Aage bhi jaane na tu - 22 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 22

પ્રકરણ - ૨૨/બાવીસ

ગતાંકમાં વાંચ્યું......

અનંતને લાફો માર્યા પછી, અનંત પાસેથી સાચી હકીકત જાણી વલ્લભરાય અને નિર્મળા અનંત અને સુજાતાના લગ્ન માટે રાજી થઈ હા પાડે છે. અનંતની જાન જોડી વલ્લભરાય પરિવારસહિત જામનગર જાય છે. અનંત અને સુજાતાના લગ્ન લેવાય છે ત્યાં જ લગ્નમાં વિઘ્ન એવી ઘટનાઓ બનવી શરૂ થાય છે.....

હવે આગળ......

ગોરમહારાજના કહેવાથી અનંત અને સુજાતા સપ્તપદીના ફેરા ફરવા ઉભા થયા. જેવા એ બંનેએ ફેરા ફરવા પગ ઉપાડ્યા ત્યાં જ વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈની નજર સુજાતાએ પહેરેલા તરાનાના કમરપટ્ટા પર પડતા એ ત્રણેય વિસ્ફરિત નજરે એકમેક તરફ જોઈ રહ્યા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઉઠ્યો 'તરાનાનો કમરપટ્ટો સુજાતા પાસે ક્યાંથી' અને ત્યાં જ મંડપના દ્વારમાં ખીમજી પટેલને અંદર આવતા જોઈ વલ્લભરાય અને લાજુબાઈના હોશકોશ ઉડી ગયા.

'ખીમજી પટેલ અહીં....જામનગરમાં....આ લગ્નમંડપમાં....ક્યાંથી અને જો એમની નજર સુજાતાએ પહેરેલા તરાનાના કમરપટ્ટા તરફ ગઈ તો......?' વલ્લભરાય અને લાજુબાઈ ફાટેલા ડોળે ખીમજી પટેલને જોઈ રહ્યા.

"હવે શું કરવું...? ખીમજી પટેલને અંદર આવતા રોકવા પડશે અને સાથે એમની નજર સુજાતાએ પહેરેલા કમરપટ્ટા પર પણ ન પડવી જોઈએ એનું ધ્યાન પણ રાખવું પડશે... કેવી રીતે રોકું એમને?" વલ્લભરાય મનોમન વિચાર કરતા મંડપમાં આમતેમ નજર દોડાવી રહ્યા હતા કે રખે કોઈ ઉપાય મળી જાય પણ એમના ચહેરા પરનો ઉચાટ એમના મનમાં ચાલી રહેલા મનોમંથનની ચાડી ખાઈ રહ્યો હતો. સ્વસ્થતાના અંચળો ઓઢી દંભી સ્મિતમઢયા ચહેરે સૌ મહેમાનોનું હાથ જોડી સ્વાગત કરતા કરતા અચાનક આવી પડેલી ઉપાધિનું નિરાકરણ કેવી રીતે કરવું એની ગડમથલમાં કાંઈ વિચારે ત્યાં એમણે લાજુબાઈને ખીમજી પટેલ તરફ જતા જોઈ રાહતનો શ્વાસ લીધો અને ઝડપથી ફેરા ફરી રહેલા અનંત અને સુજાતા પાસે આવીને એવી રીતે ઉભા રહી ગયા કે ખીમજી પટેલની નજર કમરપટ્ટા પર ન પડે.

"માલિક...." લાજુબાઈ ખીમજી પટેલનો હાથ ઝાલી રીતસર ઢસડતી હોય એમ મંડપની પાછલી બાજુએ ખેંચી ગઈ.

"માલિક... તમે અહીં શું કરો છો? લગ્નના રંગમાં કેમ ભંગ પાડવા માંગો છો. શેઠના ઘણા ઉપકાર છે અમારા પર, આટલા વર્ષોથી એ અમ મા-દીકરીને ઘરના સભ્યની જેમ સાચવતા આવ્યા છે. ચાલ્યા જાઓ અહીંથી" બે હાથ જોડી રડતી રડતી લાજુબાઈ કરગરી રહી હતી.

