Aage bhi jaane na tu - 29 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 29

પ્રકરણ - ૨૯/ઓગણત્રીસ

ગતાંકમાં વાંચ્યું....

ખીમજી પટેલને ચોરીના આરોપરૂપે સજા મળે છે. જમના લગ્ન પછી પહેલીવાર પિયર આવે છે ત્યારે લાજુબાઈનું નિધન થાય છે અને અધૂરામાં પૂરું એવી ઘટના બને છે જેનાથી દરેકના જીવનમાં ઉઠલપાથલ મચી જાય છે....

હવે આગળ....

જમનાના લગ્નને એકાદ મહિનો વીત્યો હશે ત્યાં જમના લગ્ન પછી ફેરો વાળવા કાંતિ સાથે વડોદરા આવી હતી. બે દિવસ રોકાઈને કાંતિ તો પાછો જામનગર જતો રહ્યો હતો. સુખી લગ્નજીવનની અનેરી ચમક જમનાના રતુમડા ગાલોને ચમકાવી રહી હતી. જમનાના આવ્યા બાદ પારેખ નિવાસમાં ચહેલપહેલ અને રોનક વધી ગઈ હતી. લાજુબાઈના ચહેરા પર પોતાને સર્વ સુખ મળ્યાની સંતોષની ઝલક સાફ છલકાઈ રહી હતી. દીકરી સુખી હોવાનું જાણી પોતે હવે નિશ્ચિન્ત બની ગઈ હતી પણ સર્વસ્વ પામ્યાની અદકેરી ખુશી જ એના મૃત્યુનું કારણ બનશે એ તો એ પોતે પણ જાણતી નહોતી અને જમનાના વડોદરા આવ્યાના પાંચમા દિવસે જ એ જમનાને પારેખ પરિવારના હાથમાં સોંપી દઈ અનંતની વાટે ઉપડી ગઈ. હજી લગ્નની ખુશીઓ પુરી નહોતી થઈ ત્યાં જ જમનાના લગ્નજીવનને જાણે ગ્રહણ લાગી ગયું હતું એમ અધૂરામાં પૂરું, એક દિવસ વહેલી સવારે જ જામનગરથી હેમલતાનો ફોન આવ્યો જે જમનાની શાંત વહેતી સરિતા જેવી જિંદગીમાં સુનામી લઈ આવ્યો.....

"હેલો," નિર્મળાએ ફોનની રિંગ વાગતાં રીસીવર ઉપાડી કાને ધર્યું.

"હેલો, વેવાણ, હું હેમલતા...મારી વાત ધ્યાનથી સાંભળજો, અહીં, જામનગરમાં કાંતિને રોડ અકસ્માત થયો છે અને ઘટનાસ્થળે જ એનું......"

"શું..... ," નિર્મળાના હાથમાંથી રીસીવર છૂટી ગયું અને એ ભીતને અઢેલીને ફસડાતી નીચે બેસી ગઈ.

"અનંત.....સુજાતા...." નિર્મળાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

"મા... શું થયું?" સુજાતા બધું કામ પડતું મૂકી દોડી આવી ને જોયું તો ફોનનું રીસીવર ટેબલ નીચે લટકતું હતું. મનમાં જ એણે શંકા-આશંકાના અનેક તાણાવાણા વણી લીધા, કોઈક તો અઘટિત ઘટના ઘટી હોવાના એંધાણ એને વર્તાઈ રહ્યા. પોતાના રૂમ તરફ દોડી જઈને એ અનંતને હાથ પકડી રીતસર ખેંચી લાવી.

"મા....મા....શું થયું છે?" અનંતે નિર્મળાને હચમચાવીને પૂછ્યું.

ધીમે ધીમે કળ વળતી હોય એમ નિર્મળાએ આંખે વહેતી આંસુની ધારા સાથે અનંતને જોઈ એને વળગીને પોક મૂકી. અનંત અને સુજાતા હજીપણ અવાચક સ્થિતિમાં જ હતા.

"મા...." સુજાતાએ નિર્મળાને માથે હાથ ફેરવ્યો એટલે નિર્મળાએ રોકી રાખેલો આંસુઓનો બાંધ તૂટી પડ્યો. બંનેને વળગીને નિર્મળા હીબકાં ભરીને રડવા લાગી.

