BANDH MUTHTHIMA MA AJAVALU books and stories free download online pdf in Gujarati

બંધ મુઠ્ઠીમાં અજવાળું....

બંધ મુઠ્ઠીમાં અજવાળું...... દિનેશ પરમાર 'નજર '
***************************************
કેવું કરતબ સમય , સમય પર કરી ગયો?
ઝળહળ દિપક ફૂંક વગર જ ઠરી ગયો

છોડ ઉજાગર મબલખ ઝાકળથી જે રાતે
બંધ મુઠ્ઠીમાં અજવાળું લઈ મરી ગયો
- દિનેશ પરમાર "નજર '

***************************************
વલસાડ રેલ્વે પ્લેટફોર્મ પર જેવી રાજકોટ- સિકંદરાબાદ ટ્રેન દાખલ થઈ કે અમદાવાદ સોલા સાયન્સ સિટીની નજીક આવેલી "અભિલાષા માધ્યમિક સ્કુલ"ના બાળકો ચિચિયારી પાડવા લાગ્યા.
સ્કુલના બાળકોને કોર્ડન કરી ઉભેલા શિક્ષકોમાંથી શિક્ષિકાબેન હેમલતાએ હાકોટો કર્યો, " એ... . ઈ... ચૂપ... આ કંઈ સ્કુલનું મેદાન છે?"
ચુપ થઈ ગયેલા બાળકો, ટ્રેન ઉભી રહ્યા પછી તેમાં હારબંધ ચઢીને ગોઠવાવા લાગ્યા.
વલસાડ સ્ટેશન પર શીડ્યુઅલ મુજબ સવારે ૮ કલાક અને ૧૫ મિનિટે આવેલી ટ્રેઈન સમયસર ઉપડી તે સાથે ટ્રેનમાં કોલાહલ શરૂ થઈ ગયો.
વિદ્યાર્થીના અને વિદ્યાર્થીનીઓના ગ્રુપમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ.
" યાર.. રમેશ બે દિવસ તો આ પ્રવાસમાં ઓછા લાગ્યા.
સાંઈબાબા મંદિર અને સ્વામિનારાયણ મંદિર તથા આનંદ નિકેતન સાધનાશ્રમ વિગેરે જોવામાં જ ખાસ્સો સમય ગયો."
ચંદ્રેશ બોલતો હતો.
અને બીજા મિત્રો પણ સાંભળતા હતા.
રમેશ બોલ્યો, " હા.. યાર.. બે દિવસ તો ફક્ત તિથલ બીચ પર હરવા ફરવા અને રાયડીંગ તેમજ પેરાગ્લાયડીંગ માંજ મળવા જોઈએ. "
પછી તો ટ્રેનમાં ખૂમચા લઈ ને ચણાની દાળ કે ભજીયા કે ફળફળાદિ વેચવા આવતા ફેરિયાઓને સારો એવો વકરો કરાવતા કરાવતા અને અંદરો અંદર અંતાક્ષરી અને જુદી જુદી રમતો રમતા રમતા સમય પસાર ક્યાં થયો અને ક્યારે વડોદરા આવ્યું તે ખબર જ ના પડી.
વડોદરા ઉભી રહેલી ટ્રેઈનમાં જે કંપાર્ટમેન્ટની શીટ્સમાં સ્ટાફની શિક્ષિકા બહેનો બેઠી હતી તેની બરાબર સામે બારી પાસેની સામસામેની સિંગલ ખુરશીમાં ની એક ખાલી ખુરશીમાં આવીને,
લગભગ સત્યાવીસની આસપાસની ઉંમર ધરાવતો, સ્કાય બ્લ્યુ જીન્સ પર ડાર્ક બ્લેક કલરની જર્સી પહેરેલો જોતા જ ગમી જાય તેવો એક સ્માર્ટ યુવાન આવીને બેઠો.
બધાનું ધ્યાન તેની તરફ ગયું અને એક પળ વાતો કરતા અટકી ગયેલી બહેનો પછી સ્કુલ અને પ્રવાસની વાતોમાં વળગી.
બરાબર તે યુવાનની સામે ક્રોસમાં પ્રથમ જ બેઠેલી હેમલતાનું ધ્યાન, તેની સહશિક્ષિકા સાથે વાતો કરતા કરતા સહજ તે યુવાન તરફ જતા તેને લાગ્યું કે તે યુવક તેને જ જોઈ રહ્યો છે.
ઉંમરમાં તે યુવાનથી ચારેક વર્ષ મોટી અને પરણિત એવી હેમલતાને જરા અજુગતું લાગ્યું અને તેણે તે બાજુ જોવાનું ટાળી એની સ્ટાફની બહેનો સાથે વાત ચાલુ રાખી.
પરંતુ વાતો કરતા કરતા જ્યારે પણ તેનું ધ્યાન પેલા યુવક તરફ જાય ત્યારે તે પેલા યુવકને પોતાની તરફ જોતા જ અકળાઈ ઉઠતી.
એને છેક ગળા સુધી શબ્દો આવી જતા કે, " એ નાલાયક ક્યાર નો આંખો ફાડી ફાડી ને શું જોઈ રહ્યો છે..? તારા ઘરમાં મા-બેન છે કે નૈ..." પણ ચાલુ ટ્રેનમાં ક્યાં ખોટી બબાલ કરવી ખોટું લફડામાં પડવું એમ વિચારી સમસમીને ચૂપ બેસી રહી.
