Aage bhi jaane na tu - 24 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 24

પ્રકરણ - ૨૪/ચોવીસ

ગતાંકમાં વાંચ્યું....

અનંત અને સુજાતાના લગ્નમાં વિઘ્નરૂપે આવેલ ખીમજી પટેલની વાત વલ્લભરાય અનંતને કરે છે અને સુજાતા પાસે રહેલા તરાનાના કમરપટ્ટાનો ખુલાસો માંગે છે. અનંત આઝમગઢ જવાનું વિચારે છે.....

હવે આગળ......

"પણ... અનંત, ખંડેર બની ગયેલા આઝમગઢમાં જઈને શું કરવું છે તારે... શું વિચાર ચાલે છે તારા મનમાં?"

"એ બધું હું પાછો આવીને સમજાવીશ. હવે તમે બધા નિરાંતે સુઈ જાઓ, હું વહેલી સવારે જ આઝમગઢ જવા નીકળી જઈશ." અનંત વલ્લભરાયના રૂમમાંથી નીકળી પોતાની રૂમમાં ગયો.

વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈ ત્રણેય પોતપોતાની પથારીમાં હજી જાગતા પડ્યા હતા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઘુમરાઈ રહ્યો હતો 'આખરે અનંત આઝમગઢ શા માટે જવા માંગે છે. શું યોજના છે એના મનમાં?'

રાતે બે-સવા બે વાગે અચાનક અનંતના પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો અને એને ઉલ્ટીઓ થવી શરૂ થઈ ગઈ.

"મા..... બાપુ....." સુજાતાએ વલ્લભરાયના રૂમનો દરવાજો ધણધણાવી નાખ્યો, "જુઓ ને એમને અચાનક શું થઈ ગયું છે? ઊલટીઓ બંધ નથી થતી ને પેટની પીડાથી આકુળવ્યાકુળ બની ગયા છે." દરવાજો ખુલતા જ સુજાતાએ અનંતની તબિયત બગડી હોવાની જાણ કરી.

વલ્લભરાય અને નિર્મળા અનંતના રૂમ તરફ દોડ્યા, ત્યાં જઈને જોયું તો અનંત પીડાથી બેવડ વળી ગયો હતો અને બાજુમાં ઊલટીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું.

"નિર્મળા, તું લાજુબાઈને બોલાવ, હું ડોક્ટર-વૈદ્ય જે મળે એને લઈ આવું છું," વલ્લભરાય ચંપલ પહેરવા પણ ના રોકાયા અને નિર્મળા લાજુબાઈને બોલાવવા દોડી.

"લાજુબાઈ....ઝટ અનંતની ઓરડીમાં આવો, એની તબિયત અચાનક બગડી ગઈ છે," લાજુબાઈએ કડી ખખડાવવાનો અવાજ સાંભળી દરવાજો ખોલી જોયું તો સામે નિર્મળાનો રડતો ચહેરો દેખાયો. લાજુબાઈ હાંફળીફાફળી થઈ અનંતની ઓરડી તરફ દોડી, ત્યાં જઈને જોયું તો અનંત ટાઢ અને તાવથી ધ્રુજી રહ્યો હતો.

વલ્લભરાય ડૉક્ટરને લઈને આવી પહોંચ્યા, ડૉકટરે અનંતને તપાસીને ઇન્જેક્શન અને દવા આપી અને સવાર સુધીમાં જો રાહત ના થાય તો હોસ્પિટલમાં દાખલ કરવાની સૂચના પણ આપી જેથી રોગનું નિદાન કરી યોગ્ય સારવાર થઈ શકે. ડૉક્ટરના ગયા બાદ બધા ત્યાં જ આખી રાત બેસી રહ્યા. સવાર સુધીમાં અનંતની ઊલટીઓ તો બંધ થઈ ગઈ હતી પણ તાવ હજી ઉતર્યો નહોતો અને એ એટલો અશક્ત બની ગયો હતો કે પથારીમાં પણ માંડ માંડ બેઠો થઈ શકતો હતો. આઝમગઢ જવાનું એનું સપનું રોળાઈ ગયું હતું. સુજાતા ખડેપગે એની સારવારમાં લાગી ગઈ હતી. સવારમાં જ નિર્મળા અને વલ્લભરાય તૈયાર થઈ કુળદેવીના મંદિરે અનંતના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે નીકળી ગયા હતા. લાજુબાઈ અને જમના વારાફરતી અનંત પાસે આવી એની તબિયત જોઈ જતા અને એના માટે બાફેલા મગનું પાણી, રાબ એવો હળવો ખોરાક આપી જતા જે સુજાતા અનંતને પાતી. બપોર સુધીમાં તો એનો તાવ પણ ઉતરી ગયો હતો. કોઈનેય એ ન સમજાયું કે અચાનક અનંતની તબિયત બગડી કેવી રીતે?

