કઠપૂતળી....વાર્તા.......... દિનેશ પરમાર ' નજર '
*************************************
પ્યાસ સમજી ના શકી એ ઝાંઝવાનું જળ હતુ.
પ્રેમપત્રો આખરે તો અક્ષરનું છળ હતું.
આયનો ખોદ્યા કરુ પણ ભોંયતળિયું ના મળે
બિંબ તારું પામવાનું કેટલું નિષ્ફળ હતું.
- ધૂની માંડલિયા
************************************
શહેરના બસો ફૂટના રીંગ રોડ પર આવેલી વૃંદાવન ગાર્ડન હોટલમાં જ્યારે સુભદ્રા ઝવેરીએ એન્ટ્રી લીધી ત્યારે રવિવારને લીધે ભીડ હોઈ, કાઉન્ટર પર તેમની રાહ જોઈ રહેલો મેનેજર રંગનાથન તરતજ ઉભો થઈ તેણીને રિસીવ કરવા દોડી ગયો.
ઇન ડોર હોટલના કોરીડોરમાંથી પસાર થઈ પાછળ આઉટ ડોર, ગ્રાસ લોન અને કમ્પાઉન્ડની ધારે ધારે ઉભેલા જુદા જુદા વૃક્ષોથી શોભતી ગાર્ડન રેસ્ટોરન્ટમાં સુભદ્રા માટે રાખેલા રિઝર્વ ટેબલ તરફ મેનેજર દોરી ગયો. ત્યારે અતીસુંદર રૂપ લલના એવી સુભદ્રાને ત્યાં જમવા આવેલા લોકો ટીકી ટીકી ને જોતા જ રહી ગયા.
સુભદ્રા આ શહેરની જાણીતી હસ્તીઓ માની એક હતી. તેનો શહેરના સાઉથ રિચ ઝોન ગણાતા વિસ્તારમાં આલીશાન બંગલો આવેલો હતો. તે લગભગ વીક એન્ડમાં શહેરની જાણીતી હોટેલમાં ડિનર માટે આવતી. તેનું ટેબલ રિઝર્વ રાખવામાં આવતું.
તેની મા મૂળ બંગાળી અને કથક નૃત્યાંગના હતી જ્યારે બાપુજી ગુજરાતી પ્રખ્યાત બંસરી વાદક, એક અખિલ ભારત સાંસ્કૃતિક ફેસ્ટિવલમાં બંને મળ્યા, પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા, લગ્ન જીવન દરમિયાન એક દીકરી તે સુભદ્રા.
સુભદ્રાના મમ્મી પપ્પા એક કાર્યક્રમ અંતર્ગત અમેરિકા ગયેલા ત્યાં કાર અકસ્માતમાં બંનેનું મોત થયું હતું. આથી છેલ્લા પંદર વર્ષથી તે આલીશાન બંગલામાં એકલી રહેતી હતી.
તે પોતે પરદેશમાં ભારતના આર્ટિસ્ટસ્ સાથે સાંસ્કૃતિક પરંપરા બેનર હેઠળ ગ્રુપ ટુર્સ યોજી અને સારા એવા કાર્યક્રમો કરતી હતી.
આજે તેણે જોયું તો ગ્રાહકના મનોરંજન માટે ત્યાં ગાર્ડનના એક તરફ ખૂણામાં ઓટલા પર રાજસ્થાની દંપતી ગીતો ગાતા હતા તો, સામે તરફના ખૂણાના ઓટલા પર કઠપૂતળીનો ખેલ ચાલતો હતો.
તેણે લાખો ફુલાણી અને એની રાણીનો વાર્તા સાથે કઠપૂતળીઓ નચાવી જે ખેલ કર્યો લોકો ખુશ થઈ ઉઠયા.
ત્યારબાદ તેણે ઓઢા અને તેની પ્રિયતમાનો સાંઢણી સાથે અદ્ભુત ખેલ બતાવ્યો. લોકો તાળીઓ પાડી ઉઠયા અને પહેલી વાર આ જોતી સુભદ્રા ખુશ થઈ ગઈ.
મોડે સુધી કાર્યક્રમ ચાલ્યો. લોકો ધીરે ધીરે વિખરાવા લાગતા, સુભદ્રાએ ઈશારો કરી એક વેઇટરને બોલાવ્યો અને પેલા કઠપૂતળીવાળાને પોતાની પાસે મોકલવા કહ્યું.
