Hum rahe ya na rahe kal in Gujarati Love Stories by Mrugen books and stories PDF | હમ રહે યા ના રહે કલ

The Author
Featured Books
Categories
Share

હમ રહે યા ના રહે કલ

રાત્રિ ના લગભગ ૧૨ વાગ્યા હશે. હું ઘર માં એકલો હતો. આ મૌસમ પણ જાણે આજે એકદમ બેદર્દ બની ગયો હતો. કડકા ભડાકા સાથે વીજળીઓ આકાશ માં ચમકતી હતી, હવાઓ પણ જાણે આજે બધુ તહેસ નહેશ કરી નાખવા માંગતી હતી, વહેતી હવાઓ ના અવાજ થી જાણે એક બિહામણો માહોલ બની ગયો હતો અને આ વરસાદ તો જાણે આજે ઊંચી ઇમારતો ને પણ ડૂબાડવા ના ઇરાદા સાથે મુશળધાર વરસી રહ્યો.

અને એક આ આપણો વીજ વિભાગ, જાણે થોડો વરસાદ શું વરશે, સલામતી ના કારણ થી વીજ પુરવઠો જ બંધ કરી દે. સાલુ કોની સલામતી આપડી કે એમની કઈ ખબર નથી પડતી. આવા વાતાવરણ માં જ તો સહુ થી વધારે તેની જરૂર હોય છે.

ખેર હવે તેમને કોણ સમજાવે. હું મારા મોબાઇલ માં ખોવાયેલો હતો, ધીમે ધીમે તેની બેટરી એ પણ જવાબ આપવાનો શરૂ કરી દિધો ને થોડો લબુક ઝબુક થઈ ને તેણે પણ આ તન્હાઈ માં મારા થી આંખો ફેરવી લીધી.

નસીબ મારા હવે શું કરી શકીએ આપડે સવાર સુધી રૂઠેલી મોબાઇલ રૂપી દુલ્હન હવે માનવા ની પણ નથી સમજી ને સુવા નો પ્રયત્ન કરતો આમ થી તેમ પડખા ફેવતો રહ્યો પણ આ ઊંઘે તો જાણે આંખો થી અબોલા જ લઈ લીધા હતા. કેમ કરી ને આ ઊંઘ પણ જાણે આંખો ને તડપાવતી રહી.

આમ ને આમ થોડો સમય વીત્યો ત્યાં જ દરવાજા પર એક ટકોરા પડ્યા ને શરીર માં ડર ની એક લહેર પસાર થઈ ગઈ. મોં થોડું બગડી ગયું, વિચાર આવ્યો કે આટલી રાતે કોણ નવરું પડ્યું હશે. ખેર દરવાજો ખોલવા સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો, કદાચ આ વાતાવરણ માં પાડોશી ને કાંઈ જરૂર પડી હશે એમ સમજી ને દરવાજો ખોલવા પગ ઉપાડ્યા.

દરવાજો ખોલતા જ આ આંખો મા જાણે એક ચમક આવી ડરેલા આ દિલ ને ઘણી રાહત મળી, નજર સામે બીજુ કોઈ નહિ પણ મારો જીગરજાન દોસ્ત ઉભો હતો. દોસ્ત પણ જાણે કેવો બે દિલ ને ધડકન એક, શરીર બે પણ જાન એક.

તેને જોઈ ને ડર તો જાણે ક્યાંય દૂર ભાગી ગયો ને આ ડરાવની રાત માં ઊર્જા નો સંચાર થઈ ગયો ને હું બસ તેને ઊભો જોઈ રહ્યો.

શાંતિ ને ચીરતો એજ અવાજ આપ્યો, ટોપા બહાર જ ઊભો રાખીશ કે અંદર પણ આવવા દઈશ હવે? ને હું જાણે હવે સપના મા થી બહાર આવી ને બોલ્યો બે યાર તારું જ ઘર છે આ હું કોણ તને રોકવા વાળો? ને બંને ખુલી ને હસી ને એકબીજા ના ગળે વળગી પડ્યા.

