COMMON PLOT - 2 books and stories free download online pdf in Gujarati

કોમન પ્લોટ - 2

વાર્તા- કોમન પ્લોટ (2)
લેખક- જયેશ એલ.સોની- ઊંઝા
મો.નં.9601755643
બપોરના બાર વાગ્યા હતા.હજીતો રતનભાઇએ પહેલો કોળિયો મોઢામાં મુક્યો હતો ત્યાં તો નોકર કહેવા આવ્યો કે સોસાયટીના એક વડીલ આપને મળવા આવ્યા છે.રતનભાઇએ તેમને અંદર લાવવા કહ્યું.વડીલ અંદર આવ્યા.રતનભાઇએ જોયું તો તેમનો ચહેરો ઉદાસ અને તણાવગ્રસ્ત હતો.વડીલે રતનભાઇને નમસ્તે કર્યુ અને કહ્યું કે તમે શાંતિ થી જમી લો.મારે ઉતાવળ નથી હું તો નિવૃત છું.
રતનભાઇની એ વડીલ નટવરભાઇ સાથે એક કલાક ચર્ચા ચાલી.બહાર નીકળતી વખતે નટવરભાઇ ના ચહેરા ઉપર હાશકારો દેખાઇ રહ્યો હતો.
પ્રેક્ષકો ધીરે ધીરે પ્રવેશી રહ્યા હતા.નાટક શરૂ થવાની તૈયારી હતી.મધુર સંગીત વાગી રહ્યું હતું.લાઇટો બંધ થઇ.ધીરેધીરે પરદો ખુલ્યો.એક મકાન ના ડ્રૉઇંગ રૂમનું દ્રશ્ય હતું.રૂમમાં બે સ્ત્રીઓ મોં ચડાવીને બેઠી હતી.
' બાપના ઘરે ખાવાના પણ સાંસા હતા.અહીં આવીને સુખ ભોગવવા મળ્યું છે એટલે માથે ચડી બેઠી છે.બાપ તો ભિખારી છે.' સાસુ એ વહુ ને કરડાકીથી કહ્યું.
' પણ મેં શું ભૂલ કરીછે એતો મને કહો.અને મારા ગરીબ બાપને શું કામ વખોડોછો બા?' આરતી વહુ એ નમ્રતા થી જવાબ આપ્યો.
' ઘરનું કામ કરતાં જોર આવેછે.પિયરમાં તો ખેતીકામ કરતી હતી.'
' તમારી આ રોજની રામાયણ થી હવે હું કંટાળ્યો છું.એકના એક દીકરાને ભગવાને આવી સુશીલ,સંસ્કારી અને દેખાવડી વહુ આપીછે તોએ તને કદર નથી?' માધવભાઇએ બહારથી આવતાં જ જશોદાબેન ને ટોકયાં.
' હવે તમે પણ એને માથે બેસાડો.દીકરોતો એ કહે એટલું જ કરેછે.' જશોદાબેન વધારે આક્રમક બન્યા.
' દીકરી પણ સાસરે થી તને કહેવડાવે છે કે બા ને કહેજો ભાભીને હેરાન ના કરે તોએ તને ખબર નથી પડતી? અને દીકરો વહુ નું કહ્યું કરતો હોયતો આપણે રાજી થવું જોઇએ.બંને વચ્ચે મનમેળ હોય એ સારૂં કહેવાય કે ખરાબ?'
પણ શેઠની શિખામણ ઝાંપા સુધી.કંકાશ ચાલુ જ હતો.હકીકતમાં જશોદાબેન ને એ ખૂંચતું હતું કે જે દીકરો મને પૂછ્યા વગર પાણી નહોતો પીતો એ દીકરો વહુ કહે એટલું જ કરેછે.એટલે વહુ ને હેરાન કરીને એ સંતોષ માનતાં હતાં.અડોશપડોશમાં પણ ચર્ચા હતી કે આવી વહુ નસીબદાર ના ઘરમાં જ આવે.
બીજા દ્રશ્યમાં પણ આવા કંકાશ ના સંવાદો આવ્યા.અને વહુ આરતીએ એવું કહ્યું કે હવે તો રોજનો આ કકળાટ બંધ થશે પછી જ ઘરમાં પગ મુકીશ.ભલે આખી જિંદગી ખેતરમાં મજુરી કરવી પડશે તો કરીશ.આરતી થેલો ભરીને પિયર જતી રહી. સાંજે દીકરો પવન ઘરે આવ્યો અને આવા સમાચાર જાણીને સુનમુન બની ગયો.
એ પછીના દ્રશ્યમાં સાસરેથી દીકરી ઘરે આવેછે અને જશોદાબેનને કહેછે મને સાસરેથી કાઢી મુકી છે.હવે હું પિયરમાં જ રહેવાની છું.તમે લોકો આજે ને આજે જ ભાભીને તેડી આવો.એટલામાં આરતીના પિયરથી સમાચાર આવેછે કે આરતી એ કુવામાં પડીને જીવન ટૂંકાવી દીધું છે.
