Aage bhi jaane na tu - 27 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 27

પ્રકરણ - ૨૭/સત્યાવીસ

ગતાંકમાં વાંચ્યું....

સુજાતાના પિતા નગીનદાસ ઝવેરીનું અવસાન થતાં અનંત અને સુજાતાની સાથે જમના પણ જામનગર જાય છે અને અઠવાડિયા બાદ વલ્લભરાય અને નિર્મળા પણ જામનગર જાય છે. લાજુબાઈ વડોદરામાં એકલી છે ત્યારે જ ઇન્સપેક્ટરનો ફોન આવતા એને અજાણતા જ ખીમજી પટેલ જેલમાં હોવાની માહિતી મળે છે.....

હવે આગળ......

લાજુબાઈએ સુખદ આશ્ચર્યજનક સ્મિત સાથે ઇન્સપેક્ટર સાથે વાત કરીફોન પાછો મુક્યો અને રસોડામાં જઈ તૈયાર થયેલી ચાનો કપ ભરી પરસાળમાં આવીને હીંચકે બેઠી પૂર્ણ આસ્વાદ સાથે ચાની ચૂસકી ભરતાં ભરતાં પોતાનું ઉજાગરાથી ઠપ થઈ ગયેલું મગજ ફરી કામે લગાડ્યું અને આ માહિતી પોતાના માટે કેટલી ઉપયોગી થશે એના તાણાવાણા ગૂંથવા અને ઉકેલવામાં લાગી ગઈ અને બીજા દિવસે ખીમજી પટેલને કેવી રીતે મળવું એનો રસ્તો શોધવાના વિચારો ઘડવા લાગી.

જામનગરમાં નગીનદાસ ઝવેરીના મૃત્યુ પછી બધી લૌકિક ક્રિયા પતાવી, બધું નિર્વિઘ્ને પાર પાડી સાંજે જમીને ઝવેરી પરિવાર અને પારેખ પરિવાર પણ બંગલાની બહાર લૉનમાં વાતો કરતા બેઠાં હતાં. ધંધાકીય, રાજકારણ, પારિવારિક વાતો કરતાં કરતાં જમના માટે સારો મુરતિયો શોધવાની વાત નીકળી.

"લ્યો આ તો એવી વાત થઈ કે બગલમે છોરા ઔર ગાંવમેં ઢીંઢોરા" સુજાતાના પ્રભાકાકીએ તક ઝડપી લીધી, "ભાભી.... આપણા ગોદાવરીફઈ ને ઈશ્વરફુઆ છે ને, અરે પેલા કાંતિના બા-બાપુ, પેલો કાંતિ જે આપણી પેઢીએ દાગીના ઘડવાનું કામ કરે છે, શાંત, હસમુખો, પરગજુ અને મહેનતુ છોકરો છે. એક જ છોકરો છે, બે બહેનો છે એ પરણીને સાસરે સુખી છે,"

"અરે હા....પ્રભા....સારું થયું તને ધ્યાનમાં આવ્યું, હું તો ભૂલી જ ગઈ હતી. ખાનદાની ખોરડું છે અને ફઈ-ફુઆ પણ ભગવાનના માણસ છે. નિર્મળાબેન તમે જમનાને પૂછી જુઓ તો અમે એના માટે વાત ચલાવીએ." હેમલતાએ નિર્મળા અને વલ્લભરાયને પૂછ્યું.

"જો છોકરો સારો હોય તો અમને નથી લાગતું કે જમના કે લાજુબાઈને કોઈ વાંધો આવે. યોગ્ય પાત્ર મળી જાય તો અમારી અને લાજુબાઈની ચિંતા ટળી જાય." નિર્મળાએ જમના સામે જોયું તો જમનાનો ચહેરો શરમથી ગુલાબી થઈ ગયો હતો.

"હજી તો વાત કરી ત્યાં જમના આટલી શરમાઈ ગઈ તો વાત આગળ વધશે ત્યારે....કેમ જમના અત્યારથી જ મનમાં લાડુ ફૂટવા માંડ્યા ને....?" અનંતે પણ નિર્મળાની વાતમાં સુર પુરાવ્યો.

જમના બંને હાથની હથેળીમાં પોતાનું મોઢું છુપાડતી શરમાઈને ઉઠીને ત્યાંથી દોડી ગઈ.

"એકવાર જમનાબેન અને કાંતિભાઈની મુલાકાત તો કરાવીએ, જો બંનેની મજૂરી મળે તો વાત આગળ વધારીએ" સુજાતાએ પોતાનો મંતવ્ય આપ્યો.

