Hu Parki ke Potani ? - 1 books and stories free download online pdf in Gujarati

હું પારકી કે પોતાની ? - ભાગ-1


"રોહિણી કેટલીવાર છે ? મારે ઓફીસ જવાનું મોડું થાય છે, કેટલીવાર તને કહ્યું કે મારું ટિફિન તારે રેડી રાખવાનું ? તારી લીધે રોજ મારે મોડું થાય છે અને પછી મારા બોસની મારે ગાળો સાંભળવાની !"

તુષાર ગુસ્સામાં દરવાજા પાસે ગુસ્સે ભરાયેલા સ્વરમાં બુમો પાડી રહ્યો હતો.


રોહિણી ફટાફટ ટિફિન પેક કરી રાજધાનીની ઝડપે દોડતી તુષાર પાસે આવી અને ઊભી રહી ગઈ, તુષાર પણ ગુસ્સામાં જ ટિફિન રોહિણીના હાથમાંથી ખેંચી અને દરવાજા બહાર નીકળી ગયો.

રોહિણી દરવાજા પાસે જ ઊભી રહી ગઈ, હવે રોજ આ ઘટના બનતી રોહિણી ઉપર વાતે વાતે તુષારનો ગુસ્સો ઠલવાતો, રોહિણી પણ મૂંગા મોઢે બધું જ સાંભળી લેતી તેને કોઈ ફરિયાદ તુષાર પાસે પણ ક્યારેય કરી નહિ. પણ આજે એને એ દિવસ યાદ આવી ગયો જ્યારે લગ્નના શરૂઆતના દિવસોમાં રોહિણી આજ રીતે તુષાર માટે ટિફિન લઈને આવતી અને તુષાર તેને હળવા સ્મિત સાથે એક ચુંબન પણ આપતો. રોહિણી બીજુ કઈ વિચારે એ પહેલાં જ તેના કાને એક બીજો ગુસ્સે ભરાયેલો સ્વર પડ્યો.

"રોહિણી, મારી ભૂરા રંગની સાડી તું ડ્રાઈકલીનમાં આપી આવી હતી તે હજુ નથી લઈ આવી ? મારે સુરેશભાઈના બેસણામાં પહેરવાની છે, તને કહ્યું નહોતું મેં ?"

આ અવાજ હતો તેના સાસુ શારદાબેનનો.

રોહિણીએ તરત પોતાના વિચારોમાંથી બહાર આવી અને જવાબ આપ્યો,

"મમ્મી એ સાડી તો હું બે દિવસ પહેલા જ લઈ આવી હતી અને તમારા કબાટમાં રાખી દીધી હતી. તમે બહાર ગયા હતા એટલે કહેવાનું ભુલાઈ ગયું."

શારદાબેન ફરી ગુસ્સે ભરાયેલા સ્વરમાં છણકો કરતા બોલ્યા "એકવાર કહી તો દેવાય કે સાડી કબાટમાં મૂકી છે, મારે બેસણામાં જવાનું મોડું થાય છે તારે તો ઘરમાં જ રહેવાનું છે, અમારે સમાજમાં રહેવાનું છે હજુ !"



રોહિણી આ વખતે પણ કઈ ના બોલી અને રસોડામાં ટિફિન બનાવ્યા બાદના વાસણો સાફ કરવામાં લાગી ગઈ.