જેવું મણિનગર સ્ટેશન આવ્યું, હેમલતાને મનમાં થયું, " હાસ હવે પછીના સ્ટેશન થી આ લબાડ થી છુટકારો થઈ જશે. "
મણિનગર સ્ટેશન થી ગાડી શરૂ થઈ અને અનુપમ સિનેમા તરફ જતા ફ્લાય ઓવર બ્રિજ ક્રોસ કરી ને મંથર ગતિએ થોડીક આગળ વધી ત્યાં એક ઘટના બની.
ટ્રેનના દરવાજા તરફ થી અચાનક એક ગુંડા જેવો છોકરો આવ્યો અને આગળ બેઠેલી હેમલતા ના ગળામાં લટકતું સોનાનું મંગળસૂત્ર એક ઝાટકો મારી તોડી ભાગ્યો અને દરવાજા પાસે જઈ ધીરે ચાલતી ગાડીમાંથી કૂદી પડ્યો.
અચાનક આ ઘટનાથી હેમલતા એ "ઓ મા.. મરી ગઈ.." એમ જોરથી બુમ પાડી. અને પછી તો બધી બહેનો "ચોર... ચોર.." ની બુમો પાડી ઉભી થઈ ગઈ.
આ દરમિયાન પેલો સ્માર્ટ યુવાન ઉભો થયો અને પેલા ચોરની પાછળ ભાગ્યો.
હેમલતા અને બધી બહેનો દરવાજા તરફ ભાગી અને દરવાજા પાસે જઈ ઉભી રહી ગઈ.
પેલો ચોર ભાગી રહ્યો હતો બરાબર તેની પાછળ પેલો યુવાન દોડી રહ્યો હતો.
હેમલતા સાથે બધી બહેનો એકી અવાજે બોલી રહી હતી, " નક્કી બંને મળતિયા જ છે, પેલો નાલાયક જે આપણી સામેની શીટ પર બેઠો હતો તે હરામી કેવુ જોતો હતો, માનો ના માનો પણ તે ખબરી હશે અને તેણે જ ટોયલેટ પાસે જઈ ક્યાં ચેઇન-સ્નેચિંગ કરવું તે ખબર આપી હશે!"
" જોને બંને કેવા ભાગી રહ્યા છે?" એમ બોલી આંખો લુછતા લુછતા હેમલતા બોલી.
પણ આ શું????
અચાનક પેલા સ્માર્ટ યુવકે આગળ દોડતા ચોરનો કોલર પકડી પાડતા, ગભરાઈ જઈ ને સોનાનું મંગળસૂત્ર ફેંકી, ઝાટકો મારી કોલર છોડાવી ભાગ્યો.
પેલો યુવાન હવે ઉભો રહી ગયો અને મંગળસૂત્ર ઉઠાવી બંધ મુઠ્ઠી માં પકડી ટ્રેન તરફ પરત દોડયો.
આ દરમિયાન કોઈએ ચેઇન- પુલીંગ કરતા ટ્રેન ઉભી રહી ગઈ હતી.
પેલો યુવાન દોડતો દોડતો પોતાના કંપાર્ટમેન્ટની તરફ આવી રહ્યો હતો.
પરંતુ -
હેમલતા અને ટ્રેનના બધાજ ચમક્યા..
તે યુવાનનું ધ્યાન બાજુના ટ્રેક પર સામેથી આવતી ટ્રેન તરફ બિલકુલ નહોતું.
આખી ટ્રેન ના બધાજ એક સાથે મોટે થી બુમ પાડી ઉઠયા, "અરે એ ભાઈ ધીરેથી.. ધ્યાનથી... આવ.. આ ટ્રેન તારી સગી નહીં થાય. .."
સામેથી આવતી ટ્રેન નો ડ્રાઈવર પણ મોટેથી હોર્ન વગાડીને ચેતવી રહ્યો હતો.
પણ તે યુવાનને તો જાણે હેમલતા સિવાય કોઈ દેખાતું જ નહોતું.
અને -
થવા કાળ થઈ ને રહ્યું.
ટ્રેક ક્રૉસ કરતી વખતે જ આવી ચઢેલી ટ્રેનના એન્જિન સાથે જોરથી અથડાઈ ને ફેંકાઈ ગયેલા યુવાનની કારમી ચીસ ઉઠી ના ઉઠી અને શાંત થઈ ગઈ.
સામેની ટ્રેન પણ આગળ જઈ ઉભી રહી ગઈ.
બન્ને બાજુની ટ્રેનમાંથી કુતૂહલ, અને માનવીય સ્વભાવ મુજબ કપાઈને પડેલા યુવાન ને જોવા માટે જવા નીચે ઉતારેલા મુસાફરો સાથે, પોતાના સ્ટાફ સાથે ઉતરેલી હેમલતા જ્યારે, ત્યાં પહોંચી તો તેના મોંમાથી, " ઓ.... માં.... બાપરે..."
જેવા ઉદગાર નીકળી ગયા.
એક તરફ કપાયેલા હાથે પેલો યુવાન કાયમ માટે શાંત થઈ ચત્તો પડ્યો હતો. અને દૂર તેનો લોહીથી લથબથ કપાયેલો જમણો હાથ શાંત થઈ પડ્યો હતો.
હાથ પર 'હરિ પ્રકાશ' લખેલું છૂંદણું હતું.
હાથની મુઠ્ઠી બંધ હતી અને બંધ મુઠ્ઠીમાં પકડેલા સોનાના મંગલ-સૂત્રના મુઠ્ઠીની બહાર લટકતા પેંડલમાં, જડતર કામથી મઢેલા રંગીન હીરા પર પાડતા સૂર્ય-કિરણોને કારણે પેંડલ ઝગારા મારતું હતું.

