો..... પ્રેમ....!” પોતાનાં વાળની લટ કાનની પાછળ ભરાવતી લાવણ્યા અદાથી સ્મિત કરીને બોલી.

“તને પ્રિન્સિપાલ સરે ટ્રસ્ટી સરની ઓફિસમાં બોલાવી છે…!” લાવણ્યાની વાતમાં જાણે કોઈ રસજ નાં હોય એમ વિવાન બોલ્યો “અત્યારેજ....!”

“ઓહ....! મને એમ કે તારે મારું કામ છે....!” લાવણ્યા ફરીવાર એજરીતે નખરાં કરતી હોય એમ બોલી.

“યૂથ ફેસ્ટિવલની તૈયારી માટે બોલવી છે....!” વિવાન ફરીવાર સપાટ સ્વરમાં બોલ્યો અને લાવણ્યાની આગળ થઈને ત્યાંથી ચાલતી પકડી.

“યૂથ ફેસ્ટિવલ આટલી જલ્દી આઈ પણ ગ્યો....!?” જઈ રહેલાં વિવાનને લાવણ્યાએ ઉતાવળા સ્વરમાં પૂછ્યું “હજીતો આ ઓગસ્ટ મહિનોજ ચાલે છે....!?”

“આ વખતે સપ્ટેમ્બરનાં છેલ્લાં વીકમાં નવરાત્રિ છે....!” વિવાને પાછાં ફરીને ત્યાંજ ઊભાં-ઊભાં કહ્યું “અને ઓકોટોબરનાં પે’લ્લાં વીકમાં યુનિવર્સિટીની ફર્સ્ટ એક્સઝામ.....! એટ્લે યૂથ ફેસ્ટિવલ આ વખતે સપ્ટેમ્બરનાં પે’લ્લાં વીકમાં જ છે...!”

એટલું બોલીને વિવાન ફરીવાર ત્યાંથી જવાં લાગ્યો.

“તો તું મારી જોડે તૈયારી નઈ કરે....!? રેમ્પ વૉકની....!?” લાવણ્યાએ ફરીવાર વિવાનને ઊંચાં સ્વરમાં પૂછ્યું.

“બોયઝનું હું મારી રીતે જોઈ લઈશ...!” પાછું જોયાં વિના વિવાન ઊંચાં સ્વરમાં ચાલતાં-ચાલતાં બોલ્યો “તું તારું જોઈ લેજે....!”

લાવણ્યા વિવાનને કોરિડોરમાં વળતાં જોઈ રહી.

“હુંહ.....! આટલો બધો શેનો ઘમંડ રાખે છે...!?” વિવાનનાં જતાં રહ્યાં પછી લાવણ્યા તેનું મોઢું મચકોડીને બબડી “હેન્ડસમ છે...! તો શું થઈ ગયું...!?”

થોડીવાર કોરિડોરમાં ઊભાં રહીને લાવણ્યા છેવટે પાછી ફરીને ટ્રસ્ટી સાહેબનાં કેબિન તરફ જવાં લાગી.

-----

“બધી તૈયારીઓ મારે એકલાંએ કરવાની...!” ટ્રસ્ટી સાહેબની કેબિનમાં પ્રિન્સિપાલને મળ્યાં પછી લાવણ્યા કેન્ટીન તરફ ઉતાવળા પગલે જતાં-જતાં બબડી રહી હતી.

“રેમ્પ વૉક....! પ્લે....! સિંગિંગ....! ઉફ્ફ....!” બબડતી-બબડતી લાવણ્યા છેવટે કેન્ટીનમાં પ્રવેશી “કેટલી ભીડ છે અહિયાં....! કેન્ટીન થોડી મોટી હોવી જોઈતી’તી....!”

કેન્ટીનની ભીડ ઉપર નજર નાંખીને લાવણ્યા છેવટે પોતાનાં ગ્રૂપનાં મિત્રોનાં ટેબલ પાસે આવી ગઈ.

“અરે ક્યાં હતી તું...!? લેટ થઈ ગઈ....!?” લાવણ્યા હજીતો કામ્યાની જોડે ખાલી ચેયર ખેંચીને બેસવાંજ જતી હતી ત્યાંજ સામે બેઠેલી ત્રિશા બોલી ઉઠી.

“તારે શું પંચાત...!?” લાવણ્યાએ ઉદ્ધત જવાબ આપ્યો.

“જો તું...!”

“ત્રિશા....! બસ...!” ત્રિશા કઈં આગળ બોલે એ પહેલાંજ કામ્યાએ તેણીને ટોકી અને નકારમાં માથું ધૂણાવ્યું.

ત્રિશાએ લાવણ્યા સામે જોઈ મોઢું મચકોડયું. લાવણ્યાએ તેણીની આઈબ્રો નચાવી આડું જોયું.

પોતાનાં હેન્ડબેગમાંથી નોટપેડ કાઢીને લાવણ્યા હવે યૂથ ફેસ્ટિવલની તૈયારી વિષે કઈંક લખવાં લાગી.

“રેમ્પ વૉકનું લિસ્ટ તો તૈયાર થઈ ગયું...!” થોડીવાર સુધી નોટપેડમાં લખ્યાં પછી લાવણ્યા સ્વગત બબડી “હવે પ્લે અને સિંગિંગમાં જોઈ લવ....! કોનાં કોનાં નામ લખી શકાય એમ છે....!”

લાવણ્યાએ ટેબલની આજુબાજુ ચેયરમાં બેઠેલાં પોતાનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ સામે જોયું.

“તમારાંમાંથી કોઈને સિંગિંગમાં રે’વું છે...!?” લાવણ્યાએ બધાંની સામે એક નજર જોઈને કહ્યું.

“પ્લે અને રેમ્પ વૉકમાં કોનાં કોનાં નામ છે...!?” સામે બેઠેલી ત્રિશાએ પૂછ્યું.

“તારે શેમાં રે’વું છે તું એમ કે’ને...?”લાવણ્યા સામે પૂછ્યું.

“રેમ્પમાં...!” ત્રિશા બોલી.

“પાકુંને...! પછી પાછળથી નાં નઈ પાડતી...!” લાવણ્યાએ સહેજ કડક સ્વરમાં પૂછ્યું.

“હાં..હાં...! પાકું...! અને કામ્યાનું પણ...!” ત્રિશાએ કામ્યા સામે જોઈને કહ્યું.

“નાં..હોં....! મારે કશામાં નઈ રે’વું....!” કામ્યા તાડૂકીને બોલી.

બધાં માથાકૂટ કરતાં હતાં ત્યાંજ બધાંને ગિટારનો અવાજ સંભળાયો.

“તું હી મેરી શબ હૈ...! સુબહ હૈ...! તું હી દિન હૈ મેરાંઆ....!

તું હી મેરાં રબ હૈ...! જહાં હૈ....! તું હી મેરી દુનિયા....!”

લાવણ્યાની નજર હવે કેન્ટીનમાં સામે એક ટેબલની ચેયરમાં બેસીને ગીટાર વગાડતાં- વગાડતાં સોન્ગ ગાઈ રહેલાં આરવ ઉપર પાડી.

“તું વક્ત મેરે લિયે ....એ....એ...મેં હું તેરાં લમ્હા...! કૈસે રહેગાં ભલા..આ......!

હોકે તું મુઝસે જુદાંઆ.....! હો ઓં...ઓ.ઓ...!”

આરવ લાવણ્યાની સામે જોતાં-જોતાંજ સોન્ગ ગાઈ રહ્યો હતો.

હવે આ રોજનું થઈ ગયું હતું. કેન્ટીનમાં બેઠાં-બેઠાં આરવ રોજે પોતાનું ગીટાર લઈને જુદાં-જુદાં સોન્ગ્સ ગાતો. જોડે બેઠેલાં અને આજુબાજુ ટોળુંવળીને ઉભેલાં ઘણાં સ્ટુડન્ટસ પણ ઘણીવાર તેની જોડે-જોડે ગાતાં. આખી કેન્ટીનનું વાતાવરણ સંગીતમય થઈ જતું.

આખી કોલેજમાં આરવ હવે ફેમસ થઈ ગયો હતો. ગિટાર વગાડતાં- વગાડતાં સોન્ગ ગાતાં તેનાં વિડીયોઝ કોલેજના વાઈરલ ગ્રુપમાં ફોરવર્ડ થતાં હતાં.

લાવણ્યાને એનાં અવાજમાં સોન્ગ્સ સાંભળવા ગમતાં હોવાં છતાંપણ તે ક્યારેય એનાં વખાણ નહોતી કરતી. ઉલટાનું “કંઈ ખાસ નથી...!” એવાં શબ્દો વાપરીને લાવણ્યા તેને ઉતારી પાડતી.

“આંખે તેરી શબનમી....! ચેહરા તેરાં આઈના....!”

લાવણ્યા સહિત ગ્રૂપનાં બધાં સોંન્ગ ગાઈ રહેલાં આરવ સામે જોઈ રહ્યાં હતાં અને આરવ સ્મિત કરતાં-કરતાં લાવણ્યા સામે જોઈને ગાઈ રહ્યો હતો.

થોડીવાર પછી આરવે સોંન્ગ ગાવાનું પૂરું કર્યું અને કેન્ટીનમાં લગભગ બધાંએ તેને રોજની જેમ તાળીઓ પાડીને વધાવી લીધો. બધાં સામે જોયાં પછી આરવે ફરીવાર લાવણ્યા સામે જોયું.

લાવણ્યાએ ઘમંડથી પોતાનું મોઢું મચકોડયું અને પોતાનાં નોટપેડમાં જોવાં લાગી.

“સિંગિંગમાં કોનું નામ છે...!?” ત્રિશાની જોડે બેઠેલી અંકિતાએ લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

“અમ્મ....! હું વિચારું છું કે....!” વિચારતી હોય એમ નાટક કરતાં-કરતાં લાવણ્યાએ પહેલાં સામેનાં ટેબલ ઉપર બેઠેલાં આરવ સામે જોયું.

તે હજીપણ લાવણ્યા સામે જોઈ રહ્યો હતો. બધાં ફ્રેન્ડ્સ લાવણ્યા સામે જોઈ રહ્યાં.

“સંજય....! સંજયનું નામ લખી દઉં છું...!?” લાવણ્યાએ આરવ સામે જોઈને મોઢું મચકોડયું અને નોટપેડમાં લખવાં લાગી.

“વોટ ડુ યુ મીન સંજય....!?” નેહા તાડૂકી હોય એમ બોલી “આરવ આટલું સરસ ગાય તો છે....! અને કોલેજમાં કેટલો ફેમસ થઈ ગ્યો છે...! એનાં વિડીયો વાઈરલ થાય છે....! ખબર છેને તને...!?”

“યૂથ ફેસ્ટિવલની કોઓર્ડિનેટર તું છે કે હું....!?” લાવણ્યાએ ચિડાઈને નેહાને કહ્યું.

“અરે પણ કેમ આમ કરે છે તું....!?” નેહા દલીલ કરતાં બોલી “તું રોજે એને અહીંયા સોંન્ગ ગાતો સાંભળેજ છેને....!?”

“લૂક નેહા....! પે’લ્લી વાત તો એ કે ગયાં વર્ષે પણ સંજયેજ યૂથ ફેસ્ટિવલમાં સોલો સિંગિંગમાં આપડી કોલેજને એવોર્ડ અપાવ્યો હતો.....!” લાવણ્યા વ્યંગ કરતી હોય એમ નેહાનાં ગાલે હળવી ટપલી મારીને બોલી “અને બીજી વાત.....! તું મારાં કામમાં તારી ટાંગ ના અડાવ....!”

“ટાંગ ના અડાવ એટ્લે...!?” નેહા અને ત્રિશાની વચ્ચે બેઠેલી અંકિતા તાડૂકીને સહેજ મોટેથી બોલી પડી “તું આવી રીતે કેવીરીતે વાત કરે છે એની જોડે....! આટલો ઘમંડ શેનો છે તને....!?”

અંકિતાનો સ્વર ઊંચો થઈ જતાં આજુબાજુનાં કેટલાંક સ્ટુડન્ટ્સ તેમની તરફ જોવાં લાગ્યાં.

“જો...! અંકિતા....! ડાર્લીંગ....! મારે ઘણું કામ છે...!” લાવણ્યા ફરીવાર એજરીતે વ્યંગ કરતી હોય એમ શાંતિથી બોલી “તો...! આ ઝઘડો આપડે પછી શાંતિથી કરીશું...! હમ્મ....! બાય...!”

એટલું કહીને લાવણ્યા પોતાની હેન્ડબેગ ખભે ભરાવીને ઊભી થઈ અને કેન્ટીનમાંથી બહાર નીકળવાં લાગી.

અંકિતા સહિત બધાં ગુસ્સે થઈને તેણીને જોઈ રહ્યાં.

“આ છોકરી ખરેખર બઉ ઘમંડી છે....!” કામ્યા જઈ રહેલી લાવણ્યાને જોઈને માથું ધૂણાવીને બોલી “ખબર નઈ....! કોના નસીબમાં આને ઝેલવાનું લખાયું હશે....!”

------

બે-ત્રણ દિવસ પછી

“નેહા....!” લાવણ્યાએ ક્લાસરૂમ તરફ જતી નેહાને ટોકી “મારે સ્ટેટના લેકચરના નોટ્સ જોઈએ છે....!”

“તું તો એવીરીતે વાત કરે છે જાણે કઈં થયુંજ ના હોય...!” જોડે અંકિતા પણ હતી અને તેણે બે-ત્રણ દિવસ પહેલાં કેન્ટીનમાં લાવણ્યાએ નેહા સાથે કરેલી માથાકૂટ યાદ કરતાં કહ્યું “તને તારાં રૂડ બિહેવિયર માટે સહેજપણ ગિલ્ટી ફીલ નઈ થતું …..! નઈ...!?”