હવે તો સાસુ અને પતિના મહેણાં ટોણા સાંભળવાની આદત પડી ગઈ હતી. રોજ સવારે ઉઠી પતિનો ગુસ્સો અને આખો દિવસ સાસુની કચકચમાં દિવસ પૂરો થઈ જતો. બચ્યો કર્યો સમય મૈત્રીની દેખરેખ રાખવામાં. સસરા બે વર્ષ પહેલાં જ હાર્ટ એટેકના કારણે ગુજરી ગયા. એ હતા ત્યાં સુધી તો રોહિણીને આ ઘરમાં પણ દીકરી જેવો અનુભવ થતો પરંતુ એમના ગયા બાદ પરિસ્થિતિ જાણે સાવ બદલાઈ ગઈ. ઘરની ચાર દીવાલો અને અઢળક કામ વચ્ચે રોહિણી બંધાઈ ગઈ હતી. લગ્નનું પહેલું વર્ષ ખુશીઓ અને પતિના રોમાન્સમાં વીત્યું, જેના કારણે મૈત્રીનો જન્મ પણ પહેલા વર્ષે જ થયો. બીજું વર્ષ એની સાર-સંભાળ લેવામાં વીત્યું અને પછી સસરાનું અચાનક નિધન અને છેલ્લા બે વર્ષ તો બસ જાણે પોતાની જિંદગી ભૂલી અને પરિવારની જરૂરિયાતો સંતોષવા અને એક પત્ની, વહુ અને માતાની જવાબદારીઓ નિભાવવામાં રોહિણી વિતાવવા લાગી.

ક્યારેક ક્યારેક તે અરીસા સામે પોતાના ચહેરાને જોતી ત્યારે તેના મનમાં પણ પ્રશ્ન થતો કે "આ હું જ છું ? કેવી હતી અને કેવી થઈ ગઈ ? હજુ લગ્નના માત્ર 4 વર્ષ વીત્યા છે, અને આ ચાર વર્ષમાં જિંદગી ક્યાંથી ક્યાં આવી ગઈ ?"

અચાનક તે પોતાના ભૂતકાળમાં સરી પડી અને એ દિવસ એને યાદ આવ્યો જ્યારે તુષાર તેને પહેલી વખત જોવા માટે આવ્યો હતો. લગ્ન પરિવારની મરજીથી થવાના હતા. થોડા સમય પહેલા જ વિશ્વાસ સાથે થયેલા બ્રેકઅપના કારણે રોહિણી તૂટી ગઈ હતી અને વિશ્વાસ સાથેનું બ્રેકઅપ પણ પરિવારની મરજી લગ્ન ના કરવા હોવાના કારણે જ થયું હતું. મનોમન તેને નક્કી કરી લીધું હતું કે જેવો પણ છોકરો હશે હવે લગ્ન કરી જ લઈશ.



રોહિણીનો પરિવાર ખૂબ જ સુખી સંપન્ન હતો. તેના પપ્પાની પણ સમાજમાં આગવી શાખ અને એના કારણે જ તેમના એક મિત્ર હરજીવનદાસનો દીકરો તુષાર તેમની નજરમાં જ હતો. રોહિણી દ્વારા હા કહેતા મળવા માટેનું આયોજન નક્કી થયું.

તુષારને મળ્યા પહેલા જ રોહિણીની હા હતી, પરંતુ જ્યારે પ્રથમ મુલાકાત થઇ ત્યારે જ પરિવારે જ્યારે બંનેને એકલા વાત કરવા અલગ રૂમમાં બેસાડ્યા ત્યારે જ તુષારે કહ્યું હતું: "જુઓ તમે મારી સાથે કમ લગ્ન કરવા માંગો છો મને ખબર નથી, પરંતુ હું એટલું જરૂર કહીશ કે દરેક વ્યક્તિનો કોઈને કોઈ ભૂતકાળ જરૂર હોય છે, આ ઉંમર જ એવી છે જ્યારે કોઈની સાથે દિલ લાગી જવું સ્વાભાવિક છે."

તુષાર જ્યારે આ વાત બોલી રહ્યો હતો ત્યારે જ રોહિણીએ પહેલીવાર તેના ચેહરા તરફ ધ્યાનથી જોયું, અને પહેલી નજરમાં જ તેને પસંદ આવ્યો, તુષાર બોલતો હતો તેનો અવાજ અને તેના શબ્દોમાં ઉતરતી સમજ ફરીવાર રોહિણીને તેના તરફ આકર્ષી ગઈ.