*********

અઠવાડિયા પછી પોલીસ-સ્ટેશન તરફથી બોલાવવામાં આવતા, પોતાના પતિ સાથે પહોંચેલી હેમલતા જ્યારે પોલીસ-સ્ટેશનના કમ્પાઉન્ડમાં દાખલ થઈ, ત્યારે તેની આખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
તેનાથી થોડી મોટી ઉંમરની, પરંતુ બિલકુલ તેના જેવી જ દેખાતી સફેદ સાડી પહેરીને એક યુવતી, એક યુવક સાથે ઉભી હતી.
પોલીસ સ્ટેશનના રાઈટરે તેઓનો પરિચય કરાવ્યો.
"આ હેમલતા બેન છે, જેમના ગળામાંથી મંગળસૂત્ર ખેંચી ગયેલા સ્નેચરને પકડી તમારો ભાઈ હરિ પ્રકાશ પાછો ફરતો હતો."
પછી હેમલતા બેન તરફ ફરી બોલ્યા, "આ હરિ પ્રકાશના મોટા બહેન છે, ગયા વર્ષે તેમના પતિ એટેકમાં ગુજરી ગયા છે. આ હરિ પ્રકાશના નાના ભાઈ શશિ પ્રકાશ જે કોલેજમાં અભ્યાસ કરે છે."
વળી કંઈ યાદ આવતા બોલ્યા," આ અકસ્માત આમતો ન થતો પરંતુ ત્રણેક વર્ષ પહેલાં ઝેરી મેલેરિયામાં ક્વિનાઇનનો વધારે પડતો ડોઝ જવાથી કાનમાં કાયમી બહેરાશ આવી ગઈ હતી અને એટલે તે સામેથી આવતી ટ્રેનનો અવાજ સાંભળી ન શકવાને કારણે..... "
હજુ રાઈટર આગળ કંઈ બોલે તે પહેલાં તો-
ટ્રેનમાં હરિપ્રકાશ વિશે પોતે કરેલા ખરાબ વિચારો અને હરિ પ્રકાશ ના કપાયેલા હાથની બંધ મુઠ્ઠીમાં તેની ઈમાનદારી અને પવિત્રતાને પ્રગટ કરતા, સૂરજના અજવાળામાં પેંડલના રંગીન હીરાની તે સમયની, આંખમાં ઝલાયેલી ચમક ની યાદ આવતા, પાશ્ચાતાપથી ભરાઈ ગયેલા હેમલતા બેન ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યા.........

******************************************