Human nature on its Peak - 4 books and stories free download online pdf in Gujarati

માનવસ્વભાવ - 4 - મોહ

તારી દુરીઓએ કંઈક નવું શીખવાડ્યું મને,
મારી જ નજીક એ લઈ ગઈ મને....


આશિષ અને શ્વેતા. એકબીજા વગર અધૂરા. બી.કોમ.ના પ્રથમ વર્ષે જ જી.એલ.એસ. કોલેજમાં બંને મળ્યા. અને બંને વચ્ચે દોસ્તી થઈ. શરૂઆતમાં તો બંને જણા બધા જ લેક્ચરસ અટેન્ડ કરતા. પણ ધીમે-ધીમે દોસ્તોનો સાથ મળતા અને એક કોમન ગ્રૂપ થતા એ લોકો લેક્ચરમાં બન્ક મારવા લાગ્યા. ત્યારબાદ તો સામેના પ્રખ્યાત બગીચામાં બેસવા લાગ્યા. અને એ પછી તો રિવરફ્રન્ટ, થિયેટર્સ, મોલ અમદાવાદની કોઈ જગ્યા ફરવા માટે બાકી ન રાખી. એમના ગ્રૂપમાં ધીમે-ધીમે બધા જ કપલ(કોલેજમાં ટાઈમપાસવાળા લવરિયા) બનવા લાગ્યા. છેલ્લે બચ્યા માત્ર આશિષ અને શ્વેતા. એ બંને આમ તો દોસ્ત હતા. પણ હવે દોસ્તો એકલા એકલા સમય પસાર કરવા લાગ્યા હોવાને કારણે એ બંને એકલા પડ્યા. આ એકલતાનો લાભ ઉઠાવ્યો એમના જુવાન હૈયાઓએ. એ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા.

ત્રીજા વર્ષમાં આવતા સુધીમાં તો બંને એકબીજામાં એટલા ઓતપ્રોત થઈ ગયા કે એ બંનેએ પરિવારથી છુપાઈને કોર્ટ મેરેજ પણ કરી લીધા. પરિવાર નહિ જ માને એ અટકળો વચ્ચે એમણે પોતાના મનને એક બહાનું આપી દીધું. જ્યારે ગ્રેજ્યુએશન પૂરું થયું કે શ્વેતાના પરિવારવાળા એની માટે સબંધ શોધવા લાગ્યા. ત્યારે જઈ શ્વેતાએ એના લગ્ન વિશેની વાત ઘરે કરી. જેવી આ વાત થઈ કે આશિષને શ્વેતાએ ફોન કરી બધું જણાવી દીધું. એ જ્યારે શ્વેતાના ઘરે પહોંચ્યો ત્યારે એ બધા ખૂબ ગુસ્સે હતા. અને આશિષને શ્વેતાને છોડી દેવા જણાવ્યું. એવું ન કરતા આશિષ એને લઈ નીકળી ગયો. પોતાના પરિવારને છોડી શ્વેતા ખૂબ દુઃખી હતી. પણ આશિષ સાથે રહેવાનો મોહ આગળ આ બધું એને વામણું લાગ્યું.

જેવા એ બંને આશિષના ઘરે પહોંચ્યા અને એના માતા-પિતાએ આ વાત જાણી તો આશિષને પણ ઘરમાંથી નીકાળી દેવામાં આવ્યો. પોતાના દોસ્તને આશરે રહી આશિષ અને શ્વેતાએ એક નોકરી શોધી અને એક મહિનામાં દોસ્તનું ઘર પણ છોડી દીધું. એકબીજા માટે એ બંને પૂરતા છે એમ માની એમણે ન તો પોતાના પરિવાર વિશે વિચાર્યું, અને ન તો આગળ કોઈ ભણતર વિશે. ભણવાની અને સારી નોકરીની તકો છોડી એ સામાન્ય નોકરી સાથે ખુશ રહેવા લાગ્યા.

એમના લગ્નને અને ઘર છોડ્યાને હવે એક વર્ષ થઈ ગયું હતું. આશિષ પોતાના આ જીવનથી કંટાળ્યો હતો, અને ક્યાંક ને ક્યાંક શ્વેતા પણ. આખો દિવસ ઘર અને નોકરીના ચક્કરમાં એ પોતાને અને પોતાના સબંધને સમય આપી શકતા નહતા. અને પરિણામ સ્વરૂપ એ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યો. એ બંને વચ્ચેનો મોહ ખૂબ જલ્દી પડી ભાંગ્યો. એકબીજા સાથે રહેવા માટે પરિવારની આશા પર પાણી ફેરવ્યું હતું. અને હવે એ જ અલગ જીવન જીવવા લાગ્યા હતા.