મીણબત્તી ના પ્રકાશ માં અમે આવી ને બેઠા ને વાતો એ વળગ્યા,
ક્યારે આવ્યો ભાઈ New Jersey થી મે પૂછ્યું?
એ કાંઈ બોલ્યો નઈ તો ફરી મે એજ પ્રશ્ન કર્યો તેને.
તે બોલ્યો બસ ભાઈ જો આજે જ આવ્યો વિચાર્યુ કે તને સપ્રાઇઝ આપુ એટલે ઘરે સામાન મૂકી ને સીધો તને મળવા પહોંચી ગયો.

હવે મને તેની ઉપર ગુસ્સો આવ્યો ટોપા દેખાય છે બહાર આ વાતાવરણ? નીકળાય આવી રીતે બહાર? અંકલ આન્ટી એ તને નીકળવા પણ કેમનો દીધો? ફોન આપ તારો મારે ફોન કરવો છે. હું જાણે તેની ઉપર ચિલ્લાઈ ઉઠ્યો.

એ તો બસ મારી સામે જોઈ ને હસતો રહ્યો, હું બોલ્યો હસે છે કેમ
એ તો જાણે એના માં જ મસ્ત એક ગીત ગાતો રહ્યો...
“હમ રહે યા ના રહે કલ, કલ યાદ આયેગે યે પલ”.

મે તેને જમવા માટે પૂછ્યું પણ તેણે નકાર માં માથું હલાવી ને બોલ્યું કે યાર હું તને મળવા આવ્યો આવ્યો છું, ઘરે થી થોડું જમી ને આવ્યો છું તું ચિંતા ના કર, આવ બેસ મારી પાસે. ઘણી વાતો કરવી છે આટલા વર્ષો થી ભેગી કરેલી.

અને મારો ગુસ્સો ઉતરી ગયો ને આખી રાત વાતો ના વડા, મજાક મસ્તી કરતા રહ્યા અને સેલ્ફી ઓ લેતા રહ્યા અમે. આમઆમ ને આમ જ સવાર ના ૫ વાગી ગયા, સમય ક્યાં જતો રહ્યો કઈ ખબર જ ના પડી. આમ પણ કહે છે ને જીગરજાન દોસ્ત હોય સાથે તો સમય ને વીતતા પણ વાર નથી લાગતી.

લાઈટ પણ આવી ગઈ હતી હવે તો પહેલા મે મોબાઇલ ચાર્જ માં લગાવી દીધો છતાં પણ હજી એ તો જાણે રિસાઈ ને સ્વીચ ઓફ જ થઈ રહ્યો.

તે બોલ્યો હવે ચાલ ભાઈ ઉ જાવ હવે ઘરે મમ્મી પપ્પા પણ ઉથી ગયા હશે.
હું બોલ્યો સારું ચાલ હું મૂકી જાવ તને ઘર સુધી ને અંકલ આન્ટી ને પણ મળી લવ ને તારી ફરિયાદ પણ કરી લવ.

પણ તેણે મને ચોખ્ખી ના જ પાડી દીધી કે હું મારી રીતે જતો રહીશ તું તકલીફ ના લઈશ.
આમાં તકલીફ શાની યાર? આમ પણ આટલી સવારે તને કાંઈ નઈ મળે તો હું આવું છે.