"હમણાં જ હેમલતાબેનનો ફોન હતો, અને....અને..... કાંતિનું રોડ અકસ્માતમાં....અચાનક....જ..." કહેતાં નિર્મળા ફરી હિબકે ચડી.

"શું?" હવે ચોંકવાનો વારો અનંત અને સુજાતાનો હતો.

"હજી તો લાજુબાઈની ચિતાની રાખ પણ નથી ઠરી ત્યાં જમનાના માથે આટલો મોટો દુઃખનો ડુંગર તૂટી પડ્યો, એને સાચવવી પણ ભારે પડશે."

"હા.. સુજાતા, પણ આ વાત પણ એને કહેવી તો પડશે જ, એક કામ કરીએ તું હમણાં જ આપણા ત્રણેની જામનગર જવાની તૈયારી કર, જમનાને હમણાં કાંઈ જ નથી કહેવું, એને ફક્ત કાંતિની તબિયત સારી નથી એમ જણાવીને જ એને આપણી સાથે લઈ જવી પડશે."

"તમારી વાત તો સાચી છે, જો હમણાં જમનાબેનને કાંઈપણ કહેશું તો એ સાવ ભાંગી પડશે. લાજુમાસીને ખોવાની કળ હજી વળી નથી ત્યાં જ હજી નવજીવનની શરૂઆત જેની સાથે કરી એવા જીવનસાથીના મૃત્યુનો આઘાત એ જીરવી નહીં શકે. હું હમણાં જ તૈયારી કરવા જાઉં છું અને તમે બાપુને બધી વાત કરો કેમ કે માની મનસ્થિતિ પણ બરાબર નથી એમને પણ સાચવવા પડશે. બાપુ આંટો મારીને આવતા જ હશે, એમની સાથે વાત કરી આપણે નીકળી જઈએ ત્યાં સુધી હું જમનાબેનને પણ જામનગર જવાનું કહી તૈયાર કરી દઉં." સુજાતાએ નિર્મળાના ખભે હાથ મૂકી, એના વહેતા આંસુ પોતાના પાલવથી લૂછી, મુક હિંમત અને સાંત્વન આપી રસોડામાં જતાં પહેલા જમનાના રૂમમાં ગઈ.

જમના પલંગ પર લાજુબાઈની સાડી છાતીએ દબાવીને સુનમુન બેઠી હતી. રડી રડીને ગાલ પર સુકાઈ ગયેલા આંસુઓના નિશાન હજી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. એની કોરીધાકોર આંખોમાં લાલાશ તરી આવી હતી. નિર્જીવ પૂતળાની માફક બેઠેલી જમનાને શું કહેવું એની વિમાસણ સુજાતાને થઈ રહી હતી.

"જમનાબેન, મારી સામે જુઓ," સુજાતાએ પોતાના બંને હાથો વડે જમનાનો ચહેરો ઉંચો કર્યો પણ એની ભાવહીન આંખો અને રૂની પૂણી જેવો ફિક્કો પડી ગયેલો નિર્વિકાર અને નિશબ્દ ચહેરો જોઈ સુજાતાની આંખોમાં આંસુ આવી ગયા.

"જુઓ, આપણે હમણાં જ જામનગર જવા નીકળવાનું છે, મા નો ફોન હતો, એમણે કીધું કે કાંતિભાઈની તબિયત જરા બગડી છે તો તમને જામનગર મૂકી જવા કીધું છે, તમે તૈયાર થઈ જાઓ. હું બીજી તૈયારીઓ કરું છું અને ચા પણ બનાવું છું. ચાલો," સુજાતા જમનાને બાથરૂમ તરફ દોરી ગઈ અને જમના એની દોરવાઈ નિર્જીવ લાશની જેમ પરાણે પગ ઉપાડતી ગઈ.

જમનાને કહી સુજાતાએ રસોડામાં આવી ચા મૂકી અને બીજી તૈયારીઓમાં લાગી ગઈ. થોડીવારમાં વલ્લભરાય પણ આવી પહોંચ્યા એમને નિર્મળા પાસે જવાનું કહી પોતે ફટાફટ બધું કામ પતાવવા લાગી.

"સુજાતા, દીકરા, તમે હવે નીકળવાની તૈયારી કરો, બીજું કામ હું પતાવી લઈશ અને બાજુમાં અરૂણામાસી છે ને એની વહુને બોલાવી લઈશ તો એ મને મદદ કરશે." પોતાનો ચહેરો ધોઈ, આંસુઓને પાણી સાથે વહાવી દઈ, સ્વસ્થતાનું મહોરું ઓઢી નિર્મળા રસોડામાં આવી.

