Manjuni Manovyatha - 1 books and stories free download online pdf in Gujarati

મંજુની મનોવ્યથા - 1

અહીંયા હું એક દીકરી મંજુની મનોવ્યથા વ્યક્ત કરતી વાર્તા તમારી સમક્ષ રજુ કરી રહી છું. આ વાર્તા એક કાલ્પનિક છે. પરંતુ મે આપણા સમાજમાં રહેતા માણસોમાં રહેલી ક્રૂરતા દર્શાવવાની એક કોશિશ કરી છે. આ વાર્તા વાંચી ને તમારા પ્રતિભાવ અચૂક આપજો. જો કોઈ ભૂલ ચૂક થઈ હોય તો અચૂકથી ધ્યાન દોરવા વિનંતી.


મારું નામ મંજુ છે એ સમયે મારી ઉંમર સાત વર્ષની હતી. હું સ્વભાવે ખૂબ જ ચંચળ અને રમતીયાળ છોકરી હતી. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર હતી. હું મારા માતા પિતાની એકની એક દીકરી. મારા પછી નાના બે ભાઈઓ હતા. માતાનો સ્વભાવ ખૂબ જ કોમળ ને દયાળુ હતો. હું મારી માતાની ખૂબ જ નજીક હતી. મે પહેલા જ ખોળે દીકરી તરીકે જન્મ લીધો હતો પરંતુ જાણે કઈક ગુનો કર્યો હોય એવું મારા પિતાનું વર્તન હતું મારા પ્રત્યે. મારા પિતાનો સ્વભાવ તો પહેલેથી જ ખૂબ જ આકરો અને કડક હતો. મારા પિતા મારા બંને ભાઈઓ ને ખૂબ લાડ લડાવતા. હું હંમેશા મારા પિતાનો મારા પ્રત્યે નો આ ભેદભાવ જોઈને દુઃખી મને મારી માતાને પૂછતી. મમ્મી પપ્પા મને કેમ ભાઈઓ જેવો પ્રેમ નથી કરતા. મમ્મી પ્રેમથી મારા માથા પર હાથ મૂકીને કહેતી "તું દીકરી છો ને એટલે" હું પાછી મારી કાલી ઘેલી ભાષા માં પૂછતી પણ મમ્મી શું દીકરી થઈ ને જન્મ લેવો ગુનો છે. મમ્મી મને તરત પોતાના ખોળામાં બેસાડીને ગાલ પર બચી ભરીને કહેતી "ના મારી દીકરી એવું નથી દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય" તો પછી પપ્પા કેમ મને બંને ભાઈઓ જેટલો પ્રેમ નથી કરતા? મમ્મી મારા આવા વારંવાર પૂછાતા પ્રશ્નો થી મુંઝાતી પરંતુ ફરી એ કાંઈક વિચારી ને જવાબ આપતી ને કહેતી "એવું નથી બેટા પરંતુ તું દીકરી છો. દીકરી એ પારકી થાપણ કહેવાય. તું તો મોટી થઈ ને સાસરે તારા ઘેર જતી રહીશ. અને તારા બંને ભાઈઓ અહીંયા જ રહીને તારા પપ્પા નો વંશ આગળ વધારશે. મે તરત મમ્મીને અટકાવતા કહ્યું વંશ એટલે શું મમ્મી? મમ્મી થોડી મુંજવણ માં પડી પછી બોલી " તું હજી નાની છો તને નહિ ખબર પડે બેટા પણ તું એમ માની લે કાલે સવારે તારા બંને ભાઈઓ મોટા થઈ ને તારા પપ્પાનો ધંધો સંભાળશે અને તું લગ્ન કરી ને સાસરે જતી રહીશ. મને મમ્મીની વાત ગળે ઉતરતી નોહતી મને તો બસ એટલું જ દેખાતું હતું કે પપ્પા મને ભાઈઓ જેટલો પ્રેમ નથી કરતા..