પણ માને એ બીજા આખરે મારે એની જીદ સામે નમતું જોખવું પડ્યું પણ તેનું આ વર્તન મને ઘણું અજીબ લાગ્યું. પણ હું કાંઈ બોલી ના શક્યો તેને આગળ. તે બોલ્યો ચાલ દોસ્ત હું નીકળું છું હવે. અમે બંને ગળે મળ્યા ને એ જવા માટે નીકળતા નીકળતા તેણે મને અમારા બંને ની એક તસવીર મને આપી. ખરેખર તો એ તસ્વીર ની અમે ત્યારે જ બે કોપીઓ નીકાળી હતી, જે બંને પાસે હંમેશા રહેતી હતી. હું બોલી ઉઠ્યો કે ભાઈ તું ભૂલી ગયો લાગે છે, આ તસ્વીર મારી પાસે પણ છે. તેણે જવાબ આપ્યો કે હા ભાઈ મને ખબર છે, તો પણ રાખી લે તને જરૂર પડશે. એને જવાબ મા થોડી નિરાશા હતી એ મને સમજાય ગઈ પણ એ શું હશે હું સમજી ના શક્યો. તેની પાસે થી તે તસ્વીર લઇ ને મે મારા ખીસા માં રાખી દીધી. ફરી થી અમે ગળે મળ્યા ને હવે એ જવા માટે છૂટો પડ્યો.

ફરી એકલો થતાં કંટાળો આવ્યો તો થયું ચાલ થોડી વાર ટીવી જોઈ લવ, પછી વિચાર્યુ કે આટલી સવારે એમ પણ શું આવતું હશે, તો પણ ટીવી ચાલુ કર્યું ને ન્યૂઝ ચેનલ સેટ કરી જેના પર આજ ના ખૂબ જ અગત્યના ના બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યાં હતાં, ને સાંભળી ને મને મારા કાન પર વિશ્વાસ ના થયો, મન માં જાણે વિચારો નું વાવાઝોડું ઉઠી ગયું, જાણે આ દિલ ની ધડકનો બંધ થઈ ગઈ, શરીર માં થી બધી તાકાત વહી ગઈ. ઘણી મહેનત કરી ને ઉઠવા નો પ્રયત્ન કરતો રહ્યો પણ પગ તો જાણે મારા ત્યાં જ ચોંટી રહ્યા. ઘણી મહેનત કરી ને માંડ ઊભો થયો ને charging માં મૂકેલા મૂકેલા મારા ફોન તરફ હું ભાગ્યો. ભારે હૃદયે મોબાઇલ ચાલુ કર્યો ને તરત જ સ્ક્રીન ઉપર ૩૦ મિસ્કોલ ના notifications આવી ગયા. મને ખબર જ હતી કે કોના ફોન કોલ્સ હશે એ.

ભારે હૃદયે મે સામે ફોન કર્યો, એક લાંબી રીંગ વાગી એકવાર માં ફોન ના receive થયો. મે ફરી વાર રીંગ કરી જોઈ, આ વખતે સામે થી ફોન ઉપાડ્યો, જવાબ મા મને હૃદયફાટ રોવા નો અવાજ સંભળાયો. હું થોડી વાર તો જાણે સુન પડી ગયો, શરીર માં જાણે આત્મા જ ના રહી હોય એવું લાગવા લાગ્યું, સામે હજી રડવાનું ચાલુ હતું ને રડતા રડતા બોલ્યું કે આ શું થઈ ગયું બેટા જલ્દી થી આ હોસ્પિટલ માં આવી જા.

વાદળો હજી કાળા ભમ હતા, સૂરજ તો જાણે બહાર નીકળવા માંગતો જ ન હતો, આખી રાત વરસી રહેલો વરસાદ અત્યારે થોડો શાંત પાડ્યો હતો, ઘણા ખરા રસ્તા માં પાણી ભરાઈ ચૂક્યા હતા, પણ અત્યારે એ બધુ વિચારવા માટે કોઈ સમય ન હતો. હું ભાગ્યો સીધો hospial જવા માટે, ઘર ની લાઈટ પણ ચાલુ ને ચાલુ રહી ગઈ ને ઘર ને તાળું પણ મારવાનું રહી ગયું. અત્યારે એક જ લક્ષ હતું મન માં કે બસ જલ્દી ને જલ્દી હોસ્પિટલ પહોંચી જાવ, હું બસ મારી બાઈક લઈ ને હું મારતી ઝડપે હવા સાથે રેસ કરતો નીકળી પડ્યો ને આ આંખો માં આંસુ ઓ પણ વરસાદ ની જેમ નીકળી રહ્યા હતા.