“અંકિતા...તું....!”

“ઈટ્સ ઓકે યાર....!” લાવણ્યા બોલવાંજ જતી હતી ત્યાંજ નેહા વચ્ચે બોલી પડી “ફ્રેન્ડ્સમાં આવું બધું ચાલ્યાં કરે....! અને એમ પણ...!” નેહાએ અંકિતાને કહ્યું “લાવણ્યા ઉપર યૂથ ફેસ્ટિવલની તૈયારીનું પ્રેશર છે તો...! એ થોડી ચિડાઈ ગઈ...! એમાં શું...!?”

“તો શું યાર....! યૂથ ફેસ્ટિવલ પછી બે વીક પછીજ એક્ઝામ છે...! મારે લેકચર પણ નથી ભરાતાં....! યૂથ ફેસ્ટિવલની તૈયારીમાં ને તૈયારીમાં....!” લાવણ્યા નાટક કરતી હોય એમ ઢીલું મોઢું કરીને બોલી “બધું મારે એકલાં કરવાનું ….! અને કોલેજને એવોર્ડ્સ અપાવાનું પ્રેશર ટ્રસ્ટી સાહેબ કેટલું કરે છે....! તને ખબર છે....!?” લાવણ્યાએ અંકિતા સામે જોયું “આપડા ગ્રૂપમાંથી મારી કોઈ હેલ્પતો કરો....!?”

“લાવણ્યા....! હું તારી હેલ્પ કરું છું ચાલ...!” નેહાએ કહ્યું “સ્ટેટના નોટ્સ આપડે પ્રેમ જોડેથી પછી લઈ લઈશું...! અત્યારે કેન્ટીનમાં બેસીએ....! યૂથ ફેસ્ટિવલની તૈયારી કરીએ....!”

“અને લેકચર...!?” લાવણ્યાની જોડે કેન્ટીન તરફ જવાં લલાગેલી નેહાને અંકિતાએ પૂછ્યું.

“ચાલશે...!” નેહા જતાં-જતાં પાછાં ફરીને કહી દીધું.

બંને કેન્ટીન તરફ જવાં લાગ્યાં. અંકિતા લેકચર ભરવાં ક્લાસરૂમમાં જતી રહી.

-----

“મૈંને તો ધીરે સે....! નિંદો કે ધાગે સે....!

બાંધા હૈ ખ્વાબ કો તેરે.....!”

લાવણ્યા અને નેહા હજીતો કેન્ટીનમાં એન્ટરજ થયાં હતાં ત્યાંજ તેમણે જોયું કે આરવ એક ટેબલની જોડે ચેયરમાં બેઠો-બેઠો ગિટાર વગાડતાં- વગાડતાં રોજની જેમજ સોંન્ગ ગાઈ રહ્યો હતો.

“મૈં ના જહાં ચાહું....! ના આસ....માં ચાહું....!

આજા હિસ્સે મેં તું મેરે....!”

“આ બસ ગીતો ગાવાંજ કોલેજ આવતો લાગે છે...!” લાવણ્યા હસીને બોલી.

આરવથી એક-બે ટેબલ છોડીને બંને જણાં અન્ય એક ખાલી ટેબલની ચેયરમાં બેઠાં.

“તું ઢંગ ચાહતો કા...! મેં જૈસે કોઈ નાદાની....!

“તું ઢંગ ચાહતો કા..આ...! મેં જૈસે કોઈ નાદાની....!”

લાવણ્યાને જોતાંજ આરવ તેણી સામે જોઈને સ્મિત કરતાં-કરતાં ગાવાં લાગ્યો. લાવણ્યા પણ ચેયરમાં બેઠાં-બેઠાં આરવ સામે જોઈ રહી. નેહા પણ આરવ સામે મુગ્ધ નજરે જોઈ રહી.

“મુઝે ખુદસે જોડદે તો....! મેરે યાર બાત બન જાની...ઇ...

મેં રંગ શરબતો કા....! તું મિઠે ઘાટકા પાની...!

મેં રંગ શરબતો કા....! તું મિઠે ઘાટકા પાની...!”

“આનુંતો ચાલતુંજ રેહશે...!” આરવ લાવણ્યા સામે જોઈજ રહેતાં છેવટે લાવણ્યાએ મોઢું મચકોડયું અને પોતાની હેન્ડબેગમાંથી નોટપેડ કાઢવાં લાગી.

“જો...! નેહા....!” લાવણ્યાએ તેનું નોટપેડ ખોલી નેહાને બતાવતાં કહ્યું.

સોંન્ગ ગાઈ રહેલાં આરવ સામેથી નજર હટાવી નેહાએ હવે લાવણ્યા સામે જોઈ તેનાં નોટપેડમાં જોયું.

“કિંજલ....! અર્ચના.....! ઝંખના....! આ બધાંનાં નામ રેમ્પ માટે લખ્યાં છે...!” લાવણ્યા નોટપેડમાં લખેલાં નામો વિષે નેહાને કહેવાં લાગી “તને કોઈ બીજાં નામ સૂઝે તો કે...! અને તું કે’તી હોય...! તો હું તારું નામ પણ લખી દવ....!”

“નાં..નાં...હોં....!” નેહાએ હસીને ના પાડી “મને નાં ફાવે....!”

“અરે ખાલી પાંચ-દસ સેકંડ માટેજ રેમ્પ ઉપર આવનું છે યાર...!”

“અમ્મ...નાં...! મને નઈ ફાવે....! તું મારુ છોડ...! મેઘાંનું નામ લખને....!” નેહા બોલી.

“અરે યાર એની જોડે મારે નથી બનતું...!” લાવણ્યાએ મોઢું મચકોડયું.

“આપડેતો ખાલી રેમ્પ વૉક પૂરતીજ જરૂર છે ને....!” નેહા સમજાવતી હોય એમ બોલી.

“હમ્મ જોઈએ ચલ....! બીજાં કોઈ નામ....!”

“વૂઉઉઉઉ......!”

લાવણ્યા બોલતી હતી ત્યાંજ આરવની આજુબાજુ રોજની જેમ બેઠેલાં સ્ટુડન્ટ્સ ચિચિયારીઓ પાડવાં લાગ્યાં.

લાવણ્યા ડિસ્ટર્બ થઈ હોય એમ તેણીએ પોતાનું મોઢું બગાડ્યું.

“વન્સ મોર....વન્સ મોર....!” બધાં હવે મોટેથી બૂમો પાડવાં લાગ્યાં.

“ઉફ્ફ....! બહુ બખારો છે...!” લાવણ્યાએ મોઢું બગાડીને માથું ધૂણાવ્યું અને નોટપેડ બંધ કરીને તેનાં હેન્ડબેગમાં મૂકવા લાગી “ચાલ .....!”

“અરે પણ શું થયું....!?” નેહાએ લાવણ્યાને પૂછ્યું

“આ બખારાંમાં મને ડિસ્ટર્બ થાય છે....!” લાવણ્યા બોલી અને ચેયરમાંથી ઊભી થઈ “આપડે ડ્રામા સ્ટુડિયો જઈએ....!”

“પણ ડ્રામા સ્ટુડિયોમાંતો રિનોવેશન ચાલે છે....!” નેહા પણ જોડે ઊભી થતાં-થતાં બોલી.

બંને હવે જોડે કેન્ટીનની બહાર જવાં લાગ્યાં.

“તો આપડે ઓપન થિયેટરમાં બેસીએ....!” લાવણ્યા બોલી “કોલેજની પાછળ...!”

બંને છેવટે કેન્ટીનમાંથી બહાર નીકળી ગયાં.

-----

“કેવું લાગ્યું....!? મે સોંન્ગ ગાયું એ...!?” કેન્ટીનમાંથી નીકળીને લાવણ્યા અને નેહા ઓપન થિયેટર તરફ જઈ રહી હતી ત્યાંજ આરવ લાવણ્યાની જોડે ચાલતો-ચાલતો પૂછવાં લાગ્યો.

“ઠીક...!” લાવણ્યાએ મોઢું મચકોડીને જવાબ આપ્યો અને થોડું વધુ ઝડપે ઓપન થિયેટર તરફ ચાલવાં લાગી. નેહા પણ તેની ઝડપને મેચ કરવાનો પ્રયત્ન કરતાં ઉતાવળે ચાલવા લાગી.

“તમને ખરેખર મારો વોઈસ નઈ ગમતો...!” આરવે નાનાં બાળકની જેમ મોઢું કરીને પૂછ્યું.

તે રોજે આવુંજ કરતો. લાવણ્યાની પાછળ-પાછળ આવતો અને તેને પોતાનાં વોઈસ કે સોન્ગ વિષે પુછવાંના બહાને વાત કરતો.

“ઓનેસ્ટલી.....! તારો વોઈસ સારો છે....!” કોરીડોરમાં અટકીને લાવણ્યા રૂડ સ્વરમાં બોલી “પણ એટલો બધો નઈ કે હું આખો દિવસ તારાં વખાણ કરતી રઉં....! હમ્મ...!”

“એવું નઈ કે’તો હું....!” આરવ સહેજ હર્ટ થયો હોય એમ ઢીલાં સ્વરમાં બોલ્યો.

તેનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈને લાવણ્યાને પોતાનાં રૂડ બિહેવિયર બદલ થોડો પસ્તાવો થયો. છતાં તેણીએ પોતાનાં ચેહરા ઉપર પસ્તાવાનાં એ ભાવ ના આવવાં દીધાં.

“મને એમ કે તમને મારો વોઈસ ગમે છે...! એટલે જયારે હું સોન્ગ ગાતો હોવ...! તમે મારી સામે જોતાં હોવ છો....!” જોડે ઊભેલી નેહા લાવણ્યાને કઈંક કહેવાં જતો હતો ત્યાંજ આરવ ઢીલાં ચેહરે બોલ્યો.

“ગીટાર લઈને છોકરીઓ સામે કલર કરતાં છોકરાંઓને હું હંમેશાં જોતીજ હોવ છું...! સર્કસનાં જોકરની જેમ....યુ નો...!” લાવણ્યાને પોતાને ખબર નાં રહી અને તેનાથી આરવની વધારે પડતી ઈન્સલ્ટ થઈ ગઈ.

“ઓહ....! મને એમ કે....!” આરવનો ચેહરો હવે સાવ ઉતરી ગયો નાનાં બાળકની જેમ ઢીલો થઈ ગ્યો.

ઉતરેલાં ચેહરે તે હવે આમતેમ જોવાં લાગ્યો. કોણજાણે કેમ પણ લાવણ્યાને આરવનો એ ઉતરી ગયેલો માસૂમ ચેહરો જોઇને પોતાનાં વર્તન ઉપર વધુ અફસોસ થવાં લાગ્યો. નેહા પણ આરવનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈ રહી.

“સ....સારું...!” એવાંજ ઢીલા ચેહરે આરવ બોલ્યો અને પછી એકાદ ક્ષણ માટે આમતેમ જોઈને પાછો ફરીને ત્યાંથી જવાં લાગ્યો.

લાવણ્યાને તેને રોકવાંની ઈચ્છા થઈ આવી.

“આર....!” હાથ ઊંચો કરીને લાવણ્યાએ તેને રોકવાં ગઈ જોકે પછી અટકી ગઈ અને મનમાં બબડી “જવાદેને....! ટાઈમજ નથી અત્યારે...! યૂથ ફેસ્ટિવલની તૈયારી બધી બાકી છે...!”

વિચારે ચઢી ગયેલી લાવણ્યા છેવટે પાછી ફરી અને ઓપન થિયેટર તરફ ચાલવા લાગી.

“લાવણ્યા...લાવણ્યા....!” નેહા ઉતાવળા પગલે જોડે ચાલતાં-ચાલતાં બોલી “તારે એને આવું નો’તું બોલવું જોઈતું....!”

“અરે એ મગજ ખાઈ જાય છે....!” લાવણ્યા ચિડાઈને બોલી “જ્યારનો કોલેજમાં આયો છે ત્યારનો રોજે બસ કોફી માટે જવાની વાત કરે છે...! રોજે....!”

“પણ એ કેટલો ઈનોસંન્ટ છે યાર...! તું આવું કેમ બિહેવ કરે છે...!”

“ઇનોસંન્ટ...! હુંહ….! છોકરાઓ બધાં એક જેવાંજ હોય છે...!” લાવણ્યા બોલી અને પોતાની ચાલવાની ઝડપ વધારી દીધી.

-----

“નેહા....તું રેમ્પમાં રઈજાને....! એક છોકરી ઓછી પડે છે...!” બીજાં દિવસે કેન્ટીનમાં બેઠેલી લાવણ્યા નેહાને કહી રહી હતી.

નેહા સિવાય પ્રેમ અને રોનકજ ત્યાં હાજર હતાં.

“તું જાણે તો છે....! એવું બધું મને નથી ફાવતું....!” જોડે બેઠેલી નેહા માથું ધૂણાવીને બોલી “મોડર્ન કપડાં....! વગેરે....! that’s not my cup of tea….!”

“અરે યાર....!તો પછી હજી એક છોકરી તો જોઈશેજ...!” લાવણ્યા હોંઠ બનાવીને બોલી.

અને આજુબાજુના ટેબલ ઉપર બેઠેલાં સ્ટુડન્ટ્સને જોવાં લાગી. તેણીની નજર હવે સામે બેઠેલાં આરવના ગ્રૂપના ફ્રેન્ડ્સ ઉપર પડી. આરવ સિવાય બાકીનાં બધાં ફ્રેન્ડ્સ ત્યાં બેઠેલાં હતાં.

“આરવ નથી દેખાતો...!?”લાવણ્યા મનમાં બબડી અને અન્ય ટેબલો ઉપર બેઠેલાં સ્ટુડન્ટ્સ તરફ જોવાં લાગી.

