Love Revenge - 38 - 1 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ - 38-1

લવ રિવેન્જ

પ્રકરણ-38


લગભગ એક વર્ષ પહેલાં ………(કોલેજનું બીજું વર્ષ)



“આ જગ્યા તો બવ મસ્ત છે....! cityનો કેટલો સરસ વ્યૂ દેખાય છે...! નઈ..!?” પોતાની જોડે બેઠેલી લાવણ્યાનું મૂડ ચેન્જ કરવાં આરવે કહ્યું.

બંને સોલાં ફલાયઓવરની જોડે એક ઊંચાં ટેકરાં ઉપર બેઠાં હતાં. ઊંચાં ટેકરાં ઉપરથી નીચે અમદાવાદ શહેરનો સુંદર વ્યૂ દેખાતો હતો. રાતના અંધારામાં જાણે કાળાં આકાશમાં અગણિત તારાઓ ટમટમતા હોય એમ શહેરની ઇમારતોની રોશની દેખાઈ રહી હતી. ક્ષિતિજ સુધી વિસ્તરતું અમદાવાદ શહેર જાણે રોશનીથી ઝગમગતો કોઈ બગીચો હોય એવું દેખાતું હતું.

“તારાઓનું શહેર....! નઈ....!?”થોડીવાર પછી પણ લાવણ્યા કઈંના બોલી ત્યારે આરવે તેણી સામે જોઈને કહ્યું.

મૌન થઈને ભીંજાયેલી આંખે લાવણ્યા હજીપણ સામે તાકી રહી હતી.

“તારા બેસ્ટફ્રેન્ડને પણ નઈ કે’….!?” આરવે પોતાનાંથી સહેજ અંતર રાખીને બેઠેલી લાવણ્યાની હથેળી ઉપર પોતાની હથેળી મૂકી પ્રેમથી ભીની આંખે પૂછ્યું.

શહેર તરફ હજીપણ જોઈ રહેલી લાવણ્યાની આંખમાંથી આંસુ સરીને નીચે પડ્યું. થોડી વધુવાર મૌન રહ્યાં પછી લાવણ્યાએ આરવનાં ખોળાંમાં માથું ઢાળી દીધું.

“અરે...! તારાં કપડાં ધૂળવાળાં થશે...!” આરવ હજીપણ કોઈને કોઈરીતે લાવણ્યાનું મૂડ બદલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

“જેની ઉપર ટ્રસ્ટ કર્યો...! એણેજ ટ્રસ્ટ તોડ્યો....!” આરવનાં ખોળામાં માથું ઢાળી રાખીને શહેર તરફ તાકી રહી ગળગળા સ્વરમાં લાવણ્યા બોલી.

“શું થયું છે..!? યશે શું કર્યું તારી જોડે...!?” આરવ ગભરાયો હોય એમ ભીનાં સ્વરમાં બોલ્યો “મને કે’ને પ્લીઝ...!”

“મને હતું કે એ ડીસન્ટ છોકરો છે...! ભલે તારા જેવો ઇનોસન્ટ નઈ....પણ ટ્રસ્ટ કરી શકાય એવો..!” રડતી આંખે લાવણ્યા બોલી રહી હતી “પણ...! પણ...!”

“લાવણ્યા....! મને કે’ને...! શું થયું …!? પ્લીઝ મારી જોડે શેયર તો કર...!” ખોળામાં માથું મૂકીને સૂતેલી લાવણ્યાના કપાળ ઉપર વ્હાલથી હાથ ફેરવીને બોલ્યો.

“તું તો મારો ટ્રસ્ટ નઈ તોડેને....!?” આરવના ખોળાંમાંથી બેઠાં થઈને લાવણ્યા દયામણા સ્વરમાં બોલી “મ્મ....મને હર્ટ તો ન....નઈ કરેને...!?”

“કેમ આવું કે’છે...!? હું શું લેવાં તને હર્ટ કરું...!?” આરવ પણ ગળગળો થઈ ગયો “અને તું...તું...મને કે’ને શું થયું છે....! યશે શું કર્યું તારી જોડે...!?”

“તું...આ બધાંમાં ના પડ હની...!” આરવના ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને લાવણ્યાએ ભીંજાયેલી આંખે કહ્યું “તું બધામાં ના પડ...!”

“પણ લાવણ્યા...! હું...હું તારો બેસ્ટ ફ્રેન્ડ છુંને...! તો...તો...!”

“આરવ....! પ્લીઝ...! તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે એટ્લેજ કઉ છું...! મને ફોર્સ ના કર...!” લાવણ્યા એજરીતે આરવના ગાલ ઉપર હાથ રાખીને બોલી.

થોડીવાર સુધી બંને મૌન થઈને એકબીજાં સામે જોઈ રહ્યાં.

“ચાલ...! ઘરે જઈએ...! જો હવે તો અજવાળું પણ થવાં આયું...!” લાવણ્યાએ પરાણે સ્મિત કર્યું અને પૂર્વ દિશા બાજુ શહેરની ક્ષિતિજે દેખાતાં પરોઢના અજવાળા સામે જોઈને કહ્યું.

-----

“યશ જોડે કોઈ માથાકૂટમાં ના પડતો....!” લાવણ્યાએ આરવની કારમાંથી ઉતરતાં-ઉતરતાં કહ્યું “એ થોડો માથાભારે ટાઈપનો છે...!”

“હું એનાથી નઈ બિ’તો....!” આરવે થોડું ચિડાઈને કહ્યું “તું મને એકવાર કે’ને...! એણે શું કર્યું...! પછી હું એની...!”

“આરવ....! હની...! કીધુંને...! એની જોડે કોઈ માથાકૂટમાં ના પડતો...! આખી કોલેજમાં વાત ફેલાઈ જશે....!”

“તું ચિંતા શું કામ કરે છે...! મારાં મામાં...!”

“આરવ...! તું સમજતો કેમ નથી...!” આરવને ટોકીને લાવણ્યા વચ્ચે બોલી “મેં તને ના પાડીને...! તોપણ તું ફોર્સ કેમ કરે છે...! તુંય નઈ સમજે મને...એ...!”

બોલતાં-બોલતાં લાવણ્યા રડી પડી.



“અરે તું...! આમ....! લાવણ્યા...! સારું..સારું...! તું રડ નઈને....! બસ..! હવે જ્યાં સુધી તું આ વાત વિષે સામેથી કશું નઈ કે’…! ત્યાં સુધી હું પણ કઈં નઈ બોલું બસ...! પ્રોમીસ...!”

“થેન્ક યુ...!” લાવણ્યા ભીની આંખે બોલી અને કારનો દરવાજો ખોલી ઉતરી ગઈ.

દરવાજો વાખી લાવણ્યા પોતાની સોસાયટીના ગેટ તરફ રસ્તો ક્રોસ કરીને જવાં લાગી.

ફાર્મ હાઉસ ઉપર જે થયું એ વિષે વિચારતાં-વિચારતાં લાવણ્યાની આંખો ફરી ભીંજાઈ ગઈ. સોસાયટીના ગેટમાંથી એન્ટર થતાંજ લાવણ્યાએ કોર્નર ઉપર આવેલાં નેહાના ઘરની બાલ્કનીમાં જોયું. બાલ્કનીમાં ચેયરમાં બેઠી-બેઠી નેહા પોતાનાં કાનમાં ઈયરફોન નાંખી આંખો બંધ કરીને કદાચ ગીતો સાંભળી રહી હતી.

“નેહા પણ ડીસન્ટ છોકરી હશે....! કે પછી ડીસન્ટ હોવાનું નાટક કરતી હશે...!?” બાલ્કનીમાં બેઠેલી નેહાને જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી.

-----

“ટ્રીન...ટ્રીન....ટ્રીન...!” બેડ ઉપર પડેલાં લાવણ્યાનાં ફોનની રિંગ વાગી રહી હતી.

પડખું ફોન તરફ ફેરવીને લાવણ્યાએ તેનાં મોબાઈલની સ્ક્રીનમાં નંબર જોયો.

“આરવ....!” સ્ક્રીન ઉપર આરવનું નામ જોઈને લાવણ્યા બબડી.

ફોન ઉપાડ્યાં વગર લાવણ્યા પાછો બેડ ઉપર ઊંધો મૂકી દીધો અને ફરી પડખું ફેરવી દીધું. થોડીવાર પછી આરવે ફરીવાર ફોન કર્યો.

“હાં...! બોલ...!” છેવટે આરવનો કૉલ રિસીવ કરી લાવણ્યા પરાણે બોલતી હોય એમ બોલી.

“તું કોલેજ કેમ નઈ આવતી...!? ફાર્મ હાઉસવાળી રાત પછી લાવણ્યા લગભગ પાંચેક દિવસથી કોલેજ નહોતી ગઈ તેથી આરવે પૂછ્યું.

“આરવ...! મારું મૂડ નથી એટ્લ...! તું રોજે શા માટે મને ફોન મેસેજ કર્યા કરે છે...!” લાવણ્યા એવાંજ ઢીલા સ્વરમાં કહ્યું “મેં તને પરમ દિવસે પણ કીધું’તું તો ખરાં....!”

પાંચેક દિવસથી આરવ રોજે લાવણ્યાને ફોન-મેસેજ કર્યા કરતો. લાવણ્યાનું મૂડ ચેન્જ થાય એ માટે આરવ તેણીને ક્યાંક બહાર ફરવા જવાં, મૂવી વગેરે જોવાં માટે પણ કહેતો. લાવણ્યા રોજે તેની વાત ટાળી દેતી. આજેપણ સવારથી સાંજ સુધી આરવે અનેકવાર ફોન કર્યા હતાં.

“પણ તારું મૂડ સારું થાય એટ્લેજ તો કહું છું...!”

“આરવ....! હની....! મેં કીધું’તુંને....! મને ઠીક લાગશે એટ્લે કઈશ તને...! હમ્મ...!”

“પણ...!”

“તું હવે મને હેરાન ના કરતો...! ફોન કે મેસેજ કરીને..! ઓકે...!”

“બેસ્ટ ફ્રેન્ડ હેરાન ના કરેતો બેસ્ટ ફ્રેન્ડ થોડી કેવાય....!” આરવ બાળકની જેમ બોલ્યો.

“હાં...હાં....!” બેડ ઉપર સૂતેલી લાવણ્યાથી પરાણે થોડું હસાઈ ગયું.



“જો...! જો...! કીધુંને...! તું આવને...! તારું મૂડ ઠીક થઈ જશે....!”

“હમ્મ....! સારું....! આવું છું...! આપડે ક્યાંક બા’ર જઈએ...!” લાવણ્યાએ બેડ ઉપરથી ઊભાં થતાં-થતાં કાને ફોન માંડી રાખીને કહ્યું.

તેણીનું માઇન્ડ થોડું હળવું થતાંજ લાવણ્યા હવે મલકાઈ રહી હતી.

“હું તૈયાર થઈને તને કૉલ કરું...! ઓકે...!” પોતાનાં વૉર્ડરોબ તરફ જતાં લાવણ્યા બોલી.

------

“હું એસજી હાઈવે ખેતલાપા આવું છું....! તું આય...!” પોતાની સોસાયટીનાં ગેટની બહાર નીકળતાં-નીકળતાં લાવણ્યાએ આરવને ફોન ઉપર કહ્યું.

“હું તારી સોસાયટીનાં ગેટની સામેજ ઊભો છું...!જો...!” સામે છેડેથી આરવે કહ્યું.

“હેં..!? સાચે...!?” ગેટની સામેની બાજુ જોતાં-જોતાં લાવણ્યાએ કહ્યું.

હમેશાંની જેમ આરવ તેની કાર લઈને સામેની બાજુએ ઊભો હતો.

“હું આવી...!” લાવણ્યાએ કૉલ કટ કરતાં કહ્યું.

રોડ ક્રોસ કરીને લાવણ્યા સામેની બાજુ આરવની કાર તરફ જવાં લાગી. લાવણ્યાને આવતી જોઈને આરવ તેની કારમાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો.

“તું ક્યારે આયો...!?” આરવની જોડેની સીટમાં બેસતાં-બેસતાં લાવણ્યાએ સ્મિત કરતાં-કરતાં પૂછ્યું.

“હું તો સવારનો અહિયાંજ છું....!” આરવથી બોલાઈ ગયું.

“વ્હોટ...!? તું...! તું...!”

“અરે મજાક કરું છું...!” આરવ વાત વાળતો હોય એમ મોઢું ફેરવીને કારનો સેલ મારતાં બોલ્યો.

“આરવ....! આમજો મારી સામું...!” ચકિત થઈ ગયેલી લાવણ્યા ધમકાવતી હોય એમ બોલી.

આરવનું મોઢું ઉતરી ગયું અને તે લાવણ્યા સામે જોયાં વિના ધીમી સ્પીડે કાર ચાલાવાં લાગ્યો.

“આરવ....!” લાવણ્યા છણકો કરીને બોલી “મારી સામું જોતો...!”

કાર રોકીને આરવે ઢીલું મોઢું કરીને લાવણ્યા સામે જોયું.

“ખાલી આજેજ સવારથી અહિયાં ઊભો’તો ....! કે પછી રોજે આવતો’તો…!” લાવણ્યા દયાભાવથી આરવનાં ઉતરી ગયેલાં મ્હોં સામે જોઈને બોલી.

“રોજે આવતો’તો...!” નાનાં બાળકની જેમ નારાજ સૂરમાં મોઢું ફુલાવીને આરવ બોલ્યો.

“આખો...આખો દિવસ અહિયાંજ ઊભો રે’તો’તોને...!?” લાવણ્યાની આંખ પણ હવે ભીંજાઈ ગઈ.

એવુંજ મોઢું ફુલાવી રાખીને આરવે હકારમાં માથું ધુણાવ્યું.

“Awww…! તું...! છોકરાં....!” સીટમાં ઘૂંટણ ઉપર બેઠાં થઈને લાવણ્યાએ આરવને ગળે વળગાળી દીધો “પાગલ થઈ ગ્યો છે... તું...! હમ્મ...બોલ...!?”

“એ રાતે એણે તારી જોડે શું કર્યું...! મને નઈ ખબર...!” આરવ ગળગળા સ્વરમાં લાવણ્યાને વળગીને બોલ્યો “પણ...પણ...હું બસ તારી જોડે રે’વાં માગતો’તો...! ત...તને એકલી નો’તી મૂકવાં માંગતો...! કદાચ તું..તું...કઈંક...કરી બેસું...! હું..તને ખોવાં નો’તો માંગતો...!”

“એટલી કમજોર નથી હું...! ઓકે...!” પોતાનું રડવું માંડ દબાવી રાખી આરવ સામે જોઈ લાવણ્યા ગળગળા સ્વરમાં બોલી “અને મેં તને કેટલીવાર કીધું...! કે ..કે હું તારાં ટાઈપની નથી...! શું કામ તું તારો ટાઈમ વેસ્ટ કરે છે...!?”

“તું ફ્રેન્ડ તો છેને...!? તને ફ્રેન્ડની જરૂર હતી...! એ ટાઈમે...! એટલે હું રાહ જોતો’તો...! કે ક્યારે તું સોસાયટીની બા’ર નીકળે અને હું તને મળું...! પણ તું તો દેખાતીજ ન’તી...!”

“તે મને કીધું કેમ નઈ કે તું રોજે અહિયાં આખો દિવસ બેસી રે’તો’તો...!? બોલ...!?”

“તું ફોન તો ઉપાડતી નો’તી...!” આરવ પણ નારાજ સુરમાં છણકો કરીને બોલ્યો.

“Aww...સોરી....!” આરવના ગાલે વ્હાલથી હાથ મુકીને લાવણ્યા બોલી “સારું ચાલ...! પે’લ્લાં આપડે ચા અને મસ્કાબન ખાઈએ પછી ક્યાંક જઈએ...!”