હોસ્પિટલ પહોંચતાં જ મારા થી બાઈક નું સ્ટેન્ડ પાળવાનું રહી ગયું, હું પડ્યો થોડો ઘસાયો પણ પણ જાણે મને કાંઈ દર્દ જ ના થયું અને થાય પણ કેમનું? સમાચાર જ કાઈ એવા હતા કે એની આગળ મને ઘાવ પણ નાના લાગ્યા. હોસ્પિટલ ની અંદર પહોંચતાં જ મને મને આન્ટી ને તેમના ઘર ના લોકો દેખાયો, હું ચાલવા ની જગ્યા એ સીધો જ ભાગ્યો તેમની તરફ ને તેમની નજીક પહોંચતા જ એ મને બાઝી ને આક્રંદ કરતા ગયા, તેમની આંખો મા થી નીકળતા આંસૂ ઓ ને રોકવાની મારા માં તાકાત જ ન હતી અથવા કહો કે હું જાણે રોકવા જ ના માગતો હતો. હું બસ આત્મા વગર ના દેહ ને જેમ ત્યાં ઉભો રહ્યો. જાણે વાત કરવા ની મારા માં કોઈ તાકાત જ નથી બચી. મહાપરાણે મે એક સ્વજન ને પૂછ્યું કે અંકલ ક્યાં છે?

જવાબ મળતા મારા પગ તે રસ્તા તરફ ઉપડી ગયા. જતા જતા નજર ફરી હોસ્પિટલ ના હોલ માં રાખેલા ટીવી પર પડી જ્યાં હજી પણ એજ બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા હતા. અને તે બ્રેકિંગ ન્યૂઝ હતા “New Jersey થી અમદાવાદ આવતી ફલાઇટ માં ટેકનિકલ ખામી સર્જાતા અકસ્માત. સવાર તમામ યાત્રીઓ ઓ ના ઘટના સ્થળે જ મોત”.

હવે હું ત્યાં પહોંચવા આવ્યો હતો, અંકલ પણ મને દેખાય હતા, હું ભાગ્યો તેમની તરફ, મને જોઈ ને એ પણ એમની આંખો જાણે કેદ માં થી છૂટી હોય એમ મુશળધાર વરસવા લાગી, આવી ને મને એકદમ બાઝી ગયા, આંસુઓ થી તેમના મારી ટીશર્ટ પલળી રહી હતી, પણ આજે તો જાણે કાઈ જ મહત્વ નું ન હતું, જે અંકલ હંમેશા જિંદાદિલ રહેતા હતા તે આજે તૂટી ચૂક્યા હતા. આટલા વર્ષો માં પહેલી વાર મે તેમની આંખો માં આંસુ જોયા હતા. મે તેમને મન ભરી ને રોવા દીધા, થોડા શાંત પડતા મે ભારે હૈયે મે તેમને પૂછ્યું “ક્યાં છે તે?”.

રડતા રડતા તેમણે તે જગ્યા બાજુ આંગળી ચીંધી. હું ધીમે ધીમે ભારે પગલે તે તરફ જવા લાગ્યો, જોકે પગ તો મારા હજી પણ ઉપડતા ના હતા, દિલ જાણે એકદમ ભારે થઈ રહ્યું હતું, પણ ત્યાં જવા વગર મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.

એકદમ અંધારા રૂમ માં મે પ્રવેશ કર્યો બસ વચ્ચે ગોળા નો થોડો પ્રકાશ હતો જેની નીચે સફેદ કપડાં થી ઢાંકી કાઈ ઢાંકી રાખ્યું હતું, મન ને તો ખબર જ હતી કે તે શું છે પણ આ દિલ હજી પણ માનવા તૈયાર ન હતું. ધીમે ધીમે હું તે તરફ જતો રહ્યો, દિલ ની ધડકનો એકદમ વધી ગઈ, મે એ સફેદ કપડું ઉપાડવાનો પ્રયાસ કર્યો, પણ હાથ મારો મે પાછો ખેંચી લીધો, જાણે મારામાં હિંમત જ ન હતી, મન માં પ્રાથના કરતો રહ્યો કે પ્લીઝ ભગવાન આ એ ના હોય, પણ મને ખબર હતી કે તે શક્ય ન હતું.