"જી, મા, બસ કામ લગભગ પતી જ ગયું છે, હું તો તૈયાર જ છું. બાપુ આવે એટલે એમને મળીને નીકળીએ."

વલ્લભરાય આંટો મારીને પાછા ફર્યા એટલે તરત જ અનંત એમને એમના રૂમમાં લઈ જઈ બનેલી દુઃખદ ઘટના કહી સંભળાવી.

"પળભરમાં આ શું થઈ ગયું? આપણી જમનાએ એવું તે કેવું પાપ કર્યું છે કે ઈશ્વર એની આવડી મોટી સજા એને આપી રહ્યો છે?" વલ્લભરાયની આંખો પણ અશ્રુઓ છલકાવી રહી હતી. "તમે ઝટ નીકળો, સાચવીને જજો અને જમનાની કાળજી લેજો. અહીંની ચિંતા નહિ કરતા. હું પેઢી અને નિર્મળા બંનેને સાચવી લઈશ." વલ્લભરાયે ઝભ્ભાની બાંયથી આંખો લૂછી અને મોઢું ધોવા બાથરૂમ તરફ જતા રહ્યા.

વલ્લભરાય સાથે વાત થઈ એટલે અનંત અને સુજાતા જડ જેવી કઠપૂતળી જેમ કોઈની દોરવાઈ દોરાતી જમનાને લઈ ગાડીમાં જામનગર જવા નીકળી ગયા. રસ્તામાં કામની વાત સિવાય ત્રણેય બારી બહાર જોતા નિ:શબ્દ બેસી રહ્યા.
રસ્તામાં એક-બે ઠેકાણે ચા માટે ગાડી થોભાવી, સાંજ થતા પહેલા જ જામનગર જમનાને સાસરે પહોચી ગયા.

ઘરના આંગણામાં ભીડ જોઈ જમનાનો જીવ ઊંચોનીચો થવા લાગ્યો. "એમની તબિયત તો સારી હશે ને, મારો જીવ ચૂંથાય છે. કોઈ અકલ્પનીય ઘટનાના પગરવ સંભળાય છે. શું થયું હશે?" મનોમન સેંકડો વિચારો એના મનમાં સળવળવા લાગ્યા.

હવે જમનાને શું કહેવું, કેવી રીતે કહેવું અને એને કેમ સાચવવી એના નિરૂપાય ઉત્તર વિશે વિચારતાં અનંત અને સુજાતા ગાડીમાંથી નીચે ઉતર્યા, સુજાતાએ જમનાનો હાથ સજ્જડ રીતે પકડી રાખ્યો હતો. એ ત્રણેને જોઈ એકઠી થયેલી ભીડે એમને અંદર જવા માટે માર્ગ બનાવી આપ્યો.

દરવાજાની સામે જ જમનાના સસરા ઈશ્વરભાઈ એમના બે જમાઈ અને બીજા સંબંધીઓ સાથે બેઠા હતા અને એમના પગ પાસે જ કાંતિનો નિશ્ચેતન દેહ સફેદ કપડું ઓઢીને પડ્યો હતો. એના ચહેરા પર પથરાયેલી શાંતિ જોઈ જમનાના પગ ઉંબરે જ થીજી ગયા પણ બીજી જ પળે એ સુજાતાનો હાથ છોડાવી અંદર તરફ દોડી.

"ત્યાં જ ઉભી રહેજે કાળમુખી," અંદરથી જમનાના સાસુ ગોદાવરીબેને ત્રાડ પાડી, "ખબરદાર ઉંબરો ઓળંગીને અંદર આવી છે તો." જમના અને એની સાથે સાથે અનંત અને સુજાતા પણ દરવાજામાં જ ઉભા રહી ગયા.

"આવી અપશુકનિયાળ વહુનો પગ મારા ઘરમાં ન જોઈએ, પરણીને એક જ મહિનામાં પોતાની મા અને પતિને ભરખી ગઈ, તું તો ડાકણ છે ડાકણ... અરે...ડાકણ પણ કદાચ એક ઘર છોડી દેતી હશે પણ તેં તો પોતાનાઓને જ....." ગોદાવરીબેન પોતાની છાતી પર હાથ પછાડતા પોક મૂકીને રડવા લાગ્યા.