“શું ગોતે છે....!?” લાવણ્યાને આમતેમ ડાફોળીયાં મારતાં જોઈને નેહાએ પૂછ્યું.

“અ...! કઈં નઈ...! હું તો જોવું છું....! કે ઓલો બખારીઓ નથી આયો આજે...!” લાવણ્યા બોલી.

“કોણ....! બખારીઓ....!?” રોનકે નવાઈપામીને પૂછ્યું

“ગિટારવાળો છોકરો...!” લાવણ્યા જાણીજોઈને મોઢું બગાડીને બોલી “મેં કીધું જો એ હોત તો અહિયાં બખારો ચાલું કરી દેત.....! એટ્લે મારે અને નેહાએ યૂથ ફેસ્ટિવલની તૈયારી માટે પાછું બીજે જવું પડત...!”

“શું લાવણ્યા તું પણ...! કેટલું સરસ ગાય છે યાર એ...!” નેહા બોલી.

“હશે....! પણ મનેતો કઈં ખાસ નથી લાગતું....!” લાવણ્યા મોઢું મચકોડીને બોલી “anyways…..! બઉ બધું કામ બાકી છે....!”

------

થોડાં દિવસ પછી....!

“જો સંજય મારે કોઈ માથાકૂટ ના જોઈએ.....!” કેન્ટીનમાં બેઠેલી લાવણ્યા અકળાઈને ફોન ઉપર બોલી રહી હતી “તારે સિંગિંગમાં રે’વાનું એટ્લે રે’વાનું...! બસ...! ફાઈનલ...!”

લાવણ્યા ફોન ઉપર કોલેજમાં બીજાં ગ્રૂપના સંજયને યૂથ ફેસ્ટિવલમાં સિંગિંગમાં પાર્ટિસિપેટ કરવાં માટે “મનાઈ” રહી હતી.

“તો હું ક્યાં ના પાડું છું....!? તું તો સીધી ઓર્ડર કરતી હોય એમજ બોલે છે....!” સામે છેડેથી સંજય બોલ્યો “હું તો ખાલી એટલું કઉ છું કે સોંન્ગ હું મારી પસંદનું ગઈશ....!”

“ગઈ વખતે જે સોંન્ગ મેં સિલેક્ટ કર્યું’તું....! એજ સોંન્ગથી તું જીત્યો’તો યાદ છેને...!?” લાવણ્યા કડક સ્વરમાં બોલી અને કેન્ટીનમાં આજુબાજુ જોવાં લાગી.

તેણી સિવાય ગ્રૂપનાં બાકીનાં ફ્રેન્ડ્સ લેકચરમાં હતાં. એક્ઝામ નજીક આવતી હોવાથી કેન્ટીનમાં સ્ટુડન્ટ્સની હાજરી રોજ કરતાં ઓછી હતી.

“એટ્લે જે હું કઈશ....! એજ સોંન્ગ તારે ગાવાનું છે...! બવ હોંશિયારી નાં મારતો...!” લાવણ્યા રીતસરની ઇન્સલટ કરતી હોય એમ બોલી “સમજ્યો....! ચાલ મૂક હવે....!”

એટલું કહીને લાવણ્યાએ કૉલ કટ કરી દીધો.

“આજે પણ નઈ આયો આરવ....!?” લાવણ્યા સામેનાં ટેબલ ઉપર બેઠેલાં આરવનાં ગ્રૂપનાં બે-ત્રણ ફ્રેન્ડ્સને જોઈને મનમાં બબડી “કોલેજ છોડી દીધી કે શું....!?”

થોડાં દિવસ પહેલાં લાવણ્યાએ આરવને “સર્કસનો જોકર“ કહીને ઉતારી પાડ્યો હતો. તે દિવસ પછી આરવ કોલેજજ નહોતો આવ્યો.

“સાવ ડફોળ છે....!” લાવણ્યા ધીરેથી બબડી “મજાક પણ નઈ સમજતો....! હુંહ....!”

છેવટે લાવણ્યા ઊભી થઈ અને કેન્ટીનમાંથી નીકળી લેકચર ભરવાં માટે ક્લાસરૂમ તરફ ચાલી ગઈ.

------

“અરે ….! આરવનો ફ્રેન્ડ છે....!અક્ષય.....!” બીજાં દિવસે કોલેજનાં કોરિડોરમાં જેંટ્સ રેસ્ટરૂમ તરફથી આવી રહેલાં આરવનાં ગ્રૂપનાં ફ્રેન્ડ અક્ષયને જોઈને લાવણ્યા મનમાં બબડી.

“અક્ષય......! અક્ષય....!” લાવણ્યા ઉતાવળા સ્વરમાં તેને બોલાવાં લાગી.

કેન્ટીન તરફ જઈ રહેલો અક્ષય લાવણ્યા જોડે આવ્યો.

“હાં....! શું...!?” અક્ષય બોલ્યો.

“કેમ તમારું ગ્રૂપ આમ.....હમણાંથી ઠંડુ-ઠંડુ છે....!?” લાવણ્યાએ ઈનડાયરેક્ટલી પૂછ્યું “કોઈ ધમાલ મસ્તી નથી કરતું...!? અ...! કેન્ટીનમાં....!?”

“ અરે આરવ નઈ આવતોને...! એટ્લે...!” અક્ષય બોલ્યો.

“કેમ....!?” લાવણ્યા જાણે પુછ્વાં ખાતર પૂછતી હોય એમ બોલી “

“શું કેમ....!?” અક્ષય મૂંઝાયો હોય એમ બોલ્યો.

“અરે આરવ કેમ નથી આવતો...!?” લાવણ્યાથી પૂછાઈ ગયું “આઈ મીન....! તે કીધુંને...! એટ્લે પૂછ્યું...!”

“ખબર નઈ...!?” અક્ષયે ખભાં ઉલાળ્યા.

“કેમ...!? તારાં ગ્રૂપનો છે ને તને ખબર નઈ....!? આવું થોડી હોય...!?” આરવ વિષે જાણવાની પોતાની તાલાવેલીને લાવણ્યા રોકી નાં શકી અને સહેજ રઘવાયાં અને ઉગ્ર સ્વરમાં પૂછી બેઠી.

“તો તું પૂછીલેને...!” અક્ષય મોઢું બગાડીને બોલ્યો “મારી ઉપર શું કામ અકળાય છે...!?”

“મારી પાસે એનો નંબર નથી....!” લાવણ્યા વાળ ઝાટકીને બોલી.

“તો વાઈરલ ગ્રૂપમાંથી લઈલેને....! એ વાઈરલ ગ્રૂપમાં મેમ્બર છેજને...!” અક્ષય બોલ્યો અને ચાલતો થયો.

લાવણ્યાએ મોઢું મચકોડયું અને ત્યાંજ થોડીવાર ઊભી રહી. પોતાનાં હેન્ડબેગમાંથી મોબાઈલ કાઢીને લાવણ્યાએ વોટ્સએપમાં કોલેજનું વાઇરલ ગ્રૂપ ઓપન કર્યું. ગ્રૂપની ડિટેલમાં જઈને લાવણ્યાએ મેમ્બર્સનાં લિસ્ટમાંથી આરવનો નંબર શોધ્યો.

“મેસેજ કરું કે નઈ...!?” લાવણ્યાએ આરવનો નંબર ચેટબોક્સમાં ઓપન કરી મનમાં વિચાર્યું.

“અમ્મ....! નઈ કરવો...! જવાદે....!” લાવણ્યા સ્વગત બબડી અને રેસ્ટરૂમ તરફ જવાં લાગી.

-----

“હાય....! ગૂડ મોર્નિંગ....!” કેન્ટીનમાં બેઠેલી લાવણ્યાને પ્રેમે આવતાંવેંતજ કહ્યું.

લાવણ્યાની આજુબાજુ કામ્યા, અંકિતા અને રોનક પણ બેઠાં હતાં.

“નેહા ક્યાં છે....!?” પ્રેમને ઇગનોર કરીને નોટપેડમાં કઈંક લખી રહેલી લાવણ્યાએ અંકિતા સામે જોઈને પૂછ્યું.

“પ્રેમે તને ગૂડ મોર્નિંગ કીધું....! એનો તો જવાબ આપ પે’લ્લાં.....!” અંકિતા વ્યંગ કરતાં બોલી.

“ગૂડ મોર્નિંગ પ્લેમ....!” લાવણ્યા ચાળા પાડતી હોય એમ નકલી સ્મિત કરીને બોલી પછી અંકિતા સામે જોયું “હવે બોલીશ નેહા ક્યાં છે....!?”

“તું ફોન કરીને પૂછી લે’ને.....!” અંકિતાએ રોકડું પરખાવ્યું.

“પ્લીઝ...પ્લીઝ....આરવ યાર....!” લાવણ્યા કઈંક બોલવાજ જતી હતી ત્યાંજ તેણે સામેનાં ટેબલ પરથી આવતો કોલાહલ સાંભળ્યો.

“આરવ...! યાર...! તું અમારા માટે નઈ ગાય...!” સામેનાં ટેબલ પર આરવ બેઠો હતો અને તેણી આજુબાજુ તેનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ બેઠાં હતાં.

“હાશ....! આયો ખરો...!” આરવની સામે જોતાં-જોતાં લાવણ્યા હવે ધીરેથી પ્રેમની બાજુની ચેયરમાં બેઠી. આરવ પણ લાવણ્યા સામે જોઈ રહ્યો હતો.



“આરવ....! યાર તું સોંન્ગ ના ગાય એ થોડી ચાલે...!?” આરવનાં ગ્રૂપનીજ એક છોકરી અપૂર્વા બોલી “તું નોતો આવતો....! તો કેન્ટીન સૂની પડી ગઈ હતી.....!”

“એતો છે....! કેન્ટીન સૂની પડી ગઈ’તી....!” પોતાની સામે જોઈ રહેલાં આરવ સામે જોઈ લાવણ્યા મનમાં બબડી અને પોતાનાં વાળની લટ તેણીએ કાન પાછળ ભરાવી.

“અને તારું ગિટાર ક્યાં છે....!?” અપૂર્વાએ આરવને પૂછ્યું.

“બગડી ગ્યું છે...!” આરવ ઢીલા ચેહરે બોલ્યો.

આરવનાં ઉતરી ગયેલાં ચેહરાને જોઈને લાવણ્યાને ગિલ્ટી ફીલ થવાં લાગ્યું. તે હવે આરવ સામે દયામણું મોઢું કરીને જોઈ રહી. જોકે આરવનાં ફ્રેન્ડ્સે તેને ઘેરી લીધો અને સોંન્ગ ગાવાં માટે બધાં તેને ફોર્સ કરવાં લાગ્યાં. લાવણ્યાનાં ગ્રૂપ સહિત કેન્ટીનમાં બેઠેલાં બીજાં સ્ટુડન્ટ્સ પણ એ તરફ જોવાં લાગ્યાં.

“મને ફોર્સ નાં કરોને....!” બધાંએ બહુ ફોર્સ કરતાં આરવ છેવટે બોલ્યો અને ઊભો થઈને કેન્ટીનની બહાર જતો રહ્યો.

બધાં તેને બહાર જતો જોઈ રહ્યાં.

લાવણ્યાથી કમને પાછું જોવાઈ ગયું.

“ઓહો...! આ છોકરો તો સાવ મૂરઝાઈ ગ્યો....!” લાવણ્યા આરવને જતો જોઈ રહીને મનમાં બબડી.

“હું....! વૉશરૂમ જઈને આવું....!” આરવ જેવો કેન્ટીનની બહાર નીકળ્યો કે લાવણ્યા તરતજ પોતાનું હેન્ડબેગ લઈને કેન્ટીનની બહાર ઉતાવળા પગલે જવાં લાગી.

“અરે....! આટલી બધી શું ઉતાવળ...!?” અંકિતા ગ્રૂપનાં બીજાં મિત્રો સામે જોઈને બબડી.

------

“ક્યાં ગયો આ છોકરો...!?” કેન્ટીનની બહાર આવીને લાવણ્યા આમતેમ કોરિડોરમાં આમતેમ જોઈ આરવને શોધવાં લાગી.

“આમજ ગયો હશે...!” એમ માની લાવણ્યા કોરિડોરમાં કેન્ટીનની જમણી બાજુ ઉતાવળા પગલે ચાલવા લાગી.

“આટલું બધુ ખોટું લાગી જશે એને એવી નો’તી ખબર....!” ધીમે-ધીમે બબડતી લાવનયા વધુ એકવાર કોરિડોરમાં જમણી બાજુ વળી ગઈ.

ઝડપથી ચાલીને લાવણ્યાએ કોરિડોર વટાવી દીધો અને કોલેજનાં બિલ્ડીંગમાંથી બહાર આવી ગઈ.

“ક્યાં ગયો આ છોકરો...!?” આમતેમ ડાફોળીયાં મારતી લાવણ્યા પેવમેંન્ટ ટ્રેક ઉપર ચાલવાં લાગી.

“ઓય....! આરવ....!” લાવણ્યા હજીતો થોડું ચાલી હતી, ત્યાંજ તેણે આરવને તેનાં બાઇક ઉપર કોલેજનાં ગેટ તરફ જતો જોયો.

“ઓહો....! આતો જતો રહ્યો....!” ઢીલી થઈ ગયેલી લાવણ્યા ત્યાંજ ઊભાં રહીને બબડી.

“લાવણ્યા....!” ત્યાંજ લાવણ્યાને પાછળથી નેહાએ બૂમ પાડી.

લાવણ્યાએ પાછાં ફરીને જોયું.

“ટ્રસ્ટી સાહેબે તને બોલાવી છે....! ચાલ....! જલ્દી....!” કોલેજનાં બિલ્ડીંગનાં પગથિયે ઊભેલી નેહાએ સહેજ ઊંચા સ્વરમાં કહ્યું “યૂથ ફેસ્ટિવલની તૈયારીનું પૂછવાં....!”

