Human nature on its Peak - 2 books and stories free download online pdf in Gujarati

માનવસ્વભાવ - 2 - સ્વભાવ

સીમા એના ઘરમાં ખૂબ ભણેલી છોકરી હતી, એ જેટલું ભણી હતી એના ઘરમાં કદાચ જ કોઈ આગળ આવ્યું હશે. આઈ.ટી ફિલ્ડમાં એન્જીનીયરીંગ કર્યા બાદ એણે પોતાનું માસ્ટર્સ કર્યું. એ પછી તો એને ઘણા જોબના ઓફર આવવા લાગ્યા. એના પરિવાર કે કુટુંબના સભ્યોમાંથી માંડ અમુક જ ગ્રેજ્યુએશન સુધી પહોંચ્યા હતા. બધી રીતે સુયોગ્ય અને સુમેળ ધરાવતી સીમા માત્ર એક જ બાબતે અયોગ્ય હતી. જે વસ્તુ એના બધા જ ગુણો પર એક લાંછન લગાવતી હતી. ઘણા બધા સંબંધો એના માટે આવ્યા પણ એનું વર્તન હંમેશા બહાર આવી જ જતું. અને એ જ પળે એનો સબંધ તૂટી જતો.

સીમા પણ એમ હાર માની જાય એમ નહતી. એ જ્યારે પણ કોઈ છોકરાને મળતી ત્યારે કોઈને કોઈ રીતે એનો આ સ્વભાવ કે આ ખામી બહાર આવી જ જતી. છેવટે વારંવાર આ બનતા એણે નક્કી કર્યું, કે "સારી એવી નોકરી જો એની પાસે હોય તો એને કોઈ સાથે લગ્ન કરવાની જરૂરિયાત શુ છે? એ કરતા તો એકલું રહેવું વધુ બહેતર છે." અને પછી એનું વર્તન વધુ ખરાબ થઈ ગયું.

એક વખતની વાત છે. સીમાના મોટા બાપાના ઘરે એમના દીકરાની સગાઈનો પ્રસંગ હતો, સીમાને એ દિવસે રજા લેવાનું કહેવામાં આવ્યું હતું, કે જેથી સગાઈમાં કુટુંબના બધા જ સભ્યો હાજર રહી શકે. પણ એ વાત ન માનતા સીમા નોકરી પર જઈને પછી આવી. એની આ હરક્તથી મોટા બાપાને દુઃખ થયું પણ એ કંઈ બોલ્યા નહિ. પણ એના પિતાથી ન રહેવાતા એ બોલી ગયા, "એવું તો શું હતું કે તું આજે પણ જતી રહી. તને કહ્યું તો હતું સગાઈ વિશે. અહીં હાજર રહી હોત તો શું બગડી જવાનું હતું??"
સીમા પોતાનો અવાજ થોડો ઊંચો કરતા જ બોલવા લાગી, "મને પૂછીને સગાઈ રાખી હતી? શુ ફરક પડી જાય? હું હોઉં કે ન હોઉં.... વાતો તો એવી કરો છો જાણે મારા વગર આ બધા મરી જવાના હોય....."
આ વાત સાંભળી એના પિતા કદાચ એને થપ્પડ જ મારી દેત. પણ સંજોગો જોઈ અને ઘરમાં મહેમાન આવેલા જોઈ એ ચૂપ રહી ગયા. પણ ઘણા બધા મહેમાનો હવે આ પરિસ્થિતિ જોઈ ચુક્યા હતા. એમાંથી જે એક જણ સીમાને જોઈ એના પપ્પાને એના સબંધ થયો છે કે નહીં? એ વિશે પૂછવાના હતા. એ એણે પૂછવાનું માંડી વાળ્યું.

માત્ર એક વખત હોય તો સમજી શકાય પણ એક રીતે સીમા કોઈની સાથે પણ આવી રીતે જ વાત કરતી. એમ પૂછો કે આવું કેમ? તો એનો એક જ જવાબ હોય, "મને તો બધું મોઢા પર કહેવા જોઈએ. હું કોઈની પીઠ પાછળ નથી બોલતી...." એ ચક્કરમાં એના સિનિયર, જુનિયર, પરિવારના સદસ્યો, દોસ્તો, અહીં સુધી કે આસપાસના બધાને પોતાની આ આખાબોલી ભાષાનો શિકાર બનાવ્યા. અને સાથે-સાથે બધાની સાથે ઝઘડો પણ કરી લીધો.

સીમાની આસપાસના લોકો એનાથી ખૂબ કંટાળ્યા હતા. કોઈ એને બોલાવવા ઇચ્છતું નહતું. એ સાવ એકલવાયી થઈ ગઇ હતી. એના પિતા અને ભાઈ પણ એના જીવનમાં કોઈ જાતની દખલગીરી કરતા નહિ.
છેવટે એક દિવસ એવું થયું કે સીમા એક કોંફરન્સમાં ગઈ હતી, ત્યાંથી ઘરની દુરી ખાસ્સી 40 થી 50 કિલોમીટર જેવી હતી. ત્યાંથી એણે કેબ કરવા વિચાર્યું. વચ્ચે સુમસામ રસ્તો આવતો હતો. એના આખાબોલા સ્વભાવના લીધે કોઈ સાથીદાર એની સાથે આવવા તૈયાર નહતો. એટલે એ એકલી જ એ કેબમાં ગાંધીનગરથી અમદાવાદ આવવા નીકળી ગઈ.