“મસ્કાબન ખાઈ-ખાઈને તું જાડી થઈ ગઈ તો...!?” કારનું એક્સીલેટર દબાવી આરવ લાવણ્યાની ઉડાવતાં બોલ્યો.

“એ ....જાડી વાળાં...! ગધેડાં...!” આરવના બાવડે પંચ મારીને લાવણ્યા પોતાનું હસવું દબાવી રાખીને બોલી “માર ખાઈશ તું હોં....!”

“મસ્કાબન કરતાં તો મારજ ખાવો સારો...! કમસે કમ જાડું તો ના થવાય...!”

“જો પાછો બોલ્યો....!” નકલી ગુસ્સો કરતી-કરતી લાવણ્યા હસી પડી અને આરવને મારવાં લાગી.

“આહ...! અરે ધીરે...! હમણાં કાર કોઈકને અડી જશે....!”

“તું ગિટાર તો લાયો છેને...!?” થોડીવાર પછી લાવણ્યાએ આરવને પૂછ્યું

“હા...! કાયમ જોડેજ હોય છે...! જો પાછળ....!” કાર ચલાવતાં-ચલાવતાં આરવે પાછળની સીટમાં બ્લેક કવર ચડાવેલાં ગિટાર તરફ ઈશારો કરીને કહ્યું “પણ કેમ પૂછે છે...!?”

“બસ...! બવ દિવસથી તને લાઈવ ગાતાં નથી સાંભળ્યો...!” લાવણ્યાએ સ્મિત કરીને આરવ સામે જોયું “અને મને ખબર છે...! તું પણ ફૂફ ટ્રક પાર્ક નઈ જતો હોય....!”

“તારા વગર કશું નઈ ગમતું....!” લાવણ્યા સામે જોયા વિના આરવ કાર ચલાવતાં-ચલાવતાં બોલ્યો.

આરવ સામે થોડીવાર દયાભાવથી જોઈ રહીને લાવણ્યા સામે કારની બહાર જોવાં લાગી.

-----



“મેરી ના સુને યે દિલ મેરા.....તેએ....રે.....પીછે પાગલ હૈ....!”

એક ફેમસ પોપ સિંગરનું હિન્દી-ગુજરાતી મિક્સ એવું ફ્યૂઝન સોંન્ગ ગાઈને આરવે ફૂડ ટ્રક પાર્કમાં અગાઉ જેવોજ માહોલ ઊભો કરી દીધો.

સોંન્ગ સાંભળીને લાવણ્યાનું માઈન્ડ પણ ફ્રેશ થઈ ગયું. આરવે સોંન્ગ ગાઈ લીધાં પછી બંનેએ ત્યાંજ ડિનર કર્યું. ત્યારબાદ એસજી હાઇવે ઉપર લોન્ગ ડ્રાઈવ કરીને બંને રિવર ફ્રન્ટ મોડાં સુધી બેઠાં.

“એક વાત પૂછું...!?” આરવે લાવણ્યાને પૂછ્યું.

બંને રિવરફ્રન્ટની પાળીએ એજરીતે પગ લબડાવીને બેઠાં હતાં.

“તે પ્રોમિસ કર્યું હતું કે તું ફાર્મ હાઉસવાળી રાત વિષે કઈં નઈ પૂછે...!” લાવણ્યા યાદ અપાવતી હોય એમ નદી સામે તાકી રહીને બોલી.

“હું તો એમ પૂછવા માંગતો’તો કે કોલેજમાં બધાં સામે તું રૂડ બિહેવ કેમ કરે છે...!?”

“તે આ ક્વેશન ફરી પૂછ્યો...! નઈ...!?” લાવણ્યાએ સામે જોઈ લાવણ્યાએ સ્મિત કર્યું.

“તું આજેય જવાબ નઈ આપે...!?”

હળવું સ્મિત કરીને લાવણ્યાએ ફરીવાર સાબરમતી નદી સામે જોયું.

“લોકોને હું એવીજ ગમું છું આરવ...!” નદી સામે તાકી રહીને લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી “મારી એવીજ ઈમેજ બની ગઈ છે...!”

“તે જાતેજ તારી એવી ઈમેજ બનાવી દીધી છે...! નઈ..!?” આરવે પૂછ્યું.

લાવણ્યાએ જવાબમાં ફરી હળવું સ્મિત કર્યું.

“કેમ...!? પણ..!?”

“સારાં અને સીધાં માણસોને લોકો કમજોર ગણીલે છે.....! અને પછી એમનો ટ્રસ્ટ પણ તોડે છે...!” યશને યાદ કરીને લાવણ્યા માયૂસ સ્વરમાં બોલી “મારી સાથે આવું પહેલાં પણ થયું ‘તું....! એટ્લેજ હું એવી થઈ ગઈ’તી...! પણ યશને મળીને એવું લાગ્યું કે...! એની ઉપર ટ્રસ્ટ કરી શકાય છે...! પણ એણેય મારો ટ્રસ્ટ તોડ્યો...!”

“એટ્લે તું ફરીવાર એવીજ થઈ જઈશ....!? રૂડ..રૂડ...!?” આરવે નાનાં બાળકની જેમ પૂછ્યું.

“હાં...! પણ તારાં સિવાય બધાં જોડે....!” લાવણ્યા સ્મિત કરીને બોલી “જે દિવસે તું યશના રસ્તે ચાલ્યો...! એ દિવસે તારી જોડે પણ એવીજ...!”

“ના...ના...હું તો કોઈ દિવસ તને હર્ટ નઈ કરું....! પ્રોમિસ...!” આરવ તેનું ગળું પકડીને બોલ્યો.

થોડીવાર બંને મૌન થઈને નદીનાં પાણી સામે તાકી રહ્યાં.

“એક બીજી વાત પૂછું....!?”થોડીવાર પછી આરવે બિતાં-બિતાં લાવણ્યા સામે જોયું.

આરવ સામે જોયાં વિના લાવણ્યાએ ફક્ત હકારમાં ડોકું ધૂણાવ્યું.

“પ્રોમિસ કર નારાજ નઈ થાય...!” આરવે તેની હથેળી લાવણ્યા તરફ લંબાવી.

“પ્રોમિસ...!” સ્મિત કરીને લાવણ્યાએ પોતાની હથેળી આરવના હાથ ઉપર મૂકી.

“વ....વિશાલ....! કે એવાં બીજાં બોયઝ જોડે તારાં અફેયર્સની વાતો....! અ...આઈ મીન...! અ...!” આરવની જીભ થોથવાવાં લાગી અને તે પરેશાન નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“યુ મીન....બધાં બોયઝ જોડે મારાં ફિઝિકલ રિલેશનની વાતો...!?” લાવણ્યાએ આરવનું અધૂરું વાક્ય પૂરું કરતાં પૂછ્યું.

ભીની આંખે આરવે દયામણું મોઢું કરીને હકારમાં માથું ધૂણાવ્યું.

“તને શું લાગે છે...!?” લાવણ્યાએ આરવની ભીની આંખોમાં જોઈને પૂછ્યું.

“ખ....ખબર નઈ...!”

“યુ નો....! તમારી બોયઝની એક બવ મોટી પ્રોબ્લેમ હોય છે...!” લાવણ્યાએ પહેલાં આરવ સામે પછી સામેની બાજુ જોઈને કહ્યું “કોઈ છોકરી અમસ્તુંજ જો તમારી સામે હસી પણ હોય તો તમે લોકો એવું માની બેસો છો એ તમારી પાછળ ફીદા થઈ ગઈ...! અને જો એ છોકરી થોડી વધારે તમારી જોડે વાત કરીલે...! હી...હી....!” લાવણ્યાએ હસીને આરવ સામે જોયું “તો તો તમે લોકો રૂમનો “જુગાડ” કરવાં લાગી જાઓ છો...! જાણે એ છોકરી નેક્સ્ટ ડે તમારી જોડે આઈને એમ કહેવાની હોય કે ચાલ “સેક્સ” કરીએ...!”

આરવ કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા સામે ભીની આંખે જોઈ રહ્યો.

“એટલું ઈઝી નથી હોતું...! છોકરીઓ માટે...! કોઇની પણ જોડે સૂઈ જવાનું....!” લાવણ્યાએ આરવ સામે જોયું “લોકોએ મારી ઇમેજ જ એવી બનાવી દીધી છે...! કે હું કોઈ છોકરાં જોડે કોઈ ઈંટેન્શન વિના જો એમજ વાત કરતી હોવ..! તો લોકો એવુંજ માને છે કે હું એની જોડે...અ...!”

લાવણ્યા બોલતાં-બોલતાં અટકી ગઈ અને ભીની આંખે આરવ સામે શૂન્યમનસ્ક જોઈ રહી.

“અને છોકરાંઓ પણ...! હું જો એમની જોડે ફક્ત વાત પણ કરી લવ...તો જાણે એ લોકોએ મને કોઈ રેસમાં જીતી લીધી હોય એમ બીજાં બધાં સામે ડંફાસો મારતાં ફરે કે “યાર...! આજે તો મેં લાવણ્યાને શું વાપ...!”

“બ..બસ...બસ...! મ...મારે ..મારે નઈ સાંભળવું....!” આરવ ડૂસકાં ભરીને રડી પડ્યો “ન..નઈ સંભાળવું...!”

“આરવ....! ઓહ હની...!” લાવણ્યાએ ભીની આંખે આરવના ગાલ ઉપર હાથ મૂક્યો.

“ય...યશ...પણ તારા વિષે એવું..એવુંજ બ....બ...બધું બોલ્યાં કરે છે...!” આરવ આંસુઓથી ખરડાયેલાં પોતાનાં ગાલ લૂંછતાં બોલ્યો.

“મેં...તને એટ્લેજ કીધું’તું...! કે હું તારી ટાઈપની નથી....! તું આ બધાંમાં ના પડ..! તું...તું... બઉજ માસૂમ છે....!”

“પ..પણ...તું...આવાં છોકરાંઓ જોડે શું કામ ફરે છે...!?” આરવ રડમસ ચેહરે બોલ્યો.





“લોકોને સીધી-સાદી કે ઇનોસંન્ટ લાવણ્યા હજમ નઈ થાય આરવ....!” લાવણ્યા વ્યંગ કરતાં બોલી “હું આવીજ સારી છું....! “ધી લાવણ્યા...!”

“પ...પણ...ય....!”

“મને એવીજ રે’વાંદે....!” લાવણ્યા પણ રડમસ સ્વરમાં બોલી “જો મારે બદલાવું હોત...તો હું કયારની બદલાઈ ગઈ હોત....! તું મને બદલવાનો ટ્રાય ના કર હની....! પ્લીઝ....!”

આંખો બંને કરીને બંને એકબીજાં સામે ક્યાંય સુધી જોઈ રહ્યાં.

­-------

“કાલે કોલેજ તો આઈશને.....!?” લાવણ્યા પોતાની સોસાયટીના નાકે આરવની કારમાંથી ઉતરી રહી હતી ત્યાંજ આરવ બોલ્યો.

“અમ્મ....! બે-ત્રણ દિવસ પછી....!” થોડું વિચારી લાવણ્યા થોડાં ઢીલા સ્વરમાં બોલી.

“મેં ફરી તારું મૂડ ખરાબ કરી નાંખ્યુંને...!?” આરવે ઢીલાં મોઢે પૂછ્યું.

“એવું નથી...! મારે બસ થોડો ટાઈમ એકલું રે’વું છે...!” લાવણ્યા બોલી.

“તો નવરાત્રીમાં નઈ આવે તું..!?” આરવે પૂછ્યું “બે દિવસ પછી નવરાત્રી ચાલું થાય છે...!”

“આઈશને....! પણ હું મારાં ગ્રુપનાં ફ્રેન્ડસ જોડેજ જઈશ ગરબાંમાં....!” લાવણ્યા બોલી.

“તો મારી જોડે નઈ આવે...!?” આરવે બાળકની જેમ મોઢું બનાવીને નારાજ સ્વરમાં પૂછ્યું.

“અમ્મ....! તું એક કામ કર..! તું અમારાં ગ્રુપમાં આવીજા...! પછી આપડે બધાં જોડે ગરબાં ગાઈશું...! બોલ શું કે’વું...!?”

“ના...! હું મારાં ગ્રુપનો સિંહ છું...!” આરવ પોતાની દાઢી ઘમંડમાં ઉંચી કરીને બોલ્યો “અને તું તારાં ગ્રુપની...! એક ગ્રુપમાં બે સિંહ ના રહી શકે...!”

“હાં...હાં....હાં.....! ઓહ...! લાયો બાકી....!” લાવણ્યા હસી પડી “તો આપડે આપડા બેય ગ્રુપના ફ્રેન્ડસ ભેગાં થઈને જઈશું...! ગરબાં માટે...! ઓકે...!”

“ઓકે ડન...!”

“ બાય હવે...!” એટલું કહીને લાવણ્યા કારનો દરવાજો ખોલીને ઉતરવા લાગી.

“અને હાં....!” કારમાંથી નીચે ઉતરીને લાવણ્યાએ નીચાં નમીને કહ્યું “હું બે-ત્રણ દિવસ હજી નઈ આવાની...! તો મને ફોન કરી-કરીને હેરાન નાં કરતો....! હમ્મ...!”

“સારું તો મેસેજ કરીને હેરાન કરીશ...!?” આરવે તેનાં હોંઠ દબાવીને કહ્યું.

“હાં...હાં..હાં....! તો તું મને ગમે તેમ કરીને હેરાન કરીશજને...!?”

“હાસ્તો....! જો દોસ્ત કમીને નહી હોતે....! વો કમીને દોસ્ત નહી હોતે...!” આરવ ડાયલોગ મારતો હોય એમ બોલ્યો.



“હાં...હાં...હાં....! સારું...સારું..! પણ બવ“કમીનો” ના બનતો...!” લાવણ્યા પણ હવે મજાક કરતાં બોલી.

“એટલે...!?”

“એટલે મને બવ હેરાન ના કરતો...! હમ્મ...!?”

“હાં..હાં...સારું...! નઈ કરું બસ...!”

“બાય...! ગૂડ નાઈટ...!”

“બાય...!”

મલકાતાં ચેહરે લાવણ્યા છેવટે પાછી ફરી રોડ ક્રોસ કરવાં લાગી. આરવે પાછું તેણીનું મૂડ ફ્રેશ કરી દીધું હતું.

“બવ ઇનોસંન્ટ છોકરો છે...!” લાવણ્યાનું મન હવે આરવ વિષે વિચારવા લાગ્યું.

સોસાયટીના ગેટમાંથી અંદર જતાં-જતાં લાવણ્યા પાછાં ફરીને જોયું. આરવ હજીપણ કારની ડ્રાઈવીંગ સીટ ઉપર બેઠો-બેઠો લાવણ્યાને જોઈ રહ્યો હતો. સ્મિત કરતી-કરતી લાવણ્યા હવે તેનું માથું ધુણાવા લાગી અને પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢી આરવને કૉલ કરવાં લાગી.

“હાં...! બોલ...!” આરવે ફોન ઉપાડીને કહ્યું.

“હવે ઘરે જા....! આખી રાત અહિયાં ઉભો ના રે’તો...! હી...હી...!”

“ના....! નઈ જઉ..! અહિયાંજ ઉભો રઈશ...!” આરવ બાળકની જેમ જિદ્દ કરતો હોય એમ બોલ્યો.

“આરવ....!” લાવણ્યા ધીરેથી છણકો કરતી હોય એમ બોલી.

“હાં...સારું....! જાવ છું....! બાય...!”

“બાય...!” કૉલ કટ કરી માથું-માથું ધુણાવતી લાવણ્યા પોતાનાં ઘર તરફ જવાં લાગી.