આરવ હવે તેનું બાઇક લઈને કોલેજનાં ગેટની બહાર નીકળી ગયો હતો. થોડીવાર ગેટ તરફ જોઈ રહ્યાં પછી એક ઊંડો શ્વાસ ભરી પાછાં ફરી લાવણ્યા કોલેજનાં બિલ્ડીંગ તરફ જવાં લાગી.

------

ત્યાર પછીનાં દિવસે....!

“રેમ્પ માટે તે વિનિતાને વાત કરી....!?” કોલેજનાં બિલ્ડીંગ તરફ જતાં-જતાં લાવણ્યા યૂથ ફેસ્ટિવલમાં રેમ્પ વૉકમાં પાર્ટિસિપેટ કરનારી એક બીજી સ્ટુડન્ટ કાજલ સાથે વાત કરી રહી હતી.

“એણેતો સામેથી પુછ્યું’તું...! અને રેમ્પ માટે એનું નામ લખવાનું કીધું’તું...!” જોડે ચાલી રહેલી કાજલ બોલી.

કોલેજન સુંદર છોકરીઓમાં કાજલનું નામ લાવણ્યાની જેમ ટોપમાં ગણાતું. એટલેજ લાવણ્યાએ તેણીને રેમ્પવૉક માટે ગયાં વર્ષની જેમજ સિલેક્ટ કરી હતી.

“અને...રોશની....!?” લાવણ્યા હવે પેવમેંન્ટ ઉપર અટકીને વાત કરવાં લાગી “એની જોડે વાત થઈ...!?”

“એ આજે જવાબ આપવાની છે....! અને રીતિકા..!”

“અરે આરવ....!” કાજલ બોલી રહી હતી ત્યાંજ લાવણ્યાએ પાર્કિંગ તરફથી વૉક કરીને કોલેજનાં બિલ્ડીંગ તરફ જઈ રહેલાં આરવને જોયો અને તે એની તરફ ઉતાવળાં પગલે ગઈ.

“અરે લાવણ્યા...!?”

“હું પછી વાત કરું તારી જોડે...!” કાજલ બોલવાં જતી હતી ત્યાંજ લાવણ્યાએ પાછું જોઈને કહી દીધું અને પાછી ઉતાવળે આરવ તરફ જવાં લાગી.

“આરવ....! આરવ....!” આરવની નજીક પહોંચીને સહેજ લાવણ્યા સહેજ ધીમેથી તેની જોડે ચાલવા લાગી “હાય....! ગુડ મોર્નિંગ...!”

“ગુડ મ....મોર્નિંગ.....!” સહેજ નીરસ સ્વરમાં આરવે જવાબ આપ્યો.

રોજે હસતો માસૂમ બાળક જેવો તેનો ચેહરો લાવણ્યાને આજે સાવ નિસ્તેજ લાગ્યો.

“ત....તો...ગિટાર રીપેર થઈ ગ્યું....!?” આરવ મૂડમાં આવે એટ્લે લાવણ્યાએ જાણે કઈંજ બન્યું નાં હોય એમ ઉત્સાહથી કહ્યું “ત..તો...આજથી પાછું કેન્ટીનમાં સિંગિંગ ચાલુંને....!?”

“ગિટાર તો હું....!”

“ટ્રીન....! ટ્રીન....! ટ્રીન....!” આરવ બોલવાંજ જતો હતો ત્યાંજ તેનો મોબાઈલ રણક્યો.

“હેલ્લો....! હાં બોલ...!” આરવ ફોન ઉપર વાત કરવાં લાગ્યો.

લાવણ્યા આરવ જોડે ઊભી રહીને તેને જોઈ રહી.

“હાં બસ હું આઈજ ગ્યો છું ....! કોલેજમાં...! તું ક્યાં છે...!?” આરવે સામે પૂછ્યું અને પછી કોલેજનાં બિલ્ડીંગ તરફ ચાલવાં લાગ્યો.

“અરે....!” લાવણ્યા બોલવા ગઈ પણ આરવને ફોન ઉપર વાત કરતાં જોઈને અટકી ગઈ તેની ધિમાં પગલે તેની પાછળ ચાલવાં લાગી.

“હાં સારું...! હું આયો ચાલ...!” આરવ બોલ્યો અને કોલેજની પાછળની બાજુ જતાં પેવમેંન્ટ ટ્રેક તરફ ઉતાવળા પગલે વળી ગયો.

“લાવણ્યા...!” લાવણ્યા તેને બોલાવાં જાય એ પહેલાંજ પાછળથી પ્રેમનો અવાજ આયો.

“શું...!?” લાવણ્યા ચિડાઈ છતાં ધીરેથી બોલીને પાછી ફરી.

“આ નેહાએ તને આપવાંનું કીધું’તું...!” પ્રેમ તેણી જોડે આવીને બોલ્યો “લિસ્ટ છે...! પ્લેમાં પાર્ટિસિપેટ કરવાંવાળા સ્ટુડન્ટ્સનું....! અને એણે કીધું છે કે એ પ્લેની પ્રેક્ટિસ કરે છે...! ઓડિટોરિયમમાં....! તને પણ ત્યાંજ બોલાવી છે....! ડ્રામાનાં સર પણ ત્યાંજ છે...!”

“હાં સારું....!” લાવણ્યાએ લિસ્ટ હાથમાં લીધું અને કોલેજનાં બિલ્ડીંગ તરફ ચાલવા લાગી.

જતાં-જતાં તેણીએ એક નજર કોલેજની પાછળનાં ભાગ તરફ જઈ રહેલાં આરવ ઉપર નાંખી.

“પછી વાત કરી લઇશ...!” મનમાં બબડીને લાવણ્યાએ છેવટે કોલેજનાં બિલ્ડીંગનું પગથિયું ચઢી ગઈ.

-------

“આ છોકરોતો સામું પણ જોતો નથી...!” એકાઉન્ટનો લેકચર ચાલી રહ્યો હતો અને લાવણ્યા પોતાની જમણીબાજુ બે બેન્ચ પછી આગળ બેઠેલાં આરવ તરફ જોઈ રહીને મનમાં બબડી.

લેકચર શરૂ થયો ત્યારની લાવણ્યા ઘણીવાર આરવ સામે જોતી રહેતી હતી. જોકે હજી સુધી આરવે તેણી તરફ જોયું નહોતું.

“હાય.....!” થોડીવાર પછી આરવે અનાયાસે પાછળ જોયું અને લાવણ્યાએ સ્મિત કરીને ધીરેથી પોતાની હથેળી હલાવીને બોલ્યાં વગર હાય કર્યું.

આરવે ઉદાસ ચેહરે ઔપચારિક સ્મિત કર્યું અને ફરી આગળ જોવાં લાગ્યો.

“ટન....ટન....ટન...!”

ત્યાંજ લેકચર પૂરો થયાનો બેલ વાગ્યો.

“ચાલો પછી મળીએ....!” એકાઉન્ટનો સબજેક્ટ ભણાવી રહેલાં સરે સ્મિત કર્યું અને ક્લાસરૂમમાંથી ચાલતાં થયાં.

તેમનાં જતાંજ ક્લાસરૂમના બધાં સ્ટુડન્ટ્સ પણ વારાફરતી બહાર નીકળવાં લાગ્યાં.

“આરવ....! કેન્ટીનમાં આવે છેને...!?” આરવના ફ્રેન્ડ અજયે ક્લાસરૂમની બહાર જતાં-જતાં પૂછ્યું.

“હાં....! ચાલ....!” આરવ બોલ્યો અને તેની જોડે ક્લાસરૂમની બહાર જવાં લાગ્યો.

લાવણ્યા પણ પોતાની સીટ પર ઊભી થઈ અને બેન્ચ ઉપર મૂકેલી તેણીની પેન વગેરે લઈને ફટાફટ પોતાની હેન્ડબેગમાં ભરવાં લાગી.

“લાવણ્યા....! પ્લેની તૈયારી જોવાં માટે ઓડિટોરિયમમાં આવે છેને...!?” પાછળની બેન્ચ તરફથી આવીને નેહાએ લાવણ્યાને પૂછ્યું.

“પછી...પછી...હાં....!” ક્લાસરૂમની બહાર નીકળી રહેલાં આરવને જોઈને લાવણ્યા ઉતાવળા સ્વરમાં બોલી “અ...! મને ભૂખ લાગી છે....! કઈંક ખાઈએ પછી....! હોં....! ચાલ કેન્ટીનમાં...!”

એટલું કહીને લાવણ્યા ઝડપથી ક્લાસરૂમની બહાર જવાં લાગી. નેહા પણ તેણીની પાછળ-પાછળ જવાં લાગી.

-------

“હવે તો ખાઈ લીધુંને....! તો ચાલને....! પ્લેની તૈયારી જોઈલે....!” કેન્ટીનમાં લાવણ્યાની જોડે બેઠેલી નેહાએ લાવણ્યાને કહ્યું.

લાવણ્યા અને નેહા સહિત ગ્રૂપના બધાં લંચમાં કેન્ટીનમાં બેઠાં હતાં. લંચ પછી લાવણ્યાએ પ્લેની તૈયારી જોવાં માટે ઓડિટોરિયમ જવાનું નેહાને કહ્યું હતું.

“આ છોકરો સોંન્ગ ગાય એ પછી જવું છે....!” સામેનાં ટેબલ ઉપર પોતાનાં ગ્રૂપના ફ્રેન્ડ્સ સાથે બેઠેલાં આરવને જોઈને લાવણ્યા મનમાં બબડી.

આરવ સોંન્ગ ગાય એની રાહ લાવણ્યા ક્યારની રાહ જોઈ રહી હતી. આરવ જોકે તેનો ફોન મંતરી રહ્યો હતો.

“લાવણ્યા....! જવું છે કે નઈ….!?” લાવણ્યાએ કોઈ જવાબ ના આપતાં નેહાએ ફરીવાર પૂછ્યું.

“હેં....! શું....! જ...જઈએ...થોડીવારમાં...!” આરવ સામે જોઈ રહેલી લાવણ્યા થોથવાઈ ગઈ પછી બોલી “હાં...હાં...જઈએ..હોં....!”

થોડી વધુવાર વીતી ગઈ. આરવ હવે પોતાની જગ્યાએથી ઊભો થયો અને કેન્ટીનની બહાર નીકળવાં લાગ્યો.

“અરે આતો સોંન્ગ ગાયાં વિનાજ જાય છે....!?” આરવને જતો જોઈને લાવણ્યા સહેજ ચોંકી અને મનમાં બબડી.

કેન્ટીનમાંથી બહાર નીકળી ચૂકેલાં આરવને જોઈને લાવણ્યા પોતાની જગ્યાએથી ઊભી થઈ અને ત્યાંથી બહાર જવાં લાગી.



“નેહા....! તું ઓડિટોરિયમ પહોંચ....! હું આવું છું થોડીવારમાં...!” કોઈ કશું પૂછે એ પહેલાંજ લાવણ્યા બોલી અને ત્યાંથી બહાર જવાં લાગી.

“આરવ....! આરવ....! ઓયે....!સાંભળતો ખરો....!” કોરિડોરમાં જઈ રહેલાં આરવની પાછળ ઉતાવળા પગલે ચાલતાં-ચાલતાં લાવણ્યા સહેજ ઊંચા સ્વરમાં બોલી.

“હાં....! શું...!?” લાવણ્યાનો સ્વર સાંભળીને આરવ ઊભો રહ્યો અને લાવણ્યા બાજુ ફર્યો.

“શું...! હાં...! શું...!?” લાવણ્યા સહેજ ચિડાયેલાં સ્વરમાં બોલી “શું છે તારે....!? કેમ આવું મોઢું લઈને ફરે છે...! સાવ દેવદાસ જેવું...!? આટલું બધું શું ખોટું લાગી ગ્યું તને...!?”

લાવણ્યા આરવને ધમકાવા લાગી.

“શેનું ખોટું...!?” આરવ સાવ બાળકની જેમ મૂંઝાઈને બોલ્યો “શેની વાત કરો છો તમે..!?”

“જો તો ...સાવ આવું નાટક કરે છે...!?” લાવણ્યા વધુ ચિડાઈ અને આરવની ચેસ્ટ ઉપર હળવો ધબ્બો મારીને બોલી “મેં તને “જોકર” કીધો એ વાતનું....!”

“ઓહ....! એવું તો કંઈ....”

“તું શું ઈચ્છે છે...! હેં...!?” ચિડાયેલી લાવણ્યા વચ્ચે બોલી “હું તારી માફી માંગુ...! એમ...!? બોલ...!?”

“હું એવું ક્યાં...!”

“હું કોઈની માફી-બાફી નથી માંગતી...! મને જે ફિલ થયું એ કઈ દીધું....! એમાં આટલું શું ખોટું લગાડવાનું...!?”

આરવ જાણે હોમવર્ક કર્યા વગર આવેલો કોઈ વિદ્યાર્થી હોય એમ ચુપચાપ મોઢું બનાવીને ઉભો રહ્યો અને લાવણ્યા સામે જોઈ રહ્યો.

“હવે આમ ઠોયાં જેવો શું ઉભો છે....!? બોલને...!” લાવણ્યા વધુ મોટેથી બોલી.

“પણ તમે બોલવાં તો દેતાં નઈ....!” આરવ સાવ ઢીલું મોઢું કરીને બોલ્યો “હું કઉછું તો ખરો...! મનેતો યાદ પણ નો’તું...! એ જોકરવાળું...!”

“તો પછી તે સોન્ગ ગાવાનું બંધ કેમ કરી દીધું..!? તું ગીટાર પણ નઈ લાવતો...! અને ઓલાં દિવસે લાયો’તો...તોય ગાયું નઈ...! બોલ...!?” આરવનો માસૂમ ચેહરો જોઇને લાવણ્યાનો બધો ગુસ્સો ઉતરી ગયો તો પણ તે મોટેથી બોલી રહી હતી.