"જ્યાં સુધી મને મારી તરાનાનો કમરપટ્ટો પાછો નહીં મળે, હું અહીંથી જવાનો નથી. મેં શેઠને પંદર દિવસની મહેતલ આપી હતી, એ મહેતલ પુરી થવામાં થોડાક જ દિવસ બાકી છે અને એકવાર મહેતલ પુરી થઈ ગઈ તો મને કોઈ રોકી પણ નહીં શકે... કોઈ પણ નહીં.....ખુદ ખુદા પણ નહીં...." ખીમજી પટેલે એક હાથે દાઢી ખંજવાળતા અને બીજા હાથે કમરે બાંધેલી કટાર કાઢી લાજુબાઈને ધમકીભર્યા સ્વરે કહ્યું.

"માલિક.... પણ એ કમરપટ્ટો શેઠ પાસે નથી, એ તો ચોરાઈ ગયો છે... શેઠ ક્યાંથી ને કેવી રીતે લાવી આપે તમને?"

"એ હું કંઈ ન જાણું, મને મારો કમરપટ્ટો મળી જાય તો હું કોઈપણ જાતનું નુકસાન કર્યા વગર જ પાછો જતો રહીશ. અને... જો કમરપટ્ટો ના મળ્યો તો શેઠ તો શું શેઠના વંશનું પણ કોઈ નામોનિશાન નહીં રહે."

"માલિક.... જુઓ... સમજવાની કોશિશ કરો. અત્યારે શેઠના એકના એક દીકરાના લગ્ન લેવાઈ રહ્યા છે અને એમાં જો તમે કોઈ ધાંધલ ધમાલ કરી તો આવેલા બધા સગા સંબંધી, મહેમાનો સામે શેઠનું નીચજોણું થશે."

"લાજુબાઈ, શેઠની બહુ ચાપલુસી કરી રહી છે તુ, યાદ છે ને તેં મારું નમક ખાધું છે."

"નમક તો મેં શેઠનું પણ ખાધું છે, માલિક."

",કયાંક એવું તો નથી ને કે એ કમરપટ્ટો તેં જ ચોર્યો હોય."

"અરે... ના....ના.... માલિક, હું એ કમરપટ્ટાનું શું કરું ને શું કામ ચોરું?" લાજુબાઈ ખીમજી પટેલને વાતોમાં ઉલઝાવી એમનું ધ્યાન બીજે દોરી વહેલી તકે એમને અહીંથી વળાવવાની વેતરણમાં હતી તો ખીમજી પટેલ પણ એમ ગાંજયા જાય એમ નહોતા એ પણ સુપેરે જાણતા હતા કે લાજુબાઈ પાસેથી કોઈ ને કોઈ કડી અવશ્ય મળી આવશે એટલે એ આરામથી મંડપની પાછલી બાજુએ આવેલી પાળી પર ને બીડી સળગાવી ને બેસી ગયા.

"માલિક, તમે જાઓ અહીંથી તો હું પણ અંદર જાઉં. મારે હજી ઘણા બધા કામ બાકી છે, તમારો સંદેશ હું શેઠને પહોંચાડી દઈશ. મહેરબાની કરીને હવે તમે જાઓ."

"આટલી ઉતાવળ શું છે લાજુબાઈ, આવ્યો જ છું તો લગ્નના જમણવારમાં મોઢું મીઠું કરી ને જ જઈશ."

"શું કરું હવે, કોઈપણ ભોગે માલિકને અહીંથી રવાના તો કરવા જ પડશે.કાંઈક તો કરવું જ પડશે," લાજુબાઈ મનોમન કોઈ ઉપાય શોધી રહી હતી.

"માલિક, તમે શેઠને પંદર દિવસની મહેતલ આપી છે ને એ પુરી થવાને હજી બે-ત્રણ દિવસ બાકી છે તો હમણાં તમે જાઓ. મુદત પૂરી થતાં પહેલાં શેઠ કમરપટ્ટો શોધી કાઢશે એટલો વિશ્વાસ તો મને એમના પર છે."

"પણ મને તારા શેઠ પર પણ વિશ્વાસ નથી અને તારા પર પણ."

"આટલા વર્ષો મેં તમારા ઘરે કામ કર્યું એનો આ બદલો? માલિક અમે ગરીબ જરૂર છીએ પણ ગદ્દાર નથી. તમને મારી વાત પર વિશ્વાસ હોય તો અહીંથી જતા રહો અને બે દિવસ હજી રાહ જુઓ અને જો ત્યારબાદ પણ શેઠ તમને કમરપટ્ટો પાછો આપવામાં નિષ્ફળ રહ્યા તો તમે તમારી મરજીના માલિક છો."