સુભદ્રા પોતાની પાસે આવી હાથ જોડી ઉભા રહેલા કઠપૂતળીવાળાને એકીટસે જોઈ રહી. આશરે પચ્ચીસની ઉંમરનો લાગતો, સારી એવી હાઈટ એકવડિયું શરીર અને ગૌર વર્ણ સાથે મોહક ચહેરો અને બદામી આંખો ધરાવતા અને લાંબી કાળી જુલ્ફો ધરાવતા કઠપૂતળીવાળાને ઉપરથી નીચે સુધી જોઈને પૂછ્યું, " શું નામ છે?"
"જી... મેમ... સુખો... એટલે કે.. સુખી રામ" સહેજ ઝૂકી તે બોલ્યો.
" કેટલા સમયથી આ કામ કરે છે ?"
" જી.. મેમ.. નાનપણથી... પહેલા બાપુજીને મદદ કરતો.. પરંતુ તેમના ગુજરી ગયા પછી, છેલ્લા દસ વર્ષથી હું એકલો આ કામ કરું છું."
સુભદ્રાએ આજુબાજુ જોયું નજીકમાં કોઈ હોટલનો સ્ટાફ નહોતો એટલે તેણે પેલા સુખા તરફ જોઈ કહ્યું, " આખી જિન્દગી બસ આ રીતે ગુજારવી છે કે પછી દેશના મોટા શહેરો અને પરદેશમાં પણ શો કરી આગળ જવાની ઈચ્છા છે કે કેમ? "
વિસ્ફારિત રીતે જોઈ સુખી ચહેરા પર બને એટલી નરમાશ લાવી બોલ્યો, " મેમ.. કોને ઈચ્છા ના હોય? પણ અમારા નાના માણસનો હાથ કોણ પકડે?
સુભદ્રા સહેજ હસી અને પર્સમાંથી પોતાનું કાર્ડ કાઢી તેની તરફ ધરતા કહ્યું, " કાલે સવારે અગિયાર વાગે આવી જજે આપણે મારા ઘરે શાંતિથી વાત કરીશું. "
*************
ઉત્તર તરફે નદીના વળાંક પર ઢોળાવની ઉપરની તરફની ખુલ્લી સરકારી જમીન પર, ગરીબ અને શ્રમજીવી પરિવારો રહેતા હતા, ત્યાં વર્ષો અગાઉ થોડા ઘણા કાચા પાકા મકાનોમાં પોતાના સમાજના રહેતા હોઈ સુખાના બાપા પણ વર્ષો અગાઉ રહેવા આવેલા આજે પણ સુખો ત્યાંજ રહેતો હતો.
તેના લગ્ન રાજસ્થાનના તેના વતન બાજુના જ ગામની તેના સમાજની રૂપાળી એવી રૂખી સાથે થયા હતા, તેને એક ત્રણ વર્ષનો છોકરો હતો. તે રૂખીને ખૂબ સચવતો હતો. તેને આડે દિવસે શહેરના ગાર્ડનમાં ફરવા લઈ જતો , કે શહેરના પ્રખ્યાત મેદાનમાં ભરાતા ભાતીગળ મેળાના હાટમાં પણ તે કઠપૂતળીના ખેલ કરવા જતો ત્યારે બેચાર દિવસે લઈ જોતો.તે રૂખીને ખૂબ પ્રેમ કરતો હતો.
********
સુખો જ્યારે બંગલે પહોંચ્યો તો ઝાંપા પાસે બેઠેલો સિક્યોરિટી ગાર્ડ ઉભો થઈ ગયો, " કિસ કા કામ હૈ?"
સુખો સહેજ ગભરાયો, ગજવામાંથી મેમનું કાર્ડ કાઢી તેની તરફ ધર્યું.
સિક્યોરિટી ગાર્ડએ અંદર ઇન્ટરકોમથી વાત કરી અંદર મોકલ્યો.
વિશાળ લોન અને લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલા બગીચાના ફૂલો અને સામે મહેલ જેવા ભવ્ય બંગલા ને જોઈ સુખાની આંખો પહોળી થઈ ગઈ.
તે બંગલાની બાજુમાં જે કાર્યાલય હતું તે તરફ જવા બંગલાના પોર્ચમાં ઉભેલા એક જણે ઈશારો કર્યો.
કાર્યાલય માં જઈને તે બેઠો. થોડીવારમાં મેમ આવ્યા તે ઉભો થયો તો સુભદ્રાએ તેના ખભે હાથ મૂકીને કહ્યું, " તું શાંતિથી બેસ."