“ગીટાર તો હું સંજય માટે લાયો’તો...! એણે માંગ્યું’તું એટલે...! એણે કંઈક યુથ ફેસ્ટીવલમાં ભાગ લીધો છે એટલે...!”

“તો તું નારાજ છે કે મેં તારું નામ ના લખ્યું...! યુથ ફેસ્ટીવલ માટે એમ...!?”

“ના...! એવું કંઈ નથી...! મનેતો યુથ ફેસ્ટીવલ વિષે ખબર પણ નઈ...! અને તમે કીધું હોત તો પણ હું નાં ગાત...! મને સ્ટેજ ફીયર છે...!”

“પણ તું કેન્ટીનમાં કેમ નઈ...!”

“લાવણ્યા...!” લાવણ્યા આગળ બોલે એ પહેલાંજ તેને ડ્રામાનાં સુધીર સરે બોલાવી.

“હાં સર...!” લાવણ્યા તેમની તરફ આવી રહેલાં સુધીર સરને જોઇને બોલી.

“અરે પ્લેની સ્ક્રિપ્ટ તારી જોડે છેને ...? તો તું અહિયાં શું કરે છે...! ચાલ ઓડીટોરીયમમાં ચાલ...! બધાં ક્યારનાં રાહ જોવે છે...!”

“હાં....! અ...! હાં...સર...! હું બસ આવતીજ’તી....”

“અરે યુથ ફેસ્ટીવલને માંડ ચાર દિવસ બાકી છે....! તું ચાલ પે’લ્લાં....!” થોડાં ઉગ્ર સ્વરમાં બોલી સુધીર સર પાછાં ફરીને ઓડીટોરીયમ તરફ જવાં લાગ્યાં.

લાવણ્યા પણ દબાતાં પગલે સુધીર સરની પાછળ જવાં લાગી. જતાં-જતાં તેણીએ પાછાં ફરીને આરવ સામે જોયું. તે હવે કોરીડોરમાં ચાલતો-ચાલતો જેન્ટ્સ રેસ્ટરૂમ તરફ જઈ રહ્યો હતો.

“દર વખતે વાત અધુરીજ રે’ છે...!” આરવની પીઠ તાકીને લાવણ્યા મનમાં બબડી અને આગળ જોઇને ચાલવાં લાગી.

-----

ત્યાર પછીનાં લગભગ ત્રણ-ચાર દિવસ સુધી લાવણ્યા યૂથ ફેસ્ટિવલની તૈયારીમાં બીઝી થઈ ગઈ. કોલેજમાં કે કેન્ટીનમાં ઉદાસ ફરતાં આરવને લાવણ્યા અનેકવાર જોતી. જોકે યૂથ ફેસ્ટિવલમાં માત્ર ચાર દિવસ બાકી હોવાથી તૈયારી કરવામાં લાવણ્યાને આરવ સાથે વાત કરવાનો સમય જ ના મળ્યો. લાવણ્યા પોતે પણ તૈયારીમાં વ્યસ્ત થઈ જતાં તેનાં મનમાંથી તે વાત નીકળી ગઈ.

“લાવણ્યા...આપડી કોલેજના પ્લેમાં લોકોને મજા આવી ગઈ હોં...!” રુચિ નામની લાવણ્યાની જોડે કોલેજમાં ભણતી એક સ્ટુડન્ટ બોલી.

ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉંડમાં યૂથ ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો.

જસ્ટ થોડીવાર પહેલાંજ એચ એલ કોલેજનાં સ્ટુડન્ટ્સનું પ્લેનું પર્ફોમન્સ પત્યું હતું.

“હાં..હાં...થેન્ક યુ...!”હાથમાં નોટપેડ લઈને યૂથ ફેસ્ટિવલનાં એચ એલ કોલેજનાં પર્ફોમન્સનું લિસ્ટ વાંચી રહેલી લાવણ્યાએ ઔપચારિક સ્મિત કરીને રુચિનું અભિવાદન કર્યું અને ફરીવાર લિસ્ટ જોવાં લાગી.

“અરે બાપરે...! હવે તો એકજ પર્ફોમન્સ પછી સંજયનું સોંન્ગ પર્ફોમન્સ છે...!” લિસ્ટ નેક્ટ આવતાં પર્ફોમન્સમાં સંજયનું નામ જોઈને લાવણ્યા બબડી અને આજુબાજુ જોવાં લાગી.

“આ ગિટાર....! હાં....! એજ વગાડવાનો છે...!” લાવણ્યાની કોલેજને જે રૂમ ફાળવવાંમાં આવ્યો હતો તેનાં એક ખૂણામાં પડેલાં આરવનાં ગિટારને જોઈને લાવણ્યા બબડી.

“પણ આ બેવકૂફ સંજય છે ક્યાં...!?” ખાસ્સાં મોટાં એવાં રૂમ હાજર યૂથ ફેસ્ટિવલમાં ભાગ લેનારાં એચ એલ કોલેજનાં સ્ટુડન્ટ્સમાં લાવણ્યા સંજયને શોધી રહી.

“ઓયે આલોક.... ! તે સંજયને જોયો...!?” રૂમમાં હાજર આલોક નામનાં સ્ટુડન્ટને જોઈને લાવણ્યાએ તેને પૂછ્યું.

“નાં...! નઈ જોયો...!” આલોકે માથું ધૂણાવ્યું અને પોતાનાં ફોનમાં જોવાં લાગ્યો.

“અરે યાર...! આ ડોબો...!” લાવણ્યા સ્વગત બબડી અને રૂમમાં વધુ એક વખત આમતેમ જોવાં લાગી.

“ક્યાંય નથી...! બા’ર જોવું...! ક્યાંક રખડતો નાં હોય...!” લાવણ્યાએ મોઢું મચકોડયું અને પછી રૂમની બહાર આવી.

“રૂપાલી....! તે સંજયને જોયો...!” લાવણ્યાએ રૂમ તરફ આવી રહેલી તેમની કોલેજની સ્ટુડન્ટ રૂપાલીને પૂછ્યું.

“એ તો આયોજ ક્યાંછે...!? મેં હજી સુધીતો અહિયાં ક્યાંય નથી જોયો...!” રૂપાલીએ ખભાં ઉછળીને કહ્યું.

“અરે એનું ગિટારતો રૂમમાં પડ્યું છે...!” લાવણ્યા સહેજ ચિડાઈને બોલી.

“પર્ફોમન્સનો બધો સામાન આપણે ટેમ્પોમાં લાવ્યાં’તા કપડાં વગેરે...! એમાં ગિટાર પણ હતુંજ....!” રૂપાલી બોલી.

“અરે યાર તો આ ડફોળ ગયો ક્યાં...! આના પછી એનું સોંગનું પર્ફોમન્સ છે...!” લાવણ્યા હવે ચિંતામાં મુકાઈ ગઈ.

“બેક સ્ટેજ જોયું...!? કદાચ ત્યાં બધાં જોડે ઊભો હોય...! એની ગર્લફ્રેંન્ડનું પર્ફોમન્સ હતુંને...!”

“અરે હાં...! બરોબર બોલી તું...!” લાવણ્યા બોલી અને બેક સ્ટેજ જવાં માટે બિલ્ડીંગનાં કોરિડોરમાં તરત ઉતાવળાં પગલે ચાલવા લાગી.

“રૂપાલી...!” જતાં-જતાં લાવણ્યા કોરિડોરમાં અટકી અને પાછું ફરીને રૂપાલીને કહેવાં લાગી “રૂમમાં પડેલું ગિટાર લઈને જલ્દી બેકસ્ટેજ આવ....!”

રૂપાલીએ હકારમાં ડોકું ધૂણાવી દીધું. લાવણ્યા હવે ત્યાંથી જવાં લાગી.

-----

“સંજય....! સંજય...!” બેક સ્ટેજ પહોચીને આમતેમ ડાફોળીયાં મારતી લાવણ્યા બેકસ્ટેજ ઉભેલાં અલગ-અલગ કોલેજનાં સ્ટુડન્ટસની ભીડમાં સંજયને શોધવાં લાગી.

“અરે કોઈએ સંજયને જોયો..!?” લાવણ્યાએ સહેજ મોટેથી કહ્યું.

જોકે ભીડને લીધે કોઈએ તેનાં સવાલનો જવાબ ના આપ્યો.

“અરે હુંય ડફોળ છું...!” લાવણ્યાએ પોતાનાં માથે ટપલી મારી “ફોન કરીનેજ પૂછી લવને...!”

હસતાં-હસતાં લાવણ્યાએ તેનાં જીન્સનાં પોકેટમાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો.

મોબાઇલમાંથી સંજયનો નંબર કાઢીને લાવણ્યાએ નંબર ડાયલ કર્યો.

“તમે જે નંબરનો સંપર્ક કરવાં માંગો છો...! તે નંબર સ્વિચ ઑફ છે...!”

“આરે બાપરે...!” રેકોર્ડેડ મેસેજ સાંભળી લાવણ્યાની આંખો મોટી થઈ ગઈ અને માથે પરસેવો વળવા લાગ્યો.

“લાવણ્યા.....! લે આ ગિટાર...!” લાવણ્યાની પાછળથી રૂપાલીએ આવીને તેની સામે ગિટાર ધર્યું.

“મારાં માથે માર....!” લાવણ્યાએ ચિડાઈને મોટેથી બોલી “જેણે વગાડવાનું એ તો દેખાતો નથી...! હું શું કરું આ તંબુરાનું...!?”

“તો તું મારી ઉપર શેનો ગુસ્સો કરે છે...!?” રૂપાલી પણ ચિડાઈને બોલી.

ત્યાંજ સ્ટેજ ઉપર એનાઉન્સમેંન્ટ થઈ.

“તો આજનું આપણું નેક્સ્ટ પર્ફોમન્સ છે....! સોલો સિંગિંગ બાય મિસ્ટર સંજય પટેલ ફ્રોમ એચ એલ કોલેજ....!”

“બાપરે.....! એનાઉન્સમેંન્ટ પણ થઈ ગઈ...!” એનાઉન્સમેંન્ટ સાંભળીને લાવણ્યાના પગ જાણે ધ્રૂજવા લાગ્યાં “હવે...?!”

લાવણ્યાએ રૂપાલી સામે જોયું. તે પણ ચિંતાતુર નજરે લાવણ્યા સામે જોઈ રહી.

એનાઉન્સમેંન્ટ થતાંજ તાળીઓનો ગડગડાટ સંભળાયો.

“શું કરું....!? શું કરું...!?” લાવણ્યા હવે રઘવાઈ થઈ આજુબાજુ જોવાં લાગી “ટ્રસ્ટી સાહેબને શું જવાબ આપીશ....!? કોલેજમાં મારી ઈજ્જતનો કચરો થઈ જશે...!”

“મિસ્ટર સંજય પટેલ...! પ્લીઝ કમ ઓન સ્ટેજ...!” બેકસ્ટેજ લાગેલાં સ્પીકરમાં ફરીવાર એનાઉન્સમેંન્ટનો અવાજ સંભળાયો.

“મરી ગઈ હું તો...શું કરું...!?” લાવણ્યા સાવ ઢીલી થઈ ગઈ અને માથે હાથ દઈને આમતેમ જોવાં લાગી.

“આરવ...!” ત્યાંજ લાવણ્યાની નજર બેકસ્ટેજ તેમની તરફ આવી રહેલાં આરવ ઉપર પડી.

લાવણ્યાના મગજમાં કઈંક ઝબકારો થયો.

“આરવ....! આરવ....!” તે તરતજ આરવના નામની બૂમો પાડતી-પાડતી તેની બાજુ દોડી ગઈ.

“આરવ....! થેન્ક ગોડ...! તું આઈ ગ્યો...!?” આરવના બાવડે બંને બાજુ હાથ મૂકીને લાવણ્યા જાણે ગદગદ થઈ ગઈ હોય એમ બોલી.

“મને હતુંજ...! કે ગિટારનું ટ્યુનિંગ સરખું કરતાં સંજયને નઈ ફાવે....! મારેજ કરવું પડશે...!” લાવણ્યાની પ્રોબ્લેમથી અજાણ આરવ સ્વાભાવિક સ્વરમાં બોલ્યો.

“આરવ...! બવ મોટી પ્રોબ્લેમ છે યાર....! હેલ્પ મી પ્લીઝ...!” લાવણ્યા સાવ ઢીલી થઈને આરવના હાથ પકડીને બોલી.

“ગિટારનું ટ્યુનિંગ બવ મોટી પ્રોબ્લેમ નથી....! લાવો હું કરી દઉ...!” આરવ હજીપણ એજરીતે બોલ્યો “ગિટાર ક્યાં છે...!? અને સંજય...!?”

“એણે બધું “ટ્યુનિંગ બગાડી નાંખ્યું...!” લાવણ્યા વ્યંગ કરતી હોય એમ પરાણે બોલી “એ ડોબો આયોજ નથી...!”

“વ્હોટ....!?” આરવ ચોંકયો “તો પછી સોંન્ગ….!?”

“એજ તો...! પ્લીઝ હેલ્પ કર...! તું...તું...એની જગ્યાએ સ્ટેજ ઉપર સોંન્ગ પરફોર્મ કરીલેને...! પ્લીઝ...પ્લીઝ...! આરવ...!”

“હેં...શું..? હું....!? સ્ટેજ ઉપર...!?” આરવ ચોંકયો અને થોથવાઈ ગયો “પ..પણ...મને...! મને...! ના ફાવે...!”

“કેમ ના ફાવે...!?” લાવણ્યા નવાઈપૂર્વક બોલી “તું રોજે કેન્ટીનમાં ગાતો જ હતોને.....!?”