સાંજ સુધીમાં અનંતનું સ્વાસ્થ્ય સુધર્યું હતું અને એ ઘરમાં હરતોફરતો પણ થઈ ગયો હતો. રાત્રે જમીને અનંત પરસાળમાં બેઠો હતો ત્યારે વલ્લભરાય પણ આવીને એની બાજુમાં બેઠા.

"દીકરા, હવે કેમ લાગે છે, તબિયત ઠીક છે હવે? દવા ખાધી?"

"હા... બાપુ જમીને બહાર આવતાં જ ખાધી અને હવે તો ઘણું સારું લાગે છે, પ...ણ... આઝમગઢ ન જઈ શક્યાનો અફસોસ થાય છે અને બાપુ એક વાત કહું?"

"હા...હા....બોલ...શું વાત કરવી છે તારે?"

"બાપુ.... તમે કાલે ખીમજી પટેલને બોલાવીને પેલો કમરપટ્ટો આપી દેજો."

" આ...આ...તું શુ કહી રહ્યો છે, દીકરા?"

"એ...જ કે જે તમે સાંભળી રહ્યા છો."

"કાંઈક સમજાય એવું બોલ."

"બાપુ, હું બહુ જ સમજી વિચારીને કહી રહ્યો છું. મારી વાત માનો."

"જો દીકરા....હમણાં તારી તબિયત સારી નથી, જા જઈને આરામ કર."

"બાપુ, આરામ તો હું કરી લઈશ, પણ મારી વાત પર એકવાર વિચાર તો કરી જુઓ."

"ભલે.... કાલે વાત." વલ્લભરાય વાત ટૂંકાવી ઉઠીને પોતાના રૂમમાં જતા રહ્યા પણ અનંત કાંઈક વિચાર કરતો હજી ત્યાં જ બેસી રહ્યો.

"આજે બહાર જ બેસીને રાત કાઢવાનો વિચાર છે કે શું?" સુજાતા આવીને અનંતની બાજુમાં બેસી ગઈ.

"જો તારી ઈચ્છા એમ હોય તો આપણે તો ભલા માણસ, અહીં પરસાળમાં જ સુઈ જશું."

"ઓહો......એ....મ.... સવારે ઉઠશો ત્યારે બધા પૂછશે તો શો જવાબ આપશો? એમ કહેશો કે ઘરવાળીએ અડધી રાત્રે રૂમમાંથી બહાર કાઢી મુક્યો," સુજાતા અનંતનું ઉદાસ મોં જોઈ વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કરવા લાગી.

"હમમમમમમમ....."

"એવી કઈ વાત છે જે તમને મનમાં ને મનમાં મુંજવ્યા કરે છે. હું તમારી અર્ધાંગિની છું, તમારું અડધું અંગ, શું તમે મારી પાસે પણ તમારા મનની મૂંઝવણ રજૂ નહીં કરો?" સુજાતાએ અનંતનો હાથ પોતાના હાથમાં લીધો.

"શું કહું.... કેવી રીતે કહું... કેમ કરી સમજાવું તને અત્યારે મારા મનમાં વિચારોનો સાગર ઘૂઘવે છે. વિચારોના વમળમાં ઘેરાઈ ગયો છું."

"મારી પાસે મન હળવું કરી નાખો, વિચારોનો બોજ ઓછો થઈ જશે."

અનંતે અત: થી ઇતિ વલ્લભરાયે કહેલી તરાનાના કમરપટ્ટાની વાત સંભળાવી અને પોતાના મનમાં ચાલી રહેલી ગડમથલ પણ કહી સંભળાવી સાથે સાથે મનમાં ચાલી રહેલી યોજના પણ કહી.