પછી કહ્યું," હું એક કલ્યાણ સંસ્થા "કોડિયું" ચલાવું છું. અને વર્ષમાં બે વખત પરદેશ અને ભારતમાંતો ગમે ત્યારે જુદા જુદા શહેરોમાં, આપણી વિસરાતી જતી પુરાણી અને લોકભોગ્ય અતિ મૂલ્યવાન એવી જુદી જુદી ભાતીગળ, લોકકલાને જીવંત રાખવા હું જે તે કળામાં માહેર કલાકાર સાથે કાર્યક્રમોનું આયોજન કરું છું. "
એક નોકર ચા લઈ આવતા ચાને ન્યાય આપવા ઈશારો કરી પોતાનો ચાનો મગ હાથમાં લઈ વાત આગળ ચલાવી." તારામાં મને ટેલેન્ટ દેખાયું છે અને જો તારી ઈચ્છા હોય તો તું આ સંસ્થા માં જોડાઈ શકે છે , હોટલ કરતા સારું એવું વળતર મળશે અને દર મહિને ઘર ચલાવવા એક ફિક્સ રકમ પણ. "
સુખો હાથ જોડી બોલ્યો, " મેમ હું તૈયાર છું."
"અને હા... ખાસ વાત કે તારે રોજ અહીં આવવું પડશે અને એક ભાઈ જે આ કલા શીખવા માંગે છે તેને શીખવાડવી પડશે જેથી ઈમરજન્સીમાં તેનો ઉપયોગ કરી શકાય. "સુભદ્રા બોલી.
" કંઈ વાંધો નહીં મેમ, તમે કહેશો તેમ. "સુખો હાથ જોડી બોલ્યો.
પછી તો રોજ સુખો સવારે અગિયારથી પાંચ જવા લાગ્યો. ત્યાં માલવ કરીને એક ખુબ હેન્ડસમ યુવાન આવતો તેને ખેલ શીખવવાના તથા પોતાની કળામાં નવા નવા પ્રયોગો કરી વધુ રસપ્રદ ખેલ કરવાના.
જ્યારે તે કાર્યાલય પહોંચે અને પેલો યુવાન પણ આવી જાય એટલે મેમ પણ ખાસ સમય કાઢી આવી જાય.
ખેલ કરવાની હરકતથી તે ખુબ ખુશ થઈ સુખાને એકીટસે જોઈ રહે. સુખો પણ મેમની આ હરકતથી અંદરથી ખુશ થઈ ઉઠે પણ નજર ફેરવી લે.
ધીરેધીરે સુખો અંદરખાને છાનુંછપનું મેમને પોતાની સ્વપ્ન સુંદરી તરીકે કલ્પવા લાગ્યો, ચાહવા લાગ્યો.
એક વાર તેણે ઓઢા અને તેની પ્રિયતમાનો ખેલ કરતા કઠપૂતળીઓ વચ્ચે એવી હરકત કરી કે સુભદ્રા
એકદમ ખુશ થઈ અને શાબાશી આપવા તેને આવેગથી બાઝી પડી.
સુભદ્રાના શરીર પરના આવરણ પરની માદક સુગંધે તેને આખે આખો અંદરથી ખળભળાવી નાખ્યો. તેણે જાત પર પરાણે કાબુ રાખ્યો. તે એવું માનવા લાગ્યો કે સુભદ્રા તેને ચાહે છે.
તે દિવસે પ્રથમવાર તે ગીચ વસ્તીના કાળું પહેલવાનના અડ્ડે ગયો અને દેશી દારૃ ઢીંચ્યો.
તેની પત્ની રૂખી તે દિવસે તેની પર પ્રથમવાર નારાજ અને દુઃખી થઈ. બંને વચ્ચે ઝઘડો પણ થયો.
********
જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સુખો કલ્પ્નાના સાગરમાં ડૂબતો ગયો. હવે રોજ રાત્રે તે કાળુંના અડ્ડા પર થઇને ઘરે જતો. રોજ પત્ની સાથે બોલાચાલી થતી.
જે સુખો રૂખીને ખૂબ ચાહતો હતો, પોતાની જાતને ઓઢો કે લાખો ફુલાણી સમજતો હતો અને રૂખી ને સાંઢણી પર ઉઠાવી લઈ આવેલી પ્રિયતમા...... તેને હવે રૂખીની સલાહ ટકટક લાગતી હતી.
હવે-
પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પોતાનો પડ્યો બોલ ઉપાડતી રૂખી હવે સુખાની રોજે રોજની હરકતોથી એટલી કંટાળી ગઈ હતી કે હવે તે સુખાની વાત માનતી નહોતી.