એક દિવસ હું સ્કુલથી છૂટીને ઘરે આવી. ઘરનો દરવાજો ખુલ્લો જ હતો અને રૂમ માંથી મમ્મીનો રડવાનો ચિલ્લાવવાનો અવાજ આવતો હતો. હું એકદમ ગભરાઈને અંદર રૂમમાં ગઈ અને જોયું તો પપ્પા મમ્મી ને ખૂબ મારી રહ્યા હતા. મમ્મી કલ્પાંત કરતી પોતાને છોડી દેવા માટે આજીજી કરતી હતી. હું એ દશ્ય જોઈ ને એકદમ સ્તબ્ધ થઈ ગઈ. મે જોર થી બુમ પાડી પપ્પા નહીં મારો મારી મમ્મી ને. પપ્પા મને જોઈ ને મમ્મી ને મારતા તો બંધ થઈ ગયા પરંતુ બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ મમ્મી પર છૂટો ઘા કરતા ગયા ને મમ્મીને ગ્લાસ માથા પર વાગતા ખૂબ લાગી ગયું હતું. હું દોડીને મમ્મીને ભેટી પડી. ને મમ્મીને પૂછવા લાગી " મમ્મી પપ્પા તને કેમ મારતા હતા? મમ્મી મારી સામે ભાવ ભીની નજરથી જોઈ રહી. તે કશું જ બોલી ના શકી ને મને ભેટીને રડવા લાગી. એ દિવસ પપ્પાની આવી ક્રૂરતા જોઈને હું ખૂબ ડરી ગઈ હતી. એક તો હું પહેલા થી જ પપ્પાના મનથી દૂર હતી અને એમાં પપ્પાનું આવું સ્વરૂપ જોઈને હું એમના થી વધુ ડરી ડરી ને દૂર રેહવાં લાગી..

