Manju's anguish - 2 books and stories free download online pdf in Gujarati

મંજુની મનોવ્યથા - 2

અમારા જ શહેરમાં પપ્પા એ ફ્લેટમાં મકાન લીધું ને અમે ત્યાં રહેવા જતા રહ્યા. નવા ઘરમાં આવી ને હું ખૂબ જ ઉત્સાહિત હતી. અમારું ઘર પહેલા માળે હતું ને બીજા માળે શંતાકાકી રહેતા હતા. શાંતા કાકીના ઘરમાં તેમના પતિ કરશનકાકા અને તેમના બે દિકરા સુરેશ અને કિશન અને સુરેશ ની પત્ની મહિમા રહેતા. એમને ત્યાં હાલમાં જ એક નાની બાળકીનો જન્મ થયો હતો. ટૂંક સમયમાં જ અમારે એ શાંતાકાકી સાથે લાગણીના સબંધો સ્થપાયા હતા. મને એમની નાની બાળકી ને રમાડવી ખૂબ જ ગમતી એટલે હું રોજ તેને રમાડવા શાંતા કાકીના ના ઘેર જતી. પપ્પાનો સ્વભાવ કોઈના થી અજાણ નહતો. પપ્પાનો સ્વભાવ દિવસે દિવસે ક્રૂર થતો ગયો હતો. ડ્રિંક કરીને મમ્મીને મારતા તેના પર શક કરતાં. મે ઘણી વાર મારા પપ્પાના મોઢેથી મારી મમ્મી ને કહેતા સાંભળ્યું હતું કે "જોજે મોટે ઉપાડે દીકરી પેદા કરી છે પણ ધ્યાન રાખજે એનું છોકરીની જાત છે ક્યાંક ખોટે રસ્તે ભરાશે ને તો તમને બેય માં દીકરી ના હાથ પગ ભાગી નાખીશ". પપ્પા શું કહેવા માંગતા હું સમજી નોહતી શકતી પરંતુ સાંભળીને મનમાં એક ડર પેદા થતો...

એક દિવસ હું રોજ ની જેમ શાંતા કાકી ના ઘરે એ નાની બાળકી ને રમાડવા ગઈ હતી. એ દિવસે મે પગ માં ઝાંઝરી પહેરી હતી. મારા જન્મદિવસ નિમિતે મમ્મી એ ઝાંઝરી ભેટ કરી હતી. એ ઝાંઝરી નો અવાજ મને ખૂબ ગમતો. એ દિવસે ખરા બપોરે જ્યારે હું બાળકી ને રમાડવા ગઈ ત્યારે ઘર માં એ બાળકી અને કિશન ભાઈ એ બે જ ઘરમાં હતા. એ દિવસે મે ઘૂંટણ સુધી નું ફ્રોક પહેર્યું હતું અને પગ માં ઝાંઝરી ખણકાવતી આમ તેમ ફરી રહી હતી. કિશન ભાઈ ની નજર મારા પગ ઉપર પડી અને પૂછવા લાગ્યા કે કેમ આજે ઝાંઝરી પહેરી છે. મે કીધુ મને ખુબ જ ગમે આ ઝાંઝરી નો અવાજ એમ કહી હું એમની સામે જ નાચવા લાગી. ને ઘોડિયામાં સુતી બાળકી ને રમાડવા લાગી. કિશનભાઇ અચાનક જ મારી પાસે આવ્યા અને મને ઘોડિયા ની બાજુમાં રાખેલા બેડ ઉપર સુવડાવી દીધી. અને અચાનક જ મારી ઉપર સુઈ ગયા પહેલા તો મને કંઈ જ ખબર ના પડી કે તે મારી સાથે શું કરવા માંગે છે. પરંતુ મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ફરી પાછો એ જ ગંદો સ્પર્શ થયો. ફરી પાછી એ ધ્રુજારી આખા શરીરે ફરી વળી. પરંતુ ખબર નહીં ક્યાંથી એક અચાનક જ શક્તિ મારામાં પેદા થઈ અને મે જોરથી કિશનભાઇ ને ધક્કો માર્યો. કંઈ સમજ નોહતી પડતી અચાનક જ મૂંઝવણ થવા લાગી અને મેં ત્યાં થી ભાગવાની કોશિશ કરી ત્યાં જ કિશનભાઇ એ મને રોકતા કહ્યું કે "જો આ વાત તે કોઈને કીધી છે ને તો હું તારા પપ્પાને કહી ને તને માર ખવડાવીશ તારા પપ્પા નો સ્વભાવ તો તને ખબર જ છે ને કેવો છે એ તને નહીં છોડે". કિશનભાઇ એ આપેલી ધમકી અને મારા પપ્પાના સ્વભાવના લીધે હું એકદમ જ ગભરાઈ ગઈ. જેમ તેમ કરીને કિશનભાઇ ના હાથ માંથી પોતાનો હાથ છોડાવીને ત્યાંથી ભાગી ગઈ. મારું આખુ શરીર કાપી રહ્યું હતું. એક અજીબ મૂંઝવણ થી હું ઘેરાઈ ગઈ હતી. એ દિવસે મને ખરેખર પોતે દીકરી તરીકે જન્મ લીધો તેનો પસ્તાવો થઈ રહ્યો હતો. એ દિવસ પછી હું પોતાની જાત ને જ દોષી ગણતી. પપ્પાના સ્વભાવના ડર થી હું કોઈને કહી પણ ન્હોતી શક્તી. એ ઘટનાએ મારી માનસિક સ્થિતિ ઉપર ખૂબ જ ગહેરી અસર કરી હતી. અભ્યાસમાં પણ હવે મારું મન નહોતું લાગતું. એક અજીબ ડર અને ગુસ્સો મારી અંદર પેદા થતો ગયો. હવે કોઈ પણ પુરુષને જોઈને હું ગભરાઈ જતી. મને લોકો સાથે વાત કરવામાં પણ મૂંઝવણ થતી. ક્યારેક તો આત્મહત્યાના વિચારો પણ આવી જતા. હું સમજી નહોતી શકતી એ સ્પર્શને પરંતુ એટલી ખબર પડતી કે એ સ્પર્શ ખૂબ જ ગંદો છે. અંદરો અંદર એક આજીબ પીડા ઉત્પન્ન થવા લાગી હતી...