-----

બે-ત્રણ દિવસ પછી છેવટે લાવણ્યાએ કોલેજ આવાનું પાછું શરું કરી દીધું. આરવ અને લાવણ્યાની ફ્રેન્ડશીપ પાછી અગાઉની જેમજ “કંટિન્યૂ” થઈ ગઈ. આરવ સાથે જેમ-જેમ લાવણ્યા સમય વિતાવતી ગઈ તેમ-તેમ તે ફાર્મ હાઉસવાળી ઘટનાને પણ ભૂલતી ગઈ. એજરીતે ક્લાસમાંથી બંક મારીને ફરવા જવું, મૂવી કે લોન્ગડ્રાઈવ ઉપર જવું, ડિનર કે લંચ, ફૂડ ટ્રક પાર્કમાં આરવનું લાઈવ સિંગિંગ માટે જવું વગેરે. લાવણ્યાએ કહ્યાં મુજબ આરવ પણ તેનાં ગ્રૂપનાં મિત્રો સાથે કોઈ-કોઈવાર કેન્ટીનમાં લાવણ્યાનાં ગ્રૂપ સાથે બેસતો. કેન્ટીનમાં પણ આરવ કોઈ-કોઈવાર સોંન્ગ ગાતો.

“નવરાત્રીનું શું પ્લાનિંગ છે...!?” કેન્ટીનમાં જોડે બેઠેલી અંકિતાએ લાવણ્યાને પૂછ્યું.

“શોપિંગ આજે પતાવી લઈશું...!” લાવણ્યા તેનાં મોબાઈલમાંથી નજર હટાવીને ગ્રૂપના બધાં સામે જોઈને બોલી “પાર્લર કાલે...!”





“હમ્મ..! અને તારો નવો બીએફ આરવ અને એનું ગ્રૂપ....!?” ત્રિશાએ ટોંન્ટભર્યા સ્વરમાં લાવણ્યા સામે તેની ભ્રમરો નચાવીને કહ્યું.

“કેટલીવાર કીધું...! કે આરવ મારો બીએફ નથી...!” લાવણ્યા સહેજ અકળાઈ છતાં શાંતિથી બોલી “હી ઈઝ જસ્ટ એ ફ્રેન્ડ...!”

“તો પછી તું એની જોડે...!”

“ત્રિશા...! બસ હવે..!” કામ્યા ત્રિશાને વચ્ચે ટોકતાં બોલી “એણે કીધુંને...! કે એનો ફ્રેન્ડ છે...! નવરાત્રિનું મૂડ ના ખરાબ કર...!”

“શોપિંગ માટે કેટલાં વાગે જવું છે...!?” કામ્યાએ લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

“લંચ પછી...!” લાવણ્યાએ ટૂંકો જવાબ આપ્યો “તમને લોકોને કોઈ વાંધો નથીને...! આરવ અને એનાં ગ્રૂપના ફ્રેન્ડ્સ આવે તો...!?”

“તું પૂછે છે કે પછી કે’ છે...!?” ત્રિશા ટોંન્ટમાં બોલી.

લાવણ્યા ચિડાઈને ત્રિશા સામે જોઈ રહી.

“નાં...! કોઈ વાંધો નથી...!” કામ્યા બોલી “એ લોકો આપડા ગ્રૂપ જોડે બેસતાંજ હોય છેને...!”

“ગ્રેટ...! તો પછી હું તમને સીધી લૉ ગાર્ડન મલીશ...!” લાવણ્યા ઊભી થઈ ગઈ અને પોતાની હેન્ડબેગ ખભે ભરાવીને બોલી “નેહા, રોનક અને પ્રેમને પણ કઈ દેજો...!”

કામ્યાએ હકારમાં માથું ધૂણાવ્યું.

લાવણ્યા કેન્ટીનમાંથી બહાર નીકળી ગઈ.

-----

“ક્યાં છે તું...!?” કેન્ટીનમાંથી બહાર નીકળી લાવણ્યાએ આરવને ફોન કર્યો.

“ઘરે...! કેમ...!?” સામે છેડેથી આરવે જવાબ આપ્યો.

“લંચ પે’લ્લાં કોલેજ આય...! તારે નવરાત્રિની શોપિંગ માટે મારી જોડે આવાનું છે...!” લાવણ્યા હકથી ઓર્ડર કરતી હોય એમ બોલી.

“અરે વાહ...! હું બસ અડધો કલ્લાકમાં આયો...!” આરવ ખુશ થઈને બોલ્યો.

“ઓકે...! હું વેઇટ કરું છું...!” લાવણ્યાએ કૉલ કટ કર્યો અને ક્લાસરૂમ તરફ ચાલી.

----

“તમે લોકો ખરેખર કશુંજ નઈ ખાઓ...!?” આરવે તેની કાર લાવણ્યાની સોસાયટીના ગેટની સામે ઊભી રાખી અને પાછલી સીટમાં બેઠેલાં લાવણ્યા અને નેહાને પૂછ્યું.





આખો દિવસ લૉ ગાર્ડન નવરાત્રિની શોપિંગ કરીને આરવ બંનેને ઘરે ઉતારવાં આવ્યો હતો. નેહાનું ઘર પણ લાવણ્યાની સોસાયટીમાં એન્ટર થતાં કોર્નર ઉપરજ હોવાથી નેહા તેમની જોડે આવી હતી.

“ના...! નવરાત્રિમાં સ્લિમ-ટ્રીમ દેખાવાં માટે બા’રનું ઓછું ખાવાનું...!”પાછલી સીટમાં બેઠેલી નેહા સ્મિત કરીને બોલી અને કારનો દરવાજો ખોલીને નીચે ઉતરવા લાગી.

“ચાલ...! ગૂડ નાઈટ...!” લાવણ્યા બોલી અને બીજી સાઈડનો દરવાજો ખોલી પોતાનાં સામાનની બેગ્સ લઈને નીચે ઉતરવાં લાગી.

“ગૂડ નાઈટ....!” આરવે કહ્યું.

“તું ઘરે નઈ આવે...!?” નેહાએ ડ્રાઇવિંગ સીટમાં બેઠેલાં આરવને નીચાં નમીને પૂછ્યું.

“નાં....! પછી ક્યારેક...!” આરવે સહેજ ધિમાં સ્વરમાં કહ્યું.

“સારું ચાલ...! બાય...!” નેહા બોલી અને કારની આગળથી નીકળી રોડ ક્રોસ કરવાં લાગી.

લાવણ્યા પણ જોડે-જોડે ચાલવા લાગી.

“કાલે મળીએ...! પાર્લરમાં જવાં માટે...!” સોસાયટીનાં ગેટમાંથી એન્ટર થતાં-થતાં નેહા બોલી અને જમણી બાજુ કોર્નર ઉપર આવેલાં પોતાનાં ઘરનાં ગેટની આગળ પેવમેંન્ટ ઉપર ઊભી રહી.

“હાં..! સારું...! બાય...!” હળવું સ્મિત આપીને લાવણ્યા બોલી અને પોતાનાં ઘર તરફ જવાં લાગી.

------

“લાવણ્યા....! તું કોનાં જોડે આવે છે...!?” પ્રેમે લાવણ્યાને પૂછ્યું.

કોલેજના ગરબામાં જવાં માટે આરવ અને લાવણ્યાના ગ્રૂપના બધાં તૈયાર થઈ ટોળુંવળીને ઊભાં હતાં. અગાઉથી નક્કી કર્યા મુજબ બધાંજ એસજી હાઇવે ખેતલાપા ટી-સ્ટૉલ ભેગાં થયાં હતાં.

“હું તો આરવની કારમાં આવું છું...!” ચણિયાચોલીમાં તૈયાર થયેલી લાવણ્યા તેનાં વાળની લટ સરખી કરતાં બોલી.

“તો તે એ લોકોનું ગ્રૂપ જોઇન કરી લીધું...એમ...!?” ત્રિશા ટોંન્ટ મારતાં બોલી.

“એકની એક વાત કેટલીવાર કઉ તને..!?” લાવણ્યા ચિડાઇને બોલી “એ મારો ફ્રેન્ડજ છે...! જેમ હું બીજાં બોયઝ જોડે બોલું છું એજરીતે...!”

“શું ફરક પડે છે...!?” પ્રેમ ત્રિશાને ધમકાવતો હોય એમ બોલ્યો “બધાંએ છેવટે તો કોલેજ ગ્રાઉંન્ડમાંજ જવાનું છેને..!?”

ત્રિશાએ મોઢું મચકોડીને આડું જોઈ લીધું.

“આ છોકરો કેટલે ર’યો....!?” કંટાળેલી લાવણ્યએ તેનાં મોબાઈલમાંથી આરવનો નંબર ડાયલ કર્યો.



“ટ્રીન...ટ્રીન.....ટ્રીન....!” આખી રિંગ વાગી જવાં છતાં આરવે ફોન ના ઉપાડયો.

“ફોન પણ નથી ઉપાડતો...! ડફોળ...!” લાવણ્યા અકળાઈ અને આમતેમ જોવાં લાગી.

આજુબાજુ ટોળુંવળીને ઉભેલા આરવ અને તેનાં ગ્રૂપના મિત્રોના કોલાહલથી કંટાળેલી લાવણ્યા બધાંથી થોડું દૂર આવીને હાઇવે નજીક એકલી ઊભી રહી.

થોડીવાર થતાં-થતાં લાવણ્યાનું મન ફાર્મહાઉસવાળી ઘટના વિષેના વિચારે ચઢી ગયું.

“તને શું લાગે છે....લાગે છે...! બધાં બોયઝ તારી જોડે શું કામ આવે છે...!?” યશનો ગંદુ સ્મિત કરતો ચેહરો અને તેનાં શબ્દોના લાવણ્યાના મનમાં પડઘા પડવા લાગ્યાં “સેક્સ ટોય છે તું...! સેક્સ ટોય છે તું....!”

પોતાની આંખો બંધ કરીને લાવણ્યાએ એ વિચારો રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો.

“લાવણ્યા...!” પ્રેમે નજીક આવતાં-આવતાં બોલાવતાં લાવણ્યાનાં વિચારો ભંગ થયાં.

“હાં....! શું...!?” વિચારોમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતાં-કરતાં લાવણ્યાએ પ્રેમ સામે જોઈને પૂછ્યું.

“બધાં જવાનું કે’છે...! પછી લેટ થઈ જશે...!” પ્રેમ બોલ્યો “અમે લોકોએ કેબ બોલાવી હતી એ પણ ક્યારની આઈ ગઈ છે...! તું અમારી જોડેજ આવતી રે’ને....! આરવનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સમાંથી પણ ઘણી ગર્લ્સ આપડી જોડે કેબમાં આવેજ છે..!”

“નઈ...! તમે લોકો જાવ...! હું આરવની જોડે આવું છું...!” લાવણ્યા બોલી અને પાછું ફરીને હાઇવે તરફ જોવાં લાગી.

“સારું...!” લાવણ્યાની આદત જાણતો પ્રેમ પાછું ફરીને ગ્રૂપનાં ફ્રેન્ડ્સ બાજુ જતો રહ્યો.

થોડીવાર પછી બધાં કેબમાં બેસીને એચ એલ કોલેજ જવાં નીકળી ગયાં. જે લોકો પોતાનું વ્હીકલ લાવ્યાં હતાં એ લોકો પણ પોત-પોતાનાં વ્હીકલ ઉપર જવાં લાગ્યાં.

“લાવણ્યા...!” આરવનાં ગ્રૂપનો એક ફ્રેન્ડ અજય પોતાનું બાઇક ઘુમાવીને લાવણ્યાની નજીક ઊભું રાખીને બોલ્યો “ચાલ....આવવું હોય તો...! હું લેતો જાવ...!”

યશ વિષે યાદ આવી જતાં લાવણ્યાનાં શરીરમાંથી એક હળવી ધ્રુજારી આવી ગઈ અને તે આકાશ સામે એકીટશે જોઈ રહી.

“મારે નથી આ’વું...!” મન મક્કમ કરી લાવણ્યા સપાટ સ્વરમાં બોલી “તું જા...!”

“અરે હું પણ કોલેજનાંજ ગરબામાં જાઉં છું...! ચાલને...!” આકાશ સહેજ ભારપૂર્વક બોલ્યો.

“નાં પાડીને એકવાર...!” લાવણ્યા સહેજ અકળાઈ અને મોટેથી બોલી “તને સમજાતું નથી...!?”

“બાપરે..! તું તો ગુસ્સે થઈ ગઈ...!” છોભીલો પડી ગયો આકાશ પોતાનું બાઇક લઈને રફુચક્કર થઈ ગયો.





“તમે લોકો આજ લાયક છો...!” લાવણ્યા પોતાનેજ સાંત્વના આપતી હોય એમ બબડી અને પાછી હાઇવે તરફ જોવાં લાગી.

“આ ગધેડો ક્યાં છે...! આખો કલ્લાક પૂરો થઈ ગયો...!” ગ્રૂપનાં બધાં ફ્રેન્ડ્સને ગયે કલ્લાકથી વધુ સમય વીતવા છતાં જ્યારે આરવ ના આવ્યો તો લાવણ્યા અકળાઈ અને ફરીવાર તેનો નંબર ડાયલ કરવાં લાગી.

ફરીવાર આખી રિંગ વાગી જવાં છતાંપણ આરવે ફોનનાં ઉઠાવ્યો.

“માર ખાશે આ છોકરો આજે મારાં હાથનો...!” ગુસ્સે થયેલી લાવણ્યા બબડી.

ધૂંઆંપૂંઆં થઈ ગયેલી લાવણ્યાનો ચેહરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. વધુ પંદરેક મિનિટ વીતી ગઈ.

“સોરી...સોરી....! આઈ એમ સો સોરી...!” આરવ ઉપર ગુસ્સે થયેલી લાવણ્યા હાઇવે તરફ મ્હોં કરીને ઊભી હતી ત્યાંજ પાછળથી આરવનો અવાજ આવ્યો.

લાવણ્યા તરતજ પાછી ફરી.

“તું...! ગધેડા...!”

“લાવણ્યા સો સોરી...! પ્લીઝ મારી વાત તો..!”

“ક્યાં હતો તું...! હેં ક્યાં હતો...!?” લાવણ્યા મોટે-મોટેથી બોલતાં-બોલતાં આરવ સામે ધસી ગઈ “કયારની ફોન કરું છું...! ફોન નથી ઉપાડતો...! આ ટાઈમ તો જો...!”

“પ...પણ..પણ....મારી વાત તો સાંભળ....!” આરવ દયામણું મોઢું કરીને બોલવા લાગ્યો.

“કયારની રાહ જોવું છું....! ભાન પડે છે કઈં...!” લાવણ્યા હવે આરવની ચેસ્ટ ઉપર ધક્કા મારવાં લાગી “બધાં જતાં રહ્યાં....! હું એકલી ક્યારની ભૂત જેવી અહિયાં કલ્લાકથી ઊભી છું....!”

“પણ...પણ...મારી વાત...!”

“બોલ..બોલ..શું બા’નું કાઢવું છે તારે...!? બોલ....!?” લાવણ્યા એજરીતે આરવની ચેસ્ટ ઉપર ધક્કા મારતાં-મારતાં બોલી.

“તું બોલવા તો દે પણ....!”

પોતાની આંખો બંધ કરી લાવણ્યાએ એક ઊંડો શ્વાસ ભર્યો અને પોતાનો ગુસ્સો કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો.

“બોલ...! જલ્દી...!” પોતાનો ગુસ્સો દબાવી રાખીને લાવણ્યા આરવ સામે આંખો મોટી કરીને બોલી.

“પે’લ્લાં તો સોરી...! હું ઘેરથીજ મોડો નીકળ્યોતો....!” આરવ બિતો-બિતો બોલ્યો.

પોતાની કમર ઉપર હાથ મૂકી લાવણ્યા ઘુરકીને તેની સામે જોઈ રહી.