"ઠીક છે લાજુબાઈ... અત્યારે તો હું પાછો જાઉં છું પણ તારા શેઠને કહી દેજે કે એમની પાસે ફક્ત બે જ દિવસનો સમય છે પછી એમની પાસે કે શેઠાણી પાસે નવીનવેલી દુલહનને પોંખવાનો ને ઘરે કંકુ પગલાં કરાવવાનો પણ સમય નહીં મળે," કહી ખીમજી પટેલ ઝડપથી ત્યાંથી રવાના થઈ ગયા અને લાજુબાઈ ઊંડો શ્વાસ લઈ મંડપમાં પાછી ફરી ત્યાં સુધી અનંત અને સુજાતા ફેરા પુરા કરી વડીલોના આશીર્વાદ લઈ રહ્યા હતા.

મંડપમાં જઈ લાજુબાઈ અને જમના સાથે મળી કામે લાગી ગઈ. લાજુબાઈ નવદંપતિને મળી રહેલી ભેટસોગાદો એકબાજુ ગોઠવી રહી હતી તો જમના સુજાતાની બાજુમાં બેઠેલી નિર્મળા પાસે ઉભી રહી આશીર્વાદ આપવા આવનાર દરેક મહેમાનોને જમવા માટે પંગત તરફ દોરી જતી હતી.

લગ્નની ધમાલમાં આખો દિવસ પૂરો થઈ ગયો અને કન્યાવિદાયનો સમય આવી પહોંચ્યો. દિવસભર રહેલું મસ્તીભર્યું વાતાવરણ હવે ગમગીન બની ગયું. અત્યાર સુધી લગ્નમાં મહાલતા જાનૈયાઓ શાંત સરોવરના સ્થિર જળની જેમ ઉભા રહી ગયા. નગીનદાસ અને હેમલતા બંને સુજાતાનો હાથ પકડી ધીમે ધીમે આવી રહ્યા હતા, ત્રણેયના હૈયા એમની આંખો સાથે રડી રહ્યા હતા. એમની પાછળ આવી રહેલા સુજાતાના પિતરાઈ ભાઈ-બહેનો ને મોસાળેથી આવેલા સ્નેહીજનોના ડુસકાઓથી વાતાવરણમાં ઉદાસી છવાઈ ગઈ હતી સાથે વલ્લભરાય અને નિર્મળાની આંખો પણ છલકાઈ રહી હતી.

"સમર્પણ દ્વારા પિતાનું અને સેવા દ્વારા પતિનું એમ બંને કુળ ઉજાળજે દીકરી," હેમલતા છાતીસરસી ચાંપી સુજાતાને કપાળે ચૂમી આશિષની સાથે સફળ ગૃહસ્થજીવન માટે શિખામણ પણ આપી રહી હતી.

"બેટા, ધૈર્ય, સહનશીલતા અને વિશ્વાસના પાયા પર ટકેલી લગ્નજીવનની ઈમારતને સ્નેહ અને લાગણીથી તારે સજાવવાની પણ છે અને સંભાળવાની પણ છે," નગીનદાસ સુજાતાને અનંતની ગાડી તરફ લઈ જઈ રહ્યા હતા.

"અનંતકુમાર, આજથી અમારી દીકરી તમારી થઈ, અત્યાર સુધી ફૂલની જેમ સાચવેલી અમારી રાજકુમારીની જવાબદારી તમને સોંપીએ છીએ," નગીનદાસ અને હેમલતા બંનેએ સુજાતાને ગાડીમાં બેસાડી.

"મા-પિતાજી, તમે ચિંતા નહીં કરો, તમારી દીકરીને મારા મા-બાપુ પોતાની દીકરીની જેમ જ સાચવશે અને મને પણ તમારો જમાઈ ન ગણતા દીકરો જ માનજો," અનંતે સાસુ-સસરાના આશીર્વાદ લીધા અને જાન પાછી વડોદરા માટે રવાના થઈ.

વહેલી સવારે વડોદરા પહોંચ્યા ત્યારથી લાજુબાઈ અને જમના ખડેપગે સાથે આવેલા મહેમાનોની આગતાસ્વાગતામાં લાગી ગઈ હતી. બપોર પછી ધીમે ધીમે મહેમાનો પણ વિદાય લઈ રહ્યા હતા. ભર્યું ભર્યું ઘર ધીમે ધીમે ખાલી થઈ રહ્યું હતું અને સાંજે તો ઘરમાં માત્ર છ જ જણ રહ્યા.

