DHOBI GHAT in Gujarati Love Stories by DINESHKUMAR PARMAR NAJAR books and stories PDF | ધોબીઘાટ

Featured Books
Categories
Share

ધોબીઘાટ

ધોબીઘાટ......... દિનેશ પરમાર નજર
*****************************************

હશે એનાય ચ્હેરા પર ડૂબેલી નાવની પીડા
અટૂલી તટ ઉપર ફરતી હવાને ધ્યાનથી જોજે

પછી લોહી-નીતરતી વારતાનું ઘર તને મળશે
તરસતી ચાર ભીંતો પર છજાને ધ્યાનથી જોજે
- ધૂની માંડલિયા
****************************************

કપડા ધોવા આવેલા ધોબી ભાઈઓના " રામ રામ" અને "જય બાંકે બિહારી" જેવા નારા અને કપડાં ભરીને આવેલી રેંકડીઓના કિચૂડ કિચૂડ અવાજથી...
બે કાંઠે વહેતી નદીની પૂર્વ તરફના કાંઠે સ્થાનિક સંસ્થા દ્વારા કપડા ધોવા ફાળવેલ છે તે જગ્યા પર આવેલો -
આખી રાતનો શાંત અને સુષુપ્ત થઈ ઘોરતો ધોબીઘાટ વહેલી સવારે આળસ મરડીને જાગ્રત થઈ જતો.
અને આ દ્રશ્ય જોઈ મને પ્રસિદ્ધ ગઝલકાર ધૂની માંડલિયાની ગઝલનો શેર યાદ આવી જતો...

||બધી પનિહારીઓ પ્હેરે છે કંકણ એટલા ખાતર -
સૂતેલા શાંત પનઘટને સવારે જાગતા ફાવે||

સવારે સવારે ધોબીઓ, પોતાના પ્રાદેશિક લોકબોલીના લહેકામાં ગીતો ગાતા જાય અને કપડા ધોતા જાય અને નદીના ઢોળાવ પર વાંસ અને કાથીની વળગણી પર સુકવતા જાય. અડધો દિવસ તો ક્યાં પસાર થાય ખબર જ ના પડે. એમાં વળી કંટાળે તો નદીનો ઢાળ ચઢી ડામર રોડની આ તરફે ઉભી રહેતી લારીઓ જેમાં, ચા નાસ્તો, પાન બીડી મળે તેનો આનંદ મેળવી લે.
મુળ રાજસ્થાન પણ બે પેઢી અગાઉ આ શહેરમાં તેમના વડવાઓ આવી વસેલા અને શહેરની જુદી જુદી કપડા ધોવાની દુકાનોમાંથી કપડા લાવી, નદી કિનારે ઘાટ પર કપડા ધોવાનું કામ કરતા શિવ નારાયણની હવે ઉંમર થઈ ગઈ હતી અને હાંફ ચઢતી હતી એટલે છેલ્લા છ એક મહિનાથી ઘાટ પર તેમના યુવાન દીકરા ચંદ્રમોહનને મદદમાં લાવતા હતા.
ચંદ્રમોહન બારમાં ધોરણ સુધી ભણ્યો હતો. આગળ ભણવાની ઈચ્છા હતી પણ પિતાજીની નાદુરસ્ત તબિયતને કારણે ધોબીકામમાં જોતરાવું પડયું હતું.
તે પિતાજી સાથે રોજ ઘાટ પર આવતો. પિતાજીને કપડા આઘાપાછા કરવા સિવાય બાકીનું કામ તે કરી લેતો હતો.
કપડા ધોતાં ધોતાં, મૂડ બનાવવા તે વચ્ચે વચ્ચે નદીનો રેતાળ અને આછા ઉગી નીકળેલા ઘાસ વાળો ઢાળ ચઢી રસ્તા પાસેની લારી એ જતો, રામ ભરોસેની લારી પર અડધી ચા પી બાજુમાં બિહારી ચાચાની લારી પરથી, તમાકું ચૂનો લઈ મસળી હોઠની અંદર ભરાવી એકાદ બે મિનિટ તેની મજા લઈ પાછો કામ કરવા ઘાટ પર ચાલ્યો જતો.