“ઘેરથી લેટ નિકળાયું એટ્લે મેં અક્ષયને ફોન કરીને પુછ્યું કે તમે બધાં હજી ખેતલાપા જ છો કે પછી કોલેજ જવાં નીકળી ગયાં...!?” આરવ બાળકની જેમ ઢીલું મોઢું કરીને બોલવા લાગ્યો “તો અક્ષયે કીધું કે બધાં કોલેજ આઈ ગ્યાં...! એટ્લે મને લાગ્યું કે તું પણ બધાંની જોડે કોલેજ જતી રઈ હોઈશ....! એટ્લે હુંય કોલેજ જતો ર’યો...!”

“તું...તું...મને એકલી મૂકીને કોલેજ જતો ર’યો...! ડોબાં...! અક્કલ વગરના...!” લાવણ્યા હજીપણ એજરીતે ગુસ્સે થઈને બોલી રહી હતી.

“પણ તું શું કામ અહિયાં એકલી મારી વેઇટ કરતી’તી...!? તારે બધાં જોડે જતું રે’વું જોઈને...!?”

“હું તારી ઉપર ટ્રસ્ટ કરતી હોવ...તો તારી જોડેજ જાવને....!” બોલતાં-બોલતાં લાવણ્યાને ડૂસકું આવી ગયાં અને પોતાનું મોઢું ઢાંકીને તે રડી પડી.

“અરે પણ .....તું રોવે છે શું કામ...!?” આરવ લાવણ્યાના હાથ પકડીને બોલ્યો “હવે હું આઈ તો ગ્યો...! “

લાવણ્યા તો પણ રડતી રહી.

“સોરી યાર...! આવું રડ નઈ તું...! મને નો’તી ખબર કે તું મારી ઉપર આટલો બધો ટ્રસ્ટ કરતી હોઈશ...! કે ..કે...તું મારાં માટે આખો કલ્લાક રાહ જોવે....!”

માંડ-માંડ આરવે લાવણ્યાને મનાવી અને છેવટે બંને તેની કારમાં કોલેજ જવાં નીકળી ગયાં.

-----

કોલેજનાં ગ્રાઉંન્ડમાં મોડે સુધી નવરાત્રિનાં ગરબા ગાઈને આરવનાં અને લાવણ્યાના ગ્રૂપનાં ફ્રેન્ડસે એસજી હાઈવે ખેતલાપા ટી-સ્ટૉલ ઉપર નાસ્તો કર્યો. મોડી રાત્રે બધાં પોત-પોતાનાં ઘરે જવાં છૂટાં પડ્યાં.

“કોની જોડે વાત કરે છે...!?” કાર ડ્રાઈવ કરી રહેલાં આરવે પોતાની બાજુની સીટમાં બેઠેલી લાવણ્યાને પૂછ્યું.

આરવ લાવણ્યાને કારમાં ઘરે મૂકવા જઈ રહ્યો હતો. લાવણ્યા ક્યારની તેનો ફોન મંતરી રહી હતી.

“પાર્થ જોડે...!” લાવણ્યા પોતાની સ્ક્રીનમાં જોઈ રહી મોબાઈલ મચેડતાં કહ્યું “કાલે અમે લોકો મણિનગર ગરબા જોવાં જવાનું વિચારીએ છે...!”

“મણિનગર...!? તો તું મારી જોડે નાઈ આવે...!?” આરવે નવાઈ પામીને પૂછ્યું.

“અમ્મ...! કદાચ નઈ મેળ પડે...!” લાવણ્યાએ એક નજર આરવ સામે જોઈને પાછું મોબાઈલમાં જોઈ લીધું.

“તું હજી નારાજ છે...!?” આરવે બાળક જેવુ મોઢું બનાવીને પૂછ્યું.

“નાં...!” લાવણ્યાએ તેની સામે જોયાં વગર જવાબ આપ્યો.





“બીજું કોણ-કોણ આવે છે...!?” થોડીવારનાં મૌન પછી આરવે કાર ડ્રાઈવ કરતાં-કરતાં પૂછ્યું.

“અમ્મ...!હું....!પાર્થ...રૂપાલી....કિર્તિ...મેઘાં....નીરવ…યતીન....ભાવિકા...કદાચ....તીર્થ...” લાવણ્યા નામો બોલવા લાગી.

“આ બધાંને તો હું ઓળખતો પણ નઈ...! અને પાર્થ તો...! અ....!” કાર ચલાવતાં-ચલાવતાં આરવે ખચકાઈને લાવણ્યા સામે જોયું “એની જોડે તારાં અફેયરની વાત મેં પે’લ્લાં પણ સાંભળી છે...!”

“એ જૂની વાત છે...!” સામેની બાજુ કાંચમાંથી બહારનું દ્રશ્ય જોઈ રહીને લાવણ્યા શાંતિથી બોલી.

“તો...તો હવે શું કામ જાય છે એની જોડે...!?”

લાવણ્યાએ કોઈ પ્રતિભાવ આપ્યાં વિના કાંચની બહાર જોયે રાખ્યું. થોડીવાર સુધી મૌન થઈને આરવે કાર ચલાવે રાખી.

“તું ....એની જોડે ફિઝિકલ થઈ’તીને....!?” આરવે દયામણા મોઢે પૂછ્યું, તેની આંખ ભીંજાઇ ગઈ.

“આરવ....!” લાવણ્યાએ તરતજ છણકો કરીને તેની સામે જોયું ચિડાઈને બોલી “તને કેટલીવાર કીધું કે તું આ બધાંમાં ના પડ....!”

“તું તો ના પાડતી’તીને....કે..કે હવે તું યશ જેવાં છોકરાઓ જોડે નઈ જાય....!?”રડું-રડું થઈ ગયેલો આરવ નારાજ સ્વરમાં બોલવા લાગ્યો.

“પાર્થ યશ જેવો નથી....! એણે મારી જોડે કોઈ દિવસ જોરજોરાઈ...અ....!” આરવનું મોઢું જોઈને લાવણ્યા બોલતાં-બોલતાં થોડું અટકી પછી બોલી “અને હું અત્યારે એની જોડે ક્યાંક જતી હોઉ તો એનો મતલબ એ થોડો છે કે હું એની જોડે સેક...!”

લાવણ્યા ફરી અટકી અને આંખો બંધ કરીને ઊંડા શ્વાસ ભરવા લાગી.

“તું તો કે’તી’તી કે તને મારી ઉપર ટ્રસ્ટ છે...!” આરવ રડમસ સ્વરમાં દલીલ કરવાં લાગ્યો “એટ્લેજ તો તું મારી વેઇટ કરતી’તી...! તો હવે ટ્રસ્ટ નથી મારી ઉપર...!?”

“હું કોઈ બીજાં બોય જોડે બોલું..કે ક્યાંક જાવ...એટ્લે તારી ઉપર ટ્રસ્ટ નથી એવું કેવીરીતે કે’વાય...!?”

“તો પછી તારે એવાં છોકરાંઓ જોડે જવાનીજ શું જરૂર છે...! બોલ...!?” આરવની આંખમાં પાણી આવી ગયું.

“મને નો’તી ખબર કે તું પણ મને “એવીજ” ગણે છે...!” આરવ સામે જોઈ લાવણ્યા વ્યંગ કરતાં બોલી.

ભીની આંખે ઢીલું મોઢું કરીને આરવ ચૂપચાપ કાર ચલાવી રહ્યો. ચિડાયેલી લાવણ્યા તેની સામે જોઈ રહી.





“અને એમપણ....! તારે શું લેવાં-દેવાં...!? હું ગમે તે કરું...!? ગમે તેની જોડે જાવ..!?તું મારો બોયફ્રેન્ડ છે...!?” સહેજ ચિડાઈને લાવણ્યા મોટેથી બોલી.

“તું કઈં ખોટું કરતી હોવ...! તો તને રોકવાં માટે તારો બોયફ્રેન્ડ બનવું જરૂરી છે...!?” આરવ વેધક સ્વરમાં બોલ્યો “એક બેસ્ટફ્રેન્ડ પોતાની બેસ્ટફ્રેન્ડને ખોટું કરતાં ના રોકી શકે..!? બીજાં બધાં બોયઝ તને ગમે એવીરીતે તારી ખુશામત કરે.... એટ્લે મારે પણ એજરીતે તારી ખુશામત કરે જવાની...!? બોલ...!?”

“પણ હું ક્યાં કશું ખોટું કરી રહી છું...!? મારાં ફ્રેન્ડ્સની જોડેજ તો જઈ રઈ છું...!”

“તો પછી મને પણ જોડે લઈજા...!” આરવ નાનાં બાળકની જેમ જિદ્દ કરતો હોય બોલ્યો.

“આરવ...! તું...! તું શું કામ આવું બિહેવ કરે છે...!?” લાવણ્યા તેનું માથું દબાવાતી બોલી.

“તું કઈં ખોટું ના કરતી હોય તો...તો..મને લઈ જવામાં શું વાંધો છે તને...!?”

“આરવ...! બસ હવે...! તું મારી ઉપર આ રીતે ડાઉટ કરે છે...!? તું..!”

“ના...! હું કઈં ના જાણું...! મને લઈજા એટ્લે લઈજા...! બસ..!”આરવ હવે સાવ બાળકો જેવી જીદ્દે ચઢ્યો.

“શું થયું છે આજે તને..!?” લાવણ્યા છણકો કરીને બોલી “મારે હવે આ ટોપીક ઉપર કોઈ વાત નથી કરવી...!”

“તો તું મને નઈ લઈ જાય...!?”

“ના...!” લાવણ્યાએ ફરીવાર છણકો કર્યો અને પછી આરવ સામે જોઈ રહી.

આરવ કાર ચલાવતાં-ચલાવતાં તેની ભીની આંખો લૂંછવાં લાગ્યો. આરવને આંખો લૂંછતો જોઈને લાવણ્યાને તેની ઉપર દયા આવી ગઈ અને ધીરે-ધીરે તેનો ગુસ્સો ઉતરવાં લાગ્યો.

“આમજો મારી સામે....!” લાવણ્યાએ પ્રેમથી કહ્યું.

નારાજ થયેલો આરવ તોપણ તેણી સામે જોયાં વિના કાર ડ્રાઈવ કરતો રહ્યો.

“આરવ...! હની....! આમ સામે જો મારી....!”

“તારી સોસાયટી આઈ ગઈ...!” લાવણ્યાની સોસાયટીનાં ગેટની સામે કાર ઊભી રાખતાં આરવે નારાજ સૂરમાં લાવણ્યા સામે જોયાં વિના કહ્યું.

“આ છોકરોતો સાવ મૂરઝાઈ ગ્યો...!” આરવના સાવ ઉતરી ગયેલાં ચેહરા સામે જોઈને લાવણ્યા મનમાં બબડી.

“આરવ.....! હની....!” આરવના વાળમાં પ્રેમથી હાથ ફેરવીને લાવણ્યા બોલી “મારી સામે તો જો...!”

“તું મારાં માટે આવાં ફાલતું છોકરાંઓ જોડે જવાનું બંધ ના કરી શકે...!?” દયામણું મોઢું કરીને આરવ લાવણ્યા સામે જોઈ રહ્યો.





“આરવ...! હની....! એકની એક વાત મારે તને કેટલીવાર કે’વાની...!? જો હું બદલાવા ઇચ્છતી હોત....! તો હું ક્યારની બદલાઈ ગઈ હોત....!”

નારાજ આરવે તેનું માથું હલાવીને લાવણ્યાનો હાથ પોતાનાં વાળ ઉપરથી દૂર કર્યો.

લાવણ્યા આરવના નારાજ ચેહરા સામે જોઈ ઢીલું મોઢું કરીને જોઈ રહી.

“હું આવીજ છું આરવ.....!” લાવણ્યા ઉદાસ સ્વરમાં બોલી “તું મને એવીજ એકસેપ્ટ કરી શકતો હોય તો એકસેપ્ટ કરીલે...!”

ગળગળા સ્વરમાં એટલું બોલીને લાવણ્યા કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. રોડ ક્રોસ કરીને લાવણ્યા પોતાની સોસાયટી તરફ ચાલવા લાગી.

“તું મારાં માટે આવાં ફાલતું છોકરાંઓ જોડે જવાનું બંધ ના કરી શકે...!? બંધ ના કરી શકે...!?”

“તું ....એની જોડે ફિઝિકલ થઈ’તીને....!?”

“તારે એવાં છોકરાંઓ જોડે જવાનીજ શું જરૂર છે...!”

લાવણ્યાનું મન આરવની વાતોનાં વિચારોમાં ખોવાઈ ગયું.

ઘરે આવ્યાં પછી પણ મોડી રાત સુધી લાવણ્યા આરવના વિચારોમાં ખોવાયેલી રહી. બેડ ઉપર પડે-પડે તે છત ઉપર ફરી રહેલાં પંખાને ક્યાંય સુધી તાકતી રહી. નારાજ આરવને મનાવવાં તેણીએ ફોન અને મેસેજ પણ કરી જોયાં. જોકે આરવે એકેય ફોન કે મેસેજનો રિપ્લાય ના આપ્યો.

------

“તારે કઈં ખાવું-પીવું છે...!?” ગરબાનાં ક્રાઊડ તરફ જોઈ રહેલી લાવણ્યાને પાર્થે પૂછ્યું.

ત્યારપછીનાં નોરતે લાવણ્યા પાર્થ, રૂપાલી, મેઘાં વગેરે સાથે મણિનગરના એક પાર્ટીપ્લૉટમાં ગરબા ગાવાં માટે આવી હતી. પાર્થ, રૂપાલી વગેરે લાવણ્યાનાં કોલેજનાંજ ફ્રેન્ડ્સ હતાં. જોકે લાવણ્યાનાં આ મિત્રો તેનાં ગ્રૂપનાં નહીં પણ અન્ય ગ્રૂપનાં હતાં. બધાંજ મોટેભાગે ઉચ્ચ મધ્યમવર્ગનાં પૈસાંદાર પરિવારમાંથી આવતાં, એટ્લેજ લાવણ્યાને કોલેજનાં પ્રથમ વર્ષમાં તેમની જોડે ફાવી ગયું હતું. પાર્ટીઓ કરવી, સિગારેટ પીવી, ડ્રિંન્ક કરવું, ફૂલ સ્પીડે કાર કે બાઇક ચલાવીને સ્ટંટ કરવાં વગેરે જેવાં “નવાબી” શોખ તેમનાં માટે કોઈ નવી વાત નો’તી. લાવણ્યા પણ પોતે પણ આ બધી “એક્ટિવિટીઝ” ભાગ લેતી.

“ક્યાં ખોવાઈ ગઈ...!?” આરવનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ કોઈ જવાબ નાં આપતાં પાર્થે તેણીનાં ચેહરા આગળ ચપટી વગાડીને ફરીવાર પૂછ્યું.

“હેં .....!? શું...!?” લાવણ્યાનાં વિચારો જાણે ભંગ થયાં હોય એમ તે બોલી “સોરી....! મ્યુઝિક બઉ લાઉડ છે...! એટ્લે ના સંભળાયું....!”

“સાડાં બાર થવાં આયાં છે....! ક્યાંક જવું છે...! ખાવાં માટે....!?” પાર્થ લાવણ્યા સામે સ્મિત કરીને તેની આઈબ્રો નચાવીને ડબલ મિનિંગ સેન્ટેન્સ બોલ્યો “મનેતો “ભૂખ” લાગી છે...!”

“મ્મ....મારે ઘરે જવું છે...!” લાવણ્યાને અચાનકજ યશ યાદ આવી જતાં તે ગભરાઈ ગઈ અને પાછી ફરીને ચાલવા લાગી.



“અરે શું થયું....!? મેં કઈં ખોટું કીધું...!?” પાર્થ લાવણ્યાની પાછળ-પાછળ આવવાં લાગ્યો.