કેબના ડ્રાઇવરે રસ્તો જલ્દી કપાય એ માટે અને પોતાનો થાક દૂર કરવા માટે ગીતો ચાલુ કર્યા હતા. પણ સીમાને એ કંઈ ખાસ પસંદ આવી ન રહ્યા હતા. અને એને ગુસ્સો ચઢવા લાગ્યો. શાંતિથી પોતાની વાત મુકવાની જગ્યાએ એણે ગુસ્સામાં જ બોલવાનું શરૂ કર્યું, "ઓયે મેં તને ગીતો વગાડવાના પૈસા નથી આપ્યા. ચુપચાપ ગાડી ચલાવ અને મને મૂકી જા..." એની આવી વાત સાંભળી ડ્રાઈવર ગુસ્સે તો થયો પણ કઈ બોલ્યો નહિ અને એણે પોતાની ગાડીનું ટેપ બંધ કરી દીધું. થોડીવાર થઈ હશે કે સીમાને ઠંડી લાગતા એણે કઈ જ કહ્યા વગર ગાડીના કાચ ખોલી દીધા. એ વખતે ત્યાંનો રસ્તો ખરાબ હતો. ધૂળ-માટીથી બચવા માટે ડ્રાઇવરે એ.સી. ચાલુ કર્યું હતું. અને સીમાની આ હરકત પછી ગાડીમાં ખૂબ ધૂળ-માટી આવી ગઈ.
એની આ હરક્તથી ડ્રાઈવર બોલ્યો, "બેન એ.સી. ન જોઈતું હોય તો કહી દેવું હતું. આ રીતે કાચ ખોલી તમે મારી આખી ગાડી ખરાબ કરી..."
પછી શું સીમાએ પોતાના આખાબોલા સ્વભાવ પ્રમાણે સંભળાવી દીધું, "પૈસા તો આપું છું ને તને. આટલી બુમાબુમ શુ કરે છે?"
પછી શું?? ડ્રાઈવરે ત્યાં જ ગાડી રોકી અને સીમાને ઉતરવા કહ્યું, સીમાએ એની કંમ્પ્લેઇન કરવાની વાત કરી તો ડ્રાઈવર હસવા લાગ્યો. "બેન આ મારી ગાડી છે. અને જો કોઈ મારી સાથે ખરાબ વ્યવહાર કરે તો હું એને ઉતારી શકું છું. માત્ર તમારા 500 રૂ.થી તમે મને ખરીદી નથી લીધો. હવે તમે અહીં ઉતરશો કે હું ઉતારવા આવું."

આવું એ બોલ્યો કે સીમા ગભરાઈ ગઈ અને નીચે ઉતરી ગઈ. ઘણીવાર સુધી એ એમ જ ત્યાં ઉભી રહી, અને ગાડી એને ત્યાં ઉતારી જતી રહી.
એણે પોતાના સાથીમિત્રોને ફોન લગાવ્યો, પણ એનું ભૂતકાળનું વર્તન જોઈ કોઈએ ફોન ન ઉપાડ્યો. છેવટે એણે એના પપ્પાને ફોન કર્યો. સગાઈવાળી ઘટના બન્યા બાદ એ બંને વચ્ચે વાતચીત બંધ હતી. સીમાને ડર હતો કે ક્યાંક એના પપ્પા પણ ફોન નહિ ઉપાડે. પણ એમણે ફોન ઉપાડ્યો અને આખી વાત જાણી તરત પોતાની બાઇક લઈ એ સીમાને લેવા નીકળી ગયા. રાતના 9 વાગ્યાનો સમય થઈ ગયો હતો. એ ફોન કર્યાના અડધો જ કલાકમાં ત્યાં પહોંચી ગયા, અને સીમાને એવી જગ્યાથી લઈ ગયા.

ઘરે જઈ સીમા પોતાની સાથે થયેલ આ ઘટનાથી પરેશાન હતી ત્યારે એના પપ્પાએ એને એક વાત કહી, "બેટા, માણસ જોડે ભલે અખૂટ જ્ઞાનનો ભંડાર હોય, પણ જરૂરત વગર એ બીજા કોઈને આપે તો એનું કોઈ જ મૂલ્ય નથી હોતું. તારો આ આખાબોલો સ્વભાવ પણ એવો જ છે. માણસને ધૂળની પણ જરૂર પડે છે. બસ તને એમ લાગ્યું કે તું બધી રીતે સંપૂર્ણ છે. એ માન્યતા આજે ખોટી પુરવાર થઇ. અને તારો સ્વભાવ તને જ આંખો બતાવી ઉભો રહી ગયો. તું નસીબવાળી છે કે કઈ અજુગતું ન બન્યું. પણ એકવાર શાંત ચિત્તે તારા આ અનુભવ પર નજર કરી જોજે." બસ એ દિવસ પછી તો સીમાનો આ આખાબોલો સ્વભાવ તરત બદલાઈ ગયો.

(સાચે જ માણસને ધૂળની પણ જરૂર પડે છે. પોતાને સર્વેસવા સમજી બધાને નીચા બતાવતા રહીએ તો છેવટે આપણી કિંમત પણ ઘટી જાય છે. માણસ જેવા સામાજિક પ્રાણીને બધાની જરૂર પડે છે, ધૂળની પણ....)

ટૂંકીવાર્તાઓ