બધા સુજાતાની વાત સાથે સહમત થયા અને બીજે દિવસે સુજાતાના કાકા-કાકીએ કાંતિના મા-બાપુને મળી જમના વિશે વાત કરી. જુનવાણી અને રૂઢિચુસ્ત હોવાથી પહેલાં તો એ બંને જમના અને કાંતિની મુલાકાત માટે હામી ન ભરી, કાકા-કાકીએ ઘણું સમજાવતા છેવટે કચવાતે મને બંને તૈયાર થયા એટલે બીજે દિવસે કાંતિને અને એના મા-બાપુને હેમલતાએ પોતાના બંગલે બોલાવ્યો અને જમના સાથે મુલાકાત કરાવી. જમનાનું સાદગીપૂર્ણ સૌંદર્ય કાંતિના દિલને સ્પર્શી ગયું તો જમનાને પણ નિખાલસ અને વાચાળ કાંતિ ગમી ગયો અને બંનેએ લગ્ન માટે પોતાની સંમતિ જાહેર કરી, ખુશીઓની શરણાઈ ફરી વાગવાના એંધાણ સાથે બધાએ ગોળ-ધાણા ખાધા અને ફોન કરીને લાજુબાઈને પણ આ સારા સમાચાર આપ્યા જેને એણે સહર્ષ વધાવી લીધા. વધુ એક દિવસ રોકાઈને પારેખ પરિવાર વડોદરા આવવા માટે રવાના થયો.

આ તરફ લાજુબાઈ વિચારતી હતી કે 'ઉપરવાળો પણ ખુશીઓ આપે છે તો એકસાથે આપે છે. એક તરફ ખીમજી પટેલ વડોદરાના પોલીસસ્ટેશનની કોટડીમાં હોવાના સમાચાર અને બીજી તરફ જમના માટે યોગ્ય પાત્ર મળી પોતાની જવાબદારીમાંથી ચિંતામુક્ત બનવાના સુખદ સમાચાર,' એ ધરતીથી બે વેંત અધ્ધર ચાલવા લાગી અને સાથે સાથે ખીમજી પટેલને મળવાના પેંતરા વિચારવા લાગી.

બીજા દિવસે ઘરનું કામ પતાવી, ઘર બંધ કરી લાજુબાઈ બજારમાં જવા નીકળી પણ બજારમાં જતાં પહેલાં એ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ.

"સાહેબ.....સાહેબ...." લાજુબાઈ ઇન્સ્પેક્ટરના ટેબલ સામે આવીને ઉભી રહી ગઈ.

"બેન, કોણ છો તમે?" ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો.

"હું.....લાજુબાઈ, વલ્લભશેઠના ઘરે કામ કરું છું," લાજુબાઈ એટલા ઊંચા અવાજે બોલી જેથી ખીમજી પટેલ સાંભળી શકે.

જેવું લાજુબાઈનું નામ અને અવાજ સાંભળ્યા એટલે ખીમજી પટેલના કાન ઊંચા થઈ ગયા. એ કોટડીની જાળી પાસે આવી ઉભો રહ્યો અને આમતેમ જોવા લાગ્યો કે લાજુબાઈ ક્યાં ઉભી છે. જેવી લાજુબાઈ એને દેખાઈ એટલે કાન સરવા કરી વાત સાંભળવાની કોશિશ કરવા લાગ્યો.

"સાહેબ... વલ્લભશેઠ તો હાલ શહેરમાં નથી પણ એમણે મને તમને સંદેશ આપવા જ મોકલ્યો છે. એમનો મારા પર ફોન આવ્યો હતો અને હું તરત જ તમને મળવા આવી ગઈ." મોઢામાં સાકર જેવી મીઠાશ અને આંખોમાં અનોખી ચમક ધરાવતી લાજુબાઈએ ઇન્સપેક્ટર સાથે થોડી ગુસપુસ કરી પણ ખીમજી પટેલને કાંઈ સંભળાયું નહીં.

"સાહેબ....શું હું બે મિનિટ આ બેન જોડે વાત કરી શકું છું?" ખીમજી પટેલે ઇન્સપેક્ટરને પ્રશ્ન પૂછ્યો.

"કેમ... તમને શું કામ છે, અમે પરવાનગી ન આપી શકીએ,"

"સાહેબ, બસ બે મિનિટ... એટલી મહેરબાની કરો.. હું વધુ સમય નહીં લઉં."

"એકવાર ના પાડીને, કાયદા વિરુદ્ધ ન જઈ શકાય."