નવરાત્રિનાં ગરબાનાં લાઉડ મ્યુઝિકમાં સાંભળી શકાય એટ્લે પાર્થ મોટેથી બોલી રહ્યો હતો.

“એવું કઈં નથી....! મારે મોડું થાય છે...!” વાત ટાળીને લાવણ્યા પાર્ટી પ્લૉટની બહાર નીકળવાં લાગી.

“અરે પણ ઊભી તો રે’…!” પાર્થે પાછળથી લાવણ્યાઆનો હાથ પકડીને ખેંચી.

“પાર્થ....! હાથ છોડ...!” લાવણ્યાએ એક ઝટકા સાથે પોતાનો હાથ ખેંચી લીધો અને ગુસ્સે થઈને બોલી “આ ભીડ જોવે છે...!?”

ગરબાનાં ક્રાઉડ તરફ હાથથી ઈશારો કરીને લાવણ્યા આગ ઝરતી આંખે બોલી “મને હાથ પણ લગાડ્યો છે...! તો તારી ખેર નથી સમજયો...!”

“અ...અરે....રિલેક્સ...લાવણ્યા...! હું તો જસ્ટ...!”

“ચૂપ થા....!” લાવણ્યાએ પાર્થ સામે હાથ કરીને કહ્યું “કોઈ મારી ઉપર જોરજોરાઈ કરે...! એ મને પસંદ નથી....! પછી એ કોઈપણ વાતને લઈને કેમ નાં હોય....!”

આંખો મોટી કરીને લાવણ્યા પાર્થ સામે જોઈ રહી.

“મારી પાછળ આવાની કોઈ જરૂર નથી....!” લાવણ્યા એજરીતે ધમકાવતી હોય એમ બોલી “હું મારી જાતે ઘરે જતી રઈશ....!”

ઉતાવળા પગલે લાવણ્યા પાર્ટીપ્લૉટમાંથી બહાર નીકળી ગઈ.

-----

“આરવ....! ક્યાં છે તું....!?”પાર્ટી પ્લૉટની બહાર રસ્તાની પેવમેંન્ટ ઉપર ઊભાં-ઊભાં બબડતી લાવણ્યા પોતાનાં ફોનમાં આરવનો નંબર કાઢવાં લાગી.

“ઓહ...! એનોજ મેસેજ છે...!?” પોતાનાં whatsappમાં આરવનાં મેસેજની નોટિફિકેશન જોઈને લાવણ્યા બબડી.

“વિડીયો લાગે છે...!”આરવનો મેસેજમાં ઓપન કરીને લાવણ્યા બબડી અને આરવે મોકલેલા વિડીયોને ડાઉનલોડ કર્યો “આઠ વાગ્યાનો મેસેજ છે...!”

મેસેજની નીચે ટાઈમ જોઈને લાવણ્યા બબડી. વિડીયો ડાઉનલોડ થઈ જતાં લાવણ્યાએ વિડીયો “પ્લે” કર્યો.

“દિલ કા દરિયાઆ....! બેહ હી ગયાં.....!

ઈશ્ક ઈબાદત બન હી ગયાં....!”

વિડીયોમાં આરવ ફૂડટ્રક પાર્કનાં સ્ટેજ ઉપર બેસીને ગિટાર વગાડતો વગાડતો સોંન્ગ ગાઈ રહ્યો હતો.

“હે ભગવાન....! આજે તો સેટર ડે હતો....!” લાવણ્યા યાદ કરીને બબડી “હું તો ભૂલીજ ગઈ...!”



દરેક વિકેન્ડ તે આરવ સાથે ફૂડ ટ્રક પાર્કમાં જતી હતી જ્યાં તે સોંન્ગ ગાઈ રહેલાં આરવને ચીયર કરતી. જોકે પાર્થ વગેરે સાથે ગરબા માટે આવાની લ્હાયમાં સેટરડે હોવાં છતાં લાવણ્યા આરવ સાથે જવાનું ભૂલી ગઈ.

“ખુદ કો મુઝેએ.... તું સોંપ દે....!

મેરી ઝરૂ....રત....તું બન ગયાંઆ....!

બાત દિલકીઈ.....નઝરોને કી...!

દિલ હૈ ટૂટાં....! ટૂટે હૈ હમ્મ....મ્મ...!

તેરે બિન અબ...નાં લેંગે એકભી દમ મ્મ..મ્મ...!

તુઝે કિતનાં ...ચાહને લગે હમ્મ...મ્મ....!”

વિડીયોમાં આરવ ભીની આંખે સોંન્ગ ગાઈ રહ્યો હતો. તેની નજર વિડીયો રેકોર્ડ કરનાર કેમેરાં તરફજ હતી, જાણે તે લાવણ્યા માટેજ ગાઈ રહ્યો હોય એવું તેણીને લાગ્યું.

“તેરે સાથ...હો જાયેંગે ખતમ મ્મ...મ્મ....!

તુઝે કિતનાં ...ચાહને લગે હમ્મ...મ્મ....!

તુઝે કિતનાં ...ચાહને લગે હમ્મ...મ્મ....!”

“ઓહ હની....!” આખું સોંન્ગ પૂરું થતાં-થતાં લાવણ્યાની આંખ પણ ભીની થઈ ગઈ.

Whatsapp બંધ કરી લાવણ્યાએ આરવનો નંબર ડાયલ કર્યો.

“પ્લીઝ ફોન ઉપાડ....! ફોન ઉપાડ....!” પૂરી રિંગ વાગી જવાં છતાં આરવે ફોન ના ઉઠાવ્યો.

લાવણ્યાએ ફરીવાર નંબર ડાયલ કાર મોબાઈલ પોતાનાં કાને ધર્યો.

“હેલ્લો....!” છેવટે આરવે ફોન ઉપાડયો.

“આરવ....! હની...! ક્યાં છે તું...!?” લાવણ્યા ઉચાટભર્યા સ્વરમાં બોલી “મને જરૂર છે તારી....! પ્લીઝ મને લેવાં આયને...!”

“તું ક્યાં ઊભી છે...!?” સામેથી આરવે રુક્ષ સ્વરમાં પૂછ્યું.

“પાર્ટીપ્લૉટની બા’ર....! રોડની પેવમેંન્ટ ઉપર..! તું આઈશ મને લેવાં....!?” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી.

આરવે કોઈ જવાબ ના આપ્યો. મોબાઈલ કાનમાં સહેજ વધુ દબાવીને લાવણ્યા ઊંચા જીવે આરવનાં આન્સરની રાહ જોઈ રહી.

“આર...!” લાવણ્યા કઈં બોલે એ પહેલાંજ તેની સામે એક કાર આવીને ઊભી રહી.

નીચાં નમીને કારની અંદર જોયું.





“આરવ....!?” આશ્ચર્યથી આંખો મોટી કરીને લાવણ્યાએ કારનો દરવાજો ખોલ્યો અને આરવની બાજુની સીટમાં બેસી ગઈ.

“તું...તું... આટલો જલ્દી કેમનો આઈ ગ્યો....!?” આરવને જોઈને લાવણ્યા ખુશ થઈને સ્મિત કરતાં બોલી.

“હું નજીકમાંજ હતો....!” લાવણ્યા સામે જોયાં વગર આરવ એજરીતે રુક્ષ સ્વરમાં બોલ્યો અને સામે જોઈને કાર ચલાવા લાગ્યો.

“ઓહ...! મને એમ તું કદાચ ફૂડ ટ્રક પાર્કમાંજ હોઈશ....!”

કશુંપણ બોલ્યાં વગર આરવે કાર ચલાવે રાખી. કેટલીક ક્ષણો સુધી લાવણ્યાએ આરવ સામે જોયે રાખ્યું.

“બવ મસ્ત સોંન્ગ ગાયું’તું તે...હોં...! મેં વિડીયો જોયો....!” આરવનું મન ડાઈવર્ટ કરવાંનો પ્રયત્ન કરતાં લાવણ્યા બોલી “સોરી....હું ભૂલી ગઈ’તી.....કે આજે સેટરડે છે...!”

“કોઈ વાંધો નઈ...!” લાવણ્યા સામે જોયાં વિના આરવ ભાવવિહીન સ્વરમાં બોલ્યો અને કાર ચલાવે રાખી.

“કેવીરીતે મનાવું તને....!?” આરવનાં નારાજ ચેહરા સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી.

“અમ્મ....! ફૂડ ટ્રક પાર્ક હજીપણ ખુલ્લું હશેને...!?”ત્યાં જઈએ અને પછી મસ્ત કઈંક ખાઈએ...! મને તો બવ ભૂખ...!”

“આપડે સીધાં ઘરેજ જઈશું....!” એક નજર લાવણ્યા સામે જોઈને આરવ રુક્ષ સ્વરમાં વચ્ચે બોલ્યો અને પાછું સામે જોઈ કાર ચાલાવાં લાગ્યો “ઓલરેડી બવ લેટ થઈ ગ્યું છે....!”

કેટલોક સમય કાર ચલાવી રહેલાં આરવના ઉદાસ ચેહરા સામે જોઈ રહ્યાં બાદ લાવણ્યાએ એક ઊંડો નિ:સાસો ભરી સામે જોવાં માંડ્યુ. છેક લાવણ્યાની સોસાયટીના નાકે પહોંચવાં સુધી બંને વચ્ચે કોઈ વાતચિત ના થઈ. આરવની નારાજગીને લીધે લાવણ્યાએ પણ કશું કહેવાનું ટાળ્યું.

“તારી સોસાયટી આઈ ગઈ...!” લાવણ્યાની સામે જોયાં વગર આરવે કાર તેણીની સોસાયટીના ગેટની સામે ઊભી રાખતાં કહ્યું.

ઉદાસ ચેહરે લાવણ્યા આરવના નારાજ ચેહરા સામે જોઈ રહી. હજીપણ આરવ લાવણ્યા સામે જોઈ નહોતો જોઈ રહ્યો.

“હજી નારાજ છે મારાંથી...!?” લાવણ્યાએ આરવના વાળમાં વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું.

“જઈ આવી તું પાર્થ જોડે...!?” લાવણ્યાનો હાથ તરતજ હટાવીને આરવ વેધક સ્વરમાં બોલ્યો.

“જઈ આવી” એટ્લે...!?” આરવે વેધક વ્યંગમાં બોલેલાં એ શબ્દોએ જાણે લાવણ્યાનું હ્રદય ચીરી નાંખ્યું હોય એમ તે તરતજ રડી પડી તેનો સ્વર રુંધાઈ ગયો “આવ...આવું ....શું કામ બોલે છે....!?”





“તો શું બોલું....!?” આરવ ચિડાઈને સહેજ મોટેથી બોલ્યો.

“એવું ક.ક..કઈં નઈ થયું...! તું..તું....મારાં વિષે આવુંજ વિચારે છે....! ?” લાવણ્યા ડૂસકાં ભરતાં-ભરતાં બોલી.

“બધાં એવુંજ વિચારે છે તારા વિષે....!” આરવ એજરીતે મોટે-મોટેથી બોલી રહ્યો હતો.

“તું....તો ...મારો બેસ્ટ ફ્રેન્ડ છે....! તો પણ તું આ..આવું વિચારે છે...!?”

“બેસ્ટ ફ્રેન્ડ...!? બેસ્ટ ફ્રેન્ડ....!?” આરવનો સ્વર હવે વધુ કટાક્ષમય થયો “તું બેસ્ટફ્રેન્ડ માનતી હોત તો..તો..તું એની જોડે ગઈજ ના હોત...!”

“તું મને બેસ્ટફ્રેન્ડ માનતો હોય તો...તો...તો...મારી ઉપર ટ્રસ્ટ કેમ નઈ કરતો...!?”

“તું પોતાનાં બેસ્ટફ્રેન્ડની ખુશી માટે આટલું ના કરી શકી....!? બોલ...!?” આરવ રડું-રડું થઈ ગયો.

“આરવ...! હની...! તું...!” લાવણ્યાથી ડૂસકું ભરાઈ ગયું અને તેણે પ્રેમથી આરવના ગાલ ઉપર હાથ મૂક્યો.

“મને ના અડીશ....!” આરવે એક ઝટકાથી લાવણ્યાનો હાથ પોતાનાં ગાલેથી દૂર કર્યો.

“આરવ..!” રડી રહેલી લાવણ્યા આરવના ચેહરા ઉપર પોતાનાં માટે અણગમાં ભાવ જોઈને હેબતાઈ ગઈ અને વધું જોરથી ડૂસકાં ભરવાં લાગી “આવું....આવું...કેમ કરે છે...!?”

“ તું...તું..મ્મ...મને સાવ એવી ગ...ગણે છે....!? બ..બોલ....!?” લાવણ્યએ માંડ-માંડ પૂછ્યું.

કંઈપણ બોલ્યા વગર આરવ એવાંજ અણગમાથી લાવણ્યા સામે જોઈ થોડીવાર રહ્યો પછી તેણે મોઢું ફેરવી લીધું.

લાવણ્યા પણ ડૂસકાં ભરતી-ભરતી તેની સામે જોઈ રહી.

“સારું....! ક....કોઈવાંધો નઈ...! હું જાવ છું....!” સીટમાં પાછાં ફરીને લાવણ્યાએ કારનો દરવાજો ખોલ્યો અને ફરી આરવ સામે જોઇને બોલી “તું...મ...મને એવી..એવી નાં ગણતો હોય ત...તોજ મારી જોડે વાત કરજે અવે...! મમ્મ...મારી ઉપર ટ્રસ્ટ હોય....! તો....તો...તો જ મને બોલાવજે...! હું...જાવ છું....! ટ્રસ્ટ હોય...તો...તો મને રોકી...રોકી લેજે....! સોસાયટીના ગેટ સુધી પોં’ચતા પે’લ્લાંજ રોકી લેજે....! ટ્રસ્ટ ના હોય...તો...તો...મને ના રોકતો...જવાં દેજે...!”

એકાદ ક્ષણ માટે આરવના ચેહરાના ભાવો વાંચવા લાવણ્યા અટકી તે હજીપણ લાવણ્યા સામે નહોતો જોઈ રહ્યો.

“મને રોકી લેજે...! પ્લીઝ મને રોકી લેજે....!” લાવણ્યા આરવ સામે જોઈ રહીને મનમાં બબડી.

વધુ કેટલીક ક્ષણો આરવ સામે જોઈ રહ્યાં બાદ લાવણ્યા કારમાંથી નીચે ઉતરી ગઈ અને પોતાની સોસાયટીનાં ગેટ તરફ ચાલવાં લાગી.

“રોકીલેને...! મને રોકી લે પ્લીઝ....!” સોસાયટીના ગેટ તરફ જતાં-જતાં લાવણ્યા મનમાં બબડી. તે હજીપણ ડુસકા ભરી-ભરીને રડી રહી હતી.



રોડ ઓળંગીને લાવણ્યા છેવટે સોસાયટીના ગેટ પાસે પહોંચવા આવી.

“રોકતો કેમ નઈ ....!?” છેક ગેટ સુધી પહોચ્યાં સુધી લાવણ્યા મનમાં એજ ઈચ્છતી રહી કે આરવ એને રોકીલે.

ગેટની અંદર પ્રવેશતાં પહેલાં લાવણ્યાએ અટકી અને પાછાં ફરી આરવ સામે જોયું. કારની ડ્રાઈવીંગ સીટમાં બેઠેલો આરવ હજીપણ લાવણ્યાની સામે જોવાની જગ્યાએ સામેની બાજું જોઈ રહ્યો હતો.

“તને ટ્રસ્ટ નઈ મારાં ઉપર....! ટ્રસ્ટ નઈ ..!” ડુસકાં ભરતી ભરતી લાવણ્યા મનમાં બબડી અને છેવટે આગળ જોઈને ગેટમાં પ્રવેશી ગઈ.