જે રૂખી તેના ઈશારે કઠપૂતળીની જેમ નાચતી તે હવે તેનાથી નારાજ થઈ દૂર રહેતી હતી અને ખપ પૂરતી વાત કરતી.
સુખો પણ એવું માનવા લાગ્યો હતો કે એક દિવસ મેમ તેને બાઝીને કહેશે, " સુખા આઈ લવ યુ" સુખો તો આ કલ્પ્ના માત્રથી જ રોમાંચિત થઈ જતો. મનમાં વિચારતો એક વાર પરદેશની ટુર બને એટલે ત્યાં જ એ મને એકાંતમાં પોતાની બાંહોમાં જકડી લેશે.
*******
અને એક દિવસ સુભદ્રા એ કહ્યું, "સુખા તારો પાસપોર્ટ પણ આવી ગયો છે અને આપણી ટુર પરમીટ આવી ગઈ છે, પરમ દિવસે સવારે આપણી પોણા પાંચ વાગ્યાની ફલાઈટ છે, તુ હવે ઘરે જઈ એક મહિના માટે પરદેશમાં રહેવાનું છે તે રીતે તૈયારી કરી પરમ દિવસે સવારે ત્રણેક વાગે આવી જજે. લે આ, નવા કપડા પણ લઈ લેજે." કહેતા તેના હાથમાં સારી એવી રકમનું કવર આપ્યું.
" જી મેમ હું સમયસર આવી જઈશ " કહેતા સુખો ઘર તરફ જવા નીકળી પડ્યો.
*******
સુખો પરદેશ જવાની વાતથી જ ખુબ ગેલમાં આવી ગયો હતો. સુભદ્રાએ આપેલા પૈસામાંથી તેણે થોડા સારામાંના કપડા ખરીદ્યા. ઘરે આવતા પહેલા કાળુંના અડ્ડાથી તેણે દારૃ લીધો અને ઘરે આવ્યો.
રૂખી તેની સાથે ખપ પૂરતી વાત કરતી હોઈ, તેણે મહિનો ઘર ચાલે માટે, કવરમાંથી ખાસા રૂપિયા રૂખીના પાકીટમાં મૂક્યા.
જે દિવસે સવારે વહેલું જવાનું હતું તે રાત્રે સુભદ્રાને યાદ કરી ખુબ દારૃ પીધો.
********
તે રાત્રે જ્યારે બાથરૂમ જવા ઉઠયો ત્યારે માથું ભારે થઈ ગયું હતું. તેણે ઘડિયાળમાં જોયું તો ચમક્યો. ઘડિયાળમાં સાડા ત્રણ વાગી ગયા હતા. તે ગભરાઈ ગયો અને ફટાફટ તૈયાર થઈ, નાકે આવી, સુતેલા રીક્ષાવાળાને જગાડી સુભદ્રાના ઘર તરફ ભાગ્યો.
ત્યાં પહોંચ્યો ત્યારે સિક્યોરિટી ગાર્ડ એ કહ્યું, "અરે ભાઈ ક્યાં હતા? મેમ સાહેબ તમારી રાહ જોઈ જોઈને કંટાળી તેમની ટીમ સાથે રવાના થઈ ગયા."
"અરે! મારા વગર.....?" હતાશ સુખાના મુખમાંથી શબ્દો નિકળ્યા.
"ભાઈ.. તમારો વિકલ્પ માલવ, મેમની સાથે છે ...."
સુખાને ચક્કર આવી ગયા તેને એકદમ છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે ત્યાંજ પટકાઈ પડ્યો.
**********
પંદર દિવસ સરકારી હોસ્પિટલમાં દાખલ સુખો ઘરે આવ્યો અને સબંધીઓના સહારે પથારીમાં ગોઠવાયો.
તેને સતત વિચાર આવતા રહ્યા કે તેની સુભદ્રાને માલવ ઉપાડી ગયો. પણ એમાં તેનો પોતાનો જ વાંક હતો તેવો પાશ્ર્યાતાપ સતત કરતો રહ્યો...
રૂખી હવે તેનું ખુબ ધ્યાન રાખવા લાગી હતી. ગમે તેમ તો યે તે તેનો ઘરવાળો હતો.
પણ-
હવે તે કશું કરી શકે તેમ ન હતો.
કારણ???
પંદર દિવસ પહેલાં તેને આવેલા સીવીયર બ્રેઈન સ્ટ્રોકથી પેરાલીસીસમાં ડાબું અંગ રહી ગયું હતું.
તે તેના ઘરની દીવાલોમાં લટકતી સ્થિર કઠપૂતળીઓ લાચારીથી જોયા કરતો............
*****************************************