હમણાંની શ્વેતાની એક જ ફરિયાદ રહેતી કે આશિષ જેમ લગ્ન પહેલા એને ગિફ્ટ અને સરપ્રાઈઝ આપતો એ હવે કેમ નથી આપતો? ડ્રેસીસ, લંચ પાર્ટી, બર્થડે પાર્ટી બધું જ જે લગ્ન પહેલા હતું એ ગાયબ થઈ ગયું હતું. બસ શ્વેતા એક હકીકત અહીં નજરઅંદાજ કરી રહી હતી, લગ્ન પહેલા આશિષ એના પિતાની કમાણીમાંથી શ્વેતાને આ બધું આપતો હતો. જ્યારે હવે એ જાતે કમાતો હતો. સામે પક્ષે આશિષ પણ શ્વેતાના ઘરખર્ચ માટે પૈસા માગવાથી હેરાન થઈ ગયો હતો. લગ્ન પહેલા રૂપિયો ન માંગનાર શ્વેતા હવે જેટલા આપવામાં આવે એ પણ ખર્ચી નાખે છે. એણે જે હકીકત નજરઅંદાજ કરી એ શ્વેતાના પપ્પાએ એને આપેલી પોકેટમની હતી. બસ આ બંને હકીકતોમાં એમનું લગ્ન પહેલા અને લગ્ન પછીનું જીવન બદલાઈ ગયું હતું. એક રીતે એમ કહી શકાય કે એ બંનેને લોટ-ચોખાના ભાવ ખબર પડી ગયા હતા. આ ઝઘડાઓમાં દિવસો અને રાતો પસાર થઈ જતી. અને એમને ખ્યાલ પણ ન આવતો.

પણ છેલ્લા કેટલાક દિવસથી શ્વેતાનું વર્તન બદલાયું હતું. એ આશિષ જોડે ઓછામાં ઓછી વાતો કરતી. કોઈ વસ્તુ પણ માંગતી નહતી. અહીં સુધી કે ઝઘડો કરવાનો પણ સાવ બંધ કરી દીધો હતો. આ જોઈ આશિષને આમ તો બહુ શાંતિ થઈ. એ પણ હવે સારા મૂડમાં રહેવા લાગ્યો. એક જ ઘરમાં હોવા છતાં બંને એકબીજા માટે અજાણ્યા જેવો વ્યવહાર કરી રહ્યા હતા. ન તો એકબીજાને કઈ પૂછતાં અને ન તો કઈ કહેતા.
થોડા દિવસ આશિષને ખૂબ સારું લાગ્યું. પણ એ પછી જ્યારે એને આ બધું થોડું અજુગતું લાગવા લાગ્યું ત્યારે એણે શ્વેતા સાથે વાત કરવાનું વિચાર્યું. એની નજીક જવાનું વિચાર્યું. ગમે તે હોય પણ એ બંને પતિ-પત્ની હતા. એ વાતનો અસ્વીકાર કરી શકાય નહીં.

આશિષ જ્યારે શ્વેતાની સાથે વાત કરવાની કોશિશ કરતો ત્યારે શ્વેતા કોઈ બહાનું બતાવી ઘરમાંથી નીકળી જતી. છેવટે આશિષ જોડે કોઈ રસ્તો ન રહેતા એણે શ્વેતાનો પીછો કરવા વિચાર્યું. બીજા દિવસે શ્વેતા ઘરેથી નીકળી ત્યારે આશિષે નોકરી જવાની જગ્યાએ એનો પીછો કર્યો. એ વખતે શ્વેતા પોતાની ઓફિસે જવાની જગ્યાએ કોઈ બીજા રસ્તે ગઈ. પોતાનો શક સાચો હોવાનું લાગતા આશિષ એની પાછળ ગયો. શ્વેતાએ પોતાની રીક્ષા એક બગીચા પાસે થોભવી. અને અંદર ગઈ. આશિષ પણ પાછળ ગયો.