“તને ટ્રસ્ટ નથી મારાં ઉપર આરવ....! તને ટ્રસ્ટ નથી...!” મનમાં બબડતી-બબડતી લાવણ્યા સોસાયટીમાં પોતાનાં ઘર તરફ જવાં લાગી.

“તું મને “એવીજ” ગણે છે....! “એવીજ” ગણે છે....!” પોતાની વહી રહેલી આંખો લુંછતાં- લુંછતાં લાવણ્યાએ પોતાનું મન કઠણ કર્યું અને રડવું રોકવાં પોતાનો ચેહરો સખત કર્યો.

“એ મને “એવીજ” ગણે છે...!”

.....“એવીજ” ગણે છે...!”

મનમાં વિચારતાં-વિચારતાં લાવણ્યાએ પોતાની ચાલવાની ઝડપ વધારી દીધી.

------

ઘરે આવીને પણ કપડાં બદલ્યાં વગરજ લાવણ્યાએ બેડમાં પડતું મૂકી દીધું. મોડી રાત સુધી લાવણ્યા રડતીજ રહી અને આરવ અને તેણે કહેલી વાત વિષે વિચારતી રહી. આરવ ફોન કરશે એવી આશાએ લાવણ્યાએ ક્યાંય સુધી લાવણ્યા તેનાં ફોનની સ્ક્રીન સામે જોતી રહી. આમ છતાં આરવે એકેયવાર ના તો ફોન કર્યો ના તો એનો કોઈ મેસેજ આવ્યો. આરવનાં ફોન/મેસેજની રાહ જોતી લાવણ્યાની આંખો મોડી રાત્રે ઘેરાવાં લાગી અને છેવટે તે સૂઈ ગઈ.

-----

“લાવણ્યા...!? લાવણ્યા....!?” મૂડલેસ લાવણ્યા બીજાં દિવસે સવારે કોલેજ કેન્ટીન તરફ જઈ રહી હતી ત્યારે અંકિતાએ તેણીને પાછળથી બોલાવી.

આરવનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ જોકે સાંભળ્યું નહીં અને કોરિડોરમાં શૂન્યમનસ્ક ચાલતી રહી.

“અરે ક્યાં ખોવાયેલી છે...!?” ઉતાવળા પગલે જોડે આવીને અંકિતાએ લાવણ્યાનાં ખભે ટપલી મારતાં પૂછ્યું.

“શ...શું...!?” લાવણ્યા વિચારોમાંથી બહાર આવતી હોય એમ બોલી.

“કોની જોડે જઈ આવી ગઈ કાલે...!?” અંકિતાએ આંખો નચાવીને પૂછ્યું.

“તમે બધાએ મને સમજી શું રાખી છે...!?” લાવણ્યા છંછેડાઈ ગઈ “હું ગમે ત્યાં જાવ....! તારે શું પંચાત...!?”



“અરે હું તો ખાલી એમજ પૂછતી’તી....!” અંકિતા મોઢું બગાડીને બોલી “તું ગઈકાલે કોલેજનાં ગરબામાં નો’તી આવી એટ્લે...!”

“મને ખબર છે તમે લોકો મને કેવી ગણો છો....!” લાવણ્યા હજીપણ ચિડાયેલી હતી “હું એવીજ છું...! અને હું એવીજ રે’વાની...! તમને ગમે કે ના ગમે...!”

“શું બોલે છે તું....!? શેની વાત કરે છે...!? અને આટલાં ઘાંટા શું કામ પાડે છે...!?” અંકિતા પણ હવે ચિડાઈ.

ઊંડા શ્વાસ ભરી રહેલી લાવણ્યા અંકિતા સામે તાકી રહી. તેણી સામે આરવનો ચેહરો તરવરી ઉઠ્યો.

“એ પણ મને એવીજ ગણે છે...!” લાવણ્યાનું મગજ તપી ઉઠ્યું અને તે મનમાં બબડી.

પગ પછાડતી લાવણ્યા છેવટે કોલેજ કેન્ટીન તરફ ચાલવા માંડી.

----

“યાર આરવ વગર કેન્ટીનમાં જાણે સન્નાટો છવાઈ ગયો હોય એવું લાગે છે...! નઈ...!?” અક્ષયે પોતાની જોડે બેઠેલી આકાંક્ષાને પૂછ્યું.

કેન્ટીનમાં આરવના ગ્રૂપના ફ્રેન્ડ્સ ટોળુંવળીને બેઠાં હતાં. હમેશાં ધમાલ-મસ્તી કરતું આરવનું ગ્રૂપ તેની ગેરહાજરીમાં ચૂપચાપ બેઠું હતું. બધાંજ પોતપોતાનાં ફોન મંતરી રહ્યાં હતાં.

“હાં....યાર....! કોઈ મૂડજ નથી આવતો...!” આકાંક્ષાએ નિ:સાસો નાંખતાં કહ્યું.

બાજુના ટેબલ ઉપર બેઠાં-બેઠાં બૂક વાંચી રહેલી લાવણ્યા આરવના ગ્રૂપની વાતો સાંભળી રહી હતી. બૂક વાંચવાનો ડોળ કરી રહેલી લાવણ્યાનું મન આરવનાંજ વિચારોમાં ઘેરાયેલું હતું. આરવના ગ્રૂપની વાતો સાંભળીને તેનું મન વધુ વિચારે ચઢી ગયું.

“પણ એ ગયો છે ક્યાં...!?”આકાંક્ષાએ અક્ષયને પૂછ્યું’ને લાવણ્યાએ ફરી તેમની વાતો તરફ ધ્યાન આપ્યું.

“શું ખબર...!?”અક્ષયે તેનાં ખભાં ઉછાળ્યા “એ ક્યાં કોઈ દિવસ કે’છે....! કે પછી ફોન મેસેજ પણ કરે છે....!”

“મને પણ ફોન ના કર્યો....! કે મેસેજ પણ ના કર્યો...!” અક્ષયની વાત સાંભળી લાવણ્યા મનમાં બબડી “આવાંદે એને.....! આ વખતે એની ખબર લઈ નાંખું....!”

“એણે મને રોકી પણ નઈ....! રોકી નઈ તો કઈં નઈ ....ફોન કે મેસેજ પણ ના કર્યો....! અને પાછો બેસ્ટ ફ્રેન્ડ કે’છે....! ગધેડો...!”

એકલી બેઠાં-બેઠાં લાવણ્યા ક્યાંય સુધી આરવ ઉપર ગુસ્સે થઈને વિચારતી રહી.

------







“આખો દિવસ પૂરો થઈ ગયો...! અને આ છોકરાંએ ના તો મેસેજ કર્યો ના તો ફોન કર્યો...!” સાંજે પોતાનાં ઘરે આવી ફ્રેશ થઈને બાલ્કનીમાં ઊભાં-ઊભાં લાવણ્યા વિચારી રહી હતી.

“આમ તો જો હું નારાજ હોઉં તો મને મનાવાં માટે આખો દિવસ ફોન કે મેસેજો કર્યા કરતો હોય છે...! વાંદરો....! હુંહ...!”

“હુંય નઈ કરું એને ફોન કે મેસેજ...! હુંહ...” મનમાં બબડતી લાવણ્યાએ મોઢું મચકોડયું અને પાછી બેડરૂમમાં આવી ગઈ.

“આજે ગરબાનું કોઈ મૂડ નથી....! બધાંને મેસેજ કરીને ના પાડી દઉં...!” મનમાં વિચારી લાવણ્યાએ પોતાનાં ગ્રૂપના ફ્રેન્ડ્સને whatsappમાં મેસેજ કરીને ગરબામાં જવાની ના પાડી દીધી.

ફોન વાઈબ્રેટ મોડ ઉપર કરીને લાવણ્યાએ બેડ ઉપર લંબાવી દીધું.

------

ત્યારપછીનાં દિવસો પણ લાવણ્યા આરવનાં કોલેજ આવાની કે પછી તેનાં ફોન અને મેસેજની પણ વેઇટ કરતી રહી. જોકે નવરાત્રિ પૂરી થઈ ગઈ હોવાં છતાં, નાં આરવ આવ્યો કે નાં તેનો ફોન કે મેસેજ આવ્યો. જેમ જેમ દિવસો વિતતા ગયાં તેમ-તેમ આરવ વિના લાવણ્યાનો જીવ રઘવાયો થવાં લાગ્યો. નવરાત્રિમાં ગ્રૂપનાં મિત્રોનું મન રાખવાં લાવણ્યા ગરબા ગાવાં તો જતી પણ મન વગરની.

“આ છોકરો તો આજે પણ નઈ આયો...!”

“અરે તે નેહાને જોઈ....!?” કેન્ટીનમાં આવતાંવેંતજ પ્રેમે લાવણ્યાનાં વિચારો ભંગ કરતાં કહ્યું.

“તને હું એની સેક્રેટરી દેખાઉ છું...!?” લાવણ્યાએ ઉદ્ધત સ્વરમાં કહ્યું.

“અરે મારે એને એસાઈનમેંન્ટ આપવાનું છે..! એટ્લે....!” લાવણ્યાનાં ગુસ્સાંથી ડરી ગયેલાં પ્રેમે ઢીલા મોઢે કહ્યું અને ત્રિશાની બાજુની ચેયરમાં બેઠો.

ત્રિશા કાનમાં ઇયરફોન નાંખીને સોંગ સાંભળી રહી હતી.

“નેહા કોઈ ફંક્શનમાં ગઈ છે.....!” ત્રિશાની બીજી બાજુ બેઠેલાં રોનકે કહ્યું “બે-ત્રણ દિવસથી નથી આવતી....!”

“આરવ પણ નઈ આવતો...!” લાવણ્યા મનમાં બબડી અને વિચારે ચઢી ગઈ.

-----

“અક્ષય....! અક્ષય....!” કેન્ટીનમાંથી બહાર નીકળી રહેલાં આરવનાં ખાસ ફ્રેન્ડ અક્ષયની પાછળ-પાછળ લાવણ્યા ઉતાવળાં પગલે આવતાં બોલી “આરવ....અ...આરવ કોલેજ કેમ નઈ આવતો..!?”

“એ કોઈ કામ માટે ગામડે ગ્યો છે...!” અક્ષયે કહ્યું અને ચાલવા લાગ્યો.

“એ...ક્યારે આવનો છે...!?” તેની પાછળ જતાં-જતાં લાવણ્યાએ ઉચાટભર્યા સ્વરમાં પૂછ્યું.





“ખબર નઈ...!” અક્ષયે ખભાં ઉછળીને કહ્યું “છેલ્લે વાત થઈ ત્યારે એવું કે’તો તો કે થોડાં દિવસ લાગશે …..!”

“વાત થઈ એટ્લે...!?” લાવણ્યાને નવાઈ લાગી “એનો ફ....ફોન કે મ...મેસેજ આયો તો...!? એનો ફોન ચાલું છે...!?”

“હાસ્તો ચાલુંજ છેને...! એણે સામેથીજ મને ફોન કર્યો’તો....!” અક્ષય બોલ્યો “અને અમારે રોજે મેસેજમાં વાત થાય જ છે....!”

“મને તો એકેયવાર ફોન ના કર્યો...!” લાવણ્યા ઢીલી થઈ ગઈ અને મનમાં બબડી “મેસેજ પણ નઈ કરતો...!”

“બધાંને ફોન અને મેસેજ કરાય....!” મનમાં બબડતી લાવણ્યાની આંખ હવે વધુ ભીની થઈ “પોતાની બેસ્ટફ્રેન્ડને મેસેજ નાં કરાય....! હું નારાજ છું તો...તો...મને મનાવી લીધી હોત....!”

“મારાં વ...વિષે પ...પૂછતો’તો એ...!?” લાવણ્યા હવે ભાવુક થઈ ગઈ.

“નાં રે...!” અક્ષયે મોઢું મચકોડીને કહ્યું.

“એટ્લે....એ..એ...મને “એવીજ” ગણે છે....!” લાવણ્યાની આંખ ભીની થવાં લાગી “એટ્લેજ મારાંથી દૂર જતોર્યો અને મારી જોડે વાત પણ નઈ કરતો....!”

“પણ તું આરવ વિષે કેમ પૂછે છે...!?”વિચારોમાં ખોવાઈ ગયેલી લાવણ્યાને અક્ષયે આંખ ઝીણી કરીને પૂછ્યું

“ન..નઈ એમજ પૂછું છું....!” લાવણ્યાએ પરાણે જવાબ આપ્યો અને પાછું ફરીને ચાલવા લાગી.

મૂડ ઑફ થઈ જતાં લાવણ્યા લંચ પછી ઘરે આવીને રૂમમાં ભરાઈ ગઈ. આરવનાં મેસેજ અને ફોનની રાહ જોઈ-જોઈને થાકેલી લાવણ્યાએ તેનાં ફોનમાં whatsappમાં આરવનો નંબર કાઢ્યો અને તેને મેસેજ ટાઈપ કરવાં લાગી.

“પોતે નારાજ છે એટ્લે આરવજ સામેથી તેને મનાવે...!” કે પછી “આરવજ ફોન કે મેસેજ કરે...! ” એવાં પોતાનાં ઘમંડને લીધે લાવણ્યા આરવને ફોન કે મેસેજ નાં કરી શકી. જોકે આરવને મેસેજ કે ફોન કરતાં પોતાનાં મનને રોકવાં તેણીએ ઘણી “મહેનત” કરવી પડતી. આડી-અવળી વાતોમાં કે કોલેજનાં અન્ય ફ્રેન્ડ્સ સાથે સમય કાઢી લાવણ્યા આરવનાં વિચારો ટાળવાનો પ્રયત્ન કરતી. અક્ષય સાથે વાત થયાં બાદ લાવણ્યા ધીરજ ખોઈ બેઠી.

“ક્યાં છે તું...!? કોલેજ કેમ નઈ આવતો.!? મારી જોડે વાત તો કર...!” મેસેજ ટાઈપ કરીને લાવણ્યા whatsaapમાં દેખાતાં આરવનાં પ્રોફાઈલ પિક્ચર સામે જોઈ રહી.

“નઈ વાત કરવી મારે જા....!” ટાઈપ કરેલો મેસેજ સેન્ડ કરવાની જગ્યાએ લાવણ્યએ ગુસ્સે થઈ મેસેજ ડિલીટ કરી નાંખ્યો.

ફોન લોક કરી, ઓશિકાં નીચે દબાવી લાવણ્યાએ આંખો મીંચી દીધી.

“તું પણ જો મને એવીજ ગણતો હોય....! તો આપડાં બેસ્ટફ્રેન્ડ હોવાનો કોઈ મતલબ નથી...! હવે આપડી ફ્રેન્ડશીપનો કોઈ અર્થ જ નથી...! કોઈ અર્થ નથી....!”



પોતાનાં મનમાં આવતાં વિચારોને રોકવાં બેડમાં પડખું ફેરવીને લાવણ્યા ટૂંટિયુંવાળીને સૂઈ ગઈ.

-----

થોડાં દિવસ પછી...

“પંદર દિવસથી આ છોકરો કોલેજ નઈ આવતો...!” ઓટોમાં કોલેજથી ઘરે આવી રહેલી લાવણ્યા વિચારે ચઢેલી હતી.

આરવ લગભગ પંદર દિવસથી કોલેજ નો’તો આવતો.

“એક ફોન પણ નઈ કે મેસેજ પણ નઈ કરતો....!” આટલાં દિવસોથી આરવે એકેયવાર લાવણ્યાને ફોન કે મેસેજ નહોતો કર્યો.

લાવણ્યા પોતે ઘણીવાર આરવને whatsappમાં મેસેજ કરવાંનો પ્રયત્ન કરતી. પણ મેસેજ ટાઈપ કર્યા પછી ગુસ્સે થઈ ડિલીટ કરી નાંખતી.