તુષારે પોતાની વાત ચાલુ જ રાખતા કહ્યું: "મારે પણ મારો એક ભૂતકાળ હતો, હું તેને ભુલાવીને આગળ વધવા માંગુ છું, જો તમે એ જાણવા માંગતા હોય તો હું વિના સંકોચે તમને જણાવીશ, પણ એક વાતની ખાતરી આપું છું કે મારો ભૂતકાળ આપણા લગ્ન જીવન વચ્ચે ક્યારેય નહીં આવે ! તમારા ભૂતકાળ વિશે હું કઈ જાણવા નથી માંગતો, પણ એટલો વિશ્વાસ હું તમારી પાસેથી જરૂર માંગીશ જેટલો હું તમને આપી રહ્યો છું. જો તમે મારી સાથે લગ્ન કરવા માટેની હા કહો છો તો !!"


તુષારની વાત સાંભળ્યા બાદ રોહિણીને શું બોલવું તેની જ ખબર નહોતી પડી રહી. તુષારની સમજ જોઈને તે પહેલી મુલાકાતમાં જ તેનાથી અંજાઈ ગઈ હતી. છતાં પણ માત્ર માથું હલાવી તુષારની વાતને સમર્થન કર્યું હતું. તુષારે પણ તેને કઈ પૂછવા માટે જણાવ્યું પરંતુ તેને "કઈ નહિ કહી" અને એ પહેલી મુલાકાતને પૂર્ણ કરી હતી.

તુષાર અને તેનો પરિવાર ગયો કે તરત જ રોહિણીના પરિવારજનો રોહિણીની આગળ પાછળ ફરી વળ્યાં, અને તુષાર ગમ્યો કે નહીં તેના વિશેની પુછપરછ કરવા લાગ્યા. છેલ્લા થોડા દિવસથી રોહિણીનો ચહેરો ઉદાસ હતો, કારણ કે વિશ્વાસ સાથેનો તેનો સંબંધ તૂટ્યો હતો, પરંતુ તુષાર સાથે મળીને તેના ચહેરાની ચમક જાણે પાછી આવી ગઈ હતી. પરિવારના સભ્યોને પણ તેને લગ્ન માટે હા કહી. તુષારનો પરિવાર તો આ સંબંધ માટે પહેલાથી જ રાજી હતો.

સગાઈનું મુહૂર્ત નક્કી થયું. ધામધૂમથી સગાઈ પણ થઇ, એ વચ્ચે જ રોહિણી અને તુષારે એકબીજાના નંબરની આપ લે કરી લીધી હતી, બંને વચ્ચે કલાકો સુધી વાતો ચાલ્યા કરતી. તુષારને સારી એવી નોકરી પણ હતી જેમાંથી એક સારું જીવન જીવી શકાય. તેના પપ્પા પણ સરકારી ખાતામાંથી રિટાયર્ડ થયેલા એટલે ભવિષ્યના બધા જ આયોજનો નક્કી. એક બહેન હતી તેના પણ લગ્ન થઇ ગયા હતા. તુષાર એકનો એક દીકરો. તેના પિતા બાદ બધી જ સંપત્તિનો માલિક તુષાર જ હતો.

રોજ રાત્રે ઓફિસથી આવ્યા બાદ અને દિવસે પણ જેટલો સમય મળે એમાં તુષાર અને રોહિણી મેસેજ અને કોલમાં વાતો કરવા લાગ્યા. તુષાર દરેક વાતમાં રોહિણીની કાળજી રાખતો. રોહિણી માટે વિશ્વાસને ભૂલવો એટલો સહેલો નહોતો પરંતુ તુષારના પ્રેમ અને કાળજીના કારણે રોહિણીને ભુલાવમાં બહુ વાર પણ ના લાગી.

વિશ્વાસ ક્યાં હશે ? શું કરતો હશે? એ કઈ હવે રોહિણીને જાણવાની જરૂર ના રહી. તે તુષાર સાથેના સંબંધોમાં ખુશ રહેવા લાગી હતી. ક્યારેક ક્યારેક રોહિણી અને તુષાર બહાર ફરવા માટે પણ જતા. પોતાની સગાઈ અને લગ્ન વચ્ચેના ગોલ્ડન પીરીયડનો અનુભવ તેઓ કરી રહ્યા હતા. રોહિણી તુષારના ઘરે પણ રોકાવવા માટે જતી. હરજીવનદાસ તેને પિતા જેટલો પ્રેમ આપતા તો તેના સાસુ શારદાબેન પણ તેમની દીકરીની જેમ રાખવા લાગ્યા.