છેલ્લે સ્ટેજ ઉપર રોકકળ ના કરૂણ દ્રશ્યો ભજવાય છે અને પરદો પડેછે.આખા ઑડિયન્સમાં ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય એટલી શાંતિ પથરાયેલી છે.એટલામાં સ્ત્રી પ્રેક્ષકો બેઠા હતા ત્યાંથી કોઇ બહેનનો રડવાનો અવાજ આવ્યો.બધાનું ધ્યાન ગયું. સોસાયટીમાં રહેતા નટવરભાઇ નાં પત્ની કમળાબેન ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.બધાને એમકે નાટકનો કરૂણ અંત જોઇને રડી રહ્યાછે.પણ બધાના આશ્ચર્ય વચ્ચે કમળાબેન ધીરેધીરે લાકડીના ટેકે ટેકે સ્ટેજ ઉપર આવી ગયા.એમની પાછળ પાછળ નટવરભાઇ પણ આવ્યા.પરદો પડી ગયા પછી રાબેતા મુજબ રતનભાઇ પણ પ્રેક્ષકોનો આભાર માનવા સ્ટેજ ઉપર આવી ગયા હતા.લોકો કંઇ સમજે કે વિચારે ત્યાં તો રતનભાઇએ માઇક હાથમાં લઈને જાહેરાત કરીકે નાટક જોઇને કમળાબેન લાગણીસભર થઇ ગયાછે.તેઓ આપણને બે શબ્દો કહેવા માગેછે.
રતનભાઇએ માઇક કમલાબેન ના હાથમાં આપ્યું. કમળાબેને હાથ જોડીને રડતાં રડતાં કહ્યું કે આજે જે નાટક બધાએ જોયું એ તો રોજ મારા ઘરમાં ભજવાય છે.ભગવાન મને માફ કરે.મારી દીકરી પણ પિયરથી તરછોડાઇને ઘરે પાછી આવી છે અને વહુ રિસાઇને પિયર જતી રહીછે.હે ભગવાન આજના નાટક જેવો અંત મારા ઘરમાં ના આવવો જોઇએ.મારી વહુને પિયરથી લઇ આવો.મારી ગરીબડી વહુને મેં બહુ સતાવીછે.
આટલું બોલીને કમળાબેન રતનભાઇના પગમાં પડ્યા.અને ' તમે મારી આંખો ખોલીછે તમારો આભાર માનું એટલો ઓછો છે.'
રતનભાઇએ કમળાબેન ને ખુરશીમાં બેસાડ્યા અને પાણી આપ્યું પછી કહ્યું કે ચિંતા કરશો નહીં કમળાબેન તમારી આરતી વહુ અહીં આપણી વચ્ચે હાજર છે.આરતીને સ્ટેજ ઉપર બોલાવવામાં આવી.પછીતો સાસુ વહુ ભેટી પડ્યા.પ્રેક્ષકોએ તાળીઓનો ગડગડાટ કર્યો.એ પછી સ્ટેજ ઉપર સાસુનું પાત્ર ભજવનાર મનોરમા નામની અભિનેત્રી અને વહુ નું પાત્ર ભજવનાર અનુપમા નામની અભિનેત્રી ને બોલાવવામાં આવી.બંને અભિનેત્રીઓ રૂપરૂપના અંબાર જેવી હતી.જયારે બધાએ જાણ્યું કે સાસુનું પાત્ર ભજવનાર મનોરમા વહુનું પાત્ર ભજવનાર અનુપમા કરતાં પણ ઉંમરમાં નાની છે ત્યારે લોકોએ બંનેના જોરદાર અભિનય ના માનમાં તાળીઓ નો ગડગડાટ કર્યો.બંને અભિનેત્રીઓએ પ્રેક્ષકોનો આભાર માન્યો.
બધા વિખરાઇ ગયા પછી નટવરભાઇ ધીમે ધીમે ચાલતા રતનભાઇ પાસે ગયા.રતનભાઇએ ગળગળા અવાજે કહ્યું ' વડીલ તમે બપોરે મને મળવા આવ્યા અને આપની વ્યથા કહી એટલે આ નાટકની સ્ટોરી અને સંવાદો નવેસરથી મારે તૈયાર કરવા બહુ મહેનત કરવી પડી પણ સફળ થયા એટલે મહેનત રંગ લાવી અને આપના જીવનમાં સુખનું સર્જન થયું. ઇશ્વરનો આભાર. નટવરભાઇ અને રતનભાઇ ભેટી પડ્યા.

લેખક તરફથી બે શબ્દો- મારા પ્રિય વાંચકમિત્રો, કોમન પ્લોટ નો ત્રીજો ભાગ પણ આવશે.પણ બે ભાગ આપને ગમ્યા હોય તો મને ફાઈવસ્ટાર આપીને પ્રોત્સાહિત કરશોજી.