રાત પડતાં, અનંત અને સુજાતા એમની રૂમમાં ગયા ને ત્યાં જઈને જોયું તો જમના પહેલેથી જ રૂમમાં હાજર હતી એણે રૂમને ખુબજ સુંદર રીતે સજાવ્યો હતો અને બંનેને જોઈ દરવાજે આડી ઉભી રહી ગઈ.

"એ....ય... ચિબાવલી, હવે તો મારો પીછો છોડ... હવે મારું ધ્યાન રાખનારી આવી ગઈ છે. બહુ સહન કરી તને હવે જા અને મા ને માસીને મદદ કર."

"એમ કાંઈ હું તમારો પીછો છોડવાની નથી. પહેલા મારી ભેટ પછી જ આ ઓરડીમાં પગ મુકવાની રજા મળશે અને ભલે તમારું ધ્યાન રાખનારી આ મારી ભાભી આવી ગઈ છે પણ તમારા બંનેનું ધ્યાન રાખવા જ હું આવી છું. ભૂલથી પણ મારી ભાભીને હેરાન કરવાની ભુલ નહીં કરતા નહીંતર...."

"વાહહહ.... હજી તો પરણીને આ ઘરમાં પગ મૂક્યો છે ત્યાં તો બેનબાએ આ ભાઈને ભુલી ભાભીની ચમચાગીરી પણ શરૂ કરી દીધી."

"જમના.... એ જમના... હવે એ બેઉને પજવવાનું મુક ને અહીં આવ. એમને આરામ કરવા દે." લાજુબાઈએ બૂમ પાડી એટલે જમના અનંતને અંગુઠો બતાવી ત્યાંથી જતી રહી અને અનંતે સુજાતા સાથે સહજીવનની શરૂઆત સમી પ્રથમ મિલનની પ્રથમ રાત્રિએ એકબીજાને સમજવાની અને એકબીજામાં ઓગળી જવાની સુખદ કલ્પના સાથે ઓરડીમાં પ્રવેશ કર્યો.

"જમના, તું ઓરડીમાં જઈને સુઈ જા, થાકી ગઈ હોઈશને દીકરા, થોડુંક જ કામ છે એ પતાવીને હું પણ થોડીવારમાં આવું છું."

"ભલે મા, ઝટ આવજે, થાકી તો તું પણ ગઈ છે."

"હા, તું જા હું હમણાં જ આવી," કહી લાજુબાઈ પરસાળમાં બેઠેલા વલ્લભરાય પાસે ગઈ અને જમના ઓરડીમાં.

"શેઠ... " લાજુબાઈ ખચકાટ સાથે ઉભી રહી.

"લાજુબાઈ, હું તમારી જ રાહ જોતો હતો. શું કહ્યું પટેલે?"

"શેઠે, માલિકે કહ્યું છે...કે... શેઠને કહી દેજે કે એમની પાસે ફક્ત બે જ દિવસ બચ્યા છે..જો બે દિવસ બાદ કમરપટ્ટો નહીં મળે તો...... તો...... "લાજુબાઈની જીભ આગળ બોલતાં થોથવાઈ રહી હતી.

"એ મને નહીં છોડે, એમ... ને..., લાજુબાઈ, તમે જરાય ચિંતા કર્યા વગર સુઈ જાઓ, ખીમજી પટેલને કેમ વારવા એનો ઉપાય મને જડી ગયો છે...... તમતમારે નિરાંતે સુઈ જાઓ. તમારા ચહેરા પર ચિંતા અને થાક બંને દેખાય છે." એક લુચ્ચાઈભર્યા સ્મિત સાથે વલ્લભરાય ઉભા થઇ પોતાની ઓરડીમાં ગયા.

"શેઠને એવો તે કયો રસ્તો જડી ગયો છે કે એ ખીમજી પટેલ જેવા જમાનાના ખાધેલ અને લુચ્ચા માણસની ધમકીને આમ સહજતાથી લઈ રહ્યા છે.... નક્કી દાળમાં કાંઈક તો કાળું છે પણ એ કાળું શું છે એ મારે વહેલી તકે શોધવું તો પડશે જ," લાજુબાઈ મનમાં ને મનમાં કોઈ રમતના પ્યાદા ગોઠવતી ડંખીલું સ્મિત આપી ઓરડીમાં જતી રહી.

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.