ખૂબ ડરી ને પણ મે તે કપડું ઉપાડ્યું, ને એને ઉપડતા જ મારા પગ બે કદમ પાછળ ખસી ગયા, આંખો આગળ અંધારા આવી ગયા, જીવન મા જાણે એક સન્નાટો છવાઇ ગયો, આજુ બાજુ ની દુનિયા થી હું જાણે અલિપ્ત થઈ ગયો, આંખો મા થી રોકેલા આંસુઓ જાણે વરસાદ બની ને વરસતા ગયા, દિલ જાણે મારૂ બંધ પડી ગયું, હું જાણે ખુદ ને ખોઈ બેઠો, કાઈ પણ વિચારવાની જાણે શક્તિ જ નીકળી ગઈ હતી. હું પણ હવે ઊંડી નિરાશા માં ફરી રહ્યો હતો, હું જાણે દિલ ચિરી નાખે એવા આક્રંદ માં સરી પડ્યો.

મારી આંખો સામે મારા જીગરજાન દોસ્ત ને ખૂબ ઘવાયેલી ને પોસ્ટમોર્ટમ કરી ને ચીરી ને પાછી સિવેલી ડેડ બોડી પડી હતી.

ભયાનક આક્રંદ મારૂ સાંભળી ને ત્યાં નો સ્ટાફ મને સાચવી ને બહાર સુધી છોડી આવ્યો ઝ બહાર આવી ને હું અંકલ ને પાસે બેસી રહ્યો. આસપાસ નું વાતાવણ અત્યારે ખૂબ જ ગંભીર થઈ ગઈ હતું. દિલાસો તો મારે તેમને આપવો જોઈએ પણ અહીંયા અંકલ ખુદ મને દિલાસો આપતા રહ્યા. તેમને ખબર હતી કે અમારી દોસ્તી કેટલી ગહેરી હતી.

થોડો શાંત થતાં હું પાણી પીવા ઉ ભો થયો ને ઠંડી હોવાથી મારો હાથ મે મારા ખીસા માં નાખ્યા. ત્યાજ મને મારા ખીસા માં કાઈ હોવાનો અહેસાસ થયો. તે પકડી ને બહાર કાઢ્યું તો મારી આંખો જાણે ફાટી ગઈ, ખુશી ને સાથે એક ડર ની લહેર મારા શરીર માં થી વહી ગઈ, આંખો ભરી આંસુઓ થી ઉભરાઈ ગઈ. હા આ તે જ તસ્વીર હતી જે રાત્રે મારા દોસ્તે મને સાચવી ને આપી હતી.

મન જાણે વિચારો ના વમળો માં ફસાઈ ગયું કે જો તે આ દુનિયા માં રહ્યો જ નથી તો તે મારી પાસે કેમનો આવ્યો? અને નવાઈ પમાડે એ વાત તો ખાસ એ હતી કે અમે બંને એ સાથે સેલ્ફી પણ લીધી હતી અને એ પણ મારા ફોન થી, જ્યારે મારો ફોન તો સ્વિચ ઓફ થઈ ને charging માં રાખ્યો હતો મે. અને જો તે મારો ફોન હતો તો અંકલ ના આટલા મિસકોલ ત્યારે કેમ મને ના દેખાયા? મગજ માં ઘણા સવાલો ફરતા રહ્યા. ઉતાવળે મે મારા ફોન માં પાસવર્ડ નાખી ને તેને અનલૉક કર્યો, સીધો ગેલેરી માં જોવા લાગ્યો ને આ હૃદય જાણે ધડકવા નું બંધ થઈ ગયું હોય એવું લાગ્યું, મારા ફોન માં અમે રાત્રે લીધેલા ફોટા તો હતા જ, પણ હવે એ ફોટા માં હું ફક્ત એકલો હતો, રાહુલ જાણે અદ્રશ્ય થઈ થઈ ગયો હતો. ફરી વિચાર્યુ મે કે આ કાઈ રીતે પોસીબલ છે યાર. ભગવાન પણ કેવી રમત રમી રહ્યો હતો અમારી સાથે.