*********

બિહાર, યુ. પી., મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોના ગરીબ મજદૂર રોજીરોટી માટે આવતા ગયા તેમ રહેવા માટે , રોડની સામેની તરફ આવેલી સરકારી પડતર જમીન પર, શરૂઆતમાં કાચા ઝુંપડા, પછી કાચા-પાકા મકાનો અને સમય જતા સ્થાનિક કોર્પોરેટરને સાધી લઈ લાઈટ, પાણી જેવી સગવડો મેળવી લીધેલ. છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી રહેતા ઘણા લોકોએ પોતાની જરૂરિયાત અને સગવડ થતા પાકા મકાનો બનાવી દીધા હતા.
સામેના મકાનોમાં ડાબેથી ત્રીજા મકાનમાં લખમીકુંવર કરીને વિધવા ડોશી રહેતી હતી. ત્રણ વર્ષ પહેલા તેણે તેના દીકરા સુખીરામને પરણાવેલ , દીકરાની વહુનું નામ કેશર કુંવર હતું.
તેનો છોકરો સુખીરામ માંડ પાંચ ચોપડી ભણેલો. નોકરી મળે તેમ નહોતી એટલે તે, શહેરમાં ભરાતા નાકા પર જતો અને પ્લમ્બિંગકામ શીખેલો તે, ખાવા પીવા જેટલું રળી લેતો.
એકવાર બહાર આંગણામાં કચરો વાળતી કેશરનો, પાલવ પવનમાં ઉડતા જ એનો ગોરો રૂપાળો અને મનમોહક ચહેરો ઉઘાડો થઈ જતા જ અને તેજ સમયે, મસાલો ખાવા આવેલ ચંદ્રમોહનની નજર પાડતા જ તેના રોમ રોમમાં એક આહ્લાદક કંપન પસાર થઈ ગઈ અને તેજ સમયે કેસરનું ધ્યાન પણ તે તરફ જતા બંનેની આખો મળતા જ, ચંદ્રમોહનનું દિલ એક ધબકાર ચુકી ગયું. કેશર પરાયા પુરુષ સાથેની આ હરકતથી ગભરાઈ તરત જ પાલવથી મુખ ઢાંકતા જ અંદરની તરફ દોડી ગઈ.
પણ એનો માસુમ સુંદર ચહેરો, ચંદ્રમોહનના હ્રદયમાં કોતરાઈ ગયો. અને એને એના દર્શનનું માનો કે વ્યસન થઈ ગયું એટલે
મૂડ સારો કરવા દિવસમાં એકાદ વાર પાન-મસાલાની લારી પર આવતો ચંદ્રમોહન, કપડા ધોતાં ધોતાં બે થી ત્રણ વખત મૂડ બનાવવાના બહાને પાનની લારી પર આવતો થયેલો. અને આવે ત્યારે સામેના ભાગે, મકાનોની વસાહતના ત્રીજા મકાન તરફ વારે વારે જોયા કરતો.
બિહારી ચાચા એની આ હરકત પામી ગયા હતા. પણ એમને શું? એમને તો તેમના ધંધાથી મતલબ.
તો યે એકવાર ન રહેવાતા બોલ્યા, " ચંદભાઈ, બિચારી બહુ દુઃખી છે. જ્યારથી લગન કરીને આવી છે. તેની સાસુ તેને જેમતેમ બોલીને વાતવાતમાં તેને ભાષામાં ગંદી ગાળો અને જેમ ફાવે તેમ બોલીને ખખડાવ્યા કરે છે."
ચંદ્રમોહન બોલ્યો, " એમ...? પણ કારણ... શું..?."
"અરે!..આ ડોશીને હું વર્ષોથી જાણું છું. તેનો પતિ મારી પાસે જ આવી તમાકું ખાતો હતો. પહેલેથી જ ખુબ ઝઘડાખોર છે તેનો પતિ પણ ત્રાસી જતો, મારી પાસે આવી ડોશીને ગાળો બોલી ભડાસ કાઢતો. આજુબાજુનું એકપણ ઘર તેના ઝઘડાથી બાકાત નથી. લોકો પણ એનું નામ નથી લેતા. "
મસાલો બનાવતા બનાવતા એકી શ્વાસે બિહારી ચાચા બોલી ગયા.
" એનો પતિ એના ત્રાસથી જ વહેલો ઉકેલી ગયો અને મને લાગે છે જો આમ ને આમ ચાલસે તો તેનો દીકરો કે દીકરાની વહુમાંથી કોઈ એક ઝાઝુ નહીં ટકે... " બોલીને મસાલો ચંદ્રમોહનના હાથમાં મૂક્યો.
ચંદ્રમોહનને કેસરનો સુંદર અને નિર્દોષ ચહેરો એટલો ગમી ગયો હતો કે તેની એક ઝલક તેના રોમે રોમમાં એક ન સમજી શકાય તેવો આનંદ ભરી દેતી હતી.
શાયર શયદાની ગઝલના શેરની જેમ જ-
||આપના દર્શનની ખુબી શુ કહું
દિલના દસ કોઠામાં દીવા થાય છે ||
એટલે તે બિહારીચાચાની વાતો સાંભળી ખિન્ન મનથી, ઘાટ પર કપડા ધોવા ગયો ત્યારે,
કપડા ધોવાના ઘાટના પથ્થરમાં કેશરની જડ સાસુ દેખાવા લાગી અને તે, પથ્થર પર જોરથી કપડા પછાડવા મંડી પડ્યો.