"સાહેબ... એકવાર મળી લેવા દયો, હું કોઈને તમારું નામ નહીં કહું, જોઈએ તો આ વીંટી તમે રાખી લ્યો પ...ણ.... એકવાર મળી લેવા દયો."

"ઠીક છે....પણ ફક્ત બે જ મિનિટ....એનાથી વધુ સમય ન લાગવો જોઈએ, નહિતર....." ઇન્સ્પેક્ટરે ખીમજી પટેલ સામે ડંડો ઉગામવા હાથ ઊંચો કર્યો.

"જી....જી....સાહેબ, બહુ મોટી મહેરબાની તમારી."

"જાઓ બેન, મળી લ્યો...." ઇન્સ્પેક્ટરે કોટડી તરફ જવાનો ઈશારો કર્યો એટલે લાજુબાઈ ત્યાં ગઈ.

" લાજુબાઈ, તમે સાહેબને શું કીધું...? જે હોય એ સાચું કહી દયો નહીંતર તમે તો મને જાણો જ છો," ખીમજી પટેલે કમરે ખોસેલી કટાર પર હાથ ફેરવ્યો.

"માલિક.... કાંઈ નથી કીધું...એ તો ખાલી શેઠનો સંદેશ આપવાનો હતો એ જ આપ્યો."

"ખોટું નહીં બોલો મારી સામે.... હું તમને પણ ઓળખી ગયો છું. મારી જ ચાલ તમે મારી સામે રમો છો. સાચું બોલો" ખીમજી પટેલનો અવાજ સહેજ ઊંચો થઈ ગયો.

"અવાજ નીચો.... માલિક... તમે ભૂલી ગયા છો કે તમે અત્યારે ક્યાં છો,"

"મને બધી ખબર છે કે હું ક્યાં છું.... પણ તમે એ ના ભૂલશો કે તમે અત્યારે કોની સામે ઊભા છો અને તમે મને બહુ જ સારી રીતે ઓળખો છો."

"મેં શું કીધું છે એ તમે સાહેબને જ પૂછી લેજોને.. એક વીંટી આપી તો મળવા દીધું હવે બીજું કાંઈક આપશો તો એ લાચિયો ઇન્સપેક્ટર તમારી સામે બકી દેશે મેં શું કીધું છે એ..."

"મારી સામે ચાલાકી નહીં લાજુબાઈ...." ખીમજી પટેલે ફરી કમરે હાથ ફેરવ્યો.

"ચાલો...સમય પૂરો થયો....બે મિનિટ પુરી થઈ ગઈ." ઇન્સ્પેક્ટરે આવીને કોટડીના દરવાજે પોતાનો ડંડો પછાડ્યો.

"જી... સાહેબ....હું રજા લઉ છું," લાજુબાઈએ ખીમજી પટેલ સામે સ્મિત કર્યું અને નીકળી ગઈ.

""સાહેબ.... તમને આ બેને શું કીધું?"

"તમને એનાથી શું મતલબ, એણે મને જે કીધું હોય એ."

"સા....હે....બ...." કુરતાના ખિસ્સામાંથી કેટલાક રૂપિયા કાઢીને ખીમજી પટેલે કોઈ જોઈ ના જાય એમ ઇન્સપેક્ટરના હાથમાં પકડાવી દીધા.

"લાલચ બુરી બલા છે પણ શું કરું ઘરે બૈરું-છોકરાનો પણ વિચાર કરવો પડે અને આજે તો સવારથી જ મારા હાથમાં ખંજવાળ આવતી હતી" રૂપિયાની ચમકથી અંજાઈને ઇન્સ્પેક્ટરે જલ્દી જલ્દી રૂપિયા પોતાની પેન્ટના ખિસ્સામાં મૂકી દીધા.

"એ બેને મને એમ કીધું કે........" ધીમા અવાજે ઇન્સ્પેક્ટરે કાંઈક કીધું જે સાંભળતા જ ખીમજી પટેલની આંખોમાં રોષ ઉભરી આવ્યો.

"એ બાઈ તમને અને મને બંનેને બેવકૂફ બનાવી ગઈ," મનોમન લાજુબાઈની ચતુરાઈ જોઈ ખીમજી પટેલ પણ ચકિત થઈ ગયા.

"એ બાઈ તમને ખાલી એટલું જ કહેવા આવી હતી કે એ તમને મારી પાસેથી કોઈ પણ કારણ વિના પૈસા અપાવી શકે છે અને તમે એની વાતમાં ભોળવાઈ પણ ગયા."

