Hasta nahi ho bhag 16 books and stories free download online pdf in Gujarati

હસતા નહીં હો! - 16 - હાસ્યલેખકની પ્રણયલીલા


વિચારો જોઈએ,તમે કોઈ છોકરીને પહેલી વાર મળવા જાઓ અને તમારી પહેલી મુલાકાત જ્યાં થવાની હોય ત્યાં જ કોઈ કૂતરો અને કુતરી રોમેન્સ કરતા દેખાય તો......

મને ખબર જ હતી,આવું વાંચીને ગુજરાતી પ્રજા વાંચવા છલાંગ લગાવે જ.તમે પણ એ જ કર્યું.અત્યાર સુધી તમે અનેક કવિઓની પ્રેમકથા વાંચી હશે,સાંભળી હશે અને જો તમારા નસીબ ખરાબ હોય તો તમે કદાચ જાતે કવિ પણ હોય,હો તે હો!પણ મારે તમને આજે કેટલાક હાસ્યલેખકોની પ્રણયલીલા વિશે વાતો કરવી છે.પ્રણય એટલે દામ્પત્ય પણ આવી ગયું હો!એની પણ એક બે વાતો લખીશ અહીં.

પહેલા વાત કરીએ તારક મહેતાની.એમની કોલેજમાં ઇલા નામની એક છોકરી ભણતી.તારક મહેતા સિનિયર અને એ જુનિયર.તારક મહેતાને આ ઇલાને જોઈને મનમાં ગલગલીયા તો થયેલા પણ સીધું તો કેમ જઈને કહેવું કે મને તમે ગમો છો? પણ ત્યારે નાટક તારક મહેતાને કામ લાગ્યું.આમ પણ તારક મહેતાને એક શબ્દમાં લખવા હોય તો નાટક કહી શકાય.

કોલેજમાં નાટક ભજવવાનું હતું એમાં બંને વચ્ચે વાત થઈ અને પહેલી વખત તારક મહેતા ઇલાને મળવા ગયા.કોલેજના આંગણામાં બંને મળવાના હતા ને જેવા બંને ત્યાં પહોંચ્યા તો ત્યાં એક કૂતરો અને એક કુતરી સંવનન કરતા હતા.હવે ઉપરની પરિસ્થિતિ કલ્પી જુઓ.એક તો તમારો કયાંય મેળ પડતો ન હોય એમાં કોઈક મળવા આવે ને ત્યારે આવું થાય તો? તો? તો? તો કંઈ નહીં, તો હાસ્યલેખક થવાય અથવા આપણા ઘરનાને આપણી લીલ પરણાવી પડે.

પછી તો નોટ્સ (આમ તો તારક મહેતાને નોટ્સ બનાવવાની કુટેવ જ નહોતી છતાં) ને એવા બધા શૈક્ષણિક અને સામાજિક કારણો દ્વારા બન્ને મળતા રહ્યા ને પરણ્યા.પુત્રી પ્રાપ્ત થઈ
(જે અત્યારે ઘણી વખત ટીવી પર ચાલતા શોમાં ટપુની આચાર્યાની ભૂમિકામાં આવે છે,ઘણી વખત મહેમાન બનીને પણ આવે છે.)ને પછી બંને વચ્ચે છૂટાછેડા પણ થઈ ગયા ને ત્યાર બાદ ઇન્દુ બેનના પ્રેમમાં તારક ભાઈ પડ્યા ને એ છેક સુધી સાથે રહ્યો.

હવે બીજો કિસ્સો કહું,વિનોદ ભટ્ટનો.પણ ખરેખર તો હું જ્યારે વિનોદ ભટ્ટ લખું છું ત્યારે એમાં હળાહળ અસત્ય છે.વિનોદ ભટ્ટ એ ખોટું છે,ખરેખર તો રાજાધિરાજ વિનોદ ભટ્ટ છે કારણ કે એને બે પત્નીઓ હતી.(આજના સમયમાં જ્યાં પત્નીઓનો દુષ્કાળ ચાલે છે ત્યાં એ પત્ની હોય એ રાજાધિરાજ નહિ તો બીજું શું હોય?) એક તેમના પિતાએ પસંદ કરી આપેલી અને એક એમને પોતાએ મહેનત કરેલી પસંદ કરવામાં.

વિનોદ ભટ્ટ બહુ હોશિયાર માણસ હતા.એને એના પિતાને પોતાની પ્રેમકથાના ખલનાયક નહોતા બનાવવા એટલે એને બંને પત્નીઓને સાચવી.એકદમ મોજથી સાચવી.

ભદ્રાયુ ભાઈ સાથેની મુલાકાતમાં એને પ્રશ્ન પુછેલો કે તમને જીવનની કઈ ક્ષણ જીવવી ફરીથી ગમે?ને વિનોદ ભટ્ટે કહ્યું કે મારી બન્ને પત્નીઓ અને એની વચ્ચે હું પોળમાં ચાલ્યા જતા હોય,મારા હાથમાં સિગરેટ હોય અને પોળની સ્ત્રીઓ અહોભાવથી, પોળના પુરુષો ઇર્ષ્યાથી મને જોઈ રહ્યા હોય એ ક્ષણ મારે ફરીથી જીવવી છે.

વિનોદ ભટ્ટ કહેતા કે,"અમે ત્રણ ને અમારા ત્રણ."

હવે છેલ્લે જ્યોતીન્દ્ર દવેની વાત.બહુ ઓછું જાણીતું છે પણ એ હકીકત છે કે કરસુખબેન અને જ્યોતીન્દ્ર દવેનું દામ્પત્ય એકદમ ઉત્તમ હતું.જ્યારે તારક મહેતાની વિનંતીથી જ્યોતીન્દ્ર પોતાને જ શ્રદ્ધાંજલિ આપવા બેઠા ત્યારે એના હાથમાંથી કાગળ છીનવી લેતા કરસુખબેન કોઈ પ્રેમિકા જેવા જ લાગતા હશે.

અંગત વાત કરવાનો શોખ રાખું છું એટલે કહી દઉં કે જ્યારે મેં જ્યોતીન્દ્ર દવે અને એના પત્નીનો ફોટો જોયો ત્યારે થયેલું કે સાલું આ જ્યોતીન્દ્ર જેવા વિલક્ષણ પુરુષને આવા કરસુખબેન જેવા સ્ત્રીએ કેમ પસંદ કર્યા હશે?

ચાલો,આશા તો બંધાઈ કે હાસ્યલેખકોને પણ કોઈ સ્ત્રી ચાહે શકે છે ખરી!

બહુ લાંબું ખેંચી નાખ્યું,નહિ?

(તા.ક.: અહીં જે કંઈ વાતો લખી છે એ જે તે લેખકની આત્મકથા અથવા એ લેખક પર બીજા કોઈએ કહેલી- સાંભળેલી-વાંચેલી વાતને આધારે અને એમાંથી મને જેટલું યાદ છે એને આધારે લખ્યું છે તો કૃપા કરીને કોઈ કોપીરાઇટનો આરોપ મુકશો નહિ.)