અનંત અને સુજાતાને તો શું બોલવું ને શું કરવું એ જ સમજાતું નહોતું.

"ન જોઈએ આવી ભાભી અમને, જે અમારા એકના એક વ્હાલસોયા ભાઈનો કોળિયો કરી ગઈ." કાંતિની બહેનોએ પણ કકળાટ શરૂ કર્યો.

" ફઈ, કેવી વાત કરો છો તમે, હજી પણ તમે આ બધી વાહિયાત અને પાયા વિનાની અંધશ્રદ્ધામાં માનો છો. સમય બદલાઈ ગયો પણ તમે હજી નથી બદલાયા. જન્મ અને મૃત્યુ તો ઉપરવાળાના હાથમાં છે, આપણે એમાં કાંઈ ન કરી શકીએ. આપણે તો ફક્ત ઈશ્વરના હાથની કઠપૂતળીઓ છીએ એ જેમ નચાવે એમ નાચવાનું અને જ્યારે આપણું કિરદાર પૂરું થાય એટલે એ રંગમંચ પર પરદો પાડી દે એટલે આપણો ખેલ ખતમ," હેમલતા ગોદાવરીબેનને સમજાવી રહી હતી પણ એ સ્ત્રી વારંવાર આ બધાનું મૂળ જમનાને જ ઠેરવતી રહી.

અનંત અને સુજાતાએ પણ કાંતિની બહેનોને સમજાવવાની કોશિશ કરી પણ વ્યર્થ ગઈ. જમનાના સાસરિયા કોઈ કાળે એનો સ્વીકાર કરવા તૈયાર નહોતા અને જમના છાસમાં ઘુમરાઈ રહેલા વલોણાની માફક ઘુમરાઈ રહી હતી.

"ઠીક છે, તમને એમ જ લાગે છે ને કે આ બધાનું કારણ હું છું, તો હું પણ આમની ચિતામાં એમની સાથે જ સળગી જઈશ પછી તમને નિરાંત થશે," આક્રોશથી થરથરતી જમના કાંતિના પગ પાસે જ બેસી ગઈ.

"જમનાબેન, આ તમે શું બોલી રહ્યા છો, અત્યારે તમારી અંદર આક્રોશ ઉકળી રહ્યો છે અને તમારા આ ભાઈ-ભાભી તમને આવું કરવા દેશે એવું તમે કેમ માની લીધું. હજી તો જિંદગી બાકી પડી છે, હવે તમારે અહીં નથી રહેવાનું. અમે તમને અમારી સાથે પાછા વડોદરા લઈ જઈશું, આવા લોકોની વચ્ચે અપમાનથી રહેવા કરતાં ત્યાં તમે સ્વમાનથી તો જીવી શકશો."

"હા જમનાબેન, સુજાતા સાચું જ કહે છે, હું તમને એક પળ માટે પણ અહીં રહેવા નહિ દઉં." અનંતે પાછા જવા પગ ઉપાડ્યા પણ સુજાતાએ કાંતિની અંતિમક્રિયામાં કોઈ તમાશો થાય અને અંતિમવિધિ પુરી થયા પછી જ નીકળવા માટે અનંતને સમજાવી લીધો.

ભારે રોકકળ અને શાંતિ ચીરતી કરુણ રુદનની વચ્ચે કાંતિની અંતિમયાત્રા નીકળી. જમનાને તો એના સાસરિયાએ ફક્ત એક જ વાર એને કાંતિનો ચહેરો જોવા દઈ બધાની વચ્ચે એને અપમાનિત કરી રડતી છોડી દીધી. પણ, સુજાતાએ એને પોતાના ગળે વળગાળી મોકળે મને રડવા દીધી એને સંભાળી લીધી.

અંતિમયાત્રામાં આવેલા સગા-સંબંધીઓની ભીડમાં અનંતે ખીમજી પટેલના ચહેરાની અછડતી ઝલક જોઈ એટલે એ ખાતરી કરવા એ ચહેરાની પાછળ ગયો પણ ત્યાં સુધીમાં તો એ ચહેરો ક્યાંક અલોપ થઈ ગયો અને અનંત અહીં-તહીં હવાતિયાં મારવા લાગ્યો........

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.