Stories During Corona - 2 books and stories free download online pdf in Gujarati

કહાની કોરોનાની - 2 - અંતિમ પડાવ

"ક્યાં છું હું???? અહીં કેવી રીતે આવ્યો???? કોણ લાવ્યું હશે મને અહીં???? કેવી રીતે ઊંચક્યો હશે મને???? મારી આંખો બંધ થાય અને ક્યારેક ખુલે???? જેટલી વાર આંખો ખુલે એટલી વખતે હું જોઉં કે મારી સામે ઘણા-બધા લોકો કોઈ અજબ પ્રકારના કોટ અને માસ્ક પહેરી દોડાદોડ કરી રહ્યા છે. હું માત્ર એમને જોઈ જ રહું છું. અને પાછી મારી આંખો બંધ થઈ જાય છે. આંખો બંધ થાય કે કોઈ વસ્તુનો બીપ... બીપ... અવાજ આવ્યા કરે છે. આસપાસ એ જ દોડધામ અને લોકોની કાનાફુસી. ખબર નથી ક્યાં સુધી આ ચાલશે? ખબર નહિ ક્યાં સુધી આ દર્દ સહેવો પડશે?"
"કેટલી સીમિત હતી મારી ઝીંદગી... અને હવે હું ક્યાં છું? મારી પત્ની.. મારુ નાનકડું એક વર્ષનું બાળક... મારા માતા-પિતા... કેટલી ઉમ્મીદ હતી બધાને મારા પ્રત્યે... ગામમાં એક ઘર લઈશું... અમારી જમીન છોડાવશું... મારા માતા-પિતાને ફરાવીશ. પત્ની અને બાળકને જોઈતું બધું લઈ આપીશ. પણ શું થઈ શકે? કઈ નહિ... મારો સમય પૂરો થયો. આ દુનિયા પુરી થઈ મારી માટે. હવે મારુ કઈ જ અહીં નથી......"

આ વિચારતા જ હોસ્પિટલના આઈ.સી.યુ.માં સ્ટ્રેચર પર પડેલ એ વ્યક્તિના આંખોમાંથી એક આંસુ નીકળી ગયું. સામે જ એની પત્ની રૂમની બહાર કાચના દરવાજા આગળ ઉભી છે. એના પતિની આ હાલત જોઈ એનું કલેજું કંપી ગયું. લગ્નને માંડ હજુ 2 વર્ષ થયાં હતાં. અને એની આ હાલત....

રવજી અને પન્ના. એવું જોડું જે કોઈની પણ બળતરાનું કારણ બને. પરિવારની સંમતિથી લગ્ન થયેલ હોવા છતાં એ બંને વચ્ચે અદભુત પ્રેમ હતો. એ બંને એકબીજા માટે કઈ પણ કરવા તત્પર રહેતા. પન્નાથી એના સાસુ-સસરા પણ ખૂબ ખુશ હતા. 'દીકરી જેવી વહુ ભગવાને આપી છે' એ માટે એ ભગવાનનો પાડ માનતા. બધું જ સુખ-શાંતિથી ચાલી રહ્યું હતું. અને બે વર્ષમાં તો એમના જીવનમાં એમનો દીકરો અંશ પણ આવી ગયો. ખૂબ સુખી પરિવાર હતું એમનું, પણ અચાનક કોઈની નજર લાગી ગઈ આ પરિવારને... કોની????