અંદર જતા શ્વેતા કોઈ પુરુષને ગળે વળગી રહી હતી. આશિષની તરફ એ પુરુષની પીઠ હોઈ એ એનો ચહેરો જોઈ ન શક્યો. પણ શ્વેતાને આમ અન્ય કોઈને ગળે મળતી જોઈ એના પગ તળેથી જમીન સરકી ગઈ. એને ખૂબ ગુસ્સો આવ્યો. એ શ્વેતાની જોડે જઈ એને દગો આપવાનું કારણ પૂછવા માંગતો હતો. એને થપ્પડ મારવા માંગતો હતો. પણ જેવો એ નજીક ગયો કે એને ખ્યાલ આવ્યો કે આ પુરુષ બીજું કોઈ નહિ પણ શ્વેતાનો ભાઈ છે. અને શ્વેતાને મારવા માટે ઉગામેલો હાથ એણે નીચે મૂકી દીધો.
આશિષની નજીક આવવાથી શ્વેતા ચોંકી ગઈ. શ્વેતાએ આશિષને અહીં આવવાનું કારણ પૂછ્યું, ત્યારે એને હકીકતની જાણ થઈ. આશિષ પણ એને આ બધું પૂછવા માંગતો હતો.
પણ એ કંઈ પૂછી શકે એ પહેલાં શ્વેતાના ભાઈએ આશિષને જ ધમકાવી દીધો, "તમે બંનેએ પોતાની મરજી ચલાવી અને જુઓ ક્યાં પહોંચી ગયા? એકબીજાને પ્રેમ કરવાનો દાવો કરતા તમે બંને એકબીજા પર સરખો ભરોસો પણ નથી કરી શકતા!!!" એણે એની બહેનની સામે જોઈ પૂછ્યું, "બસ આ જ હતો ને તારો પ્રેમ. જોઈ લીધું કેટલો વિશ્વાસ છે એનો તારી પર. આ એક જ વર્ષમાં જો તારી હાલત કેવી થઈ ગઈ. હજી પ્રેમના વહેમમાં રહેવું છે? હજી આના મોહમાં જીવવું છે?"

શ્વેતા રડતા-રડતા બોલી, "ભાઈ હું એને પ્રેમ કરતી હતી, પણ હવે સમજાયું કે એ માત્ર મારો મોહ હતો. હવે બસ આ મોહમાં નથી રહેવું... હું એટલા દિવસથી કઈ નહતી કહેતી કારણકે મને સતત આશિષ સાથેના સબંધમાં મારુ બાળપણ જ દેખાયું. પ્રેમ કરી, જાણ્યા વગર એની સાથે લગ્ન કરી લીધા. એટલે બસ હું થોડો સમય આપવા માંગતી હતી પોતાને અને આશિષને. તે જો મળવાનું ન કહ્યું હોત તો હું અહી ન આવત." તરત એ આશિષ સામે ફરી બોલી, "પણ હવે બસ. હવે હું સબંધ અહીં જ પૂરો કરું છું. સોરી પણ હું તારી સાથે ખુશ નથી. આઈ હોપ કે તું સમજીશ....."
આટલું કહી શ્વેતા એના ભાઈ સાથે જતી રહી. આશિષ ત્યાં જ ફસડાઈ પડ્યો. હવે એને પણ પોતાના લગ્ન કરવાના ઉતાવળિયા નિર્ણય પર પસ્તાવો થવા લાગ્યો. જ્યારે મોહભંગ થયો ત્યારે સમજાયું કે એ માત્ર વ્હેમ જ હતો.......

(પ્રેમ અને વ્હેમમાં ફરક કરવો મુશ્કેલ થઈ ગયો છે. હવે તો 12 વર્ષના છોકરા-છોકરી પણ એકબીજાના બોયફ્રેન્ડ અને ગલફ્રેન્ડ થવા લાગ્યા છે. પરિપક્વતાના અભાવને કારણે આવા સંબંધો ખૂબ ફુલ્યા-ફાલ્યા છે. બસ ક્યાંક કોઈ અંધારિયા ખૂણામાં જઈ છોકરીના માંગમાં સિંદૂર પુર્યું એટલે થઈ ગયા લગ્ન. એવું વિચારનારને તો કદાચ જીવનભર પરિપક્વતા આવતી નથી. આવા કોઈ સબંધમાં પડતા પહેલા પોતાને અને પોતાની આદતો પર નજર કરવાની ખાસ જરૂર છે લોકોને. ત્યારે જ આવા મોહમાંથી બચી શકાય.)

ટૂંકીવાર્તાઓ