“મેડમ સોસાયટીમાં અંદર લઉં કે ગેટ આગળ ઊભી રાખું...!?” લાવણ્યાની સોસાયટીનાં નાકે ઓટોવાળાએ ઓટો ઊભી રાખતાં પૂછ્યું.

“નાં...! અહિયાંજ...!” વિચારોમાંથી બહાર આવીને લાવણ્યા નીચે ઉતરી.

ઓટોવાળાને ભાડું ચૂકવીને લાવણ્યા ઘર તરફ ચાલવા લાગી.

સોસાયટીનાં ગેટમાંથી અંદર પ્રવેશતી વખતે લાવણ્યાની નજર કોર્નર ઉપર નેહાનાં ઘર ઉપર પડી. નેહા બાલ્કનીમાં ઊભી-ઊભી બાલ્કનીની પેરાંપેટ ઉપર સુકાવેલા કપડાં લઈ રહી હતી.

“અરે લાવણ્યા....!” નેહાની નજર લાવણ્યા સાથે મળતાજ તેણીએ બાલ્કનીમાં ઊભાં-ઊભાંજ વાત કરવાં માંડી “શું ચાલે છે કોલેજમાં..!?”

“બસ શાંતિ...!” લાવણ્યાએ પરાણે ટૂંકો જવાબ આપ્યો અને નેહા સામે જોઈ રહી.

બાલ્કનીમાં ઊભી-ઊભી તે લાવણ્યા સામે જોઈ રહી મલકાઈ રહી હતી.

“તું કોલેજ કેમ નથી આવતી આટલાં દિવસથી...!?” લાવણ્યાએ નેહાને પૂછ્યું.

નેહા પણ લગભગ દસ-બાર દિવસથી કોલેજ નહોતી આવી.

“તબિયત ઠીક નો’તી...એટ્લે..!” નેહાએ એજરીતે મલકાઈને કહ્યું.

“તને જોઈને તો લાગે છે કે ક્યાંક હિલ સ્ટેશન ઉપર ફરીને આવી હોય...!” નેહાને ટોંન્ટ મારતી હોય એમ લાવણ્યા તેણી સામે જોઈને મનમાં બબડી.

“અને....તારો બેસ્ટ ફ્રેન્ડ શું કરે છે...!?” નેહાએ પૂછ્યું.

નેહાએ જાણે ટોંન્ટમાં પૂછ્યું હોય એમ લાવણ્યાને લાગ્યું.

“ખબર નઈ....! એ કોલેજ નથી આવતો....!” લાવણ્યા ઉદાસ સ્વરમાં બોલી “બાય...!”



“Aww....તો આટલી ઉદાસ કેમ થાય છે...!” નેહા એવાંજ ટોંન્ટભર્યા સ્વરમાં બોલી “આઈ જશે....!”

“આ છોકરી કેમ આવું બિહેવ કરે છે...!” લાવણ્યા નેહા સામે જોઈ રહીને મનમાં બબડી.

“ગૂડ નાઈટ....!” લાવણ્યાને ચિડાવતી હોય એમ નેહા હથેળી વડે “ટાટા” કરીને પોતાનાં રૂમમાં ચાલી ગઈ.

થોડીવાર સુધી ત્યાંજ ઊભાં રહીને લાવણ્યા નેહાનાં વિચિત્ર વર્તન વિષે વિચારતી રહી.

“હશે....!” છેવટે નેહાનાં એવાં વર્તનનું કોઈ કારણ ન સમજાતાં માથું ધૂણાવી લાવણ્યા પોતાનાં ઘર તરફ ચાલવા લાગી.

-----

બે-ત્રણ દિવસ પછી.....

“બસ...બસ...! અહિયાંજ ઊભી રાખ...!” વિશાલનાં બાઇકની પાછલી સીટ ઉપર બેઠેલી લાવણ્યાએ કોલેજનાં કમ્પાઉન્ડમાં તેને બાઈક થોભવવાં કહ્યું “તું બાઈક પાર્કિંગમાં મૂકીને આવ....! હું કેન્ટીનમાં જાવ છું...!”

બાઈક ઉપરથી ઉતરીને લાવણ્યાએ કહ્યું. વિશાલે ડોકું હલાવી બાઈક પાર્કિંગ તરફ જવાં દીધું.

કોલેજનાં બિલ્ડિંગ તરફ જવાં માટે લાવણ્યાએ હજીતો બે ડગલાં ભર્યાજ હતાં ત્યાંજ સામે જોઈને તેનાં પગ થંભી ગયાં.

“આરવ.....!” સામે પેવમેંન્ટ ટ્રેક ઉપર વ્હાઈટ ચાઇનીઝ કોલર શર્ટ અને બ્લ્યુ જીન્સમાં આરવ ઊભો હતો.

તેને જોઈને લાવણ્યાની આંખ તરતજ ભીંજાઈ ગઈ. જોકે આરવનાં ચેહરા ઉપર હજીપણ એવાંજ નારાજગીનાં ભાવ હતાં.

બે-ત્રણ ડગલાં ભરીને લાવણ્યા આરવની નજીક ગઈ.

“આર..!”

“તું હજીપણ એવાંજ છોકરાંઓ જોડે ફરે છેને.....!?” લાવણ્યા બોલવાજ જતી ત્યાંજ આરવે વેધક સ્વરમાં લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

“આરવ...! તને હજીપણ હું એવીજ...!”

“તું આ લોકો જોડે ફરવાનું બંધ કરીશ કે નઈ...!?” લાવણ્યાને ટોકીને આરવ કઠોર સ્વરમાં બોલ્યો.

લાવણ્યા ભીની આંખે આરવનાં ચેહરા સામે જોઈ રહી.







“આજે પંદર-વીસ દિવસે તું પાછો આયો...!” લાવણ્યા ગળગળા સ્વરમાં બોલવાં લાગી “એક ફોન નઈ....એક મેસેજ પણ નઈ....! ક્યાં ગયો’તો એ પણ ના કીધું....! તારી બેસ્ટફ્રેન્ડ તારાથી નારાજ હતી...તો ...તો એને મનાવાની જગ્યાએ ભાગી ગ્યો....! અને પાછો આઈને પણ આ જ પૂછવાનું હતું તારે...!? બોલ..!?”

“પે’લ્લાં મેં પુછ્યું એનો જવાબ આપ...!” લાવણ્યાની વાત અવગણીને આરવ એજરીતે બોલ્યો “તું એ લોકો જોડે ફરવાનું બંધ કરીશ કે નઈ....!?”

“તારે આજ વાત કરવી હોય....!” લાવણ્યા તેનો સ્વર માંડ સખત કરતાં બોલી “તો મારે નઈ બોલવું તારી જોડે...!”

એટલું કહીને લાવણ્યા ત્યાંથી કોલેજના બિલ્ડીંગ તરફ ચાલવાં લાગી.

“તું એવાં લોકોને છોડી નઈ શકતી...!” જઈ રહેલી લાવણ્યાને આરવે નારાજ સ્વરમાં કહ્યું “પણ તારા બેસ્ટફ્રેન્ડને છોડી શકે છે....!? નઈ....!?”

“આરવ....! તું કેમ....!”

“તે કોઈ દિવસ મને તારો બેસ્ટફ્રેન્ડ માન્યો જ નથી...! કોઈ દિવસ નઈ...!” રડુંરડું થઈ ગયેલો આરવ ગુસ્સે થઈને બોલ્યો અને કોલેજની બહાર જવાં ઉતાવળાં પગલે મેઈન ગેટ તરફ જવાં લાગ્યો.

“આરવ...! ઊભો રે’...! ક્યાં જાય છે...!?” હિલ પહેરેલી લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલતાં-બોલતાં આરવની પાછળ દોડી “મારી વાત તો સાંભળ...! આરવ.....! હની....! ઊભો રે’ને....!”

લાવણ્યા માંડ-માંડ દોડી શકતી હતી.

“આરવ....! ઊભો રે’ને....! પ્લીઝ...!” લાવણ્યા બૂમો પાડતી રહી ‘ને આરવ ઉતાવળાં પગલે કોલેજનાં ગેટની બહાર નીકળી ગયો.

ગેટની સામે પાર્ક કરેલાં તેનાં બાઇક ઉપર ઝડપથી બેસી જઈને આરવે બાઇક ચાલું કરી દીધું.

“આરવ...! હની....! મારી વાત સાંભળ...!” આરવ બાઈક ઉપર બેસીને બાઈક ચાલું કરે ત્યાં સુધી લાવણ્યા લગભગ તેની જોડે પહોંચી ગઈ “આવી રીતે નાં જઈશને...!”

ગુસ્સે થયેલાં આરવે એક્સિલેટર ફેરવી દીધું અને સડસડાટ બાઈક મારી મૂક્યું.

“આરવ.....! આરવ.....!” લાવણ્યા ત્યાંજ ઊભી-ઊભી રડી પડી.

------

“ફોન પણ નઈ ઉપાડતો...! મેસેજનો પણ રિપ્લાય નઈ આપતો...!” ગુસ્સે થઈને જતાં રહેલાં આરવને લાવણ્યાએ આખો દિવસ અનેકવાર મેસેજ કર્યા હતાં, આરવે એકેયવાર રિપ્લાય નો’તો કર્યો.

ઘરે આવ્યાં પછી પણ લાવણ્યાએ અનેકવાર આરવને ફોન કર્યો. આરવે એકેયવાર ફોન નાં ઉઠાવ્યો.

-----



ત્યારપછીનાં દિવસોમાં પણ આજ સીલસિલો ચાલું રહ્યો. આરવ કોલેજ તો આવતો પણ લાવણ્યા સાથે લગભગ કોઈ વાત ના કરતો. લાવણ્યાએ અનેકવાર તેની સાથ વાત કરવાનો પ્રયત્ન કરી જોયો પણ આરવ એકની એક વાતનું રટણ કરતો રહેતો.

“યાં તો એ લોકોને છોડીદે....! યા તો મને.....!”

આરવને સમજાવાનાં લાવણ્યાએ અનેકવાર પ્રયત્નો કરી જોયાં. આમ છતાં, આરવે પોતાની જિદ્દ નાં છોડી અને એકની એક વાત “પકડી” રાખી. ફૂડ ટ્રક પાર્કમાં પણ દરેક વીક એન્ડ આરવ સોંન્ગ ગાવાં માટે જતો. કોલેજનાં અનેક ફ્રેન્ડ્સ અને લાવણ્યા પણ આરવને લાઈવ “જોવાં” જતી. આરવ જાણે લાવણ્યા માટેજ સોંન્ગ ગાતો હોય એવાંજ સોંન્ગ ગાતો.

કેટલાંય મહિનાઓ સુધી આરવનું બિહેવિયર લાવણ્યા સાથે એવુંજ રહ્યું. આખાં દિવાળી વેકેશનમાં પણ આરવ લાવણ્યાની સોસાયટીની સામે આવીને ઊભો રહેતો. લાવણ્યાને આ વાતની ખબર પડતાંજ તે આરવને રોજે મળવા સોસાયટીનાં નાકે આવતી અને તેને સમજાવાનો પ્રયત્ન પણ કરતી. જોકે આરવ પોતાની જિદ્દ ઉપર અડેલો જ રહ્યો. દિવાળી વેકેશન પૂરું થયા બાદ કોલેજ ફરી શરું થયાં પછી પણ આરવનું બિહેવિયર એજ રહ્યું.

-----

સેકન્ડ યરની ફાઈનલ એક્ઝામ પુરી આજે પૂરી થઈ હતી. બીજાં વર્ષનો આ છેલ્લો દિવસ હતો. કોલેજમાં ઉનાળું વેકેશન પડવાનું હોવાથી બધાંજ કોલેજ સ્ટુડન્ટ્સ પોત-પોતાનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ સાથે વેકેશન પ્લાન “ડિસકસ” કરી રહ્યાં હતાં. કેન્ટીન આખી સ્ટુડન્ટ્સથી ચિક્કાર ભરાઈ ગઈ હતી. લાવણ્યા તેનાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ સહિત કેન્ટીનમાંજ બેઠી હતી. આરવ અને તેનું ગ્રૂપ પણ લાવણ્યાનાં ટેબલની સામેજ બેઠું હતું.

“યાર....! આખું ઉનાળું વેકેશન હવે બધાં ફ્રેન્ડ્સ વગર ઘરે બોર થવાનું....! નઈ....!?” પ્રેમે લાવણ્યા સામે જોઈને પૂછ્યું પછી બધાં સામે જોયું.

“એમાં બોર શું....!?” કામ્યા ચ્હાનાં કપમાંથી એક સિપ ભરીને બોલી “મન થાય....ત્યારે મલી લેવાનું...! આપડે અમદાવાદમાં જ તો રઈએ છે....!”

“લાવણ્યા....!” પ્રેમે લાવણ્યાને પૂછ્યું “વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ ખરું...!?”

લાવણ્યાનું ધ્યાન જોકે સામે બેઠેલાં આરવ ઉપર હતું. આરવ પણ લાવણ્યા સામેજ જોઈ રહ્યો હતો. આરવનું બિહેવિયર લાવણ્યા સાથે હજીપણ લગભગ એવુંજ હતું. તે હજીપણ પોતાની જિદ્દ ઉપર અડેલો હતો. લાવણ્યાએ જોકે તેને હજીપણ સમજાવાનું ચાલુંજ રાખ્યું હતું.

“લાવણ્યા...!?” વિચારોમાં ખોવાઈ ગયેલી લાવણ્યાને પ્રેમે ખભે હાથ મૂકી ઢંઢોળી “ક્યાં ખોવાઈ ગઈ...!?”

“હાં....! અ...શું...શું પૂછ્યું તે...!?”

“વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું પ્લાનિંગ ખરું...!?” પ્રેમે ફરીવાર પૂછ્યું.

“હાં....કદાચ...! પપ્પાં કે’તાં’તાં....! ઉત્તરાખંડ વગેરે જગ્યાએ...! નોર્થ ઈન્ડિયા...!” લાવણ્યા શક્ય એટલું નોર્મલ સ્વરમાં બોલી “પણ મારું મૂડ નથી જવાનું....! એટ્લે કદાચ ક્યાંય નઈ જવું...!”





“તો વેકેશનમાં આપડે બધાં ક્યાંક ફરવા જવું છે...!?” પ્રેમ ઉત્સાહપૂર્વક બોલ્યો “ફ્રેન્ડ્સ સાથે તો મજા આવેને..!?”

“જોઈએ...!” લાવણ્યાએ નીરસ સ્વરમાં કહ્યું.

“આજે મારો બર્થ ડે છે...!” ત્યાંજ લાવણ્યાનાં ગ્રૂપનાં ટેબલા પાસે આવીને વિશાલ બધાંને ઉદ્દેશીને કહેવાં લાગ્યો.

“લાવણ્યા..! પ્રેમ...! કામ્યા...! નેહા...!” વિશાલ બધાંની સામે જોવાં લાગ્યો “આજે તમારે બધાએ મારી બર્થડે પાર્ટીમાં આવાનું છે...! ફૂડ ટ્રકપાર્કમાં...!”

“ઓહ wow….!” ત્રિશા ખુશ થઈને બોલી “જ્યાં આરવ ગાતો હોય છે ત્યાંજ ને...!?”

“હાં...! ત્યાંજ....!” વિશાલ સ્મિત કરીને બોલ્યો.

“પણ આજે તો ફ્રાઈડે છે....! અને આરવ તો વિકેન્ડમાંજ ગાય છેને...!?” લાવણ્યાએ વિશાલ સામે જોઈને પછી આરવ સામે જોયું.

“હાં...! તો મેં ક્યાં કીધું કે એ આજે મારી બર્થડે પાર્ટીમાં ગાવાનો છે...!?” વિશાલ ખભાં ઉછાળીને બોલ્યો “મેં તો બધાંને ખાલી એ જગ્યા ઝડપથી યાદ આવી જાય એટ્લે એવું કહ્યું...!”