*********

"અરે... ચંદભાઈ.. આજે સવારે તો સામે ખુબ બોલાચાલી થઈ હતી." મસાલો બનાવવાની તૈયારી કરતા બિહારીચાચા બોલ્યા.
"એમ... વળી આજે શું થયું?" ઉચાટ અને ચિંતા ભર્યા ચહેરે ચંદ્રમોહન બોલી ઉઠયો.
"અરે એક તો એનો છોકરો સુખીરામ કલર જાય તો પૈસા પાછા જેવો છે પણ પોતે અમદાવાદમાં રહેતા હોઈ, રાજસ્થાનના અંતરિયાળ ગામડામાં રહેતા ગરીબ, લાચાર ને તેમના સમાજના જ માણસની મજબૂરીનો લાભ લઈ , તેઓની ખુબ રૂપાળી છોકરીને એની વહુ તરીકે લઈ આવ્યા... પણ.." બિહારીચાચા મસાલો મસળવા લાગ્યા.
" પણ..? પણ.... શું..? " આગળની વાત સાંભળવા ઉચાટમાં ચંદ્રમોહન બોલી ઉઠ્યો.
" સા....નાલાયક.. ડોશી...એક તો એના છોકરામાં ભલીવાર નથી. ડોશીને ડર છે કે આ ક્યાંક કોઈને લઈ ભાગી જશે, એટલે તેની ઉપર કડપ તો રાખે જ છે, પણ તેના ચરિત્ર વિશે પણ બેફામ બોલ્યા કરે છે. ક્યાંય આડોશ પાડોશમાં જવાની તો વાત બાજુ પર, કચરો કાઢવા અને વાસણ ઉટકવા સિવાય ઘરમાંજ પુરાય રહેવાનું... " મસાલો બિહારીચાચાએ ચંદ્રમોહન તરફ ધર્યો.
" આથી કંટાળેલી વહુએ સામો સહેજ બચાવમાં જવાબ આપ્યો તો ડોશી સાવેણીથી ઝૂડવા મંડી પડી,સુખીરામ તો નીચી મુંડીએ ઉભો રહીને જોતો હતો, છોડાવે પણ કોણ? બિચારી રોતી રોતી ઘરમાં જતી રહી. "
છેલ્લા થોડા દિવસથી ક્યારેક ક્યારેક બહાર આવતી કેશર, ચંદ્રમોહનની આંખમાં તેના પ્રત્યેનો સ્નેહ જોઈ, તેના તરફ પ્રેમથી જોઈ ક્ષણિક આનંદ મેળવવા ખાલી હસતી હતી. તેની આ નિર્દોષ લાગણીથી ખુશ ચંદ્રમોહન ઉપરની માર માર્યાની વાત સાંભળી ખુબ ગુસ્સે થયો અને ગુસ્સામાં ઘાટ પર ગયો અને...ધબાધબ... મંડી પડ્યો...ઘાટના પથ્થર પર....