“હું તો તમારાં માટે ગાતો’તો….!” આરવથી બોલાઈ ગયું “એટ..એટ્લે...! અ...!”

“મિસ્ટર સંજય...! પ્લીઝ કમ ઓન સ્ટેજ...!” ત્યાંજ બેકસ્ટેજ લાગેલાં સ્પીકરમાં ફરીવાર એનાઉન્સમેંન્ટનો અવાજ સંભળાયો.

“આરવ...! પ્લીઝ...!” લાવણ્યાએ ફરીવાર આરવના હાથ પકડી લીધાં.

“પ..પણ કેન્ટીનમાં ફ્રેન્ડ્સની વચ્ચે ગાવું અલગ વાત છે...!” આરવ ધ્રૂજતો હોય એમ ડરતાં-ડરતાં બોલ્યો “અને સ્ટેજ ઉપર આટલાં બધાં લોકોની વચ્ચે ગાવું અલગ વાત છે...! અને મેં તમને કીધુંતો હતું...! કે મને સ્ટેજ ફીયર છે...!”

“આરવ...! તું...! બસ...કેન્ટીનમાં ગાય છે એવું સમજીને ગાઈલેને...!” લાવણ્યા બોલી અને પછી રૂપાલી પાસેથી ગિટાર લઈને આરવ સામે ધર્યું “ગિટાર પણ તારુંજ છેને જો...!”

“પણ તમે સમજતાં કેમ નથી...! મારી જીભ પણ નઈ ઉપડે....! ગાવાનું તો દૂરની વાત છે..!”

“આરવ....! કોલેજની રેપ્યુટેશનનો સવાલ છે...!” લાવણ્યા હવે ઢીલી થઈને બોલી “અને મારી પણ...!”

આરવ ની:સહાય ચેહરે લાવણ્યા સામે જોઈ રહ્યો જાણે બોલ્યાં વગર હજીપણ એજ કહી રહ્યો હોય કે “મારાંથી નઈ ગવાય....!”

“જો તો મારાં માટે આટલું કરી દઈશ તો આપડાં બેયની ફ્રેન્ડશીપ પક્કી...!” કોઈ નાનાં બાળકને લાલચ આપતી હોય એમ લાવણ્યા આંખો મોટી કરીને બોલી.

“તો..તો..કોફી પીવાં આવશોને મારી જોડે...!?” આરવ ખુશ થઈ ગયો હોય એમ નાનાં બાળકની જેમ આંખો મોટી કરીને બોલ્યો.

“ઓહો...! છોકરાં તારી પિન હજીપણ કોફી ઉપર અટકેલી છે...!?” લાવણ્યાએ વ્હાલથી આરવના ગાલ ઉપર ચૂંટલો ખણ્યો “પાક્કું આઈશ...! બસ...!”

“ઓકે...! પ..પણ હું ટ્રાય કરીશ સારું ગાવાનો...! મે કદી આ રીતે સ્ટેજ ઉપર નથી ગાયું...!” ગિટારનો બેલ્ટ પોતાનાં ખભેથી ક્રોસમાં ભરાવતો આરવ બોલ્યો “હું નર્વસ થઈ ગ્યો તો....!? સોંન્ગનાં લીરિક્સ ભૂલી ગ્યો’તો...!?”

“આમ જો મારી સામે...!” લાવણ્યાએ પ્રેમથી આરવનાં બંને ગાલ ઉપર હાથ પકડ્યો “તને જે છોકરી બઉજ ગમતી હોયને....! એની સામે જોઈને ગાઈલેજે....! કશું નઈ ભૂલાય....!”

“તો તમે સ્ટેજની નજીક નીચે ઓડિયન્સમાં આઈ જાઓ...!” નાનાં બાળક જેવાં સ્વરમાં એટલું કહીને આરવ દોડાદોડ બેકસ્ટેજનાં પગથિયાં ચઢી ગયો.

“હેં....શું....!?” લાવણ્યા મૂંઝાઈ ગઈ પછી તરતજ એને લાઈટ થઈ “ઓહ તારી...! આરવ..!”

આરવની ઇનોસંસ ઉપર લાવણ્યાથી પરાણે હસાઈ ગયું.

----


“સ...સોરી હું ...લ....લેટ થઈ ગ્યો....!” સ્ટેજના આગળના છેડે માઇક ઉપર આરવ ઓડિયન્સ સામે જોઈને બોલી રહ્યો હતો.

સ્ટેજની નજીક જમણી બાજુ લાવણ્યા હવે નેહા, પ્રેમ, વગેરે જોડે ઓડિયન્સમાં ઊભી હતી.

“પણ લાવણ્યા...! આરવ...!? કેમ...!?” જોડે ઊભેલી નેહાએ આરવને સ્ટેજ ઉપર જોતાં મૂંઝાઈને પુછ્યું.

“પૂછીશજ નઈ…!” લાવણ્યા દાંત ભીંચીને બોલી “સંજયને તો હું જોઈ લઇશ....!”

ઊંડા શ્વાસ ભરતો-ભરતો આરવ ઓડિયન્સ સામે જોઈ રહ્યો હતો.

“ઓહો...! આ છોકરોતો બવ નર્વસ છે....!” આરવના ચેહરા ઉપરનો ગભરાટ જોઈ ઓડિયન્સમાં ઊભેલી લાવણ્યા બબડી.

ઓડિયન્સ ઉપર નજર ફેરવતાં આરવની નજર હવે લાવણ્યા ઉપર પડી. આરવે તેની સામે જોતાં લાવણ્યાએ સ્મિત કર્યું. કેટલીક સેકંડો સુધી આરવ લાવણ્યા સામે જોઈ રહ્યો પછી એક ઊંડો શ્વાસ ભરી તેણે પણ સ્મિત કર્યું અને ગિટારનાં તાર ઉપર પોતાનાં હાથની આંગળીઓ ફેરવવા લાગ્યો.

“તુઝકો.....! મેં રખલું વહાં....! જહાં પે કહીં....! હેં મેરાં યકિં...!

મેં જો.......! તેરાં ના હુઆ....! કિસીકા નહીં ઈ...! કિસીકા નહીં....!”

“માય ગોડ....!” અરિજિત સિંઘનું એ સોંગ આરવે જેવું ગાવાનું શરું, ઓડિયન્સમાં ઊભેલી લાવણ્યાની આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ.

કેન્ટીનમાં આરવ જેટલું સારું ગાતો હતો માઈકમાં તેનો સ્વર તેના કરતાં પણ અનેકગણો સુરીલો સંભળાઈ રહ્યો હતો.

“લે જાને કહાં.....! હવાએ... હવાએ...

લે જાએ તુઝે કહાં....! હવાએ... હવાએ...

બેગાની હૈ યે બાગી...! હવાએ... હવાએ...

લે જાયે મુઝે કહાં....! હવાએ... હવાએ...!

લે જાને કહાં ના મુઝકો ખબર...

ના તુઝકો પતાઆ......!

હો....ઓ...ઓ....!”

જાણે કોઈ જાદુગરે સમ્મોહીત કર્યા હોય એમ આરવને ગાતાં ઓડિયન્સ મંત્રમુગ્ધ થઈને સાંભળી રહી.

લાવણ્યા પણ પોતાનાં બંને હાથ ગાલ ઉપર મૂકીને મલકાતી-મલકાતી આરવને જોઈ રહી. આરવ આટલું સારું ગાય છે એની લાવણ્યાએ કલ્પના પણ નહોતી કરી.

“બનાતી હૈ જો તુંઊ.....! વો યાદે જાને સંગ મેરે કબ તક ચલે....!

ઈન્હી....મેં તો મેરીઈ....! સુબહ ભી ઢલે ...શામ ઢલે....મૌસમ ઢલે....!”

લાવણ્યાની જોડે ઉભેલાં પ્રેમ અને નેહા પણ સરપ્રાઈઝ થઈ ગયાં અને આંખો મોટી કરીને સ્મિત કરતાં-કરતાં આરવને પેરફોર્મ કરતાં જોઈ રહ્યાં.

“દેતી હૈ જો સદાયેં....! હવાએ... હવાએ...

ના જાને ક્યાં બતાયેં....! હવાએ... હવાએ...”

સ્ટેજ ઉપર જતી વખતે અને સોંન્ગ ગાવાનું શરું કર્યું એ પહેલાં આરવ જેટલો ગભરાયેલો હતો એનાં કરતાં તે અત્યારે ફૂલ કોન્ફિડેન્સથી સોંન્ગ ગાઈ રહ્યો હતો. એમાંય જ્યારે ઓડિયન્સે પણ આરવની જોડે સૂર પૂરાવતાં “હવાએ... હવાએ...” ગાવાં માંડ્યુ, ત્યારે આરવનો ચેહરો નાનાં બાળકની જેમ ખુશીથી ખીલી ઉઠ્યો.

“ચેહરાઆ......! ક્યું મિલતા તેરાં....!

યું ખ્વાબો સે મેરેએ....! યે ક્યાં રાઝ હૈ...!”

આરવ હવે લાવણ્યા સામે જોઈને ગાવાં લાગ્યો. આરવના ચેહરા ઉપર આવી ગયેલી બાળક જેવી એ મુગ્ધતાને લાવણ્યા જોઈ રહી. તેણીની આંખ ખુશીથી ભીની થઈ ગઈ.


“તેરી હૈ મેરી સારી....!

વફાયેં..... વફાયેં....!

માંગી હૈ તેરે લિયે....! દુવાયેં.... દુવાયેં....”

“લે જાએ તુઝે કહાં....! હવાએ... હવાએ...

બેગાની હૈ યે બાગી...! હવાએ... હવાએ...

લે જાયે મુઝે કહાં....! હવાએ... હવાએ...!”

“કમ ઓન...! એવરીબડી વિથ મી....!” સોંન્ગ ગાતાં-ગાતાં આરવ ઓડિયન્સ સામે જોઈને બોલ્યો અને વધુ જોશથી ગાવાં લાગ્યો.

“લે જાયે જાને કહાંઆ....!” આરવે જોશથી ગાયું અને પછી ઓડિયન્સ સામે જોયું.

“હવાએ... હવાએ...!” ઓડિયન્સે પ્રતીભાવ આપ્યો.

“લે જાયે તુઝે કહાં....!” આરવે ફરીવાર એજરીતે ગાયું.

“હવાએ... હવાએ...” ઓડિયન્સે ફરી એજરીતે પ્રતીભાવ આપ્યો.

“લે જાયે જાને કહાંઆઆ....!”

“હવાએ... હવાએ...!”

“આણે તો જાણે આખી કેન્ટીન અહિયાં ઊભી કરી દીધી...!” આરવના પ્રતીભાવમાં ““હવાએ... હવાએ...!” ગાઈ રહેલી ઓડિયન્સ સામે જોઈને નેહાએ લાવણ્યાને કહ્યું.

જેમ આરવ કેન્ટીનમાં ગાતો અને તેની આજુબાજુ બેઠેલાં ફ્રેન્ડ્સ કોરસમાં ગાતાં, એજરીતે યૂથ ફેસ્ટિવલની ઓડિયન્સ પણ આરવની જોડે કોરસમાં ગાઈ રહી હતી. બધીજ ઓડિયન્સ સહિત હવેતો જજીસે પણ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. સ્ટેજ ઉપર એક સાઇડે મ્યુઝિક વગાડી રહેલાં લાઈવ ઓરકેસ્ટ્રાના સભ્યો પણ ખુશીથી ઝૂમી ઊઠ્યાં.

કઈંપણ બોલ્યાં વગર આરવને સોંન્ગ ગાતો લાવણ્યા માણી રહી.

“હો....ઓ...ઓ....!

હો....ઓ...ઓ....!”

-------

“વન્સ મોર...! વન્સ મોર...! વન્સ મોર...!” આરવે સોંન્ગ ગાવાનું પૂરું કરતાંજ ઓડિયન્સ આખી “વન્સ મોર”ના નારાં લગવાં લાગી. ચિચિયારીઓ અને તાળીઓથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. ઓડિયન્સમાં ઉભેલાં આરવના ગ્રૂપના ફ્રેન્ડ્સ સહિત લાવણ્યા અને નેહા વગેરેએ પણ તાળીઓ પાડી આરવને વધાવી લીધો.

ઓડિયન્સના અભૂતપૂર્વ પ્રતિસાદનું માથું ઝુકાવી અભિવાદન કરીને આરવ છેવટે બેકસ્ટેજ જવાં દરવાજા તરફ જવાં લાગ્યો. આરવને બેકસ્ટેજ જતો જોઈને લાવણ્યા પણ હવે ભીડ વચ્ચેથી જગ્યા કરતી-કરતી બેકસ્ટેજ જવાં લાગી. તેની પાછળ-પાછળ નેહા અને બાકીનાં ફ્રેન્ડ્સ પણ જવાં લાગ્યાં.

“વન્સ મોર...! વન્સ મોર...! વન્સ મોર...!”

આરવને બેકસ્ટેજ જતો જોવાં છતાં પણ ઓડિયન્સે ક્યાંય સુધી નારાં ચાલુજ રાખ્યાં.

-----

“બે તું દિટ્ટો અરિજીત સિંઘ છે યાર....!” લાવણ્યા બેકસ્ટેજ પહોંચી ત્યાં તેણે આરવને તેનાં ગ્રૂપના ફ્રેન્ડ્સ તેમજ અન્ય કોલેજના સ્ટુડન્ટ્સ પણ તેને ઘેરી વળ્યાં હતાં.

લાવણ્યા સહેજ દૂર ઊભી રહીને આરવને જોવાં મથી રહી. નેહા અને ગ્રૂપના અન્ય ફ્રેન્ડ્સ પણ હવે જઈને આરવને ઘેરી વળ્યાં. થોડીવાર પછી જ્યારે બીજાં કોઈ પર્ફોમન્સ માટેની એનાઉન્સમેંટ સંભળાઈ ત્યારે માંડ બધાંએ આરવને છોડયો.