"હમમમ... તો એમ વાત છે.. તમારી યોજના આમ તો બરાબર છે પણ જો કાંઈ કાચું કપાયું તો ખીમજી પટેલ આપણને છોડશે નહીં એવું તમારી વાત પરથી લાગે છે. હમણાં એ બધું છોડો અને મનની સાથે શરીરને પણ આરામની જરૂર છે તો શાંતિથી સુઈ જાઓ."

"હા...ચાલ. આમ પણ હવે મને ઊંઘ આવે છે." અનંત અને સુજાતા પોતાના રૂમમાં જવા માટે ઉભા થયા ત્યારે એમને ખબર નહોતી કે એમની પાછળથી એક પડછાયો ધીમેથી બહારની તરફ સરકી રહ્યો હતો.

રાત વીતી ગઈ. સમય ક્યાં કોઈની માટે થોભે છે કે કયાં કોઈની રાહ જુએ છે? વીતેલા સમયને યાદ કરીને કે એની ફરિયાદ કરીને કાંઈ વળતું નથી આખરે એ જ થાય છે જે સમય ચાહે છે.

"અનંતની વાતમાં જરૂર કોઈ તથ્ય છે. એકવાર એની વાત માની લેવામાં કોઈ વાંધો નથી." સવારે ઉઠ્યા પછી પણ વલ્લભરાયના મનની વિચારધારા અવિરત ચાલુ હતી.

નિત્યક્રમ આટોપી, તૈયાર થઈ ચા-નાસ્તો પતાવી વલ્લભરાય પેઢીએ જવા નીકળ્યા એના પહેલાં એમણે અનંતને મળી એની સાથે ચર્ચા કરી ત્યારે અનંતે એમના હાથમાં કમરપટ્ટાની નાની પેટી આપી અને એને આરામ કરવાનું કહી વલ્લભરાય ચાલ્યા ગયા.

અનંત અને સુજાતાના લગ્નના કામકાજમાં અટવાયેલા હોવાથી વલ્લભરાય પેઢીના કામકાજ તરફ હમણાં બેધ્યાન હતા એટલે પેઢીએ પહોંચી દીવો-પૂજા કરી પોતાની ગાદીએ બેસી હિસાબી ચોપડા ખોલી બેસી ગયા.

બપોર સુધી હિસાબ કિતાબ પતાવી નોકરને પેઢી સંભાળવાનું કહી વલ્લભરાય ખીમજી પટેલને મળવા માટે નીકળ્યા. એક ટાંગાવાળાને રોકી એમાં બેસી એને સરકારી ગેસ્ટહાઉસ તરફ લઈ જવા માટે કહ્યું.

ગેસ્ટહાઉસ આગળ પહોંચીને એમણે પોતાની પાસે રહેલી કમરપટ્ટાની પેટી ઉઘાડી, ચકાસી એમાં કમરપટ્ટો બરાબર હોવાની ખાતરી કરી લીધી અને અંદર જવા પગ ઉપાડ્યા.

"આવો.... વલ્લભશેઠ આવો.... હું તમારી જ રાહ જોતો બેઠો હતો. જો આજનો દિવસ નીકળી જાત તો તમે કે તમારો પરિવાર કાલનો સૂરજ પણ જોઈ ના શક્યા હોત... અને મને વિશ્વાસ હતો કે તમે કમરપટ્ટો લઈ જરૂર આવશો. ગભરાયા વગર બેસો શેઠ." ખીમજી પટેલે ખુરશી આગળ કરી એટલે વલ્લભરાય મનમાં રહેલો ગભરાટ શમાવી ખુરશીમાં બેસી ગયા અને કચવાટ સાથે પેટી ખીમજી પટેલના હાથમાં સોંપી દીધી.

"એકવાર જોઈને ખાતરી કરી લ્યો ખીમજી પટેલ કે કમરપટ્ટો બરાબર છે કે નહીં."

"એ તો હું કરીશ જ શેઠ...ખાતરી તો કરવી જ પડશે," ખીમજી પટેલે પેટી ખોલી કમરપટ્ટો બહાર કાઢી પેટી પલંગ પર મૂકી. હાથમાં આમતેમ ફેરવી કમરપટ્ટો બરાબર હોવાની ખાતરી કરી.