આજુબાજુ નીરવ શાંતિ છવાયેલી હતી, ને અચાનક એ શાંતિ મન ને ચિરતું એક ગીત ના શબ્દો મારા કાને ને સંભળાયા જે હતા “હમ રહે યા ના રહે કલ, કલ યાદ આયેંગે યે પલ” ને મારી આંખો મા થી ફરી આંશુ નીકળી પડ્યા.

ને એક પ્રકાશ નું કિરણ મને દેખાયું જે ધીરે ધીરે એક માનવ શરીર ની આકૃતિ લઇ રહ્યું હતો, હા એ એક હતો ઝ મારો જીવ, મારો જીગર જાન દોસ્ત, આ દિલ ની ધડકન, આ દુનિયા માં મારો એક અને માત્ર એક ખાસ મિત્ર, મારો “રાહુલ”.

અમે બંને એકબીજા તરફ આગળ વધી રહ્યા હતા ઝ બંને ની આંખો માં આંસુ હતા, નજીક પહોંચતા જ જાણે આ આંખો ફરી થી વરસી ગઈ ને મારા થી ખાલી તેનું નામ જ નીકળી શક્યું, હા મારો રાહુલ.

ફરી થી પાછી નીરવ શાંતિ છવાઈ ગઈ, અમે બંને એકબીજા ને જોઈ જ રહ્યાં, એ શાંતિ ને તોડતા તે બોલ્યો ટોપા રાત્રે પણ મને તે અંદર ના આવવા દીધો ને અત્યારે પણ પણ જવા નઈ દઈશ કે શું તું? આટલું બોલી ને તેના હોઠો પર એક નાનકડું સિમત આવ્યું. તે ફરી બોલ્યો “ માફ કરજે મને અજય, મારે આવી રીતે તમને બધા ને છોડી ને જવુ પડી રહ્યું છે. તેણે મને હાથ જોડયા. ફરી તે બોલ્યો પ્લીઝ દોસ્ત હવે તું જીદ કરી ને ના રોકતો મને, આપણો સાથ અહીંયા સુધી નો જ હતો, મારો સમય આવી ગયો છે, સોરી દોસ્ત હવે મારે નીકળવું પડશે, પણ હા હું મર્યો નથી ને મારવાનો પણ નથી. મને ખબર છે કે મારા આ દોસ્ત ના દિલ માં હંમેશ માટે હું જીવતો રહીશ. મારા જીવન માં આવવા માટે થેંક્યું દોસ્ત. આટલું બોલતા તેના ગળા માં ડૂમો ભરાઈ ગયો ને હું તો હજી પણ રડી રહ્યો હતો, શું બોલવું કે શું કરવું કંઈ સમજમાં આવી ન રહ્યું હતું. બસ દુઃખ એજ હતું કે મારા દોસ્ત થી હું હવે અલગ પડી રહ્યો હતો જેને હવે જીવન માં કદાચ ફરી ક્યારેક મળી નઈ શકાય એ વાત આ દિલ ને કોરી ખાતી હતી.

આમ વિચારતા તેની સામે નજર કરી ને પરાણે થોડું સ્મિત કર્યું. તે બોલ્યો ચાલ દોસ્ત સમય આવી ગયો છે, હવે હું નીકળું છું, પ્લીઝ રાત ની જેમ સાથે આવવા ની જીદ ના કરતો, ને ધીમે ધીમે દૂર થતો અંધારા માં ખોવાઈ ગયો ને હું તેને આ ભરેલી આંખો થી દુર થતા જોઈ રહ્યો ને મારા જીવન નો એક સુવર્ણકાળ અહીંયા જ સમાપ્ત થઈ ગયો.

“મૃગેન (મૃગ)”.