“ઓટોગ્રાફ મળશે…!?”લાવણ્યાએ પોતાનાં જીન્સના પોકેટમાંથી ભરાવેલી પેન અને માર્કરપેનમાંથી માર્કર ખેંચીને કાઢી અને આરવ સામે ધરીને સ્મિત કરતાં કહ્યું.

“ના....! બધુ તમારાં લીધે થયું...!” આરવે નાનાં બાળકન જેમ માથું ધુણાવ્યું અને લાવણ્યા સામે ગિટાર ધર્યું “ઓટોગ્રાફ તમે આપો.....! તમારો....!”

“આમાં મેં શું કર્યું...!?” લાવણ્યાએ નવાઈપૂર્વક પૂછ્યું.

“અરે કેમ...!? તમે મને સ્ટેજ ઉપર ગાવાં માટે ફોર્સ ના કર્યો હોત તો હું સ્ટેજ ઉપર જાત પણ નઈ, મારો સ્ટેજ ફિયર દૂર થાત પણ નઈ અને હું આટલું સારું ગાત પણ નઈ....!”

“એવું થોડી હોય...! તું સારું ગાઈ શકે છે...! એટ્લે તે ગાયું...!”

“ના....! તમારાં લીધેજ થયું...! જે થયું એ...! હું ગાઈ શક્યો....! આટલાં બધાંની વચ્ચે...!” આરવ સહેજ ગળગળો થઈ ગયો એમ બોલ્યો “તમે નઈ સમજતાં....! મારાં માટે આજે જે થયું અને તમે જે કર્યું એ બઉ ખાસ છે....! એટ્લે તમે મારાં માટે કઈંક ખાસ છો...! એટ્લે તમારો ઓટોગ્રાફ જોઈએ...!”

“Aww….! તું...! તું...સાવ ડફોળ જેવો છે..!” લાવણ્યા વ્હાલથી બોલી અને માર્કરનું ઢાંકણું ખોલીને આરવના ગિટાર ઉપર લખવાં લાગી.

“વિથ લવ....! “ લખતાં-લખતાં લાવણ્યા બોલતી ગઈ “ફ્રોમ લાવણ્યા....!”

મરોડદાર અક્ષરોમાં લાવણ્યાએ લખ્યું. પોતાનું નામનાં અક્ષરો લાવણ્યાએ સહેજ મોટાં રાખ્યાં.

“બસ....! મારો ઓટોગ્રાફ...!” લાવણ્યાએ માર્કરનું ઢાંકણું વાખ્યું અને માર્કર પાછી જીન્સનાં પોકેટમાં મૂકી.

“હવે ચાલો.....!” આરવ પોતાનું ગિટાર તેની પીઠ ઉપર ભરાવતાં બોલ્યો.

“ક્યાં...!?” લાવણ્યાએ નવાઈપૂર્વક પૂછ્યું.

“અરે કેમ...!? કોફી પીવા માટે..! તમે પ્રોમિસ કર્યું’તુંને...!?”

“ઓહો...! છોકરાં...! તું તો જો...!” લાવણ્યાએ આરવનાં ગાલ ખેંચ્યાં “મારે ઈવેન્ટ હજી બાકી છે...! રેમ્પ વૉકનો...! એટ્લે આજે નઈ....! પછી જઈશું....!”

“પાકકું....!?”

“હાં પાક્કું....! પણ તને તારું પ્રોમિસ યાદ છેને...!?” લાવણ્યા યાદ કરાવતી હોય એમ બોલી “આપડે બેય કોલેજની બા’રજ મળીશું....!”

“હાં..હાં...યાદછેને....! નઈ તો તમારાં માટે લાઈનમાં ઉભેલાં બીજાં બોયઝ નારાજ થઈ જાય....!” આરવ હકારમાં માથું ધુણાવીને બોલ્યો “પણ હવે હું પણ ફેમસ થઈ ગ્યો હોં....! મારાં વિડીયો પણ વાઈરલ થાય છે....!”

“તો તું મને લાઈનમાં ઊભો રાખીશ....!? આવું કરવાનું...!?” લાવણ્યા નારાજ થતી હોય એમ નાટક કરતાં મોઢું બનાવીને બોલી.

“અરે ના..ના..! તમે પે’લ્લાં....! પછી બીજાં બધાં તમારી પાછળ લાઈનમાં...!” આરવ નાનાં બાળકની જેમ સમજાવતો હોય એમ બોલ્યો.

“હાં..હાં..હાં...!” લાવણ્યાથી ખડખડાટ હસાઈ ગયું.

તેણીને હસતી જોઈને આરવ પણ થોડું મલકાયો.

“Aww…! કેટલો ઈનોસંન્ટ છે યાર આતો...!” આરવનાં ચેહરા સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી.

થોડીવાર સુધી આરવ મુગ્ધ નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“સારું....! તો હું જાવ હવે....! મારે હજી ઇવેન્ટનું કામ છે..!” લાવણ્યા બોલી.

“તો હું ઇવેન્ટ પછી તમને તમારાં ઘરે ડ્રોપ કરી દઈશ...!”

“હાં...! સારું.....!”

“બાય....!”

બાય બોલીને પણ આરવ થોડીવાર સુધી ઊભો રહ્યો પછી ચાલવાં લાગ્યો.



“તમારાં ઘરે જતાં-જતાં રસ્તામાં એક જગ્યાએ કોફીશોપ આવેજ છે...!” જતાં-જતાં આરવ પાછું જોઈને બોલ્યો.

“જો પાછો...!” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ બોલી. જોકે આરવનાં માસૂમ ચેહરાને જોઈને લાવણ્યાથી પરાણે હસાઈ ગયું “કીધું તો ખરા …! આપડે પછી શાંતિથી જઈશું...!”

“હાં....હાં.....સારું હોં....!” સ્મિત કરતો-કરતો આરવ છેવટે ત્યાંથી જતો રહ્યો.

“પાગલ...! હી..હી..!” પીઠ ઉપર લટકાવેલા ગિટારને સરખું કરતાં-કરતાં જઈ રહેલાં આરવને જોઈને લાવણ્યા મનમાં હસી.

-------

“બીપ....બીપ...!” કોલેજની બહારનાં બસસ્ટેન્ડ પાસે લાવણ્યા ઊભી હતી ત્યાંજ કોલેજનાં ગેટ તરફથી આરવ પોતાનું બાઈક લઈને આવતો દેખાયો.

બસસ્ટેન્ડ આગળ ઊભેલી લાવણ્યાને જોઈને આરવે તેનાં બાઈકનો હોર્ન વગાડયો.

બાઈક લાવણ્યાની આગળ લઈ જઈને આરવે ઊભું રાખ્યું. યૂથ ફેસ્ટિવલ પતી ગયાં પછી લાવણ્યાએ પોતાનું પ્રોમિસ નિભાવાં આરવ સાથે આજે કોલેજ પત્યા પછી કોફી પીવાં જવાનું નક્કી કર્યું હતું. અને આરવે કરેલાં પ્રોમિસ મુજબ બંને કોલેજની બહારથી જઈ રહ્યાં હતાં.

“તારી કાર ક્યાં ગઈ....!?” બાઈક જોતાંજ લાવણ્યાએ પૂછ્યું અને બસસ્ટેન્ડનું પ્લેટફોર્મ ઉતરીને બાઈકનાં સ્ટિયરિંગ પાસે આવી.

“સર્વિસમાં....!” આરવ બોલ્યો “કેમ તમને બાઈક નઈ ફાવે....!?”

“ફાવશે....! અને તારું ગિટાર...!?”

“તમને નડે નઈ એટ્લે હું આજે બપોરે લંચમાં ઘરે મૂકીને આયો...!” આરવ ભોળાંભાવે બોલ્યો.

“Aww….! ચો ચ્વિટ....!” લાવણ્યાએ આરવનાં ગાલ ખેંચ્યાં અને બાઈકની પાછલી સીટ ઉપર બેસવાં લાગી.

“શંભુ ઉપર જઈશુંને....!?” આરવે પાછળ બેસી રહેલી લાવણ્યાને કહ્યું.

“નાં...! હું તને એક મસ્ત જગ્યાએ લઈ જવ છું...! ત્યાં આપણે કોફી પણ પીશું અને કઈંક ખાઈશું પણ....!” લાવણ્યા બોલી.

“ક્યાં...!?” બાઈકને ગિયરમાં નાંખી એક્સિલેટર આપતાં આરવે પૂછ્યું.

“એસજી હાઇવે....! ફૂડ ટ્રક પાર્ક....!” લાવણ્યા બોલી અને આરવે બાઈક એસજી હાઇવે તરફ જવાં યુનિવર્સિટી રોડ તરફ વાળી લીધું.

------


“ઓહ માય.....! શું જગ્યા છે.....!” એસજી હાઇવે ઉપર ખેતલાપા ટી-સ્ટૉલની પાછળ આવેલાં ફૂડ ટ્રક પાર્કમાં પહોંચતાંજ આરવ આંખો મોટી કરીને આજુબાજુ જોતાં-જોતાં બોલી ઉઠ્યો.

વિશાળ ચોરસ પ્લોટમાં વચ્ચે ખાલી જગ્યા રાખવામાં આવી હતી અને આજુબાજુ નાના-નાનાં ફૂડ ટ્રક્સને એકબીજાંથી થોડા-થોડા અંતરે ઊભાં કરવામાં આવ્યાં હતાં. બધાંજ ટ્રક્સને યુનિક લૂક આપવામાં માટે કલરફૂલ રંગોથી રંગવામાં આવ્યાં હતાં. કેટલાંક ટ્રક્સને તો રંગબેરંગી લાઇટ્સથી ડેકોરેટ પણ કરવામાં આવ્યાં હતાં. અલગ-અલગ ફૂડ ટ્રક્સમાં વિવિધ પ્રકારનું સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ જેવુકે દાબેલી, વડપાવ, પફ, પીઝા, પાંવભાજી, કોલ્ડડ્રિંક્સ, મળતું હતું. કેટલાંક ટ્રક્સમાં કોલ્ડકોફી વગેરે પણ મળતા હતાં. અમદાવાદના ફેમસ ખાઉગલી કહેવાતાં માણેકચોકમાં જેમ વિવિધ ખાણીપીણીની આઈટમો મળતી તેમ અહિયાં પણ અનેક ખાવાંપીવાની આઈટમોના ટ્રક્સ હતાં. ચોરસ પ્લોટમાં બને બાજુ આવાં કલરફૂલ ટ્રક્સ પાર્ક કરેલાં હતાં અને વચ્ચે ખાલી જગ્યામાં નદીનાં નાનાં-નાનાં પથ્થર પાથરવામાં આવ્યાં હતાં. જેની ઉપર નાનાં વુડન રાઉન્ડ ટેબલ અને આજુજાજુ એવીજ વુડન ચેયર્સ પણ મૂકવામાં આવી હતી. પ્લોટની વચ્ચોવચ એક ઊંચો થાંભલો ઊભો કરી તેની ટોચ ઉપરથી લાઇટ્સની સિરિઝો લાંબી કરી બધાં ફૂડ ટ્રક્સની છત ઉપર લગાડવામાં આવી હતી. આનથી વચ્ચે ટેબલ ઉપર બેસી ખાઈ-પી રહેલાં લોકોને તેમની માથે તારાં ટમટમતા હોય એવું લાગતું.

“ગજબ પ્લેસ છે યાર...!” ફૂડ ટ્રક પાર્કમાં ખાવાં માટે જામેલી ભીડ અને ત્યાંનું એટ્મોસ્ફીયર જોતો-જોતો આરવ બબડ્યો.

“અહિયાં આવ...!” લાવણ્યાએ આરવનો હાથ પકડીને ખેંચ્યો અને એક રાઉન્ડ ટેબલ પાસે લઇ ગઈ.

“તું બેસ....! હું આપડા બેય માટે કોફી લેતી આવું છું...!” લાવણ્યા બોલી અને કોફીના એક ટ્રક તરફ જવાં લાગી.

“અરે કેમ....!? કોફી માટે હું તમને કે’તોતોને..! તો હું લઈશ...!” આરવ ભોળા ચેહરે બોલ્યો.

“અહિયાં હું તને લઈને આવીને...!?” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ આરવ સામે હાથ કરીને બોલી “તો બધાં પૈસાં પણ હુંજ કાઢીશ અને કંઈપણ ખાવાનું હુંજ લેવાં જઈશ....! હમ્મ...!”

“પ...પણ...!”

“આરવ...! ડીયર...! મેં કીધુંને...! એટલે નો આરગ્યુમેન્ટસ...!” એટલું કહીને લાવણ્યા જમણી બાજુ કોફીના ટ્રક તરફ જવાં લાગી.

“આ લે...!” થોડીવાર પછી લાવણ્યા કોફીના બે મોટાં કપ લઈને આવી અને આરવની આગળ રાઉન્ડ ટેબલ ઉપર મુક્યાં.

“હવે મને કે’...!” લાવણ્યા આરવની સામે ચેયરમાં બેસતાં બોલી “કેવી લાગી તને આ જગ્યાં...!?”

“કીધું તો ખરાં ઓસ્સમ...! એકદમ..! તમારી જેવી...!” આરાવે તેની આંખો પટપટાવી પછી તરતજ તેનાં હોંઠ દબાવીને નીચું જોઈ લીધું.

“ઓયે...! પે’લ્લીજ વાર કોફી પીવાં આયા ‘ને તે તો ફલર્ટ પણ ચાલું કરી દીધું...! એમ..!?” લાવણ્યા નકલી ગુસ્સો કરતી હોય એમ આંખો મોટી કરીને બોલી.

“સોરી તમને ખોટું લાગ્યું હોય તો..!” આરવ છોભીલો પડ્યો હોય એમ બોલ્યો.