“અરે કોઈ વાંધો નઈ...! અમે બધાં આઇશું...!” ત્રિશા એજરીતે ખુશ થઈને બોલી “એ બા’ને આ વર્ષની છેલ્લી પાર્ટી પણ થઈ જશે...! નઈ...!?”

ત્રિશાએ આંખો નચાવીને અંકિતા સામે જોયું.

“હાં....હાં....!કોલેજનાં લાસ્ટ ડેની પાર્ટી...!” બધાં હવે અંદરોઅંદર ચર્ચા કરવાં લાગ્યાં.

બીજાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સને ઇનવાઈટ કરવાં માટે વિશાલ ત્યાંથી જતો રહ્યો. લાવણ્યા આરવ સામે દયામણી નજરે જોઈ રહી.

-----

“તું આજે વિશાલની બર્થડે પાર્ટીમાં જવાની છેને...!?” લાવણ્યા કોલેજનાં ગેટથી નજીક આવેલાં બસ સ્ટેન્ડ તરફ ચાલતી જઈ રહી હતી ત્યાંજ તેણીની પાછળથી અવાજ આવ્યો.

લાવણ્યાએ પલટીને પાછળ જોયું.

“આરવ...! તું....અ...! એક મિનિટ...!” આરવની નજીક જતાંજ લાવણ્યાને કઈંક સ્મેલ આવી અને તેણીએ નાક વડે એક-બેવાર સૂંઘી મોઢું બગાડ્યું.

“તું હજીપણ સ્મોક કરે છે...!?” લાવણ્યા ધમકાવતી હોય એમ હકથી બોલી “મેં તને કેટલીવાર ના પાડી છે...! કે તું સ્મોકીંગ છોડીદે- સ્મોકીંગ છોડીદે....તો પણ તું હજી બંધ કરતો નથી...! હમ્મ....! બોલ..!?”

જ્યારથી આરવ જીદ્દે ચઢ્યો હતો ત્યારથી તે સ્મોકીંગ પણ કરતો થઈ ગયો હતો. શરૂઆતમાં લાવણ્યાને આ વાતની ખબર નો’તી પડી. જોકે દિવાળી વેકેશનમાં લાવણ્યાની સોસાયટીની સામે ઊભાં-ઊભાં આરવને સ્મોક કરતો લાવણ્યા જોઈ ગઈ હતી અને એક બેસ્ટફ્રેન્ડની જેમ હકથી તેણીએ આરવને ધમકાવી નાંખ્યો હતો.



જોકે આરવે તો પણ લાવણ્યાની વાત કાને નો’તી ધરી અને સ્મોકીંગ ચાલુંજ રાખ્યું હતું.

“તું વિશાલની બર્થડે પાર્ટીમાં જવાની કે નઈ...!?” લાવણ્યાની વાતને ઈગનોર કરીને આરવ ભાવવિહીન સ્વરમાં બોલ્યો.

“હની....શાંતિથી વાત તો કર મારી સાથે....! બસ એકની એક વાત તું...!

“તું પાર્ટીમાં જવાની કે નઈ...!?” આરવે લાવણ્યાને ટોકીને વચ્ચે પૂછ્યું.

“આટલાં મહિનાથી તું...તું મારી જોડે આવુંજ બિહેવ કરે છે...! મારી સાથે સરખી વાત પણ નઈ કરતો...!”

“તું જઇશ ને....!?” આરવ રડું-રડું થઈ ગયો.

“આરવ.....! પ્લીઝ....!” આરવનાં ગાલે હાથ મૂકવા લાવણ્યાએ તેનો હાથ ઊંચો કર્યો.

“તું જવાનીજ... મને ખબર છે તું જવાની...!” આંખો લૂંછતો-લૂંછતો આરવ ઉતાવળા પગલે લાવણ્યાને વટાવીને ત્યાંથી જવાં લાગ્યો.

“આરવ...આરવ....ઊભો રે’ પ્લીઝ....” લાવણ્યા પણ રડી પડી અને આરવની પાછળ ઉતાવળાં પગલે દોડી “આ રીતે ના જઈશને...! પ્લીઝ....!”

બસસ્ટેન્ડ પાસે ઉભેલાં કોઈ ફ્રેન્ડનાં બાઈકની પાછલી સીટ ઉપર આરવ કૂદીને બેસી ગયો. લાવણ્યા તેની જોડે પહોંચે એ પહેલાંજ આરવનાં ફ્રેન્ડે બાઈક મારી મૂકી.

“તું કાયમ આવુંજ કરે છે....! સરખી વાત તો કર...!” બસ સ્ટેન્ડ પાસે ઊભાં રહીને લાવણ્યા રડતાં-રડતાં બબડી.

-----

“હેપ્પી બર્થ ડે વિશાલ....!” સાંજે તૈયાર થઈને લાવણ્યા એસજી હાઇવે ફૂડ ટ્રક પાર્કમાં આવી પહોંચી હતી. લાવણ્યા સિવાય નેહા, પ્રેમ સહિત લાવણ્યાનાં ગ્રૂપનાં તેમજ વિશાલે ઇનવાઈટ કરેલાં તેનાં ઘણાં ફ્રેન્ડ્સ પણ પાર્ટીમાં હાજર હતાં.

“તું બવ લેટ આઈ...!” વિશાલે ફરિયાદનાં સૂરમાં કહ્યું “કેક પણ કપાઈ ગઈ...!”

“સોરી...અ...! મારે થોડું કામ હતું...!” લાવણ્યા નીરસ સ્વરમાં બોલી “હું ગિફ્ટ પણ ભૂલી ગઈ...સોરી...!”

“અરે તું આહિયાં આવ....!” એટલું કહીને વિશાલે લાવણ્યાને તેનાં બંને હાથ પકડીને પોતાની નજીક ખેંચી અને તેણીને જોરથી બાથમાં ભરી લીધી.

વિશાલ લાવણ્યાને કચકચાવીને પોતાનાં બાવડાંમાં દબાવી રાખીને ઉભો હતો. વિશાલને વળગીને ઉભેલી લાવણ્યાની નજર હવે સ્ટેજ ઉપર પડી.

હાથમાં ગીટાર લઈને માઈકની જોડે મુકેલી ચેયરમાં આરવ બેઠો હતો. તે ભીની આંખે વિશાલને વળગીને ઉભેલી લાવણ્યા સામે જોઈ રહ્યો હતો.





“ગિફ્ટના બદલે એકાદી કિસ આપી દેજે...!” વિશાલે લાવણ્યાના કાનમાં ધીરેથી કહ્યું પછી ગંદુ સ્મિત કરીને લાવણ્યા સામે જોઈ આંખ મીંચકારી “અને જો તારું મૂડ બની જાયતો....!”

“વિશાલ પ્લીઝ.....!” લાવણ્યા મોઢું બગાડીને આઘી ખસી અને સ્ટેજ તરફ જોવાં લાગી.

“આરવ....!” પોતાની તરફ જોઈ રહેલાં આરવને જોઇને લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ.

લાવણ્યાએ આજે ઘણાં દિવસે આરવને થોડો વ્યવસ્થિત હાલતમાં જોયો હતો. બાકી જ્યારથી આરવ સ્મોકીંગ કરતો થયો હતો ત્યારથી તેની હેલ્થ ખરાબ થઈ હતી. તેની ખરાબ હાલત જોઈને તે ડિપ્રેશનમાં હોય એવું સ્પષ્ટ દેખાઈ આવતું. જાણે તેની બધી ઇનોસન્સ મરી ગઈ હોય એમ આરવ બસ ગુસ્સાંમાં એક પછી એક સિગારેટ પીધાં કરતો અને લઘરવઘર ફર્યા કરતો. પણ આજે ઘણાં દિવસે જાણે એજ જૂનો માસૂમ આરવ જીવંત થયો હતો. આરવે આજે તેનો ફેવરિટ બ્લેક કલરનો ચાઇનીઝ કોલરવાળો શર્ટ અને ખાખી કાર્ગો પેન્ટ પહેર્યું હતું. આરવ મોટેભાગે ચાઈનીઝ કોલરવાળાં શર્ટજ પહેરાતો. લાવણ્યાને પણ આરવ એવાં શર્ટમાં બહુ ગમતો.

ઘણાં દિવસે પહેલાં જેવાં આરવને જોઈને લાવણ્યા ભીની આંખે મલકાઈ ઉઠી.

“આમ તો આજે સેટરડે કે સન્ડે નથી....!”લાવણ્યાની જોડે ઉભેલો વિશાલ કંઈ બોલવાં જ જતો હતો ત્યાંજ સ્ટેજ ઉપર ચેયરમાં બેઠેલો આરવ માઈકમાં બોલવાં લાગ્યો “પણ....! આજે મારે કોઈક સ્પેશલ વ્યક્તિ માટે ગાવુંછે....! મારાં દિલની વાત કહેવી છે...!”

એટલું બોલી આરવ થોડું અટકાયો અને લાવણ્યા સામે એકાદ ક્ષણ જોઈ રહીને ઓડિયન્સ સામે આગળ બોલ્યો-“આઈ હોપ હું તમને બોર નઈ કરું....!”

“વૂઊઊં......!” તાળીઓ સાથે ફૂડ ટ્રકપાર્કમાં હાજર પબ્લીકે આરવને વધાવી લીધો.

લાવણ્યાની એકદમ અડીને તેણી જોડે ઉભેલાં વિશાલને જોઈ આરવે એક દર્દભર્યું સ્મિત કરી લાવણ્યા સામે જોયું પછી ગીટાર ઉપર એક ફેમસ હિન્દી મુવીનાં એક રોમેન્ટિક સોન્ગની ટ્યુન વગાડવાની શરું કરી.

ટ્યુન સાંભળતાજ લાવણ્યાને એ સોન્ગ યાદ આવી ગયું અને તેનાં હોંઠ મલકાઈ ઉઠ્યા. એ હમણાંજ રીલીઝ થયેલી એક રોમેન્ટીક હિન્દી મૂવીનું સોંન્ગ હતું જે લાવણ્યા ઘણીવાર સાંભળી ચૂકી હતી.

“મેરી બેચેનીઓ કો ......ચેન મિ...લ જાયેએ......!”

ગીટાર ઉપર સોન્ગની ટ્યુન વગાડતાં- વગાડતાં આરવે ગાવાનું શરુ કર્યું.

“તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”



મેરે દીવાનેપન કોઓ... સબ્ર મિ...લ જાયેએ......!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

“સનમ તેરી કસમ” મૂવીનું એ ગીત આરવની મધુર અવાજમાં ફૂડટ્રક પાર્કમાં હાજર લોકો મુગ્ધ થઈને સાંભળી રહ્યાં.



“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

દેખોના આંખોસે ભીગા ભીગા પ્યાર.......બેહ જાતા હૈ....!

સોન્ગ ગાતાં-ગાતાં આરવ લાવણ્યા સામે ભીની આંખે જોઈ રહ્યો હતો.

મેરી તન્હાઈઓ કો...! નૂર મિ....લ જાયેએ....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

પોતાની તરફ ભીની આંખે જોઈને ગાઈ રહેલાં આરવનાં એ માસૂમ ચેહરાને જોઈને લાવણ્યાની આંખ પણ ભીની થઈ ગઈ.

લાવણ્યા જાણતી હતી, કે આરવ આ ગીત કોનાં માટે ગાઈ રહ્યો હતો અને કેમ ગાઈ રહ્યો હતો.

“મેરે હર રાસ્તે કો......! મંઝીલ મિ...લ જા...એ....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

લાવણ્યાની જોડે ઉભેલાં વિશાલને જોઈને સોન્ગ ગાતાં-ગાતાં આરવનો ચેહરો સખત થઈ ગયો. લાવણ્યાની આંખ વધુ ભીંજાઈ ગઈ.

“બેરંગ હવાયે.... મુઝે ના જાને દે ગઈ સદા કયું અભી અભી...

હે સરફરોશી .....! એ આશકીભી જાયેગી જાં....! મેરી ઇસમેં કભી....!



“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

દેખોના હર લમ્હા .....તેરી દાસતાન.....! કેહ જાતા હૈ.....!

મેરી હર ઈક તડપ કો....! સુકુન મિલ જાયેએ.....

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

------

“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

સોંન્ગનાં શબ્દોનાં હવે લાવણ્યાનાં કાનમાં પડઘાં પડવાં લાગ્યાં અને એ શબ્દો ગાતી વખતે આરવનાં ચેહરાનાં એ ભાવો પણ લાવણ્યાની નજર સામે તરવરી ઊઠ્યાં. લાવણ્યાની નજર સામેનું દ્રશ્ય જાણે હવે ગોળ-ગોળ ફરવા લાગ્યું.

“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”





ચાઈનીઝ કોલરવાળો એ બ્લેક શર્ટ પહેરીને ગિટાર વગાડતાં સોંન્ગ ગાઈ રહેલાં આરવની જગ્યાએ લાવણ્યાને હવે કોઈવાર સિદ્ધાર્થનો ચેહરો દેખાવાં લાગતો તો કોઈવાર આરવનો ચેહરો.

“આ બધું શું....!?”સખત તાણ અનુભવતી મૂંઝાઈ ગયેલી લાવણ્યાએ પોતાનાં હાથ વડે તેનું કપાળ દબાવ્યું.

“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

કોઈ મૂવીની ફેમમાં દ્રશ્યો બદલાતાં હોય એમ ઘડીવાર લાવણ્યાને સ્ટેજ ઉપર આરવનો તો ઘડીવાર સિદ્ધાર્થનો ચેહરો દેખાવાં લાગ્યો. તેનું માથું સખતરીતે ભમવાં લાગ્યું.



ત્યાંજ.....

હતપ્રભ થઈને ઉભેલી લાવણ્યાના જમણા ખભા ઉપર કોઈકે હાથ મુક્યો. કોઇકે હાથ મૂકીને લાવણ્યાને જાણે આરવ સાથેનાં તેનાં એ એકવર્ષ જુનાં ભૂતકાળમાંથી એક ઝટકા સાથે પાછી ખેંચી હોય કે પછી કોઈ સ્વપ્નમાંથી એકદમ જગાડી દીધી હોય એમ તે જાણે વર્તમાનમાં પાછી ફરી અને તેનું મોઢું ફેરવીને જોયું.

“નથી સમજાતુંને.......!?” એ નેહા હતી, જે હવે લાવણ્યાની જોડે ઉભી હતી “આ શું થઈ રહ્યું છે....!?”

આઘાત પામી ગયેલી લાવણ્યાએ ફાટી આંખે નેહા સામે જોયું. નેહાની આંખોમાંથી જાણે અંગારા વરસતાં હતાં.

“આ મારો “રિવેન્જ” હતો લાવણ્યા.....!” હૃદય ઉપર ઊંડો ઘા કરી નાખે એવાં કઠોર સ્વરમાં લાવણ્યા સામે જોઈ રહીને નેહા બોલી “લવ રિવેન્જ”........!”

નિ:શબ્દ થઈ ગયેલી લાવણ્યા નેહા સામે કંઈ બોલી ના શકી.

“યાદ છે તને....! મેં થોડો ટાઈમ પે’લાં કીધું’તું.....! I Love Someone Else”......!”

“એ આરવ હતો.....! આરવ કરણસિંહ રાજપૂત.....!”

અંગારા વરસાવતી નેહાની આંખમાં હવે “આગ”ની સાથે-સાથે પાણી પણ ભળ્યું. હવે સોન્ગની અંતિમ લાઈન્સ ગાઈ રહેલાં સિદ્ધાર્થ સામે એકાદ ક્ષણ જોઈ નેહાએ પાછું લાવણ્યા સામે જોયું અને બોલી-

“અને આ છે.......! સિદ્ધાર્થ.......કરણસિંહ....રાજપૂત......!”

********