"માનવું પડશે શેઠ..... પોતાનો અને પોતાના પરિવારનો જીવ બચાવવા તમે આટલો અમૂલ્ય કમરપટ્ટો મને સોંપી દીધો પણ મને આમાં તમારા કોઈ કાવતરાની ગંધ આવી રહી છે. મારી સાથે કોઈ ચાલાકી તો નથી કરી ને તમે?" ખીમજી પટેલે કમરે ખોસેલી કટાર પર હાથ ફેરવ્યો.

"અરે... ના...ના.... પટેલ, કોઈ ચાલાકી નથી. અમને પણ અમારો જીવ વ્હાલો હોય કે નહીં અને હું એમ પૂછતો હતો તમે હજી અહીં રોકાવાના હોવ તો અમારા મહેમાન બની આવો અને અમને મહેમાનગતિનો લાભ આપો."

"ના વલ્લભશેઠ.. મારું કામ પતી ગયું એટલે કાલે બપોરની ગાડીમાં હું રવાનો થઈ જઈશ. અહીંયા રોકાવાની મને જરાય ઈચ્છા નથી." ખીમજી પટેલે કમરપટ્ટો પાછો પેટીમાં ગોઠવ્યો અને પેટી પોતાના બગલથેલામાં મૂકી દીધી.

"ઠીક ત્યારે...હવે હું રજા લઉં. હજી પેઢીએ ઘણું કામ બાકી છે." કહી વલ્લભરાય ઉભા થયા.

"ભલે શેઠ, પણ એક વાત યાદ રાખજો, જો મારી સાથે કોઈ ચાલાકી કરવાની કોશિશ પણ કરી છે તો પસ્તાવો કરવાનો પણ મોકો નહીં મળે," ખીમજી પટેલે ફરી ધમકીભર્યા સ્વર ઉચ્ચાર્યા.

નકારમાં માથું હલાવી, હાથ જોડી વલ્લભરાય પાછા પેઢીએ જવા બહાર નીકળ્યા અને એમણે રોકી રાખેલા ટાંગામાં બેસી ટાંગાવાળાને પાછો પેઢીએ લઈ જવા કહ્યું એટલે એણે ચાબુક ફટકારી ઘોડાને પેઢીની દિશામાં દોડાવ્યો.

રોજીંદી દિનચર્યાની ઘટમાળ ચાલતી રહી. સાંજે પેઢીએથી ઘરે પાછા ફર્યા બાદ એમણે અનંતને ખીમજી પટેલને કમરપટ્ટો સોંપ્યાની વાત શબ્દેશબ્દ કહી અને પોતાના રૂમમાં જતા રહ્યા એટલે અનંત એની યોજનાને અંજામ આપવા ઘરની બહાર નીકળ્યો અને નજીકના પોલીસસ્ટેશનમાં જઈ ખીમજી પટેલ વિરુદ્ધ કમરપટ્ટો ચોર્યાની ફરિયાદ નોંધાવી.

અનંતની ફરિયાદ નોંધી હાજર રહેલા ઇન્સ્પેક્ટરે બે હવાલદારને સાથે લઈ સરકારી ગેસ્ટહાઉસ તરફ જીપ મારી મૂકી.

"દરવાજો ખોલો...." ખીમજી પટેલની રૂમના દરવાજા પર ડંડો પછાડતા ઇન્સ્પેક્ટરે બૂમ પાડી.

"પોલીસ...., સાહેબ... તમે અટાણે," ખીમજી પટેલે દરવાજો ખોલતાં જ સાબદા બની ગયા.

"હવાલદાર, ઓરડીની તલાશી લ્યો.. એકે ખૂણો બાકી ના રહેવો જોઈએ." ઇન્સ્પેક્ટરે આદેશ આપતાં જ બંને હવાલદાર અંદર ઘુસી ગયા અને ઓરડીની તપાસ શરૂ કરી. થોડીક જ વારમાં બંનેમાંથી એક હવાલદાર એક હાથમાં ખીમજી પટેલનો બગલથેલો અને બીજા હાથમાં કમરપટ્ટાની પેટી લઈ પલંગ પાસે આવ્યો જ્યાં ઇન્સપેક્ટર ઉભા હતા. પેટી ખોલી અંદર કમરપટ્ટો જોતાં જ ઇન્સ્પેક્ટરે ખીમજી પટેલને હથકડી પહેરાવી દીધી.....

વધુ આવતા અંકે.....

'આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.