લાવણ્યા હસી અને પોતાનાં કપમાંથી સ્ટ્રો વડે કોફી પીવાં લાગી. આરવ પણ કોફી પીવાં લાગ્યો. કોફી પીતાં-પીતાં આરવ લાવણ્યા સામે નાનાં બાળકની જેમ મુગ્ધ નજરે જોઈ રહ્યો.

“તને સિંગિંગ બવ ગમે છેને...!?” થોડીવાર પછી લાવણ્યાએ પૂછ્યું.

“હમ્મ....! બઉજ....! અરીજીતસિંઘ મારાં ફેવરીટ સિંગર છે....!” આરવે કહ્યું અને કોફીની એક સીપ ભરી.

“મને નો’તી ખબર તું આટલું સરસ ગાય છે...”

“થેંન્ક યું...! પણ મારાં પપ્પાને નઈ લાગતું કે મારે સિંગિંગ કરવું જોઈએ...!” આરવ સહેજ ઢીલું મોઢું કરીને બોલ્યો “એ તો મને અમારાં ફેમીલી બીઝનેસમાંજ જવાનું કે’છે...!”

“અને તારે શું કરવું છે...!?” લાવણ્યાએ પ્રેમથી આરવ સામે જોઈને પૂછ્યું.

“સિંગર બનવું છે.....!” આરવે એવાંજ ઢીલાં મોઢે કહ્યું.

“તો પ્રોબ્લેમ શું છે...!?”

“મને નઈ ખબર પડતી....! હું ક્યાંથી સ્ટાર્ટ કરું...!” મૂંઝાઈને ઢીલું મ્હોં કરી નીચું જોઇને આરવ બોલ્યો.

“અહિયાંથી સ્ટાર્ટ કર....!” લાવણ્યાએ શાંતિથી કહ્યું.

“એટલે...!?” આરવ વધુ મૂંઝાયો.

“પાછળ જો..!” લાવણ્યાએ આરવની પાછળ નજર નાંખીને કહ્યું.

પાછળની દીવાલની આગળ એક નાનું સ્ટેજ બનાવેલું હતું. જેની ઉપર લાઈવ ઓરકેસ્ટ્રાનાં બે-ત્રણ કોમન મ્યુઝીશિયન જેવાંકે ડ્રમ પ્લે કરનાર વગેરે બેઠાં હતાં. સ્ટેજની આગળના ભાગે વચ્ચે એક માઈક અને ચેયર ગોઠવેલાં હતાં. જોડે એક ગીટાર સ્ટેન્ડ ઉપર આરવના ગીટાર જેવુંજ ખાખી ગીટાર પણ મુકેલું હતું.

“અહિયાં દર ફ્રાઈડેથી સનડે ...ત્રણ દિવસ લાઈવ ઓરકેસ્ટ્રા બેસે છે...!” લાવણ્યા સમજાવા લાગી. આરવ પાછું મ્હોં કરીને સ્ટેજ અંદ સ્ટેજ ઉપર બેઠેલાં ઓરકેસ્ટ્રા સામે જોઈ રહ્યો અને લાવણ્યાને સાંભળી રહ્યો.

“અહિયાં ઓપન ઇન્વીટેશન હોયે છે...!” લાવણ્યા આગળ બોલી “જે લોકો આ ફૂડ ટ્રક પાર્કમાં નાસ્તો-પાણી કરવાં આવે છે...! એમાંથી જો કોઈને સારું ગાતાં આવડતું હોય તો એ અહિયાં સ્ટેજ ઉપર જઈને ગાઈ શકે છે...! આ લોકો વિડીયો રેકોર્ડ કરીને પછી યુટ્યુબ ઉપર પણ મૂકતાં હોય છે...!”

“wow યાર....! મસ્ત છે આતો...!” આરવે લાવણ્યા સામે જોઇને કહ્યું.

નાનાં બાળકની જેમ ખુશ થઈ ગયેલાં આરવને લાવણ્યા જોઈ રહી. આરવ ફરીવાર હવે પાછું ફરીને સ્ટેજ તરફ જોઈ રહ્યો હતો.

“શું વિચારે છે...!?” લાવણ્યાએ પૂછ્યું “જા...! સ્ટેજ ઉપર....! અને એ દિવસે તે યુથ ફેસ્ટીવલમાં જે ધમાલ મચાવી હતી...! એવી ધમાલ મચાવીદે.....!”

“પણ કેટલી બધી પબ્લિક છે...!” આરાવે આજુબાજુ ભીડ જોઇને કહ્યું.

લગભગ બધાંજ ટેબલ ફૂલ હતાં. ખાવાનાં શોખીન હોય એવાં જેમને ટેબલ નહોતું મળ્યું એ લોકો પણ જે-તે ફૂડ ટ્રક આગળ કે પછી જ્યાં જાગ્યાં મળે ત્યાંજ ઉભાં રહીને ખાઈ-પી રહ્યાં હતાં. જાણે મેળો ભરાયો હોય એવી ભીડ ત્યાં જામેલી હતી.

“યુથ ફેસ્ટીવલ કરતાં તો ઓછી ભીડ છે...!” લાવણ્યાએ દલીલ કરી “અને તું જ તો કે’તોતો ને...! કે હવે તારો સ્ટેજ ફીયર દુર થઇ ગ્યો...!? તો હવે શું વાંધો છે...!?”

“પણ ...આ તો સાવ આજાણ્યા લોકો છે યાર...!” આરવ બાળકો જવું મોઢું બનાવીને બોલ્યો.

“હું તો તારી જાણીતી છુંને...!?” લાવણ્યાએ આરવનો ગાલ ખેંચીને કહ્યું.

“પણ...!”

“આરવ....!” લાવણ્યાએ હવે ટેબલ ઉપર આરવનાં હાથ ઉપર પોતાનો હાથ મુકીને પ્રેમથી કહ્યું “મેં કીધુંને....! હું અહિયાંજ છું...! હમ્મ..!”

આરવ એવીજ મુગ્ધ નજરે લાવણ્યા સામે થોડીવાર જોઈ રહ્યો.

“અને હાં....! જો તું આજે અહિયાં સોન્ગ ગાઈશ...! તો હું દર ફ્રાઈડે....! કે પછી વિકએન્ડમાં તારી જોડે અહિયાંજ કોફી પીવાં માટે અઈશ...!” લાવણ્યા આંખો મોટી કરીને લાલચ આપતી એમ બોલી.

“સાચે...!?” આરવ નાનાં બાળકની જેમ ખુશ થઈ ગયો.

“જોતો...! કેવો ખુશ થાય છે છોકરો...!” લાવણ્યા સ્મિત કરતાં બોલી.

“અરે તમે મારું અલ્ટીમેટ મોટીવેશન છો....!” આરવ બોલ્યો અને ચેયરમાંથી ઉભો થઇ ગયો “હવે જોવો...! હું જલસો કરાવી દઉ આ લોકોને....! એની માને....!”

“હાં...હાં...હાં.....! Aww....! ચો ક્યુટ ....!” લાવણ્યા હસી પડી.

આરવ હવે ટેબલો વચ્ચેની જગ્યામાંથી ચાલતો-ચાલતો સ્ટેજ તરફ જવાં લાગ્યો.

------

“વુઉઉઉઉ......!” ચેયરમાંથી ઊભી થઈને લાવણ્યા તાળીઓ પાડી ઉઠી.

ફૂડ ટ્રક પાર્કનાં સ્ટેજ ઉપર આરવે હમણાંજ બૉલીવુડનું એક હિટ સોંન્ગ “સોનિયો.....ઓ સોનીયો....!” સોંન્ગ ગાયું હતું.

ગિટારની ટ્યુન ઉપર આરવનાં સૂરીલા સ્વરમાં એ સોંન્ગ સાંભળીને ત્યાં હાજર બધીજ પબ્લિકે લાવણ્યાની જેમજ તાળીઓથી આરવને વધાવી લીધો હતો. ઘણાં લોકોએ સ્ટેજ ઉપર સોંગ ગાઈ રહેલાં આરવનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું.

“કેવું લાગ્યું...!?” સ્ટેજ ઉપરથી ઉતરીને લાવણ્યા જોડે આવતાંજ આરવે પૂછ્યું.

“એકદમ જો...!”

“એક્સક્યુઝ મી....!” લાવણ્યા બોલવાંજ જતી હતી ત્યાંજ આરવની પાછળથી એક આઘેડ ઉમ્મરની વ્યક્તિએ બોલાવ્યો.

આરવ અને લાવણ્યાએ એ વ્યક્તિ તરફ જોયું.

“તમે બહુ સરસ ગાયું હોં...!” તે વ્યકિતએ કહ્યું “મારું નામ રિતેશ શાહ છે...! હું આ ફૂડ ટ્રક પાર્કનો મેનેજર છું...!”

“ઓહ....! થેન્ક યુ...!” આરવે તેમની જોડે હાથ મિલાવતાં કહ્યું.

“જો તમને વાંધો ના હોય તો શું તમે દર વિકેન્ડ અહિયાં સોંન્ગ ગાવાં આઈ શકો...!? સાંજના ટાઈમે....!?”

“હેં...!? અ...!?”

“હાં....હાં....આવશે...! હોં...!” વિચારે ચઢી ગયેલાં આરવને લાવણ્યા તરતજ બોલી પડી.

“પણ....!?” આરવ મુંઝાઇને લાવણ્યા સામે જોઈ રહ્યો.

“અરે તું ચિંતા ના કરને...! હમ્મ..!” લાવણ્યાએ નીચેથી આરવનો હાથ પકડી લીધો પછી ધીરેથી તેનાં કાન નજીક મોઢું લઈને બોલી “હું આઈશ તારી જોડે...! દર વીકએન્ડ....!”

“હાં .....તો તો હું આઈશ....!” આરવ ખુશ થઈને લાવણ્યા સામે જોઈ રહીને બોલ્યો.

“આમ મોઢું કરીને બોલ...!” લાવણ્યાએ પોતાની સામેથી આરવનું મ્હોં ફૂડ ટ્રક પાર્કના મેનેજર રિતેશભાઈ તરફ ફેરવ્યું.

“હું આઈશ રિતેશભાઈ...!” આરવે સ્મિત કરીને તેમની સામે જોઈને કહ્યું.

“ઓકે...! શું ચાર્જ લેશો તમે...!?” રિતેશભાઈએ પૂછ્યું.

“ના...ના.. કોઈ ચાર્જ નઈ....!” લાવણ્યાએ કહ્યું “પણ કદાચ કોઈવાર ના મેળ પડે તો અમે ના પણ આઈએ….!”

“હાં...! હાં...! સમજી ગ્યો...! ફ્રી લાન્સ ટાઈપ....!” રિતેશભાઈ બોલ્યાં.

“હાં એવુંજ...!” લાવણ્યાએ સ્મિત કરીને કહ્યું “કાલે સેટરડે મળીએ....ચાલો...! બાય...!”

રિતેશભાઈએ હકારમાં માથું ધૂણાવતા આરવનું બાવડું પકડીને લાવણ્યા તેને ત્યાંથી લઈ જવાં લાગી.

“તમે સાચેજ આવશોને દર વિકેન્ડ મારી જોડે...!?” આરવે લાવણ્યા સામે જોઈને મુગ્ધભાવે પૂછ્યું.

“તારાં માટે વધારે જરૂરી શું છે...!?” લાવણ્યાએ પૂછ્યું “મારું જોડે આવવું કે અહિયાં સોંન્ગ ગાવું...!?”

“તમારું જોડે આવવું....!” આરવથી જાણે બોલાઈ ગયું.

“હેંએએ...!?” લાવણ્યાએ આંખો મોટી કરી સ્મિત કર્યું.

“એટ્લે એમ કઉ છું કે તમે જોડે હોવ....! તો ગમે હું ત્યાં સોંગ ગાઈ લઉં....!” આરવ થોથવાઈ ગયો.

“એક શરત ઉપર હું તારી જોડે આઈશ...!” લાવણ્યા અદબવાળીને બોલી “તું મને “તમે”ની જગ્યાએ “તું” કહીને બોલાવે તોજ....!”

“ઓકે....! હું હવે તમને એજરીતે બોલાવીશ...!”

“હી..હી.... !” લાવણ્યાથી હસાઈ ગયું.

“એટ્લે તને...! તને હું એજરીતે બોલાઈશ...! ઓકે...!”

“હમ્મ....!”

“હું બાઇક લેતો આવું છું...!” એટલું કહીને આરવ હાથમાં ચાવી રમાડતો-રમાડતો પાર્કિંગ તરફ જવાં લાગ્યો.

આરવ થોડે દૂર ગયાં પછી લાવણ્યાએ પોતાના જીન્સના પોકેટમાંથી મોબાઇલ કાઢ્યો અને તેમાં વોટ્સએપ ઓપન કર્યું.

ફૂડ ટ્રક પાર્કના સ્ટેજ ઉપર આરવે ગયેલાં સોંન્ગનો જે વિડીયો લાવણ્યાએ પોતાનાં મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો તે તેણીએ કોલેજના વાઈરલ ગ્રૂપમાં ફોરવર્ડ કરવાં માંડ્યો.

“આરવ....! લાઈવ સિંગિંગ એટ ફૂડ ટ્રક પાર્ક, એસ જી હાઇવે....!” બબડતાં લાવણ્યાએ વિડીયો નીચે કેપ્શન લખવાં માડ્યું “એવરી વીકએન્ડ...! એટ 7 PM….!”

કેપ્શન લખીને લાવણ્યાએ વિડીયો ફોરવર્ડ કરી દીધો.

*****

Instagram: @jignesh_sid19



નોંધ: વાર્તામાં ઉપયોગમાં લીધેલ સોન્ગ્સના લીરીક્સ ઉપર લેખકનો કોઈ હકદાવો નથી.



-J I G N E S H