આજે જ્યારે હું ન્યૂઝપેપરમાં જોવું છું કે દસ મહિનાની બાળકી ઉપર રેપ થયો ત્યારે મારા શરીરમાં એક અજીબ જ કંપારી ઉપડે છે અને મનોમન ભગવાનનો આભાર માનું છું કે હું ક્યારેય રેપ જેવી ક્રૂરતા નો ભોગ નથી બની. પરંતુ બબ્બે વખત શારીરિક શોષણ થયા પછી મારા માનસપટલ પર ખૂબ જ ગંભીર અસર થઇ હતી. તો વિચારો જે દીકરીનો રેપ થયો હશે તેની માનસિક પીડા કેવી હશે. અત્યારે તો છોકરાઓ ઉપર પણ શારીરિક શોષણના કિસ્સા બહાર આવી રહ્યા છે. હમણાં જ એક કિસ્સો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચિત થયો હતો જેમાં એક છોકરો પોતાના નાનપણમાં શારીરિક શોષણનો ભોગ બન્યો હતો. એ પછી એના માનસ પટલ પર એટલી ખરાબ અસર પડી જેથી એને કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરે એ ગમતું નહીં. જ્યારે છોકરા ઉપર આટલી ખરાબ અસર પડે છે તો એ છોકરી ઉપર શું વીતતી હશે જે શારીરિક શોષણનો ભોગ બની હોય કે પછી એનો રેપ થયો હોય....
સારાંશ

ક્યારે આપણો કહેવાતો સભ્ય સમાજ આવી અસંખ્ય મંજુની મૂંગી ચીસો સાંભળી શકશે? સ્ત્રી સશક્તિકરણ ની વાતોતો બહુ થઈ ગઈ હવે આવી બદીઓ સામે ઠોસ કાર્યવાહી કરવાનો વખત આવી ગયો છે. જ્યાં સુધી આવી બદીઓ સમાજમાં ખુલ્લેઆમ ફર્યા રાખશે ત્યાં સુધી મંજુ જેવી દીકરીઓ નિર્જીવ, હતાશ, દબાયેલી, ગભરાયેલી કે અંદર અંદર પીડાથી વિંધાતી રહેશે. આપણે આપણી દીકરીઓ ને શિક્ષિત તો કરી રહ્યા છીએ પરંતુ હવે તેમને સુરક્ષિત કરવાનો સમય પણ આવી ગયો છે. અને એના માટે સૌપ્રથમ તો દીકરીના મા-બાપ એ જ જાગૃત થવું પડશે. કહેવાય છે ને કે પહેલો ગુરુ માં બાપ જ હોય છે. પોતાના બાળકો ને આંગળી પકડીને ચાલતા પણ મા-બાપ જ શીખવાડે છે તો પછી નાના બાળકોને ખરાબ અને સારા સ્પર્શની ઓળખ પણ માબાપે જ કરાવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ તેમને અણછાજતી સ્પર્શ કરે અથવા કોઈ અડપલા કરે તો બાળક ને ખબર હોવી જોઈએ કે તે વ્યક્તિ એની સાથે ખરાબ વર્તન કરી રહ્યો છે. માં બાપ એ પોતાના બાળકો સાથે મુક્ત મને વ્યવહાર કરવો જોઈએ જેથી કોઈ પણ બાળક પોતાની આપવીતી મુક્ત મને જણાવી શકે....

_meera soneji

મારી વાર્તા વાંચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏 તમારા કિંમતી પ્રતિભાવ અને રેટિંગ આપવાનું ચૂકશો નહીં. મારા લખાણ જો કોઈ ભૂલચૂક થઈ હોય તો જણાવવા વિનંતી...