લખીગામ - ભરૂચ જિલ્લામાં આવેલું દહેજની નજીકનું ગામ. આમ તો અહીં ખેતી જેવું ખાસ કંઈ રહ્યું નથી. પણ અહીંના બધા જ લોકો દહેજની મોટી-મોટી કંપનીઓમાં નોકરી કરી એમનું ગુજરાન ચલાવી રહ્યા હતા. આવો જ એક પરિવાર એટલે રવજી અને પન્નાનો પરિવાર. ગામના મોટાભાગના લોકો દહેજની કોઈનેકોઈ ફેકટરી સાથે સંકળાયેલા હતા. એમને બધાને એમ જ લાગતું કે 'એટલી કમાણી કદાચ શહેર જાય તો પણ ન થાય.'
રવજીના વિચારો આથી કંઈક અલગ હતા. એ પોતાના માતા-પિતા, પત્ની અને બાળકને બધી ખુશીઓ આપવા માંગતો હતો. એટલે જ એણે આ ફેકટરીઓનો મોહ છોડી ભરૂચમાં જ મજૂરી કરવાનું પસંદ કર્યું. ભરૂચના માર્કેટ યાર્ડમાં એ ત્યાં આવતી ગાડીઓમાંથી સામાન ઉતારવામાં અને ચઢાવવાનું કામ કરતો. અને ત્યાંથી જ એની કમાણી અને ઘર માટેના સામાનની વ્યવસ્થા થઈ જતી હતી. એ ત્યાં રોજિંદી આવ-જા કરતો. પરિવાર સામે જોઇને જ એનો મોટાભાગનો થાક ઉતરી જતો.

એવામાં 2020ના માર્ચ મહિનામાં સરકારે લોકડાઉન જાહેર કરી દીધું. ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી આ. કોરોનાની મહામારી અને જીવન ચલાવવાની મજબૂરી. એ બંને વચ્ચે મધ્યમવર્ગ ખૂબ પીસાયો.
રવજી પણ પોતાના કુટુંબ માટે ખર્ચ અને જીવનજરૂરી વસ્તુઓના બે છેડા ભેગા કરવા મથામણ કરી રહ્યો હતો. બચત ખાસ હતી નહિ અને જેટલી હતી એ કોરોના લોકડાઉનમાં પુરી થઈ ગઈ. બસ પછી શું? જ્યારે મે મહિનામાં આંશિક લોકડાઉનની જાહેરાત થઈ કે રવજી ભરૂચની મજૂરી છોડી એના દોસ્તાર સાથે દહેજની એ જ કેમિકલ ફેકટરીમાં જોડાયો જેમાં અડધું ગામ જોડાયું હતું.
કમાણી થવાથી એનો ઘણો બોજો હળવો થયો. એને લાગ્યું કે હવે કોઈ મુસીબત નહિ આવે. કેમિકલ ફેકટરી છે એ ડર પણ એને બાજુમાં મૂકી દીધો. એણે પોતાના પરિવાર માટે બધા જ જોખમો નજરઅંદાજ કર્યા. પોતાના માતા-પિતા અને પત્નીને પણ સમજાવી દીધી.

2 જુનના એ કારમાં દિવસે જ્યારે રવજી એના કામ પર ગયો, ત્યારે થોડા જ સમય બાદ એના કામની જગ્યા પર બોઈલરમાં બ્લાસ્ટ થયો અને એમાં ઘણા લોકોના મૃત્યુ થયા અને અનેકો જખમી થયા. જેમાં એક રવજી હતો.
જે લોકો ત્યાં મૃત્યુ પામ્યા હતા એમના શરીર પણ ત્યાંથી લેવાય એવી હાલત નહતી. અને જખમી થયેલા લોકોની એ હાલત નહતી કે એમને ઊંચકીને હોસ્પિટલમાં લઈ જવાય.....