"વાહ....લાજુબાઈ....વાહ... તું તો ફક્ત ખાતરી કરવા આવી હતી કે હું અહીં છું કે નહીં. કાલે બપોરે સાહેબે ફોન કર્યો ત્યારે મને ખબર નહોતી કે અજાણતા જ એમણે તને મારા અહીંયા હોવાના ખબર આપ્યા છે." મનોમન વિચાર કરી ખીમજી પટેલ પાછા પોતાની જગ્યાએ જઈને બેસી ગયા.

"માલિક સમજી તો ગયા જ હશે કે હું ફક્ત એમના ત્યાં હોવાની ખાતરી કરવા જ ગઈ હતી અને પેલો લુચ્ચો લાંચીયો પોલીસ મળી ગયો એમાં મારું કામ થઈ ગયું. માલિક અંદરોઅંદર ધૂંધવાતા હશે અને મને ગાળો ભાંડતા હશે," વિચારતી વિચારતી લાજુબાઈ ઘરમાં દાખલ થઈ અને કામે વળગી.

"આ અનંતને હું છોડીશ નહીં.... એણે મને અહીં પહોંચાડ્યો એનો બદલો તો હું જરૂર લઈશ." ખીમજી પટેલે મનોમન નિર્ણય લીધો.

બીજે દિવસે પારેખ પરિવાર જામનગરથી આવી ગયો, લાજુબાઈએ હરખાતા હરખાતા જમનાના ઓવારણાં લીધા અને સામાન ઊંચકી જમના સાથે અંદર ગઈ. પારેખ પરિવાર પણ પોતપોતાના રૂમમાં ગયા અને નાહી-ધોઈ તૈયાર થઈ બધા જમવા માટે બેઠા.

"માસી... આ જુઓ તમારા થનારા જમાઈ અને જમનાના ભાવિ ભરથારનો ફોટો." અનંતે કાંતિનો ફોટો લાજુબાઈને બતાડયો જે લાજુબાઈ ભરેલી આંખે જોઈ રહી.

"તને છોકરો પસંદ છે ને જમના?" લાજુબાઈએ જમનાને પૂછ્યું તો જમનાએ શરમાતા શરમાતા હકારમાં માથું હલાવ્યું.

નિર્મળા અને સુજાતા જમીને આરામ કરવા પોતાના રૂમમાં ગઈ અને અનંત અને વલ્લભરાય હીંચકે બેઠા.

"બાપુ... કાલે કોર્ટમાં ખીમજી પટેલનો કેસ ચાલવાનો છે અને મારે પણ ત્યારે હાજર રહેવું પડશે. જોઈએ જજસાહેબ શું ચુકાદો આપે છે. તમે આરામ કરો, હું પેઢીએ જઈ આવું." અનંત પેઢીએ જતો રહ્યો અને વલ્લભરાય આરામ કરવા રૂમમાં ગયા.

પેઢીએ જઈ અનંતે બે દિવસનો બાકી રહેલો હિસાબ જોયો અને સાંજે પેઢી વધાવીને ઘરે જતાં પહેલાં પોલિસસ્ટેશનમાં ગયો.

"આવો પારેખ સાહેબ...સારું થયું તમે આવી ગયા. કાલે તમારે પણ કોર્ટમાં હાજર રહેવાનું છે એ યાદ છે ને?"

"હા... સાહેબ યાદ છે, આ તો ઘરે જતો હતો તો થયું તમને મળતો જાઉં."

"એક વાત કરવી છે.... તમારા ઘરે જે બેન છે ને...શું નામ... યાદ આવ્યું, લાજુબાઈ, કાલે અહીં આવ્યા હતા ખીમજી પટેલને મળવા."

"શું....?" એક આંચકા સાથે અનંત ખુરશીમાં બેસી ગયો, પણ તમે એમને મળવાની પરવાનગી કેમ આપી અને એમની વચ્ચે શું વાતચીત થઈ તમને કાંઈ ખબર છે?"

"શું વાત થઈ એ તો કહેવું મુશ્કેલ છે પણ બે જ મિનિટમાં એ અહીંથી જતા રહ્યા."

"આભાર ઇન્સપેક્ટર સાહેબ... હું પણ રજા લઉં છું હવે."

અનંત ત્યાંથી નીકળીને ચાલતાં ચાલતાં વિચારવા લાગ્યો કે લાજુમાસી ખીમજી પટેલને કેમ મળવા આવ્યા હશે... અને કાલે કોર્ટમાં શું થશે....?" વિચારતા વિચારતા ક્યારે ઘરે પહોંચ્યો એની એને પોતાને પણ ખબર ન પડી.....

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.