કામકાજમાં પણ રોહિણી થોડી કાચી હતી, છતાં પણ શારદાબેન એક માતાની જેમ રોહિણીને શીખવશે બધું એવું જણાવતા. આટલો સરસ પરિવાર અને માતા-પિતા જેવા સાસુ સસરા અને પ્રેમાળ પતિ મળવાના કારણે રોહિણી પોતાની જાતને કિસ્મતવાળી સમજવા લાગી હતી.



રોહિણીના ચહેરા ઉપર ખુશી છવાયેલી રહેતી હતી, તેની બહેનપણીઓ પણ તેનામાં આવેલા આ બદલાવને જોઈને આશ્ચર્યમાં હતી. રોહિણીના માતા-પિતાને ખુશી હતી કે તેમની દીકરી બધું જ ભૂલી અને આગળ વધવા માટે જઈ રહી છે.

રોહિણીને હવે આગળ કઈ સારું ખોટું દેખાઈ રહ્યું નહોતું, તેને બસ તેનું ઉજ્જવળ ભવિષ્ય અને પ્રેમાળ પતિ નજર આવી રહ્યો હતો. તુષાર તરફથી પણ તેને ઘણો જ પ્રેમ મળતો જે તેને વિશ્વાસ પાસેથી મળતો હતો. હા વિશ્વાસની જેટલી નજીક રોહિણી પહોંચી હતી તેટલી તે તુષારની નજીક નહોતી પહોંચી શકી. તેની પાછળનું કારણ તુષાર સાથેના લગ્ન હતા. લગ્ન બાદ તે પોતાને શરીરથી પણ તુષારને સોંપી દેવાની હતી. વિશ્વાસ સાથે પણ પ્રેમ થતા જ તેને થોડા સમયમાં પોતાનું શરીર તેને સોંપી દીધું હતું.

વિશ્વાસ વિશેની કોઈ વાત રોહિણીએ ક્યારેય તુષારને જણાવી જ નહોતી. તેના મનમાં પણ એક એવો ડર હતો કે ક્યાંક વિશ્વાસ વિશે ખબર પડતા આ સંબંધ પણ તૂટી જાય, તે તુષારને હવે ખોવા માંગતી નહોતી. લગ્ન પહેલા તેના જીવનમાં પ્રેમ અને માત્ર પ્રેમ જ હતો. એક અનોખી ખુશી તેના ચહેરા ઉપર છલકી રહી હતી.

રોહિણી વિચારોમાં મશગુલ હતી ત્યાં જ મૈત્રીના રડવાનો આવાજ આવ્યો, અને તરત પોતાના રૂમમાંથી દોડતી બહાર આવી.



મૈત્રીને રડતા જોઈ તેને તરત જ ઊંચકી લીધી અને શાંત કરાવી. એ શાંત થઇ એ પહેલા જ તેના સાસુ ગુસ્સામાં તેમના રૂમની બહાર આવ્યા અને બોલવા લાગ્યા: "બપોરે તો છોકરીને શાંતિથી સુવડાવી દે, રડાવી રડાવીને મારી ઊંઘ પણ ખરાબ કરી નાખી, માંડ આંખ મીચાઈ હોય અને આનું રડવાનું ચાલુ થઇ જાય છે."

રોહિણી કઈ બોલી નહિ અને મૈત્રીને રૂમમાં લઈને ચાલી ગઈ.....

(કેવું હશે રોહિણીનું આગળનું જીવન ? વિશ્વાસ સાથેના સંબંધોનો અંત કેવી રીતે આવ્યો હશે ? શું તુષારને વિશ્વાસ વિશે જાણ થશે? શું રોહિણી આ ઘરમાં ટકી શકશે ? જાણવા માટે વાંચતા રહો "હું પારકી કે પોતાની ?" ભાગ-2)