જ્યારે બોઇલર બ્લાસ્ટ થયું, ત્યારે રવજી એની પાસે જ હતો. એક જોરદાર ધમાકો અને એની આંખો સામે અંધારા આવી ગયો. એ ભાનમાં ન રહ્યો. આ અવસ્થામાં પણ એને એવું લાગ્યું કે એનું શરીર છે જ નહીં, શરીર પર ચામડી એને અનુભવાઈ જ નહીં. એનું શરીર પણ પીગળવા લાગ્યું હતું. એના શરીર પર અસંખ્ય ઘા પડ્યા હોય અને કેટલીય સોયો મૂકી હોય એવો એને દર્દ થવા લાગ્યો. આ દર્દ એટલો હતો કે બુમો પાડીને જ મરી જવાય. તેમ છતાં એના મોમાંથી અવાજ નીકળી રહ્યો નહતો. પોતાના શરીરની આ હાલત મૂક પ્રેક્ષક બની જોયા સિવાય એની પાસે કોઈ રસ્તો નહતો. એને હોસ્પિટલમાં લઈ જવા માટે જે ટિમ આવી હતી, એ એને ઉંચકતા પણ ખચકાઈ રહી હતી. એમને પણ ખ્યાલ હતો કે એનામાં હવે કઈ બચ્યું નથી. તેમ છતાં ડોકટર તરીકે ફરજ તો નિભાવવી જ રહી. એટલે એમણે એને હોસ્પિટલ લઈ જવા માટે નીચેના ફ્લોર તોડી એ સહિત એને સ્ટ્રેચર પર લીધો.
કોરોના અને કેમિકલ બંનેની અસરથી બચવા ડોકટરોએ પી.પી.ઈ. કીટ ઉપરાંત કેટલાક સેફટી મેઝર્સનું પણ ધ્યાન રાખ્યું. હોસ્પિટલમાં રવજીને ઓક્સિજન પર મૂકી દેવાયો. બાટલા ચઢાવવા કે ઈન્જેકશન આપવા માટે એનું શરીર નકામું બની ગયું હતું. જ્યાંથી એને પકડવામાં આવે ત્યાંથી એની ચામડી અને માસ એક પીગળતા પ્લાસ્ટિકની જેમ નીચે પડી રહ્યું હતું. લોહી જેવું કંઈ એના શરીરમાં જ ન હોય એવું લાગી રહ્યું હતું. એ કાળો પડવા લાગ્યો હતો.
છેવટે એના આંખોમાંથી જ્યારે આંસુ નીકળ્યું ત્યારબાદ એનું મોં ખુલ્લું થઈ ગયું અને આંખો કાચની દીવાલ પર ટકી રહી જ્યાં એની પત્ની ઉભી હતી. અને બસ એનો જીવ જતો રહ્યો.
એની પત્ની બહાર હૈયાફાટ રુદન કરતી રહી. કોઈ પથ્થર પણ પીગળી જાય એવું એનું રુદન હતું. પણ એનાથી એનો રવજી પાછો ન આવ્યો. વાતાવરણમાં ક્યાંક દૂર રવજીની એ ચીસો ગુંજવા લાગી જે બોઇલર ફાટતી વખતે કદાચ નીકળી હોત, પણ હવે આ કોઈનો કઈ મતલબ નહતો. હવે બધું જ પૂરું થઈ ગયું હતું. આ વર્ષ માનવજાતિના નુકસાન માટે એના ચરમ પર હતું.

(આ વર્ષ દરમિયાન ઘણા લોકોએ પોતાના વ્હાલાઓને ખોવ્યા છે. જંગલોની આગ, કોરોના મહામારી, પ્લેન ક્રેશ, ફેકટરી બ્લાસ્ટ, મોટા એક્સિડન્ટ... જ્યાં જુઓ ત્યાં એક નવી મુસીબત રોજ સવારે આપણી રાહ જોઈને ઉભી હતી. આ વર્ષ પુરા થવાનો આનંદ મોટાભાગે તો આખી દુનિયાને હશે, ન્યૂઝચેનલને છોડીને. કારણકે એમની તો ટી.આર.પી. જતી રહેશે હવે. આ વર્ષ હતું જ એવું કંઈક કે જેમાં કુદરતી રીતે કે આપતિઓને કારણે આપણે ઘણા નજીકના લોકોને ગુમાવ્યા. એમને નામ 2020ની આ આખરી સલામ....)