વેકેશન નો ટાઈમ હતો. આખો દિવસ બસ બંને ભાઈઓ સાથે રમવા નીકળી જતી હું સાચું કવ તો નાના ભાઈનું ધ્યાન રાખવા માટે પપ્પા મને એ લોકો સાથે રમવા મોકલતા. એક વાર સોસાયટીના દરેક બાળકોએ રાતના જમી ને થપ્પો દાવ રમવાનું નક્કી કર્યું. અમે બધા બાળકો થપ્પો દાવ માટે સૌથી પહેલા દાવ કોણ લેશે એ નક્કી કરી રહ્યા હતા ત્યાં જ સોસાયટીમાં રહેતો એક ૧૯ વર્ષનો છોકરો અમારી સાથે થપ્પો દાવ રમવા આવ્યો. હું એમને રવિભાઈ કહીને બોલાવતી. એ અચાનક જ મારી પાસે આવી ને બોલ્યા હું પણ તમારા લોકો સાથે થપ્પો દાવ રમીશ અને હું અને મંજુ એક ટીમમાં સાથે રમશું. રવિભાઈ મારી સાથે રમશે એ વિચારીને હું તો ખૂબ ખુશ થઈ ગઈ. રાતનો સમય હતો અને અંધારામાં કોઈ ડરી ન જાય એટલા માટે અમે બબ્બે ની ટીમ બનાવી હતી. સૌથી પહેલા દાવ મારો ભાઈ અને એનો એક મિત્ર લઇ રહ્યા હતા. અને અમે બધા બબ્બે ની ટીમ માં જઈને સંતાઈ ગયા. રવિભાઈ મને સોસાયટીની પાછળ કોઈ વરંડામાં છુપાવવા માટે લઈ ગયા. હું એમના થી થોડે દુર ઊભી હતી ત્યાં જ એમને મારો હાથ ખેંચી ને મને એમની પાસે બોલાવી ને કહ્યું મંજુ આમ બહારની સાઈડ ના ઉભી રહે તને કોઈ જોઈ જશે તો આપણે પકડાઈ જશું એમ કહી ને એમને મને પોતાની આગળ ઊભા રહેવાનું કહ્યું. એ ખૂબ જ અંધારી જગ્યા હતી કોઈ ની પણ નજર ત્યાં જાય એમ ન હતું જ નહિ. અચાનક જ એને મને પાછળથી પકડીને પોતાના બાહુપાશ માં જકડી લીધી મારા કમર પર પોતાના હાથ લપેટી દીધા. મારી બાળક બુદ્ધિ કંઈ સમજી ન શકી મને લાગ્યું કે કોઈ મને જોઈના જાય એટલે રવિભાઈ એ મને પકડી રાખી છે પરંતુ અચાનક જ મને મારા પાછળ ના ભાગમાં કાંઈક અલગ જ સ્પર્શ થયો. મારી બાળક બુદ્ધિ એ સ્પર્શને સમજી ના શકી પણ એટલો ખ્યાલ આવ્યો કે એ સ્પર્શ ખૂબ જ ગંદો હતો હું એકદમ જ ગભરાઈને પોતાને છોડવાની કોશિશ કરવા લાગી. એકદમ જોરથી રવિભાઈ ને ધક્કો મારી ને એનાથી દૂર જતી રહી. એટલામાં જ મારો ભાઈ મને જોઈ ગયો અને મંજુનો થપ્પો કહેતો બૂમ પાડી ને દોડ્યો. હું પણ તેની પાછળ પાછળ દોડવા લાગી. શ્વાસોશ્વાસ ઝડપથી દોડવા લાગ્યા હતા. મનમાં એક મૂંઝવણ પેદા થવા લાગી હતી. શું થયું એ કાંઈ સમજાણું નહીં પણ મારી બાળક બુદ્ધિ એ સમજી ન શકતી કે શું થયું છે મારી સાથે બસ એટલી ખબર પડી કે એ ખૂબ જ ગંદો સ્પર્શ હતો. મે મારા ભાઈને રમવાની ના પાડી ને ઘરે ભાગી ને આવી ગઈ. મમ્મીને વળગીને રડવા લાગી. મમ્મીએ મારા રડવાનું કારણ પૂછ્યું તો મેં એમને કહ્યું મમ્મી ભગવાને મને છોકરી કેમ બનાવી? મમ્મી કાઈ બોલે તે પેહલા જ પપ્પા આવ્યા ને કહેવા લાગ્યા નક્કી રમતા રમતા પડી ગઈ લાગે છે એટલે જ રડે છે. તને ત્યાં તારા ભાઈઓ નું ધ્યાન રાખવા મોકલી હતી. તોફાન કરવા નહિ. જા હવે રડવાનું બંધ કર ને તારા ભાઈઓ ને બોલાવી આવે બહુ રાત પડી ગઈ છે. હવે રમવા નું બંધ કરે ને સુવા ભેગા થાય. એ દિવસે મે પહેલી વાર પપ્પાની વાત નો વિરોધ કરી ને કહ્યું કે હું નય જાવ બોલાવવા એમ કહી પોતાની જગ્યા પર જઈ સૂવાનો ડોળ કરવા લાગી. મનમાં સતત મૂંઝવણ ચાલી રહી હતી શું થઈ રહ્યું હતું એ કશું સમજાતું નહોતું મારી બાળક બુદ્ધિ એ સમજી નોહતી શકતી...

આ ઘટના પછી હું અંદર થી થોડી સહેમી ગઈ હતી. હું જ્યારે પણ એ રવિભાઈ ને મારી સામે જોતી ત્યારે અંદર થી એક અજીબ ધ્રુજારી ઉપાડતી. હું તેમની સામે આંખ પણ મિલાવી નોહતી શકતી. જાણે મે પોતે જ કાંઈક ગુનો કર્યો હોય એવું મહેસુસ થતું. મે મારા મિત્રો સાથે રમવાનું પણ બંધ કરી દીધું હતું. થોડા જ દિવસોમાં અમે ઘર બદલી ને નવા ઘરે રહેવા ગયા.

ક્રમશ...