*************

રોડ તરફ લોકોનો રડવાનો અવાજ અને બૂમબરાડા સાંભળી, ઘાટ પર કપડા ધોતાં અન્ય ધોબીઓ સાથે ચંદ્રમોહન પણ તે તરફ ભાગ્યો.
રોડની સામે વસાહતમાં લોકોની ભીડ જામી હતી. ત્રીજા મકાનમાંથી રોકકળનો અવાજ આવી રહ્યો હતો.
પાનની લારીની બહાર આવી ગયેલા બિહારીચાચા, ચંદ્રમોહનને જોતા જ એકબાજુ લઈ ગયા.

"ગઈકાલ તેમની પડોશમાં, વહુને છોકરો આવ્યો તેની ખુશીમાં પાડોશણ પેંડા આપવા ગઈ તો કેશરની સાસુને એવી લાહ્ય લાગી કે તેની વહુ કેસર છેલ્લા ત્રણ વર્ષથી પેટ નથી માંડતી એના વિશે, ગોઝારી, મારા ઘરનું નખ્ખોદ કાઢવા આવી છે, કુલટા, જેવા કડવા વખ શબ્દોથી એવી ઝાટકી કે, કેશરને એટલું બધું લાગી આવ્યું કે મોડી રાત્રે માંકડ મારવાની દવા ગટગટાવી લીધી. અને દવાખાને લઈ જાય તે પહેલા જ હરિ ઓમ થઈ ગઈ. "
ચંદ્રમોહનને લાગ્યું કે તેના શરીરમાં લોહી થંભી ગયું છે. ગુસ્સાથી લાલચોળ થયેલ ચંદ્રમોહનના હાથપગમાં ન સમજાય તેવી કંપારી છુટી. તે બીજું તો કશું કરી શકે તેમ નહોતો.
તે પરાણે પગ ઢસડીને માંડ માંડ ઘાટ પર પહોંચ્યો. અને ઘાટનો પથ્થર જોતાની સાથે જે કપડું હાથમાં આવ્યું તે લઈ જોર જોરથી મંડી પડ્યો.
પાંચ મિનિટ પથ્થર પર વસ્ત્ર પછાડ્યા પછી જોયું તો આ શું...???
તે તો હાથથી ધોવાનું મુલાયમ કોઈનું લાલચટક પાનેતર હતું. જે કાચા રંગનુ હોવાથી તેમાંથી નીકળેલા લાલરંગથી, ખરડાયેલ ઘાટનો પથ્થર, રક્ત- રંજિત લાગતો હતો.
ચંદ્રમોહન પાનેતર લઈ ધીરેધીરે વળગણી તરફ ગયો અને ઝટકો મારી સૂકવીને ચાલ્યો ગયો....

*************

આખી રાતનો ઉજાગરો ઉંચકી, લાલ લાલ આંખો સાથે ચંદ્રમોહન સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ ઘાટ પર આવ્યો. આજે અઠવાડિક રજા હોઈ ધોબીઘાટ સુમસામ લાગતો હતો. તેણે રોડ પરથી નદીના ઢોળાવ પર નજર નાખી. નિસ્તેજ અને ખાલી જણાતી બધીજ વરગણીમાં
એક વરગણી પર તેણે ગઈકાલે સૂકવેલ પાનેતર પડી ગયેલા પવનની ઉદાસી ઓઢી સ્થિર થઈ ગયું હતું.
તે ચાલતો ત્યાં ગયો...
તેની આંખોમાં ઝળઝળિયાં હતા.
ગઈકાલે ભાનગુમાવી જેમતેમ પછાડેલ પાનેતર લીરે લીરા અને અનેક છિદ્રોથી ઘાયલ જાણે કણસી રહ્યું હતું.
તે પાનેતરની એકદમ નજીક ગયો અને એક મોટા છિદ્રમાંથી પેલી તરફ જોયું.
તો -
નદીના કિનારા પર દૂર દૂર આવેલા સ્મશાન ઘાટ પર, અગ્નિદાહથી મુક્તિ પામેલ કેશરના નશ્વર દેહની જ્વાલા મુક્ત આકાશને પામવા જાણે ઉપરને ઉપર ઉડી રહી હતી....... .

****************************************